રામચરિતમાનસમાં તણાવમુક્તિનો પહેલો અને છેલ્લો ઉપાય છે સતત ભગવાનનું નામ.
जपहिं नामु जन आरत भारी।
मिटहिं कुसंकट होहिं सुखारी॥
(સંકટથી ગભરાઈને) આર્ત ભક્ત ભગવાનના નામનો જપ કરે તો તેનાં મોટાં મોટાં સંકટ ટળી જાય છે અને તે સુખી થાય છે.
भंजेउ राम आपु भव चापू।
भव भय भंजन नाम प्रतापू॥
શ્રીરામજીએ સ્વયં શિવજીનું ધનુષ્ય ભાંગ્યું પરંતુ તેમના નામના પ્રતાપથી બધા જ ભયનો નાશ થાય છે.
ભગવાન શ્રીરામના ચરિત્રમાં આપણે જોઈએ છીએ કે જ્યારે શ્રીરામને કહેવામાં આવ્યું કે આપનો રાજ્યાભિષેક થશે અને બીજા દિવસે કહેવામાં આવ્યું કે ચૌદ વર્ષ વનમાં જવાનું છે ત્યારે શ્રીરામના મુખારવિંદ પર કંઈ જ ફેર ન પડ્યો.
प्रसन्नतां या न गताभिषेकतस्तथा
न मम्ले वनवासदुःखतः।
मुखाम्बुजश्री रघुनन्दनस्य मे
सदास्तु सा मञ्जुलमंगलप्रदा॥
અર્થાત્ રઘુકુળને આનંદ આપનાર શ્રી રામચંદ્રજીના મુખારવિંદની જે શોભા રાજ્યાભિષેકની વાત સાંભળીને ન તો પ્રસન્નતાને પ્રાપ્ત થઈ અને ન તો વનવાસના દુઃખથી મલિન થઈ, તે મુખકમળની છબિ મારા માટે સદાય સુંદર મંગળ પ્રદાન કરવાવાળી છે.
શ્રીરામ સર્વદા બધાનું હિત જ ચાહે છે. જે રાવણે સીતાનું અપહરણ કર્યું છે તેનું પણ તેઓ હિત ઇચ્છે છે.
જ્યારે અંગદને રાવણની સભામાં દૂત તરીકે મોકલવામાં આવ્યો ત્યારે શ્રીરામ અંગદને કહે છે કે તમે એવી રીતે કાર્ય કરજો જેથી આપણું કાર્ય થાય અને તેનું હિત પણ થાય.
ભગવાન શિવજી અને સતીજીના પ્રસંગમાં જોવા મળે છે કે સીતાજીનું અપહરણ થયું છે. શ્રીરામ સીતાના વિરહમાં રડે છે. આ લીલાનું દર્શન કરતાં કરતાં શિવજીનાં નેત્રોમાંથી આનંદનાં અશ્રુ વહે છે, શરીરમાં પુલક થાય છે અને ‘સચ્ચિદાનંદ પરમધામા’ કહીને પ્રભુને પ્રણામ કરે છે. આ જોઈને સતીજીને સંદેહ થાય છે. શિવજી સમજાવવા ઘણો પ્રયત્ન કરે છે પરંતુ સતીજીને શિવજીના વાક્ય ઉપર વિશ્વાસ આવતો નથી અને સતીજી શ્રીરામની પરીક્ષા લેવા માટે જાય છે. ત્યારે શિવજી શું વિચારે છે?
इहाँ संभु अस मन अनुमाना।
दच्छसुता कहुँ नहिं कल्याना॥
मोरेहु कहें न संसय जाहीं।
बिधि बिपरीत भलाई नाहीं॥
होइहि सोइ जो राम रचि राखा।
શિવજી મનમાં અનુમાન કરે છે કે દક્ષસુતા(પોતાને ખૂબ ચતુર સમજે છે)નું કલ્યાણ નહીં થાય. મારા કહેવાથી પણ જેનો સંશય જતો નથી તો વિધિ વિપરીત છે, ભલું નહીં થાય. ભગવાન રામે જે રચ્યું હશે તે જ થશે. આવું વિચારીને શિવજી હરિનામનો જપ કરવા લાગ્યા.
સંસારમાં પણ ઘણી વખત આવું બને છે કે આપણી વાત કોઈ સાંભળતું નથી. આપણે સાચી જ વાત કહીએ છીએ પરંતુ કોઈ આપણી વાત ધ્યાનમાં લેતું નથી. ત્યારે શું કરવાનું? શિવજીની જેમ ભગવાનનું નામ લેવાનું. તમે વિચારો, ભગવાન શિવની વાત જો સતીજી નથી સાંભળતાં, તો પછી આપણે કોણ છીએ? વળી પાછાં સતીજી શ્રીરામની પરીક્ષા લઈને આવે છે ત્યારે શિવજી પૂછે છે કે તમે કેવી રીતે પરીક્ષા લીધી? ત્યારે સતીજી કહે છે કે મેં પરીક્ષા જ નથી લીધી. હું તો તમારી જેમ પ્રણામ કરીને પાછી આવી ગઈ. શિવજીએ ધ્યાનમાં જોયું તો ખબર પડી ગઈ કે સતીજીએ પરીક્ષા લીધી છે પરંતુ ખોટું બોલે છે. ત્યારે શિવજી શું વિચારે છે?
