(બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્‌ ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થાડા અંશો અહીં રજૂ કરીએ છીએ.)

માનવ-મનમાં ભક્તિ જ્યારે દૃઢમૂલ બને, ત્યારે જે અનુભૂતિઓ થાય, એની વાત થઈ. શ્રીમદ્‌ ભાગવતમાં કહ્યું છે કે ભક્તિ જ્ઞાનભક્તિ હોય કે પ્રીતિભક્તિ હોય, પણ ગંગાનો ધસમસતો પ્રવાહ જેમ સાગરને મળવા દોડે છે, તેમ મન ભગવાન પ્રત્યે સ્વાભાવિક અને અનવરુદ્ધ ગતિએ ધસી જાય ત્યારે જ ભક્તિ દૃઢમૂલ થઈ ગણાય, આ દૃઢમૂલતા જ ભક્તિ-સાધનાની અંતિમ ફલશ્રુતિ છે અને એટલા માટે એને ‘પરાભક્તિ’ અથવા ‘સાધ્યભક્તિ’ કહેવામાં આવે છે. જન્મ-જન્માન્તરના ભવચક્રમાં ભટકતા જીવની સુદીર્ઘ વિકાસ-પ્રક્રિયાની એ અંતિમ ઉપલબ્ધિ છે, પ્રાથમિક ભક્તિ-સાધનાઓના સખત પરિશ્રમનું એ પરિણામ છે. સામાન્ય રીતે આ પ્રાથમિક ભક્તિ-સાધનાને ‘સાધન-ભક્તિ’ (અનુશાસન પ્રમાણે કરવામાં આવતી ભક્તિ) અથવા તો ‘વૈધી-ભક્તિ’ (શાસ્ત્રાનુશાસન અનુસાર કરવામાં આવતી ભક્તિ-સાધના) તરીકે ઓળખાવવામાં આવે છે.

ભાગવત કહે છે કે બધી જ સંનિષ્ઠ આધ્યાત્મિક સાધનાઓ ભક્તિયોગના જ વિભાગો છે, કારણ કે ભગવાને ખુદ કહ્યું છે કે કેવળ ભક્તિ દ્વારા જ મને પામી શકાય છે. નૈતિકતા, સત્યપાલન, ધાર્મિકતા વગેરે સદ્‌ગુણો ભલે તે તે રૂપે સારા છે; છતાં ભક્તિવિહીન આત્માને તે સંપૂર્ણ રીતે શુદ્ધ કરી શકતા નથી. પોતાની બધી મલિનતાઓને ખંખેરીને માનવ-આત્માનું સુવર્ણ ત્યારે જ પ્રકાશી ઊઠે છે કે જ્યારે એને ભક્તિની અગ્નિભઠ્ઠીમાં નાખવામાં આવે.

આમ છતાં શ્રીમદ્‌ ભાગવતે જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ એમ યોગ-સાધનાના ત્રણેય ભેદો સ્વીકાર્યા તો છે જ. કેટલીક વાર શ્રીમદ્‌ ભાગવત કર્મયોગને જ્ઞાનયોગ અને ભક્તિયોગની પ્રાથમિક ભૂમિકા સમાન લેખીને કેવળ બે જ યોગોનો ઉલ્લેખ કરે છે. ત્યાગની ઉચ્ચતમ કક્ષાએ પહોંચેલા સંન્યાસીઓ માટે જ્ઞાનયોગ વર્ણવ્યો છે; કામનાઓથી ખેંચાતા લોકો માટે કર્મયોગ ઉપયુક્ત ગણાયો છે અને ભાગ્યવશાત્ ભગવાનના ગુણાનુવાદની ગરિમા સાંભળીને જે લોકો ભગવાન તરફ તીવ્ર આકર્ષણ થતું અનુભવે તો છે, છતાં ત્યાગ કરવાની યોગ્યતા પૂરેપૂરી ધરાવતા હોતા નથી તેમને માટે ભક્તિયોગની ભલામણ કરવામાં આવી છે. (ભાગવત ૧૧-૨૦-૭, ૮) પરંતુ આનાથી શ્રીમદ્‌ ભાગવત ભક્તિનું અવમૂલ્યન કરતું નથી. શ્રીમદ્‌ ભાગવત તો ભક્તિને જીવ માટે સાધ્ય ઉચ્ચતમ પુરુષાર્થ તરીકે માને છે તેમજ જ્ઞાનયોગ દ્વારા મુક્તિ ઝંખતા સાધક માટે પણ ભક્તિને અનિવાર્ય લેખે છે. કારણ કે શ્રીમદ્‌ ભાગવતમાં એવું કહ્યું છે કે શ્રદ્ધા અને ભક્તિના પ્રકાશક પ્રભાવ વગર, કેવળ બૌદ્ધિક પ્રયત્નોના જોરે ભાવાત્મક સત્યને પામવું, એ તો ફોતરાં પીલીને તેલ કાઢવા જેવો નિરર્થક-નિષ્ફળ પરિશ્રમ જ છે. (ભાગવત ૧૦/૧૪.૪) ઉચ્ચતર બૌદ્ધિક કક્ષાવાળી અને ઓછી ભાવુકતાવાળી ભક્તિ જ ‘જ્ઞાનયોગ’ કહેવાય છે. ઈશ્વર તરફના પ્રેમનું બૌદ્ધિક સ્વરૂપ અને એમાં ભળી જવું, એ જ ‘જ્ઞાનયોગ’ છે. જ્ઞાની ભગવાનને પોતાના જ ઉચ્ચતર આત્મસ્વરૂપ તરીકે લેખે છે અને પોતાના ‘હું’ દ્વારા એની સાથેનું ઐક્ય ઝંખે છે. આવી સાધના માટે ત્યાગ અને અનાસક્તિની ઉચ્ચતર કક્ષાની પ્રબળતા શરૂઆતથી જ હોવી જરૂરી છે. પરંતુ પહેલાં કહ્યા મુજબ, આ બાબતમાં ઓછી યોગ્યતા ધરાવનાર માણસ પણ ભક્તિની સાધનાનો આરંભ કરી શકે છે. વળી, જ્ઞાનની સાધના કરનાર પોતાની શક્તિ ઉપર જ આધાર રાખે છે, જ્યારે ભક્તિની સાધના કરનાર તો હંમેશાં ભગવાનના પીઠબળે જ આગળ વધે છે, ભગવાન પાસે એ વ્યક્તિગત સંબંધ જોડીને જાય છે અને ભગવાન પણ એને નિયમાનુસાર પ્રતિસાદ આપતા રહે છે. એટલે જ શ્રીકૃષ્ણ કહે છે: “મારો સન્નિષ્ઠ – સાચુકલો ભક્ત ભલે કોઈક વાર ઇન્દ્રિયોના વિષયોને તાબે થઈ જતો હોય તોપણ ક્યારેય નષ્ટ થતો નથી, એને મારી ભક્તિના પ્રતાપનું પીઠબળ હોય છે.” (ભાગવત, ૧૧/૧૪/૧૮) શ્રીમદ્‌ ભાગવતના કહેવા મુજબ આ ભક્તિ-સાધના, ભક્તમાં કેટલીક પ્રાથમિક ઊણપો હોવા છતાંય એનામાં સાંસારિક વિષયો પ્રત્યેની અનાસક્તિ અને ઈશ્વરજ્ઞાન એ બન્ને પ્રકારની આધ્યાત્મિક ઉત્ક્રાન્તિની પ્રક્રિયાઓ સમાન્તરે અને સ્વાભાવિક રીતે જન્માવે છે. આમ, આ ભક્તિ-સાધનાને ખાધેલા અન્નપિંડ સાથે સરખાવાઈ છે. એ ખાધેલ અન્નપિંડ પણ એકીસાથે ક્ષુધાશાંતિ, શરીરબળ અને ખાવાનો આનંદ સહજ રીતે આપે છે ને!

