(ડૉ. ચેતનાબહેન માંડવિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ગુજરાતના પ્લાન્ટ બ્રીડિંગ અને જીનેટિક્સ વિભાગનાં ભૂતપૂર્વ પ્રૉફેસર અને વડા છે. તેઓ રામકૃષ્ણ સંઘના દીર્ધ સમયથી ભક્ત છે. તેઓ ‘પ્રબુદ્ધ ભારત’, ‘વેદાંત કેસરી’, અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં લેખો લખે છે, અને આ સામયિકો માટે તેમણે ઘણાં પુસ્તકોની સમીક્ષા પણ કરી છે. – સં.)
સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ—એક ગૌરવમય જીવન
સંકલન : સ્વામી આત્મસ્થાનંદ જન્મશતાબ્દી સમિતિ (SWABCC)
પ્રકાશક: સ્વામી આત્મસ્થાનંદ જન્મશતાબ્દી સમિતિ; ૯૧/૧, સાઉથ એવન્યુ, કોલકાતા–૭૦૦ ૦૨૯, પશ્ચિમ બંગાળ, ભારત.
ઈ-મેઈલ: swabcc2020@gmail.com
Web.: www.atmasthanandacentenary.com
હાર્ડબાઉન્ડ (પાકું પૂંઠું); પ્રથમ સંસ્કરણ ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ (શ્રીરામકૃષ્ણદેવ આવિર્ભાવ તિથિ), પૃષ્ઠ ૫૫૨; મૂલ્ય કિંમત રૂ. ૮૦૦.
‘સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ — એક ગૌરવમય જીવન’ એ વિશ્વવ્યાપી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૫મા પરમાધ્યક્ષ પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ (૧૯૧૯—૨૦૧૭)ના પ્રેરણાદાયી જીવન, કાર્ય અને વારસાને તેમનાં સંસ્મરણો, ચૂંટાયેલા પત્રો, રંગીન ફોટોગ્રાફ્સ તથા તેમની ડાયરીના અંશો દ્વારા સુંદર રીતે પ્રસ્તુત કરતો સ્મૃતિ-ગ્રંથ છે.
ગુજરાતી વાચક માટે પુસ્તકનું સૌથી વિશેષ આકર્ષણ પૂ. સ્વામી આત્મસ્થાનંદજીનું ગુજરાત સાથેનું ગહન અને આત્મીય જોડાણ છે. ૧૯૬૬માં તેઓ રાજકોટ આવ્યા. તેમણે ગુજરાતને પોતાની કાર્યભૂમિ તરીકે સ્વીકારી અને ગુજરાતીઓ સાથે હૃદયનો સંબંધ સ્થાપ્યો. અહીં તેમણે ગુજરાતી ભાષા શીખી, ગુજરાતના વિવિધ વર્ગોમાં શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદનો સંદેશ પહોંચાડ્યો અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિકાસમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી.
આ પુસ્તકના હાર્દને તેમાં આપેલ સંન્યાસીઓ, સંન્યાસિનીઓ અને ભક્તોનાં ૪૫ સંસ્મરણોને ગણી શકાય, જેમને પૂજ્ય મહારાજના સમયકાળ દરમ્યાન તેમના સાંનિધ્યમાં રહેવાનું તથા તેમના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ત્યાર બાદ તેમણે લખેલા કેટલાક ચૂંટાયેલા પત્રો, તેમણે આપેલ/લખેલ આશીર્વચનો, તેમની પ્રેરણાદાયક ડાયરીના અંશો, પૂજ્ય મહારાજના જીવનવૃત્તાંતના કાલાનુક્રમ (૧૯૧૯-૨૦૧૭), તથા તેમના દ્વારા હાથ ધરાયેલ કાર્યોની યાદીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં તેમના વડપણ હેઠળ હાથ ધરાયેલ રાહત પ્રવૃત્તિઓ, નૂતન મંદિરનું બાંધકામ, પુસ્તક પ્રકાશન અને ગુજરાતી માસિક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રકાશનને “સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ અને ગુજરાત” શીર્ષક હેઠળ સંકલિત કરવામાં આવ્યાં છે.
રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ, સંન્યાસિનીઓ, અને ભક્તો દ્વારા લિખિત પૂ. મહારાજનાં સંસ્મરણો તેમના આકર્ષક, સામર્થ્યસભર, ચુંબકીય, મોહક, અને પ્રભાવશાળી વ્યક્તિત્વના વિવિધ આયામો ઉજાગર કરે છે; અને તેમને વાંચતાં વાંચતાં જાણે વાચકો પૂજ્ય મહારાજની પવિત્ર હાજરી પ્રત્યક્ષપણે અનુભવે છે. આ સંસ્મરણો સ્પષ્ટપણે ઇંગિત કરે છે કે તેઓ શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીના આદર્શોથી રસાયેલા ઉત્તમ ભક્ત જ નહીં, બહુ-આયામી વ્યક્તિત્વ ધરાવનાર એક ભવ્ય વિભૂતિ હતા.
જેમ કે તીક્ષ્ણ-વેધક દૃષ્ટિ અને નિખાલસ હાસ્યના માલિક, ચુસ્ત શિસ્તપાલક; પ્રત્યેક કાર્યમાં પૂર્ણતા, દક્ષતા, ચોકસાઈ, સુઘડતા અને ઝીણવટના આગ્રહી; મુશ્કેલ અને કટોકટીભરી પરિસ્થિતિને સહજતાથી ઉકેલવાની ક્ષમતા તેમજ દૂરદર્શિતા અને રચનાત્મક દૃષ્ટિકોણ ધરાવનાર કુશળ પ્રબંધન-વ્યવસ્થાપક, મહાન દીર્ઘદ્રષ્ટા અને ઉત્તમ વાર્તાલાપકાર; સાહિત્યિક અને કલાત્મક સૂઝ ધરાવનાર એક જિજ્ઞાસુ વાચક તેમજ પ્રભાવશાળી અને તેજસ્વી વક્તા.
એટલું જ નહીં, એક અનન્ય ભક્ત હોવાની સાથે બાળકો અને નવદીક્ષિત બ્રહ્મચારીઓ માટે તેઓ પ્રેમાળ પિતા સમાન હતા. તેમના અત્યંત કરુણામય, પ્રેમાળ અને આનંદી સ્વભાવ, ઉન્મુક્ત અને હાર્દિક હાસ્યથી બાળકો અને યુવાનો તેમના તરફ હંમેશાં આકર્ષાતાં. ભારે જવાબદારીઓ વચ્ચે પણ તેમનાં દૈનિક ધ્યાન અને જપ નિયમિતપણે ચાલુ રહેતાં, જે દર્શાવે છે કે તેમનું સેવાભાવી જીવન એ સમૃદ્ધ આંતરિક જીવનની બાહ્ય અભિવ્યક્તિ સમાન હતું. તેમણે વ્યક્તિગત જીવન અને સંસ્થાકીય કાર્યમાં ઉચ્ચ માપદંડો જાળવવાનું પ્રોત્સાહન આપ્યું. તેઓ સાધુઓ, સાધ્વીઓ અને ભક્તો માટે એક દીવાદાંડી સમાન હતા. તેઓ તેમને તેમના પસંદ કરેલા માર્ગ પર અવિરત માર્ગદર્શન આપતા રહેતા.
પુસ્તકમાં સમાવિષ્ટ ‘પત્રો અને ડાયરી’ ખૂબ રસપ્રદ છે. પત્રો આલેખવાની તેમની ઉત્તમ કુશળતા અને દૈનિક ઘટનાઓને નોંધવાની તેમની નિયમિત આદતને કારણે આપણને તે આ પુસ્તકમાં વાંચવા માટે ઉપલબ્ધ બન્યાં છે. સંન્યાસી શિષ્યો તથા ગૃહસ્થ ભક્તોને લખાયેલા તેમના પ્રેરણાદાયક પત્રો ભક્તોના આધ્યાત્મિક વિકાસ પરત્વેની પૂજ્ય મહારાજની પ્રેમભરી કાળજીને ઉજાગર કરે છે.
તેમની ડાયરીના અંશો તેમને થયેલ આધ્યાત્મિક અનુભવો, ભક્તોને આપેલ માર્ગદર્શન, તથા વિવિધ કેન્દ્રોની મુલાકાતો અને પ્રવૃત્તિઓનો પ્રત્યક્ષ વૃત્તાંત જ નથી આપતા, તે પૂજ્ય મહારાજના શિસ્તબદ્ધ જીવનને પણ વ્યક્ત કરે છે. અત્યંત સુંદર અક્ષરોમાં શુદ્ધ ગુજરાતીમાં પ્રિન્ટ કરેલ હોય તેવા તેમના હસ્તાક્ષરોમાં લિખિત અપીલને વાંચી આશ્ચર્યચકિત થયા વગર રહેવાતું નથી.
