શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ – (અંગ્રેજી અનુવાદ), જે ચાર ભાગોમાં છે, બહોળી ખ્યાતિ પામ્યો છે. તેના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.
ભક્તિ – પંચમ્ પુરુષાર્થ:
ગોપીઓ વગેરેની જેવી હતી, તેવી વ્યક્તિનિષ્ઠ અને દ્વૈતમૂલક ભક્તિ પણ “હું તે છું,” તેવી સમજદારીવાળા ઐક્યમાં પરિણમી શકે છે. ગોપી-કૃષ્ણ પ્રસંગમાં એવું બતાવવામાં આવ્યું છે કે શ્રીકૃષ્ણ પ્રત્યેના ગોપીઓના પ્રેમની એક એવી કક્ષા પણ આવે છે કે જ્યારે ગોપીઓ પોતે જ શ્રીકૃષ્ણ હોય એવો અનુભવ કરે છે. તેમના મનોવલણ સંબંધે આગળ ઉપર શ્રીકૃષ્ણે પોતે સ્વમુખે જ કહ્યું છે કે, “જેમ મુનિઓ સમાધિ-અવસ્થામાં નામ તથા રૂપને જાણતા નથી, તેવી રીતે મારામાં આસક્તિથી બંધાયેલી બુદ્ધિવાળી ગોપીઓ પોતાના દેહની નજીક કે દૂર રહેલા પદાર્થને જાણતી ન હતી.” (ભાગવત : ૧૧/૧૨/૧૨)
આમ છતાં આ સુચિંતિત અનુભૂતિમય એકતા, પેલી જ્ઞાનપ્રધાન ભક્તિના લક્ષ્યરૂપ સાયુજ્ય-મુક્તિથી તો આવશ્યક રીતે જુદી જ તરી આવે છે. સાયુજ્ય-મુક્તિમાં તો ભક્તનું વ્યક્તિત્વ ભગવાનમાં ભળી જ જાય છે અને એ ભગવાન જ તત્ત્વજ્ઞાનનું અનંત-પરિપૂર્ણ તત્ત્વ છે. જેમ નદી જ્યારે સાગરને મળે છે, ત્યારે એનું નદીપણું મટી જાય છે, અને એ સાગર-સ્વરૂપ જ બની રહે છે, તેવી જ રીતે સાયુજ્ય-સંબંધમાં જીવની “જીવ” તરીકેની વ્યક્તિમત્તા પણ આ પૂર્ણ-અનંત તત્ત્વમાં ભળી જતાં, તદ્રૂપ થઈ જતાં મટી જાય છે. આ સ્થિતિને મુક્તિ કે મોક્ષ કહેવામાં આવે છે.
પણ આ વ્રજવાસીઓએ કે એમને પંથે વળનારાઓએ જે ભક્તિ કરી છે, તે તો પરસ્પરના વ્યક્તિમૂલક સંબંધ ઉપર જ આધારિત છે, અને આવી ભક્તિ-સાધનાનો ઉદ્દેશ તો કંઈ આગળ દર્શાવેલી મુક્તિ કે મોક્ષ તો હોઈ શકે નહિ. કારણ કે પારસ્પરિક અને વૈયક્તિક પ્રેમસંબંધમાં આધ્યાત્મિક સાધનાનો હેતુ તો હોતો નથી. આવા ભક્તો પણ ભક્તિની પરિપક્વ અવસ્થા થતાં પોતાના આરાધ્ય સાકાર-પુરુષવિધ અસ્તિત્વ સાથેની એકતાનું જ્ઞાન તો મેળવે છે, પરંતુ, પોતાના અને આરાધ્યના આત્માનું અદ્વૈત મેળવતા નથી. કારણ કે અહીં ભક્ત પોતાના આરાધ્ય ઈશ્વરમાં કંઈ સમસ્ત ભૂતસૃષ્ટિ અને સઘળા પદાર્થોને વિલીન કરી દઈને ચરાચરની હસ્તીને ઓગાળી દેતો નથી. અહીં તો ભક્તની ઈશ્વર પ્રત્યેના વૈયક્તિક સંબંધની ભાવના અને ઈશ્વરની અવિરત સેવા કરતા રહેવાની એની અભીપ્સા એની વ્યક્તિમત્તાને ટકાવી જ રાખે છે. અહીં ભક્ત ઈશ્વરનો શાશ્વત સેવક બની રહે છે, અને જ્યાં સુધી એનું માનવ-શરીર ટકી રહે છે ત્યાં સુધી તે “ભાગવતોત્તમ” બનીને જીવી રહે છે. “ભાગવતોત્તમ” એ છે કે જે બધા જીવોમાં ભગવાનને અને ભગવાનમાં સકળ પ્રાણીઓને પ્રતિષ્ઠિત થયેલ નિહાળતો હોય, તેમજ જેટલી બની શકે તેટલી બધી જ રીતે જે સર્વમાં રહેલા ઈશ્વરની સેવા કરતો હોય. પછી જ્યારે એનું માનવ-શરીર છૂટી જાય છે, અને જન્મ-મરણના ફેરાના કારણરૂપ પ્રકૃતિજન્ય સૂક્ષ્મ માનસિક કોશો પણ જ્યારે હટી જાય છે, ત્યારે તે ભક્ત શુદ્ધ સત્ત્વનું અભૌતિક સ્વરૂપ—દિવ્ય વિશુદ્ધ સત્ત્વ—ધારણ કરે છે અને એવું “ભાગવતી તનુ” ધારણ કરીને પ્રકાશમય અને આનંદમય વૈકુંઠ ધામમાં ભગવાનની સેવા કરે છે. તેમજ ભગવાનની લીલાનો કે પ્રાણીઓના ઉદ્ધારકાર્યનો ભાગીદાર બનીને ભગવાનની સાથે ધરતી પર અવતાર ધારણ કરે છે. ભગવાનમાં ભળી જવાના અથવા અદ્વૈતી મુક્તિ કરતાં પણ ઊંચેરા આ “ભાગવતોત્તમો”ની વિભાવનાથી અને તેમના દિવ્ય સેવામય પરમાનંદના શ્રીમદ્ ભાગવતે કરેલા નિરૂપણથી એમ કહેવાય છે કે શ્રીમદ્ ભાગવતે પરંપરાથી ચાલ્યા આવતા ધર્મ (સદ્ગુણો), અર્થ (સંપત્તિ), કામ (ભૌતિક સુખ) અને મોક્ષ (મુક્તિ)—આ ચાર પુરુષાર્થોમાં (અંતિમ મૂલ્યોમાં) ભક્તિનો ઉમેરો કરીને ભક્તિનું પાંચમા પુરુષાર્થ તરીકે પ્રતિષ્ઠાપન કર્યું છે.
