(સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે. – સં.)
સ્વામીજીને ગીતામાં જો કોઈ સૌથી વધુ પ્રિય શ્લોક હોય તો છે…
क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्तत्वोत्तिष्ठ परन्तप।।
સ્વામીજીના મત અનુસાર જો કોઈ આ શ્લોક વાંચે છે તો એને સંપૂર્ણ ગીતાપાઠનું પુણ્ય મળે છે, કારણ કે આ એક શ્લોકમાં સમગ્ર ગીતાનો સંદેશ ભર્યો છે. એટલે જ તો સ્વામીજી કહે છે,
“આ દુનિયામાં નથી પાપ કે નથી દુઃખ, નથી રોગ કે નથી શોક; જો આ દુનિયામાં પાપ જેવું કંઈ પણ હોય તો તે ભય છે. તારામાં સુષુપ્ત રહેલી શક્તિને જે જાગ્રત કરે તે પુણ્ય છે અને જે મન અને શરીરને નિર્બળ બનાવે તે પાપ છે, તેમ જાણ. આ નિર્બળતા, હૃદયની આ દુર્બળતાનો ત્યાગ કર. क्लैब्यं मा स्म गमः पार्थ। તું વીરપુરુષ છે. તને આ શોભતું નથી.
“મારા શિષ્યો! આ સત્ય જો તમે જગતને પોકારીને જણાવી શકોઃ क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते। તો આ બધા રોગ, શોક, પાપ અને દુઃખ ત્રણ દિવસમાં જ દુનિયામાંથી વિદાય થાય. નિર્બળતાના આ વિચારો ક્યાંય રહેશે નહીં. .. આખી દુનિયામાં બુલંદ અવાજે જાહેર કરોઃ ‘તમારામાં પાપ નથી, તમારામાં દુઃખ નથી. તમે સર્વ પ્રબળ શક્તિનો ભંડાર છો. ઊઠો, જાગ્રત થાઓ અને તમારામાં રહેલી પેલી દિવ્યતાને પ્રકટ કરો!” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૫.૧૨૬)
‘દુનિયામાં પાપ જેવું કંઈ હોય તો તે ભય છે’ ગીતાના શ્લોકમાં છુપાયેલો આ સંદેશ યુગનાયક સ્વામી વિવેકાનંદ દ્વારા જ સમગ્ર જગતને પહેલી વાર અત્યંત પ્રભાવશાળી અને તેજસ્વી શબ્દોમાં પ્રાપ્ત થયો છે.
જ્યારે પણ આપણે ભયાક્રાંત થઈએ છીએ, મોહગ્રસ્ત અને આસક્ત થઈને કર્તવ્ય-કર્મ ભૂલીને અયોગ્ય માર્ગનું અવલંબન કરવા જઈએ છીએ, ત્યારે સ્વામીજીના વજ્ર સમાન આ શબ્દો આપણને પ્રમાદથી બચાવે છે, અને સન્માર્ગ પર ચાલવા પ્રેરિત કરે છે.
આ વાત થઈ એક સંદેશની. હૃદયની આ દુર્બળતાનો ત્યાગ કરીને શ્રેયાકાંક્ષી બનવાની, પોતાના કર્તવ્ય-કર્મનું આચરણ કરવાની.
આવી જ રીતે ગીતાનો બીજો પણ એક મહાન સંદેશ છે: ‘અનાસક્તભાવનો—નિષ્કામ કર્મનો.’ હવે આપણે તેનું ચિંતન કરીશું.
ગીતાના નાયકના જીવનનું અનુશીલન કરીશું તો આ વાત સમજાશે. સ્વામી વિવેકાનંદ કહે છે,
“શ્રીકૃષ્ણ સર્વ કાંઈ કરતા પરંતુ અનાસક્ત ભાવે કરતાં. તેઓ આ સંસારમાં હતાં, પણ સંસારના નહોતા. બધું કર્મ કરો પણ આસક્તિ વિના કરો, કર્મ ખાતર કર્મ કરો, તમારા ખાતર કદાપિ નહીં.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૩.૨૬૪)
અનાસક્ત થઈને રહેવાનો કેટલો સુંદર ઉપદેશ છે આ!
