(સ્વામી સંબુદ્ધાનંદજી મહારાજ શ્રીમા શારદાદેવીના શિષ્ય હતા. વેદાંત સોસાયટી, હવાઈમાં તેમણે પ્રવચન આપ્યું હતું, જે વેદાંત સોસાયટી ઑફ વેસ્ટર્ન વોશિંગ્ટનથી પ્રકાશિત થતા ત્રિમાસિક ‘ગ્લોબલ વેદાંત’ના એપ્રિલ-જૂન, ૨૦૧૦ના અંકમાં પ્રકાશિત થયું હતું. તેનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. – સં.)
એક વાર શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું કે, “જે લોકો ‘અહીં’ આવશે, તેઓનો પુનર્જન્મ નહીં થાય.” બીજા શબ્દોમાં કહીએ તો જે લોકો ‘અહીં’ આવશે, તેઓ મુક્ત થઈ જશે; તેઓને જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મળશે.
જ્યારે મેં પ્રથમ વાર શ્રીરામકૃષ્ણદેવ દ્વારા ઉચ્ચારેલ આ વાત વાંચી, ત્યારે મને આ વાત થોડી રહસ્યમય લાગી. હું સ્પષ્ટપણે સમજી શક્યો નહીં કે શ્રીરામકૃષ્ણદેવ દ્વારા કથિત ‘અહીં’નો અર્થ શું હશે? શું ‘અહીં’ અર્થાત્ શ્રીરામકૃષ્ણનું સ્વયંનું દિવ્ય સ્વરૂપ કે તેમનો કહેવાનો અર્થ કંઈક બીજો હતો?
તેથી મેં શ્રીરામકૃષ્ણદેવના કેટલાક વરિષ્ઠ આધ્યાત્મિક શિષ્યોને તેઓ આ બાબતને કઈ રીતે સમજ્યા છે એ અંગે પૂછ્યું. મને સ્વામી સારદાનંદ, સ્વામી શિવાનંદ અને કેટલાક અન્ય શિષ્યોને પૂછવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પરંતુ દુર્ભાગ્યવશ, તેમના પ્રત્યુત્તરથી મને કંઈ ખાસ સંતોષ થયો નહીં.
પરંતુ, જ્યારે હું રામકૃષ્ણ સંઘનો સંન્યાસી ન હતો, ત્યારે મને શ્રીરામકૃષ્ણદેવના એક અન્ય મહાન શિષ્ય સાથે થોડો સમય રહેવાનું સૌભાગ્ય મળ્યું હતું. તેઓ મારા આદરણીય અતિથિ હતા, અને તેમણે લગભગ ત્રણ-ચાર મહિના મારી સાથે વિતાવ્યા હતા. તેઓ સ્વામી સુબોધાનંદ હતા, જેઓ રામકૃષ્ણ સંઘમાં ખોકા મહારાજના નામે વધુ જાણીતા હતા. મેં તેમને આ બાબતે વાત કરી. અને પ્રત્યુત્તરમાં એમણે પોતાના જીવનમાં ઘટેલી એક ઘટનાનું વર્ણન કર્યું, જે ઘટનાએ મને શ્રીરામકૃષ્ણદેવ દ્વારા ઉચ્ચારિત વાણીનો સાચો મર્મ સમજવામાં સહાયતા કરી.
સ્વામી સુબોધાનંદને ઘણા શિષ્યો હતા. તેમાંના કેટલાક શિષ્યો રાંચી (ઝારખંડ)માં રહેતા હતા. રાંચીમાં સ્વામી સુબોધાનંદના એ બધા શિષ્યો બંગાળી હતા. અને એમાંનાં એક અત્યંત સાલસ સ્વભાવનાં વિધવા કુસુમ હતાં. કુસુમને કોઈ સંતાન ન હતું અને એમનાં માતા-પિતા તથા ભાઈભાંડુ સાથે રહેતાં હતાં. તેમને પોતાના ગુરુ સ્વામી સુબોધાનંદ પ્રત્યે ખૂબ જ ભક્તિભાવ હતો. સ્વામી સુબોધાનંદ જ્યારે પણ એમના ઘેર પધારતા, ત્યારે કુસુમ તેમની ખૂબ જ સમર્પિત ભાવે આગતા-સ્વગતા કરતી.
