(ડૉ. ચેતનાબહેન માંડવિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ગુજરાતના પ્લાન્ટ બ્રીડિંગ અને જીનેટિક્સ વિભાગનાં ભૂતપૂર્વ પ્રોફેસર અને વડા છે. તેઓ રામકૃષ્ણ સંઘના દીર્ધ સમયથી ભક્ત છે. તેઓ ‘પ્રબુદ્ધ ભારત’, ‘વેદાંત કેસરી’, અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં લેખો લખે છે, અને આ સામયિકો માટે તેમણે ઘણાં પુસ્તકોની સમીક્ષા પણ કરી છે. – સં.)

તમામ પુસ્તકો, સેમિનારો અને વ્યાખ્યાનો મળીને પણ બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં માતા-પિતા જે ભૂમિકા ભજવે છે તેની બરાબરી કરી શકતાં નથી. વ્યક્તિ તેનાં વડીલો, માતા-પિતા અને ઘરના વાતાવરણમાંથી જે કંઈ ગ્રહણ કરે છે, તે જ મુખ્યતઃ તેના વ્યક્તિત્વને ઘડે છે. આમ, બાળકના વ્યક્તિત્વના વિકાસમાં માતા-પિતાની ભૂમિકા અપરિવર્તનીય અને દૂરગામી હોય છે; તેથી માતા-પિતા જ બાળકના સર્વાંગી કલ્યાણનો પાયો નાખી શકે છે.

ડિજિટલ પેરેન્ટિંગ શું છે?

વર્તમાન સમયનાં મા-બાપ અભૂતપૂર્વ પડકારનો સામનો કરી રહ્યાં છે. બાલ-ઉછેરની જવાબદારીએ ડિજિટલ યુગમાં એક નવો આયામ લીધો છે. બાળકોનો ઉછેર હવે માત્ર સૂતી વખતે વાર્તાઓ કહેવા, તેમના અભ્યાસક્રમમાં મદદ કરવા કે રમતના મેદાનના શિષ્ટાચાર શીખવવા પૂરતો મર્યાદિત નથી—તે બાળકોના સ્ક્રીન-સમયનું સંચાલન કરવા અને બાળકોને ઓનલાઇન જોખમોથી બચાવવા વિશે પણ છે.

આનું કારણ એ છે કે બાળકોની વર્તમાન પેઢી ડિજિટલ મીડિયા અને પ્લેટફોર્મ્સથી બનેલા ડિજિટલ વિશ્વના વાતાવરણમાં ‌ઊછરી રહી છે. ડિજિટલ મીડિયામાં એવી કોઈપણ સામગ્રીનો સમાવેશ થાય છે, જે ડિજિટલ ઉપકરણો દ્વારા બનાવવામાં આવે છે અથવા તેના દ્વારા મેળવવામાં આવે છે. તેમાં વિડિયો, ઓડિયો, ટેક્સ્ટ, ઇમેજીસ અને ઇન્ટરેક્ટિવ અનુભવો જેવા અલગ અલગ ફોર્મેટ્સની વિશાળ શ્રેણી શામેલ છે. ઉદાહરણ તરીકે સોશિયલ મીડિયા પોસ્ટ્સ, વેબસાઇટ્સ, ઓનલાઇન ગેમ્સ, સ્ટ્રીમિંગ સેવાઓ, ડિજિટલ આર્ટ અને ઇ-બુક્સ. પ્રવર્તમાન યુગનું બાળક જન્મે ત્યારથી જ તેની આસપાસ સ્માર્ટફોન, ટેબ્લેટ અને ઇન્ટરનેટનો વિશાળ વિસ્તાર હોય છે, જે ડિજિટલ માહિતી અને સ્ક્રીન-સમયને તેમના બાળપણના અનુભવોના કેન્દ્રીય ઘટકો બનાવે છે. ઓનલાઇન વાતચીતો, સોશિયલ મીડિયા, વર્ચ્યુઅલ મિત્રતા, ડિજિટલ મનોરંજન, અને ગેમિંગ તેમની રોજિંદી વાસ્તવિકતાનો અભિન્ન ભાગ બની ગયાં છે. જોવામાં ઉત્તેજક ટૂંકા વિડિયો, ઝડપી માહિતી અને ત્વરિત રીતે મળી જતો સંતોષ તેમના મગજને આકાર આપે છે. દરરોજ લાખો ડેટા બાઇટ્સનો તેમના પર મારો થાય છે, જે ઘણી વાર તેમના વિકાસશીલ મગજની પ્રક્રિયા કરવાની ક્ષમતા કરતાં પણ વધુ હોય છે. જો કે, આ બાળકોની જાગૃતિનો આ આયામ વૈશ્વિક સ્તર સુધી ફેલાયેલો હોવાથી તેઓ વિશ્વની ઘટનાઓ અને તકો વિશે જાણે પણ છે, અને તેમનું સાંપ્રત બાબતોનું જ્ઞાન આશ્ચર્ય પમાડે તેવું હોય છે. અનેક મોબાઈલ એપ્લિકેશનથી તેઓ વૈશ્વિક કક્ષાનું શિક્ષણ મેળવી શકે છે. ટૂંકમાં, તેઓ એવી દુનિયામાં જીવી રહ્યાં છે, જેનો આપણે ક્યારેય અનુભવ કર્યો નથી, જ્યાં ડિજિટલ ટેક્નોલોજી માત્ર સાધનો નથી પરંતુ દૈનિક જીવનનાં મૂળભૂત પાસાં છે. આથી, આજનાં બાળકો ‘ડિજિટલ નેટિવ્સ’ છે, જે ટેક્નોલોજી અને ઇન્ટરનેટના વપરાશમાં ખૂબ જ નિપુણ છે, જ્યારે મોટાભાગનાં માતા-પિતા ‘ડિજિટલ માઇગ્રન્ટ્સ’ છે, જેઓ ઇન્ટરનેટના યુગ પહેલાં જન્મ્યાં હતાં.

