(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

(ગતાંકથી આગળ)

આજે જાણે કે સરયૂ પણ દુઃખી છે. મહાભાગ્યશાળી સરયૂ આમ ઉદાસ કેમ છે ? પ્રભુના સુખદ સ્પર્શનો જેને નિત્ય અનુભવ થાય છે તેની આવી દશા શાથી? કોણ તેનો ઉત્તર આપે? વૃક્ષો ફળ-ફૂલથી લચીને નદીના જળને સ્પર્શી રહ્યાં ન હતાં. તેઓ પાન વિનાનાં હતાં. અને એવી ભાવના વ્યક્ત કરતાં હતાં કે તત્કાલ હવે અમને કાપીને સળગાવી દો, હવે અમારામાં હંમેશને માટે પાનખર જ આવી ગઈ. અમારે આ ભૂમિ પર હવે રહેવું જ નથી.

બધાં જ સુંદર ઉપવનોની દશા પણ દાવાગ્નિથી બળી ગયેલા જેવી છે. પરંતુ દાવાગ્નિ અહીં નગરમાં ક્યાંથી? જો કોઈ પ્રકારે આગ લાગે તો તે ઓલવવાની વ્યવસ્થા તો નગરમાં છે જ. પરંતુ શ્રી ભરતજીને એ કોણ બતાવે કે આ દવ તો એવો લાગ્યો છે કે તેમાં કેવળ વનનાં વૃક્ષો, પશુ-પક્ષીઓ તો શું, તમામ નગરજનો સુધ્ધાં જીવતા છતાં મરેલા જેવા બન્યા છે. આ એ દવ છે કે જેને શાંત કરવાની શક્તિ પ્રલયકાળના મેઘોમાં પણ નથી. આજે પક્ષીઓ એમના મધુર કંઠે આગંતુકોને भजहू राम रघुपति जनपालकનો ઉપદેશ નથી આપતાં. રાજમાર્ગો આમ નિર્જન કેમ છે? જો કોઈ દેખાય છે તો તે ઉદાસ, આભૂષણ વિનાનું ને શોકાતુર કેમ જણાય છે? ભરત ભૈયાના સ્વાગત માટે આજે લોકો ઉમળકાભેર કોલાહલ કરતા કેમ આવતા નથી? અટારીઓ પરથી યુવતીઓએ મંગલ અક્ષત પુષ્પવર્ષા કેમ ન કરી? કોઈ કોઈએ એમને આવતા જોઈ દૂર-દૂરથી જ પ્રણામ કર્યા. પણ તેમના જોડાયેલા હાથ કેમ કંપી રહ્યા હતા? ધાર્મિક નગરજનો આવી પ્રકારે ઉપેક્ષા ને આચારભ્રષ્ટતા કેમ દાખવી રહ્યા છે? હે ભગવાન ! એમને શું થઈ ગયું છે? શ્રી ભરતજીને પૂછવાનું મન થાય છે. પણ કોને પૂછે? દૂત સાથે છે પણ તેય મોં ફેરવી દૂર જુએ છે. પૂછવા શ્રી ભરતજી હાથ ઉઠાવે છે, મોં દૂત તરફ કરે છે પણ ભય ને શોકથી કંઠ અવરુદ્ધ થાય છે. હૃદય જાણે કે અકળાવનારી વાત સાંભળવા ઇચ્છતું નથી. ધૈર્યવાન દૂત પણ પોતાના દુ:ખને અપ્રકટ રાખી શકતા નથી. એમના હૃદયમાંથી ઊંડા નિશ્વાસ નીકળતા હતા, મોંઢાં બીજી બાજુ હોવા છતાંય એમનાં આંસુ જાણે કે રહસ્ય ખોલવા આતુર હોય એમ વહી રહ્યાં છે એટલે તે આકાશ તરફ જોવા માંડે છે. પ્રસ્વેદ લૂછવાને નિમિત્તે તે પોતાનાં આંસુ લૂછી રહ્યા છે. શ્રી ભરતજીની સ્થિતિ દવથી ડરેલા હરણના જેવી થઈ ગઈ છે. પોતાના ભાઈના શીતળ શરીરના સુખદ સ્પર્શથી બને તેટલી ત્વરાથી શાંત થવાની ઇચ્છાથી તેમણે અશ્વોને કૈકેયી માતાના મહાલયની દિશામાં તીવ્ર ગતિથી વાળ્યા.

