શ્રીરામકૃષ્ણદેવે એકવાર શ્રી શ્રીમા શારદાદેવી વિશે કહ્યું, ‘એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.’ આશ્ચર્ય! ગામડાની એક અભણ સ્ત્રી જેને પોતાના હસ્તાક્ષર કરતાં ન આવડે, જેને માટે ફાનસ પેટાવવું એ પણ એક મોટી સમસ્યા, જે કોઈ પરિવારની કુળવધૂની બુદ્ધિની એટલા માટે પ્રસંશા કરે છે કે તેને ઘડીયાળની ચાવી દેતા આવડે, જે નળમાંથી પાણી ભરતી વખતે પાઈપમાં ગયેલી હવાનો સિસોટો સાંભળીને ‘ઓય મા, સાપ!’ કહીને ચિત્કાર કરે, એવી સ્ત્રીને સરસ્વતી કહેવી એ કેવું આશ્ચર્યજનક લાગે! પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે જ્ઞાનનો અર્થ ફક્ત અક્ષર જ્ઞાન જ નથી થતો, અક્ષર બ્રહ્મનું જ્ઞાન પણ થાય છે. મુંડકોપનિષદમાં બે વિદ્યાની વાત આવે છે – પરા અને અપરા. પરાવિદ્યા એટલે પરમાત્મા વિશેની વિદ્યા અધ્યાત્મવિદ્યા અને અપરાવિદ્યા એટલે લૌકિકજ્ઞાન જેમાં વેદોનું જ્ઞાન, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ વગેરે બધું આવી જાય છે.
વિશ્વના ઇતિહાસમાં આપણને કોઈ પણ એવું સ્ત્રીપાત્ર જોવા નથી મળતું જેમાં શ્રી શ્રીમા શારદાદેવીના જેવું ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાન પ્રગટ થતું હોય. ફલહારિણી કાલીપૂજાની રાત્રે શ્રીરામકૃષ્ણદેવે શ્રી શ્રીમા શારદાદેવીની જગદંબાભાવે ષોડશી પૂજા કરી અને પોતાની સાધનાનું સર્વફળ તેમના ચરણોમાં સમર્પી દીધું હતું. શ્રી શ્રીમા શારદાદેવીને તેમણે વિભિન્ન સાધનાઓની સમજ આપી હતી, વિભિન્ન મંત્રોની સમજ આપી હતી. મંત્રદીક્ષા કેવી રીતે આપવી તે બધું સમજાવ્યું હતું. અને તેમને ગુરુ તરીકેની ભૂમિકા માટે તૈયાર કર્યાં હતાં. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી શ્રી શ્રીમા શારદામાં અપૂર્વ ગુરુભાવ પ્રકટ થયો હતો. રખે ને આપણે એમ માની લઈએ કે આ બધું શ્રીરામકૃષ્ણદેવને લીધે થયું. નહીં, નહીં, નહીં, તેઓ તો દેવીના મહિમાનાં સ્વપ્રતિષ્ઠિત છે. જાણે સાક્ષાત્ સરસ્વતી! જે કંઈ તેમણે પોતાના જીવનમાં કર્યું તે તે સાધારણ માનવી માટે અશક્ય છે. અને કોને તેમણે મંત્રદીક્ષા આપી, અધ્યાત્મજ્ઞાન આપ્યું, શિષ્યોનાં પાપતાપ સહન કર્યાં, તેઓની ગૂઢ આધ્યાત્મિક સમસ્યાઓનું સમાધાન કર્યું. તેઓનો ઇહલોક અને પરલોકનો ભાર પોતાના પર લીધો અને આમ અપૂર્વ જ્ઞાનદાયિની – મોક્ષદાયિની બન્યાં.