રાજયોગ અને કર્મયોગ વિશે વાત કરીએ તો તે ફક્ત આ ભક્તિયોગની સાધનાના હેતુને જ પુષ્ટ કરે છે. રાજયોગમાં આંતરિક ધારણા કરવાની પદ્ધતિસરની તાલીમનો સમાવેશ થાય છે. આવી ધારણા ભક્તિભાવને દૃઢમૂલ બનાવવામાં ભારે મદદગાર નીવડે છે અને તે દ્વારા મનનું ભગવાનમાં ધીરે ધીરે ધારાવાહિક ધ્યાન શક્ય બને છે. કર્મ વિશે કહેતાં શ્રીમદ્‌ ભાગવત જણાવે છે કે એનું મહત્ત્વ ભક્તિ-સાધનાના પ્રાથમિક સ્તરોએ છે. વેદોમાં તરેહ તરેહનાં કર્મો અને વિધિવિધાનો વર્ણવાયાં છે. કેટલાંક નિત્યકર્મો છે, તો કેટલાંક આ લોક કે પરલોકમાં માણસની કામનાઓ પૂરી કરવા માટેનાં છે, તો વળી કેટલાંક કર્મો સમાજના સભ્ય તરીકે માનવે પોતાની ફરજ બજાવવા માટેનાં પણ છે. આ બંને પ્રકારનાં કર્મોને ‘ધર્મ’ એવું પારિભાષિક નામ આપવામાં આવે છે. શ્રીમદ્‌ ભાગવત માને છે કે આ બધા પ્રકારનાં કર્મોને જો ધર્મનું પવિત્ર નામ આપવું હોય, તો એ ત્યારે જ આપી શકાય કે જ્યારે એ કર્મો માનવમાં ભક્તિભાવને પ્રેરી શકે. જો એ કર્મો માણસને ભક્તિ તરફ ન પ્રેરતાં હોય તો એ નકામા અને નિરર્થક પ્રયત્નો જ છે. એટલે વેદોના કર્મકાંડ વિભાગમાં કર્મોનું યથાવિધિ અનુષ્ઠાન કરવાથી જે સ્વર્ગીય સુખોનું સમૃદ્ધ ફળ બતાવેલું છે, તેને શ્રીમદ્‌ ભાગવત કેવળ પ્રશસ્ત-અર્થવાદરૂપે જ ગણે છે; એ કેવળ ઇન્દ્રિયજન્ય સુખો તરફ આકર્ષવાનાં પરોક્ષ સાધનો જ છે. જેમ બાળકોને દવા પિવડાવવા સમજાવવા માટે મીઠાઈ વગેરેની લાલચ આપવામાં આવે છે તેમ આ કર્મો તરફ પ્રેરવાનો તેનો હેતુ છે. કર્મોનો ખરો અને અંતિમ હેતુ તો માનવને અનાસક્તિપૂર્વક અને ઈશ્વરપ્રીત્યર્થે પોતાની સાંસારિક ફરજો બજાવવા માટે વૈદિક કર્મો કરવા માટે પ્રેરિત કરવાનો જ છે. જો આવી રીતે કર્મો કરવામાં આવે, એટલે કે બીજા શબ્દોમાં ધર્મ આચરવામાં આવે તો એ ‘કર્મયોગ’ બની જાય છે. અર્થાત્, સમર્પિત કર્મો દ્વારા ઈશ્વરસાંનિધ્ય પ્રાપ્ત થાય છે અને એ રીતે એ ભક્તિની સાધનાનું એક અવિભાજ્ય અંગ બની રહે છે.

શ્રદ્ધા, રતિ અને ભક્તિનાં સોપાનો

ભક્તિના ઉદ્‌ભવ અને વિકાસ વિશે શ્રીમદ્‌ ભાગવત નીચે પ્રમાણેનાં ત્રણ સોપાનો ગણાવે છે: “સત્પુરુષોના સતત અને સઘન સાંનિધ્યમાં રહેવાથી અને ભગવાનના ગુણાનુવાદો વિશે તેમના ઉપદેશો સાંભળવાથી માનવમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા, રતિ અને ભક્તિનો ઝડપી વિકાસ થાય છે.” (ભાગવત, ૩/૨૫/૨૫) આ ભક્તિ, તે પહેલાં દર્શાવેલી ‘સાધ્યભક્તિ’ (પરિપક્વ અને સુસ્થિર ભક્તિ) જ છે. બાકીનાં બે શ્રદ્ધા અને રતિનાં વિકાસ-સોપાનો અને તે માટે કરવી જોઈતી એની અંગભૂત ભક્તિ-સાધનાઓ હવે પછી ચર્ચીશું. અસંખ્યજનો ઈશ્વરમાં પોતાની શ્રદ્ધા હોવાનું કબૂલે તો છે; પણ એ સ્વીકાર લગભગ માત્ર ઔપચારિક અને વાતો કરવા પૂરતો જ હોય છે. એ કંઈ તેમને ઈશ્વરપ્રેમ અને જ્ઞાન માટે કામ કરવાની આંતરિક પ્રેરણાથી તરબોળ કરીને ઉદ્યત કરી શકતો નથી – જેમનાં જીવન અને રોજબરોજનાં વર્તન ઉપર ઈશ્વરપ્રેમ અને આધ્યાત્મિક અનુભૂતિઓની સબળ છાપ ઊઠેલી હોય, તેવા લોકોના સતત સંપર્કમાં માણસ રહે, તો જ એને સર્વસ્વનો ત્યાગ કરીને પણ ઈશ્વર અને આધ્યાત્મિક જીવન શ્રેષ્ઠ ઉપાદેય લાગે છે. આ એક પ્રકાશે અન્ય દીવડા પેટાવી શકાશે એટલા માટે શ્રીમદ્‌ ભાગવત કહે છે કે સત્પુરુષોનો સંગ અને તેમની પાસેથી ઈશ્વરનું અને ઈશ્વરના ગુણોનું શ્રવણ એ એકમાત્ર એવું તત્ત્વ છે કે જે માનવ-હૃદયમાં સન્નિષ્ઠ શ્રદ્ધાનાં અજવાળાં પાથરે છે. સાચી ભક્તિનું પ્રથમ સોપાન આ શ્રદ્ધા એ મનની એવી સ્થિતિ છે કે જેમાં આધ્યાત્મિક મૂલ્યને બીજા કોઈ મૂલ્ય કરતાં પાયાના મૂલ્ય તરીકે સ્વીકારવામાં આવે છે અને માનવ એને માટે પોતાનું બધું જ છોડી દેવા અને એને જ પ્રાપ્ત કરવા તત્પર બને છે. શ્રદ્ધા જગાડવામાં સાધુસંગ જે મહત્ત્વનો ભાગ ભજવે છે, તે બધાં જ શાસ્ત્રો દ્વારા પ્રમાણિત થયેલું છે.

