(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘સ્વામી બ્રહ્માનન્દ ચરિત’નો ગુજરાતી અનુવાદ શ્રી અમરશીભાઈ ગાંગાણીએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ -વિવેકાનંદ ભાવધારા સાથે વર્ષોથી જોડાયેલા છે. – સં.)

આ સમયે નરેન્દ્રનાથ ધર્મભાવમાં ઉદ્‌બુદ્ધ થઈને નિરામિષ ભોજન કરતા, જમીન પર અથવા કામળા પર શયન કરતા. એમનું અને રાખાલચંદ્રનું મુખ્ય લક્ષ્ય નિષ્ઠાપૂર્વક બ્રહ્મચર્ય-પાલન અને નિયમિત રૂપે ઈશ્વરની આરાધના કરવાનું હતું. બંનેય સહજ આડંબરરહિત જીવનયાપન કરતા અને મસ્જિદવાડી સ્ટ્રીટમાં અંબિકાચરણ ગુહ દ્વારા પરિચાલિત કુસ્તીના અખાડામાં નિયમિત વ્યાયામ કરતા. આ રીતે સ્વસ્થ, સબળ શરીર-ગઠન, બ્રહ્મચર્ય-પાલન, બ્રાહ્મસમાજની ઉપાસનામાં યોગદાન તથા ઘરમાં ધ્યાન-ધારણા વગેરે બાબતો તરફ રાખાલચંદ્રનો જેટલો ઝોક થતો ગયો, લખવા-વાંચવા તરફ એમની ઉદાસીનતા એટલી જ વધતી ગઈ.

માતાપિતા, આત્મીય સ્વજનો—બધાં એમના વિશે ચિંતિત થઈ ઊઠ્યાં. સાંસારિક વિષયોમાં યુવકના આચરણને સાધારણ લોકોથી જુદું જોઈને, એના સંભવિત કારણને શોધવાના પ્રયત્નો થયા, પરંતુ સીધે-સીધું કોઈ કારણ પકડમાં આવ્યું નહીં. સદ્‌ચરિત્ર, ગુણવાન યુવકના મનનો તાગ તેઓ પામી શક્યાં નહીં. ભણતરની અવગણના સિવાય યુવકના વિરુદ્ધમાં બીજો કોઈ વિશેષ દોષ હતો નહીં. સાધારણ સંસારિક યુક્તિથી આત્મીયજનોએ વિચાર્યું કે યુવકને વિવાહના બંધનમાં બાંધી દેવાથી એને સાંસારિક જવાબદારીનું ભાન થશે, વિષયાનુરાગમાં પણ વૃદ્ધિ થશે. એ લોકોની સલાહથી આનંદમોહન અને શ્યામલાલ યોગ્ય પાત્રની શોધ કરવા લાગ્યા. નજીક જ શિમલાપલ્લીમાં કોન્નગરના સદ્‌ગૃહસ્થ મિત્ર-વંશના મનોમોહન મિત્ર રહેતા હતા. મનોમોહનના પિતા ભુવનમોહન મિત્ર સરકારી ડોક્ટર હતા. સજ્જન, ધાર્મિક મનોમોહન શ્યામલાલથી પરિચિત હતા. એ સમયે મનોમોહન પોતાની નાની બહેન વિશ્વેશ્વરીના વિવાહને માટે યોગ્ય પાત્રની શોધમાં હતા. મનોમોહનની ભક્તિમતિ માતા શ્યામાસુંદરીએ પણ સુદર્શન, સ્વસ્થ, સબળ યુવકને જોઈને પસંદ કર્યો. થોડાક જ પ્રયાસથી પાત્રોની પસંદગીનું કાર્ય પૂરું થયું. બાળક-સ્વભાવ રાખાલને સાંસારિક વિષયનું બંધન ન હતું. માતા-પિતાના આજ્ઞાકારી રાખાલે વિવાહ અંગે કોઈ વિરોધ અથવા આપત્તિ કરી હોય એવું લાગ્યું નથી. ઈ.સ. 1881ના મધ્ય ભાગમાં એક શુભ દિવસે વિશ્વેશ્વરી સાથે રાખાલચંદ્રનાં લગ્ન સંપન્ન થયાં. એ સમયે રાખાલચંદ્રની ઉંમર લગભગ અઢાર વર્ષ તથા વિશ્વેશ્વરીની અગિયાર વર્ષ હતી. લીલામય ભગવાનની ગતિ ઘણી દુર્બોધ છે. આત્મીય સ્વજનો રાખાલચંદ્રના સહજ ભગવદ્‌-મુખી મનને લગ્નના તાંતણા વડે સંસારમાં દૃઢતાથી બાંઘી લેવા ઇચ્છતા હતા. પરંતુ કેવું આશ્ચર્ય છે કે, તે જ બંધનસૂત્ર બધાં સાંસારિક બંધનોને તોડવાનું તથા જગજ્જાળથી ચિરમુક્તિ પ્રાપ્ત કરવાનું પ્રત્યક્ષ કારણ બનશે!

