તુલસીદાસજી કહે છે કે, એક વખત જય અને વિજય રાવણ અને કુંભકર્ણ બન્યા. પછી કહેવામાં આવે છે કે, એક વખત રુદ્રગણો રાવણ અને કુંભકર્ણ બન્યા. એમ પણ કહે છે કે, પ્રતાપભાનુ રાવણ બન્યો. વળી, એક સ્થાને એમ કહેવામાં આવ્યું કે, જે જલંધર હતો તે આગળ જતાં રાવણ બન્યો.
જય અને વિજ્ય ભગવાનના દ્વારપાળો છે. સનક, સનંદન, સનાતન અને સનત્કુમાર નામના ઋષિઓ ભગવાન નારાયણને મળવા ગયા. ત્યારે તેઓ ભગવાનના ધામમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે આ બંને દ્વારપાળોએ છડી આડી કરીને તેઓને રોક્યા. તે વખતે આ મહાત્માઓએ ક્રોધાયમાન થઈને શાપ આપ્યો કે, “જાઓ, તમારે ત્રણ જન્મો સુધી રાક્ષસ બનવું પડશે.” પરિણામે આ બંને દ્વારપાળો રાવણ અને કુંભકર્ણ બન્યા.
બીજી કથા દેવર્ષિ નારદની આવે છે. ભગવાને તેમને વાનર જેવું રૂપ આપ્યું હતું. ત્યાર પછી જ્યારે નારદજી સ્વયંવર સભામાં બેઠા હતા ત્યારે તેમની નજીક બેઠેલા શંકરજીના બે ગણ તેમના વિષે વ્યંગ્ય કરી રહ્યા હતા. નારદજીએ તેમને શાપ આપ્યો કે, તમે મારી મશ્કરી કરી છે. માટે જાઓ, રાક્ષસ બની જાઓ. ત્યારે તેઓ રાવણ અને કુંભકર્ણ બન્યા.
પ્રતાપભાનુ મહાન ધાર્મિક વૃત્તિવાળો રાજા હતો. પરંતુ એક વાર તેણે બ્રાહ્મણોને માંસ-મિશ્રિત ભોજન કરાવવાનો પ્રયત્ન કર્યો. એ વખતે આકાશવાણી થઈ. આથી બ્રાહ્મણોએ ક્રોધાયમાન થઈ રાજાને શાપ આપ્યો. તેથી પ્રતાપભાનુને રાવણ બનવું પડ્યું.
આ કથાઓનો સારાંશ એ છે કે, રાવણ બુરાઈનું પ્રતીક છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં એકસરખો રાવણ હોતો નથી. જય અને વિજય દેખાવમાં તદ્દન ભગવાન જેવા છે. જ્યારે ઉપર લખેલા ચાર મહાત્માઓ આવ્યા અને અંદર જવા લાગ્યા ત્યારે આ દ્વારપાળોના મનમાં એવો અહંકાર આવ્યો કે, અમે પણ ભગવાન જેવા જ છીએ; તો આ લોકો અમારાં દર્શન કરીને શા માટે સંતોષ પામતા નથી! આ લોકો અંદર જેનાં દર્શન કરવા જઈ રહ્યા છે, તો અંદર બેઠેલામાં શું કોઈ વિશિષ્ટતા છે? અહીં જે રાવણ છે, તે અહંકારનું પ્રતીક છે. અહીં ભગવાન સાથે સ્પર્ધાની જે ભાવના છે તે રાવણના જન્મનો હેતુ બને છે.
રુદ્રગણોના પ્રસંગમાં એક બીજી જ વૃત્તિ કાર્ય કરે છે. તે બીજાના પતનને જોઈ આનંદનો અનુભવ કરે છે.
ભગવાને નારદજીને વાંદરાની આકૃતિ આપી તો ખરી પરંતુ તેમની ભાવના નારદની રક્ષા કરવાની હતી. રુદ્રગણોની આંખો ચકોર છે. આંખો ચકોર હોવી તે સારું છે. પરંતુ રુદ્રગણોની માફક ચકોર દૃષ્ટિ હોવી ઠીક નથી. જો કોઈને આવી દૃષ્ટિ પ્રાપ્ત થાય અને જેની મારફત તે બીજાના દોષ અથવા પાપને જાણીને તેમની મશ્કરી કરે અથવા તેને દુ:ખ આપવામાં આનંદ માણે તો આવી દિવ્ય દૃષ્ટિની નિંદા કરવી કે પ્રશંસા?
