(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)
ભક્તિ-ગ્રંથોમાં સમર્પિત જીવન, આત્મ-સમર્પણ અર્થાત્ શરણાગતિનાં અનેક દૃષ્ટાંતો જોવા મળે છે. અને ભક્તના જીવનમાં મહત્ત્વની વાત પણ એ જ છે. સાધનાની ચરમ સિદ્ધિ એમાં જ નિહિત છે. ભારત સિવાયના અન્ય દેશોમાં પણ આદર્શ ભક્તોના જીવનમાં જ પૂર્ણ આત્મ-સમર્પણ કે ભગવત્કૃપા પર અટલ શ્રદ્ધા અથવા શરણાગતિની ભાવના પરિપુષ્ટ થયેલી જોવા મળે છે. ઈસુનું જીવન પણ આનું એક જ્વલંત ઉદાહરણ છે. જ્યારે તેમને શૂળી કે વધ-સ્તંભ પર ખીલા ઠોકીને મારવામાં આવી રહ્યા હતા, ત્યારે પણ — Thy will be done — ‘તારી ઇચ્છા પૂર્ણ થાય’ આવા જ શ્રદ્ધામય બોલ એમના મુખમાંથી નીકળી રહ્યા હતા. આ એમના અંતર્હૃદયમાંથી નીકળેલી વાણી હતી, એટલે તેઓ મહાન છે.
ભારતના તો ગામે ગામે આવા ભક્તો મળી આવે છે, જેમનું સંપૂર્ણ જીવન એક અર્ઘ્ય-રૂપ સમર્પિત જીવન છે. ભગવત્કૃપા પર પૂર્ણ શ્રદ્ધાયુક્ત, અતિ પવિત્ર કમળ-પુષ્પ સમાન એમનું જીવન આદરણીય તથા ભક્તિમાર્ગના સાધકો માટે અનુકરણીય છે.
પરિવ્રાજક સંન્યાસી જ્યારે (ઈ.સ. ૧૯૨૯) કાઠિયાવાડ (વર્તમાન સૌરાષ્ટ્ર)માં ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે એક ભક્ત-સેવક બ્રાહ્મણે સંન્યાસીને કહ્યું કે, ‘કાઠિયાવાડમાં તમને બહુ ઉચ્ચ કોટિના ભક્તો મળશે. આ બાજુ સંન્યાસી ઓછા હોય છે, પણ ભક્તો ઘણા છે. પહેલાંના સમયમાં પણ આ ભૂમિમાં અનેક ભક્ત-શિરોમણિ થયા છે, જેવા કે—નરસિંહ મહેતા, નરસિંહના ભાઈ પર્વત મહેતા, ભોજા ભગત, લાલા ભગત વગેરે. તમે ભ્રમણ કરી રહ્યા છો, તો ભક્ત-સમાગમ કરો.’ સંન્યાસીએ કહ્યું, ‘ધન્યવાદ! તમારી એ વાત તો સાચી. હવે કહો કે વર્તમાનમાં એવા દર્શનીય ભક્ત કઈ કઈ જગ્યાએ છે, ભ્રમણ કરતાં કરતાં ચાલ્યો જઈશ, મળી લઈશ.’
બ્રાહ્મણ-ભક્તે બે-ચાર નામ તથા સ્થાન બતાવ્યાં, એમાંથી એક સ્થાન તો ખાસ દૂર ન હતું. (એ બ્રાહ્મણ જેતપુર ગામમાં મળ્યા હતા) જેતપુરની નજીક વડિયા (એક નાનકડું કાઠી રાજ્ય) છે. વડિયાથી પૂર્વ તરફ આશરે એક માઇલ દૂર એક ગામ છે, જેમાં એ ભક્તરાજ રહેતા હતા.
