(લેખક રામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ છે. – સં.)

યુગનાયક સ્વામી વિવેકાનંદનાં પગલાં જે જગ્યાએ પડ્યાં હોય એ જગ્યાએ રામકૃષ્ણ ભાવધારાનાં ઝરણાં અવશ્ય ફૂટી નીકળવાનાં ને આગળ વધતાં એ મહાસાગરમાં સમાઈ જવાનાં જ હોય. આવું અનેક જગ્યાની જેમ ભુજ-કચ્છમાં પણ બન્યું. સ્વામી વિવેકાનંદ ભારતભ્રમણ દરમ્યાન ભુજમાં બે વખત આવ્યા હતા અને કચ્છના રાજકુટુંબના મહેમાન બન્યા હતા, જે ઘટના ઇતિહાસમાં અંકિત થયેલી છે.

સ્વામી વિવેકાનંદની જન્મ શતાબ્દી પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી બાર ભાગમાં ગ્રંથમાળા પ્રકાશિત થઈ, જે ભુજના કેટલાક યુવકોએ વાંચી અને મિત્રવર્તુળમાં વંચાવી. તેનાથી પ્રેરિત થઈને રચાયું એક મંડળ, જેનું નામકરણ થયું ‘શ્રીરામકૃષ્ણ યુવક મંડળ, ભુજ’. ૨૪ મે, ૧૯૬૯ના રોજ સ્થપાયેલ આ કેન્દ્ર શરૂઆતનાં પાંચ વર્ષ એક સદ્‌-ગૃહસ્થના ઘેર પાણીયારા જેટલી જગ્યામાં કાર્યરત રહ્યું અને ધાર્મિક, સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થતી રહી.

પાંચ વર્ષ પછી છઠ્ઠીબારી પાસે દેશી નળિયાંવાળો ૧૦ x ૧૨ ફૂટનો એક રૂમ ભારતીય સંસ્કૃતિ સેવા મંડળ તરફથી સદ્પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવા માટે ફાળવવામાં આવ્યો. આ રૂમમાં સ્થાનાંતર થયું તે તારીખ હતી ૪ જુલાઈ, ૧૯૭૪, ગુરુપૂર્ણિમાનો દિવસ. પચીસ વર્ષ લાગલગાટ આ મંડળમાં આરાત્રિકમ્, પૂજા, ભજન, સંકીર્તન, વક્તવ્યો, વિવેકાનંદ સાહિત્યનો પ્રસાર-પ્રચાર, રાશનકીટનું વિતરણ, પુસ્તકાલય, બાળ-પુસ્તકાલય, ટોય્ઝ લાઇબ્રેરી, રાહતકાર્યો, જરૂરતમંદ દર્દીઓને દવાઓ તથા ફળોનું વિતરણ, સંસ્કારલક્ષી સ્પર્ધાઓ જેવી અનેક પ્રવૃત્તિઓ થતી રહી. ભુજમાં સાતમ-આઠમના મેળામાં, સ્થાનિક મેળાઓમાં, મોટા યક્ષ તથા નાના યક્ષના મેળામાં, કચ્છમાં યોજાતી કથાઓમાં આ યુવકો વિવેકાનંદનું સાહિત્ય લોકો સુધી પહોંચાડવા બુકસ્ટૉલનું આયોજન કરતા. બુકસ્ટૉલ માટેનું ફર્નિચર ઊંટગાડીથી પહોંચાડ્યાની વાત એ યુવકો આજેય સંભારે છે. સાતમ-આઠમના મેળામાં આ સાહિત્યથી ભરેલી હાથગાડી જાતે હંકારીને બુકસ્ટૉલ પર લઈ આવતા-જતા. આ અનુભવનો આનંદ અવિસ્મરણીય છે.

ઈ.સ. ૧૯૭૫માં નવું બંધારણ ઘડતાં આ યુવકોએ નક્કી જ કરી લીધું કે જ્યારે પણ રામકૃષ્ણ મઠ કે રામકૃષ્ણ મિશન, બેલુર મઠ ઇચ્છે ત્યારે આ મંડળે તમામ સ્થાવર, જંગમ મિલકત તેને સોંપી દેવી. આ પચીસ વર્ષ દરમ્યાન મુખ્યત્વે પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, પૂજ્ય સ્વામી પ્રમાનંદજી, પૂજ્ય સ્વામી આદિભવાનંદજી, પૂજ્ય સ્વામી વ્યોમાનંદજી, પૂજ્ય સ્વામી મુમુક્ષાનંદજી, પૂજ્ય સ્વામી પ્રપન્નાનંદજી, પૂજ્ય સ્વામી આત્માનંદજી, પૂજ્ય સ્વામી રંગનાથાનંદજી, પૂજ્ય સ્વામી સ્મરણાનંદજી, પૂજ્ય સ્વામી બ્રહ્મેશાનંદજી, પૂજ્ય સ્વામી નિખિલાત્માનંદજી, પૂજ્ય સ્વામી જિતાત્માનંદજી, પૂજ્ય સ્વામી ધ્રુવેશાનંદજી, પૂજ્ય સ્વામી અવ્યયાત્માનંદજી, પૂજ્ય સ્વામી સર્વસ્થાનંદજી, પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનંદજી, પૂજ્ય સ્વામી ઇષ્ટમયાનંદજી, પૂજ્ય સ્વામી ગુણાશ્રયાનંદજી, પૂજ્ય સ્વામી પ્રભુસેવાનંદજી, પૂજ્ય સ્વામી મંત્રેશાનંદજી અને અન્ય કેટલાય સ્વામીજીઓએ આ કેન્દ્રની મુલાકાતે આવ્યા અને આવતા રહ્યા અને ખૂબ પ્રેરણાબળ આપ્યું, એ સહુનાં વક્તવ્યો યોજાયાં, જેના પરિણામે આ યુવકોનું સંગઠન વધુ ને વધુ જોરશોરથી મચી પડ્યું.