પોરબંદર અને વડોદરા ખાતે નવનિર્મિત પ્રાર્થના-ખંડ/મેમોરિયલ હૉલના ઉદ્ઘાટન પ્રસંગે તેમનું ઉદ્બોધન તથા પૂ. સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા લિખિત પુસ્તક ‘ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ’ના વિમોચન પ્રસંગે તેમણે આપેલ આશીર્વચનો, તથા પૂજ્ય મહારાજના જીવનવૃત્તાંતના કાલાનુક્રમ (૧૯૧૯-૨૦૧૭) ને પણ પુસ્તકમાં સમાવવામાં આવ્યાં છે. ૯૮ વર્ષનું દીર્ઘ આયુષ્ય ધરાવનાર પૂજ્ય આત્મસ્થાનંદજી મહારાજે રામકૃષ્ણ સંઘમાં જોડાયા ત્યારથી—ઈ.સ. ૧૯૪૧ થી ૨૦૧૭ સુધીના તેમના મહાસમાધિ સુધીના ૭૬ વર્ષના લાંબા સમયગાળા દરમિયાન—સંઘની અવિરત સેવા કરી હતી.
પુસ્તકનું એક અલગ પ્રકરણ રામકૃષ્ણ સંઘમાં પૂજ્ય મહારાજના અમૂલ્ય પ્રદાનને ક્રમબદ્ધ રીતે દર્શાવે છે, જે થકી વાચકો તેમના વિરાટ પ્રદાન તેમજ સંઘના આદર્શ ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ને આત્મસાત્ કરી તેમણે પૂજાની ભાવનાથી કરેલી માનવજાતની સેવા તેમજ રામકૃષ્ણ સંઘ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો અંદાજ લગાવી શકે છે. જેમ કે રંગૂનમાં અત્યાધુનિક હૉસ્પિટલનો વિકાસ, રાંચીમાં આવેલ ‘ટીબી સેનેટોરિયમ’નું આધુનિક મેડિકલ સેન્ટરમાં રૂપાંતર, બેલુર મઠમાં વૃદ્ધ અને નિવૃત્તિપ્રાપ્ત સાધુઓ માટે ‘આરોગ્ય ભવન’ની શરૂઆત તેમજ વારાણસી, હલસુરુ (બેંગલુરુ) તથા બરીશા (પશ્ચિમ બંગાળ) ખાતે વૃદ્ધ સાધુઓ માટેની સુવિધાઓનું નિર્માણ, બેલુર મઠ સ્થિત શ્રીરામકૃષ્ણ મંદિરની પ્રતિકૃતિ સમાન ભવ્ય મંદિરનું રાજકોટમાં નિર્માણ; કોલકાતામાં સ્વામી વિવેકાનંદનું પૈતૃક નિવાસસ્થાન, ન્યૂયોર્કમાં ‘રિજલી મેનોર’ અને ગુજરાતના ત્રણ ઐતિહાસિક રાજવી મહેલો (લીંબડી, પોરબંદર અને વડોદરા) સરકાર પાસેથી હસ્તગત કરી તેમને રામકૃષ્ણ સંઘના જીવંત કેન્દ્રોમાં પરિવર્તિત કરવાની અભૂતપૂર્વ કામગીરી; બેલુર મઠ ખાતે યુવાન બ્રહ્મચારીઓ માટે ‘પ્રી-પ્રોબેશનર્સ ટ્રેનિંગ સેન્ટર’ (PPTC)ની સ્થાપના; સારદાપીઠ (બેલુર મઠ પાસે, હાવડા) ખાતે યુવા તાલીમ કેન્દ્રની સ્થાપના; પશ્ચિમ બંગાળમાં ‘પલ્લીમંગલ’ જેવા ગ્રામીણ વિકાસ-પ્રકલ્પો; નારાયણપુર (મધ્યપ્રદેશ) તથા ઇટાનગર (અરુણાચલ પ્રદેશ)માં આદિવાસી વિકાસ-પ્રકલ્પોની શરૂઆત અને પ્રોત્સાહન; સિહડ (પ. બંગાળ) ખાતે સારદા મઠના શાખાકેન્દ્રની શરૂઆત, વગેરે. તેમણે ૧૫ વર્ષથી વધુ સમય સુધી વ્યક્તિગત રીતે વિશાળ રાહત-કામગીરીનું નિરીક્ષણ કર્યું, ભંડોળ એકત્ર કર્યું અને એક સ્થાયી રાહત નિધિની (Relief Fundની) સ્થાપના કરી, જેથી આપત્તિ-વ્યવસ્થાપન કાર્યો સુચારુપણે ચાલુ રહી શકે.
