(રામકૃષ્ણ મઠ, નાગપુરથી પ્રકાશિત હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના જાન્યુઆરી, ૧૯૯૮ના અંકમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી પ્રકાશભાઈ ડી. હાથીએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)
રાષ્ટ્રની ઉન્નતિ માટે આળસ અને અંધવિશ્વાસ – આ બંનેનો જડમૂળથી ત્યાગ કરવો પડશે અને હૃદયને પ્રેમ તથા સહાનુભૂતિથી સભર કરવું પડશે. આળસ અકર્મણ્યતાને જન્મ આપે છે અને કોઈપણ સર્જનાત્મક પ્રેરણાને કુંઠિત કરી નાખે છે. આળસને ઇચ્છાશક્તિ વડે જીતી શકાય છે. ઇચ્છાશક્તિ સંસારમાં સૌથી વધુ પ્રબળ હોય છે. એની સામે દુનિયાની કોઈ વસ્તુ ટકી શકતી નથી.
વિશુદ્ધ અને દૃઢ ઇચ્છાશક્તિ સર્વોપરી છે. આ ઇચ્છાશક્તિ આપણા ઉપર વિશ્વાસ રાખવાથી ઉદ્ભવે છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે પોતાનામાં વિશ્વાસ રાખવાનો આદર્શ આપણો સૌથી મોટો સહાયક છે. પ્રત્યેક ક્ષેત્રમાં જો આપણને ખુદમાં વિશ્વાસ કરવાનું શીખવવામાં આવે અને તેનો અભ્યાસ કરાવાય તો આપણી નબળાઈ અને દુઃખોનો મહત્તમ હિસ્સો દૂર થઈ ગયો હોત. તેઓ આત્મવિશ્વાસને ધાર્મિક પ્રેરણાથી પણ વધુ ઊંચાઈનો દરજ્જો આપતાં કહે છે: જૂનો ધર્મ કહે છે કે નાસ્તિક તે છે, જે ઈશ્વરમાં વિશ્વાસ દાખવતો નથી; નવો ધર્મ કહે છે, નાસ્તિક તે છે જે પોતાનામાં વિશ્વાસ નથી કરતો. કદાચ માનવજાતિના આજ સુધીના ઇતિહાસમાં થઈ ગયેલ મહાન પુરુષ અને સ્ત્રીઓના જીવનમાં સૌથી મોટી પ્રેરણાત્મક શક્તિ જો હોય તો તે આત્મવિશ્વાસ કહી શકાય.
ગીતામાં પણ અર્જુનને આત્મવિશ્વાસનો ઉપદેશ આપતાં શ્રી કૃષ્ણ કહે છે –
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः॥ ૬/૫
‘મનુષ્ય પોતે જ પોતાનું કલ્યાણ કરે, પોતાને નીચો ન બનાવે, કારણ કે તે પોતે જ પોતાનો મિત્ર પણ છે અને શત્રુ પણ.’
તો આ પોતાના વિશ્વાસે દેશના ઉજ્જ્વળ ભાવિ પરના વિશ્વાસ વિશ્વાસ પ્રત્યે જે ભાગ ભજવવાનો છે તે રાષ્ટ્રની રાષ્ટ્ર-ઉન્નતિનું પહેલું પગથિયું છે અને તેવો આત્મવિશ્વાસ પ્રમાદ અને અકર્મણ્યતાને પગ તળે કચડીને ચાલે છે.
રાષ્ટ્રોન્નતિના બીજા પગથિયાના રૂપમાં આપણે અંધવિશ્વાસ અને કુસંસ્કારનો નાશ કરવો રહ્યો. અંધવિશ્વાસ માનસિક દુર્બળતાનો પરિચાયક છે અને પ્રગતિનો વિરોધી છે. અંધવિશ્વાસને કારણે છળ-કપટ અને જાદુ-કપટ આપણા ધર્મના હિસ્સા બની જાય છે અને આપણા વિવેકને હાનિ પહોંચાડે છે. આજે જેની આપણને આવશ્યકતા છે તે છે લોખંડ સમાન બાહુબળ અને મજબૂત સ્નાયુની. આપણે એવો ધર્મ ઇચ્છીએ કે જે આપણને ‘મર્દ’ બનાવી શકે. આપણે એવો સિદ્ધાંત ઇચ્છીએ છીએ કે જે આપણી માનવતાનો વિકાસ કરી શકે.
આપણે એવું સર્વસંપન્ન શિક્ષણ ઇચ્છીએ કે જે આપણા મનુષ્યત્વને પ્રકટ કરી શકે. આપણે સત્યના પક્ષધર બનીએ, કારણ કે તે જ અંધવિશ્વાસને નષ્ટ કરી શકશે અને સત્યની પરીક્ષા આ છે. જે પણ આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી નિર્બળ બનાવે તેને ઝેર સમાન માની તેનો ત્યાગ કરીએ કારણ કે તેમાં જીવનશક્તિ નથી. સત્ય તે છે જે બળવાન હોય, પવિત્ર હોય, જે હૃદયના અંધકારને દૂર કરી તેમાં સ્ફૂર્તિનો સંચાર કરી દે. જીવનમાં સત્યની પ્રતિષ્ઠા અંધવિશ્વાસનું નિરાકરણ કરશે.
દેશને ઉપર ઉઠાવવા માટેનું ત્રીજું પગથિયું છે – પ્રેમ અને સહાનુભૂતિ. દેશભક્તિ ફક્ત નારાબાજી સુધી ન રહે, પરંતુ તે આપણી નસોમાં વહેતા લોહીમાં ભળી જાય અને આપણને દેશના કલ્યાણ પ્રત્યે સદાય જાગૃત રાખે અને અમેરિકાના રાષ્ટ્રપતિ કેનેડીએ જે કહેલું: ‘તમારા માટે રાષ્ટ્રે શું કર્યું છે તે પૂછો નહીં, એ પૂછો કે તમે રાષ્ટ્ર માટે શું કર્યું છે.’
આ જ દેશભક્તિની પરીક્ષા છે. રાષ્ટ્ર પ્રત્યે વ્યક્તિની ભક્તિ ત્રિવિધ સ્તરે પ્રગટ થતી હોય છે. પ્રથમ સ્તરે તે દેશની સમસ્યાઓનું ચિંતન કરે છે, તે હૃદયપૂર્વક દેશવાસીઓ માટે અનુભવ કરે છે. દ્વિતીય ચરણમાં દેશની દુર્દશાને દૂર કરવા અને તેની સમસ્યાઓને દૂર કરવાનો ઉપાય શોધે છે. ત્રીજા ચરણમાં તે આ ઉપાયને કાર્યાન્વિત કરવા પૂરાં મન-પ્રાણથી મંડી પડે છે. બસ, આવાં જ લગન અને નિષ્ઠા, દૃઢ મનોબળ અને ઇચ્છાશક્તિ આળસ અને કુસંસ્કારોને દૂર કરી દેશને ઉન્નત બનાવી શકે છે.
Your Content Goes Here