જે શ્રદ્ધાવાન માનવ એના પછીનાં ભક્તિનાં બંને સોપાનોનો – ‘રતિ’નો અને ‘ભક્તિ’નો વિકાસ કરવા ઇચ્છતો હોય, તેને માટે શ્રીમદ્‌ ભાગવતે એક સાધનાની પ્રક્રિયા વર્ણવી છે, એને ‘ભાગવતધર્મ’ કહેવામાં આવે છે. શ્રીમદ્‌ ભાગવતનો દાવો છે કે એનું અનુસરણ દરેક નિષ્ઠાવાન માણસ કરી શકે છે. વેદોમાં અને યોગશાસ્ત્રમાં દર્શાવેલી સાધનાઓ કરતાં આ માર્ગ ઘણો સરળ અને પ્રયોગક્ષમ છે, એવો દાવો કરવામાં આવ્યો છે. શ્રીમદ્‌ ભાગવત કહે છે કે “વેદો અને શાસ્ત્રો ન જાણતા સાધકો માટે ભગવાને પોતાને પ્રાપ્ત કરવા માટેનો આ ‘ભાગવત ધર્મ’ નામનો સરળ માર્ગ બતાવ્યો છે.” વળી, શ્રીમદ્‌ ભાગવત કહે છે: “આ માર્ગને અનુસરનાર માણસની કદી અવનતિ થતી નથી; એ ભલે આંખો બંધ કરીને આ માર્ગે દોડે, તોપણ એના પગ ક્યાંય લથડતા નથી, અને તે નીચે ગબડી પડતો નથી. ભક્ત પોતાના શરીર, મન, બુદ્ધિ અને ચેતનાથી જે કંઈ કરે, ભલે એ ફક્ત શાસ્ત્રોએ ફરમાવેલી ફરજો જ ન હોય, ગમે તે પ્રકારનાં તેને માટેનાં સ્વાભાવિક કાર્યો હોય, તે બધાં જ કાર્યો તેણે નારાયણને સમર્પિત કરીને પવિત્ર કરી દેવાં જોઈએ.” (ભાગવત, ૧૧-૨-૩૪, ૩૬)

નવધા ભક્તિની વિશિષ્ટ સાધના

ઉપરનાં વિધાનોની પૂર્તિરૂપે કેટલીક વધુ સીધી ભક્તિ-સાધનાઓ પણ અન્ય સ્થળોએ ગણાવવામાં આવી છે: “ભગવાન વિષ્ણુનાં સામર્થ્ય, ગુણો અને યશનું શ્રવણ કરવું, તેનાં નામ અને સ્તોત્રોનું કીર્તન કરવું, તેનું સતત સ્મરણ કરવું, એનું પાદસેવન કરવું, એનું પૂજન-અર્ચન કરવું, એને વંદન કરવાં, એના દાસ થઈને રહેવું, એની સાથે સખ્ય-સખાભાવ કેળવવો અને એને સંપૂર્ણ આત્મનિવેદન—સંપૂર્ણ રીતે શરણે જવું—ગુરુ પાસેથી યોગ્ય સૂચનો મેળવેલા મનુષ્યોએ વિષ્ણુની આ નવધા ભક્તિની સાધના કરવી જોઈએ.” (ભાગવત, ૭/૫/૨૩-૨૪)

ભક્તિ-સાધનાનું સારતત્ત્વ આ ઉપરના શ્લોકમાં આપવામાં આવ્યું છે. ઉપર બતાવેલી નવધા ભક્તિની આ સાધનાઓ એક વિશિષ્ટ પ્રકારની ભક્તિ-સાધનાઓ છે અને એ બધી સાધનાઓમાં આગળ દર્શાવેલી ઈશ્વર-સમર્પણ-બુદ્ધિથી પોતાની ફરજો બજાવવાની સાધના સામાન્ય છે. બધી સાધનાઓમાં એ અનુસ્યૂત છે. ભક્તિમય જીવનનાં બધાં જ સોપાનોમાં એનું આચરણ કરતા રહેવું, એવું એનું મહત્ત્વ છે. નવેય પ્રકારની ભક્તિ-સાધનાઓમાં એનું પાલન આવશ્યક છે, કારણ કે એનાથી ચિત્તશુદ્ધિ થયા વગર બાકીની સાધનાઓ કશી અસર ઉપજાવી શકતી નથી. જેટલે અંશે માનવ-મન વિશુદ્ધ હશે અને જેટલે અંશે માણસ પોતાની સાધનામાં પૂર્ણ નિષ્ઠાવંત હશે, તેટલે અંશે જ એને ભક્તિ-સાધનાની આ ક્રિયા ફળ આપી શકશે. કીર્તન, ઉપદેશ-શ્રવણ, સ્તોત્ર-પાઠ, પવિત્ર મૂર્તિઓની પૂજા-અર્ચના વગેરે દ્વારા ભક્તિનો દેખાવ કરવાનું તો માણસ માટે પ્રમાણમાં ઘણું સહેલું છે પણ ભગવદ્‌ ગીતાના કહેવા મુજબ જો તે આસુરી સંપત્તિવાળો હશે, લોભ, કામનાઓ અને હિંસાથી ઉન્મત્ત થયેલો હશે તો એ બધું સાવ નકામું જ થઈ જશે. એટલે આ આસુરી તત્ત્વ સામે સંગ્રામનાં મંડાણ સાધકમાં થાય, એ પાયાની બાબત છે. એ પાયા પર જ ભક્તિમય જીવનનો મહેલ ચણી શકાય છે. એ બધું પોતાનાં કર્મો અને કર્મફળોને પૂરા હૃદયથી ઈશ્વરાર્પિત કરી દેવાથી થાય છે. જો સર્વે કર્મો ઈશ્વરને અર્પણ કરી દેવામાં આવે તો મનમાં સાચી શ્રદ્ધા ધરાવનાર સાધક અનૈતિક કાર્યોથી દૂર રહેવાનો જ હંમેશાં સજાગ પ્રયત્ન કરશે – કારણ કે કોઈ કલંકિત, મલિન લોભલાલચવાળું કર્મ તો ઈશ્વરને અર્પણ થઈ જ કેમ શકે? શરીરાત્મબુદ્ધિ ધરાવતા માણસ માટે ભૌતિક મૂલ્યો, બીજા બધા મૂલ્યપ્રકારો કરતાં સાવ સાચા છે એવા મનુષ્યને શાસ્ત્રવિધિ પ્રમાણેની પૂજા કે માનસિક પૂજા-પ્રાર્થના કંઈ એટલાં તો સંતર્પક ન જ નીવડી શકે કે જેટલાં આ સઘળાં જ ભૌતિક કર્મો ઈશ્વરાર્પિત થઈને સંતર્પક બની રહે! દયા, દાન અને દમને ઉપનિષદમાં અનુક્રમે અસુર, માનવ અને દેવોની નૈતિક સાધનાની ગુરુચાવી તરીકે વર્ણવ્યાં છે. દરેક મનુષ્યમાં આ ત્રણેય હોય જ છે. એટલે આસુરી પ્રકૃતિ સામે સંગ્રામ માંડવા માટે ભૌતિક પૂજાની સામગ્રી જરૂરી છે. આ સામગ્રી-ઉપકરણ સર્વકર્મોનું સમર્પણ, સાથીજનોની સેવા, દાન-પુણ્ય, વ્રત-ઉપાસના, તપશ્ચરણ વગેરે છે. કર્મ-સમર્પણના ઘણા લાંબા સમય પછી જ ભક્તિભાવનાનાં મૂળ બંધાય છે. આ સાધનાની કોઈ સમયમર્યાદા નક્કી કરાયેલી નથી. જ્યાં સુધી માણસમાં ઇન્દ્રિયવિષયો પ્રત્યેની અનાસક્તિ વિકસિત ન થઈ જાય અને તે દિવ્ય ધ્યાનમાં આનંદ પામવાનું ન શરૂ કરે ત્યાં સુધી તો એણે ઓછામાં ઓછું કર્તવ્ય કર્મો અને સાથી સંબંધીઓની સેવા વગેરે કર્મો કરવાં જ જોઈએ. ગીતાના કહેવા પ્રમાણે ખરી રીતે તો આવાં કર્મો માણસે જીવનભર આચરવાં જ જોઈએ.