આથી, માતા-પિતાની જવાબદારીઓમાં અલ્ગોરિધમ્સ સમજવાના, બાળકોના સ્ક્રીન-સમય ઉપર દેખરેખ રાખવાના અને બાળકોને ઓનલાઇન જોખમોથી બચાવવાના આયામોનો ઉમેરો થયો છે; કારણ કે યોગ્ય માર્ગદર્શન વગર આ ડિજિટલ ટેક્નોલોજી બાળકના માનસિક, સામાજિક અને શારીરિક વિકાસમાં અવરોધ ઊભો કરી શકે છે. ડિજિટલ ટેક્નોલોજીના અપાર ફાયદાઓ હોવા છતાં, માતાપિતા તેમનાં બાળકો પર ડિજિટલ વાતાવરણની પ્રતિકૂળ અસર વિશે આશંકિત છે. તેઓ એવી ઓનલાઇન સામગ્રીનો સામનો કરી શકે છે જે તેમની ઉંમર અને સુખાકારી માટે અયોગ્ય હોય; જેમ કે જાતીય સામગ્રી, હિંસા, સ્વ-નુકસાન અથવા દ્વેષપૂર્ણ ભાષણ જેવી ખતરનાક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી સામગ્રી, અને ઇરાદાપૂર્વકની ખોટી, ભ્રામક અથવા નુકસાનકારક માહિતી. આ પરિસ્થિતિ એવા વિશિષ્ટ પડકારો રજૂ કરે છે જેનો અગાઉની પેઢીનાં માતાપિતાએ ક્યારેય સામનો કરવો પડ્યો ન હતો.

બાળકોના જીવનમાં ટેક્નોલોજીના આ અભૂતપૂર્વ પ્રવેશે ‘ડિજિટલ પેરેન્ટિંગ’ના એક વણખેડાયેલા પરિમાણની જરૂરિયાત ઊભી કરી છે. ‘ડિજિટલ પેરેન્ટિંગ’ એટલે બાળકોને માત્ર ભૌતિક અને સામાજિક ક્ષેત્રોમાં જ નહીં, પરંતુ વિશાળ એવા ડિજિટલ લેન્ડસ્કેપ્સમાં (ડિજિટલ દુનિયામાં) પણ માર્ગદર્શન આપવું. ડિજિટલ ટેક્નોલોજી બાળકો માટે ફાયદાકારક હોવા છતાં, તેમને તેના નુકસાન અને નકારાત્મક પરિસ્થિતિઓથી બચાવવાં એ આજના વાલીઓની પ્રાથમિક ફરજ બની ગઈ છે. આજના સમયની આ માગ છે અને આ અત્યંત જરૂરી પણ છે, કારણ કે બાળકો અને કિશોરોમાં હાનિકારક અને ઉપયોગી માહિતી વચ્ચે ભેદ કરવાની ક્ષમતા અને પરિપક્વતાનો અભાવ હોય છે. આવી પરિસ્થિતિમાં માતા પિતાની ભૂમિકા કડક નિયંત્રકની નહીં, પરંતુ સજાગ માર્ગદર્શક અને સંવેદનશીલ સાથીની બની જાય છે. તેમણે સમજવું પડશે કે ડિજિટલ પર્યાવરણ સ્વયં હાનિકારક નથી. યોગ્ય માર્ગદર્શન સાથે તે શિક્ષણ, સર્જનાત્મકતા, વૈશ્વિક જાગૃતિ અને જોડાણ માટે શક્તિશાળી સાધન બની શકે છે. ખોટી રીતે વપરાય ત્યારે જ તે બાળકના માનસિક, સામાજિક અને શારીરિક વિકાસમાં અવરોધ ઊભો કરે છે. તેથી પ્રશ્ન “ટેક્નોલોજી કે નહીં?” નો નથી, પરંતુ “કેવી રીતે અને કેટલી?” નો છે. વાલીઓએ બાળકોને એવા નાગરિક તરીકે તૈયાર કરવાનાં છે જે ડિજિટલ વાતાવરણમાં અસરકારક રીતે સંવાદ કરી શકે, શિક્ષણ મેળવી શકે, અને હાનિકારક સામગ્રીથી બચી શકે.

