જો તમે બડાબજારના માર્ગો ઉપર પસાર થયા હો તો તે અતિ ભીડવાળા કોલકાતા શહેરનો અત્યંત ગીરદીવાળો રસ્તો છે; તમારી આગળ-પાછળ દોડતી ગાડી તથા હાથગાડી અને દરેક પ્રકારના લોકોની ભીડથી ઘેરાઈ તમે જરૂર ભય તથા આશ્ચર્ય પામશો. શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’એ આ વિસ્તારમાં શ્રીરામકૃષ્ણના આગમનનો ઉલ્લેખ કર્યો છે. એક શતાબ્દી પહેલાંના શ્રીરામકૃષ્ણના સમયથી આજ સુધી આ દૃશ્યમાં કોઈ ઉલ્લેખનીય પરિવર્તન નથી થયું.

શ્રીરામકૃષ્ણ કથામૃતના ભાગ-૧માં ૪૮૫-૯૩ પૃષ્ઠમાં આ વિશે નીચે પ્રમાણે આપેલું છે :

આજે શ્રીરામકૃષ્ણ બડાબજારમાં, ૧૨ નંબર, મલ્લિક સ્ટ્રીટમાં પધારવાના છે. મારવાડીએ અન્નકૂટ ભર્યો છે. તેનાં દર્શન કરવાનું ઠાકુરને આમંત્રણ છે. બે દિવસ પહેલાં શ્યામા-પૂજા થઈ ગઈ છે. તે દિવસે ઠાકુરે દક્ષિણેશ્વરમાં ભક્તો સાથે આનંદ કર્યો હતો. તેને બીજે દિવસે વળી ભક્તો સાથે સિંથિ બ્રાહ્મ-સમાજના ઉત્સવમાં ગયા હતા. આજે સોમવાર, ૨૦મી ઑક્ટોબર, ઈ.સ. ૧૮૮૪. કારતક સુદ એકમ અને બીજ, બડાબજારમાં હજી દિવાળીનો આનંદ ચાલી રહ્યો છે.

આશરે ત્રણ વાગ્યે માસ્ટર છોટા ગોપાલની સાથે બડાબજારમાં આવી પહોંચ્યા. ઠાકુરે પંચિયાં લેવાનું કહ્યું છે તે લીધાં. તે કાગળમાં વીંટેલાં, એક હાથમાં છે. મલ્લિક સ્ટ્રીટમાં બેઉ જણા પહોંચીને જુએ છે તો માણસોનો સાગર; બળદ-ગાડાં, ઘોડાગાડી ખૂબ ભેગાં થયાં છે. ૧૨ નંબર સ્ટ્રીટ નજીક જઈને જોયું તો ઠાકુર ગાડીમાં બેઠેલા, ને ગાડી આવી શકતી નથી. અંદર બાબુરામ ને રામ ચેટર્જી છે. ગોપાલ અને માસ્ટરને જોઈને ઠાકુર હસે છે.

ઠાકુર ગાડીમાંથી ઊતર્યા. સાથે બાબુરામ. માસ્ટર આગળ આગળ રસ્તો દેખાડીને લઈ જાય છે. મારવાડીઓને ઘેર પહોંચીને જુએ છે તો નીચે ચોગાનમાં કેવળ કાપડની ગાંસડીઓ પડેલી છે. વચ્ચે વચ્ચે બળદગાડીમાં માલ ભરાય છે. ઠાકુર ભક્તો સાથે ઉપલે માળે ગયા. મારવાડીઓએ પણ આવીને તેમને બીજે માળે એક ઓરડામાં બેસાડ્યા. એ ઓરડામાં મા કાલીનું એક ચિત્ર છે. તે જોઈને ઠાકુરે નમીને પ્રણામ કર્યા. ઠાકુર બેઠા, અને હસમુખે ચહેરે ભક્તો સાથે વાતો કરે છે.

એક મારવાડી આવીને ઠાકુરની ચરણસેવા કરવા લાગ્યો. ઠાકુર કહે છે ‘રહેવા દો, રહેવા દો.’ પણ વળી કંઈક વિચાર કરીને કહ્યું, ‘વારુ, જરા (પદસેવા) કરો.’ એકેએક શબ્દ કરુણાપૂર્ણ.

માસ્ટરને કહે છે, ‘સ્કૂલનું શું?-’

માસ્ટર: જી, રજા!

શ્રીરામકૃષ્ણ (હસીને): કાલે વળી અધરને ત્યાં ચંડીનું ગીત છે.

ઘર-માલિક મારવાડી ભક્તે એક પંડિતજીને ઠાકુરની પાસે મોકલી દીધા. પંડિતજી આવીને ઠાકુરને પ્રણામ કરીને બેઠા. પંડિતજીની સાથે ઈશ્વર સંબંધી કેટલીયે વાતો થાય છે.

શ્રીરામકૃષ્ણની કામના – ભક્તિકામના – ભાવ, ભક્તિ, પ્રેમ – પ્રેમનો અર્થ

અવતાર વિશે વાત થવા લાગી.