ભક્તિ-સાધનાઓનું વિવરણ

૧. श्रवणम् – જેમના હૃદયમાં ઈશ્વરપ્રેમની ભરતી સદાકાળ ચઢેલી જ રહેતી હોય, એવા સાધુ-પુરુષો પાસેથી ભગવાનની યશોગાથાઓ દત્તચિત્ત થઈને સાંભળવી, એને ખરી રીતે ‘શ્રવણ’ કહેવામાં આવે છે. એટલે સાચા અર્થમાં આ ‘શ્રવણ’ની સાર્થકતા સાધુસંગ દ્વારા જ શક્ય બને છે. આનું સુસ્પષ્ટ ઉદાહરણ રાજા પરીક્ષિત પોતે જ છે. એમણે પરમહંસોમાં શ્રેષ્ઠ પાવનકારી શુકદેવ પાસેથી ભગવાનના ગુણાનુવાદ સાંભળીને મુક્તિ મેળવી હતી. ખરી રીતે સાધુસંગ અને સત્ત્વશીલ શ્રવણ એકીસાથે ચાલે છે. એટલા માટે શ્રીમદ્‌ ભાગવત સહિત બધાં જ શાસ્ત્રોમાં ભક્તિના વિકાસ માટે સાધુસંગની એક અત્યંત મહત્ત્વની શરત તરીકે પ્રશંસા કરવામાં આવી છે. પહેલાં તો એનાથી માનવમાં જન્મેલી શ્રદ્ધા પ્રમાણભૂત બને છે. અને એ માર્ગે આગળ વધવા તથા વધારે ઢળવાની માણસને પ્રેરણા મળે છે. જ્યારે બોલનારનું કથન એના જીવન દ્વારા પ્રમાણિત થતું હોય છે, ત્યારે જ તે કથન સજીવ અને સારગર્ભ બની શકે છે.

આવો ઉચ્ચતર કક્ષાનો સાધુસંગ પ્રાપ્ત કરવો એ ઘણી કઠિન બાબત છે એટલે સામાન્ય રીતે માણસે સમર્થ મહાપુરુષો દ્વારા વ્યાખ્યાન કરીને સમજાવેલાં શાસ્ત્રો વાંચવાં જોઈએ. શ્રીમદ્‌ ભાગવત કહે છે કે શ્રીકૃષ્ણ પોતે જ શ્રીમદ્‌ ભાગવતરૂપે હાજરાહજૂર છે અને જે માણસો પોતાના કાનથી શ્રીમદ્‌ ભાગવત શ્રવણ કરે છે તેમના હૃદયમાં શ્રીકૃષ્ણ પ્રવેશે છે. આધુનિક કાળમાં આ શ્રવણમાં વાચનનો પણ સમાવેશ થઈ જાય છે.

૨. कीर्तनम् – ખાસ કરીને ઘણા ભક્તોએ સાથે ભેગા મળીને ભગવાનની નામધૂનોનું ઊંચે સાદે રટણ કરવું તેમજ એનાં લીલાપરાક્રમો અને યશોગાથાની ગીત-રચનાઓનું ગાન કરવું, એને કીર્તન કહેવામાં આવે છે. ગીતવાદ્યોની સહાય અને તાલબદ્ધ નૃત્યપ્રકાર આ કીર્તનને વેગ આપે છે, એને તીવ્રતર બનાવે છે.

ભક્તિમાર્ગના પુરસ્કર્તાઓએ ભક્તિના પરિશીલન અને પ્રચાર માટે શ્રીકૃષ્ણના નામનો બહોળો ઉપયોગ કર્યો છે. ઉત્સાહવર્ધક સામૂહિક ગાન અને નૃત્યથી પ્રબળ ભાવુકતા જાગી ઊઠે છે અને એવી ભાવુકતાને જો યોગ્ય માર્ગે વળાંક આપવામાં આવે, તો સમય પાક્યે ઘણી પ્રગતિ હાંસલ થઈ શકે છે. યોગ્ય વળાંક ન અપાય તો એ આડઊપજ પણ જન્માવી શકે છે.

આ કીર્તનસાધનામાં સહસ્રનામગાન, સ્તોત્રગાન અને અન્ય એવાં પાઠ-ધૂનો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. કીર્તનનાં આ બધાં રૂપોનો એક સર્વસાધારણ ગુણ એ છે કે જે માણસ માટે આંતરિક ધારણા કરવાનું મુશ્કેલ લાગતું હોય અને જેના મનનાં બહિર્મુખી વલણો સબળ હોય, એના મનમાં ભક્તિભાવના જગાડવા માટે એક ભારે અસરકારક સાધના એ રચી આપે છે.

૩. स्मरणम् – ભગવાનની સ્મૃતિ એટલે સ્મરણ. અહીં એ યાદ રાખવું જોઈએ કે આ પહેલાં વર્ણવેલી સાધનાઓમાં ભક્તિનાં પરિશીલનો અન્ય જનોના સાથમાં જ કરવામાં આવે છે અને એમાં મનને આંતરિક ધારણામાં લીન કરવાનો કશો સભાન પ્રયત્ન કરવામાં આવતો નથી પણ આ સ્મરણ તો માણસે એકાકી રહીને જ કરવાનું હોય છે. એટલે આ સાધના, કીર્તન કરતાં જુદો જ આંતરિક વળાંક લે છે. ભગવાનના સ્મરણની આ સાધના, સામાન્ય રીતે ભક્તો જપ અર્થાત્‌ ઈશ્વરના નામના શાંત રટણ દ્વારા કરે છે એટલા માટે હિંદુઓના વિષ્ણુ, શિવ કે દેવીની ભક્તિ પ્રબોધતા સંપ્રદાયોમાં ઇષ્ટદેવનાં હજારો કે તેથીય વધારે નામો આપવામાં આવ્યાં છે. જ્યારે મંત્રો ઉચ્ચારવામાં આવે છે, ત્યારે ભક્ત ફક્ત ભગવાનને યાદ જ કરી લે છે એટલી જ વાત નથી, પણ શ્રીમદ્‌ ભાગવતના કહેવા પ્રમાણે તો જેમ કોઈને નામ દઈને બોલાવીએ તો તે સાંભળીને આપણને પ્રતિસાદ આપે છે, તેમ ભગવાન પણ એ સાંભળે છે અને એનો પ્રતિસાદ પણ આપે છે. યોગ્ય બીજમંત્ર સાથેનું દિવ્ય નામ આંતરિક ધારણા રાખીને શાંતિથી રટી શકાય છે. આવા પરિશીલનને ‘જપ’ કહેવામાં આવે છે. ભગવાનના નામનો જપ તો ગમે ત્યારે કરી શકાય છે; શક્ય હોય તો રોજબરોજનાં કામો કરતાં-કરતાં પણ કરી શકાય છે; ભગવાનના સ્મરણનું સાતત્ય એનાથી જળવાય છે. માણસમાં જ્યારે ભક્તિ ઉચ્ચ સ્તરે પહોંચી હોય અને ભગવત્પ્રેમ વિકસિત થઈ ગયો હોય ત્યારે સ્મરણ એક સહજક્રિયા બની રહે છે.

