શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી ત્રિગુણાતીતાનંદનું પૂર્વનામ હતું શ્રી શારદાપ્રસન્ન મિત્ર. શ્રી દુર્ગાદેવીની કૃપાથી તેમનો જન્મ થયો હોવાથી તેમના પિતાએ એવું નામ રાખ્યું હતું. બંગાળના ચોવીસ પરગણા જિલ્લામાં પાઈકહાટીના નાવડા ગામમાં મોસાળમાં ઈ.સ. ૧૮૬૫ની ૩૦મી જાન્યુઆરી મહાસુદ ચોથ ને સોમવારે રાત્રે નવ ને છવ્વીસ મિનિટે શારદાપ્રસન્નનો જન્મ થયો હતો.

ઈ.સ. ૧૯૦૨માં તુરીયાનંદ અમેરિકાથી પાછા ભારત પરત આવવા ઉત્સુક બન્યા ત્યારે સ્વામી વિવેકાનંદજીએ ત્રિગુણાતીતાનંદજી મહારાજને તેમની જગ્યાએ મોકલ્યા.

ઈ.સ. ૧૯૦૩ની બીજી જાન્યુઆરીએ સ્ટીમર સાન ફ્રાંસિસ્કો શહેરમાં પહોંચી. ત્યાંની સ્થાનિક વેદાંત સમિતિના કેટલાક સભ્યોએ તેમનું સ્વાગત કર્યું અને ડો. એમ. એચ. લોગનના ઘરે લઈ ગયા. કેેટલાંક અઠવાડિયાં પછી સી.એફ. પીટર્સન દંપતીના ઘરમાં તેમના મુખ્ય કાર્ય-કેન્દ્રની સ્થાપના થઈ. ધીમે ધીમે કામ વધ્યું. ત્યાં પોતાની જમીન પર વેદાંત સમિતિ માટે મકાન બનાવવાની જરૂર પડી. આ કારણે મિત્રોની સહાયથી જમીન ખરીદીને ૨૫મી ઓગસ્ટ ઈ.સ. ૧૯૦૫ના રોજ હિન્દુ મંદિરનો પાયો નાખવામાં આવ્યો. પશ્ચિમના દેશોમાં આ પ્રથમ હિન્દુ મંદિરની સ્થાપના થઈ.

તેઓ અમેરિકા ગયા તે પૂર્વે તેમના પર ‘ઉદ્‌બોધન’ બંગાળી માસિકના પ્રકાશનની સંપૂર્ણ જવાબદારી હતી. આ કાર્ય તેમને અત્યંત પરિશ્રમપૂર્વક પાર પાડ્યું હતું. ચાલો, આપણે ઉદ્‌બોધન ભવન અને ઉદ્‌બોધન પત્રિકા વિશે માહિતી મેળવીએ.

૧૯૦૯માં ઉદ્‌બોધન ભવનનું નિર્માણકાર્ય પૂર્ણ ન થયું તે પહેલાં શ્રીમા શારદાદેવી માટે કોઈ સ્થાયી નિવાસસ્થાન ન હતું. શ્રીમાએ તે ભવનમાં ૨૩ મે, ૧૯૦૯ના રોજ પ્રવેશ કર્યો. આવી જ રીતે સ્વામી વિવેકાનંદના જીવનકાળ દરમિયાન તેમની પ્રેરણાથી શરૂ કરાયેલ ‘ઉદ્‌બોધન’ નામનું બંગાળી માસિક પણ ૧૯૦૮ સુધી છાપકામ નિમિત્તે પોતાનું સ્થાન ધરાવતું ન હતું. ૧૮૯૯માં શરૂ કરાયેલ આ સામયિકને પ્રેસ માટે પોતાની માલિકીનું સ્થાન ન હતું.

