(લેખક તા. ૨૮-૯-૨૦૧૫થી રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. – સં.)

ઈ.સ ૧૮૯૧ના વર્ષ દરમ્યાન સ્વામી વિવેકાનંદ લીંબડીના રાજા શ્રી યશવંતસિંહજીના રાજમહેલ        (ટાવર બંગલો)માં  અતિથિ તરીકે રહ્યા હતા. અહીં રામકૃષ્ણ પ્રાર્થનામંદિરની શરૂઆત તા. ૧૪-૧૦-૧૯૭૧ના રોજ થઈ હતી.

એ જ રાજમહેલ ૧૪ માર્ચ, ૧૯૯૪ના રોજ “રામકૃષ્ણ મિશન”ને સુપ્રત કરવામાં આવ્યો હતો, જેના દ્વારા કેટલીક સામાજિક સેવાઓ અને અન્ય પ્રવૃત્તિઓ ગરીબ પરિવારો અને જરૂરિયાત ધરાવતા લોકો માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના માર્ગદર્શન સાથે શરૂ કરવામાં આવી. પછીથી હાલની જમીન રામકૃષ્ણ મિશન, બેલુરને સોંપવામાં આપવામાં આવી અને તેના ફળસ્વરૂપે આ આશ્રમ રામકૃષ્ણ મિશનના એક શાખા-કેન્દ્રરૂપે અસ્તિત્વમાં આવ્યો.

સમય અને સંજોગો અનુસાર નવી જગ્યામાં નૂતન સાધુનિવાસ, ભોજનકક્ષ વગેરે માટેનાં ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૪ સપ્ટેમ્બર, ૧૯૯૬ના રોજ નવા દવાખાનાના ભવનનું રામકૃષ્ણ સંઘના તત્કાલીન ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ હસ્તે ઉદ્‌ઘાટન થયું. સ્વામી આદિભવાનંદજીએ વર્ષ ૧૯૯૮માં કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ આશરે ૧૭ વર્ષ સુધી સચિવ રહ્યા હતા.

ઈ.સ ૨૦૦૧ના મહાવિનાશક ભૂકંપ સમયે લીંબડી આશ્રમ દ્વારા મોટાપાયે રાહતકાર્ય કરવામાં આવ્યું, જેમ કે ૧૪ મહિનાના ટૂંકા ગાળામાં ૨૪ શાળાઓનું નવનિર્માણ કરીને તંત્રને સોંપવામાં આવી, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જળસંકટ હોવાથી  પીવાના પાણીની સુવિધા માટે ૬૦ જળસંગ્રહ-તળાવો બાંધવામાં આવ્યાં અને ઊંડાં ઉતારવામાં આવ્યાં.

સમય જતાં રામકૃષ્ણ મિશન, લીંબડીની અનેકાનેક પ્રવૃત્તિઓ તેમજ ભક્તજનોની સંખ્યા વધતાં નવેમ્બર, ૨૦૧૪માં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.

આજે આ સંસ્થા દ્વારા ભગવાન શ્રીરામકૃષ્ણદેવના ‘શિવભાવે જીવસેવા’, ‘બહુજન હિતાય બહુજન સુખાય’, આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ’ જેવા આદર્શોને ધ્યાનમાં રાખીને અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં ગરીબો માટે નિ:શુલ્ક દવાખાનું, ફિઝીયોથેરાપી, આંખ વિભાગ, દાંત વિભાગ, જનરલ સારવાર, વગેરે વિભાગોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને વિધવા બહેનોને તેમના જીવનનિર્વાહ માટે “મા શારદા-ગૌદાન યોજના” અંતર્ગત ગાયો આપવામાં આવી, જે કાર્ય હજુ પણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ ૮૨ ગાયોનું વિતરણ થઇ ચૂક્યું છે તેમજ લીંબડી શહેરમાં ૭૫ (પંચોતેર) જેટલાં ગરીબ-ગુરબાઓને દર મહિને ૧૦ કિલો અનાજ અને રાશન કીટ આપવામાં આવે છે. શિયાળાની ઠંડીની ઋતુમાં દર વર્ષે ગરમ કપડાં, ધાબળા, તૈયાર વસ્ત્રોનું પણ લીંબડીની આસપાસના આર્થિક પછાત ગ્રામ્ય વિસ્તારમાં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, શાળાનો ગણવેશ, પાઠ્યપુસ્તકો, નોટબુક અને અન્ય લેખનસામગ્રી પણ આપવામાં આવે છે. આ સિવાય આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ મિશન દ્વારા કરવામાં આવે છે.

આમ, ઉત્તરોત્તર વધુને વધુ સેવા-પ્રવૃતિ જેવી કે ગરીબો માટે દવાખાનું અને જરૂરિયાતવાળાઓ માટે અંગકસરત વિભાગ (ફિઝીયોથેરાપી) અને અન્ય સેવા-એકમો પણ વિકસ્યા. કુદરતી આફતો જેમ કે દુષ્કાળ રાહત સેવા, પૂર રાહતકાર્ય જ્યાં અને જ્યારે જરૂર જણાય ત્યારે કરવામાં આવતાં રહ્યાં.

આશ્રમના પરિસરમાં પુસ્તકાલય તેમજ વાંચનાલય અને રામકૃષ્ણ-વિવેકાનંદ-વેદાંત સાહિત્યનાં પુસ્તકોનું વેચાણ-કેન્દ્ર છે. આમ, રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

Total Views: 30

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.