શ્રીરામકૃષ્ણ: ભક્તને માટે અવતાર, જ્ઞાનીને માટે નહિ.

પંડિતજી: પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્।

ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે॥

અવતાર, પ્રથમ ભક્તોના આનંદને માટે આવે, અને બીજું દુષ્ટોના દમનને માટે. પરંતુ જ્ઞાની કામના રહિત હોય.

શ્રીરામકૃષ્ણ (હસીને): પણ મારી બધી કામના ગઈ નથી. મને ભક્તિની કામના છે.

એ વખતે પંડિતજીનો પુત્ર આવીને ઠાકુરની ચરણવંદના કરીને એક બાજુએ બેઠો.

શ્રીરામકૃષ્ણ (પંડિતજીને): વારુ, જી, ભાવ કોને કહે, અને ભક્તિ કોને કહે?

પંડિતજી: ઈશ્વરનું ચિંતન કરી કરીને મનોવૃત્તિ કોમલ થઈ જાય તેનું નામ ભાવ. જેમ કે સૂર્ય ઊગે ત્યારે બરફ ગળી જાય તેમ.

શ્રીરામકૃષ્ણ: વારુ, જી, પ્રેમ કોને કહે?

પંડિતજી હિંદીમાં વાત કરી રહ્યા છે. ઠાકુર પણ તેમની સાથે અતિ મધુર હિંદીમાં વાત કર્યે જાય છે. પંડિતજીએ ઠાકુરના પ્રશ્નના જવાબમાં પ્રેમનો અર્થ એક પ્રકારે સમજાવી દીધો.

શ્રીરામકૃષ્ણ (પંડિતજીને): ના, પ્રેમનો અર્થ એ નહિ. પ્રેમનો અર્થ, ઈશ્વરમાં એવો સ્નેહ કે જગત તો ભુલાઈ જાય, પણ પોતાનો દેહ કે જે આટલો બધો પ્રિય છે તે પણ વિસરાઈ જાય! ચૈતન્યદેવને પ્રેમ થયો હતો.

પંડિતજી: જી હાં. જેમ પીધેલા માણસને થાય તેમ.

શ્રીરામકૃષ્ણ: વારુ, જી, કોઈમાં ભક્તિ આવે તો કોઈમાં આવે નહિ, એનું કારણ શું?

પંડિતજી: ઈશ્વરમાં વૈષમ્ય – દોષ નથી, એ તો કલ્પતરુ જેવા છે. જે જે માગે તે તે પામે; પણ કલ્પતરુની પાસે જઈને માગવું જોઈએ.

પંડિતજી હિંદીમાં આ બધું બોલી રહ્યા છે. ઠાકુર માસ્ટર તરફ ફરીને એ બધી વાતોનો અર્થ કહી દે છે.

સમાધિતત્ત્વ

શ્રીરામકૃષ્ણ: વારુ જી, સમાધિ કેટલા પ્રકારની, તે કહો જોઈએ.

પંડિતજી: સમાધિ બે પ્રકારની: સવિકલ્પ અને નિર્વિકલ્પ. નિર્વિકલ્પ સમાધિમાં કોઈ જાતનો વિકલ્પ નહિ.

શ્રીરામકૃષ્ણ: હાં, તદાકારકારિત. ત્યાં ધ્યાતા – ધ્યેયનો ભેદ રહે નહિ. ઉપરાંત ચેતન સમાધિ અને જડ સમાધિ. નારદ, શુકદેવ વગેરેની ચેતન સમાધિ, કેમ જી?

પંડિતજી: જી, હાં.

શ્રીરામકૃષ્ણ: અને એ ઉપરાંત ઉન્મના સમાધિ અને સ્થિત સમાધિ, શું કહો છો? પંડિતજી મૂંગા રહ્યા; કશું બોલ્યા નહિ.

શ્રીરામકૃષ્ણ: વારુ, જી, જપતપ કરવાથી તો સિદ્ધાઈ મળી શકે ને? જેમ કે ગંગાના પાણી ઉપર થઈને ચાલ્યા જવું વગેરે.

પંડિતજી: જી એ મળે, પણ ભક્ત એ માગે નહિ.

બીજી થોડી વાતચીત પછી પંડિતજીએ કહ્યું, ‘એકાદશીને દિવસે દક્ષિણેશ્વર આપનાં દર્શન કરવા આવીશ.’

શ્રીરામકૃષ્ણ: આહા, તમારો છોકરો મજાનો છે!

પંડિતજી: અરે મહારાજ! નદીનું એક મોજું જાય છે, તો એક મોજું આવે છે; બધું અનિત્ય.

શ્રીરામકૃષ્ણ: તમારી અંદર સાર છે.

થોડી વાર પછી પંડિતજીએ પ્રણામ કર્યા; અને બોલ્યા: ‘ત્યારે પૂજા કરવા હું જાઉં?’