ભક્તિ અને પ્રીતિનો પરસ્પર ભેદ:
વિદ્વેષભક્તિ દ્વારા ઈશ્વરાનુભૂતિની વાતને એક બાજુએ છોડી દઈએ તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે શ્રીમદ્ ભાગવતમાં નિરૂપાયેલી ભક્તિ, આ બે સ્વરૂપો ધારણ કરે છે : એક તો “હું તેનો છું” એવી ભાવના ઉપર આધારિત શાંત ભક્તિ છે કે જેમાં છેવટે જ્ઞાન અને દિવ્ય ભવ્ય ચૈતન્યાનુભૂતિ જ મુખ્ય બની રહે છે. જ્યારે બીજું સ્વરૂપ પ્રેમભક્તિનું છે. આ પ્રેમભક્તિ, “તે મારો છે” એ લાગણી ઉપર આધારિત છે. સ્વામી, પુત્ર, સખા, પતિ કે પ્રેમીના રૂપમાં પરમાત્મા અર્થાત્ પરમ દિવ્ય તત્ત્વની સેવા અને તેની સાથેના સંબંધ માટેના તલસાટભાવની વૈયક્તિક આદર્શ પ્રણાલીઓ દ્વારા આ પ્રેમભક્તિ અભિવ્યક્ત થાય છે.
ભાગવતમાં આ બંને પ્રકારની ભક્તિનો ભેદ પારખવા માટે ડૉ. ભટ્ટાચાર્યે પોતાના “The Philosophy of the Bhagavata” નામના અધ્યયનપ્રચુર ગ્રંથમાં બતાવ્યું છે તે પ્રમાણે જે ભક્તિ (ઉપાસના, આરાધના) દિવ્ય પરમતત્ત્વ સાથે એકાકાર થઈ જવા તરફ દોરતી હોય, એને “જ્ઞાનપ્રધાન” કે “જ્ઞાનાધારિત” ભક્તિ કહેવાય અને એનાથી જુદી પડતી બીજી જે ભક્તિ વ્યક્તિમત્તા પર આધારિત હોય એને “પ્રીતિભક્તિ” (દિવ્ય પુરુષની આનંદમય સેવા-ઉપાસના અને પોતાના આત્માની કશીય પરવા રાખ્યા વગર કરવામાં આવતો પ્રેમ) કહેવાય છે. વૈષ્ણવ પરંપરાની ચૈતન્ય શાખામાં આ પ્રકારની આરાધના-ઉપાસના કરાતી હોવાને કારણે આ ‘પ્રેમભક્તિ’ શબ્દ વિશેષ મહત્ત્વપૂર્ણ બન્યો છે. ત્યાર પછીના ભક્તિસિદ્ધાંત-પ્રવર્તકોમાં સુવિખ્યાત અદ્વૈતચિન્તક મધુસૂદન સરસ્વતીએ ઈશ્વરના તેમ જ એના સદ્ગુણોના જ્ઞાન ઉપર આધારિત શાંતભાવને ભક્તિનું વિશુદ્ધતમ રૂપ ગણ્યું છે. પરમાત્માની અપાર મહિમામયતાના પરિજ્ઞાનથી સાધકના હૃદયમાં પરમેશ્વરનો પોતાનો અપાર આનંદ પરમોચ્ચ આહ્લાદના રૂપમાં પ્રકટ થઈ જાય છે. આ આનંદથી પીગળી ગયેલા મીણ જેવા ભક્ત-હૃદયમાં ભગવાનની છાપ, મીણ પર પડેલી મુદ્રાની પેઠે સદાસર્વદા, કોઈ પણ વ્યક્તિગત મર્યાદાના કશા જ ઓછાયા વગર, પરમાત્મા તરફના વિશુદ્ધભાવસ્વરૂપે અંકિત થઈને ટકી રહે છે. આમ, મધુસૂદન સરસ્વતીના કહેવા પ્રમાણે, ફક્ત આ શાંતભક્તિ જ ભક્તિનું સૌથી વિશુદ્ધ અને સૌથી પૂર્ણ સ્વરૂપ છે. ભગવાન પ્રત્યેની આવી “રતિ” (ભગવાન તરફનું આકર્ષણ અને લગન) જેટલે અંશે વધારે વ્યક્તિગત માનવીય સંબંધો, જેવા કે સ્વામી-સેવક, પિતા-પુત્ર, પતિ-પત્ની વગેરે જેવા સંબંધો ધારણ કરતી જાય છે, તેટલે અંશે પોતાના સ્વરૂપમાં તે વધારે ને વધારે મર્યાદિત બનતી જાય છે અને આધ્યાત્મિક ન હોય એવાં તત્ત્વો સાથે એ મિશ્રિત થઈ જાય છે. જો કે મધુસૂદન સરસ્વતીનો આવો મત હોવા છતાં તેઓ ગોપીઓ અને તેમના શ્રીકૃષ્ણ પ્રત્યેના પ્રેમની અનન્યતાનો સ્વીકાર કરવામાં કોઈ પણ ભક્તિચિંતક કરતાં જરાય પાછળ તો રહ્યા નથી જ.
પ્રીતિ (વ્યક્તિનિષ્ઠ પ્રેમ અને સેવા)ના આનંદ ઉપર આધારિત કેવળ વૈયક્તિક પ્રકારની ભક્તિ વૈષ્ણવ પરંપરાની ચૈતન્યશાખાએ સ્વીકારી છે અને પુરસ્કારી છે. જીવ ગોસ્વામી એ સંપ્રદાયના સુવિખ્યાત વિવેચનકાર છે. તેઓ એવું પ્રતિપાદન કરે છે કે પરમાત્માનાં બે સ્વરૂપો છે : એક તો સર્વવ્યાપક નિરાકાર બ્રહ્મ અને બીજું અગણિત ઉત્તમ ગુણધારી ભગવાનનું સાકાર સ્વરૂપ છે. આવા ભગવાનની સાથે “તે મારો છે” એવા મમતાભર્યા ભાવ પર આધારિત વ્યક્તિનિષ્ઠ સંબંધ બાંધી શકાય છે. પરમાત્માનાં આ બે સ્વરૂપો પૈકીનું પહેલું બ્રહ્મસ્વરૂપ તો ગૌણ અને પરિવેશવાળું સીમિત છે, જ્યારે ભગવાનનું બીજું સ્વરૂપ જ પરમાત્માનું મૂળભૂત સ્વરૂપ દર્શાવે છે. જ્ઞાનપ્રધાન શાંતભક્તિના સાધકો તો પરમાત્માનું સીમિત જ્ઞાન જ પામે છે. કારણ કે તેમના વલણમાં ભગવાન પ્રત્યે પેલો “મારાપણા”નો ભાવ તો સંભવી શકતો નથી અને એવા ભાવ વગર તેમજ એવા ભાવથી નીપજતી સંબંધની ઘનિષ્ઠતા વગર તો પરમાત્માનું રસમય સ્વરૂપ અર્થાત્ વિશુદ્ધ પરમાનંદસ્વરૂપ પૂરતા પ્રમાણમાં પામી શકાતું નથી. આ રસમય પરમાનંદપ્રાપ્તિને સ્થાને એ પ્રકારના સાધકો તો પરમતત્ત્વના નિર્વૈયક્તિક, અપુરુષવિધ, નિરાકાર સ્વરૂપ સાથે પોતે એકરૂપ જ થઈ જાય છે, એની સાથે ભળી જ જાય છે અને પ્રીતિની પૂરેપૂરી અભિવ્યક્તિ તો ફક્ત જ્યારે એ “મારાપણાની” (મમત્વની) લીલા સક્રિય બને છે, ત્યારે જ શક્ય બને છે. તેથી શાંતભક્તિના આગ્રહી અનુયાયીઓ જે વાતને એક ખામી તરીકે લેખે છે, તે જ બાબત અહીં એક એવી વિશિષ્ટ શ્રેષ્ઠતા ધારણ કરે છે કે જેને લીધે ભગવાનની ગહનતા અને ભગવાનનો આનંદ નિહાળી શકાય છે. આ પ્રીતિભક્તિના આદર્શને વરેલો ભક્ત તો સાયુજ્ય-મુક્તિને (ભગવાનમાં ભળી જઈ એકરૂપ મુક્તિને) આધ્યાત્મિક ક્રાન્તિના એક સ્ખલનકારી અવરોધક તરીકે ગણે છે અને ભગવાન પ્રત્યેના તીવ્રતમ વ્યક્તિનિષ્ઠ પ્રેમને અને તેમની શાશ્વત સેવાને જ સાધકજીવનનું સર્વોત્તમ ધ્યેય—જીવનનો પરમ પુરુષાર્થ માને છે.