નગરજનોમાંના એક વર્ગે આનો અવશ્ય કોઈ વિપરીત આશય લીધો હશે. એમણે માન્યું હશે ‘અમે તો કહેતા હતા કે ભરતની ઇચ્છા વિના આવું ન બને.’ તે પણ પિતાજી કે મહારાણી કૌશલ્યાના ભવન તરફ પ્રથમ ન ગયા. જો કે એક પ્રકારે તેમનું ત્યાં ગમન આવશ્યક હતું અને નગરજનોની પૂર્વગ્રહયુક્તબુદ્ધિ શ્રી ભરતજીની પ્રત્યેક ક્રિયાનો એ જ આશય શોધે એ સ્વાભાવિક પણ હતું. તત્ત્વતઃ તો શ્રી ભરતજીની કૈકેયી માતાના મહાલયમાં જવાની ઇચ્છા અત્યંત પવિત્ર હતી. એમને એમ હતું કે નાની માતાના મહાલયમાં જ બધાંય મળી જશે. ભાઈ રામ નાની માતાને અત્યંત પ્રેમ કરે છે એટલે એમના મહાલયથી અન્યત્ર તેઓ બીજે ક્યાંય હોય જ નહીં, અને જ્યાં રાઘવેન્દ્ર હોય, ત્યાં જ પિતાજી અને કૌશલ્યા માતા પણ હોવાનાં જ. ‘साधन-सिद्धि राम पग नेहू’, સાધના કે સિદ્ધિ બધું રામના ચરણોના પ્રેમમાં સમાય છે, આવું માનવાવાળા શ્રી ભરતની પ્રેમમય દૃષ્ટિ તેમને આવું જ વિચારવા પ્રેરે એ સ્વાભાવિક છે. પણ એ વેળા લોકોની એ બધું સમજવાની વૃત્તિ જ ક્યાં હતી! નગરવાસીઓની મતિ તો રામવિયોગથી મૂઢ બની હતી.

મુખ્ય દ્વાર પર કૈકેયી મા લેવા આવી. તેણે શ્રી ભરતને હૃદયથી ચાંપ્યા પણ શ્રી ભરતજીને લાગ્યું કે તે પ્રેમમયી કૈકેયી મા નથી. જાણે કે પથ્થરની પ્રતિમાને તે વળગી રહ્યા છે. કૈકેયી શ્રી ભરતજીને ઉદાસ જોઈ પોતાના પિયરની કુશળતાની ચિંતા થતાં પૂછે છે – ‘पूँछती नैहर कुशल हमारे।’

તેનો તરત જ ઉત્તર આપવા સાથે શ્રી ભરતજીએ આશ્ચર્ય અને ભયગ્રસ્ત કંઠે પૂછ્યું,

कहु कहँ तात कहाँ सब माता ।
कहैं सिय राम लखन प्रिय भ्राता ।।

‘પિતાજી ક્યાં છે; બધી માતાઓ ક્યાં છે; સીતાજી, રામ અને પ્રિય ભાઈ લક્ષ્મણ ક્યાં છે?’

આ પ્રશ્ન જ શ્રી ભરતજી કૈકેયી માતાના મહાલયમાં સૌથી પ્રથમ શા માટે ગયા તેનું કારણ દર્શાવે છે. ‘પિતાજી ક્યાં છે?’ ‘માતાજી ક્યાં છે?’ ‘સીતાભાભી ને રામભૈયા પણ દેખાતા નથી. લક્ષ્મણ પણ નથી.’ આ બધા પ્રશ્નો સ્પષ્ટ કરે છે કે તેમને પ્રત્યેકનાં દર્શન કૈકેયીમાતાનાં મહાલયમાં જ થશે, એવી અપેક્ષા હતી. પરંતુ ત્યાં તો તેને ઉત્તર મળે છે,

कछुक काज विधि बीच बिगारेउ।
भूपति सुरपति पुर पगु धारेउ ॥

(વિધિએ થોડું કામ બગાડ્યું, ને મહારાજા સ્વર્ગવાસી થયા.)

આ ઉત્તરથી શ્રી ભરતજીના હૃદય અને મન પર એટલો બધો આઘાત પહોંચે છે કે તે એમ પૂછવાનું ભૂલી જાય છે કે વિધિએ એવું કયું કામ સુધાર્યું કે મહારાજના મોતને એ થોડું કામ બગાડવામાં ગણે છે? અને ‘હે પિતા!’ કહીને તેઓ પૃથ્વી પર ઢળી પડ્યા અને કહેવા લાગ્યા, ‘હે પિતા! મેં જતી વેળા પણ તમારાં દર્શન ન કર્યાં અને તમે મને રામના હાથમાં સોંપ્યા વિના જ ચાલી ગયા! પિતાનું અકસ્માતે મૃત્યુ કયા કારણે થયું? જો અસ્વસ્થ હતા તો મને તેના સમાચાર કેમ ન મોકલ્યા?’ પછી તો ફરી કઠોરહૃદયા કૈકેયીને પૂછે છે:

कहु पितु मरन हेतु महतारी ।

(મા, પિતાના મરણનું કારણ શું હતું?)

