શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવના અંતકાળે કહ્યું હતું, ‘ઈશ્વર માનવરૂપે અવતરે છે અને પોતાના પાર્ષદો સાથે આ ધરતી પર આવે છે. અવતારકાર્ય પૂરું થતાં પાર્ષદો પણ એમની સાથે સંસારનો ત્યાગ કરી ચાલ્યા જાય છે.’
શ્રીરામકૃષ્ણના સોળ પાર્ષદોમાંના એક હતા સ્વામી પ્રેમાનંદ. નામ એવા જ ગુણનો ભંડાર. સાક્ષાત્ પ્રેમમૂર્તિ. તેમનું બાળપણનું નામ બાબુરામ, જન્મ થયો હતો ૧૦, ડિસેમ્બર, ૧૮૬૧, મંગળવાર, માર્ગશીર્ષ સુદ નવમીના દિવસે. શ્રીરામકૃષ્ણ તેમને માટે કહેતા, ‘આ વિશુદ્ધ છે, કુળવાન છે. એનાં અસ્થિ-મજ્જા સુધ્ધાં શુદ્ધ છે.’
ઠાકુર ભાવાવસ્થામાં પડી ન જાય એ માટે એમને પકડી રાખવા માટે સ્વામી પ્રેમાનંદજીએ સાથે રહેવું પડતું, એટલા તો તેઓ પવિત્ર હતા. સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ સંઘના મુખ્ય કેન્દ્ર એવા બેલુરનું મઠ-જીવન એ દિવસોમાં સ્વામી પ્રેમાનંદને જ કેન્દ્રમાં રાખીને સંચાલિત થતું હતું. સ્વામી રામકૃષ્ણાનંદના મદ્રાસગમન પછી મઠમાં ઠાકુરપૂજાની જવાબદારી સ્વામી પ્રેમાનંદે આનંદપૂર્વક સંભાળી હતી. તેઓ ઠાકુરપૂજાથી માંડીને ગોસેવા સુધીનાં બધાં કાર્યોનું ઉત્તરદાયિત્વ યથાસંભવ નિભાવવા લાગ્યા.
તેઓ સાચે જ ‘મઠની માતા’ હતા. કારણ કે તેમનું નામ હતું સ્વામી પ્રેમાનંદ. રાત્રે કોઈ બ્રહ્મચારી મચ્છરદાની નાખવાનું ભૂલી ગયો હોય તો એની મચ્છરદાની તેઓ બાંધી દેતા. કોઈએ ભોજન ન કર્યું હોય તો સ્વામી પ્રેમાનંદ દૂધનો વાટકો ભરીને એની પાછળ પાછળ ફરે. આવા હતા તેઓ સ્વયં પ્રેમપુંજ!
મઠમાં આવનાર સૌ કોઈ માટે સ્વામી પ્રેમાનંદના હૃદયનાં દ્વાર તથા મંદિરનો ભંડાર નિત્ય ખુલ્લાં રહેતાં. મઠના પ્રસાદ-વિતરણનો સમય વીત્યા પછી પણ જો કોઈ આવતું તો વયોવૃદ્ધ સ્વામી પ્રેમાનંદજી તેમના ભોજનની વ્યવસ્થા અવશ્ય કરતા. રોગશય્યા પર સૂતાં સૂતાં પણ તેઓ ભક્તસેવા માટે વ્યગ્ર થઈ જતા.
સ્વામી પ્રેમાનંદને દૃઢ વિશ્વાસ હતો કે ઠાકુરનો પ્રસાદ લેવાથી ભક્તોનું પરમ કલ્યાણ થાય છે. તેઓ સૌ કોઈ આશ્રમવાસીને પૂછતા, ‘એક કામ કરી શકશો? ભક્તોની સેવા કરી શકશો?’
સ્વામી પ્રેમાનંદની શ્રીમા પ્રત્યે પણ અનોખી ભક્તિ હતી. એક વાર તેમના મનમાં શ્રીમાનાં ચરણોમાં કમળ અર્પણ કરવાની અદમ્ય ઇચ્છા જાગી. તેઓ જળાશયમાં ઊતર્યા, અંતરેચ્છા અનુસાર કમળ લઈ આવ્યા, પણ જોયું તો એમના શરીર પર વીસ-ત્રીસ જળો ચોંટેલી હતી! ઉખેડવા જતાં દેહ લોહથી તરબતર થઈ ગયો હતો! આવી હતી તેમની માતૃભક્તિ!
પ્રેમમય સ્વામી પ્રેમાનંદ પ્રેમની હાટડી બંધ કરી ૩૦, જુલાઈ, ૧૯૧૮ના રોજ સ્વધામ સિધાવ્યા ત્યારે માસ્ટર મહાશયે કહ્યું, ‘ઠાકુરના પ્રેમનો પક્ષ ચાલ્યો ગયો.’ અને અશ્રુપૂર્ણ નયને શ્રીમા બોલ્યાં, ‘મઠની શક્તિ, ભક્તિ, યુક્તિ—બધી મારા બાબુરામનું રૂપ ધારણ કરીને ગંગાકિનારાને આલોકિત કરતી મઠમાં ફરી વળતી હતી. હાય, ઠાકુર! તેને પણ લઈ ગયા!’
Your Content Goes Here




