શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
ફલહારિણી કાલીપૂજા
તા. ૨૬ મેના રોજ આશ્રમના શ્રીમંદિરમાં ફલહારિણી કાલીપૂજા નિમિત્તે સંધ્યા-આરતી પછી પૂજાવિધિ, મા-કાલી-કીર્તન કરવામાં થયાં હતાં. પૂજાના અંતે ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.
મા શારદા અતિથિ ભવનનું ખાતમુહૂર્ત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘મા શારદા અતિથિ ભવન’નું નિર્માણ હાથ ધરાયું છે, જેનું ખાતમુહૂર્ત તા. ૫ જૂનના રોજ (ગંગા દશેરાના શુભ દિને) સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી દિવ્યાનંદજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આશ્રમ દ્વારા નિર્માણ પામી રહેલા ‘મા શારદા અતિથિ ભવન’માં અંદાજિત ૫ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. ભક્તોની સુવિધા માટે બનવા જઈ રહેલ આ બહુમાળી અતિથિ ભવન માટે આશ્રમના ભક્તો, ટ્રસ્ટો તેમજ દાતાઓને ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરવામાં આવી હતી.
સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપવામાં આવેલા રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા વર્ષોથી દેશ-વિદેશમાં શૈક્ષણિક, સેવાકીય અને આરોગ્યલક્ષી અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે. રાજકોટ આશ્રમ દ્વારા પણ વિદ્યાર્થી કલ્યાણથી માંડીને આરોગ્ય અને કુદરતી આપત્તિઓ દરમિયાન જરૂરિયાતમંદોને રાહત સામગ્રી પહોંચાડવા સહિતનાં સેવાકાર્યો થઈ રહ્યાં છે.
મંત્રદીક્ષા અને જાહેર સભાનું આયોજન
શ્રીમત્ સ્વામી દિવ્યાનંદજી મહારાજે તા. ૬ જૂનના રોજ ૬૩ દીક્ષાર્થીઓને મંત્રદીક્ષા આપી હતી. દીક્ષા બાદ દીક્ષાર્થીઓએ પ્રસાદનો લાભ લીધો હતો.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તે જ દિવસે સાંજે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. સભામાં રાજકોટ તથા ગુજરાતના અન્ય કેન્દ્રોના મહંત સ્વામીજીઓ દ્વારા પૂજ્ય મહારાજશ્રીનું પુષ્પમાળા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે પૂજ્ય મહારાજશ્રીએ જેલ સુધારણા તથા શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. શ્રીમત્ સ્વામી દિવ્યાનંદજી મહારાજ પોતાના નામ અનુસાર હંમેશાં દિવ્યાનંદમાં રહે છે તેમજ સહુને દિવ્યાનંદ પ્રદાન કરે છે.
સભામાં પૂજય મહારાજશ્રીએ ઉપસ્થિત ભક્તજનોને આશીર્વચન પાઠવ્યા. મહારાજશ્રીએ સહુમાં ઈશ્વર-દર્શન કરીને સૌની સેવા કરવાનું સૂત્ર આપ્યું. તેઓએ હંમેશાં આશાનો દીપ પ્રજ્વલિત રાખીને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી. જે ભૂમિ પર સ્વામી વિવેકાનંદે પોતાના જીવનનો ઘણો સમય વિતાવ્યો હતો, તે ગુજરાતની ધરાને મહારાજશ્રીએ પવિત્ર ભૂમિ ગણાવી.
સભામાં સ્વામી દિવ્યાનંદજી મહારાજનાં કરકમળો દ્વારા આશ્રમની ઑનલાઇન પુસ્તક વેચાણની નવી વેબસાઇટ istore.rkmrajkot.org લૉન્ચ કરવામાં આવી.
આશ્રમના ‘વિવેકાનંદ પ્રકાશન વિભાગ’ દ્વારા પ્રકાશિત ‘શ્રીરામકૃષ્ણદેવ: જેવા અમે તેમને જોયા હતા’, ‘સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી સ્મૃતિઓ’, ‘સાધના અને શાંતિ’, ‘મંત્રદીક્ષાનું મહત્ત્વ’ તથા ‘આગળ વધો!’ નામના પાંચ નૂતન પુસ્તકોનું વિમોચન થયું હતું. સભામાં ૩૫૦થી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા. સભા બાદ ભોજન પ્રસાદ હતો.
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની રાજકોટ આશ્રમની મુલાકાત
ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ તથા યુવા બાબતો અને રમતગમત વિભાગના માનનીય મંત્રીશ્રી
ડૉ. મનસુખભાઈ માંડવિયાએ તા. ૧૮ જૂનના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાત લીધી. તેઓશ્રીએ આશ્રમ શ્રીમંદિરમાં તથા સ્વામી ભૂતેશાનંદ ધ્યાનખંડમાં દર્શન કર્યા. આ ઉપરાંત તેઓએ વિવેકાનંદ બૂક વર્લ્ડ, વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન એન્ડ કલ્ચર (વિવેક) તથા આશ્રમ ડિસ્પેન્સરીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ નિહાળી.
પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી દિવ્યાનંદજી મહારાજની વડોદરા કેન્દ્રની મુલાકાત
શનિવાર ૭ જૂને પૂજ્ય શ્રીમત્ સ્વામી દિવ્યાનંદજી મહારાજ બપોરના સમયે વડોદરા આશ્રમમાં પહોંચ્યા. સાધુઓ અને ભક્તો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
પૂજ્ય શ્રીમત્ સ્વામી દિવ્યાનંદજી મહારાજે વડોદરા મેડિકલ કૉલેજના ૩૦ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી, જેમને વડોદરા મિશન શિષ્યવૃત્તિ આપી રહ્યું છે. પૂજ્ય મહારાજે તેમને દર્દીઓની જીવંત ભગવાન માનીને સેવા કરવાની પ્રેરણા આપી.
રવિવાર, ૮ જૂને પૂજ્ય શ્રીમત્ સ્વામી દિવ્યાનંદજી મહારાજે ૬૧ દીક્ષાર્થીઓને દીક્ષા આપી અને તે જ દિવસે સાંજે ભક્તજનોને સંબોધીને મનનીય શુભ પ્રવચન આપ્યું. ભક્તોએ મહારાજને પ્રણામ કર્યા અને તેમણે બધાને આશીર્વાદ આપ્યા.
પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી દિવ્યાનંદજી મહારાજની અમદાવાદ કેન્દ્રની મુલાકાત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજ્ય શ્રીમત્ સ્વામી દિવ્યાનંદજી મહારાજે ૯ અને ૧૦ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદના લેખંબા સ્થિત રામકૃષ્ણ મઠની મુલાકાત લીધી હતી.
૯ જૂનના રોજ યોજાયેલી ભક્તજનો માટેની જાહેર સભામાં પૂજ્ય મહારાજે સાંજની આરતી પછી પ્રાર્થનાખંડમાં ભેગા થયેલા ૨૨૫ ભક્તોને ૪૫ મિનિટ સુધી આધ્યાત્મિક પ્રવચન આપ્યું હતું. પ્રવચન પછી બધાને રાત્રિભોજનનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો.
૧૦ જૂન, ૨૦૨૫ના રોજ પૂજ્ય શ્રીમત્ સ્વામી દિવ્યાનંદજી મહારાજે ૩૩ દીક્ષાર્થીઓને મંત્ર-દીક્ષા આપીને આશીર્વાદ આપ્યા હતા. બધા દીક્ષાર્થીઓ તથા અન્ય ભક્તોને બપોરના ભોજનનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો.
Your Content Goes Here