મનોમોહન, એમની મા શ્યામાસુંદરી દેવી તથા નજીકના સંબંધી રામચંદ્ર દત્ત (રામચંદ્ર દત્ત અને મનોમોહન પરસ્પર મસિયાઈ ભાઈ હતા. બીજી બાજુ, નરેન્દ્રનાથ પણ રામચંદ્ર દત્તના નજીકના સંબંધી હતા.) વગેરે શ્રીરામકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરીને ધન્ય થયાં હતાં. ખાસ કરીને ભક્ત મનોમોહન અને એમની માતા શ્રીરામકૃષ્ણને ચૈતન્ય મહાપ્રભુનો અવતાર સમજીને એમની ભક્તિ અને સેવા કરતાં તથા બધી બાબતોમાં શ્રીરામકૃષ્ણના આશીર્વાદની અભિલાષા રાખતાં. શ્રીરામકૃષ્ણના પાવન આશીર્વાદ મેળવવાના ઉદ્દેશ્યથી ભક્ત મનોમોહન પોતાના બનેવી રાખાલચંદ્રને લગ્ન પછી એક દિવસ દક્ષિણેશ્વર કાલી મંદિરમાં લઈ આવ્યા. (નરેન્દ્રનાથ દક્ષિણેશ્વરમાં પહેલી વાર આવ્યા હતા ઈ.સ. 1881માં. એના ચાર-પાંચ મહિના પહેલાં જ રાખાલચંદ્રનું દક્ષિણેશ્વરમાં આગમન થયું હતું.) ગુરુ-શિષ્ય તથા ‘પિતા-પુત્ર’નું આ મિલન રામકૃષ્ણાવતાર લીલામાં એક વિશેષ ઉલ્લેખ કરવા યોગ્ય ઘટના છે.

પ્રેમવિગ્રહ શ્રીરામકૃષ્ણનાં દર્શન કરીને રાખાલચંદ્ર ઘરે પાછા ફર્યા, નિશાળે પણ જવા લાગ્યા, પરંતુ દક્ષિણેશ્વર તપોવનના આકર્ષણે એમના મનને ચંચળ કરી દીધું. શૈશવથી જ તેઓ પ્રાણોમાં એક અનિર્વચનીય અભાવનો અનુભવ કરતા રહ્યા હતા. શ્રીરામકૃષ્ણના સંસ્પર્શમાં આવતાં જ એમના આ અભાવ-અંધકારથી આચ્છાદિત હૃદયમાં આનંદજ્યોતિનું સ્ફૂરણ થયું. આ ઉપરાંત કોઈ અજ્ઞાત કારણવશ પણ દક્ષિણેશ્વરના આ અદ્વિતીય મનુષ્ય પ્રત્યે એમણે તીવ્ર આકર્ષણનો અનુભવ કર્યો. થોડાક જ દિવસો પછી નિશાળેથી ઘરે પાછા ન ફરીને તેઓ એકલા જ દક્ષિણેશ્વર કાલી-મંદિરમાં ગયા. શ્રીરામકૃષ્ણે પ્રેમપૂર્વક એમની અભ્યર્થના કરી અને સ્નેહથી પૂછ્યું, ‘તને અહીં આવવામાં આટલું મોડું કેમ થયું?’ શું જવાબ આપે તે? મૌન રાખાલ શ્રીરામકૃષ્ણના મુખ તરફ એકીટશે જોતા રહ્યા, શ્રીરામકૃષ્ણ પણ શ્રીશ્રીજગન્માતા દ્વારા પ્રેરિત બાળકને તન્મયતાથી જોવા લાગ્યા.

‘મનેર માનુષ હય જે જના, ઓ તાર નયને જાય ગો ચેના.’ (હૃદયાકાંક્ષિત વ્યક્તિને એમની દૃષ્ટિથી જ ઓળખી લેવામાં આવે છે.) બંનેમાં જાણે એક સમજણ થઈ ગઈ. શ્રીરામકૃષ્ણમાં રાખાલચંદ્રને એક જ આધારમાં પિતા, માતા, પ્રાણસખા અને કરુણામય શ્રીગુરુનાં દર્શન થયાં. શ્રીરામકૃષ્ણે પણ જોયું શુદ્ધ સત્ત્વ નિત્ય સિદ્ધ એક દેવશિશુ, જે એમનો પોતાનો જ માણસ, આંખનો તારો અને ખોળાનો ખુંદનાર છે. તેઓ યુવકને નોબતખાનામાં શ્રીશારદાદેવીની પાસે લઈ ગયા.