તાજેતરનું જ એક દૃષ્ટાંત લઈએ તો CNN Business (માર્ચ ૨૫, ૨૦૨૬) ના એક અહેવાલ મુજબ, કેલિફોર્નિયાની કોર્ટે તેના સીમાચિહ્ન રૂપી ચુકાદામાં, મેટા (Meta) અને યૂ-ટ્યૂબ (You tube)ને એક યુવતીને ઇરાદાપૂર્વક વ્યસની બનાવીને તેની શારીરિક અને માનસિક હાલત અત્યંત ખરાબ કરવા બદલ, તથા તેનામાં આત્મઘાતી વલણ ઉત્પન્ન કરવા બદલ જવાબદાર ઠેરવ્યાં છે, જ્યૂરીએ આ કમ્પનીઓને કુલ ૩ મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ કર્યો. આ કેસ સોશિયલ મીડિયા માટે એક પરિવર્તનકારી ક્ષણ (watershed moment) સમાન છે, જે ઓનલાઇન પ્લૅટફોર્મ્સ દ્વારા બાળકોને થતા માનસિક સ્વાસ્થ્યથી લઈને જાતીય શોષણ સુધીના નુકસાન અંગે માતાપિતા, વકીલો અને કાયદા ઘડનારાઓની વર્ષોની ચિંતાઓ પછી આવ્યો છે.

ઇન્ટરનેટની નકારાત્મક બાજુઓ: બાળકો પર ડિજિટલ પર્યાવરણની વિપરીત અસરો

ડિજિટલ પ્લેટફોર્મ અને ઇન્ટરનેટની બાળકો પર નીચે મુજબ પ્રતિકૂળ અસરો થઈ શકે છે:

૧. મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૨ થી ૫ વર્ષની વયનાં બાળકો જેઓ વધુ પડતા સ્ક્રીન-ટાઇમનો ભોગ બને છે, તેમનામાં મૌખિક વાતચીત ઓછી જોવા મળી હતી. ભાષા અને સમસ્યાઓ ઉકેલવાનાં કૌશલ્યો વિકસાવવા માટે પ્રત્યક્ષ સંવાદ જરૂરી છે, જે આવાં બાળકોને મળી શકતો નથી, કારણ કે તેમનો મોટા ભાગનો સમય સ્ક્રીનની સામે જ જાય છે. અનેક અભ્યાસો દર્શાવે છે કે વધુ પડતા સ્ક્રીન-ટાઇમને કારણે એકાગ્ર થવામાં, શીખવાની ક્ષમતામાં તેમજ સંવાદ કરવામાં અવરોધ આવે છે. આ ઉપરાંત આવાં બાળકો આંખોના સંપર્ક (eye contact) સ્થાપી શકતાં નથી અને તેમનામાં મર્યાદિત કલ્પનાશક્તિ અને ભાવનાત્મક અસંતુલન જેવાં સામાન્ય લક્ષણો જોવા મળે છે. લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસી રહેવાથી બાળકની આંતરિક શાંતિ જોખમાય છે.

‘લાઇક’ અને ‘ફોલોઅર્સ’ના માપદંડ પર પોતાનું મૂલ્ય માપવાની વૃત્તિ બાળકોના આત્મસન્માનને કમજોર બનાવી શકે છે. સતત તુલના કરવાથી ઈર્ષ્યા, અસંતોષ અને એકલતા વધે છે.