આ વેળા કૈકેયીનું હૈયું એટલું વિષયુક્ત હતું અને એને એવો વિશ્વાસ હતો કે પૂરી વાત સાંભળ્યા પછી ભરતનું દુઃખ દૂર થઈ જશે. એટલે એણે શ્રી ભરતજીના હૃદયને દુઃખી કરતો ઉત્તર જ આપ્યો,

आदिहु ते सब आपनि करनी ।
कुटिल कठोर मुदित मन बरनी ।।

એ સાંભળી શ્રી ભરતજી સ્તબ્ધ થઈ ગયા. એમનું સંપૂર્ણ શરીર જડ થઈ ગયું. ભૂમિ પર પડવાની પણ શક્તિ ન રહી. પ્રત્યેક ઇન્દ્રિયે જાણે એનું કાર્ય કરવાનું બંધ કરી દીધું. પિતાજીના અવસાનના સમાચાર સાંભળી ભૂમિ પર પડવાનો તેમજ આ વેળા ચૂપ રહેવાનો કૈકેયીએ એવો અર્થ તારવ્યો કે ભરતને માત્ર પિતાના મરણનું જ દુઃખ થયું છે. પરંતુ આ તો તેનો ભ્રમ જ હતો. અતિશય આઘાતથી માણસ મરણતોલ થઈ જાય છે. પીડાથી એની સંવેદન-ક્ષમતા જ સમાપ્ત થઈ જાય છે. આપણને સામાન્ય ઘા પડે ને મોટો ઘા પડે ત્યારે આનું અંતર અનુભવીએ છીએ. સામાન્ય આઘાતમાં માણસ રડે છે, વિલાપ કરે છે, જ્યારે અતિશય આઘાતથી તે મૂઢ બની જાય છે. તેના મુખમાંથી એક શબ્દ પણ નીકળતો નથી. કૈકેયી એના પિતૃશોકને શાંત કરવા મહારાજની પ્રશંસા કરતાં શ્રી ભરતજીને કહે છે:

सहित समाज राज पुर करहू ।

(સમાજના સહકારથી હવે તું રાજ કર.)

ઓહ! બુદ્ધિની કેવી વિડંબના છે? એક આઘાત પર બીજો આઘાત કેટલો નિર્દય હતો! આ આઘાત વર્ણવી શકાય તેમ નથી. મહાકવિએ એક ઉપમાથી એને કંઈક અણસાર આપવા કંઈક પ્રયત્ન કર્યો છે,

मनहुं जरे पर लोन लगावति ।

(દિલના દાઝેલા ઉપર એ મીઠું ભભરાવતી હતી.)

બળવાથી કેટલી પીડા થાય છે એ તો બળનાર જ જાણે છે પણ એના પર મીઠું ભભરાવવાની કલ્પના જ કેટલી ભયાનક છે, એવું વિચારનારનું હૈયું કંપી ઊઠે છે. ત્યારે અસહ્ય પીડાથી શ્રી ભરતજીના મોંમાંથી શબ્દો નીકળી જાય છે,

पापिनि सबहि भाँति कुल नासा ।
जौं पे कुरुचि रहो अति तेाही।
जनमत काहे न मारे मोरी ।।
पेड़ काटि तै पालउ सींचा।
मीन जिअन निति बारी उलीचा ।।
इसबंसु दसरथु जनकु राम लखन से भाइ ।
जननी तूँ जननी मई विधि सन कछु न बसाई ।।
जब तैं कुमति कुमत जियं ठयऊ ।
खंड खंड़ होइ हृदय न गयऊ॥
बर मागत मन भइ नहि पीरा ।
गरि न जोह मुँह परेउ न कीरा ।।
भूँप प्रतीति तोरि किमि कीन्ही ।
मरन काल बिधि मति हरि लीन्ही ।।
बिधिहुँ न नारि हृदय गति जानी।
सकल कपट अध अवगुन खानी॥
सरल सुसील धरम रत्त राऊ ।
सो किमि जानै तीय सुभाऊ॥
अस को जीव जन्तु जग माहीं।
जेहि रघुनाथ प्रानप्रिय नाहीं ।।
भे अति अहित रामु तेउ तोही।
को तू अहसि सत्य कहु मोही ।।
जो हसि सो हसि मुँह मसि लाई ।
आँखि ओट उठि बैठहि जाई ।।