શિયાળાની ઋતુ, ખૂબ ઠંડી પડી રહી હતી, શીત-લહેર ચાલી રહી હતી, પરંતુ રસ્તા પર ચાલવામાં કોઈ તકલીફ ન પડી. જ્યારે એ ગામમાં પહોંચ્યો, ત્યારે સવા કે દોઢ વાગ્યો હશે. ભિક્ષાનો સમય થઈ ચૂક્યો હતો. ગામમાં કોઈને પૂછતાં જ ભક્તનું ઘર બતાવી દીધું. ઘર ઠીક ઠીક મોટું હતું. ઘર સાધારણ ગામઠી ઢબનું હોવા છતાં સમૃદ્ધ જણાતું હતું. દરવાજા પાસે પહોંચીને સંન્યાસીએ જોયું તો એક સદ્પુરુષ ગૃહદેવતાની વેદી સામે બેસીને કોઈ બૃહત્ ગ્રંથ વાંચી રહ્યા હતા. ‘નારાયણ હરિ’ — શબ્દનું ઉચ્ચારણ કરતાં જ એ વ્યક્તિએ જોયું અને એકદમ દોડતાં દોડતાં આવીને ભેટી પડ્યા ને કહ્યું, ‘અરે ભગવાન, પધારો, પધારો, અહોભાગ્ય મારું.’ કહેતાં કહેતાં હાથ પકડીને અંદર લઈ ગયા, પોતાના આસન પાસે જ બેસવા માટે ચટાઈ પાથરી દીધી. એવો વ્યવહાર કર્યો કે જાણે પહેલેથી જ ગાઢ પરિચય હોય. ભિક્ષાનો સમય વીતી રહ્યો હતો, કકડીને ભૂખ પણ લાગી હતી, પરંતુ ભગતજીએ ન ભોજનનું પૂછ્યું કે ન પાણીનું. એમણે તો કંઈક બીજી જ વાત ઉખેડતાં કહ્યું કે, ‘શું તમે હિંદી જાણો છો? આ તુલસી રામાયણ વાંચી રહ્યો હતો, પણ ઘણી ખરી વાતો મને સમજાતી નથી, આજે સવારથી આ અંશ સમજવાનો પ્રયત્ન કરું છું, પણ સમજાતું જ નથી. આ બાજુ હિંદી જાણવાવાળા બહુ ઓછા છે અને સમજાવી શકે, એવા તો કોઈ છે જ નહીં, વગેરે વગેરે.’
સંન્યાસી રામાયણ લઈને બતાવેલ અંશ સમજાવવા લાગ્યા, એટલે ભક્તજીને ગમ્યું અને એમણે એક બીજી વાત ઉખેડી, ત્યાર બાદ બીજી એક વાત કાઢી અને આ રીતે લગભગ ત્રણ-સાડા ત્રણ વાગી ગયા. સંન્યાસી એ જોઈને આનંદિત થયા કે ભક્તજી પોતાના રામાયણ-પ્રેમમાં બીજાં બધાં કર્તવ્ય ભૂલી ગયા છે. ભૂખ તો મરી ગઈ હતી. ખાસ કરીને મનમાં — ‘આજે ઉપવાસ છે.’ — એવું વિચારવાથી ભૂખ ઓછી થઈ ગઈ હતી. એટલી વારમાં બાજુના ઓરડામાંથી કમર સુધીનો ઘૂંઘટો તાણીને ૪-૫ સ્ત્રીઓ આવી, સાથે એક યુવક પણ હતો. – ‘ના, હવે તમારી સાથે રહેવું શક્ય નથી, અમે લોકો કંટાળી ગયા છીએ. તમારા કારણે જ આજે ઘરમાં બધાં ભૂખ્યાં છે. અરે, નાના છોકરાઓએ પણ કંઈ ખાધું-પીધું નથી, તમારા લીધે જ આવી દશા થઈ છે. ના, હવે તમારી સાથે ન રહી શકાય.’ પરંતુ ભક્તરાજ શાંત નિર્વિકાર બેઠા રહ્યા, એમના ચહેરા પરના હાવભાવમાં કોઈ ફેર ન પડ્યો, એ જોઈને સંન્યાસી નવાઈ પામ્યા.
સર્વે કંઈ સાંભળ્યા બાદ ભક્તજી બોલ્યા, ‘શાંતિ રાખો, જે કંઈ કહેવું હોય તે સાંજની આરતી-પ્રાર્થના પછી કહેજો, અત્યારે હું સ્વામીજી સાથે થોડી રામાયણ સમજી રહ્યો છું. (સંન્યાસી તરફ ઇશારો કરીને) એમને શું હું બોલાવવા ગયો હતો? એ તો જાતે જ પધાર્યા છે. શ્રદ્ધા રાખો, શ્રદ્ધા! શું પરમેશ્વર નથી જાણતા કે આજે ઘરમાં અન્નનો એક દાણો પણ નથી? જેમણે આમને આપણા ઘરે મોકલ્યા છે, તેમણે જરૂર કંઈક બંદોબસ્ત કરીને જ મોકલ્યા છે. શ્રદ્ધા રાખો, તેઓને ખબર જ છે કે આજે ઘરમાં અન્નનો અભાવ છે, છતાં પણ મોકલ્યા છે, તો આમને માટે વ્યવસ્થા કરી હશે. હવે જાઓ, સાંજે ચર્ચા કરીશું.’