વિડિયો ગેમ્સ, શોર્ટ વિડિયોઝ અને સતત નોટિફિકેશન્સ મનને બેચેન રાખે છે. શાંતિથી બેસવું, પુસ્તક વાંચવું કે મૌન માણવું બાળક માટે મુશ્કેલ બનતું જાય છે.

૨. બોધાત્મક (Cognitive) કૌશલ્યો પર પ્રતિકૂળ અસર

આયોજન, વ્યવસ્થાપન અને સમયનું સંચાલન, જે શૈક્ષણિક કારકિર્દીને ઘડવા માટે માટે નિર્ણાયક છે, તે બાળકો શીખી શકતાં નથી. મગજની ‘રિવોર્ડ સિસ્ટમ’ સ્ક્રીન દ્વારા મળતા તાત્કાલિક સંતોષથી ટેવાઈ જાય છે, જેના કારણે બાળકો માટે એવાં કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે, જેમાં સતત પ્રયત્ન અને દીર્ઘકાળ માટે એકાગ્રતાની જરૂર હોય.

૩. સામાજિક વિકાસમાં અવરોધ

આસપાસના લોકો સાથે સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર, હળી-મળીને કામ કરવાની અને સંઘર્ષોને અસરકારક રીતે ઉકેલવાની ક્ષમતા જેવાં સામાજિક કૌશલ્યો અવરોધાય છે. પરિણામે, બાળક પરિવારના સભ્યો, મિત્રો અને સમાજથી વિમુખ થઈ જાય છે. વિરોધાભાસ એ છે કે તેઓ દુનિયા સાથે વધુ જોડાયેલાં છે પણ વધુ એકલાં છે; તેમની પાસે માહિતી વધુ છે, પણ તેઓ ઘણી વાર ગેરમાર્ગે દોરાયેલાં હોય છે.

૪. વર્તણૂક અને ભાવનાત્મક સમસ્યાઓ

બાળકમાં ચીડિયાપણું, ચિંતા, આક્રમકતા, હતાશાનો વધારો થઈ શકે છે અને તે લાગણીઓને અસરકારક રીતે નિયંત્રિત કરી શકતું નથી.

૫. ઊંઘની પદ્ધતિમાં વિક્ષેપ

સ્ક્રીનમાંથી નીકળતી ‘બ્લુ લાઇટ’ ઊંઘ માટે જવાબદાર ‘મેલેટોનિન’ હોર્મોનના ઉત્પાદનમાં દખલ કરી શકે છે. આનાથી ગાઢ ઊંઘમાં ખલેલ પહોંચે છે.

૬ શારીરિક વૃદ્ધિમાં અવરોધ

બાળક શારીરિક પ્રવૃત્તિઓ કરવાને બદલે સ્ક્રીન સામે બેસી રહે છે, જેને પરિણામે દોડવા, કૂદવા અને ચઢવા જેવી પ્રવૃત્તિઓ માટે જરૂરી એવા શરીરના બૃહદ સ્નાયુઓનો વિકાસ અટકી જાય છે.

૭. “કંઈક ચૂકી જવાનો ડર”

સોશિયલ મીડિયા પર તેમના સાથીદારોને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા જોઈને બાળકો અને કિશોરો એકલતા અને લઘુતાગ્રંથિ અનુભવે છે. સોશિયલ મીડિયા પર સતત આવતા અપડેટ્સ અને ઉત્તેજક પ્રવૃત્તિઓના પ્રવાહને કારણે આ ‘FOMO’ ની ઘટના વધુ ગંભીર બને છે.

માતા-પિતા સમક્ષના પડકારો અને જોખમો

ઇન્ટરનેટરૂપી આ નવીન ટેક્નોલોજીની ઝડપી અને અવિરત ગતિ વાલીઓની ભારે કસોટી કરે છે. માતા-પિતા જે દ્વિધાનો સામનો કરી રહ્યાં છે તે મુખ્યત્વે નીચે મુજબ છે:

૧. માતા-પિતા (વાલીઓ) અને બાળકો વચ્ચે ડિજિટલ સાક્ષરતાનો તફાવત

પોતાનાં બાળકોના ડિજિટલ જીવનમાં સંપૂર્ણ રીતે સામેલ થઈને સામાજિક, સામુદાયિક તથા પારિવારિક મૂલ્યો મુજબ બાળકોને માર્ગદર્શન આપવાની જવાબદારી મા-બાપની છે. જો કે, સતત આવતી નવી એપ્સ, પ્લેટફોર્મ્સ અને ઓનલાઇન ટ્રેન્ડ્સ સાથે તાલ મિલાવવો વાલીઓ માટે મુશ્કેલ બને છે, જે તેમનાં બાળકો માટે ખૂબ જ સરળ અને સહજ છે.