કુસુમના પાડોશમાં, ખૂબ જ નજીકમાં એક મુખર્જી પરિવાર રહેતો હતો. શ્રીમાન મુખર્જી તથા તેમનાં પત્ની પણ સ્વામી સુબોધાનંદજીનાં ભક્ત હતાં. સ્વામી સુબોધાનંદજી જ્યારે પણ કુસુમના ઘરે જતા, ત્યારે તેઓ મુખર્જી પરિવારના ઘરની પણ મુલાકાત લેતા.
થોડાં વર્ષો પછી કુસુમ ખૂબ જ બીમાર પડી ગયાં. તેમનાં મા-બાપ, ભાઈભાંડુ તથા આડોશપાડોશના બધા લોકો, જે તેમને સ્નેહ કરતા હતા એ બધા અત્યંત દુઃખી થઈ ગયા. કુસુમની માંદગી દરમ્યાન શ્રીમાન તથા શ્રીમતી મુખર્જી અવારનવાર તેમની ખબર કાઢવા આવતાં રહેતાં. અંતે, તેમની સારવાર કરતા દાક્તરોએ પણ કુસુમના સાજા થવાની આશા છોડી દીધી અને એ દિવસ પણ આવી પહોંચ્યો જ્યારે કુસુમે ચિર વિદાય લીધી.
કુસુમના મૃત્યુથી એમનાં માતા-પિતા પોતાની વહાલસોયી દીકરીને ગુમાવવાની અસહ્ય પીડાથી ભાંગી પડ્યાં અને ચીસો પાડીને રુદન કરવા લાગ્યાં. દુઃખનું આ કલ્પાંત સાંભળીને પાડોશમાં રહેતાં શ્રીમાન તથા શ્રીમતી મુખર્જી કુસુમના ઘરમાં શું ઘટના બની છે એ જોવા માટે ઘરની બીજા માળની રવેશમાં ધસી આવ્યાં. થોડી વાર પછી શ્રીમાન મુખર્જીએ જોયું કે ખોકા મહારાજ કુસુમનો હાથ પકડીને ઘરની બહાર નીકળી રહ્યા છે. ત્યાર બાદ કુસુમ અને ખોકા મહારાજ બંને ધીમે ધીમે શેરીમાંથી ચાલતાં ચાલતાં અદૃશ્ય થઈ ગયાં.
શ્રીમાન મુખર્જીને લાગ્યું કે કદાચ આ એમની આંખોનો ભ્રમ છે. તેથી એમણે તેમની પત્નીને પૂછ્યું કે, ‘તેં જોયું કે ખોકા મહારાજ કુસુમનો હાથ પકડીને જઈ રહ્યા હતા? કે આ મારો ભ્રમ છે.’ શ્રીમતી મુખર્જીએ કહ્યું કે, ‘ના, એ તમારો ભ્રમ નથી. મેં પણ એ જ દૃશ્ય જોયું છે. પણ કંઈ સમજાતું નથી. એ કેવી રીતે શક્ય બને!’
બંનેને નવાઈ લાગી કે ખોકા મહારાજ શા માટે અને ક્યારે અહીંયાં આવ્યા હશે? તેઓ જ્યારે પણ રાંચી આવે ત્યારે આપણને અગાઉથી ખબર આપે છે, અને જ્યારે પણ તેઓ કુસુમના ઘેર આવે, ત્યારે આપણા ઘેર પણ જરૂરથી પધારે છે.
ત્યાર પછી તેમને કુસુમનાં માતા-પિતા પાસેથી જાણવા મળ્યું કે કુસુમના અંતિમ સમયે સ્વામી સુબોધાનંદજી તેમના ઘેર આવ્યા ન હતા, આ વાત જાણીને મુખર્જી પરિવારને ખૂબ જ નવાઈ લાગી, પરંતુ તેઓ ચૂપ રહ્યાં. તેમણે કુસુમના મૃત્યુ સમયની ઘટનાની વાત કોઈને પણ કહી નહીં.
થોડા મહિના પછી સ્વામી સુબોધાનંદજી રાંચી આવ્યા હતા. ત્યાર બાદ તેઓ કુસુમના પરિવારને દુઃખની ઘડીમાં સાંત્વના આપવા માટે તેમના ઘેર પધાર્યા.