કચ્છમાં દુકાળ, વાવાઝોડું આવે ત્યારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી થતાં રાહતકાર્યોમાં આ યુવકો સેવા આપવામાં તરત જોડાઈ જતા. અત્રે એ ઉલ્લેખનીય નોંધનીય બાબત એ છે કે પૂજ્ય સ્વામી આત્મદિપાનંદજી આ મંડળના માધ્યમથી મઠમાં જોડાયા છે. ગુજરાત રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના પ્રારંભે જ આ કેન્દ્ર સર્વપ્રથમ સભ્યકેન્દ્ર તરીકે સ્વીકારાયું હતું. આગળ વધતાં ટાંચાં સાધનો વચ્ચે આ યુવકોએ ભુજમાં જમીનની શોધ આદરતાં એ જમીન પણ સંસ્કારનગરમાં મળી ઈ.સ. ૧૯૯૪માં.

સ્વામી વિવેકાનંદના કાર્યમાં કોઈ ક્ષોભ-સંકોચ ન અનુભવતાં આ યુવકોએ લોકો પાસે હાથ લંબાવીને ફાળો ભેગો કર્યો અને આખરે ઈ.સ. ૧૯૯૯માં શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરની સ્થાપના થઈ. દાતાઓના સહકારથી ઈ.સ.૨૦૦૨માં સાધુનિવાસ, પુસ્તકાલય, દવાખાનું પણ નિર્માણ પામ્યાં. (કુદરતનું કરવું કે ઈ.સ. ૨૦૦૧ના ધરતીકંપમાં છઠ્ઠીબારીવાળો રૂમ પડી ગયો!) દરમિયાન ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ધરતીકંપ થતાં આ પરિસર મઠનાં રાહતકાર્યોનું મથક બન્યું હતું.

આ સેવા-ભવનમાં નિત્ય મંગલ આરતી, સંધ્યા આરતી, ભજન, સત્સંગ ઉપરાંત વિવેકાનંદ સાર્વજનિક પુસ્તકાલય સાથે બાળપુસ્તકાલય તેમજ દવાખાનું અને વિવેકાનંદ સાહિત્યના પ્રસાર તથા સેવાકીય કાર્યોનું ફલક વિસ્તરતું ગયું. મુલાકાતી સંન્યાસીઓના માર્ગદર્શન અને રામકૃષ્ણ સંઘના વિવિધ આશ્રમોમાં યુવકોના આવાગમન થકી પ્રેરણાબળ મળતાં આ મંડળ મઠમાં વિલીન થવા ખૂબ જ વ્યાકુળતાથી ઉત્સુક રહેતું હતું.

શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરમાં પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ અને પૂજ્ય સ્વામી ગહનાનંદજી મહારાજ દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શક-સત્ર (મંત્રદીક્ષા) પણ થયાં હતાં.

શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની ભક્તિમાં એકનિષ્ઠ એવા આ યુવકોને આતુરતા હતી કે ભુજમાં મઠ થઈ જાય. આ માટે વધુ જમીનની જરૂરિયાત જણાતાં ઉદાર દાતાઓના સૌજન્યથી કોડકી રોડ પર અંદાજે છ એકર જેટલી જમીન ખરીદવામાં આવી. આ જમીન પર કમ્પ્યૂટર, સિલાઈ, માટીકામના તથા શિક્ષણના વર્ગો શરૂ કરવામાં આવ્યા. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં બાળકો માટે રામકૃષ્ણ મઠ દ્વારા પ્રાયોજિત ‘વિવેકાનંદ હેલ્થ કેર’ નામનો ચાર વર્ષનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. પછીથી ‘ગદાધર અભ્યુદય પ્રોજેક્ટ’ પણ હાથ ધરાયો હતો.

ભુજની મુલાકાતે જે સંન્યાસીઓ આવે તેઓ પ્રસન્નતા વ્યક્ત કરી આશીર્વાદ આપતા રહેતા. બેલુર મઠમાં રામકૃષ્ણ મઠના શાખાકેન્દ્ર તરીકે ભુજના કેન્દ્રને સ્વીકારવામાં આવે એવી અવારનવાર રજૂઆત થતાં આખરે ઈ.સ. ૨૦૨૨માં આ કેન્દ્ર ‘રામકૃષ્ણ મઠ, ભુજ’ બન્યું. ‘અમારી હયાતીમાં આ સ્વપ્ન પૂર્ણ થયું,’ એમ એ સમયના યુવકો અને અત્યારના વયસ્ક બની ચૂકેલાઓએ અનુભવ્યું. આમ ત્રેપન વર્ષની તિતિક્ષા રહી. ઝરણું નદી બનીને મહાસાગરમાં સમાય એમ આ કેન્દ્ર રામકૃષ્ણ મઠમાં ઉમેરાઈ ગયું.

Total Views: 77

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.