શ્રીરામકૃષ્ણ: અરે બૈઠો, બૈઠો.

પંડિતજી વળી બેઠા.

ઠાકુરે હઠયોગની વાત ઉપાડી. પંડિતજી હિંદીમાં ઠાકુરની સાથે એ સંબંધી વાતો કરે છે. ઠાકુર બોલ્યા, ‘હાં, એ એક જાતની તપસ્યા ખરી. પરંતુ હઠયોગી દેહાભિમાની સાધુ; કેવળ દેહની તરફ જ મન.’

પંડિતજીએ હવે વિદાય લીધી, પૂજા કરવા જવા સારુ.

ઠાકુર પંડિતજીના પુત્રની સાથે વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ: જરા ન્યાય, વેદાન્ત અને દર્શન વાંચવાથી શ્રીમદ્ ભાગવત સારી રીતે સમજી શકાય, કેમ?

પંડિતજીનો પુત્ર – હાં મહારાજ, સાંખ્ય દર્શન ભણવાની બહુ જરૂર.

એ પ્રમાણે વાતો વચ્ચે વચ્ચે ચાલવા લાગી.

ઠાકુર શ્રીરામકૃષ્ણ જરા વાર આરામ કરે છે. આ બાજુ મારવાડી ભક્તોએ બહાર અગાસીમાં ભજન-ગીતોનો આરંભ કર્યો છે.

આજે શ્રીમયૂર-મુકુટધારીનો મહોત્સવ. ભોગની બધી તૈયારી થઈ ગઈ છે. ઠાકોરજીનાં દર્શન કરવાનું તેડું કરીને તેઓ શ્રીરામકૃષ્ણને લઈ ગયા. મયૂર-મુકુટધારીનાં દર્શન કરીને ઠાકુરે પ્રણામ કર્યા અને નિર્માલ્ય માથે ચડાવ્યું.

મૂર્તિનાં દર્શન કરીને ઠાકુર ભાવમાં મગ્ન. હાથ જોડીને બોલે છે:

‘પ્રાણ હે ગોવિંદ, મમ જીવન!

જય ગોવિંદ, ગોવિંદ, વાસુદેવ,

સચ્ચિદાનંદ-મૂર્તિ! હા કૃષ્ણ, હે કૃષ્ણ, જ્ઞાન કૃષ્ણ, મન કૃષ્ણ

પ્રાણ કૃષ્ણ, આત્મા-કૃષ્ણ, દેહ કૃષ્ણ, જાત કૃષ્ણ, કુળ કૃષ્ણ.

પ્રાણ હે ગોવિંદ, મમ જીવન!’

એ શબ્દો બોલતાં બોલતાં ઠાકુર ઊભા ઊભા સમાધિ-મગ્ન થયા. શ્રીયુત્ રામ ચેટર્જી ઠાકુરને પકડી રહ્યા.

ઘણી વાર પછી સમાધિભંગ થયો.

આ બાજુ મારવાડી ભક્તો સિંહાસન પર બેઠેલા મયૂર-મુકુટધારીની મૂર્તિને બહાર લઈ જવા આવ્યા. બહાર અન્નકૂટ ભોગ ગોઠવાઈને તૈયાર છે.

શ્રીરામકૃષ્ણની સમાધિ ઊતરી છે. મહાઆનંદથી મારવાડી ભક્તો સિંહાસનમાં બેઠેલી મૂર્તિને ઓરડાની બહાર લઈ જાય છે. ઠાકુર પણ સાથે સાથે જાય છે.

ભોગ ધરાવાયો. ભોગ અર્પણ કરતી વખતે મારવાડી ભક્તોએ કપડાંનો અંતરપટ કર્યો. ભોગ થઈ રહ્યા પછી આરતી અને ગીત ગવાવા લાગ્યાં. શ્રીરામકૃષ્ણ મૂર્તિને ચામર ઢોળે છે.

હવે બ્રાહ્મણ-ભોજન થાય છે. એ અગાસીની ઉપર જ ઠાકુરની સમક્ષ એ બધું કામ આટોપાવા લાગ્યું. ઠાકુર શ્રીરામકૃષ્ણને મારવાડી ભક્તોએ ભોજનનો આગ્રહ કર્યો. ઠાકુર બેઠા. ભક્તોએ પણ પ્રસાદ લીધો.

બડાબજાર થઈને રાજપથ પર – દીપાવલીનાં દૃશ્યોની વચ્ચે

ઠાકુરે રજા લીધી. સંધ્યા થઈ છે. વળી પાછી રસ્તામાં બહુ જ ભીડ. ઠાકુર બોલ્યા, ‘એમ હોય તો આપણે ગાડીમાંથી ઊતરીએ; ગાડી પાછળથી ફરીને આવે.’ રસ્તે જતાં જરાક ચાલતાં ચાલતાં ઠાકુરે જોયું તો પાનવાળાઓ ઘોલકાં જેવી એક ઓરડીની સામે દુકાન ઉઘાડીને બેઠા છે. એ ઓરડીમાં પ્રવેશ કરવો હોય તો માથું નીચું કરીને પ્રવેશ કરવો પડે. ઠાકુર કહે છે ‘કેવું કષ્ટ! એ આટલા સરખામાં જ બંદીવાન થઈને રહે! સંસારીઓનો કેવો સ્વભાવ! એટલામાં જ વળી આનંદથી ભરપૂર!’

