સ્ત્રી સ્વયં શક્તિસ્વરૂપા છે. અખિલ વિશ્વની સર્જિકા આદ્યાશક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે. ચંડીપાઠના અગિયારમાં અધ્યાયમાં આદ્યાશક્તિની સ્તુતિ કરતાં દેવો પણ કહે છે, ‘स्त्रियः समस्ताः सकला जगत्सुः’ –જગતની સર્વ સ્ત્રીઓ હે આદ્યાશક્તિ તમારાં જ સ્વરૂપો છે. ‘सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातनि’ – હે ભુવનેશ્વરી! તમે જ સૃષ્ટિ, સ્થિતિ અને સંહારની શક્તિરૂપ છો. આવી મહાશક્તિની પ્રતિમૂર્તિ સમી સ્ત્રીઓને શક્તિશાળી બનાવવા માટે એક વર્ષ ફાળવવું પડે? એને માટે યોજનાઓ અને કાર્યક્રમો ઘડવા પડે? આ તે કેવી વિડંબના! શક્તિને પોતાને જ સશક્ત કરવાના દિવસો આવે તે તો કેવી દુઃખદ સ્થિતિ ગણાય! છતાં આ દુઃખદ સ્થિતિ આવી પડી છે. કારણ કે શક્તિસ્વરૂપિણી નારીને પોતાનાં આંતરિક બળ અને સત્ત્વને ગુમાવી દીધાં છે. તેથી શક્તિ પોતે જ શક્તિહીન બની ગઈ છે. અને પોતાને ‘અબળા’ માનવા લાગી છે!
પ્રાચીનકાળમાં નારીનું સ્થાન
આપણી પ્રાચીન સંસ્કૃતિમાં નારીને ક્યાંય અબળા તરીકે ગણવામાં આવી ન હતી. ઋગ્વેદમાં તો કહ્યું છે કે સ્ત્રી અને પુરુષ બંને એક જ તત્ત્વના સમાન અડધિયાં છે. તેથી બંનેએ સાથે મળીને જીવનના બધા જ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સરખો ભાગ ભજવવો જોઈએ. વેદકાળમાં સ્ત્રીઓનું સ્થાન પુરુષની સમાન જ હતું. વેદકાળમાં સ્ત્રીઓ સત્યની દૃષ્ટાઓ, દિવ્યવક્તાઓ અને દિવ્યજ્ઞાનની આવિષ્કર્તાઓ તરીકે સંમાન્ય હતી. ઋગ્વેદમાં જ સત્તાવીશ બ્રહ્મવાદિનીઓના સુક્તો વિપુલ સંખ્યામાં જોવા મળે છે. વેદ-ઉપનિષદ કાળ બાદ પુરાણો અને મહાકાવ્યોના યુગમાં સ્ત્રીઓનું સ્થાન ઉત્તરોત્તર નીચું ઊતરતું ગયું. મધ્યયુગમાં સ્ત્રીને ઘરની ચારદિવાલોમાં કેદ કરી દેવામાં આવી. વિદેશીઓના આક્રમણથી હિંદુજાતિને શુદ્ધ રાખવા ધર્મના સંરક્ષકોએ સ્ત્રીઓ ઉપર જાતજાતના બંધનો લાદી દીધાં. પરદાપ્રથા, ઘૂંઘટ, બાળલગ્નો, સતીપ્રથા, ઘરની બહાર નીકળવા પર અંકુશ, વગે૨ે બંધનોથી સ્ત્રીને જકડી દેવામાં આવી. આ ઉપરાંત અજ્ઞાન, અંધશ્રદ્ધા, વહેમ, રૂઢિ અને રિવાજોના મજબૂત બંધનોથી લદાયેલી સ્ત્રી ગુલામ બની ગઈ. આ સઘળા બોજાથી તેની આંતરશક્તિ તેના અંતરના ઉંડાણમાં વિલીન થઈ ગઈ.