માણસની આધ્યાત્મિક રુચિને પુરસ્કારવામાં દિવ્ય નામનું મહત્ત્વ શ્રીમદ્‌ ભાગવતમાંની અજામિલની કથામાં વિશેષત: ભારપૂર્વક દર્શાવવામાં આવ્યું છે. નામની અનન્યતા તો એ છે કે પોતાનાં પાપોની સભાનતાથી પીડાતા માનવો માટે નામોચ્ચારણ એક શક્તિશાળી પાપનાશક પ્રાયશ્ચિત્ત છે અને વળી ભગવાનની ધારણા સ્મૃતિ અને ભક્તિ મેળવવા માટેની અત્યંત અસરકારક સાધના પણ છે. શ્રીરામકૃષ્ણે પણ આને મનુષ્યો માટે શ્રેષ્ઠ સાધના ગણાવી છે. કેટલીક વાર કહેવામાં આવે છે કે હિંદુઓમાં મરણાસન્ન મનુષ્યો માટે અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ દેવળ નથી. આ ખામીને પૂરવા માટે શ્રીમદ્‌ ભાગવત એક સિદ્ધાંત લઈને આવે છે કે પાપી અજામિલની પેઠે જ મરતો માણસ જે ભગવાનના ‘નારાયણ’ નામનો ઉચ્ચાર કરે, તો એ એને ઉચ્ચતર ઉન્નતિ તરફ દોરી જવા માટે પૂરતું છે. શ્રીમદ્‌ ભાગવત કહે છે: “મરણ સમયે હતાશ દુ:ખી અવસ્થામાં જે મનુષ્યો ભગવાનના નામનો આશરો લે છે તેઓ જલદી જન્મજન્માન્તરનાં પાપોથી છૂટી જાય છે અને પોતાના સાચા આત્મસ્વરૂપને પિછાણે છે.” જાણ્યે-અજાણ્યે ઉચ્ચારાયેલું ભગવાનનું નામ, આગ જેમ લાકડાંને બાળી નાખે તેમ મનુષ્યનાં પાપોને ખાખ કરી નાખે છે; ભલે પછી એ માણસ ભગવન્નામનો મહિમા, એની પવિત્રતા કે એની શક્તિને જાણતો હોય કે ન હોય ! જેમ કોઈ શક્તિશાળી ઔષધનું સેવન, એની અસરકારકતા જાણ્યા વગર અકસ્માતે જ કરવામાં આવે તો પણ એ એની રોગશામક શક્તિ પ્રકટ કરે જ છે. એવી જ રીતે ભગવન્નામોચ્ચારણનો પણ પ્રભાવ છે. (ભાગવત, ૬/૨/૧૭-૧૯)

આગળ પણ શ્રીમદ્‌ ભાગવત કહે છે કે ભગવાનનાં નામોનું અને યશોગાથાઓનું સતત રટણ આ કલિયુગમાં બધી આધ્યાત્મિક સાધનાઓમાં સર્વોત્તમ અને અત્યંત ફલદાયક સાધના છે. શ્રીમદ્‌ ભાગવત કહે છે: “કલિયુગમાં હરિનું નામસ્મરણ કરનારા અને બીજાને એ સ્મરણ કરાવનારા લોકો ખરેખર ભાગ્યવંત અને ધન્યવાદને પાત્ર છે. કલિયુગ ભલે અન્ય અનેક દોષોથી ભરપૂર હોય, પણ એમાં આ એક મોટો ગુણ છે. સતયુગમાં સાધક ધ્યાનથી જે મેળવે છે, ત્રેતાયુગમાં જે યજ્ઞોથી મેળવે છે, દ્વાપરયુગમાં જે પવિત્ર મૂર્તિઓની સેવા-અર્ચનાથી મેળવે છે, તે જ ફળ કલિયુગમાં હરિકીર્તન – હરિનામરટણથી મેળવે છે.” (ભાગવત, ૧૨/૩/૫૧-પર)

એમ કહી શકાય કે શ્રીમદ્‌ ભાગવતના બધા ઉપદેશો અને એની ફિલસૂફી દિવ્ય નામની અનંત શક્તિના સિદ્ધાંતને વરેલ છે. આ અનંત શક્તિ જ ભગવાન સાથે જોડાવા માગતા દરેક શ્રદ્ધાવાન મનુષ્યને માટે ‘ભગવાનનો અવતાર’ છે. ભગવાન સાથે સંયુક્ત થવા ઇચ્છનાર શ્રદ્ધાળુ માનવ સંત હોય કે પાપી હોય, વિદ્વાન હોય કે મૂર્ખ હોય, એની કશી ગણતરી નથી. ભગવાને પોતે જ દરેકને માટે પોતાને પામવાનો માર્ગ આ નામસ્મરણ દ્વારા સરળ કરી બતાવ્યો છે.

૪. पादसेवनम् – આનો શબ્દાર્થ તો ‘ચરણસેવા’ થાય છે અને સામાન્ય રીતે ‘ચરણો પખાળવાં’ એવો અર્થ જ સમજાય છે; પણ દેખીતી રીતે એ અસ્પષ્ટ અર્થ છે; કારણ કે જ્યાં સુધી ભગવાન અવતાર ન લે, ત્યાં સુધી ભગવાનના ચરણોને કોઈ પામી શકે નહીં, એટલે ‘પાદ’નો અર્થ તાત્ત્વિક રીતે ‘અંશ’ કે ‘સ્વરૂપ- વિશેષ’ એવો સમજવો જોઈએ. આ વિશે પુરુષસૂક્ત ભગવાનના ‘ચાર પાદ’ ગણાવે છે. એક પાદ વ્યક્ત-પ્રકટ છે અને ત્રણ પાદો સર્વાતીત છે – પેલી પારના છે. આ પૃથ્વીને પ્રભુનો અભિવ્યક્ત પાદ ગણવામાં આવે છે અને તેથી પૃથ્વી પરના બધા જીવોમાં કામચલાઉ રીતે ઈશ્વર વસે છે એમ માનીને એની સેવા કરવી, એવો ‘પાદસેવન’ શબ્દનો અર્થ જ સમુચિત અર્થ છે. કોઈ પણ કામ ઈશ્વર સમર્પિત બુદ્ધિથી કરવામાં આવે, એને પણ ‘પાદસેવન’ કહેવાય. આ રીતે કરાતાં કાર્યો ભક્તિ-સાધનાને એક નવો વિશાળતર સામાજિક આયામ આપે છે અને ભક્તિ-સાધના માણસને દુનિયાદારીથી સાવ નિરાળો—જુદી દુનિયામાં રાચતો કરી મૂકે છે— એવી કરાતી ટીકામાંથી પણ બચાવી લેશે. વળી, કેવળ વ્યક્તિગત મુક્તિના ખ્યાલવાળી સ્વાર્થકેન્દ્રી ભાવનાને બહેલાવતા માણસની સામે આ પાડોશીની ભલાઈમાં રખાતી આશ્રયિતા એક સર્વોત્તમ રક્ષકનું કામ કરે છે. સ્વાર્થપરાયણતા આધ્યાત્મિકતાની વિરોધી છે. પણ અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ રીતની ‘પાદસેવા’ કરવા માટે એની સાથે ભક્તિની અન્ય સાધનાઓ પણ જોડી દેવી જોઈએ; નહિતર તો માણસની સેવામાં ઈશ્વરપ્રેમની ભાવના જ નહિ રહે! અને તો તો એનું ભક્તિના કોઈ સંબંધ વગરની માત્ર સામાજિક સેવાના રૂપમાં જ અવમૂલ્યન થઈ જશે.