તેમની અદ્ભુત આધ્યાત્મિક સમજણનો એક જ દાખલો જોઈએ. એકવાર તેમના મંત્રશિષ્ય સ્વામી વિરજાનંદજી (જેમણે સ્વામી વિવેકાનંદ પાસેથી સંન્યાસ દીક્ષા મેળવી હતી અને પાછળથી જેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા અધ્યક્ષ બન્યા હતા.) શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયેલા, કેટલાય ઈલાજ કર્યા પણ કોઈ ઇલાજ કારગર ન નીવડ્યો. છેવટે જ્યારે શ્રી શ્રીમા શારદાદેવી પાસે આ વાત આવી ત્યારે તેમણે સ્વામી વિરજાનંદજી મહારાજને પૂછ્યું, ‘દીકરા! શું તું સહસ્રારમાં ધ્યાન કરે છે? સ્વામી વિરજાનંદજી મહારાજે હા પાડી ત્યારે શ્રી શ્રીમાએ કહ્યું, ‘દીકરા, લાંબો વખત સુધી સહસ્રારમાં ધ્યાન કરવાથી આવું થયું છે.’ સ્વામી વિરજાનંદજીએ આ પછી પોતાની સાધનાપ્રણાલી બદલી. તેઓ કલાકો સુધી ધ્યાન કરતા. સાધનામાં લીન રહેતા. હવે તેમણે સહસ્રારમાં ધ્યાન કરવાનું ઓછું કર્યું અને આશ્ચર્યજનક રીતે થોડા જ દિવસોમાં તેઓ સ્વસ્થ થઈ ગયા.
આ તો થઈ તેમના અધ્યાત્મજ્ઞાનની વાત. તેમનું લૌકિક જ્ઞાન પણ ઓછું ન હતું. અભણ હોવા છતાં તેમનામાં અદ્ભુત વ્યાવહારિક બુદ્ધિ, વ્યવહારકુશળતા અને સમજણ શક્તિ હતાં. પોતાની અસાધારણ વહીવટી કુશળતાને લીધે જ શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી દીર્ઘકાળ-૩૪ વર્ષો (૧૮૮૬ થી ૧૯૨૦) સુધી તેમણે શ્રીરામકૃષ્ણ સંઘનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું અને અનેકવિધ સમસ્યાઓનું સમાધાન કર્યું હતું.
મે ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદજી આરોગ્ય પ્રાપ્તિ માટે દાર્જીલિંગમાં હતા, ત્યારે તેમને સમાચાર મળ્યા કે કલકત્તામાં પ્લેગનો ઉપદ્રવ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વામીજી ચૂપ બેસી શક્યા નહીં. તેઓ તુરત જ કલકત્તા પાછા ફર્યા અને સેવાકાર્યમાં લાગી ગયા. પણ નાણાના અભાવમાં કાર્ય બંધ પડી જાય એવી પરિસ્થિતિ ઊભી થવાથી સ્વામીજીએ સંકલ્પ કર્યો કે અત્યંત મુશ્કેલીથી બેલુર મઠની નવી ખરીદેલી જમીનને પણ જરૂર પડ્યે તેઓ વેંચી નાખશે. સ્વામીજીના ગુરુભાઈઓ ચિંતામાં પડી ગયા કે જો મુખ્ય મઠની જમીન જ વેચાઈ જાય તો રામકૃષ્ણ સંઘનું ભવિષ્ય શું? શ્રી શ્રીમાએ ત્યારે મધ્યસ્થી બની સ્વામીજીને પોતાની પાસે બોલાવીને કહ્યું, ‘દીકરા નરેન! હું દેશવાસીઓનાં દુઃખ પ્રત્યેની તારી લાગણી સમજી શકું છું. હું એ પણ જાણું છું કે તમે લોકો શ્રીરામકૃષ્ણના ત્યાગી શિષ્યો છો – તમે લોકો તપસ્યા કરી શકો છો, ઝાડતળે નિવાસ કરી જીવન વિતાવી શકશો. પણ દીકરા, મઠ તો ફક્ત તમારા લોકો માટે નથી. ભવિષ્યમાં કેટલાય યુવાનો આ સંઘમાં જોડાશે, તેઓ તો તમારી જેમ કઠોર જીવન વિતાવી નહી શકે. અને બીજી વાત, આ મઠની જમીન તો ફક્ત તારી એકલાની નથી. એ તો ટ્રસ્ટની છે. અન્ય ટ્રસ્ટીઓની પરવાનગી વગર તું આ જમીન કેવી રીતે વેચી શકે?’ સ્વામીજી પાસે શ્રી શ્રીમાએ ઉઠાવેલ ટ્રસ્ટીઓની કાનુની પ્રશ્નોનો કોઈ ઉત્તર નહોતો. આમ પણ તેઓ માના કહ્યાગરા પુત્ર હતા. તેમણે બેલુર મઠની જમીન વેચવાનો વિચાર માંડી વાળ્યો. શ્રી શ્રીમાની અપૂર્વ દૂરદૃષ્ટિ અને તાર્કિક બુદ્ધિએ રામકૃષ્ણ સંધને વિપત્તિમાંથી ઉગાર્યો.
