1927માં બેલુર મઠની રામકૃષ્ણ મઠની શાખા રાજકોટમાં સ્થાપિત થયા બાદ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ વિશે ગુજરાતના વિવિધ ભાગોમાં લોકો સુપરિચિત થવા લાગ્યા. અમદાવાદમાં ભક્તો સંઘના સાધુઓને આમંત્રિત કરીને આધ્યાત્મિક પ્રવચનોનું આયોજન કરતા. 1980ના અંતિમ દાયકામાં અમદાવાદના ભક્તોએ દર મહિને બે વખત એક ભક્તના ઘરે એકત્રિત થવાનું શરૂ કર્યું. આ ધાર્મિક ગૃહસભાઓને સુવ્યવસ્થિત બનાવવા માટે ભક્તોએ ઓલ્ડ હાઈ કોર્ટ રેલવે ક્રોસિંગ નજીક સિદ્ધાર્થ બંગલાના બીજા માળે હૉલ મેળવ્યો. ત્યાર બાદ તેઓ ભગવાન શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની તિથિપૂજા ઊજવવા લાગ્યા. ગુરુ પૂર્ણિમા, જન્માષ્ટમી, એકાદશી જેવાં પર્વો પણ ભવ્ય રીતે ઊજવવામાં આવતાં.
સિદ્ધાર્થ બંગલાનું સ્થાન એવું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકો સરળતાથી ત્યાં પહોંચી શકતા. મણિનગર, સાબરમતી કેમ્પ વગેરે વિસ્તારોમાંથી ભક્તો સાંજના કાર્યક્રમોમાં ભાગ લેવા આવતા.
થોડા સમય પછી અમદાવાદના ભક્તોને પોતાના શહેરમાં એક સેન્ટરની જરૂરિયાત જણાઈ—એક એવું સેન્ટર, જ્યાં જાતિ, પંથ કે ધર્મના ભેદભાવ વગર ભક્તો એકત્રિત થઈ શકે અને શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના ઉદાર અને સર્વવ્યાપક ઉપદેશોને અનુસરી શકે. જ્યારે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર, અમદાવાદની સ્થાપના કરવામાં આવી ત્યારે લાંબા સમયથી પ્રતીક્ષિત જરૂરિયાત 13 જૂન, 1987ના રોજ પૂર્ણ થઈ. આ પ્રસંગે રાજકોટ આશ્રમના તત્કાલીન અધ્યક્ષ પૂજ્ય સ્વામી મુમુક્ષાનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. સેન્ટરને રામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન સહસચિવ પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના આશીર્વાદ અને પ્રોત્સાહન પણ પ્રાપ્ત થયાં. ત્યાર બાદ ડિસેમ્બર, 1988માં આ સેન્ટર ટ્રસ્ટ તરીકે રજીસ્ટર્ડ કરાયું.
ત્યાર બાદ સેન્ટરમાં દરરોજ સાંજે શ્રીઠાકુરની આરતી, ભજન, ધ્યાન, શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગના પાઠ; એકાદશીના દિવસે રામનામ સંકીર્તન અને સંન્યાસીઓનાં પ્રવચનો નિયમિત રીતે યોજાતાં. ભક્તોની અભિરુચિ વધતાં દર અઠવાડિયે સભાઓ યોજાવા લાગી. ઉલ્લેખનીય છે કે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સેન્ટરને યોગ્ય દરે રામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્ય પૂરું પાડીને પ્રોત્સાહન આપ્યું હતું. સેન્ટરે પુસ્તક-વેચાણમાંથી મળતી આવક તથા ભક્તો અને શુભેચ્છકો પાસેથી મળતા દાન દ્વારા પોતાની નાણાકીય વ્યવસ્થા ઊભી કરી. ત્યાર બાદ સેન્ટરમાં વાર્ષિક અને આજીવન સભ્ય-ફી પણ શરૂ કરવામાં આવી. વળી, આગામી મહિનામાં યોજાનારા મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોની માહિતી નિયમિત રીતે સભ્યોને મોકલવામાં આવતી હતી.
