(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)
(ઓગસ્ટ 2025થી આગળ)
ભક્ત ચૂડામણિ ગોસ્વામીજી પણ પત્રિકામાં કંઈક આવું જ કહે છે –
स्वामी की सेवक-हित्तता सब,
कछु निजसाई दुहाई ।
निजमतितुला तौलि देखी,
भई मेरेहि दिसि गरुआई ।
ઉપરોક્ત પંક્તિઓનો હેતુ પ્રભુની સેવકના હિત પરત્વેની ઊણપ બતાવવાનો નથી પણ પોતામાં વસેલા સ્વામી-દ્રોહનું પ્રમાણ બતાવવાનો છે. એટલે કોઈ પણ પ્રસંગ પર વિચારતી વેળા આપણને વક્તાના હેતુ અને તેના સ્વભાવની વિસ્મૃતિ ન થવી જોઈએ. શ્રી ભરતજીએ સોગંદ પર કરેલું આ નિવેદન સમજીને હૃદય ભરાઈ આવે છે.
આટલા મહાન ભક્ત કેવા સરળ અને ભોળા છે! એમને પોતાની વિશેષતાની કદીય જાણ જ થતી નથી. અને એ વાત ખરી પણ છે ને—જે પ્રભુની વિશેષતાઓ શોધે છે એમને જણાતાં દૂષણો માટે પણ કોઈ સ્થાન તો હોવું જોઈએ ને! ત્યારે એ સઘળાં દૂષણો પોતાનામાં જ જુએ છે.
गुन तुम्हार समुझइ निज दोसा ।
जेहि सव भांति तुम्हार भरोसा ।।
(એ બધા ગુણ તમારા અને દોષ બધા પોતાના ગણે છે; જેને આપ ઉપર પૂરો વિશ્વાસ છે)
આ પછી તો શ્રી ભરતજીનું વિશિષ્ટ વ્યક્તિત્વ લોકો સમક્ષ આવે છે. તેમની સામે કેવડું મોટું પ્રલોભન હતું! અયોધ્યાનું વિશાળ રાજ્ય. અને તે પણ અન્યાયપૂર્વકનું નહીં, સર્વસંમતિપૂર્વકનું. રાજા દશરથની ઉત્તરક્રિયા પછી સમગ્ર નગરવાસીઓની સભામાં સૌ વતી મહર્ષિ વશિષ્ઠજી તેમને રાજ્યભાર સ્વીકારવા વિનંતી કરે છે.
વશિષ્ઠજી પોતે જ જે વાતમાં સંમત હોય ત્યાં અધર્મની શંકા પણ ક્યાંથી હોય ? એ રાજ્યમદ, કે જેણે ભલભલાને ભૂલવ્યા હતા, નહુષ, ઇન્દ્ર ઇત્યાદિ જેની થપાટને સહન ન કરી શક્યા, એ રાજ્યલક્ષ્મી આજે સોળે શણગાર સજી મનમોહકરૂપે એમને લોભાવવા આવી હતી.
પરંતુ પ્રેમવ્રતધારી ભરતને એ ડગાવી ન શકી. એમની સામે જે વિકટ સમસ્યા ઊભી થઈ હતી એની કલ્પના કરવી પણ આજે અસહ્ય હતી.
સમસ્ત પ્રજા અનાથ થઈ ગઈ છે. કરુણા ને શોકનો સમુદ્ર જાણે પ્રસરી ગયો છે; એમાં સૌ ડૂબેલાં છે. માતાઓની સ્થિતિ તો એથીયે વધુ દુઃખદ છે. ત્યાં તે ‘धीरजहुँ कर धीरज भागा। જેવી સ્થિતિ છે. બધાંની દૃષ્ટિ કેવળ ભરત ઉપર છે. બધાં જાણે કે તેઓ એક જ આશા પર જીવવા માગે છે. રામદર્શનની લાલસા જ નાવિક વિહીન જહાજ બની, એ તેમને બચાવી રાખે છે. નાવિક કોણ બની શકે છે ? બધાં એક જ સ્વરે પોકારી ઊઠે છે, “ભરત.”