પાછળના સમયમાં આ ઘટનાનો ઉલ્લેખ કરીને શ્રીમા કહેતાં હતાં, ‘તેઓ રાખાલને નોબતમાં લઈ આવ્યા. કહ્યું, ‘આ લો તમારો પુત્ર.’ રાખાલે મને પ્રણામ કર્યા. રાખાલના મસ્તક પર હાથ રાખીને તથા હડપચીનો સ્પર્શ કરીને ચૂંમતાં મેં કહ્યું, ‘એમને પણ પ્રણામ કર, બેટા!’ રાખાલે એમને પણ પ્રણામ કર્યા. ઘરમાં જે મીઠાઈ હતી, એને મેં રાખાલને ખાવા માટે આપી. અમે લોકો જાણે રાખાલનાં ચિરપરિચિત હોઈએ એ રીતે પહેલા જ દિવસથી તે મને મા કહીને બોલાવતો. કેટલો સરળ, મીઠો સ્વભાવ હતો રાખાલનો..!’ (દેશ-પત્રિકા ૩૧/૩/૧૩૪૫, ‘શ્રીશ્રી માયેર જીવનકથા’)

આ પ્રસંગના ઘણા મહિના પછી નરેન્દ્રનાથ અને લાટુની એક વાતચીતનો ઉલ્લેખ કરી શકાય છે. ઈ.સ. 1882માં શ્રીરામકૃષ્ણની જન્મતિથિના બીજા દિવસે સવારે નરેન્દ્રનાથના ઘરમાં વાતચીત થઈ રહી હતી.

નરેન – કેમ રે! શું રાખાલ ત્યાં આવે છે?

લાટુ – આવે છે! એમ જ નહીં, એક-બે રાતો ત્યાં જ રોકાઈ પણ જાય છે. એમને તેઓ ઘણો જ પ્રેમ કરે છે. પોતાની પાસે બેસાડીને કેટલું ખવડાવે છે, કેટલો વ્યંગ-વિનોદ કરે છે. એ દિવસે તેઓ એને માતાજીની પાસે લઈ ગયા અને કહ્યું, ‘આ લો જી, તમારો પુત્ર આવ્યો છે.’ માને બહુ જ આનંદ થયો. અમને લોકોને તેઓએ ખૂબ સંદેશ ખવડાવ્યાં.

નરેન – રાખલને એમનો પુત્ર કહ્યો?

લાટુ – સાચું બોલું છું, આમ જ સાંભળ્યું હતું. (અદ્‌ભુત સંત અદ્‌ભુતાનંદ, પાનાં ૬૩)

આના પછી રાખાલચંદ્ર પોતાના સહજ આકર્ષણથી દક્ષિણેશ્વર ત્રીજી વાર આવ્યા, ચોથી વાર આવ્યા, ફરી આવ્યા, અને વારંવાર આવવા લાગ્યા. નવાં લગ્ન થયેલાં છે, ઘરમાં નવી વહુ છે, આત્મીય સ્વજનો છે, ધન-જન-ઐશ્વર્ય કોઈપણ ચીજનો અભાવ નથી, છતાં પણ શ્રીરામકૃષ્ણના આકર્ષણથી કોમળ હૃદયવીણામાં એવા ખેંચાણનો અનુભવ કરતા કે એના કારણે બધું જ ફેંકી દઈને વારંવાર દક્ષિણેશ્વર આવવા લાગ્યા. શ્રીરામકૃષ્ણમાં અલૌકિક પ્રેમ-પિયૂષધારાનું પાન કરીને એમના દીર્ઘ પ્રતીક્ષિત તૃષિત હૃદયને એક પરિતૃપ્ત જીવનનો આસ્વાદ મળ્યો! ‘ધન જન યૌવન ગર્વ’ એમના માટે તુચ્છ બની ગયાં. તેઓ વચ્ચે વચ્ચે દક્ષિણેશ્વરમાં રાતવાસો કરવા લાગ્યા.