ગાડી ફરી ફરીને નજીક આવી. ઠાકુર વળી ગાડીમાં બેઠા. અંદર ઠાકુરની સાથે બાબુરામ, માસ્ટર, રામ ચેટર્જી. છોટો ગોપાલ ગાડીની છત પર બેઠો.

એક ભિખારણે – તેના ખોળામાં છોકરું છે – ગાડીની સામે આવીને ભિક્ષા માગી. ઠાકુરે તેને જોઈને માસ્ટરને કહ્યું: ‘કેમ ભાઈ, પૈસા છે?’ ગોપાલે પૈસો આપ્યો.

બડાબજારમાં થઈને ગાડી જઈ રહી છે. દિવાળીની ખૂબ ધામધૂમ. અંધારી રાત્રિ. પણ બધે પ્રકાશ પ્રકાશમય. બડાબજારની ગલીમાંથી ગાડી ચિતપુર રોડ પર આવી. એ સ્થાન પણ દીવાઓથી ઝગઝગાટમય અને કીડીઓની પેઠે માણસોથી ભરપૂર. માણસો મોઢાં પહોળાં કરીને બન્ને બાજુએ સજ્જ્તિ દુકાનોની હાર જોયા કરે છે. ક્યાંક મીઠાઈની દુકાન, પાત્રોમાં વિવિધ જાતનાં મિષ્ટાનોથી સુશોભિત. દુકાનદારો સુંદર પોશાક પહેરીને ગુલાબદાની હાથમાં લઈને જોનારાઓની ઉપર ગુલાબજળનો છંટકાવ કરતા હતા. ગાડી એક અત્તરિયાની સામે આવી પહોંચી. ઠાકુર પાંચ વરસના બાળકની પેઠે છબીઓ અને રોશની દેખીને આનંદ કરવા લાગ્યા. ચારે બાજુ કોલાહલ.

ઠાકુર ઉચ્ચ સ્વરે કહે છે: ‘એથીયે આગળ જઈને જુઓ, વધુ આગળ!’ અને બોલતાં બોલતાં હસે છે. બાબુરામને ઉચ્ચ હાસ્ય કરીને કહે છે, ‘અરે આગળ જા ને, શું કરે છે?’

‘આગળ જાઓ’ – શ્રીરામકૃષ્ણને સંચય કરવાની ટેવ નથી

ભક્તો હસવા લાગ્યા. તેઓ સમજ્યા કે ઠાકુર એમ કહે છે કે ઈશ્વર તરફ આગળ વધો. પોતાની ચાલુ અવસ્થાથી સંતુષ્ટ થઈને રહો મા. બ્રહ્મચારીએ કઠિયારાને કહ્યું હતું કે ‘આગળ જા.’

કઠિયારાએ આગળ જઈને એક પછી એક જોયું કે ચંદનનાં વૃક્ષોનું વન; વળી થોડાક દિવસ પછી આગળ વધીને જુએ તો રૂપાની ખાણ; વળી આગળ વધીને જુએ તો સોનાની ખાણ; છેવટે જુએ છે તો હીરામાણેક. એટલે ઠાકુર પણ વારે વારે કહે છે કે ‘આગળ જા, આગળ જા!’

ગાડી ચાલવા લાગી. માસ્ટરે કપડું લીધું છે. એ ઠાકુરે જોયું છે. બે નહાવાનાં પંચિયાં અને બે ધોતિયાં. પણ ઠાકુરે માત્ર નહાવાનાં પંચિયાં લેવાનું કહ્યું હતું, ઠાકુરે કહ્યું કે ‘પંચિયાં બે સાથે આપો, અને એ ધોતિયાં હમણાં લઈ જાઓ. તમારી પાસે રાખી મૂકજો. નહિતર એક આપો.

માસ્ટર: જી, એક પાછું લઈ જાઉં?

શ્રીરામકૃષ્ણ: નહિતર હમણાં રહેવા દો; બન્ને લઈ જાઓ.

માસ્ટર: જેવી આજ્ઞા.

શ્રીરામકૃષ્ણ: વળી જ્યારે જરૂર પડશે ત્યારે લાવી દેજો. જુઓ ને કાલે વેણી પાલ રામલાલને માટે ગાડીમાં ખાવાનું દેવા આવ્યા હતા. હું બોલ્યો કે ‘મારી સાથે કોઈ ચીજ ન દેશો. મારાથી સંચય કરી શકાય તેમ નથી.’