અન્ય એકવાર, રામકૃષ્ણ મિશન સમક્ષ એક વિકટ સમસ્યા આવી ત્યારે પણ શ્રી શ્રીમાએ પોતાની આગવી બુદ્ધિમત્તા દ્વારા સંઘને વિપત્તિમાંથી ઉગાર્યો હતો. બંગાળ સરકારના રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું કે બંગાળના ક્રાંતિકારીઓ સ્વામી વિવેકાનંદના અગ્નિશિખા જેવા સંદેશ અને લખાણોથી અખૂટ ઉત્સાહ મેળવે છે અને તેને આદર્શ તરીકે અપનાવે છે. એ સિવાય બંગાળના ગવર્નર લોર્ડ કાર્માઇકેલે ઇ.સ. ૧૯૧૬માં ઢાકા દરબારમાં ભાષણ આપતી વખતે રામકૃષ્ણ મિશન વિશે એવાં કેટલાંય ભયાનક વિધાનો કર્યાં કે, જેથી જનતાના મનમાં ભય વ્યાપી ગયો કે મિશન સાથે સંપર્ક રાખવાથી રાજ્યના કોપનો ભોગ બનવું પડશે. ત્યારે કેટલાક ક્રાંતિકારીઓ પોતાનું જીવન પરિવર્તન કરી મિશનમાં જોડાયા હતા. તેઓને રાખવા કે સંઘમાંથી કાઢી મૂકવા એવી પણ એક વિમાસણ ઉત્પન્ન થઈ હતી. આવી કટોકટીની પરિસ્થિતિમાં નિર્ભય રહી શ્રી શ્રીમા શારદાદેવીએ મિશનના જનરલ સેક્રેટરી સ્વામી શારદાનંદજીને સૂચન કર્યું કે બ્રિટિશ સરકારને સાચી હકીકતનો ખ્યાલ આપવો જોઈએ જેથી મિશનના સંન્યાસીઓને કે મિશનની કીર્તિને આંચ ન આવે. શ્રી શ્રીમાના આ સૂચનથી સ્વામી શારદાનંદજીએ એક જાહેરાત કરી, મિસ મેક્લાઉડ વગેરે મિત્રોની મદદથી સરકારને મિશનના વાસ્તવિક સ્વરૂપનો પરિચય કરાવ્યો અને તેઓ પોતે જ ઉચ્ચકક્ષાના ઑફિસરને મળ્યા અને એમનો એવો ભય દૂર કર્યો કે રામકૃષ્ણ મિશન એક રાજનૈતિક સંસ્થા છે. આ બધાને પરિણામે લોર્ડ કાર્માઇકલે ૨૬મી માર્ચ ૧૯૧૭ના રોજ સ્વામી શારદાનંદજી પર એક પત્ર લખી જણાવ્યું: ‘રામકૃષ્ણ મિશન અને તેના સભ્યોની કોઈ પણ પ્રકારની આલોચના કરવાનો મારો હેતુ ન હતો. હું જાણું છું કે મિશનનું તમામ કાર્ય રાજનીતિથી સંપૂર્ણરીતે મુક્ત છે. તેઓ સામાન્ય જનતાની જે સેવા આજ સુધી કરતા આવ્યા છે તેથી બધા પાસેથી પ્રશંસા સિવાય બીજું કંઈ મેં સાંભળ્યું નથી.’ આમ, શ્રી શ્રીમાની સાધારણ બુદ્ધિમત્તાથી રામકૃષ્ણ સંઘ પર આવી પડેલી એક મોટી આફત ટળી ગઈ.