કૌટુંબિક સ્વજનો સ્વાભાવિક રીતે આ વખતે વધારે ચિંતિત બની ગયાં. યુવકના અસ્વાભાવિક આચરણને તેઓ પોતાની સાંસારિક અજ્ઞાનતા દ્વારા સમજી શકતાં ન હતાં. યુવકને સંસારધર્મના કર્તવ્ય વિશે વારંવાર ઘણુંય સમજાવવા છતાં પણ કંઈ પરિણામ આવ્યું નહીં. બાધ્ય થઈને હિતેચ્છુ શ્યામલાલે યુવકના પિતા આનંદમોહનને જાણ કરી. બહોળી જમીનદારી ઉપરાંત આનંદમોહનને મીઠા અને સરસવનો મોટો વેપાર હતો તથા ગૃહસંસારની દેખભાળ કરવામાં જ તેવો હંમેશાં વ્યસ્ત રહેતા. છતાં પણ પોતાના આશા-વિશ્વાસના કેન્દ્ર જેવા પુત્રની બાબતમાં, વિશેષ કરીને એ સાંભળીને કે તેઓ દક્ષિણેશ્વરના એક પાગલ સાધુની પાસે પડ્યા રહે છે, તેઓ ચિંતિત અને શંકાશીલ થયા વગર રહી શક્યા નહીં. તેઓ કલકત્તા દોડી આવ્યા. પુત્રના આચરણને જોયું, પુત્રમાં અનેક અસાધારણ ગુણો છે, એનામાં કોઈ અલગ પરિવર્તન પણ ન જોયું; ફક્ત ભણવું, સાંસારિક સુખ-સુવિધાઓ અથવા આનંદ-પ્રમોદ વગેરેના વિષયમાં એની વિતૃષ્ણા પહેલાં કરતાં જાણે વધી ગયેલી હતી! દક્ષિણેશ્વરના સાધુના સત્ત્વગુણથી ‘ધર્મ-વાત’ વધી ગયો છે. આમ, વિચારીને એમણે પુત્રને જાતજાતના કોમળ-કઠોર શબ્દોમાં સમજાવ્યો, એનું પરિણામ ન દેખાતાં ડર પણ બતાવ્યો. વિનમ્ર પુત્રની નિયમિત ઈશ્વરઆરાધના અને દક્ષિણેશ્વરના આવાગમનને આ સત્તા-અધિકાર પણ બંધ કરી શક્યાં નહીં. ગુસ્સે થયેલ આનંદમોહને અધીરા બનીને યુવકને ઘરમાં કેદ કરી દીધો! લગભગ ઈસ. 1882ના જાન્યુઆરી મહિનાની આ ઘટના છે. ઘરમાં કેદ રાખાલ ઠાકુરના દિવ્ય સાંનિધ્યને માટે આકુળવ્યાકુળ થવા લાગ્યા. આ બાજુ રાખાલને દક્ષિણેશ્વરમાં ન આવતો જોઈને ઠાકુર વાછરડા વિનાની ગાયની જેમ છટપટાવા લાગ્યા, વ્યાકુળ હૃદયે જગન્માતાને પ્રાર્થના કરવા લાગ્યા, ‘મા! રાખાલને ન જોઈને મારું હૈયું ચિરાઈ જઈ રહ્યું છે. મા, મારા રાખાલને લાવી દે.’

શ્રીશ્રીજગન્માતા ઉપર સતત નિર્ભરશીલ ઠાકુરની કોઈપણ આકાંક્ષા અપૂર્ણ રહેતી ન હતી. એક દિવસ પિતા આનંદમોહન મુકદ્દમાના કાગળ-પત્રોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી રહ્યા હતા. એમની પાસે બેઠેલ હતા નજરબંધી રાખાલ. થોડી જ વારમાં રાખાલે જોયું કે પિતા કાગળ-પત્રોમાં પૂરી રીતે ડૂબેલા છે, આસપાસનું એમને જરા પણ ભાન નથી. સુઅવસર જાણીને રાખાલ ચૂપચાપ ઊભા થયા, ધીરે ધીરે ઘરની બહાર આવી ગયા અને ઘરમાં કોઈ જાણી જાય એ પહેલાં જ દક્ષિણેશ્વર તરફ દોડવાનું શરૂ કર્યું. દક્ષિણેશ્વર પહોંચીને રાખાલે પોતાના ઘરમાં પાછા ફર્યા જેટલી શાંતિનો અનુભવ કર્યો. કેટલાય મહિનાના વિયોગ પછી પોતાના સ્નેહધનને મેળવીને, ઠાકુરે પ્રેમથી એમને તૃપ્ત કરી નાખ્યા.