એ લોકો એટલાં નારાજ હતાં કે અત્યાર સુધી તેમણે સંન્યાસી તરફ જોયું પણ ન હતું. હવે એ યુવક એમની તરફ જોઈને કહેવા લાગ્યો — ‘જુઓ સ્વામીજી, આજે અમે બધાં ભૂખ્યાં છીએ. આજે ચૂલો પણ સળગાવ્યો નથી. છોકરાંછૈયાં ભૂખ્યાં છે, આજે જ સવારે વીસ વૈરાગી સાધુઓ ચાલ્યા ગયા, જેઓ અહીંયાં પંદર-સોળ દિવસ રોકાયા અને તમે (ભક્તજીને બતાવીને) મહેમાનગતિનો આનંદ લેતા રહ્યા. રોજ ભોજન—ખીર, માલપુઆ, પૂરી—વગેરે જોઈએ, કેમ કે વૈષ્ણવ હતા. ઘરમાં જ્યાં સુધી હતું, અન્ન વગેરે આપતો ગયો. ત્યાર પછી આડોશ-પાડોશના લોકો પાસેથી માગી-માગીને (ઉધાર લઈને) પણ આપ્યું, પણ બધું જાણવા છતાં આમણે એ લોકોને ચાલ્યા જવા માટે ન કહ્યું, પછી મારાથી સહન ન થયું અને આજે સવારે મેં હાથ જોડી લીધા. એ લોકો જૂનાગઢ તરફ ગયા. તેથી અમે નક્કી કર્યુ છે કે આજે તો ભૂખ્યા રહીને આ (મોટા કાકાજી)ને જરા ભાન કરાવીએ કે આવું કરવું કેટલું અયોગ્ય છે, પોતાની ત્રેવડ બહાર જઈને મહેમાનગતિ કરવી શું શાસ્ત્ર-સંમત છે?’
ભક્તજી બોલ્યા, ‘આ બધી ચર્ચા છોડો. મેં તો પહેલાં જ કહી દીધું છે કે હું આવું કહી શકીશ નહીં. હું બોલાવીને તો લાવતો નથી. પરંતુ દરવાજા પર કોઈ આવી જાય તો આવકારો જરૂર આપું છું અને આપીશ. ઠીક છે અત્યારે જાઓ, હું રામાયણ સમજી લઉં.’
તેઓ બધાં બાજુના ઓરડામાં ચાલ્યાં ગયાં. ભક્તરાજ ફરી પૂર્વવત્ શાંતચિત્તે રામાયણ સમજવામાં તલ્લીન થઈ ગયા. આ બાબતે એક પણ શબ્દ ન ઉચ્ચાર્યો. સંન્યાસીને હવે સમજાઈ ગયું કે, ભક્તરાજે ભિક્ષા-અન્ન-પાણી માટે કેમ ન પૂછ્યું હતું. ‘ઘરમાં રહે અન્નનો તોટો, તો પરેશાન રહે મોટાથીયે મોટો.’ પણ ભક્તરાજ નિશ્ચિંત હતા કેમ કે, એમને દૃઢ વિશ્વાસ હતો કે સમયસર પ્રભુ પરમેશ્વર યોગ્ય વ્યવસ્થા અવશ્ય કરશે. એમના પ્રશાંત ચહેરા પર ચિંતાની એક પણ રેખા ન હતી. ‘राम करहि सो होई, चिंता कर क्यों मुवहि।’ બસ, એ શ્રદ્ધાવાન તો એકદમ સ્વસ્થ હતા. હવે ચાર વાગી ગયા. શિયાળામાં દિવસ વહેલો આથમી જાય છે, તેથી સંન્યાસી એ પહેલાં સંધ્યા-કર્મ પૂર્ણ કરવાનું વિચારી રહ્યા હતા. પરંતુ ભક્તજીનો રામાયણ-પ્રેમ જોઈને કહેવામાં સંકોચ થતો હતો. એટલી વારમાં ચિઠ્ઠી લઈને એક ખેડૂત આવ્યો અને પૂછ્યું કે, ‘શું ભક્ત જગજીવન રામનું ઘર આ જ છે?’