કુસુમના ઘરની મુલાકાત લીધા બાદ મહારાજ મુખર્જી પરિવારને ઘેર પધાર્યા. તેઓને મહારાજ સાથે સત્સંગ કરીને ખૂબ જ આનંદ થયો. વાતચીત દરમ્યાન તેમણે કુસુમના મૃત્યુ બાદની એ આશ્ચર્યજનક ઘટના અંગે વાત કરી અને મહારાજને આ ઘટનાનું સત્ય શું છે એ જણાવવા વિનંતી કરી.
સ્વામી સુબોધાનંદજીએ કહ્યું કે તેઓ અત્યારે આ ઘટના અંગે કંઈ પણ કહી શકવા સમર્થ નથી. પરંતુ તેમણે એમને ખાતરી આપી કે જ્યારે તેઓ એ રાત્રે ખરેખર શું બન્યું હતું એ જાણવા સમર્થ બનશે, ત્યારે ચોક્કસથી જણાવશે.
ત્યાર પછી મહારાજે રાંચીથી વિદાય લીધી. રાંચી છોડીને મહારાજ વારાણસી ગયા હતા. ત્યાં તેઓ થોડો સમય તપસ્યા કરવા ઇચ્છતા હતા. થોડી શોધખોળ કર્યા પછી તેમને શહેરના ખૂબ જ એકાંત સ્થળે એક ઓરડી મળી ગઈ. વારાણસીમાં રામકૃષ્ણ સંઘના બે આશ્રમો છે. આ આશ્રમમાં મહારાજના આગમનની જેવી ખબર પડે કે સંન્યાસીઓ તરત જ આવીને તેમને આગ્રહપૂર્વક એકાદ આશ્રમમાં લઈ જાય. આ શક્યતાને ધ્યાનમાં રાખીને તેઓ વારાણસીમાં પોતાની હાજરી અંગે ખૂબ જ સાવચેત રહેતા હતા, કારણ કે તેઓ કોઈ પણ પ્રકારની ખલેલ વિના તેમની સાધના સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કરવા ઇચ્છતા હતા.
સાધના કરવા માટે એકાંતવાસ અને સંપૂર્ણ રીતે ઈશ્વર પર નિર્ભર રહેવું ખૂબ જ જરૂરી છે. પ્રાચીન મઠ પરંપરા અનુસાર પોતાનું શરીર ટકાવી રાખવા પૂરતું થોડું અન્ન બહારથી ભિક્ષાવૃત્તિ કરીને ગ્રહણ કરતા. બાકીનો સમય તેઓ ઈશ્વરના ધ્યાન-ચિંતનમાં પસાર કરતા.
આ રીતે દિવસો પસાર થતા હતા, પરંતુ થોડા દિવસ પછી સુબોધાનંદજી મહારાજ બીમાર પડ્યા. તેમને ખૂબ તાવ આવ્યો અને તે દિવસે દિવસે વધતો જતો હતો. પરિણામે, તેઓ ભિક્ષા કરવા માટે દરરોજ બહાર જવાની સ્થિતિમાં પણ ન રહ્યા. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, તેમ તેમ સતત તાવ અને ભૂખને કારણે તેમનું શરીર વધુ નબળું પડતું ગયું. આ પરિસ્થિતિ દરમ્યાન તેમને યાદ આવ્યું કે જ્યારે તેઓ રાંચીમાં એક વાર ખૂબ બીમાર પડ્યા હતા, ત્યારે કુસુમે તેમની ખૂબ જ સમર્પિત ભાવે સેવા કરી હતી.
વારાણસીમાં આ માંદગી દરમ્યાન એક દિવસ તેમને ખૂબ તરસ લાગી. તેઓ પથારીમાંથી મહામુશ્કેલીએ પાણી પીવા માટે ઊભા થયા. પરંતુ પાણીનું કમંડળ પથારીથી ઘણું દૂર હતું. થોડું પાણી પીધા પછી પાછા ફરતી વખતે તેઓ બેભાન થઈને જમીન પર ઢળી જ પડ્યા. થોડો સમય તેઓ એ જ સ્થિતિમાં રહ્યા. ત્યાર બાદ ભાનમાં આવીને મહારાજ તેમની પથારીમાં જઈને ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ઊંઘમાં તેમણે જોયું કે પેલી સ્ત્રીભક્ત કુસુમ તેમની બાજુમાં બેસીને તેમને હાથ-પંખાથી પવન નાખે છે.