પુત્રના ભાગી જવાની ખબર પડી, પરંતુ એક જટિલ કેસમાં વિશેષ રૂપે વ્યસ્ત આનંદમોહન પુત્રની શોધમાં તરત જ દક્ષિણેશ્વર જઈ શક્યા નહીં. તપાસ કરતાં એમને જાણવા મળ્યું કે રાખાલ દક્ષિણેશ્વરમાં જ છે. આ બાજુ જે કેસને માટે તેઓ ઘણા જ પરેશાન હતા, થોડા જ દિવસોમાં એનો નિકાલ થયો, સમજી ન શકાય એ રીતે એ કેસમાં જીતીને તેઓ અત્યંત પ્રસન્ન થયા. ભગવાનની કૃપા વગર આ જીત શક્ય ન હતી. આનંદમોહનને વિશ્વાસ આવી ગયો કે આ ફળ પુત્રના સાધુ-સંગનું જ છે. પુત્રના સાધુ-સંગના સંબંધમાં જે એક અસંતોષનો ભાવ મનમાં બેસી ગયો હતો, તે થોડો ઓછો થયો. પુત્રને કેવી રીતે સંસારમાં પાછો લાવી શકાય, આ બાબતે જાતજાતની કલ્પનાઓ કરતાં આનંદમોહન એક દિવસ દક્ષિણેશ્વર પહોંચ્યા. દૂરથી જ એમને જોઈને ઠાકુરે રાખાલને બોલાવીને કહ્યું, ‘અરે! રાખાલ, લાગે છે આ તારા પિતા આવી રહ્યા છે, જો તો!’ રાખાલે ધ્યાનથી જોયું, આવનાર એમના પિતા જ છે. તેઓ બીકના માર્યા ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ઠાકુરે એમને આશ્વાસન આપતાં કહ્યું, ‘બીક શાને માટે? મા-બાપ પ્રત્યક્ષ દેવતા છે. પિતા આવે એટલે એમને ભક્તિપૂર્વક પ્રણામ કરજે. માની ઇચ્છાથી શું નથી થઈ શકતું?’ આનંદમોહને ઓરડામાં પ્રવેશ કર્યો કે તરત જ શ્રીરામકૃષ્ણે આદરપૂર્વક એમનું અભિવાદન કર્યું, પોતાની પાસે બેસાડ્યા. રાખાલે પણ શ્રદ્ધાથી પિતાના ચરણોની રજ લીધી. શ્રીરામકૃષ્ણનો મધુર વ્યવહાર, પુત્ર પ્રત્યે માતા જેવો શ્રીરામકૃષ્ણનો સ્નેહ તથા પોતાના પુત્રને પ્રસન્ન જોઈને આનંદમોહન પોતાના દક્ષિણેશ્વર આગમનના મુખ્ય ઉદ્દેશને જાણે ભૂલી જ ગયા! પાછા ફરતી વખતે મંત્રમુગ્ધ જેવા એમણે શ્રીરામકૃષ્ણને ફક્ત એ જ પ્રાર્થના કરી કે પોતાની ઇચ્છાથી તેઓ ક્યારેક ક્યારેક રાખાલને ઘરે મોકલી આપે.

ગુરુદાસ બર્મન રચિત ‘શ્રીશ્રીરામકૃષ્ણચરિત’ માં ઘટનાનું વિવરણ આ પ્રમાણે છે: ‘થોડા દિવસો બાદ તકલીફમાંથી મુક્ત થઈને એમણે વિચાર્યું કે બની શકે છે કે ભક્ત-પુત્રના સાધુસંગ અને સાધુસેવાના ગુણને કારણે જ આ મહાન વિપત્તિમાંથી છુટકારો મળ્યો છે. આથી, પોતાના પુત્રના દક્ષિણેશ્વરમાં રહેવા અંગે એમણે કોઈ આપત્તિ ઉઠાવી નહીં. રામકૃષ્ણદેવે પણ એમના (રાખાલના પિતાના) મનોભાવને સમજીને તક જોઈને કહ્યું, ‘હા, જી! રાખાલને મને આપી દોને, હું એને ઘણો જ પ્રેમ કરું છું; અને રાખાલને પણ અહીં રહેવાનું બહુ જ સારું લાગે છે.’

બ્રહ્માનંદના પિતાએ જાણે કૃતાર્થતાનો અહેસાસ કર્યો અને કહ્યું, ‘એ શું મહાશય, રાખાલ તો આપનો જ પુત્ર છે, હું તો નિમિત્ત માત્ર છું. તે આપની પાસે જ રહેશે, આ તો પરમ સૌભાગ્યની વાત છે. ઠીક છે, મને કોઈ વાંધો નથી, ભલે ને રહે; પરંતુ ઇચ્છા થતાં તમે એકાદ વાર મારી પાસે એને ઘેર મોકલજો.’ (ઉદ્બોધન, વર્ષ: 10, અંક: 1)

Total Views: 377

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.