આ બંને રુદ્રગણોએ પોતે પ્રાપ્ત કરેલી દિવ્ય દૃષ્ટિનો દુરુપયોગ કર્યો. રુદ્રગણોને સ્વયંવરમાં જવાની શી જરૂર હતી? તેમને વિવાહ તો કરવા ન હતા. તેઓ ફક્ત એટલા માટે ગયા હતા કે, નારદની દુર્દશા જોઈને તેમની મશ્કરી કરે, ખૂબ હસે. આ તો એવી વાત બની કે, આપ કોઈ વ્યક્તિની પાછળ પાછળ જાવ; પછી તે વ્યક્તિ લપસીને પડે તો આપ તાળીઓ પાડીને આનંદ પ્રાપ્ત કરો.
રુદ્રગણો નારદ પર વ્યંગ્ય કરી રહ્યા હતા. અંતમાં, ભગવાન આવે છે. માયા ભગવાનના ગળામાં જયમાળા પહેરાવે છે. ભગવાન જ્યારે વિશ્વમોહિનીને લઈને ચાલ્યા જાય છે ત્યારે તરત જ રુદ્રગણો નારદને કહે છે કે,
‘નિજ મુખ, મુકુર બિલોકહુ જાઈ’
જઈને અરીસામાં તમારું મોઢું જુઓ. અરીસો એક જુદા જ પ્રકારની વસ્તુ છે. તેનાથી વધી જાય એવી વહાલી વસ્તુ કોઈ નથી. સાથોસાથ, તે એવો જુદા જ પ્રકારનો શબ્દ છે કે કોઈને ચીડવવા માટે તેનાથી વધીને બીજો કોઈ શબ્દ નથી. એવી કઈ વ્યક્તિ હશે જેના ઘરમાં દર્પણ ન હોય અને જે અરીસામાં પોતાનું મોઢું ન જોતી હોય? દરેક વ્યક્તિ અરીસો જુએ છે. પછી તે અરીસો મૂલ્યવાન હોય કે સસ્તો હોય. છતાં આ દર્પણ શબ્દ જુદા જ પ્રકારનો છે. પોતે અરીસામાં જુએ તો આનંદ આવે છે પરંતુ બીજો માણસ અરીસામાં જોવાનું કહે ત્યારે ક્રોધ આવી જાય છે. જે વ્યક્તિ એમ કહે છે કે, “જરા દર્પણમાં જુઓ.” તે વ્યક્તિ સમાજની સામે આપણા દોષોને જાહેર કરવા ઇચ્છે છે. પોતાની મેળે અરીસામાં જોવું એક વાત છે અને બીજાને અરીસો બતાવવો એ જુદી જ વાત છે.
રુદ્રગણોએ જાતે અરીસો જોયો નહિ. તેઓએ બીજાને અરીસો જોવાની વાત કહી. નારદજીએ તેઓને શાપ આપ્યો કે, “રાક્ષસ બની જાઓ.” માનો કે નારદજીએ પણ તેમને દર્પણ જોવાની વાત કહી દીધી.
સ્વયંવરમાં નારદજીની મુખાકૃતિ પર કામનો આવેશ દેખાતો હતો. રુદ્રગણો તો એ જોઈ રહ્યા હતા કે નારદની આકૃતિ વાનરની છે. પરંતુ આ ગણ પોતે અરીસામાં જુએ તો તેમને ખ્યાલ આવત કે તેમના ચહેરા પણ રાક્ષસો જેવા બની ગયા છે. બીજાના પતન પર ખુશ થવું એ રાક્ષસી વૃત્તિનું પ્રતીક છે. જે વાનરવૃત્તિથી પણ ઘાતક છે. બન્નેએ એકબીજાને અરીસામાં જોવાની વાત કહી. આ પ્રમાણે વાનર અને રાક્ષસ બનીને, તેઓ એકબીજાની સામે આવી ગયા. બીજાના પતન ઉપર ખુશ થવાની આ વૃત્તિ છે. તે વૃત્તિ રાવણ બનીને આપણા જીવનમાં આવે છે.
કહેવાય છે કે, પ્રતાપભાનુ રાવણ બની ગયો. પ્રતાપભાનું સત્યકેતુનો પુત્ર હતો અને તેનું પતન કાલકેતુના કારણે થયું. સત્યકેતુ અને કાલકેતુ માનો કે જીવનનાં બે દર્શન છે. સત્યકેતુ એ છે કે, જેની વિચારધારામાં સ્થિરતા છે. જે એમ માને છે કે, જીવનમાં કેટલાક સિદ્ધાંતો છે, કેટલીક માન્યતાઓ છે, જેમના આધાર ઉપર જીવન ચાલવું જોઈએ.
કાલકેતુ તે છે જે અવસરવાદી – તકસાધુ છે. જે એમ માને છે કે, ‘જેવો પવન વાય તે પ્રમાણે પીઠ ફેરવો’ – જેના તડમાં લાડુ, તેના તડમાં અમે. જ્યારે જેમાં લાભ દેખાય ત્યારે પોતાનો સ્વાર્થ સાધી લેવો.