ઉદ્‌બોધન પ્રેસ પ્રારંભના કાળમાં ઉત્તર કોલકાતાની ૧૪, રામચંદ્ર મિત્ર લેનમાં આવેલ ગિરીન્દ્રલાલ બસાકના મકાનમાં થોડો સમય ચાલતો રહ્યો, પરંતુ તેઓનું ૧૯૦૬માં નિધન થતાં તે સ્થાન બદલવાની સ્થિતિ ઊભી થઈ. તેથી ૧૮ જુલાઈ, ૧૯૦૬માં કેદારચંદ્ર દાસે બાગબજારમાં આવેલ ગોપાલનિયોગી લેનમાં જમીનનો એક નાનો ટુકડો ઉદ્‌બોધન પ્રેસ માટે પ્રકાશનગૃહ બાંધવા દાન રૂપે આપ્યો. પ્રકાશન ભંડોળમાં રૂપિયા ૨૭૦૦ હતા. તેથી આ દાનપેટે મળેલ જગ્યા પર નળિયાંવાળું છાપરું બાંધવામાં આવે એવું સૂચન કરાયું. તેના બદલે માતૃભક્ત સ્વામી સારદાનંદે બે માળનું ઈંટેરી મકાન બાંધવાનું નક્કી કર્યું. પહેલા માળે ઉદ્‌બોધન પ્રકાશન કાર્યાલય અને પ્રાર્થનાખંડ; બીજે માળે શ્રીમા અને તેમના સાથીદારોનાં રહેણાંક હતાં.

નવેમ્બર, ૧૯૦૮માં ઉદ્‌બોધન પ્રેસ પોતાના નવા મકાનમાં સ્થળાંતરિત થયો. જાન્યુઆરી, ૧૮૯૯થી સ્વામી ત્રિગુણાતીતાનંદના સંચાલન હેઠળ પોતાના પ્રેસમાં છપાઈને સામયિક પ્રકાશિત થતું હતું. આ કાર્ય માટે એમને કઠોર પરિશ્રમ કરવો પડતો હતો. આર્થિક ભીંસ હોવા છતાં, સ્વામી વિવેકાનંદ વારંવાર સ્વામી ત્રિગુણાતીતાનંદને કહ્યા કરતા, ‘મૂળ રકમ તોડવાથી કામ ચાલશે નહીં.’ નાણાંભીડ સખત હતી, તેથી સહાયક તરીકે નોકર રાખવાનું પરવડતું ન હતું. અરે, નોકર તો શું રાખે, પોતાના ભોજન ઇત્યાદિની વ્યવસ્થા કરવાનું પણ પોસાય તેમ ન હતું. આવા અત્યંત પ્રતિકુળ સંજોગો હોવા છતાં અથક કર્મયોગી ત્રિગુણાતીત મહારાજ ક્યારેક કોઈક અંતરંગ ભક્તને ત્યાંથી ભિક્ષાન્ન મેળવી લેતા, તો ક્યારેક અનશન રહેતા, તો ક્યારેક પાંચ કોશ રસ્તો કાપીને પોતે પ્રેસ અંગેનાં બધાં કામ આટોપતા.

અધૂરામાં પૂરું, છાપકામમાં કુશળ કારીગરનો અભાવ હતો, જે હતા તે પણ નિયમિત આવતા નહીં. કેટલીક વખત મહારાજ કારીગરને ઘેર જઈ પરાણે ખેંચી લાવતા. કેટલીય વખત તેઓ પોતે જ અક્ષરોની ગોઠવણી અને ભૂલસુધારણાનું કામ કરતા. શ્રમથી દેહ થાકી જાય તો ઊંઘ ન આવી જાય એ માટે તેઓ ઊભા ઊભા કામ કરતા. તદુપરાંત ઘેર ઘેર જઈ લેખો ઉઘરાવવા, પોતાના સામયિકનો આદર્શ અને ઉદ્દેશ સમજાવવા, નવા ગ્રાહકોની નામનોંધણી કરવામાં તેઓ વ્યસ્ત રહેતા. શરીર અસ્વસ્થ હોય તોપણ આ બધાં કામ કર્યા વિના છૂટકો જ ન હતો. તાવ હોય તો બીજા દિવસે બહાર કામ અર્થે નીકળવું જ પડતું. ઘેર પાછા ફરે એટલે પથારીમાં પડ્યે જ છૂટકો. વળી પાછું બીજા દિવસે એ જ કાર્યચક્ર.

આમ ચાલ્યા પછી થોડા વખત બાદ સ્વામી શુદ્ધાનંદ કોલકાતા આવ્યા અને તેમણે સ્વામી ત્રિગુણાતીતને અધીન રહીને ઉદ્‌બોધનના કાર્યમાં યોગદાન આપ્યું. ૧૯૦૩માં ત્રિગુણાતીતાનંદજી સાન ફ્રાન્સિસ્કો ગયા ત્યાં સુધી આ કાર્ય કરતા રહ્યા. આમ, ઉદ્‌બોધન સામયિકનો પ્રારંભકાળ સ્વામી ત્રિગુણાતીતાનંદના પરિશ્રમથી રંગાયેલો હતો.

Total Views: 10

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.