અને આપણે પણ આ અનાસક્ત ભાવથી, નિષ્કામ કર્મથી પ્રેરિત થઈને સંસારમાં તો ઊતરીએ છીએ, પરંતુ જોવામાં આવે છે કે આ ભાવ થોડીક જ ક્ષણોમાં નષ્ટ થઈ જાય છે. સંસારનાં કર્મોમાં એવા ગુંચવાઈ જઈએ છીએ કે કોઈને પોતાના માનીને એને પ્રેમ કરી બેસીએ છીએ, તેને પોતાનું હૃદય આપી દઈએ છીએ, અને આ આસક્તિના રંગે રંગાયેલા એ પ્રેમના કારણે કાં તો એ વ્યક્તિને પોતાનો ગુલામ બનાવીએ છીએ, કાં તો આપણે એના ગુલામ બની જઈએ છીએ. અંતે આપણા ભાગે આવે છે—દુઃખ અને વિષાદ.
કેટલાક લોકો તો નિષ્કામ બનવા માટે, આ દોષથી બચવા માટે ઉદાસીન, પાષાણહૃદય બની જાય છે. ન એને કોઈ પર પ્રેમ છે, ન પોતાનાપણું. અને આ રીતે નિષ્પ્રાણ જીવન જીવતાં જીવતાં તે સંસારનો સાચો આનંદ ખોઈ બેસે છે. આ બાબતમાં સ્વામીજી આપણને સાવધાન કરતાં કહે છે,
“જો તેનો ખરો અર્થ આ હોય તો બધાં પ્રાણીઓ નિષ્કામ કર્મ કરે છે એમ જ કહેવું જોઈએ. કેટલાંક પ્રાણીઓ પોતાનાં જ બચ્ચાંને ખાઈ જાય છે અને એમ કરવામાં તેમને કશું જ દુઃખ થતું નથી… જો હેતુરહિત કર્મ કરવાનો અર્થ એવો હોય તો તો પછી જેનું હૃદય પથ્થર જેવું હોય, જે ખરાબમાં ખરાબ ગુનેગાર હોય, તે નિષ્કામ કર્મ કરતો ગણાય.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૧.૩૫૭)
હવે પ્રશ્ન થાય છે કે કેવી રીતે રહીએ સંસારમાં? શું સાવધાની રાખવાથી આ નિરાશા, દુઃખ, અશાંતિથી બચી શકાય? શું છે તેનું રહસ્ય?
ગીતા આપણને શીખવે છે કે ‘સર્વ પ્રકારનાં કર્મો કરો; માતાપિતા, પુત્ર વગેરે સ્વજનો પ્રત્યે બધાં કર્તવ્યોને પૂર્ણ રીતે નિભાવો, પરંતુ અનાસક્ત થઈને.’
આપણાં દુઃખોનું કારણ કર્મ નથી, પણ તેના પ્રત્યેની આસક્તિ છે.
ફલાસક્ત વ્યક્તિ જ પોતાનાં કર્તવ્યોની બાબતમાં ફરિયાદ કરે છે. એટલે કર્મ માટે કર્મ કરો. પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ, સામે આવેલ કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક આચરણ કરો. આ સંસારચક્રથી દૂર ન ભાગો. પરંતુ એની અંદર જ રહીને કર્મનું રહસ્ય શીખી લો. સંસારચક્રની અંદર રહીને કુશળતાથી કર્મ કરીને જ આનાથી બચવું અને બહાર નીકળવું સંભવ થશે. એટલે સ્વામી વિવેકાનંદ કહે છે,
“‘અનાસક્ત’ બનો; કાર્ય ભલે કરો; મગજનું તંત્ર ભલે કાર્યશીલ બને, સતત કાર્ય ભલે થાય, પણ એકેય તરંગને તમારા મનને જીતવા ન દો. આ જગતમાં તમે અજાણ્યા હો, પ્રવાસી હો, એવી રીતે કાર્ય કરો; સતત રીતે કાર્ય કરો, પણ તમે બંધાઓ નહીં; બંધન ભયંકર છે. આ જગત એ આપણું નિવાસસ્થાન નથી.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૧.૮૭)
કેટલા સુંદર વિચારો છે, ‘આ જગત તમારું નિવાસસ્થાન નથી.’