માસ્ટર: જી હાં. તે એમાં શું થઈ ગયું? આ મોટાં બે અત્યારે પાછાં લઈ જઈશ.

શ્રીરામકૃષ્ણ (સ્નેહથી): મારા મનમાં કંઈ થવું એ તમારા માટે સારું નહિ. આ તો પોતાની જ વાત છે, જ્યારે જરૂર પડશે ત્યારે કહીશ.

માસ્ટર (નમ્રતાથી): જી ભલે.

ઠાકુર એક ભક્તની વાત કહે છે.

શ્રીરામકૃષ્ણ: મેં તેને કહ્યું કે ‘આવતી કાલે હું બડાબજારમાં જવાનો છું, તું આવજે.’ શું કહે છે, તે જાણો છો? કહે છે કે ‘વળી ટ્રામના ચાર પૈસા ભાડું (ત્યારે ટ્રામનું ભાડું એક આનો હતું) ખરચવું પડે; કોણ જાય?’ વેણી પાલને બગીચે કાલે આવ્યો હતો, ત્યાં વળી આચાર્યપણું કરી દેખાડ્યું. કોઈ કહે નહિ, તોય પોતે પોતાની મેળે ગાય; જેમ કે માણસો જાણે કે હું ય બ્રાહ્મ-સમાજીઓ માંહેનો જ એક. (માસ્ટરને) હેં ભાઈ! આ શું, કહો જોઈએ? કહે કે ‘એક આનો ખર્ચવો પડે!’

મારવાડી ભક્તોના અન્નકૂટની વાત વળી ઊપડી.

(ભક્તોને): આ જે જોયું, વૃંદાવનમાં પણ તે જ. રાખાલ (શ્રીયુત્ રાખાલ ત્યારે ઑક્ટોબર માસમાં વૃંદાવનમાં હતા) વગેરે વૃંદાવનમાં આ બધું જુએ છે. પણ ત્યાં અન્નકૂટ આથીયે મોટો; માણસોય ઘણાં; ગોવર્ધન પર્વત છે; એ બધો તફાવત.

હિંદુ ધર્મ સનાતન ધર્મ

‘પરંતુ ખોટાઓની (મારવાડીઓની) ભક્તિ કેવી, જોયું ને? યથાર્થ હિંદુ ભાવ, આ જ સનાતન ધર્મ. ઠાકોરજીને લઈ જતી વખતે કેટલો આનંદ, જોયું ને? આનંદ એવા વિચારથી કે અમે ભગવાનનું સિંહાસન ઉપાડીને લઈ જઈએ છીએ.’

હિંદુ ધર્મ જ સનાતન ધર્મ! અત્યારના જે બધા ધર્મો જુઓ છો, તે બધા ઈશ્વરેચ્છાથી થશે ને જાશે, રહેશે નહિ. એટલે હું કહું છું અત્યારના જે બધા ભક્તો છે એમનાં ચરણેભ્યો નમ: (ચરણોમાં વંદન). એટલા માટે હું કહું છું કે અત્યારનો હિંદુ ધર્મ કાયમ છે અને કાયમ રહેશે.’

માસ્ટર ઘેર જવાના છે. ઠાકુરનાં ચરણની વંદના કરીને શોભા બજારની પાસે ઊતરી ગયા. ઠાકુર આનંદ કરતાં કરતાં ગાડીમાં જઈ રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ કથામૃતમાં ઉપરોક્ત વર્ણન વાંચ્યા બાદ ભક્તોના મનમાં પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે કે આ સદાચારી મારવાડી ભક્ત કોણ હતા કે જેમને શ્રીરામકૃષ્ણ પ્રત્યે આટલી શ્રદ્ધા હતી? તે વિદ્વાન પંડિત કોણ હતા કે જેની સાથે શ્રીરામકૃષ્ણે હિંદીમાં વાર્તાલાપ કર્યો? શું મયૂરમુકુટધારીનું મંદિર આજે પણ છે? કથામૃતનું પાન કરવાવાળા ભક્તોને આ પ્રશ્ન ઉદ્‌ભવે તે સ્વાભાવિક છે.

આમાંથી કંઈક ઉત્તર મેળવવાની આશાએ લેખક એક સાંજે (સન ૧૯૮૭માં) કોલકાતાના બડાબજારની મલ્લિક સ્ટ્રીટમાં ગયા. પરંતુ તેમનો મલ્લિક સ્ટ્રીટના ઘર નં. ૧૨, જ્યાં શ્રીરામકૃષ્ણ પધારેલ તે શોધવાનો પ્રયત્ન સફળ ન રહ્યો. તે વિસ્તારનું પોલીસથાણું પણ આ સંદર્ભે તેમની કોઈ મદદ ન કરી શક્યું. કેટલાક દિવસો પછી તેઓ તે સ્થાનને શોધવાનો દૃઢ નિશ્ચય કરી ફરી ત્યાં ગયા. જ્યારે પૂછ્યું કે અહીં કોઈ ઘરમાં સો વર્ષ પહેલાં શ્રીરામકૃષ્ણ પધારેલ? લોકોએ મજાના પ્રશ્નો કર્યા – ‘શ્રીરામકૃષ્ણ કોણ હતા? તેઓ કયા વેપારથી જોડાયેલ હતા? વગેરે વગેરે…’