આ શ્રી ભરતજી નહીં પણ તેમનાથી અસહ્ય એવું તેમનું દારુણ દુઃખ અને વ્યાકુળતા બોલી રહ્યાં છે. કેટલાક લોકો આ ભાગને શ્રી ભરતજીના નિર્મળ યશચંદ્ર ઉપરનું કલંક માને છે. હું પણ કહું છું કે તે ‘કાળી મેખ’ જરૂર છે પણ તેની પાછળ રામ પ્રત્યેનો તેમનો પ્રેમ જ છે.

આવા કલંક ઉપર તો આપણે સો–સો શ્વેત ચંદ્રો ન્યોછાવર કરી દઈએ. આટલી શ્યામલતા વિના તો એમનો યશચંદ્ર ભક્તોને કોઈ કામનો ન રહેત. શ્રી હનુમાનજીને ચંદ્ર ખૂબ જ પ્રિય લાગ્યો, એટલા માટે નહીં કે તે શ્વેત અને શીતળ છે. એમાં હનુમાનજીને કંઈ બીજું જ જણાયું. ચંદ્ર જોઈને કોઈકે કહ્યું કે તેના પર પૃથ્વીની છાયા છે, કોઈકે કહ્યું કે રાહુ એ લાત મારી હતી તેનું ચિહ્ન છે. પરંતુ હનુમાનજીને એમાં એમના પ્રિય રામની છાયા જ જણાઈ. એટલે ચંદ્રને ભક્તશિરોમણિ સમજી હનુમાનજીએ કહ્યું :

कह हनुमत सुनहु प्रभु ससि तुम्हारा प्रिय दास।
तत्र मूरति बिधु उर बसति सोइ स्यामता अभास ॥

હું એ કહેવા માગું છું કે માતાનાં વચન સાંભળી જો શ્રી ભરતજી મૌન રહે છે તો તેમની ધાર્મિકતા પ્રકટ થાત. તેમનો યશ ઉજ્જ્વળ રહેત પણ પેલી રામ-પ્રેમની શ્યામલતા ક્યાં જાત? શ્રી જનકજીને રોતા જોઈ કોઈએ કહ્યું: મહારાજને મોહ ઉત્પન્ન થયો છે. જાણકારોએ કહ્યું : આ મોહ દૂષણ નહીં, ભૂષણ છે.

मोह मगन मति नहिं विदेह को ।
महिमा सिय रघुबर सनेह की ।।

આ પ્રેમસાગરને તરી જવામાં કંઈ કીર્તિ નથી. એમાં તો ડૂબવું એ જ ગૌરવ છે.

अनबूडे, बूडे तरे, जे बूडे सब अङ्ग ।

તો પછી આપણે એમ પણ કહી શકીએ કે-

क्रोध मगन मति नहि महिमा सिय रघुबर सनेह की।

આવી સ્થિતિમાં કોઈપણ પ્રેમી શાંત ન રહી શકે. આ વિશેષ કર્તવ્યની સામે સામાન્ય કર્તવ્ય તુચ્છ છે. આપણા મહાકવિ એક બીજી વાત પણ કહે છે-

प्रेम अमिअ मंदरु बिरहु भरतु पयोधि गंभीर ।
मथि प्रगटेउ सुर साधु हित कृपासिंधु रघुबीर ।।

ભરતરૂપી સમુદ્રનું વિરહરૂપી મંદરાચલ વડે અમૃત પ્રકટ કરવા માટે મંથન થયું. અમૃત પ્રકટે તે પહેલાં હળાહળ (ઝેર) પ્રકટે તે સ્વાભાવિક જ છે. ભલે, એ વિષજ્વાળા કાળ જેવી ભયાનક હતી પણ તેનાથી કોઈનો નાશ થશે નહીં.

ભગવાન શંકરે એ વિષ પી લીધું અને તેઓ અમર-નીલકંઠ થયા. અહીં પ્રકટ થયેલું આ વિષ કૈકેયી માતાએ પીધું, તે જ વિષપાન કરનારી નીલકંઠ-શંકર છે.

(ક્રમશ:)

Total Views: 3

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.