આ જગતમાં આપણે બે દિવસ માટે આવ્યા છીએ, પોતપોતાનાં કર્મોનો ક્ષય કરવા માટે આવ્યા છીએ, આ જગત આપણું કાયમનું રહેઠાણ નથી. અને જો સત્ય એ જ હોય કે એને છોડીને એક દિવસ જવાનું જ છે, તો એને શું કામ આટલું પ્રાણપણે વળગી રહેવું, એના માટે શું કામ આટલું લાલાયિત બનવું!
અનાસક્ત બનીશું ત્યારે જ જીવનનો સાચો આનંદ માણી શકીશું. સ્વાર્થબુદ્ધિથી, કામનાથી, ફલાસક્તિથી યુક્ત થઈને કર્મ તો ગુલામ પણ કરે છે. આ ગુલામીમાં, આ ગુલામીના જીવનમાં વળી કેવો આનંદ! કેટલું પણ કર્મ કરે, મહેનત કરે, આ ગુલામનું જીવન તો દુઃખથી, અભાવથી ભરેલું જ રહે છે. અને પછી એક ભિખારીની જેમ એ આ સંસાર પાસેથી, સંસારના લોકો પાસેથી, બધા પાસેથી ભીખ માગે છે—આનંદની ભીખ, સુખની ભીખ. આ બદ્ધ ગુલામને શું કોઈ સુખ મળી શકે?
સ્વામીજી કહે છે, “વાસનાઓને, ક્રોધને, ઈર્ષ્યાને તેમજ દૈનિક જીવનમાં ઉદ્ભવતી બીજી અનેક નાની-મોટી ઘટનાઓને આધીન બનવું એ શું મુક્તિ છે?” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૧.૪૨) સ્વામીજી વળી આગળ કહે છે, “જો ગુલામની જેમ કાર્ય કરવાથી પરિણામ સ્વાર્થવૃત્તિ અને આસક્તિમાં આવે, તો આપણા મનના માલિક તરીકે કાર્ય કરવાથી અનાસક્તિનું સુખ પ્રાપ્ત થાય છે.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૧.૯૦) એટલે જ સ્વામીજી કહે છે, “સ્વામીની જેમ કાર્ય કરો, ગુલામની જેમ નહીં.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૧.૮૮) અને આ જ છે તેનું રહસ્ય.
‘પ્રચંડ કર્મશીલતાની વચ્ચે પ્રગાઢ શાંતિ અને મહા નિઃસ્તબ્ધતામાં અત્યંત કર્મશીલતા’ —આ છે આદર્શ ચિત્ર. અને આ સ્થિતિ પ્રાપ્ત કરવી એ ફક્ત અનાસક્ત વ્યક્તિ માટે જ સંભવ છે.
ભગવાન શ્રીકૃષ્ણે આ સ્થિતિ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો છે—અને એ છે ‘અનાસક્તિયોગ’.
पद्मपत्रं इवाम्भसा – જેવી રીતે કમળના પાંદડાં રહે છે તો પાણીમાં પણ તેમાં તે લિપ્ત નથી. તેવી જ રીતે ગીતાના આ ઉપદેશનું, આ અનાસક્તિયોગનું આચરણ કરતાં કરતાં સંસારનાં કર્મો કરીશું તો તેનો દોષ પણ નહીં લાગે અને તેના ફળથી લિપ્ત પણ નહીં થવાય.
અને આવી રીતે સંસારમાં જ રહીને દુઃખ, વિષાદ, ભય અને ચિંતાથી મુક્ત થઈને આપણે પરમ શાંતિ પામવામાં સમર્થ થઈશું.
Your Content Goes Here




