યુગાવતાર અને ત્યાગમૂર્તિ શ્રીરામકૃષ્ણદેવે જગદંબાના દિવ્ય આદેશથી એક માનસપુત્ર અર્થાત્ આધ્યાત્મિક સંતાનનો સ્વીકાર કર્યો હતો. તે હતા સ્વામી બ્રહ્માનંદ. તેમનો જન્મ ૨૧ જાન્યુઆરી, ૧૮૬૩ના શુભ દિને થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ હતું રાખાલ.
તેઓ નિત્યસિદ્ધ તથા ઈશ્વરકોટિ હતા. તેઓ વર્તમાન યુગાવતાર શ્રીરામકૃષ્ણદેવના લીલાસહચરરૂપે અવતર્યા હતા. ઠાકુર કહેતા, ‘રાખલ યુગે યુગે પ્રત્યેક અવતારના લીલાસહચર બનીને આવ્યા છે.’ જન્મથી જ સિદ્ધ રાખાલ અલૌકિક તથા અસીમ ભાવરાજ્યના દિવ્યાત્મા હતા, જે શ્રીરામકૃષ્ણના મતાનુસાર જગદંબાની શક્તિની એક કલા સહિત લોકશિક્ષણ અર્થે આ ધરાધામ પર આવિર્ભૂત થયા હતા. તેમના દિવ્ય વ્યક્તિત્વ અંગે સ્વામી વિવેકાનંદે પણ એક વાર કહ્યું હતું, ‘રાખાલ જેવો અધ્યાત્મભાવ મારો પણ નથી.’
આવા મહાસમર્થ રાખાલ મહારાજ રામકૃષ્ણ સંઘમાં પ્રારંભથી જ ‘રાજા મહારાજ’ કે ‘મહારાજ’ના નામે ઓળખાતા હતા. તેમનામાં વિરલ ગુરુશક્તિ હતી. આવી પ્રબળ ગુરુશક્તિથી તેઓ ઇચ્છામાત્રથી સ્પર્શ દ્વારા, ક્યારેક ઉપદેશ દ્વારા વ્યક્તિના શુભ સંસ્કારો જાગ્રત કરીને કલ્યાણપથ પર તૈયાર કરી દેતા. આ અંગેના કેટલાક પ્રસંગ જોઈએ.
ઠાકુરના કૃપાપાત્ર પ્રસિદ્ધ સાહિત્યકાર દેવેન્દ્રનાથ બસુ એક વાર મહારાજનાં દર્શનાર્થે આવ્યા. અંતર્દ્રષ્ટા મહારાજે દેવેન્દ્રનાથમાં મહાન પરિવર્તન જોયું, એમના મુખ પરની કાલિમા મહારાજની દૃષ્ટિથી છાની ન રહી. પરંતુ દેવેન્દ્રનાથ તો ચાલ્યા ગયા પણ બીજી વખત આવીને વગર રજાએ મહારાજના ઓરડામાં પ્રવેશ્યા. મહારાજે દેવેન્દ્રબાબુના વક્ષ:સ્થળ પર પોતાની હથેળી થપથપાવતાં શાંત મધુર કંઠે કહ્યું, ‘શું થયું દેવેન્દ્રબાબુ! બધું ઠીક થઈ જશે. ઠાકુરનું ચિંતન કરો.’ બસ, મહારાજના હસ્તસ્પર્શે દેવેન્દ્રબાબુને પૂર્ણપણે હચમચાવી મૂક્યા, ક્ષણભરમાં તેમના મનમાંથી વિષય-અંધકાર દૂર થયો અને નિ:સ્પંદ શાંતિ છવાઈ ગઈ. દેવેન્દ્રબાબુએ કહ્યું, ‘મહારાજ, મારા મનમાંથી સાંસારિક ભાવ સમૂળગો નાશ પામી ગયો છે.’
સ્વામી બ્રહ્માનંદ સ્પર્શ કર્યા વિના માત્ર ઇચ્છાશક્તિથી કેવી રીતે અન્યમાં ધર્મભાવ જાગ્રત કરી દેતા તે પ્રસંગ જોઈએ. ભૈરવભક્ત ગિરીશચંદ્રને પહેલી વાર દમનો રોગ થયો એટલે અત્યંત દુર્બળ થઈ ગયા. એક બાજુ શાંતિ સ્વસ્ત્યન, ચંડીપાઠ, ગીતાપાઠ થઈ રહ્યાં હતાં અને ગિરીશચંદ્રના મનમાં સર્વનાશી ભાવ જાગ્યો— ‘ઠાકુર એક મનુષ્ય, એક સાધુપુરુષ માત્ર હતા.’ તેઓ ગમે તેમ કરે, દિવસે દિવસે આ ભાવ પ્રબળ થતો જતો હતો અને ઠાકુર પ્રત્યે ભગવદ્બુદ્ધિ જાગતી જ ન હતી. તેઓ વિચારવા લાગ્યા, ‘હવે તો સર્વનાશ! દિવસરાત ભગવાનને પોકારી રહ્યો છું, પરંતુ ઠાકુર પ્રત્યે મારી માનવબુદ્ધિ થઈ ગઈ છે. હવે શું થાય? કોઈ ઉપાય ખરો?’
આમ વિચારીને પોતાની મનોવ્યથા સ્વામી બ્રહ્માનંદ સમક્ષ પ્રગટ કરી. મહારાજે જવાબ આપ્યો, ‘આ તો કંઈ જ નથી, જેમ તરંગ ઊઠે અને પડે છે, તેમ મનની પણ એવી સ્થિતિ છે. એમાં ચિંતા કરવાની જરૂર નથી. કંઈ ચિંતા ન કરો.’ આમ કહીને મહારાજ ત્યાંથી નીકળીને ભવનની સામેની ગલી પાર કરીને બીજી ગલી તરફ વળ્યા, એટલામાં જ ગિરીશના મનમાં ઠાકુર પ્રત્યે પુન: ભગવદ્બુદ્ધિ જાગ્રત થઈ.
આ છે સદ્ગુરુનો પ્રભાવ! રામકૃષ્ણ સંઘમાં ગુરુપરંપરાથી આવી આધ્યાત્મિક શક્તિના સંચરણ અને સંક્રમણનો પ્રભાવ અવિરત વહેતો આવી રહ્યો છે. ચાલો, આપણે સૌ આવી ગુરુપરંપરાના આશ્રયમાં આવીને માનવજન્મને કૃતાર્થ કરીએ.
Your Content Goes Here