નિ:શંક રીતે આ દૃષ્ટિકોણને શ્રીમદ્ ભાગવતના ઘણા શ્લોકોમાંથી પૂરતો ટેકો સાંપડે છે. દાખલા તરીકે, શ્રીમદ્ ભાગવતના આ નીચેના શ્લોકોમાં ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખમાં જ આ વિધાન મૂકવામાં આવ્યું છે :
“જે સાધુજનોને મારામાં દૃઢમૂલ પ્રીતિ છે; અને જેઓ સર્વત્ર મારા જ સ્વરૂપને નિહાળે છે તેઓ, જેવી રીતે પતિવ્રતા નારી પોતાના કર્તવ્ય-પરાયણ પતિને જીતી લે છે, તેવી રીતે મને જીતી લે છે, મારી સેવાથી જ તેઓ જીવનની પરિપૂર્ણતાને પામીને જ્યારે મુક્તિના ચારેય પ્રકારોમાંથી કોઈની પણ પરવા રાખતા નથી તો પછી આ જગતની નાશવંત ભોગ-પ્રાપ્તિની તો એમને ભલા શી વિસાત હોય?”
(ભાગવત : ૯/૪/૬૬-૬૭)
ભાગવતમાં આ પ્રકારના શ્લોકો તો અત્રતત્ર-સર્વત્ર જોવા મળે છે.
ભાગવતમાંથી મળતા આવા ઉપદેશોને આગળ ધરીને વૈષ્ણવ પરંપરાની ચૈતન્યશાખાના અનુયાયીઓ એવું પ્રતિપાદન કરે છે કે, જેને સાચો વૈષ્ણવ થવાની ઝંખના હોય, તેણે સામાન્ય રીતે સ્વીકારેલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ—આ ચારેય પુરુષાર્થોને ઉવેખી મૂકવા જોઈએ અને કેવળ આ પ્રીતિભક્તિના સ્વરૂપને જ પોતાના જીવનના પરમ લક્ષ્યરૂપ પાંચમા પુરુષાર્થ તરીકે અપનાવી લેવું જોઈએ. આ અર્થમાં ભક્તિ એ ઈશ્વર પ્રત્યે, “તે પોતાનો છે,” એવા અડગ પ્રેમ સાથેની ઈશ્વરની સેવા છે.
ભાગવતમાં ભક્તિને અપાયેલા સર્વાધિક મહત્ત્વના આ સ્થાન સાથે કેટલાક કેવલાદ્વૈતના સમર્થકો કદાચ સહમત નહિ થાય. કારણ કે કેવલાદ્વૈતની પદ્ધતિમાં તો ભક્તિ કેવળ ચિત્તશુદ્ધિના એક સાધન તરીકે, ચિત્તને જ્ઞાનનિષ્ઠાનું સુયોગ્ય પાત્ર બનાવવા માટે જ સ્વીકારાયેલી હોવાથી એને તદ્દન ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે. અલબત્ત, અહીં એ તો નોંધવું જોઈએ કે, કેવલાદ્વૈતીઓ જેને ભક્તિ કહે છે, તે તો માત્ર આપણે આગળ જોઈશું તેવી પ્રારંભિક પ્રકારની ભક્તિ-સાધનાઓ જ છે. એ કંઈ અહીં પ્રસ્તુત ઉચ્ચતમ સ્તરની ભક્તિ નથી જ. અહીં મુશ્કેલી એ છે કે આ રીતે તો ભક્તિ નિર્વિરોધ રીતે પોતાનું એક ખાસ આગવું રૂપ, અન્યવ્યાત્યાવર્તક સ્વરૂપ તો અવશ્ય જ ધારણ કરી લે છે, અને એનો અર્થ તો એ થયો કે એ રીતે તો એ વિશુદ્ધ અદ્વૈતવાદથી સાવ જ નોખી-નિરાળી થઈ જાય છે, એવું લાગે છે. વળી, આ રીતે આવી ભક્તિ ભેદાભેદમાં—ભેદોમાં એકરૂપતાનાં ક્ષેત્રોમાં—જાણે સરી પડતી હોય, એવું જણાય છે.
આમ હોવા છતાં, આપણે ત્યાં એવા મહાન ઉપદેશકો પણ છે ખરા, કે જેમની અનુભૂતિઓએ આ અદ્વૈતવાદ અને આ શ્રીમદ્ ભાગવત પ્રતિપાદિત પંચમપુરુષાર્થરૂપ ભક્તિ વચ્ચેના વિરોધનું સમાધાન ખોળી કાઢ્યું હોય, શ્રીરામકૃષ્ણ એક આવા પરમોપદેશક હતા. પોતાના “વિજ્ઞાની”ના સિદ્ધાંતમાં તેઓ આ વિરોધને ઓળંગી ગયા છે. તેઓ પોતાની અનુભૂતિને આ રીતે રજૂ કરે છે :
“નેતિ નેતિ”—“આ બ્રહ્મ નથી, આ બ્રહ્મ નથી”—એમ કહેતી રહેતી વિવેકની આ પ્રક્રિયા, બધા જ પ્રકારના વિરોધોને અને બધી જ વિવિધતાઓને દૂર કરતી જાય છે. આ નકારાત્મકતાના શિખર પર, દ્વૈતને, વૈવિધ્યને ઘડનારાં બધાં જ નામ અને રૂપ ઓગળી જાય છે અને અખંડ, અનંત, એકરસ પરમાત્મ-તત્ત્વની સાધકને અંત:પ્રેરણા થાય છે. આ કક્ષાએ પહોંચેલો સાધકનો અહમ્ પછી ઘણું કરીને પાછો સાંસારિક અસ્તિત્વ, સભાનતા ધારણ કરતો નથી. પણ એ છેવટે નિર્વિકલ્પ સમાધિમાં, પરિપૂર્ણ તત્ત્વમાં ભળી જાય છે. પણ અહીં શ્રીરામકૃષ્ણ કહે છે કે “માની ઇચ્છા”થી એ કક્ષાએ પહોંચેલા સાધકનો અહમ્ પણ પાછો સભાનતા ધારણ કરે છે, કેટલાક તત્ત્વજ્ઞાનીઓ જેને પ્રારબ્ધ કર્મ કહે છે, તેનાથી આ નથી થતું, પણ “માની ઇચ્છા”થી