પુસ્તકના અંત ભાગમાં તેમના બાલ્યકાળથી અંતિમકાળ સુધીની, વિવિધ પ્રસંગોને અસરકારક રીતે ઉપસાવતી, કુલ ૨૧૮ પૃષ્ઠોના ફલકમાં આવરિત તથા યોગ્ય સમજૂતી સાથે કાલક્રમાનુસર ગોઠવેલી રંગીન તસવીરો આ પુસ્તકને વધુ રસપ્રદ બનાવે છે. આ તસવીરો પૂજ્ય મહારાજના પ્રવાસો, તેમણે જ્યાં જ્યાં સેવા આપી હતી તે તે આશ્રમો, વરિષ્ઠ અને સહયોગી સંન્યાસીઓ તથા ગૃહસ્થ ભક્તો સાથેના તેમના સંસર્ગની વિગતો આપે છે. આ જીવંત છબીઓ આનંદ અને કરુણાથી છલકાતા તેમના તેજસ્વી મનોભાવોની મનમોહક ઝલક આપવાની સાથે તેમના વ્યક્તિત્વની આભા બરાબર વ્યક્ત કરે છે, અને તેમને વાચકોના હૃદયની વધુ નજીક લાવે છે.
આ પુસ્તકના વાચનથી એક એવી આધ્યાત્મિક વિભૂતિનું તેજસ્વી ચિત્ર પ્રસ્ફુટિત થાય છે, જેઓ એક મહાન સંન્યાસી, કરુણામય ગુરુ, દીર્ઘદ્રષ્ટા અને સફળ વહીવટકર્તા તથા વેદાંતને વિશ્વના ફલક પર મૂકનાર વૈશ્વિક રાજદૂત હતા. તેમના જીવનમાંથી જે બાબત વિશેષ રીતે ઊપસી આવે છે તે છે—શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ પ્રત્યેની તેમની અગાધ અને અતૂટ શ્રદ્ધા, આધ્યાત્મિક સાધનામાં ચુસ્તતા અને નિયમિતતા, વહીવટી તથા વ્યવસ્થાપન કુશળતા તેમજ પૂજા-ભાવથી કરાતી ગરીબો તથા જરૂરિયાતમંદોની સેવા પ્રત્યેનું આજીવન સમર્પણ. અંગ્રેજી, બંગાળી, હિન્દી અને ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને કારણે તેઓ વિશાળ જનસમુદાય સુધી પહોંચી શક્યા અને તેમણે આ ભાષાઓમાં સાત પુસ્તકો લખ્યાં હતાં.
પૂ. મહારાજનું આદર્શ જીવન આધ્યાત્મિક સાધકોને જીવનની તમામ પરિસ્થિતિઓમાં ભગવાન શ્રીરામકૃષ્ણ, જગજ્જનની શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ આદર્શોને અનુસરીને પોતાની આધ્યાત્મિક અભીપ્સાને ગહનતર બનાવવામાં તથા પોતાના આંતરિક અને બાહ્ય જીવન વચ્ચે સંતુલન જાળવીને સાર્થક જીવન જીવવામાં મદદરૂપ થશે.
આ ગ્રંથ નિશ્ચિતપણે એક એવા સંન્યાસીને યોગ્ય, ઉચિત ભાવાંજલિ આપે છે, જેમનું જીવન ખરેખર “ગૌરવમય” હતું. આ પુસ્તકમાંની મૂલ્યવાન સામગ્રીનું સંકલન અને પ્રકાશન કરવા બદલ વિશ્વભરના ભક્તો અને આધ્યાત્મિક જિજ્ઞાસુઓ “સ્વામી આત્મસ્થાનંદ જન્મશતાબ્દી સમિતિ”ના ઋણી રહેશે. રાજકોટ અને ગુજરાત સાથેના પૂ. મહારાજના દીર્ઘ સંબંધને કારણે આ પુસ્તક વિશેષ ભાવનાત્મક મૂલ્ય પ્રાપ્ત કરે છે. ભક્તો તથા વાચકો આ મહત્ત્વપૂર્ણ પ્રકાશનના વાચન અને અધ્યયન દ્વારા પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના જીવન, કવન અને ઉપદેશોમાંથી સદાય પ્રેરણા, શક્તિ અને માર્ગદર્શન મેળવતા રહેશે.
Your Content Goes Here