આના પરિણામે વાલીઓ પોતે પાછળ રહી ગયાં હોવાનો અનુભવ કરે છે. ઘણાં માતા પિતા આ નવીનતમ ટેક્નોલોજીથી ડરે છે અથવા તેને સંપૂર્ણપણે નકારી દે છે. પરિણામે બાળક અને માતા પિતા વચ્ચે સંવાદની જગ્યાએ ટકરાવ ઊભો થાય છે.

૨. વધુ પડતો સ્ક્રીન-ટાઇમ

વધારે પડતો સ્ક્રીન-ટાઇમ બાળકોમાં ઓનલાઇન ગેમની લત, ગોપનીયતાનો અભાવ અને પ્રાઈવસીનાં જોખમો સાથે જોડાયેલો છે. અંગત માહિતીનું વધુ પડતું શેરિંગ અને ડિજિટલ સાક્ષરતાનો અભાવ આ જોખમોમાં વધારો કરે છે. બાળકો નિર્દોષતામાં પોતાની તસવીરો, પોતાનું સરનામું અને અંગત વિચારો શેર કરી દે છે. તેમને એ સમજ હોતી નથી કે ડિજિટલ દુનિયામાં બધું કાયમી બની જાય છે.

૩. વાસ્તવિક અને ડિજિટલ જીવન વચ્ચેની રેખા ધૂંધળી થવી

ડિજિટલ બાળકોનાં સામાજિક જોડાણો, શિક્ષણ અને ભાવનાત્મક વિકાસ ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે થાય છે. તેથી તેઓ તેમની ડિજિટલ ઓળખ અને તેમના વાસ્તવિક જીવનના વ્યક્તિત્વ વચ્ચે સ્પષ્ટ તફાવત પારખી શકતાં નથી.

૪. ડિજિટલ વ્યસન

સતત નવી નવી વેબ સાઈટ ખોલીને જોવી ઇન્ફિનિટ સ્ક્રોલ અને અલ્ગોરિધમ આધારિત ફીડ્સ જેવી સુવિધાઓ બાળકોને ડિજિટલ વ્યસન તરફ દોરી જાય છે. આ લતને કારણે બાળકો વારંવાર એવી ઓનલાઇન સામગ્રીના સંપર્કમાં આવે છે, જે તેમની ઉંમર માટે અયોગ્ય હોય છે.

૫. સાયબર બુલિંગ અને ઓનલાઇન પજવણી

આમાં અફવાઓ ફેલાવવી, ખાનગી માહિતી શેર કરવી અથવા અપમાનજનક ટિપ્પણીઓ પોસ્ટ કરવી જેવી વિવિધ બાબતોનો સમાવેશ થાય છે. બાળકો આવાં સાયબર બુલિંગ કરનાર અનિષ્ટ તત્ત્વોની ઝપટમાં ઘણી વખત આવી જાય છે, જેની અસરો ગંભીર હોઈ શકે છે; તે માનસિક તણાવ, ચિંતામાં વધારો કરીને, બાળકના આત્મવિશ્વાસમાં ઘટાડો કરીને તેમને સામાજિક રીતે એકલવાયાં બનાવી શકે છે.

૬. ઓનલાઇન શિકારીઓ (Online Predators)

તેઓ ખોટા ઓનલાઇન પ્રોફાઇલ બનાવી શકે છે, પોતે જે નથી તે હોવાનો ડોળ કરે છે અને આ રીતે બાળકનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે છે. ધીમે ધીમે, તેઓ બાળકનું ભાવનાત્મક રીતે શોષણ કે પોતાના ફાયદા માટે તેનો ઉપયોગ કરી શકે છે.