‘આવો, આવો, ક્યાંથી આવો છો?’ એમ કહીને ભક્તજીએ એને અંદર બોલાવ્યો અને ચિઠ્ઠી લઈને વાંચી. વાંચતાં જ બોલી ઊઠ્યા, ‘અરે, તમે બધા આ બાજુ આવી જાઓ, અરે! ઓ ભાઈ, તું જરા અહીં આવ, જો તો ખરો આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે?’ બધી સ્ત્રીઓ અને એ યુવક પણ આવી ગયો. યુવકના હાથમાં ચિઠ્ઠી આપીને ભક્તજીએ એ વાંચી સંભળાવવા માટે કહ્યું. એ ચિઠ્ઠીની સારરૂપ વાત હતી — ‘નવ-દસ વર્ષ પહેલાં તમે શિવરાત્રિના મેળામાં ભક્ત-મંડળી સાથે જૂનાગઢ પધાર્યા હતા. એ વખતે હું એક ગરીબ માણસ હતો, તેથી મને કોઈ આશ્રય આપતું નહોતું. એકમાત્ર તમે જ મને આદરપૂર્વક આશ્રય આપીને અપનાવ્યો હતો અને તમારી મંડળીના જ એક સભ્યની માફક કોઈ પણ જાતના ભેદભાવ વગરનો વ્યવહાર કર્યો હતો. એ સમયે મેં ભગવાન શંકરને એક પ્રાર્થના કરી હતી કે જો કોઈ દિવસ મારી ગરીબાઈ દૂર થશે અને મારી પાસે થોડી સંપત્તિ હશે, તો તમારી સેવામાં થોડું કંઈક મોકલીને આત્મ-સંતોષ માનીશ. હવે ઈશ્વર-કૃપાથી મારી પાસે ઘણી જમીન છે અને પાછલાં બે વર્ષથી અનાજની ઉપજ પણ પુષ્કળ થઈ રહી છે, એટલે તમારી સેવામાં આ દસ મણ ઘઉં મોકલી રહ્યો છું, તો મહેરબાની કરીને સ્વીકારી લેજો અને મને ધન્ય કરજો.’
તેમણે કહ્યું, ‘કેમ, હું તો કહેતો હતોને કે શ્રદ્ધા રાખ, જે સ્વામીજીને અહીંયાં લાવ્યા છે, તેઓ જાણે જ છે કે ઘરમાં અન્નનો અભાવ છે. કંઈને કંઈ બંદોબસ્ત જરૂર કરશે. લો, હવે જાઓ, ઘઉં લઈ જઈને સાફસૂફ કરો… (ખેડૂતને) આવો ભાઈ, બેસો, બળદને ચારો નાખો. કાલે પાછા જજો, રાત અહીંયાં જ રોકાઈ જાઓ.’ તે લગભગ ત્રીસ માઇલ દૂરથી ઘનઘોર જંગલમાંથી પસાર થઈને ગાડામાં અનાજ લઈને આવ્યો હતો.
યુવક અને બધી સ્ત્રીઓ ધીરે ધીરે ચુપચાપ ત્યાંથી ચાલ્યાં ગયાં—ઘઉં સાફ કરીને, દળીને પછી રોટલી બનાવવાની હતી.
સંન્યાસીએ મનોમન ભક્તને પ્રણામ કર્યા- ધન્ય છે! આ એક જ ભક્તનાં દર્શન કરીને મનોમન વિચારવા લાગ્યો કે કાઠિયાવાડ-ભ્રમણ સફળ થયું.
સંધ્યા-કર્મ પતાવીને દીપદાનના સમયે તે ફરી ભક્તરાજના ઘરે હાજર થયો. ગૃહદેવ શ્રીરામચંદ્રની આરતી થઈ. ઘરના બધા સભ્યોએ સાથે મળીને પ્રાર્થના કરી અને જવા લાગ્યા, ત્યારે ભક્તરાજે તેમને રોક્યાં અને કહ્યું, ‘કેમ ભાઈ, તમે લોકો ત્યારે આવ્યાં હતાં, તો શું કહેવા ઇચ્છતાં હતાં, તે હવે કહો?’ બધાં શરમાઈને મૌન થઈ ગયાં.