એકવાર શ્રીરામકૃષ્ણદેવ ભક્તો સાથે નાવમાં બેસી પાણીહાટીના ઉત્સવમાં ગયા હતા. શ્રીમા શારદાદેવીએ પુછાવ્યું કે તેઓ પણ સાથે જાય કે નહીં. શ્રીરામકૃષ્ણદેવે કહેવડાવ્યું કે, જો તેમની ઇચ્છા હોય તો તેઓ સાથે જઈ શકે છે. શ્રી શ્રીમા ગયા નહીં. આથી શ્રીરામકૃષ્ણદેવે શ્રી શ્રીમાની બુદ્ધિમત્તાની પ્રશંસા કરતાં કહ્યું: ‘ઠીક થયું, તેઓ ન આવ્યાં. નહીં તો લોકો ટીકા કરત અને કહેત, જુઓ હંસહંસીનું જોડકું આવ્યું છે.’ પાછળથી શ્રી શ્રીમાએ આ ઘટના વિશે વાત કરતાં કહ્યું હતું કે, ‘તેઓએ પાણીહાટી જવાનો વિચાર માંડી વાળ્યો, કારણ કે શ્રીરામકૃષ્ણદેવે કહેવડાવ્યું હતું કે જો તેની ઇચ્છા હોય તો જાય. આથી તેઓ સમજી ગયા કે શ્રીરામકૃષ્ણની પોતાની ઇચ્છા નથી કે તેઓ જાય. નહીં તો તેમણે ચોક્કસ શબ્દોમાં જવા માટે કહેવડાવ્યું હોત.’
પોતે અભણ હોવા છતાં શ્રી શ્રીમાની બુદ્ધિની વિશાળતા અને શિક્ષણ પ્રત્યેનો તેમનો ઉદાર, પ્રગતિશીલ અભિગમ આશ્ચર્ય પમાડે તેવો છે. તેઓ પોતે લખી ન શક્યાં પણ વાંચી શકતાં. રામાયણ, મહાભારત વગેરે ગ્રંથો તેઓ વાંચતાં. તે જમાનામાં બંગાળનાં ગામડાંમાં પરિસ્થિતિ એવી હતી કે છોકરીઓના વિવાહ નાની વયે કરી દેવામાં આવતાં અને શાળામાં છોકરીઓનું જવું સમાજમાં સારું ન ગણાતું. શ્રી શ્રીમાને બાળપણમાં જયરામવાટીમાં પાઠશાળામાં ભણવા ન મળ્યું. પણ તેમની જ્ઞાનની ભૂખ એટલી હતી કે દક્ષિણેશ્વરમાં મોટી વયે પણ તેમણે ચોરીછૂપીથી ભણવાનું શરૂ કર્યું. પણ શ્રીરામકૃષ્ણના ભાણેજ હૃદયરામે તેમના હાથમાંથી ચોપડીઓ ઝૂંટવી લીધી. રામકૃષ્ણ સંઘના બ્રહ્મચારીઓને તેઓ અંગ્રેજી શિખવા માટે પ્રોત્સાહિત કરતા. પોતાની સેવિકા સરલાબાલ! (પછીથી પ્રવ્રાજિકા ભારતીપ્રાણા) ને તેમણે નર્સિંગની ટ્રેનિંગ લેવા પ્રોત્સાહિત કર્યાં હતાં.
એક વાર એક માતા પોતાની નવ વર્ષની બાળકીને લઈને શ્રી શ્રીમા પાસે આવ્યાં અને કહેવા લાગ્યાં, ‘જુઓ તો મા, આ છોકરી આવડી મોટી થઈ ગઈ છે અને કહે છે કે વિવાહ નથી કરવા, એને વિવાહ કરવા માટે સમજાવો તો.’ શ્રી શ્રીમાએ તે માતાને જ ઠપકો આપતાં કહ્યું, ‘તે તો સારી જ વાત કરે છે. અત્યારથી વિવાહ શા માટે? તેને નિવેદિતા શાળામાં મોકલી આપો. ભણીગણીને મોટી થાય પછી વિવાહ કરવા હોય તો કરે અથવા અપરિણિત રહેવું હોય તો ભલે તેમ કરે.’
એક વાર બેલુર મઠમાં સરસ્વતીપૂજાને દિવસે એક બ્રહ્મચારી પૂજા પ્રારંભ કર્યા પહેલાં શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (મહાપુરુષ મહારાજ) પાસે આશીર્વાદ લેવા ગયા ત્યારે તેમણે કહ્યું, ‘શ્રી શ્રીમા (શારદાદેવી) પોતે જ સરસ્વતી છે. તેમની કૃપા વડે તેઓ આપણું અજ્ઞાન દૂર કરે છે. અને જ્ઞાન અને ભક્તિ પ્રદાન કરે છે.’