ડિજિટલ પેરેન્ટિંગના પડકારોને પહોંચી વળવા માટેની વ્યૂહરચનાઓ

ઓનલાઇન પડકારો, જોખમો અને ધમકીઓના જ્ઞાનથી સંપૂર્ણ રીતે સજ્જ થઈને, વાલીઓ તેમનાં બાળકોને સુરક્ષિત રાખવા અને માર્ગદર્શન આપવા માટે વ્યૂહરચના બનાવી શકે છે. તેમાંથી કેટલીક નીચે મુજબ છે:

૧. સ્ક્રીન-ટાઇમ માટે સ્પષ્ટ મર્યાદાઓ નક્કી કરવી

સ્ક્રીન-ટાઇમ અને ઓનલાઇન પ્રવૃત્તિઓ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા સ્થાપિત કરવી અનિવાર્ય છે. ડિજિટલ ઉપકરણો ક્યારે, ક્યાં અને કેવી રીતે વાપરી શકાય તે અંગેની મા-બાપની જાગૃતિ બાળકને ઓનલાઇન અને ઓફલાઇન પ્રવૃત્તિઓ વચ્ચે સ્વસ્થ સંતુલન જાળવવામાં મદદ કરે છે. સ્ક્રીન-ટાઇમની આદર્શ મર્યાદા બાળકની ઉંમર, જરૂરિયાતો, વ્યક્તિત્વ અને પરિવારનાં મૂલ્યો મુજબ હોવી જોઈએ. માત્ર કલાકો પર ધ્યાન આપવાને બદલે, સ્ક્રીન-ટાઇમ બાળકનાં જ્ઞાન, કૌશલ્ય, એકંદર સ્વાસ્થ્ય અને સુખાકારી પર કેવી અસર કરે છે તે જોવું વધુ ફાયદાકારક છે. સ્ક્રીન-ટાઇમની ગુણવત્તા—પછી તે શૈક્ષણિક હોય, બાળકના મૈત્રીપૂર્ણ સંબધોને લાગતી હોય, કે પછી કૌટુંબિક સંબધોને લગતી હોય—વાલીઓએ ધ્યાનમાં લેવી જોઈએ.

૨. Parental Control Featuresનો ઉપયોગ

મોટા ભાગનાં ડિજિટલ ઉપકરણો અને એપ્સ આવી સુવિધાઓ આપે છે. આ સાધનો અયોગ્ય સામગ્રીને બ્લોક કરી શકે છે, સ્ક્રીન-ટાઇમની મર્યાદા નક્કી કરી શકે છે અને બાળકના ડિજિટલ વપરાશ પર નજર રાખી શકે છે.

૩. ઘરમાં સૌહાર્દપૂર્ણ અને પૂર્વગ્રહવિહીન વાતાવરણ વાતાવરણ ઊભું કરવું અને મુક્ત સંવાદનો આગ્રહ રાખવો

બાળકો તેમના ઓનલાઇન અનુભવો—પછી તે હકારાત્મક હોય કે નકારાત્મક—તે વિશે મુક્તપણે વાત કરી શકે તેવું વાતાવરણ કેળવવું જોઈએ. સમસ્યા ઊભી થાય તેની રાહ જોવાને બદલે, તેઓ ઓનલાઇન શું કરી રહ્યાં છે તે વિશે નિયમિત વાતચીત કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેથી જોખમકારક પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તેઓ માતાપિતાની તાત્કાલિક મદદ માગી શકે. ઘરમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ હોવાથી બાળકો પોતાની ચિંતાઓ વહેંચવા પ્રેરાશે, કારણ કે તેમને ખબર હશે કે તેમને સજા કરવાને બદલે સાંભળવામાં આવશે અને માર્ગદર્શન આપવામાં આવશે.

૪. માતા-પિતાએ બાળકોની સાથે ઓનલાઇન સામગ્રી જોવી અને સાથે રમવું

બાળકો સાથે અનુસંધાન કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કેમ ન કરવો? કૌટુંબિક રીતે કરવાનાં કાર્યો તથા સાથે માતા-પિતા અને બાળકોએ સાથે બેસીને જોવાના કાર્યક્રમોની યાદી બનાવવી, સાથે ડોક્યુમેન્ટ્રી જોવી, ફોટો-એડિટિંગ એપ્સથી આલ્બમ બનાવવા, વીડિયો ગેમ્સ રમવી અને શૈક્ષણિક એપ્સ તપાસવી—આ બધું વાલીઓ અને બાળકો વચ્ચે અર્થપૂર્ણ સંબંધ સ્થાપિત કરી શકે છે.