એમણે કહ્યું, ‘મેં કહ્યું હતું કે આરતી-પ્રાર્થના કર્યા બાદ વાત કરીશ, હવે કહો, શું ઇચ્છો છો? એ વાત સાચી કે મને એક ખરાબ આદત છે, હું કોઈને ‘ના’ કહી શકતો નથી કે ‘જાઓ’ એવું પણ કહી શકતો નથી. એથી તમને લોકોને તકલીફ પડે છે, તો એવી ગોઠવણ કરવી પડશે કે, ફરી આવું ન બને. ખેતીવાડીનું બધું જ કામ તમે લોકો સંભાળો છો, તો તમારા ભાગનું જે અનાજ પાકે એને જો તમે અલગ રાખી લો, તો આ રીતે હેરાન નહીં થવું પડે, કેમ આ જ વાત છે ને?’
યુવકે માથું ઘુણાવીને વાતને ટેકો આપ્યો.
ભક્તજીએ કહ્યું, ‘તો બસ, આજથી તું એવું જ કરજે, અને મારો જે કંઈ ભાગ હોય, તે (એક નાનકડી ઓરડી તરફ ઇંગિત કરીને) આમાં રાખી દેજે, અને બાઈઓ, તમે પણ પોતપોતાનો ભાગ અલગ કરીને રાખી લેજો, એટલે અન્નના અભાવમાં તકલીફ સહન ન કરવી પડે. બીજું શું ઇચ્છો છો, કહો?’
(સ્ત્રીઓમાં એમનાં સહધર્મિણી, એક વિધવા પુત્રી અને બહેન પણ હતાં) બધાં ચુપ, કેટલાંક તો રડવા લાગ્યાં.
– ‘કેમ રડો છો? તમે જ તો ઇચ્છતાં હતાં, અને કહેતાં હતાં કે હવે સાથે રહેવું મુશ્કેલ બની ગયું છે. અને રહીશું તો સાથે જ, ખાલી અનાજના ભાગ પાડ્યા છે. હવે નિશ્ચિંત થઈ જાઓ, એ બાબતમાં મારા તરફથી કોઈ તકલીફ નહીં પડે, બાકી બધું ઈશ્વરાધીન છે. (બધાં ઊઠીને જતાં હતાં ત્યારે) હા, ઊભાં રહો, એક વાત કરવાની રહી ગઈ, શ્રીભગવાન અને આ સંન્યાસી સ્વામીજીની હાજરીમાં હું કહી રહ્યો છું—હવેથી હું જાતે તમારા ભાગમાંથી એક દાણો પણ નહીં લઉં, પણ તમને ક્યારેય જરૂર પડે, તો મને કહેવાની જરૂર નથી, મારા ભાગમાંથી તમારા હાથે લઈ લેજો!’
બધાં અશ્રુભીની આંખે અંદર ચાલ્યાં ગયાં અને સંન્યાસીએ આશ્ચર્યચકિત થઈને જોયું—પાંચ જ મિનિટમાં સંપત્તિના ભાગલા પડી ગયા. ધન્ય ભક્તરાજ જગજીવન રામજી! ભક્તની ગતિ તો ખરેખર ન્યારી જ હોય છે. અસ્તુ.
બધાંએ મળીને સંન્યાસીને લગભગ પંદર દિવસ સુધી રોકી રાખ્યા, ખાસ કરીને ભક્તરાજે, એમણે આખી રામાયણમાંથી જે અંશો પોતાને અઘરા લાગતા હતા, તે સમજી લીધા, પછી જ સંતોષ પામીને વિદાય આપી અને સાથે એ પણ કહ્યું કે, અહીંયાં આવીને રહો, મારા ખેતરમાં ઝૂંપડી બનાવી દઈશ, આનંદથી ભજન કરજો, અમે તમારી સેવા કરીશું.’
ઘરનાં બધાંએ સંન્યાસી સાથે ઘરબારની કે અન્ય આડીઅવળી વાતો કરી, પરંતુ ભક્તરાજે એક પણ દિવસ એવી ચર્ચા કરી નહીં. અને ન ક્યારેય એ બાબતની ચર્ચા કરી, જે પ્રથમ દિવસે બન્યું હતું.
Your Content Goes Here




