શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

દિવ્યાંગ બાળકો માટે અનોખી સ્પર્ધાનું આયોજન

રાજકોટના દિવ્યાંગ બાળકોની પ્રતિભા ખીલવવા શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર, રાજકોટના ‘મા શારદા સી.પી. રિહેબિલિટેશન વિભાગ’ દ્વારા દર વર્ષે વાર્ષિક દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાય છે. આ કાર્યક્રમ થકી આશ્રમ દિવ્યાંગ બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.

આ વર્ષે પણ તા. ૭ ડિસેમ્બરના રોજ રાજકોટની વિવિધ સંસ્થાના દિવ્યાંગ બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું મુજબ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં રાજકોટના ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહ જાડેજા તથા રાણી સાહેબા શ્રીમતી કાદમ્બરીદેવી  મુખ્ય અતિથિરૂપે ઉપસ્થિત રહ્યા અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમમાં ‘પ્રયાસ’, ‘નવશક્તિ’, ‘જીનિયસ સુપર કિડ્સ’, ‘સેતુ’, ‘એકરંગ’, ‘સ્નેહ નિર્જર’ અને શ્રીરામકૃષ્ણ આશ્રમમાં થેરાપી મેળવતા કુલ ૨૩૦ દિવ્યાંગ બાળકો જોડાયાં. આ બાળકો માટે કલર, ફેન્સી ડ્રેસ, ટેલેન્ટ શૉ અને સંગીત ખુરશી જેવી વિવિધ સ્પર્ધા રાખવામાં આવી, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને તેમની અંતર્નિહિત શક્તિઓનું પ્રદર્શન કર્યું.

આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે બાળકોને તથા વાલીઓને આવકાર્યા તેમજ પ્રાસંગિક વક્તવ્ય પાઠવ્યું. મુખ્ય મહેમાનોના વરદ હસ્તે વિજેતા બાળકોને પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકને  પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવ્યાં.

આ પ્રસંગે ‘દિવ્યાંગ જ્યોત’ના આ વર્ષના વાર્ષિક સામયિકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે સહુ બાળકો તેમજ વાલીઓને ભોજન-પ્રસાદ પીરસવામાં આવ્યો.

શ્રીમા શારદાદેવીની ૧૭૩મી જન્મતિથિની ઉજવણી

તા. ૧૧ ડિસેમ્બરના રોજ ભગવાન શ્રીરામકૃષ્ણદેવનાં સહધર્મચારિણી તેમજ સ્વામી વિવેકાનંદનાં ગુરુમાતા શ્રીમા શારદાદેવીની ૧૭૩મી જન્મતિથિની રામકૃષ્ણ સંઘનાં બધાં કેન્દ્રોમાં ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમ ખાતે પણ આ મહોત્સવની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી.

આશ્રમમાં સૌપ્રથમ સવારે મંગલ આરતી બાદ વૈદિકપાઠ અને સ્તોત્રપાઠ કરવામાં આવ્યા. ત્યારબાદ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવીની વિશેષ ષોડ્શોપચાર પૂજા કરવામાં આવી અને પછી હોમ કરવામાં આવ્યો. ભક્તજનો દ્વારા પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી.

આ નિમિત્તે આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે ‘શ્રીમા શારદાદેવીનું જીવન અને સંદેશ’ વિષય પર પ્રવચન આપ્યું. સાંજે શ્રીમા-નામ સંકીર્તનનું ગાન તથા સંધ્યા આરતી બાદ શ્રીમા વિષયક ભજનોનું ગાન કરવામાં આવ્યું.