૫. ઓનલાઇન સુરક્ષા અને જવાબદાર ડિજિટલ નાગરિકતા શીખવવી

બાળકોને ઓનલાઇન શિષ્ટાચાર શીખવવો જરૂરી છે. તેઓએ સમજવું જોઈએ કે તેમના લખેલા શબ્દો અન્ય પર ઊંડી અસર કરી શકે છે. તેમને તેમની ‘ડિજિટલ ફૂટપ્રિન્ટ’ (પોતે ઇન્ટરનેટ પર કરેલ પ્રવૃત્તિનાં નિશાન-વૃત્તાંત) વિશે પણ માહિતગાર કરવાં જોઈએ કે જેથી તેઓ સમજી શકે કે ઓનલાઇન મૂકેલી પોસ્ટ કાયમી હોઈ શકે છે. બાળકોને સાયબર બુલિંગ (ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને બાળકોને વારંવાર ડરાવવા કે ધમકાવવા, શરમજનક સ્થિતિમાં મૂકવા, કે પરેશાન કરવાની ક્રિયા), ઓનલાઇન શિકારીઓ અને છેતરપિંડી જેવાં જોખમો વિશે શિક્ષિત કરવાથી તેઓ સુરક્ષિત રહે છે. તેમને સરનામું કે શાળાનું નામ જેવી વિગતો ઓનલાઇન જાહેર ન કરવી, મજબૂત પાસવર્ડ વાપરવો અને ફિશિંગ સ્કેમ્સ (જેમાં hackers ખાનગી માહિતીઓ મેળવી લે છે) ને કઈ રીતે ઓળખવા તે શીખવવું જરૂરી છે.

૬. ઓફલાઇન પ્રવૃત્તિઓ પર ભાર મૂકવો

બાળકોને એવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવાં, જેમાં સ્ક્રીનની જરૂર ન હોય, જેમ કે વક્તૃત્વ, નિબંધ-લેખન, વાચન, તેમજ ઇન્ડોર અને આઉટડોર રમતો. આ તેમનાં શારીરિક, બૌદ્ધિક અને સામાજિક વિકાસ માટે નિર્ણાયક છે.

૭. Tech-Free દિવસો ઊજવવા

અઠવાડિયામાં એક દિવસ ઘરના દરેક સભ્ય માટે સંપૂર્ણપણે સ્ક્રીન-મુક્ત રાખવો. શરૂઆતમાં આ વિચિત્ર લાગી શકે છે, પરંતુ પરિવાર તરીકે ફરીથી એકબીજા સાથે જોડાવા માટે આ એક ઉત્તમ રીત છે.

૮. નિરીક્ષણ અને દેખરેખ તથા માતા-પિતાએ પોતે નવીનતમ ડિજિટલ માહિતી મેળવી પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરવી

બાળકોની પ્રાઇવસીનું સન્માન કરવાની સાથે સાથે તેઓ ઓનલાઇન શું કરી રહ્યાં છે તેનાથી વાકેફ રહેવું અને તેમના ડિજિટલ અનુભવો વિશે ચર્ચા કરવા માટે નિયમિત સમય ફાળવવો અત્યંત મહત્ત્વનો છે. માતા-પિતાએ (વાલીઓએ) ટેક્નોલોજીના નિષ્ણાત બનવાની જરૂર નથી, પરંતુ ડિજિટલ દુનિયાની પાયાની સમજ મેળવવાથી તેઓ તેમનાં બાળકો સાથે ઓનલાઇન અનુભવો વિશે માહિતગાર રહીને અર્થપૂર્ણ વાતચીત કરી શકે છે.

૯. ઉદાહરણ પૂરું પાડીને નેતૃત્વ કરવું (Leading by Example)

જવાબદાર વાલી તરીકે પોતે સ્વસ્થ ડિજિટલ આદતોનું પ્રદર્શન કરવું, જેનું અનુકરણ બાળકો કરશે. માતાપિતાનું પોતાનું વર્તન સૌથી શક્તિશાળી પાઠ છે. જો માતાપિતા સતત ફોનમાં વ્યસ્ત રહે, તો બાળકો માટે સ્ક્રીનથી દૂર રહેવાની અપેક્ષા અર્થહીન બની જાય છે. તેને બદલે તેઓ પોતાનાં બાળકો સાથે સંપૂર્ણ રીતે હાજર રહે, બાળકોને પૂરતો અર્થપૂર્ણ સમય આપે.

૯. મીડિયા સાક્ષરતા કેળવવી તથા બાળકોમાં વિવેચનાત્મક વિચારસરણી વિકસાવવી

બાળકો ઓનલાઇન મળતી માહિતીનું વિવેચનાત્મક રીતે મૂલ્યાંકન કરીને ઓનલાઇન સ્રોતોની વિશ્વસનીયતા તપાસીને અવિશ્વસનીય માહિતીને ઓળખી શકે, પુરાવાઓ શોધી શકે તેવી ક્ષમતા વિકસાવે તે સુનિશ્ચિત કરવાની માતા-પિતાની ફરજ બને છે.