નારીની પ્રવર્તમાન પરિસ્થિતિ
આજે વિશ્વસ્તરે નારીઓ પોતાના ઉપર થઈ રહેલા અન્યાયો, અત્યાચારો અને શોષણની સામે જાગૃત બની ગઈ છે. એનો પ્રતિકાર કરવા સજ્જ બની છે. ૧૯૯૪માં બેઈજીંગમાં રાષ્ટ્રસંધે વિશ્વના તમામ દેશોના સ્ત્રીપ્રતિનિધિઓની ચૌથી પરિષદ ભરી હતી. જેમાં ત્રીસહજાર સ્ત્રીઓએ પ્રતિનિધિરૂપે હાજરી આપી હતી. આ પરિષદમાં ચર્ચાયેલા મુખ્ય ચાર પ્રશ્નોમાંનો મહત્ત્વનો પ્રશ્ન સ્ત્રી-પુરુષ સમાનતાનો હતો. સ્ત્રી બધી રીતે પુરુષ જેટલી જ કાર્યક્ષમ હોવા છતાં ય તેને હંમેશાં બીજા દરજ્જાનું જ સ્થાન આપવામાં આવે છે. ક્યારેય તેને પ્રથમ દરજ્જાનું સ્થાન અપાતું નથી. અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ સ્ત્રી રાષ્ટ્રપ્રમુખ બની શકતી નથી. સ્ત્રીઓનું આ રીતે થતું અપમાન અટકાવવા માટે આ પરિષદમાં સ્ત્રીઓના સમાન દરજ્જા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ પછી વર્તમાનપત્રોમાં આ ઠરાવ અંગે ચર્ચા થઈ હતી કે સ્ત્રીઓને સમાન દરજ્જો મળવો જોઈએ, એ વાત સાચી છે, પણ તેમને એ આપશે કોણ? એ તો પુરુષોએ જ આપવાનો છે. જ્યાં સુધી પુરુષોના હાથમાં સ્ત્રીઓના અધિકારો રહેલા છે, ત્યાં સુધી તેઓ સ્ત્રીઓને કદી સમાન દરજ્જો આપશે નહિ, એ માટે તો સ્ત્રીઓએ જ સશક્ત બનવું પડશે.
ભારતની આઠમી નેશનલ કૉન્ફરન્સ ઑફ વીમેન્સ સ્ટડીઝ, ડૉ. નિર્મલા બેનરજીના પ્રમુખપદે પૂનામાં મળી હતી. તેમાં જે આંકડાકીય માહિતી પ્રગટ કરવામાં આવી તે ભારતની સ્ત્રીઓની દુર્દશા વિશે ચોકાવી દે તેવી છે. તેમાં જણાવાયું હતું કે દર ૫૪ મિનિટે એક મહિલા પુરુષની વાસનાનો શિકાર બને છે. દરરોજ બે બાળકીઓ ઉપર જાતીય અત્યાચાર થાય છે. દર ૧૦૨ મિનિટે એક મહિલાને દહેજના મામલે મોતને ઘાટ ઉતારવામાં આવે છે. દર વરસે દસહજાર કન્યાભ્રૂણોને જીવન પામતાં પહેલાં જ ખતમ કરી નાખવામાં આવે છે. ભારતના ૮૦% ગામડાંમાં આજે પણ પુરુષોનું મહત્ત્વ સ્ત્રીઓ કરતાં ઘણું જ વધારે છે. આ બધી માહિતીને ધ્યાનમાં લઈને પ્રમુખશ્રીએ ભારતના સમાજને જંગલી અને અસંસ્કૃત કહ્યો હતો.