જ આવું થાય છે. આવા દાખલાઓ ભલે સાવ ગણ્યા-ગાંઠ્યા જ હોય, પણ એ છે તો ખરા જ. પણ આવે વખતે તેઓનો અહમ્ તદ્દન રૂપાંતરિત થઈ ગયેલો હોય છે. હવે એ કંઈ સામાન્ય અહમ્ની જેમ દેહકેન્દ્રી રહ્યો હોતો નથી, પરંતુ આત્મકેન્દ્રી બની ચૂક્યો હોય છે. શ્રીરામકૃષ્ણ આવા રૂપાંતરિત પુનરુત્થિત અહમ્-ને “જ્ઞાનાત્મક-અહમ્” અથવા “પરિપક્વ અહમ્” કહે છે. આ પહેલાંના અહમ્-ને તેઓ “અજ્ઞાનાત્મક અહમ્” કે “અપક્વ અહમ્” એવું નામ આપે છે. આ “અપક્વ અહમ્” તો “પરિપક્વ અહમ્” કરતાં તદ્દન જુદો જ છે, કહો કે એનો વિરોધી જ છે. રૂપાંતરિત પુનરુત્થિત અહમ્ તો ઈશ્વર (પરમાત્મા), જીવ (વ્યક્તિગત શરીરધારી ચૈતન્ય) અને જગત (પરિવર્તનશીલ સૃષ્ટિ)ની ત્રિપુટીને પરમતત્ત્વના જ પ્રકટીકરણરૂપે નિહાળે છે. આ અહંને ટકી રહેવા માટે પોતાની ભીતર પ્રેમ અને આકર્ષણની આવશ્યકતા રહે છે. પહેલાંનો દેહકેન્દ્રી, અપુનરુત્થિત, અજ્ઞાનાત્મક સ્થિતિવાળો અહમ્ જ્યારે હતો, ત્યારે શરીર, શરીરના પદાર્થો અને દૈહિક સંબંધો જ એને આ પ્રેમ અને આકર્ષણની જરૂરી વિષયસામગ્રી પૂરી પાડતા રહેતા; પણ હવે જ્યારે આગળ બતાવ્યા પ્રમાણે એ અસ્તિત્વની એકાકારતાની અંત:પ્રેરણાથી પ્રકાશિત થઈ ઊઠ્યો છે, ત્યારે એને ટકી રહેવા માટે તો અખિલ જગ-ત્રાતા, સૃષ્ટિસ્થિતિપ્રલયકર્તા, પરમેશ્વર જ એના પ્રેમ અને આકર્ષણની જરૂરી વિષયસામગ્રી પૂરી પાડે છે. ભાવ જાગૃત થતાં અનુભવાતા, “ભગવાન ભક્તોના છે” એવા શ્રીમદ્ ભાગવતે પ્રતિપાદિત કરેલા ઈશ્વર સાથેના વાત્સલ્ય, સખ્ય કે રતિ જેવા પ્રેમભક્તિના પ્રગાઢ અને ઉચ્ચતમ સંબંધો તો ત્યારે જ ધારણ કરી શકાય છે કે જ્યારે જીવ દિવ્ય તત્ત્વ સાથે પોતાની પાયાની નક્કર એકતાના ભાવની બક્ષિસ પામે. આ દિવ્ય તત્ત્વ, ભક્તને માટે “એના પોતાના કરતાં જુદો એક વિષય છે,” એમ માન્યા વગર બીજી રીતે તો વિચારી શકાય તેવું નથી. અને એ સર્વશક્તિમાન, દિવ્યતત્ત્વ-ભગવાનનો જેવો આદેશ હોય, તે પ્રમાણે જ ભક્ત એને અહોભાવ, પૂજા-ઉપાસના કે મર્યાદિત પ્રેમના એક વિષય તરીકે વિચારી શકે.
આમ, શ્રીરામકૃષ્ણ કહેતા “વિજ્ઞાની”નું અભેદ જ્ઞાન પ્રેમનો નાશ તો કરતું જ નથી, પણ ઊલટું આવું અભેદ જ્ઞાન તો “પ્રભુ મારા છે” એવા ભાવથી પ્રેમને વધુ બળ આપે છે. વળી, જીવના પરમલક્ષ્યરૂપ દિવ્યતત્ત્વની શાશ્વત સેવા પણ એ નિર્મે છે. ભક્તિની સાધના માટે જેઓ જ્ઞાન કે અદ્વૈતની સમજણને પણ ખપમાં ન લેતા હોય, એવા “વિજ્ઞાનીઓ” તેમ જ “નિત્યસિદ્ધો” અને શ્રીમદ્ ભાગવતમાં દર્શાવેલ “ભાગવતોત્તમો”માં કશો જ ફરક જણાતો નથી. આવા “ભાગવતોત્તમો” પૈકીના એક સુવિખ્યાત શુકદેવ છે, એ પોતે જ એક દાખલારૂપ છે. તેઓ જાહેર કરે છે કે ભલે તેઓ નિર્ગુણ નિરાકાર પરમ અનંત તત્ત્વમાં અવસ્થિત હોય, છતાં ભગવાન અને તેમના લીલાવૈભવના આકર્ષણથી તેઓ ભક્તિમાર્ગ પર ઊતરી આવ્યા છે.
આને જ મળતો આવતો વિચાર મહાન અદ્વૈતવાદી મધુસૂદન સરસ્વતીએ પણ રજૂ કર્યો છે. તેઓ અદ્વૈતવાદી હોવા છતાં ભગવાનના પરમ ભક્ત હતા. એક શ્લોકમાં તેઓ કહે છે:
“પારમાર્થિક તત્ત્વ તો અદ્વૈત જ છે; પણ ભક્તિના હેતુ માટે તો દ્વૈત જ ઠીક છે. ખરી વાત તો જો કે આ જ છે, પણ જો ભક્તિ પ્રાપ્ત થાય, તો એ મુક્તિ કરતાં સો ગણી મહાન છે. જ્ઞાન થયા પહેલાં દ્વૈતનું દર્શન મોહનું કારણ બને છે. પણ જ્ઞાન થયા પછી કેવળ ભક્તિ માટે જ દ્વૈતને ધારી લેવામાં આવે, તો એ અદ્વૈત કરતાં પણ વધુ સુંદર છે.”
આથી એવું જણાય છે કે ભક્તિના ઉચ્ચતર ભાવોની ખરેખરી અનુભૂતિ તો અભેદ ભાવનો ઉષ:કાળ થયા પછી જ થઈ શકે. એ થયા વિના તો વધારેમાં વધારે કોઈકના ભાવની નકલ માત્ર જ થઈ શકે.