કોલકાતાના વેપારી સમુદાયની શ્રીરામકૃષ્ણદેવના સંબંધે અજ્ઞાનતા જાણી નિરાશ થઈ લેખકે એવું જાણવાનો પ્રયાસ કર્યો કે શું કોઈ ઘરના ત્રીજા મજલા પર મયૂરમુકુટધારીનું મંદિર હતું કે? ઊંડી શોધખોળ કર્યા બાદ લોકોએ એક રહેઠાણ બતાવ્યું કે જેનું નામ ‘કાલી ગોદામ’ હતું.

સીડી ચડી જ્યારે લેખક ઉપરના મજલે પહોંચ્યા તો મયૂરમુકુટધારીનું મંદિર જોઈ આનંદના અતિરેકથી વિહ્વળ બની ગયા. અહીં છતના એક ભાગના ઓરડામાં મંદિર આવેલ હતું. ઓરડાના પશ્ચિમ ભાગમાં ગર્ભગૃહ હતું, જ્યાં અનેક મૂર્તિઓ હતી. વચ્ચે શ્રીકૃષ્ણની મૂર્તિ હતી, જેના મસ્તક પર મયૂરપંખથી શોભતો મુકુટ હતો. મંદિરના પૂજારી શ્રીદુર્ગાદત્તે (જે ૧૫ વર્ષથી પૂજાપાઠ કરી રહ્યા હતા) જણાવ્યું કે તેમણે પોતાના પૂર્વપંડિત પાસેથી આ સાંભળેલ હતું કે શ્રીરામકૃષ્ણ આ મંદિરમાં પધાર્યા હતા.

શ્રી ચિરંજીલાલ ભવસિંઘકા જે મે. તારાચંદ ઘનશ્યામદાસ ફર્મના મુખ્ય મુનીમ (ચીફ મેનેજર) છે અને રહેઠાણના માલિક છે, તેઓએ ઘટસ્ફોટ કર્યો કે કેટલાંય વર્ષો પહેલાં ઘરનો નંબર ૧૨માંથી બદલીને ૧૮ કરાયો હતો.

એક સૈકા પૂર્વે મે. તારાચંદ ઘનશ્યામદાસ એવડી મોટી પેઢી હતી કે થોમસ એ ટિમ્બર્ગે પોતાના પુસ્તક ‘The Indian Economic and Social History Review’માં એના માટે એક અલગ પ્રકરણ લખ્યું હતું. એનું શીર્ષક છે ‘તારાચંદ ઘનશ્યામદાસ-એક વિશાળ મારવાડી ફર્મ.’ તે પ્રમાણે પહેલા વિશ્વયુદ્ધ પહેલાં જ તારાચંદ ઘનશ્યામદાસે ૧૮, મલ્લિક સ્ટ્રીટની કાલી ગોદામની આખી મંજિલ ખરીદીને તેમાં પોતાની પેઢી સ્થાપી હતી.

કાલી ગોદામ જૂના અફીણના વ્યાપાર કેન્દ્રની નજીક આવેલ છે અને સંભવતઃ ૧૮૭૦ના દશકમાં તે કેન્દ્ર બન્યું હતું. એનો અર્થ એ છે કે પેઢીની પાસે આઠથી વધારે ઓરડા છે અને એ વચ્ચેના ખૂલા આંગણા તરફની બાલ્કનીમાં ખૂલે છે. વળી આ પેઢીના માલિક અને પોદ્દાર પરિવારના એક વારસ શ્રી હનુમાનપ્રસાદ પોદ્દારના મત પ્રમાણે આ બિલ્ડિંગ ૨૦૦ વર્ષ જૂનું છે. ૧૫૦ વર્ષ પહેલાં એને મેસર્સ તારાચંદ ઘનશ્યામદાસે ખરીદ્યું હતું.

પેઢીના માલિક પોદ્દાર પરિવારના પૂર્વજ રાજસ્થાનના ચુરુના નિવાસી હતા. આ પરિવાર અચાનક ધનવાન કેવી રીતે બન્યો એની એક મજાની વાત છે. શ્રી ભગોતીરામ ચુરુના એક સામાન્ય માણસ હતા. એક દિવસ કેટલાક ચોરોએ ક્યાંકથી સોનાનાં ઘણાં વાસણોની ચોરી કરી તથા ચુરુમાં આવીને આશ્રય લીધો. અકસ્માત એ ચોરોનો પીછો કરવામાં આવ્યો અને બધો માલ છોડીને તેઓ ભાગી છૂટ્યા. પછીના દિવસે ચોરાયેલા માલની હરાજી થઈ. હવે ભગોતીરામ સિવાય આ વાત કોઈ જાણતું ન હતું કે ચોરીના માલમાં સોનાનાં કીમતી વાસણો હતાં. એટલે એમણે આ બધા માલની બોલી લગાડી અને સસ્તા દામે માલ ખરીદી લીધો. આમ તેઓ રાતોરાત ધનવાન બની ગયા.