સ્વામી વિવેકાનંદજીએ શ્રી શ્રીમા શારદાદેવી વિશે કહ્યું હતું, ‘સરસ્વતી પ્રતિમામાં વર્તમાન સમયે આર્વિભૂત!’ દેશમાં નારી જાગરણ અને નારી શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે ભગિની નિવેદિતા દ્વારા જે પ્રથમ બાલિકા વિદ્યાલયનો સ્વામી વિવેકાનંદજીએ પ્રારંભ કરાવ્યો તેની પ્રતિષ્ઠા તેમણે શ્રી શ્રીમા શારદાદેવીના વરદ્હસ્તે કરાવી કારણ કે તેઓ જાણતા હતા કે શ્રી શ્રીમા શારદાદેવીનો આશીર્વાદ મેળવ્યા પછી આ સંસ્થાના વિકાસને કોઈ પણ શક્તિ રુંધી શકશે નહીં. આજથી ૧૦૦ વર્ષ પહેલાં ૧૩મી નવેમ્બર ૧૮૯૮ના કાલીપૂજાના શુભદિને કલકત્તાના બાગબજાર વિસ્તારમાં એક નાનકડા ભાડાના મકાનમાં આ વિદ્યાલયનો પ્રારંભ થયો ત્યારે જ્ઞાનદાયિની શ્રી શ્રીમા શારદાદેવીએ પૂજા વગેરે સંપન્ન કરી આશીર્વાદની અમોઘ વાણી ઉચ્ચારતાં કહ્યું હતું, પ્રાર્થના કરું છું કે આ વિદ્યાલય ઉપર જગન્નમાતાના આશીર્વાદ વરસે. અને અહીં શિક્ષિત કન્યાઓ આદર્શ બાલિકાઓ બની જાય.’ ભગિની નિવેદિતાએ આનંદ વિભોર થઈ પછીથી લખ્યું હતું, ‘ભવિષ્યમાં શિક્ષિત હિંદુનારી જાતિ માટે શ્રી શ્રીમા શારદાદેવીના આશીર્વાદ કરતાં વધુ શુભ લક્ષણની હું કલ્પના કરી શકતી નથી.’ આમ લખવા પાછળનું કારણ હતું – ભગિની નિવેદિતા પણ શ્રી શ્રીમા શારદાદેવીને સાક્ષાત્ સરસ્વતી માનતાં.
શારદા, સરસ્વતીના આશીર્વાદથી આ બાલિકા વિદ્યાલય આજે દેશના શ્રેષ્ઠ વિદ્યાલયોમાંનું એક બની ગયું છે. જે વિદ્યાલયનો પ્રારંભ એક નાના સામાન્ય ભાડાના મકાનમાં ૫૦ બાલિકાઓથી થયો તે હવે પોતાનું વિશાળ ભવન ધરાવે છે, જેમાં ૧૦૦૦ બાલિકાઓ અભ્યાસ કરે છે. પ્રારંભમાં ‘રામકૃષ્ણ સ્કૂલ ઓફ ગર્લ્સ’નું નામ ધરાવતા આ વિદ્યાલયનું નામ હવે થઈ ગયું છે – ‘રામકૃષ્ણ શારદા મિશન સિસ્ટર નિવેદિતા સ્કૂલ’. ૧૯૨૯થી આ વિદ્યાલયનું સંપૂર્ણ સંચાલન રામકૃષ્ણ મિશન દ્વારા થવા લાગ્યું અને ૧૯૬૩થી તેનું સંચાલન રામકૃષ્ણ શારદા મિશનની સંન્યાસિનીઓ દ્વારા થાય છે. આ વર્ષે આ સુપ્રસિદ્ધ વિદ્યાલયની શતાબ્દી ધામધૂમથી ઉજવાઈ રહી છે, તેની પાછળ સરસ્વતી રૂપિણી શ્રી શ્રીમા શારદાદેવીના આશીર્વાદ રહેલા છે.
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અભેદાનંદજી મહારાજે શ્રી શ્રીમા શારદાદેવી પર સંસ્કૃતમાં એક સુંદર સ્તોત્રની રચના કરી છે, જેમાં તેઓ શ્રી શ્રીમા શારદાદેવી વિશે કહે છે, ‘शारदे ज्ञानदायिके’ ખરેખર! શ્રી શ્રીમા શારદાદેવી જ્ઞાનદાયિની છે. શ્રી શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે તેમના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ, ‘હે જ્ઞાનદાયિની મા શારદે, અમને સાચું જ્ઞાન પ્રદાન કરી અમારું અજ્ઞાન દૂર કર જેથી અમારો માનવ જન્મ સફળ થાય.’
Your Content Goes Here




