(રામકૃષ્ણ મિશનના શાખાકેન્દ્ર ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા’માં ચાલતી પ્રવૃત્તિઓનો સંક્ષિપ્ત અહેવાલ અત્રે પ્રસ્તુત છે. સ્વામી ઇષ્ટમયાનંદજી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે અને રામકૃષ્ણ મઠ, વડોદરાના અધ્યક્ષ છે. – સં.)

વડોદરા આશ્રમની સ્થાપના

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાની સ્થાપના ૨૦૦૫માં થઈ હતી. સ્વામી વિવેકાનંદના ભારત પરિભ્રમણ દરમ્યાન તેઓની ચરણધૂલિથી આ સ્થળ પવિત્ર થયેલ છે. વડોદરા આશ્રમની પ્રવૃત્તિઓ ‘આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ’ના આદર્શને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે.

આધ્યાત્મિક પ્રવૃત્તિઓ

અહીં શ્રીરામકૃષ્ણદેવની નિયમિત સવાર-સાંજ આરતી, ભજન થાય છે. ધ્યાનખંડનો સમય સવારે ૦૭:૦૦ થી ૧૨:૦૦ તથા સાંજે ૦૪:૦૦ થી ૦૮:૪૫ સુધીનો છે. સર્વ ધર્મના સંતો, પયગંબરોની જન્મતિથિ ઉજવાય છે. જ્ઞાતિ-સંપ્રદાયના ભેદભાવ વિના લોકો મંદિરના શાંત-પવિત્ર વાતાવરણમાં ધ્યાન-પ્રાર્થના કરે છે. આશ્રમના સંન્યાસીઓ દ્વારા ગીતા-ઉપનિષદ ઉપર નિયમિત વ્યખ્યાનો તથા આધ્યાત્મિક પ્રવચનો થાય છે.

વિવેકાનંદ બુક વર્લ્ડ

રામકૃષ્ણ સંઘ દ્વારા પ્રકાશિત ગુજરાતી, હિંદી, અંગ્રેજી ભાષાનાં પુસ્તકો, તસવીરો વગેરે વેચાણ માટે ઉપલબ્ધ છે.

લાયબ્રેરી

વિવિધ વિષયો ઉપર આશરે ૧૭૦૦૦ થી વધુ પુસ્તકોથી આ લાયબ્રેરી સમૃદ્ધ છે. લાયબ્રેરીનો સમય: બપોરે ૦૩:૩૦ થી સાંજે ૦૬:૩૦ (સોમવારે બંધ)

મૂલ્યલક્ષી કેળવણી કાર્યક્રમ માટેની મોબાઈલ વાન

દૂરસુદૂરનાં ગામડાંમાં સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશનાં પુસ્તકો તથા પ્રદર્શનો તેમજ મૂલ્યલક્ષી કેળવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

ભક્તો તથા અન્ય લોકો માટે વિવિધ પ્રકારના આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે.

મૂલ્યલક્ષી કેળવણી

‘ચારિત્ર ઘડતર દ્વારા રાષ્ટ્રનિર્માણ’ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે.

યુથ સ્ટડી સર્કલ

યુવકો માટેના ચારિત્રનિર્માણ અને વ્યક્તિત્વ વિકાસ અંગે માર્ગદર્શન તેમજ તેમની વૈચારિક ક્ષમતાને સમૃદ્ધ બનાવવા માટેની પ્રવૃત્તિઓ પણ હાથ ધરાઈ રહી છે.

નિવેદિતા સ્ટડી સર્કલ

યુવતીઓ માટે સ્વઓળખ અને જીવનલક્ષી વિચારધારા અંગે કાર્યક્રમોનું આયોજન નિયમિતપણે કરવામાં આવે છે.

કન્યા કેળવણી

તેજસ્વી અને જરૂરિયાતમંદ કન્યાઓના ઉજ્જ્વળ ભવિષ્ય માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.

સ્ટડી રૂમ

વિદ્યાર્થીઓ માટે આશ્રમના પવિત્ર અને શાંત વાતાવરણમાં સ્ટડી રૂમ પણ ઉપલબ્ધ છે.

કમ્પ્યૂટર સેન્ટર

વિદ્યાર્થીઓ અને વ્યવસાયીઓ માટે નજીવા દરે કમ્પ્યૂટરના વિવિધ કોર્ષ ચલાવવામાં આવે છે.

રામકૃષ્ણ જ્ઞાનગંગા અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ અંગેનો પ્રકલ્પ હાથ ધરાયેલ છે, જેમાં આર્થિક રીતે નબળાં બાળકોને સર્વાંગી વિકાસ માટે નિઃશુલ્ક શૈક્ષણિક વર્ગોની સાથે મૂલ્યનિષ્ઠ શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.

શૈક્ષણિક સહાય

અવારનવાર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક સામગ્રીઓનું વિતરણ કરવામાં આવે છે.

પ્રજ્ઞાચક્ષુઓને માસિક રાશન કીટનું વિતરણ

શહેરનાં અને આજુબાજુના વિસ્તારનાં પ્રજ્ઞાચક્ષુ કુટુંબોને માસિક અનાજ કીટનું વિતરણ કરવામાં આવે છે. (કીટમાં ઘઉં, ચોખા, દાળ, તેલ, મીઠું, મરચું, ખાંડ, ચા, મસાલા વગેરેનો સમાવેશ છે.)

સેવાકીય પ્રવૃત્તિ

સહાયરૂપ બનવા માટે જરૂરિયાતમંદ લોકોને ઘર વપરાશની ચીજો, ધાબળા, કપડાં, વાસણો, વગેરેનું વિતરણ કરવામાં આવે છે. દરેક વર્ષે શ્રીમા શારદાદેવીની જન્મજયંતી નિમિત્તે જરૂરિયાતવાળાં બહેનોને નવી સાડીઓનું વિતરણ કરવામાં આવે છે.

રાહત સેવાકાર્ય

શ્રીરામકૃષ્ણદેવના ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શને અનુસરીને પૂર, વાવાઝોડા, દુષ્કાળ જેવી કુદરતી આફતોના સમયે આશ્રમના સંન્યાસીઓ તથા સ્વયંસેવકો દ્વારા રાહતકાર્ય કરવામાં આવે છે.

વિવેકાનંદ મેડિકલ સેન્ટર

આ કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક/નજીવા દરે હોમિયોપેથિક, આયુર્વેદિક, દાંત અને આંખની સારવાર આપવામાં આવે છે. આંખોનાં ઓપરેશન નારાયણ આઈ હૉસ્પિટલ, તાજપુરા મુકામે નિઃશુલ્ક કરવામાં આવે છે.

નિઃશુલ્ક નેત્ર ચિકિત્સા કેમ્પ

સમયાનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરી મોતિયાનું ઓપરેશન વિના મૂલ્યે કરવામાં આવે છે.

મોબાઇલ મેડિકલ વાન

સપ્તાહમાં એક વાર ગ્રામ્યવિસ્તારમાં દર્દીઓની વિના મૂલ્યે ચિકિત્સા કરીને દવાઓનું વિતરણ કરવામાં આવે છે.

Total Views: 8

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.