કેતુનો અર્થ આપ જાણતા જ હશો. કેતુનો અર્થ ધજા – વાવટો. સત્યકેતુ એટલે સત્યનો ધ્વજ અને કાલકેતુ એટલે અવસરને સમયે અનુકૂળ ધ્વજ. આ સત્યકેતુ અને કાલકેતુનો સંઘર્ષ હતો, જેમાં પ્રતાપભાનુનું પતન થયું. સત્યકેતુનો પુત્ર કાલકેતુ સામે હારી ગયો. કાળની સમક્ષ સત્ય પરાજિત થઈ ગયું, સત્ય હારી ગયું.
આ વાત આપ સારી રીતે સમજી લો કે, બુરાઈ અને ભલાઈ વચ્ચે ઘણો મોટો તફાવત રહેલો છે. બુરાઈને સફળ થવા માટે પૂર્ણતાની જરૂર નથી. પરંતુ ભલાઈને સફળતા મેળવવા માટે પૂર્ણતા પ્રાપ્ત કરવી જરૂરી છે. એમ માની લો કે મિશ્રણ કરવા માટે કોઈ માત્રા કે માપનું બંધન નથી. પરંતુ શુદ્ધતા માટે તો આ બંધન જરૂરી છે. મિશ્રણમાં કોઈ એક તોલાની ભેળસેળ કરે કે દસ તોલાની કરે; તેમાં કોઈ પ્રકારનું બંધન નથી. પરંતુ જે શુદ્ધ છે, તેને માટે તો નિયમ છે. શુદ્ધ એટલે પૂરેપૂરું શુદ્ધ. તેમાં એક પરમાણ જેટલી પણ અશુદ્ધિ ન હોવી જોઈએ.
જો હિંસા અને અહિંસાનો સંઘર્ષ હશે, તો તેમાં અહિંસા જીતી જશે. પરંતુ જો ઓછી હિંસા અને વધારે હિંસાનો સંઘર્ષ હશે, તો અધિક હિંસા જીતી જશે. ઘણી વખત લોકો કહે છે કે, સારા લોકો હારી જાય છે અને ખરાબ લોકો જીતી જાય છે. આ તદૃન ખોટી વાત છે. હા! એમ કહો કે, થોડી બુરાઈવાળા હારી ગયા અને વધારે બુરાઈવાળા જીતી ગયા. ઓછા બૂરા અને વધારે બૂરા લોકોમાં જે વધારે બૂરા છે તે જીતી જશે.
આનું તાત્પર્ય એ થયું કે, જ્યાં એક વ્યક્તિ બુરાઈની પસંદગી કરશે તો તેને પોતાની સફળતા માટે પૂરેપૂરી રીતે, બુરાઈનું આચરણ કરવું પડશે. સત્યને પૂરેપૂરું સત્ય બનવું પડશે, પરંતુ અસત્યને કોઈ બંધન નથી.
રાજા પ્રતાપભાનુ વનમાં શિકાર કરવા ગયો. તે સફળ થઈને પાછો ફરતો હતો ત્યારે ત્યાં એક મૃગ દેખાયો. રાજા તેની પાછળ ભાગ્યો. આ લોભ છે. ‘વિનયપત્રિકા’માં ગોસ્વામીજી કહે છે, ‘લોભ શૂકરરૂપ’. લોભરૂપી ભૂંડ તેમની સામે આવ્યું અને રાજા પ્રતાપભાનુ તેની પાછળ દોડ્યો. આ ભૂંડ કોણ હતો? કાલકેતુ જ સોનેરી મૃગનું રૂપ ધારણ કરી આવ્યો હતો.
વિચિત્ર વ્યંગ્ય છે. જે પ્રતાપભાનુ મૃગથી છેતરાયો, તે જ્યારે રાવણ બન્યો ત્યારે રામને છેતરવા માટે સાથે મૃગ લઈને આવ્યો. છેતરપીંડીનું આ ચક્ર આમ ચાલ્યા જ કરે છે. આપણને કોઈએ છેતર્યા હોય તો તે જ પદ્ધતિથી આપણે પણ બીજાને છેતરીશું. આપણને કોઈએ ખોટો સિક્કો આપ્યો હોય, તો આપણે તે સિક્કાને કોઈ બીજી વ્યક્તિને વળગાડી દેવાનો પ્રયત્ન કરીશું. બુરાઈ ત્યારે જ મટવાની જ્યારે કોઈ વ્યક્તિ સાહસપૂર્વક તેનો ત્યાગ કરી દે.