આ પવિત્ર દિવસે બપોરે ૧૮૦૦થી વધુ ભક્તજનોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો. આ બધા જ કાર્યક્રમોમાં ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ

રાજકોટ, જૂનાગઢ તથા અમરેલી જિલ્લાના અંતરિયાળ ગામડાંમાં વસતાં ૪૦૦થી વધુ ખેતમજૂરો, બાળકો તથા જરૂરિયાતમંદ લોકોમાં ધાબળાનું વિતરણ થયું હતું. બાળકોને ‘સ્વામી વિવેકાનંદ-સ્વદેશ મંત્ર-કાર્ડ’ તથા નાસ્તાના પેકેટ પણ આપવામાં આવ્યાં હતાં. જરૂરિયાત મુજબ ૩૦ ચટાઈઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મઠ, આદિપુર

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, ‘સાચી કેળવણી તો તે છે કે જે માનવીને પોતાના પગ ઉપર ઊભો રહેતાં શીખવે. આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે.’

સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આસિસ્ટન્ટ સેક્રેટરી સ્વામી બલભદ્રાનંદજી મહારાજના હસ્તે તા. ૨૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સ્વામી વિવેકાનંદ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું હતું. આજે બેરોજગારીની સમસ્યા વધી રહી છે. સ્નાતક અને અનુસ્નાતક થયેલા વિદ્યાર્થીઓ બેરોજગાર છે, ત્યારે મોબાઈલ રીપેરિંગ સહિતના ટૂંકાગાળાના અભ્યાસક્રમો થકી રોજગારી મેળવે તેવા વિષયોની તાલીમ આપવામાં આવશે.

આ સેન્ટરમાં યુવા ભાઈ બહેનો માટે સ્વરોજગારી માટેના ટ્રેનિંગ કોર્સ ચાલશે, જેમાં બહેનો માટે સીવણ ક્લાસ, માટીકામ, દોરીવર્ક, કુશન વર્ક, મહેંદી ક્લાસ તેમજ ભાઈઓ અને બહેનો માટે કોમ્પ્યૂટર, ટેલી, ડિઝાઈનિંગ, પ્લમ્બીંગ, કારપેન્ટીંગ, ડ્રાઈવિંગ ઇત્યાદિ કોર્સ શરૂ થશે.

આ કાર્યક્રમમાં રામકૃષ્ણ કુટિર, અલમોડાના સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજ; શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ; વડોદરા, લીંબડી, અમદાવાદ અને ભુજના સ્વામીજીઓ હાજર હતા. ધનેશ્વર મહારાજ, જખાભાઈ આહીર, મુકેશભાઈ ભાભર, પ્રમેશભાઈ વેદ તથા બહોળી સંખ્યામાં ભક્તો વગેરેએ ભાગ લીધો હતો.

ધાણેટીમાં ‘સોમનાથ’ જેવું શિવ મંદિર અને ‘દ્વારકા’ જેવો મહારાસ

ભુજ તાલુકાના ધાણેટી ગામે અંદાજિત ૭ કરોડના ખર્ચે સોમનાથ મંદિરની પ્રતિકૃતિ સમાન પાતાળેશ્વર મહાદેવના ભવ્ય મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. ૨૪ થી ૨૬ નવેમ્બરના ત્રિ-દિવસીય જીર્ણોદ્ધાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ કાર્યક્રમના અંતિમ દિવસે ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દ્વારકાના મહારાસની ઝાંખી કરાવતા ભવ્ય વ્રજરાસનું આયોજન થયું હતું, જેમાં કચ્છ સહિત કાઠિયાવાડના આહિર સમાજની માતાઓ, બહેનો અને દીકરીઓ બહોળી સંખ્યામાં જોડાયાં હતાં. વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ અને ફરતે પરંપરાગત પહેરવેશમાં રાસ રમતી મહિલાઓએ ધાણેટીમાં દ્વારકા જેવાં દૃશ્યો સર્જ્યાં હતાં. વ્રજરાસના મુખ્ય કલાકારોમાં દિવાળીબેન આહિર, સભીબેન આહિર, મેક્સ આહિર, રાજેશ આહિર, ભૂમિકાબેન આહિર અને કૃષ્ણાબેન આહિર રહ્યાં હતાં.

Total Views: 7

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.