तब संकर देखेउ धरि ध्याना।
सतीं जो कीन्ह चरित सबु जाना॥
बहुरि राममायहि सिरु नावा।
प्रेरि सतिहि जेहिं झूठ कहावा॥
हरि इच्छा भावी बलवाना।
हृदयँ बिचारत संभु सुजाना॥
શિવજી રામની માયાને પ્રણામ કરીને વિચારે છે કે રામ-માયાની પ્રેરણાથી સતીજી ખોટું બોલે છે. હરિની ઇચ્છા બળવાન છે. હૃદયમાં વિચારતા વિચારતા શિવજી સતીની સાથે આગળ વધે છે.
સંસારમાં ઘણી વખત આવા પ્રસંગો બનતા હોય છે. આપણને ખબર છે કે આ લોકો ખોટું બોલે છે, ત્યારે આપણો તણાવ વધી જાય છે. એ વખતે આપણે શું કરવું જોઈએ? શિવજી આપણને પ્રેરણા આપે છે. हृदयँ बिचारत संभु सुजाना॥ આવા વિકટ પ્રસંગે આપણે બુદ્ધિથી કામ લેવાનું નથી પરંતુ હૃદયથી કામ લેવાનું છે અને संभु सुजाना એટલે કે સમજપૂર્વક કામ લેવાનું છે, તો આપણને તણાવથી મુક્તિ મળશે.
એક બીજો પ્રસંગ જોઈશું. હનુમાનજીએ અશોકવાટિકા ઉજ્જડ કરી નાખી છે. ઘણા રાક્ષસોને મારી નાખ્યા અને રાવણના પુત્ર અક્ષયકુમારનો પણ વધ કર્યો.
મેઘનાદની સાથે ભયંકર યુદ્ધ થયું. બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. હનુમાનજીએ બ્રહ્માસ્ત્રને સન્માન આપ્યું અને નીચે પડી ગયા. મેઘનાદે હનુમાનજીને નાગપાશથી બાંધ્યા અને રાવણની સભામાં લાવવામાં આવ્યા.
હનુમાનજી નિઃશંક થઈને રાવણ સમક્ષ ઊભા છે. રાવણથી મોટા મોટા દેવતાઓ, લોકપાલો, ગ્રહો બધા ડરે છે પરંતુ હનુમાનજી રાવણની સામે તણાવમુક્ત છે.
રાવણે જોયું કે હનુમાનજી નીડર થઈને તેની સામે ઊભા છે. રાવણે કહ્યું –
की धौं श्रवन सुनेहि नहिं मोही।
देखउँ अति असंक सठ तोही॥
‘શું તેં મારું નામ અને યશ તારા કાનથી સાંભળ્યાં નથી? અરે શઠ, હું જોઉં છું કે તું તો ખૂબ નિર્ભય થઈને ઊભો છે.’
હનુમાનજીએ કહ્યું, ‘અરે હા, મેં તારો યશ સાંભળ્યો છે. તું સહસ્રબાહુ સાથે યુદ્ધમાં હારી ગયો હતો. તને વાલીએ છ મહિના બગલમાં દાબી રાખ્યો હતો. મારા પ્રભુના થોડાક જ બળથી તેં બધાને જીત્યા છે અને પ્રભુની પ્યારી પત્નીનું તેં અપહરણ કર્યું છે. હું શ્રીરામનો સેવક છું.’ અહીં હનુમાનજી કહેવા માગે છે કે તે તપસ્યાથી જે થોડુંક બળ મેળવ્યું છે તે મારા પ્રભુનું જ બળ છે અને હું એ પ્રભુનો સેવક છું. એટલે કે પ્રભુનું જે બધું બળ, એ મારું જ છે. હનુમાનજી માટે કહેવામાં આવે છે –
रामदूत अतुलित बल धामा।
જ્યારે બધા જ વાનરો સમુદ્રકિનારે ઊભા હતા ત્યારે સંપાતિએ કહ્યું કે ‘આ સમુદ્રથી એક સો યોજન દૂર લંકાનગરી છે અને લંકાનગરીમાં અશોકવાટિકા છે. અશોકવાટિકામાં સીતાજી બેઠાં છે. હું અહીંથી જોઈ શકું છું. જે એક સો યોજન સમુદ્ર પાર કરીને સામે કિનારે જઈ શકશે તે સીતાજીનાં દર્શન કરી શકશે.’ બધા વાનરો પોતાના બળની વાત કરે છે. કોઈ કહે છે કે હું દસ યોજન જઈ શકીશ, કોઈ કહે છે કે હું વીસ યોજન જઈ શકીશ. અંગદ કહે છે કે હું સામે કિનારે જઈ શકીશ પરંતુ પાછો આવી શકીશ કે નહીં એ ખબર નથી. જો જઈને પાછો જ ન આવે તો શું કામનું? હનુમાનજી ચૂપ છે, કંઈ બોલતા નથી. હનુમાનજી વિચારે છે કે મારામાં જે અતુલિત બળ છે તે મારું નથી, એ પ્રભુનું છે. ધામ એટલે ઘર. આપણે જો ઘરમાં કોઈ સામાન રાખીએ તો એ સામાન ઘરનો નથી, એ સામાન તો માલિકનો છે. હનુમાનજી વિચારે છે કે હું अतुलित बल धामा છું પરંતુ આ ધામ તો પ્રભુનું છે. જ્યારે જાંબવંતજીએ કહ્યું કે
राम काज लगि तव अवतारा।
રામના કાર્ય માટે તમારો જન્મ થયો છે.