સ્વામી વિવેકાનંદે ભારતના પતનના બે મૂળભૂત મુખ્ય કારણોમાં દરિદ્રો અને દલિતોની ઉપેક્ષા અને સ્ત્રીઓની દુર્દશાને ગણાવ્યાં છે. તેમણે કહ્યું હતું, “વૈદ ઉપનિષદમાં, બ્રહ્મચર્ચામાં પોતાની વિદ્વત્તા દર્શાવીને સ્ત્રીઓએ ઋષિપદ પ્રાપ્ત કર્યું હતું. ઈતિહાસ પોતાનું પૂનરાવર્તન કરે જ છે. બધી પ્રજાઓએ સ્ત્રીઓ પ્રત્યે યોગ્ય સન્માનની ભાવના રાખીને જ મહત્તા મેળવી છે. જે દેશ અને જે પ્રજાએ સ્ત્રીઓનું સન્માન જાળવ્યું નથી તે કદી મહાન થઈ નથી કે થવાની નથી. હિંદુજાતિના અધઃપતનનું મુખ્ય કારણ મહાશક્તિની આ જીવંત પ્રતિમા પ્રત્યે માનની લાગણી નથી એ છે.” નારીની અવહેલના કરનાર કોઈ પણ રાષ્ટ્ર ઉન્નત બની શકતું નથી. સ્વતંત્રતા મેળવ્યાને અર્ધસદી વીતી ગઈ છતાં ભારત આજે પણ પછાત રહ્યું. છે, તેનું એક કારણ તેની સ્ત્રીઓની દુદર્શા ગણાવી શકાય. આ સંદર્ભમાં પણ સ્વામી વિવેકાનંદે એક સૈકા પહેલાં ઉચ્ચારેલાં વચનો આજે પણ એટલાં જ પ્રસ્તુત જણાય છે. તેઓ કહે છે: “જો તમે તમારા નારીવર્ગની સ્થિતિ સુધારી શકો તો કંઈકે ય કલ્યાણની આશા છે. નહિતર તમે જેવાં છો, તેવા જ પછાત રહેવાના.” પરંતુ પ્રશ્ન એ છે કે નારીવર્ગની સ્થિતિ સુધારવી કેવી રીતે? તેની આંતરશક્તિઓને જાગૃત કરવી કેવી રીતે?
શક્તિને જાગૃત કરનાર એક માત્ર ઉપાય, શિક્ષણ
જનક રાજાની ભરી સભામાં યાજ્ઞવલ્ક્યને પ્રશ્નો પૂછતી વિદુષી ગાર્ગી, આત્મજ્ઞાન માટે ભૌતિક સંપત્તિની આવશ્યકતા વિશે પતિ યાજ્ઞવલ્ક્યને પ્રશ્નો પૂછતી મૈત્રેયી કે વિદ્યાના બે મહારથીઓ એવા આદ્યશંકરાચાર્ય અને મંડનમિશ્રની જ્ઞાનચર્ચામાં મધ્યસ્થી બનતી ભારતીદેવીને પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા માટે કોઈ જ પ્રયત્ન કરવો પડ્યો ન હતો. એમના જ્ઞાન અને વિદ્વતાએ, તેમની આંતરશક્તિઓએ, તેમને પુરુષોની સમકક્ષ જ નહિ, પણ એથીય ઊંચું સ્થાન આપ્યું હતું. આથી એ સ્પષ્ટ થાય છે કે વિદ્વાન, સુશિક્ષિત, જ્ઞાનસંપન્ન નારી પોતાનું સ્થાન આપોઆપ મેળવી લે છે. એને માટે કાયદાઓ કરવાની કે અનામતો રાખવાની જરૂર જ પડતી નથી. આથી સર્વનારી સમસ્યાઓના ઉકેલની ચાવી શિક્ષણમાં જ રહેલી છે. એ સ્પષ્ટ થાય છે. સ્વામી વિવેકાનંદે ભારપૂર્વક જણાવ્યું હતું કે “પ્રથમ સ્ત્રીઓને શિક્ષણ આપો. પછી તેમને તેમના પર છોડી દો. એટલે તેમને ક્યા સુધારાઓ આવશ્યક છે, તે તેઓ જ તમને કહેશે. તેમને લગતી બાબતોમાં માથું મારનારા તમે કોણ?” સ્ત્રીઓને જો શિક્ષણ મળશે, તો તેઓ પોતે જ પોતાની પરિસ્થિતિ વિશે વિચારી શકશે. ખરું-ખોટું પારખી શકશે, અને પોતાની દુઃખદ સ્થિતિમાંથી મુક્ત થવા પ્રયત્ન કરશે. પણ જો તેઓ જ અજ્ઞાન હશે, અને અન્યના વિચારોથી દોરવાતી હશે, તો તેઓ ક્યારેય મુક્ત બની શકશે નહીં. આ સંદર્ભમાં પણ સ્વામી વિવેકાનંદ કહે છે : “સ્ત્રીઓના પ્રશ્નોમાં હસ્તક્ષેપ કરવનો આપણો અધિકાર કેવળ શિક્ષણ આપવા પૂરતો જ છે. સ્ત્રીઓને એવી સ્થિતિમાં મૂકવી જોઈએ કે તેઓ પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતાની જાતે જ લાવી શકે.