એમના શબ્દોમાં હૃદય કંપાવનારી કરુણા છે. પણ શ્રી ભરત સામેય એક દ્વિધા છે. તે પોતે એક સેવક સ્વરૂપે સેવા આપવા તો તત્પર છે. તેઓ તો संपति सब रघुपति के आहीं।માં માનવાવાળા છે. પરંતુ નગરવાસીઓ સમક્ષ મુકાયેલો પ્રસ્તાવ એ પ્રકારનો નથી. એમાં તો જાણે કે નાવિકને પહેલેથી જ પુરસ્કારનું પ્રલોભન ધરવામાં આવ્યું છે. તેમાં કેવળ પ્રલોભન જ નહીં પણ ‘अवध राज सुरराज सिहाही’ કહીને એને કાંઈ પહેલાં જ પુરસ્કાર આપવાની વાત છે. આ પુરસ્કાર લોકોની દૃષ્ટિએ ભલે મહત્ત્વપૂર્ણ હોય પણ એક રામ-પ્રેમી માટે એ શા કામનો? પ્રેમીએ કહ્યું: રોગી છું, પીડાથી હૃદય સળગી રહ્યું છે. વૈદ્યે કહ્યું: પણ રોગ સામાન્ય હોય તો ને.
પ્રેમમયી મીરાંએ એક દિવસ કારુણ્ય સ્વરે ગાયું હતું. ‘हेरी, म्हे तो प्रेम-दिवानी म्हारो दरद न जाणो काय ।’
ખરેખર ભગવત્ પ્રેમીની વ્યથાની વાત રસિક સિવાય કોઈ સમજી ન શકે.
હા, તે પ્રેમ-રોગગ્રસ્ત મહાપુરુષની ચિકિત્સા કરવા પ્રસિદ્ધ વૈદ્યરાજ પધાર્યા હતા—મહર્ષિ વશિષ્ઠ. પણ આ એે રોગ છે કે જેની ચિકિત્સા કોઈ વૈદ્યે નહીં પણ રોગીએ પોતે જ કરવાની છે.
જેનું હૃદય પ્રિયતમના વિયોગની અગ્નિમાં બળી રહ્યું હોય તેને એમ કહેવામાં આવે છે કે આ રાજ્યમદનું પાન કરો ! પણ એમાં વૈદ્યનો પણ શો દોષ? એમણે રોગીની નાડી તો પકડી પણ એ રોગનું નિદાન જ ન કરી શક્યા. પરંતુ લોકોને તો વિશ્વાસ હતો જ. તે સિદ્ધહસ્ત વૈદ્ય હતા. તેથી જ તો માતા કૌશલ્યાએ પણ કહ્યું-
कौसल्या घरि धीरजु कहई ।
पूत पथ्य गुर आयसु अहई ।।
પણ પ્રેમરાજ્યની તો રીત જ નિરાળી છે. એ ભલે રોગી હોય પણ એને રોગનું અને તેની દવાનું સંપૂર્ણ જ્ઞાન છે.
પરંતુ વૈદ્ય પણ હિત-ચિંતક જ છે ને, એમનો તિરસ્કાર કેમ થાય ? વળી શ્રી ભરતજી જેવા પ્રેમી તો એમ કરી જ કેવી રીતે શકે? એટલે એમણે તો વૈદ્યની સ્તુતિ જ કરી-
गुरु बिवेक सागर जगु जाना।
जिन्हहि विस्व कर बदर समाना ।।
હા, આ સ્તુતિ તો છે જ, પણ વૈદ્યજી ઉપર એક મીઠો વ્યંગ પણ છે. ‘विस्व कर बदर समाना’ કહેવામાં ગૂઢ અર્થ છે. પ્રશંસા એ રીતે કરી છે કે નાનુંશું બોર જેમ હાથમાં રહી શકે તેમ આ વિશ્વ મહામુનિના હાથમાં સ્થિત છે. પણ એને માટે બોરની ઉપમા શા માટે ? આમળાં પણ નાનાં જ છે ને. અને બાલકાંડમાં મહર્ષિઓની પ્રશંસા કરતાં આમળાંની જ ઉપમા આપવામાં આવી છે-
जानहि तोनि काल निज ज्ञाना ।
करतलगत आमलक समाना ।।
આમ બંનેમાં બુદ્ધિમાન માટે અંતર તો છે જ. આયુર્વેદના જ્ઞાતાઓને પૂછો-
‘धात्रीफलं सदापथ्य कुपथ्यं वदरीफलं ।’
વૈદ્યો માટે આ સરસ સંકેત છે. ‘पूत पथ्य गुरु आयसु अहई।’નો આથી વધુ વાસ્તવિકને મધુર ઉત્તર સંભવ નથી. વૈદ્ય પોતાની ત્રુટી સમજે છે. ક્યાં ફસાયા આ પ્રેમ-રાજ્યમાં ! લોકો મૂંઝવણમાં હતા. પણ થાય શું? પીડાથી કણસતા હતા, પણ પ્રેમીએ કહ્યું કે આનો ઉત્તર તો નિશ્ચિત જ છે –
“मीरा की तब पीर मिटै जब
वैद सांवलिया होय ।”
મીરાંનું દર્દ તો ત્યારે જ મટે, જો વૈદ્ય ખુદ શ્રીકૃષ્ણ હોય.