સુબોધાનંદજી મહારાજ તેને જોઈને ખૂબ જ નવાઈ પામ્યા અને તેમણે કુસુમને પૂછ્યું કે, ‘તું અહીંયાં કઈ રીતે આવી? તને અહીંયાં કોણ લઈ આવ્યું?’
કુસુમે કહ્યું, “હું શ્રીરામકૃષ્ણ સાથે હતી, અને તેમણે મને કહ્યું કે, ‘ખોકા બીમાર છે અને તને યાદ કરે છે. ત્યાં જા અને તેની સેવા કર.’ તેમણે મને અહીંયાં મોકલી છે; તેથી હું અહીં આવી છું.”
ખોકા મહારાજે તેને પૂછ્યું કે તું રામકૃષ્ણલોકમાં કેવું જીવન વ્યતીત કરે છે—શ્રીરામકૃષ્ણનો આધ્યાત્મિક લોક.
કુસુમે કહ્યું કે તે ત્યાં અત્યંત શાંતિપૂર્વકનું જીવન વ્યતીત કરે છે. સર્વ પ્રકારની ચિંતા અને વ્યગ્રતાથી મુક્ત જીવન. રામકૃષ્ણલોકમાં કેવળ શાંતિનું શાસન છે. એ લોકની સ્થિતિનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે.
ત્યાર પછી મહારાજે તેને પૂછ્યું, ‘વારુ, તું મને કહી શકે છે કે તારા મૃત્યુ સમયે શું બન્યું હતું?’
કુસુમે કહ્યું,
“મારી માંદગી દરમ્યાન, ખાસ તો અંતિમ સમયે હું ખૂબ જ ચિંતિત હતી. સખત પીડામાં પણ તમારું સ્મરણ કરતી હતી. ત્યાર પછી મારા જીવનની અંતિમ ક્ષણે મેં તમારાં દર્શન કર્યાં.
“તમે મને કહ્યું કે, ‘મારી સાથે ચાલ. હવે અહીંયાં શા માટે રાહ જુએ છે? તેથી હું તમારી સાથે ચાલી નીકળી. તમે મારો હાથ પકડીને મને લઈ ગયા. થોડે દૂર સુધી ચાલ્યા પછી મેં તમારી સામે જોયું, તો તમારી જગ્યાએ મને શ્રીરામકૃષ્ણનાં દર્શન થયાં! મેં તેમને પૂછ્યું કે પૂજ્ય ખોકા મહારાજ મારી સાથે હતા. તેઓ ક્યાં ગયા?
“ત્યાર બાદ શ્રીરામકૃષ્ણે મને કહ્યું, ‘તેં જેને જોયો એ ખોકા ન હતો; એ હું હતો. હું ખોકાનું રૂપ ધારણ કરીને તને તારા ઘેરથી આ લોકમાં લઈ આવ્યો છું.’”
ત્યાર બાદ કુસુમે સુબોધાનંદજી મહારાજને કહ્યું કે તે ત્યારથી પોતાનું જીવન રામકૃષ્ણલોકમાં અત્યંત શાંતિ અને સુખપૂર્વક પસાર કરી રહી છે.
આ વાત સાંભળીને મહારાજે તેને કહ્યું, “ખૂબ સારું, કુસુમ, હવે તું જ્યાંથી આવી છે, એ લોકમાં પાછી જઈ શકે છે.”
જ્યારે સ્વામી સુબોધાનંદજી આ ઘટનાનુું વર્ણન કરી રહ્યા હતા ત્યારે શ્રીરામકૃષ્ણ દ્વારા ઉચ્ચારિત અભયવાણી — “જેઓ ‘અહીં’ આવશે, તેઓનો પુનર્જન્મ નહીં થાય.” —મને વધુ સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ. મને એ સમજાઈ ગયું કે જે પણ વ્યક્તિ શ્રીરામકૃષ્ણને પોતાના આધ્યાત્મિક આદર્શ તરીકે સ્વીકારશે, તેઓ મુક્ત બનશે, તેઓનો પુનર્જન્મ નહીં થાય.
Your Content Goes Here