એમના માટે બીજું કોઈ તેમ કરી શકે નહીં. તેમ કરવું જોઈએ પણ નહીં. ભારતીય સ્ત્રીઓ દુનિયાની બીજી સ્ત્રીઓ જેટલી જ પોતાના પ્રશ્નોના ઉકેલ લાવવા સમર્થ છે.’’
સ્ત્રીઓની શક્તિના જાગરણ માટે શિક્ષણની તાતી જરૂરિયાત છે. સ્ત્રી સશક્તિકરણના આ વર્ષમાં ભારતની પ્રત્યેક બાલિકાને ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ મળી શકે, તેવી જોગવાઈ કરવામાં આવે તો આ દિશામાં એક નક્કર પગલું ભર્યું ગણાશે. પણ અહીં એ વાત યાદ રાખવી આવશ્યક છે કે નારીઓનું શિક્ષણ – સ્વામી વિવેકાનંદ કહેતા હતા તેમ ચારિત્ર્યઘડતરવાળું શિક્ષણ હોવું જોઈએ અન્યથા વધુ ભણેલ આજકાલની મોટાભાગની કૉલેજિયન યુવતીઓની જેમ ઉચ્ચ ડિગ્રીઓ ધરાવતી હોવા છતાં નાની સમસ્યાઓથી ગભરાઈ જઈ ઉતાવળિયા પગલા ભરશે અથવા પાશ્ચાત્ય નારીના આંધળા અનુકરણમાં વ્યસ્ત થઈ પોતાનું સર્વનાશ નોતરશે.
સશક્તિકરણના વિવિધ પાસાંઓ :
સશક્તિકરણ એકાંગી નહીં પણ સર્વાંગી હોવું જોઈએ. નારીના શરીર, મન, બુદ્ધિ, હૃદય અને આત્માના સશક્તિકરણની સાથે સાથે આર્થિક અને સામાજિક ક્ષેત્રે પણ તેની શક્તિઓ વિકસવી જોઈએ. તો જ પૂર્ણ સશક્તિકરણ બની શકે. એનાં મુખ્ય પાસાંઓ આ પ્રમાણે છે
(૧) શારીકિ સશક્તિકરણ –
ભારતમાં આજે પણ મોટાભાગના ઘરોમાં પુત્ર અને પુત્રીના ઉછેરમાં ભેદભાવ જોવા મળે છે. બાળપણથી જ અપૂરતું પોષણ અને કામના બોજાને લઈને તેનો શારીરિક વિકાસ સારી રીતે થતો નથી. શરીર દુર્બળ અને અશક્ત હોવાથી તે રોગનું ઘર બને છે અને પછી સાસરે તો જે અસહ્ય કામનો બોજો એ દુર્બળ શરીર પર પડે છે, તે સહન કરી શકતું નથી. આત્મહત્યા, રોગો, અપમૃત્યુ, અકાળ મૃત્યુ, અલ્પ આયુષ્ય સ્ત્રીઓમાં જ વિશેષ જોવા મળે છે. કારણ કે બાળપણથી જ તેને પૂરતું પોષણ મળતું નથી. શક્તિનો આવિર્ભાવ ભૌતિક શરીર દ્વારા થાય છે, એ શરીર પ્રથમ તો સુદૃઢ અને મજબુત હોવું જોઈએ. આ માટે કન્યાઓને નાનપણથી જ પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ. ઉપરાંત યોગાસનો, વ્યાયામ દ્વારા તેમનાં શરીર કસાયેલાં બને તે માટેની વ્યવસ્થા પ્રાથમિક અને માધ્યામિક શાળાકક્ષાએ કરવી જોઈએ. વળી આજની આ જડવાદી સભ્યતાના આક્રમણમાં કિશોરીઓ, યુવતીઓની સલામતી પણ રહી નથી. આથી શાળાઓમાં જુડો-કરાટે વગેરે પણ શીખવવાં જોઈએ જેથી સ્ત્રીઓ પોતાનું રક્ષણ કરી શકે.
