ભગવાન અવતાર લે છે અને એનાં અનેક કારણ છે. એક કારણ છે યુગપ્રયોજન નિમિત્તે ધર્મક્ષયને અટકાવવાનું અને બીજું છે રસાસ્વાદનનું.
શ્રીરામકૃષ્ણદેવના સોળ શિષ્યોમાંના એક હતા, સ્વામી વિજ્ઞાનાનંદ. તેમનો જન્મ ૩૦ ઓક્ટોબર, ૧૮૬૮, શુક્રવાર, કાર્તિક શુક્લ વૈકુંઠ ચતુર્દશી તિથિના રોજ થયો હતો. મૂળ નામ હતું હરિપ્રસન્ન. તેઓ કોલેજકાળમાં સ્વામી સારદાનંદના સહપાઠી હતા. તેમનો દેહ સુગઠિત અને બળવાન હતો. ઠાકુર સાથેની તેમની પ્રથમ મુલાકાત નવેમ્બર, ૧૮૮૩માં થઈ.
સોળ શિષ્યોમાંહેના સ્વામી વિજ્ઞાનાનંદજીને જ શ્રીઠાકુરનો સૌથી ઓછો સંગલાભ મળ્યો હતો. ઠાકુરની અંગત પરિચર્યા કરવાનું તથા વિશેષ સાંનિધ્ય મેળવવાનું પણ તેમને સૌભાગ્ય મળ્યું ન હતું. સૌ પાર્ષદો પૈકી સૌથી છેલ્લે સંન્યાસ ગ્રહણ કરનાર સ્વામી વિજ્ઞાનાનંદ હતા—૯ મે, ૧૮૯૯.
શ્રીરામકૃષ્ણનાં સંન્યાસી-સંતાનોનાં નામકરણમાં અત્યંત સાર્થકતા છે. સ્વામી વિવેકાનંદ ‘વિવેક’નો આગાર હતા, તો સ્વામી રામકૃષ્ણાનંદમાં ‘શ્રીરામકૃષ્ણ-પ્રેમ’ છલકાતો હતો. સ્વામી પ્રેમાનંદ ‘પ્રેમમૂર્તિ’ હતા.
શ્રીરામકૃષ્ણ કહે છે, ‘દૂધ પીવું તેનું નામ જ્ઞાન અને દૂધ પીઈને પુષ્ટ થવું તેનું નામ વિજ્ઞાન.’ આ સંદર્ભમાં સ્વામી વિજ્ઞાનાનંદને થયેલાં દર્શનોમાં સાકારનું અતિક્રમણ થઈને નિરાકાર સત્તાની અનુભૂતિનો સંકેત છે.
તેઓ ‘શ્રીમદ્ દેવી ભાગવત’ પુરાણનો અંગ્રેજી અનુવાદ કરી રહ્યા હતા તે પહેલાં શ્રીમા શારદાદેવીના આશીર્વાદ લેવા ગયા હતા. ત્યારે તેમને અનુભૂતિ થઈ કે તેમના દેહમાંનાં પદ્મ એક પછી એક પ્રસ્ફુટિત થઈ રહ્યાં છે.
તેઓ પ્રયાગમાંના નિવાસકાળે સૂર્યોદય પૂર્વે ત્રિવેણીસંગમમાં સ્નાન કરવા જતા હતા. એક વાર ગંગાસ્તોત્રનો પાઠ કરતાં દર્શન થયું કે ત્રિવેણી મૈયા સુંદર નાની બાલિકારૂપે પ્રગટ થયાં. કેશની ત્રણ લટ પીઠ પર ઝૂલતી હતી અને એકાએક જળમગ્ન થઈ ગયાં.
એક વખત તેઓ સારનાથ ગયા હતા. ત્યાં બુદ્ધની એક વિશિષ્ટ મૂર્તિ જોતાં જ એમની સમક્ષનું બ્રહ્માંડ લુપ્ત થઈ ગયું—જાણે પોતે એક નાનકડા બિંદુની જેમ નિરાકાર જ્યોતિસમુદ્રના કિનારે ઊભા રહીને એ જ્યોતિને નીરખે છે. ક્રમશ: સ્વયંનું અસ્તિત્વ જાણે એ સમુદ્રમાં વિલીન થઈ ગયું. માત્ર રહ્યો શાંતિ, જ્ઞાન અને આનંદનો ભાવ—અને એ પણ નિરંતર ત્રણ દિવસ.
ત્યાંથી પાછા વળતાં કાશીના વિશ્વનાથ શિવલિંગનાં દર્શન કરતાં જોયું તો ત્યાં લિંગમૂર્તિ નથી, જીવ-જગત પણ નથી, એક નિરાકાર સત્તામાત્ર વિરાજમાન છે.
તેઓ રામાયણનો અંગ્રેજી અનુવાદ કરી રહ્યા હતા ત્યારે તેઓને સંસારનું વિસ્મરણ થઈ જતું અને દર્શન થતાં શ્રીરામ, લક્ષ્મણ, સીતા, અને મહાવીર હનુમાનનાં.
આમ, તેઓને જીવનભરનાં સર્વ કાર્યોમાં શ્રીરામકૃષ્ણ કથિત ‘વિજ્ઞાન’ની અનુભૂતિ થતી રહી હતી અને આમ તેમનું સ્વામી વિજ્ઞાનાનંદ નામ સાર્થક થયું હતું.
Your Content Goes Here