अपनी दारुन दीनता,
कहऊं सबहि सिरुनाइ ।
देखे बिनु रघुनाथ पद,
जिनके जरनि न जाइ ।।
અને ‘प्रातः काल चालि हऊँ प्रभु पाहीं ।’ આ પ્રકારના નિર્ણયે તો ચમત્કાર સર્જ્યો. વિષમ વિયોગથી ત્રાસેલા નગરજનો આ મહાન મંત્ર જેવા નિર્ણયના ઉચ્ચારણમાત્રથી જાગૃત થયા!
શ્રી ભરતજીના જયકારોથી સભામંડપ ગુંજી ઊઠ્યો. એક વાર ફરી લોકોનાં મ્લાન મુખ ચમકી ઊઠ્યાં. ઔષધનું નામમાત્ર સાંભળી લોકોનાં અંગે અંગ પર ઉલ્લાસ ફરી વળ્યો. આ રોગીની બલિહારી છે! લોકો પ્રેમભરી અશ્રુયુક્ત આંખોથી પોતાના ભરતને જોઈ રહ્યા. જેમણે ભરત ઉપર શંકા કરી હતી, તેઓએ પણ આંસુ વહાવી પોતાનાં પાપોનું પ્રક્ષાલન કર્યું. આ પ્રેમમયી દિવ્ય સ્થિતિનું વર્ણન મહાકવિની ભાષામાં જ જોઈએ-
भरत बचन सब कहं प्रिय लागे।
राम सनेह सुधाँ जनु पागे ॥
लोग बियोग बिषम बिष दागे।
मत्र सबीज सुनत जनु जागे ।।
मातु सचिव गुर पुर नर नारी।
सकल सनेहँ बिकल भए भारी ।।
भरतहि कहि सराहि सराहि।
राम प्रेम मूरति तनु आही ।।
तात भरत अस काहे न कहहू ।
प्रान समान राम प्रिय अहहू ।।
जे। पावँरु अपनी जड़ताई।
तुम्हही सुगाइ मातु कुटिलाई ।।
सो सठ कोटिक पुरुष समेता।
बसिहि कलप सत नरक निकेता ।।
अहिश्रध अवगुन हि मनि गहई।
हरइ गरल दुख दारिद दहई ।।
अबसि चलिअ बन रामु जहं,
भरत मंत्र भल कीन्ह ।
साक सिधु वूड़त सर्बाह,
तुम्ह अवलंबनु दीन्ह ।।
બધાં ઘેર જઈને વનમાં જવા માટે પ્રવૃત્ત થાય છે. રામદર્શનની લાલસામાં પોતાની સુધ-બુધ ખોઈ બેઠેલા ભરત પણ પાછા ફર્યા. પરંતુ તેમના હૃદયમાં એક મોટી ચિંતા છે, બધાં રાઘવેન્દ્રનાં દર્શન માટે ઉત્સુક તો છે પણ ‘સ્વ’ના સુખનો જ વિચાર કરવો એ તો પ્રેમીનું લક્ષણ નથી જ. તેઓ સભાન છે કે નગરની એક એક વસ્તુ પર તો પ્રભુને કેટલો અનુરાગ છે! પ્રભુના વિયોગમાં કૃશ બની ગયેલા ઘોડાઓ પર એમની દૃષ્ટિ વારંવાર જાય છે. એમનાં પાળેલાં પશુ-પક્ષી પણ એમને પ્રિય છે. એમનાં દર્શનની લાલસામાં જો એ પશુ-પક્ષીઓને જ ભૂલી જઈએ તો તે કેટલો મોટો દોષ થશે? ધન્ય છે શ્રી ભરતજીના પ્રેમની રીત. સંભવ છે કે કોઈને એવી શંકા જાય છે કે જો ભરતજીને રાજ્ય પ્રત્યે મમત્વ ન હતું તો પછી આટલી બધી વ્યવસ્થાનું કારણ શું હતું? તો લોકો ભલે શંકા કર્યા કરે. પ્રેમી પોતાના માર્ગે જ જાય છે. એને પોતાના સુખ પ્રત્યે નહિ, પ્રિયતમ અને એમની વસ્તુઓ પ્રત્યે ધ્યાન છે. જો કે સામાન્યતઃ દર્શનાતુર લોકોની સ્થિતિ શ્રેષ્ઠ લાગે છે; પણ ઊંડાણથી જોતાં જણાય છે કે બંનેમાં અંતર છે, ઘણું અંતર છે. આતુરતામાં પ્રેમ તો છે જ પણ તેમાં મિલનનો આનંદ પ્રાપ્ત કરવાની વૃત્તિ અને એ રીતે મળનારા સુખની ઇચ્છા જ વધારે છે. પરંતુ ‘तत्सुखे सुखितम्’નું સાચું સ્વરૂપ તો શ્રી ભરતમાં જ જોવા મળે છે. વાસ્તવમાં એમની આ પ્રેમભરી વિચારધારા જ પ્રેમ-સિદ્ધાંતનું એક અમૂલ્ય અંગ છે.