(૨) શૈક્ષણિક અને બૌદ્ધિક સશક્તિકરણ :
શારીરિક શક્તિની સાથે સાથે બૌદ્ધિક શક્તિનો પણ વિકાસ થવો જોઈએ. બુદ્ધિકૌશલ્ય માટે જરૂર છે શિક્ષણની બુદ્ધિ દ્વારા જ સ્ત્રીઓ પોતાની અપમાનિત સ્થિતિને જાણી શકે, સમજી શકે અને તેનો સામનો કેવી રીતે કરવો તેનું બુદ્ધિપૂર્વકનું આયોજન પણ કરી શકે. પરંતુ જ્યાં સુધી સ્ત્રી જાગૃત નથી ત્યાં સુધી પોતે અપમાનિત છે, દુઃખી છે, શોષિત છે, એ પણ જાણી શકતી નથી અને ઘરેડનું યંત્રવત્ જીવન જીવ્યે જાય છે. પોતાની દુઃખદ સ્થિતિ અંગેની સભાનતા શિક્ષણ દ્વારા જ આવી શકે. સ્વામી વિવેકાનંદ કહે છે : “માત્ર સુશિક્ષિત અને ધાર્મિક માતાઓના ઘરમાં જ મહાન પુરુષો જન્મે છે, પરંતુ તમે તો નારીઓને સંતાનોત્પત્તિના યંત્રોની અવદશાએ પહોંચાડી દીધી છે. અફસોસ! શું તમારા શિક્ષણનું આ પરિણામ છે! નારીની ઉત્ક્રાંતિ પહેલી થવી જોઈએ અને ત્યારે જ ભારતનું, કોઈપણ સાચા અર્થમાં ભલું થઈ શકશે.” બીજા એક વ્યાખ્યાનમાં પણ તેમણે આ સંદર્ભમાં કહ્યું હતું, “જગન્માતાની પ્રતિમૂર્તિ જેવી સ્ત્રીઓની જો તમે ઉન્નતિ નહીં કરો તો તમે રખે એમ માનતા કે તમારા ઉદ્ધારનો બીજો કોઈ રસ્તો છે!” સર્વપ્રથમ સ્ત્રીઓની ઉન્નતિ કરવી જોઈએ તો જ રાષ્ટ્ર ઉન્નત બની શકશે.