પોષણ-પુષ્ટિનું પરિણામ: પ્રીતિ
(દિવ્ય-અનુગ્રહ-પસંદગી)
“પ્રીતિ” શબ્દ દ્વારા અભિવ્યક્ત થતો અનન્ય ભક્તિપ્રકાર, જીવને કંઈ એની સ્વભાવસહજ સ્થિતિમાં સાંપડી જતો નથી. દાસ્યભક્તિની છાયાવાળી શાંતભક્તિ તો જીવને સાધનાથી પ્રાપ્ત થઈ શકે છે પણ પ્રીતિમૂલક ભાવોની તો ફક્ત એવા ભક્તને જ ભેટ મળે છે કે જેને ભગવાને પોતે જ એ માટે પસંદ કર્યો હોય. વૈષ્ણવ પરંપરાની ચૈતન્ય શાખા કહે છે કે, શ્રીકૃષ્ણ સત્-ચિત્-આનંદસ્વરૂપ છે અને પોતાને પ્રકટ થવા માટે એમની ત્રણ શક્તિઓ છે. એ શક્તિઓ, “સ્વરૂપશક્તિ”, “જીવશક્તિ” (તટસ્થ શક્તિ) અને “માયાશક્તિ”ને નામે ઓળખાય છે. આમાંની છેલ્લી “માયાશક્તિ” એ અચેતન પ્રકૃતિને પ્રકટ કરનારી શક્તિ છે અને બીજી “જીવશક્તિ” એ મર્યાદિત ચેતનાઓને-જીવોને પ્રકટ કરે છે; પણ પહેલી જે “સ્વરૂપશક્તિ” છે, તે જ ઈશ્વરનું મૂળભૂત, તાત્ત્વિક અને પારમાર્થિક સ્વરૂપ છે. આ “સ્વરૂપશક્તિ”નું સંધિની, સંવિત્ અને હ્લાદિની એમ ત્રણ રીતે વિભાગીકરણ કરવામાં આવ્યું છે. એમાં સત્ કે અસ્તિત્વ માટે અનુરૂપ એવી સંધિની વડે ઈશ્વર પોતાનું તેમ જ પોતાનાં બધાં પ્રકટીકરણોનું અસ્તિત્વ ટકાવી રાખે છે; ચિત્-ચેતનાશક્તિ માટે અનુરૂપ એવી સંવિત્ દ્વારા ઈશ્વર પોતાને અને બીજાઓને પણ “સ્વ”ની સભાનતાવાળા રાખે છે; અને આનંદને અનુરૂપ એવી હ્લાદિની શક્તિ દ્વારા ઈશ્વર આત્માનંદને માણે છે, તેમ જ અન્યોને પણ એ આનંદરસાનુભવ કરાવે છે. ઈશ્વરનું “રસ” તરીકે નિરૂપણ કરવામાં આવ્યું છે. (રસ એ આનંદની એક અન્ય ઔપનિષદિક પરિભાષા છે.) અને સાથોસાથ “રસિક” તરીકે પણ પોતાના રસાનંદના સ્વયં ભોક્તા તરીકે પણ એ નિરૂપાયા છે.
“રસિક”ના સ્વરૂપમાં તેઓ કેવળ કંઈ પોતાના સ્વરૂપસહજ આનંદને જ માણતા રહેતા નથી; પણ એની સાથોસાથ જીવોમાંથી પ્રતિબિંબિત થતા આનંદને પણ તેઓ માણતા રહે છે. તેઓ જે જીવનું “વરણ” કરે છે – જે જીવને તેઓ પસંદ કરે છે, તેના ઉપર તેઓ પોતાના આનંદસ્વરૂપના અર્ક સમી હ્લાદિની શક્તિ ફેંકે છે અને તેમના દ્વારા ફેંકાયેલી એ શક્તિનું જીવમાં જે પ્રતિબિંબ પડે છે, તે જ ઉચ્ચતમ પ્રકારની પ્રીતિભક્તિ છે. ભગવાનના અનુગ્રહની આ ભેટને પરિણામે જીવ જાણે કે પોષણ, પુષ્ટિ પામે છે અને નિર્હેતુક-નિષ્કામ-ભક્તિનો ધની બની જાય છે. જીવની આ “પુષ્ટિ”, એ ભગવાનની હ્લાદિની શક્તિની જ અભિવ્યક્તિ છે; એ કંઈ જીવની પોતાની સ્વાભાવિક સ્વરૂપગત શક્તિ નથી. એકમાત્ર ભગવાનને જ પ્રસન્ન કરવાના પૂર્ણ ઉદ્દેશથી, પોતાની કશીય ખેવના રાખ્યા વગર, જીવમાં પ્રતિબિંબિત થયેલી આ હ્લાદિની શક્તિ, જ્યારે પ્રભુ પ્રત્યે નિર્હેતુક પ્રેમ અને સેવાના રૂપમાં અભિવ્યક્ત થાય છે, ત્યારે ભગવાનમાં પોતામાં જ એક અસાધારણ પ્રકારનો આનંદ જાગે છે, અને સાથોસાથ ફક્ત ભગવાનને જ પ્રસન્ન કરવાના એકમાત્ર હેતુથી, પોતાની જાતની કશીય પરવા કર્યા વગર, પ્રભુસેવા દ્વારા પોતાને અભિવ્યક્ત કરતા ભક્તમાં પણ આવો અસાધારણ આનંદ ઊપજે છે.
પ્રીતિની શ્રીમદ્ ભાગવત-કથિત વિભાવનાનો, વૈષ્ણવ પરંપરાની ચૈતન્યશાખાના સિદ્ધાંતકારોના હાથે પાછળથી થયેલો આ વધારાનો વિકાસ-વિસ્તાર છે. જો કે શ્રીમદ્ ભાગવત, સાધકો માટે ભક્તિને સ્પષ્ટ રીતે ખુદ મુક્તિ કરતાં પણ વધુ દુર્લભ એવી ભગવાને દીધેલી ઉત્તમોત્તમ ભેટ તરીકે લેખે તો છે જ. (ભાગવત: ૫/૬/૧૮) પણ આમ હોવા છતાંય, પેલી હ્લાદિની શક્તિની વિભાવના અને પ્રીતિભક્તિની ઉત્પત્તિમાં એનો ફાળો પણ શ્રીમદ્ ભાગવતમાં સ્પષ્ટ છે, એમ કહેવું એ તો સાચું નથી જ. આ બધું તો વૈષ્ણવપરંપરાની ચૈતન્યશાખાના સિદ્ધાંત-વિસ્તારનો જ ઉહાપોહ છે. પરંતુ, આવા સિદ્ધાંત-વિસ્તાર વગર તો જીવ પરમાત્મા પ્રત્યે “મારાપણા”નો ભાવ કેવી રીતે રાખી શકે, એ વાતને તેમ જ ભક્તિ પાંચમો પુરુષાર્થ છે, અને મુક્તિ કરતાં પણ એ ચડિયાતો પુરુષાર્થ છે, તે શ્રીમદ્ ભાગવત પ્રતિપાદિત સિદ્ધાંતને સમજવાનું અશક્ય થઈ પડે છે. પોતાને મળેલી જ્ઞાનની શક્તિથી જીવ વિશુદ્ધ બને છે અને ભક્તિની સાધનાની વૃદ્ધિથી એ આત્મનિવેદનનું વલણ કેળવે છે, તેમ જ “હું તારો છું” એવું અનુભવતો થાય છે અને પરમાત્માની શ્રેષ્ઠતામાં, ભવ્યતામાં ખોવાઈ જાય છે, આ દાસ્યભક્તિની છાયાવાળો શાંતભાવ છે. આનું લક્ષ્ય “સાયુજ્ય” (પરમાત્મામાં ભળી જઈ એકરસ થવું) છે. પરંતુ પરમાત્મા પ્રત્યે, “એ મારો છે” એવા ભાવ પર ખડી થયેલી “પ્રીતિભક્તિ” તો પ્રભુની હ્લાદિની શક્તિ દ્વારા અનુગ્રહ થાય, તો જ પ્રકટ થાય છે.