सुनतहिं भयउ पर्बताकारा।
આ સાંભળતાં જ હનુમાનજી પર્વત સમાન વિશાળકાય થઈને સિંહનાદ કરવા લાગ્યા અને જાંબવંતજીને પૂછે છે કે ‘તમે મને ઉચિત શિખામણ આપો. હું રાવણ અને રાક્ષસોને મારી શકું એમ છું. તમે કહો તો જે લંકા ત્રિકુટ પર્વત ઉપર વસી છે તે લંકાને ઉઠાવીને લાવી શકું છું. તમે મને કહો, મારે શું કરવાનું છે?’
હનુમાનજીમાં આટલી શક્તિ હોવા છતાં અહંકાર નથી. જાંબવંતજીને પૂછે છે અને કહે છે કે મને ઉચિત શિખામણ આપો. લંકા જતાં પહેલાં હનુમાનજી બધા વાનરોને પ્રણામ કરે છે. હનુમાનજીમાં દીનતા, નમ્રતા, અહંકારશૂન્યતાની સાથે સાથે આત્મવિશ્વાસ છે. તેઓ કહે છે કે મને ખૂબ હર્ષ થાય છે, કાર્ય થઈ જશે.
હનુમાનજી તણાવમુક્ત છે તેનું કારણ એ છે કે તેમને પ્રભુમાં પ્રચંડ વિશ્વાસ છે. અને બીજું કારણ-પ્રભુનું સતત સ્મરણ, હૃદયમાં શ્રીરામનું નિરંતર ધ્યાન. હનુમાનજી સમુદ્રયાત્રાના પ્રારંભમાં કહે છે-
होइहि काजु मोहि हरष बिसेषी।
यह कहि नाइ सबन्हि कहुँ माथा।
चलेउ हरषि हियँ धरि रघुनाथा॥
હનુમાનજી સતત રઘુનાથને હૃદયમાં ધારણ કરે છે. હનુમાનજી જયારે લંકામાં પ્રવેશ કરે છે-
मसक समान रूप कपि धरी।
लंकहि चलेउ सुमिरि नरहरी॥
सुमिरि नरहरी એટલે કે પ્રભુનું સ્મરણ કરતાં કરતાં તેઓ લંકામાં પ્રવેશ કરે છે.
રામચરિતમાનસમાંથી આપણને પ્રેરણા મળે છે. ભગવાન શ્રીરામ, શિવજી અને હનુમાનજી આપણને પ્રેરણા આપે છે કે સંસારમાં રહીને આપણે તણાવમુક્ત જીવન કેવી રીતે અપનાવી શકીશું.
આપણે જો હરિનું ભજન કરીશું, તેમના શરણમાં જઈશું તો શું થશે? શું આપણા જેવા પાપીઓને ભગવાન શરણ આપશે? શ્રીરામ કહે છે કે ‘જેણે કરોડો બ્રાહ્મણની હત્યા કરી હોય તે પણ મારા શરણમાં આવશે તો હું તેનો ત્યાગ નહીં કરું. જીવ જયારે મારી સન્મુખ આવે છે કે તરત જ તેના કરોડો જન્મનાં પાપનો નાશ થઈ જાય છે.’
ભગવાનના નામના મહિમા વિશે કહેવાય છે કે-
भायँ कुभायँ अनख आलस हूँ।
नाम जपत मंगल दिसि दसहूँ॥
ભાવથી, કુભાવથી, ક્રોધના ભાવથી કે આળસથી પણ જો કોઈ ભગવાનના નામ-જપ કરે તો દસેય દિશાઓમાં તેનું મંગળ જ થશે. સૌને પ્રભુ તેના મંગળમય નામનો જપ કરવાની શક્તિ પ્રદાન કરે. આપણા સૌનું જીવન તણાવમુક્ત બને- એ જ પ્રભુ પાસે પ્રાર્થના!
Your Content Goes Here