(૩) માનસિક સશક્તિકરણ :
શક્તિને કાર્યમાં પરિણત કરવા માટે સુદૃઢ, સંકલ્પબદ્ધ, બળવાન મન ખૂબ જ જરૂરી છે. અજ્ઞાની, દુર્બળ, શિથિલ અને ભીરુ મન અંધ શ્રદ્ધા, વહેમ, રૂઢિ-રિવાજોની ચૂંગલમાં ફસાઈને ભયથી સતત ફફડતું જ રહે છે. તે કોઈપણ નક્કર કાર્ય પાર પાડી શકતું નથી. સ્વામી વિવેકાનંદ કહે છે કે, “અનિયંત્રિત અને શિથિલ મન તમને નીચે ને નીચે લઈ જશે, તમને ચીરી નાંખશે, વેરવિખેર કરી નાંખશે. જ્યારે નિયંત્રિત અને દૃઢ મન તમને ઊંચે ને ઊંચે લઈ જશે.” મનને આવું સુદૃઢ કરવા માટે, મનને સાત્વિક ખોરાક આપવો જોઈએ. આ ખોરાક છે પ્રાર્થનાનો, ધ્યાનનો, સદ્વાંચનનો, સત્ચિંતનનો, મનનનો. આ ખોરાક દરરોજ નિયમિતપણે આપવાથી મન સુદૃઢ બને છે. પુષ્ટ બને છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરી શકે તેવું મજબુત બને છે. મનની એકાગ્રતા વધે છે. મનની એકાગ્રતાથી મનની શક્તિઓ અનેકગણી વધે છે. આથી કન્યાઓને નાનપણથી જ શાળામાં ધ્યાન અને મનની એકાગ્રતાનો અભ્યાસ કરાવવો જરૂરી છે.
(૪) આર્થિક સશક્તિકરણ :
જ્યાં સુધી સ્ત્રી આર્થિક રીતે પરાધીન છે, ત્યાં સુધી, ભલે તેની શારીરિક, બૌદ્ધિક કે માનસિક શક્તિઓ ગમે તેટલી પ્રબળ હોય તો પણ તેની અભિવ્યક્તિ તે કરી શકતી નથી. આર્થિક પરાવલંબન સ્ત્રીને અસહાય અબળા બનાવી દે છે. આત્મનિર્ભરતા, આર્થિક સ્વતંત્રતા દ્વારા જ સ્ત્રી આધિપત્ય પ્રાપ્ત કરી શકે છે. આ માટે માત્ર શિક્ષણ જ પર્યાપ્ત નથી પણ સ્ત્રીઓને માટે રોજગારીની તકો પણ ઊભી થવી જોઈએ. ગૃહઉદ્યોગો અને સ્ત્રીઓ ચલાવી શકે તેવા નાના ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ. એ અંગેના તાલીમ કેન્દ્રો સ્થપાવાં જોઈએ. સ્ત્રીઓની સહકારી મંડળીઓ દ્વારા સ્ત્રીઓમાં આર્થિક જાગૃતિ આવવી જોઈએ. રાજસ્થાનના એક નાનકડા ગામ રાજોરીમાં સ્ત્રી સહકારી મંડળીના કાર્યો અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનને આકર્ષ્યા હતા! અમદાવાદની ‘સેવા’ સંસ્થા પણ સ્ત્રી સહકારી મંડળી જ છે, તેના દ્વારા અસંખ્ય શ્રમજીવી મહિલાઓ આર્થિક રીતે સદ્ધર બની છે અને સ્વતંત્ર વ્યવસાય કરતી થઈ છે. ગામે ગામ આવી સહકારી મંડળીઓ સ્થપાય તો સ્ત્રીઓનું આર્થિક રીતે થતું શોષણ અટકાવી શકાય. સ્ત્રીઓ સ્વનિર્ભર બની શકે અને તો જ તેમનો આત્મવિશ્વાસ વધે અને અન્યાયનો સામનો હિંમતભેર કરી શકે.