વિશ્વના સર્જક, પાલકપોષક, ઉદ્ધારક, સંહારક, સર્વજ્ઞ, સર્વવ્યાપક, સર્વશક્તિમાન, અગણિત ગુણગણગરિમા વિભૂષિત એવા પરમ પ્રભુ પ્રત્યે, જાણે કે એ ભક્તનો પુત્ર હોય, કે પ્રિયતમ હોય એવો મમત્વનો ભાવ સેવવો અને એમના પ્રત્યે “મારાપણા”નો અનુભવ કરવો—આવો ઘનિષ્ઠ સંબંધ જીવ જેવા મર્યાદિત પ્રાણીને માટે તો સ્વાભાવિક લાગતો નથી. એ માટે તો માનવ-આત્મામાં પ્રભુની અસાધારણ વૈભવગરિમાની સતત સભાનતાવાળી સાવ નવી જ ચેતના જાગવી જોઈએ કે જે ચેતના દિવ્ય પ્રભુ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલી રહી શકે અને એવી ચેતના તો કેવળ એ પ્રભુની કૃપાના ઉપહારથી જ સિદ્ધ થઈ શકે. આને “પોષણ” કે “પુષ્ટિ” કહેવામાં આવે છે. કારણ કે અહીં જીવમાં પ્રતિબિંબિત થયેલી પ્રભુની આનંદમયી આ હ્લાદિની શક્તિથી યુક્ત દિવ્ય આહાર, ભક્તને-જીવને “પોષણ-પુષ્ટિ” આપે છે, તેમ જ એને “દિવ્ય પ્રભુ ભક્તના પોતાના છે” – એવી ભાવના ધારણ કરવા માટે સમર્થ બનાવે છે. એમાં એને ભગવાનના ઐશ્વર્યની પણ કશી અડચણ નડતી નથી. ભગવાન પોતે જ પોતાના ભક્તને પોતાના કરતાં મોટો થવાની અનુમતિ આપે છે; અને પોતે ભક્તના વલણને વશ થઈને એ ભક્ત કરતાં નાના થઈ જાય છે. ભગવાન પોતે જ આમ કહે છે: “હું મારા ભક્તનો વશવર્તી છું; અને તેથી હું એક રીતે સ્વાતંત્ર્ય વિહોણો છું. ઉચ્ચ મનવાળા ભક્તોનો હું પરમપ્રેમી હોવાથી મારું હૃદય તેમના વશમાં છે.” (ભાગવત્: ૯/૪/૬૩) શ્રીકૃષ્ણના જીવનમાં આ બાબત દર્શાવતા અનેક પ્રસંગો શ્રીમદ્ ભાગવતમાં ચિત્રિત થયા છે. જે જીવોએ ભગવાનનો આવો કૃપાપ્રસાદ મેળવ્યો છે, તેઓ નિત્યસિદ્ધ થઈ જાય છે અને પોતાની વ્યક્તિમત્તાને જાળવી રાખીને પરમ પ્રભુની સેવાના આનંદમાં રત રહે છે. ભક્તિસિદ્ધાંત દ્વારા સ્વીકૃત આ ઊંચામાં ઊંચું લક્ષ્ય છે. આ રીતે પ્રીતિભક્તિ પાંચમો પુરુષાર્થ બની રહે છે.
પરકીયાભાવનું મહત્ત્વ:
ભગવાન પ્રત્યે “તે મારો છે” એવા ખ્યાલવાળી ભક્તિ એ “પ્રીતિભક્તિ” છે. પ્રભુ પ્રત્યે, જેવો સ્વામી પ્રત્યે સેવકનો, બાળક પ્રત્યે મા-બાપનો કે મા-બાપ પ્રત્યે બાળકનો અને મિત્ર પ્રત્યે મિત્રનો જેવો ભાવ હોય છે, તેવો ભાવ આ પ્રીતિભક્તિના અંગરૂપે સ્વીકારાયેલો છે જ. પરંતુ, આ પ્રકારની ભક્તિની સૌથી વધુ, અનન્ય, અસાધારણ અભિવ્યક્તિ તો “કાન્તાભાવ”માં (પતિ-પત્નીના સંબંધમાં) અને એમાં પણ ખાસ કરીને “પરકીયાભાવ”માં (સમાજે જેને અનૈતિક ગણ્યો છે, એવા ભાવમાં) થયેલી છે. આ બન્ને ભાવો શ્રીમદ્ ભાગવતમાં અનુક્રમે દ્વારકામાં શ્રીકૃષ્ણની પત્નીઓના ભાવમાં અને વૃંદાવનની ગોપીઓના ભાવમાં પ્રકટ થયા છે. આ બે ભાવો પૈકીનો બીજો ભાવ તો અવશ્ય જ પ્રીતિભક્તિના સર્વોચ્ચ શિખરરૂપે મનાયો છે. કારણ કે કેવળ એ ભાવમાં જ એવું બની શકે છે કે જેવી રીતે કોઈ કન્યા પોતાના ભૂત-ભવિષ્યની કશી પરવા કર્યા વગર, બધું જ છોડીવછોડીને પરમ શ્રદ્ધા અને પૂરી તન્મયતાથી પોતાના પ્રેમપાત્ર “જાર” સાથે ચાલી નીકળે, તેવી રીતે ભક્ત પણ કશી ગણતરીબાજી કે બદલાની કોઈ ખેવના રાખ્યા વગર, પરમ શ્રદ્ધાથી ભગવાન આગળ સંપૂર્ણપણે-કશુંય બાકી રાખ્યા વગર પોતાનું સમર્પણ, આત્મનિવેદન કરી દે છે અને આ ભાવને તો પેલા પત્ની તરીકેના ભાવ કરતાં પણ ઉચ્ચતર ગણવામાં આવ્યો છે. કારણ કે પત્નીભાવે કરેલ આત્મસમર્પણમાં તો કંઈ આ “જારબુદ્ધિ”થી કરેલા સમર્પણનાં બધાં લક્ષણો—સંપૂર્ણ ઉત્ક્રમણ, ત્યાગ અને બદલાની આશાનો અભાવ વગેરે—સમાઈ શકતાં નથી. આ જ કારણને લીધે શ્રીમદ્ ભાગવત, પ્રીતિઉપહાર પામેલ અન્ય ભક્તોની તુલનામાં વૃંદાવનની ગોપીઓને શ્રીકૃષ્ણની વિવાહિત પત્નિઓ કરતાંય ઊંચે સ્થાને મૂકે છે. ગોપીઓ તો સર્વસ્વત્યાગી પરમહંસો છે.
પ્રીતિભક્તિના વિકાસનાં પગથિયાં:
વૈષ્ણવ પરંપરાની ચૈતન્યશાખાના પંડિતોએ આ મધુરભાવવાળી પ્રીતિભક્તિના વિકાસનું, પૃથક્કરણ, આ નીચે બતાવેલાં ક્રમશ: ચડિયાતાં થતાં જતાં આઠ પગથિયાં બતાવીને કર્યું છે:
૧. પ્રેમ: કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય ભૂંસાઈ ન જાય, ઝાંખું ન પડી જાય, એવા આકર્ષણ દ્વારા આ પ્રેમ લક્ષિત થાય છે.
ર. સ્નેહ: આ એવું પગથિયું છે કે, જેમાં હૃદય પ્રેમમાં પીગળી જાય છે.