પરંતુ અહીં તો સત્યકેતુનો પુત્ર કાલકેતુ રૂપી મૃગની પાછળ દોડે છે. આનો અર્થ એ થયો કે સત્યનું પાલન કરનાર વ્યક્તિ, અગર પ્રલોભન, લાભ અને સફળતાની ઇચ્છા કરી, સ્વાર્થ સાધવા માટે અવસરવાદી વ્યક્તિને શોધે છે – તેનો સહારો લે છે, તો તેને વિજય પ્રાપ્ત થતો નથી. આ રીતે માત્ર સત્યકેતુનો પુત્ર હોવાના સંબંધથી રાજા પ્રતાપભાનુ સંઘર્ષમાં વિજયી બની શકશે નહિ. અગર તે પોતાના જીવનમાં માત્ર થોડા જ અસત્યનો સ્વીકાર કરશે, તો તેનું પતન નક્કી છે અને એમ જ થયું.
જ્યારે પ્રતાપભાનું કપટ મુનિના દ્વાર પર ગયો ત્યારે કપટ મુનિએ પૂછ્યું, “આપનું નામ શું?” રાજા બોલ્યો. “હું રાજા પ્રતાપભાનુનો મંત્રી છું.” કપટ મુનિએ હસીને કહ્યું કે, “તમે કોણ છો તે હું જાણું છું.” ત્યારે પ્રતાપભાનુ કહે છે, “મહારાજ, મેં આપથી છુપાવ્યું, હું પ્રતાપભાનુનો મંત્રી નથી. પરંતુ હું પોતે જ પ્રતાપભાનુ છું.” ત્યારે હસીને કપટ મુનિ બોલ્યા –
‘કીન્હે હુ કપટ, લાગ ભલ મોહી’
તમારું કપટ મને ગમ્યું છે. આમાં વ્યંગ્ય રહેલો છે. કપટ મુનિ કહેવા માગે છે કે, તમે કપટ કરવાની શરૂઆત કરી, તો મને પણ કપટ કરવાની છૂટ મળી ગઈ. હવે મને કોઈ પ્રકારનો સંકોચ નથી. ભલે તમે થોડું અસત્ય બોલ્યા, પરંતુ અસત્યનો પ્રયોગ તો પ્રથમ તમે કર્યો.
આ દગાબાજી – છળકપટ સમાજમાં પણ છે. મહાભારતમાં પણ આ છળકપટ હતું. સત્ય બાબતમાં પણ ત્યાં વિભાગ પાડી દીધા.
ભીમે કહ્યું, “પ્રથમ અમે અશ્વત્થામા નામના હાથીને મારી નાખીશું અને પછી બૂમ પાડીને કહીશું. અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા મરાયો.”
સત્યની સામે આ છળકપટ છે. પહેલાં અશ્વત્થામા નામના હાથીને મારી નાખવામાં આવ્યો પછી ભીમે દ્રોણાચાર્ય પાસે જઈને કહ્યું કે, અશ્વત્થામા મરાઈ ગયો. ભીમને એ બાબતનો સંતોષ હતો કે, મેં પૂરેપૂરું અસત્ય ક્યાં કહ્યું છે? જાણે ખોટું બોલવામાં પણ પૂરું અને અધૂરું એમ બે પ્રકાર હોય.
યુધિષ્ઠિર મહાન સત્યવાદી કહેવાય છે. પરંતુ જ્યારે તેમની સામે સમસ્યા ખડી થઈ, ત્યારે તેમણે કહ્યું કે, “અશ્વત્થામા મરાયો, નરો વા કુંજરો વા.’ અશ્વત્થામા માર્યો ગયો છે એ વાત સાચી છે પરંતુ તે મરનાર મનુષ્ય હતો કે હાથી હતો તેની ખબર નથી. આમ બોલીને યુધિષ્ઠિર કોને દગો દઈ રહ્યો છે? પોતાના આત્માને કે કોઈ બીજાને? જ્યારે તેઓ સારી રીતે જાણતા હતા કે, “અશ્વત્થામા નામનો હાથી જ માર્યો ગયો છે, ત્યારે એમ કહેવું કે, મનુષ્ય અથવા હાથી એ પૂરેપૂરું જુઠાણું હતું, પોતાની જાતને દગો દેવા માટે આટલું જ જરૂરી હતું,
જ્યારે મનુષ્ય પોતે પોતાની જાતને છેતરે છે ત્યારે કાલકેતુને પણ લાભ લઈ લેવાનો મોકો મળી જાય છે.
આનું તાત્પર્ય એ થયું કે, ક્યારેક અહંકાર, ઇર્ષ્યા, પ્રલોભન અને ક્યારેક સ્વાર્થ રાવણના રૂપે આપણા જીવનમાં આવી જાય છે.
આ રાવણોને આપણે ઓળખી શકીએ તો આપણે નિર્ણય કરી શકીએ કે, આપણને ક્યા રામની જરૂર છે! રામ અગણિત રૂપે આવવા તૈયાર છે. ગોસ્વામીજી કહે છે કે, આપ શ્રીરામને બોલાવો તો ખરા!
Your Content Goes Here