(૫) સામાજિક સશક્તિકરણ :
સમાજમાં સ્ત્રીઓનું સ્થાન હંમેશાં પુરુષ કરતાં ઊતરતી કક્ષાનું રહ્યું છે. પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીને ભોગ્ય વસ્તુ તરીકે માનવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે હિન્દુ સમાજમાં સ્ત્રીઓની આવી અપમાનિત દશા નજરે જોઈ હતી આથી તેમણે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું : “આ દેશમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે આટલો બધો ભેદ શા માટે પાડવામાં આવે છે, એ સમજવું ઘણું જ મુશ્કેલ છે. વેદાંત તો એમ જ કહે છે કે પ્રાણીમાત્રમાં એક જ આત્મા રહેલો છે. તમે હંમેશાં સ્ત્રીની ટીકા કરો છો, પણ તેની ઉન્નતિ માટે તમે શું કર્યું? સ્મૃતિઓ વગેરે લખીને, કડક નિયમોના બંધનોમાં બાંધીને પુરુષોએ સ્ત્રીઓને માત્ર પ્રજોત્પત્તિના યંત્ર જેવી બનાવી દીધી છે.” જ્યાં સ્ત્રીનું સ્થાન યંત્ર જેવું હોય, ગુલામ જેવું હોય, એ સમાજનું નિશ્ચિત પતન થાય છે. મનુસ્મૃતિમાં તો મનુ મહારાજે ભારપૂર્વક કહ્યું છે કે यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः। જ્યાં નારીઓનું પૂજન થાય છે, ત્યાં દેવતાઓ વસે છે. જ્યાં દેવતાઓ હોય ત્યાં સ્વર્ગના સુખ, શાંતિ અને આનંદ પ્રર્વતતાં હોય. એટલે જીવનમાં જો સ્વર્ગ ઊતારવું હોય તો નારીઓને ગૌરવવંતુ સ્થાન આપી તેમની પૂજા કરવી જોઈએ. એટલે કે નારીને ગુલામ તરીકે નહીં, ખરીદાયેલી વસ્તુ તરીકે નહીં, પણ માતા તરીકે, શક્તિ તરીકે, ગૃહદેવતા તરીકે પૂજિત ગણવી જોઈએ.
(૬) આધ્યાત્મિક સાક્તિકરણ :
સર્વાંગી સશક્તિકરણમાં સહુથી મહત્ત્વનું પાસું છે, આધ્યાત્મિક સશક્તિકરણનું. આધ્યાત્મિક જાગૃતિ એટલે સ્ત્રીની અંદર રહેલા આત્મતત્ત્વ પ્રત્યેની સભાનતા. પોતાની અંદર જ સમસ્ત શક્તિ રહેલી છે, બહારથી કોઇ શક્તિ આપી શકે તેમ નથી, એ જાગૃતિ તે આધ્યાત્મિક સશક્તિકરણનું પ્રથમ ચરણ છે. પોતાના ભીતરમાં રહેલી શક્તિના પ્રાગટ્યથી જ સાચું સશક્તિકરણ થશે, એ આત્મજાગૃતિ દ્વારા જ સ્ત્રી સમજી શકશે. એટલે સ્ત્રીએ પ્રથમ તો પોતાના આત્મતત્ત્વને પિછાણવાનું છે. અને પછી આત્મશક્તિ દ્વારા તેણે પોતાના જ જીવનને નહીં, પણ પોતાના સંપર્કમાં આવનાર દરેકનાં જીવનને પ્રકાશિત અને સમર્થ કરવાનું છે. આજ છે સાચું સશક્તિકરણ અને સશક્તિકરણનું સાચું કાર્ય. આત્મતત્ત્વની જાગૃતિ સ્ત્રીને નિર્ભયતા બક્ષે છે, કોઇપણ પરિસ્થિતિમાં સ્થિર રહી શકવાની સ્થિતિ અર્પે છે. વિકટ સ્થિતિ પર પ્રભુત્વ સ્થાપવાની, આત્મપ્રકાશથી અન્યને પરિવર્તિત કરવાની શક્તિ પણ અર્પે છે. શ્રીમા