૩. માન: માની લીધેલી ખરેખરી અડચણોમાંથી પસાર થઈ જઈને પણ પ્રેમની વૃદ્ધિ આમાં થાય છે.
૪. પ્રણય: એ નિ:શેષ શ્રદ્ધા, મૈત્રી અને સાહચર્યની સ્થિતિ છે.
૫. રાગ: આ વિરહવ્યથા, પ્રેમવર્ધન અને ઝંખનાના આનંદની સ્થિતિ છે.
૬. અનુરાગ: પ્રેમની તાજગીનું સાતત્ય, નિત્યનૂતનતા એ આ સ્થિતિનું લક્ષણ છે.
૭, ૮. ભાવ અને મહાભાવ: શારીરિક અને માનસિક અભિવ્યક્તિના લગભગ ચોવીસ પ્રકારોથી લક્ષિત, શ્રીકૃષ્ણચૈતન્યમાં તન્મયતાની આ બંને સ્થિતિઓ છે. આ બંને પૈકી મહાભાવની સ્થિતિ, ઈશ્વરપ્રેમની સ્વલ્પ ઉપલબ્ધિ માટે સંઘર્ષ કરતા સામાન્ય જીવોમાં પ્રકટ થતી નથી. પણ એ તો કેવળ દિવ્ય અવતારોમાં જ પ્રકટ થાય છે.
વૃંદાવન: ઉચ્ચતમ વાસ્તવિકતા:
આ બાબતમાં એક વાત તો નોંધવી જ રહી કે, વૈષ્ણવપરંપરાની ચૈતન્ય-શાખાના તત્ત્વજ્ઞાનીઓના આ અભિનવ નિગૂઢ જ્ઞાન પ્રમાણે, શ્રીકૃષ્ણ પ્રત્યેના ગોપીઓના પ્રેમનો વૃંદાવનનો પ્રસંગ, એ ખાલી કોઈ એક ઐતિહાસિક ઘટનામાત્ર જ નથી; પરંતુ, એ તો એક સર્વોચ્ચ વાસ્તવિકતાની ઇતિહાસમાં થયેલી અભિવ્યક્તિ છે. અને આમ હોવાથી એને અનાચારી પ્રેમવિકારની અનૈતિકતામાં મઢી શકાય નહિ. એની પાછળનો વિચાર તો એવો છે કે શ્રીકૃષ્ણ એ ગોલોકના સર્વાતિશાયી—પરમોચ્ચ સામ્રાજ્યમાં પૂર્ણ પરમપુરુષ છે, એ શાશ્વત સત્સ્વરૂપ છે; અને પ્રકટ થયેલા આ બધા જીવો, એમની શક્તિની અભિવ્યક્તિઓ છે. કેવલાદ્વૈતીઓ માને છે તેવી એ કંઈ અનંત નિરાકાર પરબ્રહ્મની માયિક-ભૌતિક ઘટના નથી. પણ એ જ ખરું અદ્વયતત્ત્વ છે. અદ્વૈતીઓ જેને અપુરુષવિધ અર્થાત્ નિરાકાર બ્રહ્મ કહે છે, તે તો માત્ર આની હસ્તીના પરિવેશની જ આભા છે. એમની સાથે ગોલોકમાં ગોપીઓની એમના પરિકરો અને પાર્ષદોના રૂપમાં હરહંમેશ શાશ્વત ઉપસ્થિતિ હોય છે, તેઓ એમની મૂળ શક્તિ—હ્લાદિની શક્તિનું જ સાકાર સ્વરૂપ છે; અને એથી આ સ્થૂળ, ભૌતિકતાના સ્પર્શથી મુક્ત છે; એમને કોઈ ભૌતિક શરીર કે એની સાથે વળગેલી ભૌતિક કામવૃત્તિઓ હોતી નથી; એમનાં સ્વરૂપો તો અભૌતિક શુદ્ધ સત્ત્વમય છે. શ્રીકૃષ્ણની શક્તિઓની જેમ તેઓ પણ શ્રીકૃષ્ણની શાશ્વત ગુણસમૃદ્ધિરૂપ છે, તેઓ સદાસર્વદા શ્રીકૃષ્ણની સેવામાં જ રત રહેલી છે. કારણ કે માત્ર સેવાનો આનંદ એ જ તેમના અસ્તિત્વનો પૂર્ણ અર્થ છે. જો કે તેઓ ઘણી બધી છે એવું વર્ણવાયું છે; પરંતુ તે બધી રાધા નામની એક મુખ્ય ગોપિકાની જ અભિવ્યક્તિ કે રાધામાંથી જ ઉત્પન્ન થયેલી છે; એ પોતે જ હ્લાદિની શક્તિ છે; અને શ્રીકૃષ્ણને સેવતી શ્રીકૃષ્ણની જ પ્રતિમા છે. આ તે એક જ શક્તિ છે કે જે અસંખ્ય ગોપિકાઓ રૂપે અભિવ્યક્ત થાય છે. કોઈ પણ જાતના સ્વાર્થમય હેતુના કશા ખ્યાલ વગર ફક્ત શ્રીકૃષ્ણને જ પ્રસન્ન કરવા, એ જ તેમનું આખું કાર્યક્ષેત્ર છે. અને શ્રીકૃષ્ણની આ સેવા “રાસ” તરીકે ઓળખાતા શાશ્વત નૃત્યનું રૂપ ધારણ કરે છે. શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધમાં, શ્રીકૃષ્ણના જીવનના ગોકુલ અને વૃંદાવનના પ્રસંગો વર્ણવતી વખતે, આ પારગામી અને શાશ્વત દિવ્ય રાસલીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. એને કેવળ ઐતિહાસિક પણ ન ગણવું જોઈએ કે કેવળ પ્રતીકાત્મક પણ ન ગણવું ઘટે. એ અવશ્ય સાચું છે કે એનાથી ઇતિહાસમાં એક પારગામી સત્ય ઉદ્ઘાટિત થયું છે, પરંતુ એ સત્યની પ્રામાણિકતા કે તથ્યતા કંઈ ઐતિહાસિકતામાંથી નીપજતી વસ્તુ નથી. પારગામિતા ઇતિહાસને પ્રમાણિત કરી શકે છે, પણ ઇતિહાસ કંઈ પારગામિતાને પ્રમાણિત કરી શકતો નથી. વળી, આ ગોપી-કૃષ્ણ પ્રસંગને કોઈ પણ રીતે ઉચ્ચતમ માનવીય પ્રેમની અભિવ્યક્તિરૂપે કે માનવીય પ્રેમના ઉચ્ચતમ વિસ્તારરૂપે પણ સમજવો ન જોઈએ. ભલે ને એના વર્ણનમાં વધારે સારા માધ્યમના અભાવે કામુકતાભરી ભાષા વપરાયેલી હોય! કારણ કે પારગામિતા કંઈ સાંસારિક સ્વરૂપો ધારણ કરતી હોતી નથી, પણ સાંસારિક સ્વરૂપો જ પારગામિતાનાં કદરૂપાં, વિકૃત સ્વરૂપો હોય છે. શ્રીકૃષ્ણની ગોપીઓ સાથેની ક્રીડામાં—એમની હ્લાદિની શક્તિના આવિર્ભાવમાં જાતીય પ્રેમ—કામુકતાનું કોઈ તત્ત્વ નથી. એ તો વિશુદ્ધ સત્ત્વની પોતાના આનંદમય આત્મામાં થતી આત્માનંદની અભિવ્યક્તિ છે. અને ગોલોકમાં રાસનૃત્યને રૂપે એ અવિરતપણે ચાલ્યા જ કરે છે. જ્યારે વૃંદાવનમાં ભગવાનનો પૂર્ણાવતારરૂપે આવિર્ભાવ થયો, ત્યારે તેમણે પોતાના બધા પરિકરો (શાશ્વત સહચરો)ને લઈને તેમની સંગે આ નિત્યનૃત્યનું ઉદ્ઘાટન કર્યું. જીવ ભગવાનની શક્તિ છે એટલા માટે એને સ્ત્રી તરીકે ગણ્યો છે. પૂર્ણ હૃદયથી શ્રીકૃષ્ણને ઝંખતી ગોપિકાઓ સાથે તાદાત્મ્ય સાધવાથી જીવ આધ્યાત્મિક પ્રેરણા મેળવી શકે છે. પણ આટલી આ વાત કંઈ ગોપી-કૃષ્ણના પારગામી સંબંધને એક પ્રતીકના રૂપમાં ફેરવી શકશે નહિ, અથવા તો એને માનવીય જાતીય પ્રેમનો ડાઘ પણ લગાડી શકશે નહિ. વળી, મનુષ્યના જાતીય સંબંધોની નૈતિકતાના વિચારનો વિષય પણ એ બની શકશે નહિ. આ રીતે એ તો પાયામાં જ પારગામી અને આધ્યાત્મિક છે. એની ઐતિહાસિકતા તો ખાલી એક ગૌણ બાબત તરીકે ગણાઈ છે. અને જાતીય પ્રેમની પ્રતીકાત્મકતા તેમ જ નૈતિકતાના સંબંધનો નિરાદર કરવામાં આવ્યો છે.