૧0. સામાજિક સરખામણી (Social Comparison) વિશે ચર્ચા કરવી

વાલીઓએ બાળકોને ઓનલાઇન વાસ્તવિકતા વિશે માર્ગદર્શન આપવું જોઈએ કે લોકો ઘણી વાર ફક્ત પોતાનું શ્રેષ્ઠ હોય તે જ ઇન્ટરનેટ પર મૂકે છે, તેને સાચું માનવું નહીં, કારણ કે વાસ્તવિકતા અલગ હોઈ શકે છે. આમ કરવાથી બાળકોમાં માનસિક પરિપક્વતા લાવે છે.

૧૧. નૈતિક અને આચારલક્ષી મૂલ્યોનું સિંચન અને ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવું

માતા-પિતાએ બાળકોના ચારિત્ર્ય-નિર્માણ પર ધ્યાન આપવું જરૂરી છે; અને સત્યનિષ્ઠા, પવિત્રતા, નિઃસ્વાર્થતા, નિર્ભયતા, અને શ્રદ્ધા જેવા મૂલ્યોનું સિંચન બાળકોમાં કરવું જોઈએ, જેથી બાળકો જવાબદારીપૂર્વક, યોગ્ય રીતે ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરી શકે.

બાળકોના આધ્યાત્મિક વિકાસ માટે ઘરમાં પ્રાર્થના, ધ્યાન અને મંત્રોચ્ચાર જેવી પ્રવૃત્તિઓ, ધાર્મિક પુસ્તકોનું વાચન-પઠન અને તહેવારોની ઉજવણી દ્વારા પ્રેમ અને સમજણભર્યું વાતાવરણ સર્જવું જોઈએ. આ સંસ્કારો તેમને ડિજિટલ મીડિયાની હાનિકારક અસરોથી બચાવવામાં મદદરૂપ થશે.

૧૨. ધાર્મિક અને સાંસ્કૃતિક શિક્ષણ માટે ડિજિટલ મીડિયાનો ઉપયોગ

વાલીઓ મલ્ટીમીડિયા દ્વારા ધાર્મિક વાર્તાઓ, વર્ચ્યુઅલ રિયાલિટી (VR) દ્વારા ઐતિહાસિક સ્થાનોની મુલાકાત અને ઇન્ટરેક્ટિવ એપ્સ દ્વારા નૈતિક મૂલ્યો શીખવવાનો નવતર અભિગમ અપનાવી શકે છે.

ડિજિટલ પેરેન્ટિંગનું કાર્ય એક કઠિન ચઢાણ જેવું લાગે છે—જેમાં સમય, શક્તિ, પ્રેમ, કરુણા, સમજણ, ધીરજ અને દ્રઢ નિશ્ચયની જરૂર પડે છે. વર્તમાન પેઢીનાં માતા-પિતા (વાલીઓ) એ પ્રથમ પેઢીના વાલીઓ છે જેઓ ‘ડિજિટલ નેટિવ્સ’ (જેમનો જન્મ જ ડિજિટલ યુગમાં થયો છે તેવાં બાળકો) નો ઉછેર કરી રહ્યાં છે; કદાચ તેમની પાસે તમામ પ્રશ્નોના જવાબો ન હોય, પરંતુ તેમની પાસે તેમનાં બાળકોને માર્ગદર્શન આપવા માટે શાણપણ, વિવેકબુદ્ધિ, સમજણ, ધીરજ, પ્રેમ અને સામર્થ્ય ચોક્કસ છે.

અંતે તો, ડિજિટલ પેરેન્ટિંગ એ બાળકોના જીવનમાંથી ટેક્નોલોજીને દૂર રાખવા વિશે નથી, પરંતુ તે શીખવા અને શીખવવા વિશે છે; તે ખરેખર શું મેળવવું છે તે નક્કી કરવા, પોતાનાં બાળકોને તાલીમ આપવા, તેમના ઉપર પ્રેમભરી નિગરાની રાખવા, તેમને યોગ્ય દિશામાં વાળવા, અને સંવાદ સાધવા વિશે છે; જેથી ડિજિટલ રીતે પરિપક્વ, કાર્યક્ષમ અને વિવેકબુદ્ધિ ધરાવતાં સર્જનાત્મક બાળકોનો ઉછેર કરી શકાય. ચાલો, આપણે એવાં બાળકોનો ઉછેર કરીએ જે ટેક્નોલોજી પર પ્રભુત્વ મેળવે, નહીં કે એવાં બાળકો જે ટેક્નોલોજીનાં ગુલામ બની જાય!

Total Views: 41

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.