૫. अर्चनम् – ભક્તિની સાધનાઓમાં શ્રદ્ધાને સામાન્ય રીતે પૂજા કે અર્ચન કહેવામાં છે. પરમાત્માના પુરુષવિધ સ્વરૂપની પ્રતીતિ કરીને આ બાબતમાં પ્રમાણભૂત મનાતાં આગમ શાસ્ત્રોમાં બતાવેલાં વિધિવિધાનો પ્રમાણે અનેક પવિત્ર ચીજ-વસ્તુઓની ભેટ ધરીને એનું પૂજન કરવું એને ‘અર્ચન’ કહેવાય છે. હિંદુ ધર્મમાં આવી પૂજા ખાસ જોવા મળે છે. કારણ કે જ્યાં મૂર્તિઓમાં કે એવાં બીજાં કોઈ પ્રતીકોમાં ઈશ્વર-પ્રાર્થના કરવાની રીત પ્રચલિત હોય, ત્યાં જ એવું થઈ શકે અને જૈન, બૌદ્ધ ધર્મની કેટલીક શાખાઓ જેવા કેટલાક અપવાદો બાદ કરતાં હિંદુ ધર્મ જ એક એવો ધર્મ છે કે જે કશા જ અવરોધ વગર મૂર્તિપૂજા સ્વીકારે છે. અને એનું ભલે અનિવાર્ય આવશ્યકતારૂપે નહિ, તોય વ્યાપક રીતે સહાયકારક ભક્તિ-સાધના તરીકે પ્રતિપાદન કરે છે.

સેમેટિક ધર્મો—ખાસ કરીને ઇસ્લામ અને સૈદ્ધાંતિક રૂપે ખ્રિસ્તીધર્મ પણ ભક્તિની આ પ્રકારની સાધનાના વિરોધી છે. તે ધર્મોએ એવું ધારી લીધું છે કે કુદરતથી ઈશ્વર તદ્દન જુદી જ વ્યક્તિ છે અને એટલા માટે કુદરતના પદાર્થોમાંથી બનાવેલ કોઈ મૂર્તિ કે કોઈ પ્રતીક કે કોઈ આકાર ઈશ્વરની અવેજીમાં ચાલી શકે નહિ અને એવી કોઈ પૂજા-અર્ચના ઈશ્વરની નહિ, કોઈ બીજાની જ હોઈ શકે. એવી પૂજા-અર્ચના પથ્થરની પૂજા કરતાં જરાય ચડિયાતી નથી. એ તો પૂજા-અર્ચનાની માનવક્ષમતાનો વ્યભિચાર જ છે, એ એક ભયંકર પાપ છે—આવી વિચિત્ર અને અભાન ધારણાને લીધે એ ધર્મોમાં મૂર્તિપૂજાનો વિરોધ ઊભો થયો છે પણ એની સામે હિંદુઓનો દૃષ્ટિકોણ એવો છે કે કુદરત તો ઈશ્વરનું અભિવ્યક્ત થયેલું સ્વરૂપ જ છે, સર્વ કુદરતી પદાર્થોની ભીતર એ જ રહેલો છે અને દરેક કુદરતી પદાર્થ દ્વારા એની ભીતરના ઈશ્વર સાથે, એના આત્મા સાથે સંબંધ બાંધી શકાય છે. અને સૌથી અગત્યની વાત એ છે કે મૂર્તિનું જો શ્રદ્ધાભક્તિપૂર્વક અર્ચન કરવામાં આવે, એમાં એની ઉપસ્થિતિનું આવાહન કરવામાં આવે તો એ પ્રતિષ્ઠાપિત મૂર્તિમાં ભક્ત પર આશીર્વાદ વરસાવવા માટે ભગવાન પોતે પ્રગટ થાય છે. એને વારંવાર કહેવાય છે તેમ માત્ર મૂર્તિ જ ગણવી એ એનું અવમૂલ્યન કર્યા સમાન છે. એક સાધારણ મનુષ્ય પણ મૂર્તિઓની શ્રદ્ધાપૂર્વક અર્ચના કરીને આધ્યાત્મિક પ્રકાશ પામી શકે છે, એ રીતે મૂર્તિઓ ઈશ્વરનાં પ્રકટ સ્વરૂપો જ છે. સેમેટિક ધર્મોએ દર્શાવેલી પૂજા-અર્ચના જ્યારે કેવળ કાલ્પનિક હસ્તીને સંબોધીને થાય છે, ત્યારે હિંદુઓની આ દિવ્યમૂર્તિઓમાં કરાતી પૂજા-અર્ચા ભક્તિ-સાધનાને એક વાસ્તવિકતા અને દૃઢતા અર્પે છે. ભક્તિવૃત્તિને સસ્તી અને સહેલી બનાવવા માટે જ્યારે જડ વિધિવિધાનોના ભારે આડંબરનો આશરો લેવામાં આવે છે ત્યારે આ અર્ચના દૂષિત થઈ જાય છે. આ અર્ચનાનું સારતત્ત્વ તો ઈશ્વર-મૂર્તિમાં હાજરાહજૂર છે, એવી ભાવના છે. વિધિવિધાનો તો એનાં સાધનો છે. એ કંઈ સાધ્ય નથી. કોઈ પણ પ્રક્રિયાના અમુક નિયમની પેઠે આ વિધિવિધાનો અને અનુષ્ઠાનો અર્ચના કરનારમાં ગંભીરતા અને સાવધાની રાખવામાં સહાયક બને છે અને એની ભક્તિભાવનાને ઓપ કે સ્વરૂપ આપવા એક કેડી કંડારે છે. પણ અર્ચના કરનારે એ ન ભૂલવું જોઈએ કે અર્ચનાનું સારતત્ત્વ તો ભક્તિ જ છે, વિધિ-અનુષ્ઠાનો નથી જ. ભગવાને ભગવદ્‌ ગીતામાં કહ્યું છે : જો કોઈ મને ભક્તિથી તુલસીદલ, પુષ્પ, ફળ કે જળ અર્પણ કરે છે, તો ભક્તિ અને શ્રદ્ધાથી આપેલાં તે બધાંનો હું સહર્ષ સ્વીકાર કરું છું. જો કે કેટલાક મહાન ભક્તોએ મોટાં અનુષ્ઠાનો અને તીવ્ર ભક્તિ—બન્નેને આ અર્ચનસાધનામાં સમન્વિત કર્યાં છે ખરાં. આવી ભક્તિની બાબતમાં ડોકિયું કરવા ઇચ્છતા વાચકે શ્રીરામકૃષ્ણદેવના મહાન શિષ્યો પૈકીના એક એવા સ્વામી રામકૃષ્ણાનંદનું જીવન વાંચવું જોઈએ. આ પ્રકારની ભાવમયી અર્ચનાને ભક્તિનું એટલું બધું મહત્ત્વનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે કે નારદ ભક્તિસૂત્રમાં અર્ચના માટેની આસક્તિ અને એમાં તલ્લીનતાને જ ભક્તિની અનેક વ્યાખ્યાઓ માંહેની એક ગણવામાં આવેલ છે.