પરંતુ, ગોપિકાઓ માટેનો આ સર્વાતિશાયી પારગામિતાનો સિદ્ધાંત, કેટલાક નૈતિક વાંધાઓને ભલે દૂર કરી દે, પણ શ્રીમદ્ ભાગવતે તો એમ કહ્યું છે કે દુરાચારી અને ભ્રષ્ટ લોકો પણ કેવળ શ્રીકૃષ્ણ સાથેના સંબંધ-માત્રથી વિશુદ્ધિ અને પવિત્રતાની ઊંચામાં ઊંચી કક્ષા સુધી પહોંચી શકે છે. પૂર્ણાવતાર તરીકે કહેવાતા શ્રીકૃષ્ણની મહત્તા તેમનામાં રહેલી ઉદ્ધારક શક્તિના પૂર્ણ પ્રકટીકરણમાં રહેલી છે. વળી, ગોપિકાઓ માટે કહેવાયેલો આ સર્વાતિશાયી પારગામી તાદાત્મ્યનો સિદ્ધાંત તો “દિવ્ય અનુગ્રહ” કે “પુષ્ટિ” (પ્રભુની પસંદગી)ના સિદ્ધાંતને પણ નકામો ઠેરવે છે; કારણ કે તો તો પછી ગોપીઓ સ્વરૂપથી જ પાવન દિવ્યસ્વરૂપિણી થઈ જ ગઈ! એટલે, ગોપિકાઓ વિશે પાછળનો વૈષ્ણવધર્મ ગમે તેવા સૈદ્ધાંતિક અભિગમો ભલે ધરાવતો હોય, પણ શ્રીમદ્ ભાગવત તો એ વાત પકડી જ રાખે છે કે ગોપીઓ સંકર જાતિમાં જન્મી હતી, શરૂઆતમાં તેઓ શ્રીકૃષ્ણના શારીરિક સૌંદર્યથી આકર્ષાઈ હતી અને શ્રીકૃષ્ણના એ સંબંધે જ એમને પવિત્રતા અને વિશુદ્ધિને શિખરે લાવી મૂકી હતી. શ્રીકૃષ્ણના મહાન શિષ્ય અને અનુયાયી ઉદ્ધવ, ગોપીઓની આશાતીત ભક્તિભાવની ઉચ્ચતાને નિહાળીને આશ્ચર્યચકિત થઈને આમ કહે છે: “ઢોરો ચારીને જીવતી જંગલી જાતિમાં જન્મેલી અને વર્ણસંકર જાતીય સંબંધોમાં ઊછરેલી ક્યાં આ ગોપિકાઓ! અને ક્યાં તેમનામાં આ શ્રીકૃષ્ણ પરમાત્મા પ્રત્યેનો પરમોચ્ચ અને ગહનતમ ભક્તિભાવ! જેવી રીતે શક્તિશાળી ઔષધને એની અસરકારતાને જાણીને કે જાણ્યા વગર પણ કોઈ ગળી જાય, તો પણ એ રોગીને અવશ્ય સાજો કરી જ દે છે, તેવી જ રીતે માણસ ગમે તેવો અજ્ઞાની હોય તો પણ તેનું મન જો ભગવાન સાથે બરાબર જોડાઈ જાય, તો ભગવાન એનું આધ્યાત્મિક પુનરુત્થાન કરી જ દે છે.” (ભાગવત: ૧૦/૪૭/૫૯) આથી એ સ્પષ્ટ થાય છે કે, શ્રીમદ્ ભાગવતે મુખ્ય ભાર તો પૂર્ણાવતાર શ્રીકૃષ્ણમાં પ્રકટ થયેલ પ્રેમ અને પવિત્રતાની રૂપાંતરકારી શક્તિ ઉપર જ મૂક્યો છે. પરંતુ એ બાબત, કોઈ સૈદ્ધાંતિક કે પ્રતીકાત્મક સમજૂતીની પ્રાસંગિકતાને અળગી તારવી દેતી નથી. અહીં એ પણ નોંધવું જોઈએ કે વૈષ્ણવ પરંપરાની ચૈતન્ય-શાખા પ્રમાણે, શ્રીકૃષ્ણ પ્રત્યેનું ગોપિકાઓનું વલણ, કોઈ સાધકે સાધના માટે સીધી રીતે અપનાવવું ન જોઈએ. સાધક કરે તો આટલું જ કે પોતાની ચેતનામાં ગોપીઓના કર્તૃત્વને લાવ્યા વગર તે ગોપિકાઓની ભાવનાઓમાં ભાગ લઈ શકે. એટલે આ ભક્તિને “રાગાનુગા ભક્તિ” કહેવામાં આવે છે. વૃંદાવનમાં પ્રકટ થયેલ પ્રેમના અનુકરણવાળી આ ભક્તિ છે. આવું અનુકરણ છેવટે શ્રીકૃષ્ણ પ્રત્યેના ગહન અને સ્થાયી પ્રેમ તરફ દોરી જાય છે. આ માર્ગને પણ “પુષ્ટિમાર્ગ”, “દિવ્યપોષણનો માર્ગ” કહેવામાં આવે છે. કારણ કે આ પ્રકારની પ્રીતિનો વિકાસ ભગવાનના અનુગ્રહથી જીવને મળતા સમૃદ્ધ પોષણનું જ પરિણામ છે.
Your Content Goes Here