भरत जाइ घर कीन्ह विचारू।
नगरु बाजि गज भवन भडारू ।।
संपति सब रघुरति के आही।
जों बिनु जतन चलौं तर्ताज ताही ।।
ती परिनाम न मोरि भलाई।
पाप सिरोमनि साइ दोहाई ।।
करइ स्वामि हित सेवकु सोई।
दूषन काटि देइ किन कोई ।।
આવો મહાન આદર્શ દૃષ્ટિ સમક્ષ રાખીને જતા પહેલાં નગરની રક્ષા માટે રક્ષકો નીમે છે. વાસ્તવમાં પ્રેમતત્ત્વને સમજવું જ કઠણ છે. એનું ગૂઢ રહસ્ય તો પ્રેમાચાર્ય શ્રી ભરતજી જ જાણે છે. પણ જે કંઈ સમજાય છે, એટલું જ આપણા માટે ઘણું બધું છે. વાસ્તવમાં પ્રેમામૃતનું એક બિંદુ પણ અમર થવા માટે પૂરતું છે.
‘संपति सब रघुपतिकै आही।’
જેને અપનાવ્યા પછી જ તેના ત્યાગનો પ્રશ્ન ઊભો થાય છે, જેમ ત્યાગ એ ઉત્તમ ધર્મ છે; ત્યાં એક ભય પણ ઉપસ્થિત થાય છે. ત્યાગની સાથે જ ત્યાગી હોવાનો અહં પણ મનુષ્યમાં પ્રવેશે છે. એથી ત્યાગ જેવો ધર્મ પણ તેમાં અહંકાર ભળતાં પતનનું કારણ બને છે. જેમણે બધું છોડીને પ્રભુનાં દર્શનનો નિર્ણય કર્યો હતો તેઓ ભાવુક તો હતા જ, પણ તે સંપત્તિને પોતાની માનતા હતા. એટલે એ નિર્ણય કરવાના અધિકારી પણ હતા કે બધું છોડીને એ પ્રભુ પાસે જાય. આને આપણે સમર્પણ કહી શકીએ. પણ સાચા ભક્તની દૃષ્ટિમાં આ સમર્પણનો લેશમાત્ર અર્થ નથી. સમર્પણ તો પોતાની વસ્તુનું કરી શકાય. જ્યારે સર્વ કાંઈ પ્રભુનું છે એમ માનવામાં આવે તો પછી સમર્પણ શાનું? ચોરીની સરખામણીમાં તો સમર્પણ અને ત્યાગ અવશ્ય ઉત્કૃષ્ટ ભાવો છે. પ્રભુ સ્વામી છે એ વાત ભૂલી પોતાના માટે વિવિધ વિષયભોગ રાખવા એ ચોરી જ છે. આટલું નિહાળતાં પ્રભુ માટે ત્યાગ કરે એમાં જ શ્રેય છે. પણ આ એક જાતની ભ્રમણા જ છે અને જ્યારે આપણે આપણી જાતને અને આપણી ચીજવસ્તુને પ્રભુને સમર્પિત કરી ચૂક્યા હોઈએ છીએ ત્યારે તે ભ્રમણા સમજાય છે. સમર્પણ કેવું ? ત્યારે ભક્ત ચકિત થઈ સ્વયં ભગવાનને જ પૂછે છે-
किं नु समर्पयामि ते…
આ કારણથી જ પોતાના ત્યાગ અને સમર્પણની પ્રશંસા લોકમુખે સાંભળીને મહાભાગ્યવાન શ્રી ભરતજી લજ્જા અનુભવે છે. બહુ વિચાર કરતાંય તેઓ એ વાતનો નિર્ણય કરી શકતા નથી કે મેં ત્યાગ ક્યારે કર્યો?
(ક્રમશઃ)
Your Content Goes Here