ચતુર્ભુજ ભગોતીરામના સૌથી મોટા પુત્ર હતા. ચતુર્ભુજના બીજા પુત્ર તારાચંદ પોદ્દાર ઉદ્યમી હતા અને એમણે અનેક સ્થળે વ્યવસાય શરૂ કર્યા હતા. તારાચંદના પ્રપૌત્ર ઘનશ્યામદાસ (ગુરુ સહાયમલના પુત્ર) પણ ઘણા પરિશ્રમી હતા. આ રીતે વિશાળ મારવાડી પેઢી ‘તારાચંદ ઘનશ્યામદાસ’ના શ્રીગણેશ થયા હતા. ઘનશ્યામદાસને છ પુત્રો હતા. તે પૈકીના એક પુત્ર મુરલીધરે સંન્યાસ લીધેલ. એક અન્ય પુત્ર લક્ષ્મીનારાયણ પોદ્દાર ઘણા જ સાત્ત્વિક વૃત્તિ દાખવનાર વ્યક્તિ હતા. તેમણે વૃંદાવનની પાસે બરસાનામાં રાધાકૃષ્ણનું સુંદર મંદિર બંધાવ્યું હતું અને પોતાના જીવનના અંતિમ દિવસો ગહન આધ્યાત્મિક સાધનામાં વિતાવ્યા હતા.

તેમનું મૃત્યુ ૧૮૮૭માં થયું હતું. ઘનશ્યામદાસના બીજા એક પુત્ર શ્રીરાધાકૃષ્ણ પોદ્દાર ઘણા ધાર્મિક વૃત્તિના હતા. તેઓ ગૃહત્યાગ કરીને ચિત્રકૂટ ચાલ્યા ગયા હતા અને એમણે પોતાના જીવનનો ઉત્તરાર્ધકાળ એકાંતવાસમાં આધ્યાત્મિક સાધનાઓમાં વિતાવ્યો હતો. એમનું મૃત્યુ સન ૧૯૧૯માં થયું હતું. રઘુનાથ પ્રસાદ, જાનકી પ્રસાદ, લક્ષ્મણ પ્રસાદ, હનુમાન પ્રસાદ એ નામના શ્રીરાધાકૃષ્ણ પોદ્દારને ચાર પુત્રો હતા. ૧૮ મલ્લિક સ્ટ્રીટના જે ઘરમાં શ્રીરામકૃષ્ણ પધાર્યા હતા તે ઘર લક્ષ્મણ પ્રસાદ પોદ્દારના ભાગે આવ્યું હતું.

હવે એવો પ્રશ્ન સ્વાભાવિક છે કે આ ચારમાંથી કોણે શ્રીરામકૃષ્ણને અન્નકૂટ ઉત્સવમાં આમંત્રિત કર્યા હતા? શ્રીજાનકી પ્રસાદ પોદ્દાર કે જેઓ પોદ્દાર પરિવારના વરિષ્ઠ સભ્ય છે, તેમણે લેખકને જણાવ્યું કે સન ૧૯૦૦ સુધી આ માલિકોમાંથી કોઈ કોલકાતા આવ્યા ન હતા. એમના મત પ્રમાણે આ પેઢીના મુખ્ય મુનીમ કે જેને પ્રચલિત રિવાજ પ્રમાણે માલિક જ કહેવામાં આવે છે, તેમણે શ્રીરામકૃષ્ણને આમંત્રણ આપ્યું હશે. એનું કારણ એ છે કે આ પેઢીની ભારતભરમાં અનેક સ્થળે શાખાઓ છે અને મુખ્ય મુનીમ જ એનો કારભાર ચલાવે છે. તો પછી ૧૮૮૪માં એ પેઢીના મુખ્ય મુનીમ કોણ હતા? આ પ્રશ્ન અનેક લોકોને પૂછવામાં આવ્યો પરંતુ કોઈપણ વ્યક્તિ એનો નિશ્ચયપૂર્વક ઉત્તર આપી ન શકી. વળી તત્સંબંધી રેકોર્ડ પણ પ્રાપ્ય ન બન્યો. મુખ્ય મુનીમનાં બે સંભવિત નામ બતાવવામાં આવ્યાં, તે છે—મુનીમ શ્રી જયનારાયણ પોદ્દાર અને મુનીમ શ્રીહરદત્તરાય પ્રહ્લાદકા.