શારદાદેવીના જીવનમાં આ બન્યું હતું. ત્યારે તો તેમની ઉંમર માત્ર ત્રેવીસ જ વર્ષની હતી. તેઓ ગંગાસ્નાન કરવા જતી સ્ત્રીઓની સાથે જયરામવાટીથી શ્રીરામકૃષ્ણદેવને મળવા પગપાળા દક્ષિણેશ્વર જઈ રહ્યાં હતાં. ચાલતાં ચાલતાં થાકી ગયાં એટલે ઝડપથી ચાલી શકતો નહોતાં. તેમની સાથેની સ્ત્રીઓ આગળ નીકળી ગઈ. તેઓ તેલોભેલોના મેદાનમાં જ્યાં ચોરડાકુઓનો ભય હતો, ત્યાં સંધ્યા સમયે ધીમે ધીમે એકલાં જ ચાલી રહ્યાં હતાં. ત્યાં દૂરથી કોઈ આવતું જણાયું. એણે ત્રાડ પાડી કે “ત્યાં કોણ છે? ઊભા રહી જાઓ.” શારદામણિએ જોયું તો હાથમાં કડિયાળી ડાંગવાળો, કરડા ચહેરાવાળો માણસ આવી રહ્યો હતો. જોતજોતામાં તો તે સાવ નજીક આવી ગયો. ત્યારે શારદામણિએ કહ્યું; “બાપુ, એ તો હું છું, તમારી દીકરી શારદા.” સહેજ પણ થડકાટ વગર, આત્મામાંથી ઉચ્ચારાયેલા આ શબ્દોમાં એવું જાદુ હતું કે ભલભલાને ધ્રુજાવનાર અને લૂંટી લેનાર એ બાગદી લૂંટારાના હૃદયમાં પિતૃત્વ જાગી ઊઠ્યું. અને તે બોલી ઊઠ્યો, ‘દીકરી ચિંતા ન કરીશ, તારી મા પાછળ પાછળ આવી જ રહી છે.’’ અને ત્યાં તો તેની પત્ની આવી પહોંચી. ત્યારે તેનો હાથ પકડીને શારદામણિએ કહ્યું : “મા, તમે આવી ગયા. બહુ સારું થયું. જુઓને મારા સંગાથીઓ આગળ નીકળી ગયાં. મારાથી ચલાતું નહોતું, એટલે હું પાછળ રહી ગઈ. ગંગાસ્નાન કરવા જતી સ્ત્રીઓ સાથે હું તમારા જમાઈને મળવા દક્ષિણેશ્વર જઈ રહી છું. તમે મળી ગયાં, હવે મારે કોઈ ચિંતા નહીં.” આત્માના પ્રેમથી ભીંજાયેલા આ શબ્દોએ એ લુંટારું સ્ત્રીના હૃદયમાં પણ માતૃવાત્સલ્ય જગાડી દીધું અને બંને પુત્રી શારદાના માતાપિતા બની ગયાં. તે રાત્રે દુકાન ખોલાવી મમરા ખરીદીને બંનેએ શારદાને ખવડાવ્યા. તે સ્ત્રીએ બિછાનું કરી શારદાને સૂવડાવી ને તે લુંટારાએ પુત્રી શારદાની આખી રાત ચોકી કરી! બીજે દિવસે બંને તેને તેના સંગાથીઓ પાસે મૂકી આવ્યાં! પછી તો તેઓ ત્રણચાર વખત પોતાના જમાઈ શ્રીરામકૃષ્ણને મળવા દક્ષિણેશ્વર પણ ગયા હતા! આ છે આધ્યાત્મિક શક્તિનો પ્રભાવ.
આ શક્તિની જાગૃતિ માટે તીવ્રભાવે પ્રાર્થના, મનોમન જપ, નામ સ્મરણ, સદ્ગ્રંથોનું વાંચન, સત્સંગ જરૂરી છે. જેમ જેમ સ્ત્રી પોતાની આત્મિક શક્તિઓ વિશે જાગૃત બનતી જશે, તેમ તેમ તેનો આંતરિક પ્રભાવ વધતાં તે આપોઆપ સશક્ત બની જશે. ભલે પછી તેને વિકાસ માટે પ્રતિકૂળતાઓ હોય, તો પણ આંતરિક શક્તિઓના પ્રાગટ્યથી એ પ્રતિકૂળતાઓ અનુકૂળતામાં પલટાવા લાગશે. આ આધ્યાત્મિક શક્તિના જાગરણથી પછી નારીને દુનિયાની કોઈ શક્તિ પરાસ્ત નહીં કરી શકે.
(ક્રમશઃ)
Your Content Goes Here