આ અર્ચનાનું એક એવુંય રૂપ છે ખરું કે જે બધાં જ વિધિવિધાનો અને અનુષ્ઠાનોને ઉલ્લંઘી જાય છે, એને ‘સેવા’ કહેવામાં આવે છે. એમાં અનુષ્ઠાનોને કાં તો દૂર કરવામાં આવે છે અને કાં તો ઓછાં કરી દેવામાં આવે છે. અને એમાં મૂર્તિને ચિન્મયી સત્તા, નિકટતમ અને પ્રિયતમ હસ્તી તરીકે ગણવામાં આવે છે અને એને સ્નાન, સજાવટ, ખાદ્યસામગ્રી, શયનવ્યવસ્થા વગેરે દ્વારા બરાબર રીતે ભક્ત કાળજીપૂર્વક સ્નેહથી સેવે છે. શ્રીવલ્લભાચાર્ય અને શ્રીચૈતન્યે પ્રસ્થાપિત કરેલ ભક્તિસંપ્રદાયો આ અર્ચનાસ્વરૂપનાં ઉદાહરણો છે.

જ્યારે ભક્ત અત્ર-તત્ર-સર્વત્ર પ્રભુની ઉપસ્થિતિનો અનુભવ કરે ત્યારે એ અર્ચનાની ઉચ્ચતમ ટોચ પર પહોંચે છે, ત્યારે એનું આખું જીવન ‘સર્વસેવા’ દ્વારા ‘એકસેવા’ અને ‘એકસેવા’ દ્વારા ‘સર્વસેવા’વાળું બની જાય છે. ચિન્મયી મૂર્તિપૂજામાં વિશ્વપૂજાનો આ વિચાર, શ્રીમદ્‌ ભાગવતના નીચેના શ્લોકોમાં પ્રતિપાદિત કરવામાં આવ્યો છે:

“જેમ વૃક્ષના મૂળમાં સીંચેલું પાણી અનેક શાખા-પ્રશાખાઓ વગેરેને પોષે છે; અને જેમ શક્તિ જાળવવા ખાધેલો ખોરાક બધાં અંગો અને ઇન્દ્રિયોને મજબૂત બનાવે છે તેવી જ રીતે અચ્યુતની અર્ચના સર્વ દેવોની અર્ચના થઈ જાય છે, અરે આખા વિશ્વની અર્ચના થઈ જાય છે. (ભાગવત, ૪/૩૧/૧૪) વૃક્ષના મૂળમાં સીંચેલા જળનું મહત્ત્વ જેમ આખા વૃક્ષ માટે હોય છે, તેમ વિષ્ણુના અર્ચનનું મહત્ત્વ પોતાના સહિત સર્વ ભૂતો માટે હોય છે.” (ભાગવત, ૮/૫/૪૯)

ભક્તિમાર્ગના કેટલાક સાધકોમાં અર્ચનામાં અનુષ્ઠાનની બાજુને વધારે પડતું મહત્ત્વ આપવાનું અને એના પાયાના વૈદિક સિદ્ધાંતને ભૂલી જવાનું વલણ દેખાય છે. આ પાયાનો વૈદિક સિદ્ધાંત તો એ છે કે વિધિ-વિધાનો, યજ્ઞો અને અનુષ્ઠાનોની સમાન્તરે જ જો જીવતાં-જાગતાં પ્રાણીઓમાં પ્રભુને નીરખવા, સન્માનવાનું વલણ ન હોય, તો એ એક વિકૃતિ જ છે.

તેથી ‘ભાગવતોત્તમ’નું વર્ણન કરતાં શ્રીમદ્‌ ભાગવતે ત્રણ સ્તરો બતાવ્યા છે: “જે બધાં પ્રાણીઓમાં રહેલ આત્માને પરમાત્માની જ અભિવ્યક્તિરૂપ માને અને બધાં પ્રાણીઓને પરમાત્મામાં જ રહેલાં જુએ, તે ‘ભાગવતોત્તમ્’ – સર્વોત્તમ-પૂર્ણ ભક્ત છે; જે ભક્ત ભગવાનને પોતાના ભક્તો તરફ મિત્ર તરીકે, સાધારણ મનુષ્યો તરફ કૃપાળુ અને દયાળુ તરીકે તેમજ શત્રુઓ અને દુર્જનો પ્રત્યે બેપરવા રહેનાર તરીકે માનીને એના તરફ પ્રેમ કરવાનું વલણ ધરાવતો હોય, એ રીતે એને પૂજતો હોય તે મધ્યમકક્ષાનો ભક્ત છે અને જે ભક્ત ભગવાનની મૂર્તિઓનું તો શ્રદ્ધાભક્તિપૂર્વક અર્ચન કરે છે, પણ ભગવદ્‌-ભક્તો અને અન્ય પ્રાણીઓ પ્રત્યે તદ્દન બેપરવા રહે છે, તે કનિષ્ઠ ભક્ત છે.” (ભાગવત, ૧૧/૨/૪૫-૪૬)

મૂર્તિપૂજાના એક ભાગ તરીકે જીવોમાં રહેલા ઈશ્વરની સેવાને શ્રીમદ્‌ ભાગવતે જે મહત્ત્વ આપ્યું છે, તે બતાવવા માટે આ નીચેનું ઉદ્ધરણ પૂરતું છે:

હું બધાં જ પ્રાણીઓમાં એના અંતરાત્મા રૂપે વસું છું. આ જાણ્યા-પિછાણ્યા વગર કેવળ મૂર્તિઓમાં જ મારી પૂજા કરવી એ તો પૂજાની ફક્ત નકલખોરી છે. જે કોઈ બધાં પ્રાણીઓના આત્મારૂપે અને પરમાત્મારૂપે રહેલા મને અવગણે છે અને કેવળ મૂર્તિની જ પૂજા કર્યા કરે છે તો તેની એવી પૂજા, યજ્ઞમાં આપેલી આહુતિઓ જેમ રાખ બની જાય, તેવી રીતે નકામી બિનઅસરકારક બની જાય છે.