શ્રી બાલચંદ મોદીના મત પ્રમાણે
શ્રી જયનારાયણ પોદ્દાર ૧૮૯૭ની આસપાસ મુખ્ય મુનીમ બનીને કોલકાતા આવ્યા હતા. એટલે એમના દ્વારા ૧૮૮૪માં શ્રીરામકૃષ્ણને આમંત્રિત કરાવાની સંભાવના એની મેળે જ રદ થઈ જાય છે. થોમસ એ. ટિમ્બર્ગના મત પ્રમાણે હરદત્તરાય પ્રહ્લાદકા ‘તારાચંદ ઘનશ્યામદાસ’ની પેઢી સાથે સન ૧૮૬૦માં જોડાયા હતા. ત્યાર પછી તેઓ રામગઢ અને મથુરા શાખાઓમાં સ્થળાંતરિત થયા હતા અને પછી એમણે પેઢીમાંથી રાજીનામું આપી દીધું અને અંતે ૧૮૯૬માં એ જ પેઢીના મુખ્ય મુનીમ બનીને કોલકાતા પાછા ફર્યા. સંભાવના છે કે એ સમયે હરદત્તરાય પ્રહ્લાદકા જ પેઢીની કોલકાતા શાખાના મુખ્ય મુનીમ હતા અને એમણે શ્રીરામકૃષ્ણને આમંત્રણ આપ્યું હતું.

શ્રી ચતુર્ભુજ ભંડારીના કહેવા પ્રમાણે શ્રી હરદત્તરાય એક યોગ્ય વેપારી હતા અને ઉદાર મનવાળા ધાર્મિક માનવ પણ હતા. એમણે ‘હરદત્તરાય પ્રહ્લાદકા એંગ્લો વર્નાક્યુલર મિડલ સ્કૂલ’ અને ‘હરદત્તરાય પ્રહ્લાદકા હૉસ્પિટલ, રામગઢ’ (તેઓ રામગઢના નિવાસી હતા)ને એક લાખથી વધારે રૂપિયાનું દાન આપ્યું હતું. લિખિત પ્રમાણના અભાવે સાવ નિશ્ચયપૂર્વક કહેવું કે હરદત્તરાય પ્રહ્લાદકા જ એ સમયના મુખ્ય મુનીમ હતા એ સંભવ નથી.

જ્યાં સુધી એ વિદ્વાન પંડિતનો પ્રશ્ન છે કે જેમની સાથે શ્રીરામકૃષ્ણનો વાર્તાલાપ થયો હતો એ વિશે અમારું દૃઢ માનવું છે કે તેઓ ચોક્કસપણે ભાગવતના વિદ્વાન હશે. ૨, ઑક્ટોબર ૧૮૮૪ના દિવસે બડાબજારના કેટલાક મારવાડી ભક્તો દક્ષિણેશ્વર પધાર્યા હતા. ૧૨ મલ્લિક સ્ટ્રીટના ગૃહસ્વામી આ દળ સાથે શ્રીરામકૃષ્ણને અન્નકૂટ ઉત્સવ માટે આમંત્રણ આપવા ગયા હતા.

આ મારવાડી ભક્તો વિશે શ્રીરામકૃષ્ણની ઉક્તિ છે, ‘અહા, તેઓ ઈશ્વરના આદર્શ ભક્તો છે! તેઓ દર્શનાર્થે મંદિરમાં જાય છે, કીર્તન કરે છે, પ્રસાદ મેળવે છે અને આ વર્ષે એમણે જેને પૂજારીરૂપે પસંદ કર્યા છે, તેઓ છે ભાગવતના વિદ્વાન.’ પંડિત રામગોપાલ શર્મા કાલી ગોદામ ભવનના એક ઓરડામાં સન ૧૯૫૧થી રહે છે. લેખક સાથે થયેલ વાતચીત દરમ્યાન એમણે જણાવ્યું હતું કે જે પંડિતે શ્રીરામકૃષ્ણ સાથે વાતચીત કરી હતી તે પંડિત શિવદત્ત શાસ્ત્રી અથવા પંડિત બાલાચંદ્ર શાસ્ત્રી હોઈ શકે. એ બન્ને સંસ્કૃતના તથા ભાગવતના પ્રકાંડ પંડિત હતા અને ‘કાલી ગોદામ’ના માલિક હરદત્તરાય પ્રહ્લાદકાના વતન રામગઢના નિવાસી હતા. પરંતુ લિખિત પ્રમાણના અભાવે આ સંબંધે કયા પંડિત સાથે શ્રીરામકૃષ્ણે વાર્તાલાપ કર્યો હતો એ વિશે નિશ્ચયપૂર્વક કહેવું અમારા માટે સંભવ નથી.

આ લેખ દ્વારા અમારો ઉદ્દેશ એ છે કે શ્રીરામકૃષ્ણ દ્વારા કરાયેલ આ મંદિરની ઐતિહાસિક મુલાકાત તથા ભવનના માલિક (મુનીમ) તેમજ વિદ્વાન પંડિત સાથે થયેલ રોચક વાર્તાલાપથી પ્રેરણા પ્રાપ્ત કરીને લોકો ધર્મલાભ પામે.

Total Views: 112

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.