જે માણસ પૂજા અને પોતાનાં કર્તવ્ય-કર્મો વચ્ચે આવો ચોખ્ખો ભેદભાવ રાખીને કેવળ સ્વાર્થકેન્દ્રી જીવન જીવે છે, તે બીજાં પ્રાણીઓનો શત્રુ બની જશે અને તે સૌમાં વસતા મને જ આ રીતે ત્રાસ આપતો રહેશે. આવો માણસ ક્યારેય શાંતિ મેળવતો નથી. માણસ જો પોતાના સાથીઓને અવગણે કે ત્રાસ આપે અને મૂર્તિમાં જ અનેક વિધિ-અનુષ્ઠાનો તેમજ અનેક કિંમતી ઉપહારો દ્વારા પૂજ્યા કરે, તો એની એવી પૂજાથી હું કદાપિ પ્રસન્ન થાઉં નહિ. જ્યાં સુધી માણસ પોતામાં અને અન્ય પ્રાણીઓમાં મારી ઉપસ્થિતિનો ખરેખરો સાક્ષાત્કાર કરી લે, ત્યાં સુધી એણે મૂર્તિપૂજાની સાથોસાથ બધાં પ્રાણીઓ પ્રત્યેની પોતાની ફરજો અદા કરતા રહેવું જ જોઈએ.

જ્યાં સુધી માણસ સ્વાર્થકેન્દ્રી હશે, અને પોતાની અને બીજાની વચ્ચે ભારે ભેદભાવ રાખતો હશે, (બધાં પ્રાણીઓના અંતરમાં વસેલા એવા મારી સાથે સર્વની એકતાને માનતો નહિ હોય) તો એ મૃત્યુની મહાભયંકરતાનો ભોગ બનશે, તો આ સ્વાર્થકેન્દ્રી જીવનના ભેદભાવને ઓળંગી જઈને મનુષ્યે બધાં પ્રાણીઓની ભેટ, સન્માન અને પ્રેમથી સેવા કરવી જોઈએ અને સમજવું જોઈએ કે આ પૂજા સર્વના અંતરમાં વસતા મારી જ પૂજા છે; સર્વાન્તર્યામીની જ પૂજા છે. (ભાગવત, 3/29/21-27)

૬ वन्दनम् – ‘વંદનમ્’ શબ્દનો વાચ્યાર્થ ‘પ્રણામ કરવા’ એવો થાય છે અને પૂર્વવર્ણિત અર્ચન-સાધનાના સંદર્ભમાં, ભગવાનના ચરણે સંપૂર્ણ શરણાગતિ સૂચવવા મૂર્તિ આગળ દંડવત્ પ્રણામ કરવા એવો અર્થ થાય છે. અન્ય લોકોને તેમના મોભા અનુસાર નમીને, ઘૂંટણિયે પડીને કે હાથ જોડીને અભિવાદન કરવાની વિવિધ રીતો દર્શાવવા પણ આ શબ્દ વપરાય છે; પણ ભક્તિના સંદર્ભમાં એનો અર્થ કોઈ મૂર્તિ, મનુષ્ય કે વસ્તુમાં પ્રભુની ઉપસ્થિતિનો આધાર કરવો, એમ થાય છે. શ્રીમદ્‌ ભાગવત પરંપરામાં આ વંદનનો વ્યાપ મંદિરની સીમાને ઓળંગીને ક્યાંય સુધી વિસ્તર્યો છે.

ભક્તે સમજવું જોઈએ કે આખી પ્રકૃતિ દિવ્યતત્ત્વથી સભર છે અને એટલે એણે સર્વ દિશાઓમાં સર્વ પ્રાણીઓને પ્રણામ કરવા જોઈએ. એટલે કર્મકાંડના પાયા પર કરેલા પ્રણામ અહીં પારગામી બની જાય છે અને દિવ્યતત્ત્વની સર્વત્ર ઉપસ્થિતિની સાધનામાં એનું રૂપાંતર થઈ જાય છે. ભક્તે પોતાના વ્યાવહારિક જીવનમાં ઊંચ-નીચ બધી જ વ્યક્તિઓનું મહત્ત્વ પિછાણવું જોઈએ અને એ દરેક સાથે સુયોગ્ય વ્યવહાર કરવો જોઈએ. અહીં પણ પાદસેવનની સાધનામાં દર્શાવ્યા પ્રમાણે માનવીય સંબંધોનો સ્તર મુખ્ય બની રહે, એવી ઝંખના રખાઈ છે.

७. दास्यम् – ૮. सख्यम् – અને ૯. आत्मनिवेदनम् – આ ત્રણેયનો અર્થ, અનુક્રમે ઈશ્વર-દાસ, ઈશ્વર-સખા અને ઈશ્વરને આત્મસમર્પણ કરવાનું વલણ કેળવવું, એવો થાય છે. મનમાં આ વલણો કેળવવા માટે માણસના મનનું, એના અહંકારનું રૂપાંતર થવું આવશ્યક છે. આમાંનાં કેટલાંક વલણો કે ભાવો સામાન્ય માણસની પહોંચ બહારનાં છે. પણ ભગવાનના સેવક થઈને રહેવાનું વલણ કંઈક સ્વાભાવિક છે અને દરેક ભક્તે એનું પરિશીલન કરવું જોઈએ. ભક્તિના આ બધા ભાવો કે વલણો શ્રીકૃષ્ણના જીવનમાં અને તેમના અન્યાન્ય ભક્તો સાથેના સંબંધમાં મૂર્ત થયેલાં છે.

સાંસારિક અર્થ, આ અહંકાર સંપૂર્ણ રીતે શરીરકેન્દ્રી હોય છે; અને માણસની આવી સ્વકેન્દ્રી સહજવૃત્તિ એને જે રીતે પ્રેરે છે, એ જ મનુષ્યનું સાંસારિક જીવન છે. જેટલે અંશે આ અંહકારનો વિરોધ થાય અને જેટલે અંશે, ‘હું પ્રભુનો સેવક છું’, ‘હું ઈશ્વરનું બાળક છું’, ‘હું ઈશ્વરનું રમકડું છું’ અથવા ‘હું ઈશ્વરની પ્રિયતમા છું’ એવા પ્રભુ સાથેના દિવ્ય સંબંધો અહંકારને સ્થાને આવી જાય, તેટલે અંશે અહીં પૂર્વવર્ણિત ભક્તિ-સોપાનોની ઉચ્ચતર કક્ષાઓ ઉત્તરોત્તર પસાર થઈ ચૂકી છે, એમ સમજવું.

આત્મસમર્પણ અર્થાત્‌ સંપૂર્ણ શરણાગતિ ભક્તિનું સર્વોચ્ચ શિખર છે, તો પણ એ બધા જ ભાવોમાં કંઈક અંશે અનુસ્યૂત છે જ. ગોપિકાઓના શ્રીકૃષ્ણ પ્રત્યેના પૂર્ણ નિ:સ્વાર્થ અને ગણતરી વગરના ભક્તિભાવમાં અને એમની શ્રીકૃષ્ણસેવામાં એની ચરમસીમા છે. અને એટલે ભારતીય ભક્તિપરંપરાએ એમાં ભક્તિનો ઉચ્ચતમ આદર્શ પૂર્ણ થયેલો જોયો છે.

શ્રીમદ્‌ ભાગવતનો દશમસ્કંધ એમના ભક્તિ-સૌરભને સુપેરે આલેખે છે. અને એટલે જ આ સ્કંધને ભગવાનનું હૃદય માનવામાં આવે છે.

Total Views: 3

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.