ભક્તોને પ્રોત્સાહિત કરવા માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીઓ અવારનવાર અમદાવાદની મુલાકાત લેતા અને સેન્ટરમાં જ નહીં, પરંતુ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભક્તોનાં નિવાસસ્થાનો પર પણ આધ્યાત્મિક પ્રવચનોનું આયોજન શરૂ કરાયું. મોટા હૉલ અને શાળાઓમાં જાહેર સભાઓ સેન્ટર દ્વારા અથવા ક્યારેક લાયન્સ ક્લબ, NSS યુનિટ્સ, વિવેકાનંદ સેન્ટર જેવી અન્ય સંસ્થાઓ સાથે મળીને યોજાતી. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય સંબંધિત નાનકડું પુસ્તકાલય શરૂ કરાયું અને સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન પણ થતું રહ્યું. 1991-92 દરમિયાન સ્વામી વિવેકાનંદના ગુજરાત-પ્રવાસની ઉજવણી દરમિયાન આધ્યાત્મિક શિબિરોનું આયોજન થયું. આ ઉજવણી કાર્યક્રમનું ઉદ્ઘાટન પૂજ્ય સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
નિયમિત પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ અને અમદાવાદમાં સંન્યાસીઓના વધતા આવાગમનને કારણે ઘણા ભક્તોને સ્વતંત્ર, વધુ વિશાળ અને સ્થાયી સેન્ટરની તાતી જરૂરિયાત જણાઈ. સેન્ટરે પોતાની પ્રવૃત્તિઓ વધુ વિસ્તૃત કરવા માટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપાલિટીના અધિકારીઓનો સંપર્ક કરી યોગ્ય જમીન મેળવવા પ્રયત્ન કર્યો. તે સમયે શ્રીરામકૃષ્ણનું સર્વધર્મ સમભાવ દર્શાવતું મંદિર, ધ્યાનમંદિર અને શિક્ષણ તથા સંસ્કૃતિ માટેનું સંસ્થાન સ્થાપવાનો પ્રસ્તાવ પણ રાખવામાં આવ્યો હતો. આ દરમ્યાન તરત જ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક મકાન ખરીદવામાં આવ્યું. આ મકાનમાં અલગ હૉલ, ઑફિસ તથા પુસ્તક-વેચાણ માટે કાઉન્ટર અને સંન્યાસીઓ માટે આવાસની સુવિધા હતી. 24 ફેબ્રુઆરી, 1994ના રોજ સેન્ટરને નવા સ્થળે (બી-1 સગુણ ફ્લેટ્સ) સ્થાનાંતરિત કરવામાં આવ્યું. નવા સ્થળે શરૂઆતના એક મહિના બાદ, ઠાકુરની તિથિપૂજા—14 માર્ચ, 1994ના રોજ સજાવટ કરેલાં બળદગાડાં સહિત વિશેષ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ મકાન મળતાં સંગીત અને હસ્તકલા વર્ગો તેમજ એક્યુપ્રેશર કેમ્પ જેવી વધારાની પ્રવૃત્તિઓ શરૂ કરાઈ. આ પ્રવૃત્તિઓ બે વર્ષ સુધી ચાલુ રહી.
રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ અમદાવાદ સેન્ટરની મુલાકાત લેતા અને ત્યાં નિવાસ કરતા. ભક્તોએ તેમની ઉપસ્થિતિનો લાભ લઈને આધ્યાત્મિક પ્રવચનો અને ભક્ત-સંમેલનોનું આયોજન કરવા માંડ્યું. ત્યાર બાદ રામકૃષ્ણ મિશન, લિંબડીના વરિષ્ઠ સંન્યાસીઓ દર મહિને એક વખત સેન્ટરમાં આવીને આધ્યાત્મિક શિબિર યોજવા લાગ્યા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ પણ સેન્ટરની પ્રવૃત્તિઓના સુસંચાલનમાં સતત સહયોગ આપતા.
સેન્ટરના સભ્યોએ રાજકોટ આશ્રમ દ્વારા કરવામાં આવતાં રાહતકાર્યોમાં શક્ય તેટલું યોગદાન આપ્યું. તેમાં આંધ્ર અને કચ્છમાં વાવાઝોડા રાહત, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભૂકંપ રાહત તથા અમદાવાદમાં કોમી હુલ્લડ રાહત જેવાં કાર્યોનો સમાવેશ થાય છે. રાજકોટ આશ્રમના માર્ગદર્શન અને સહયોગથી શાળાઓમાં યોજાયેલા કાર્યક્રમો દરમિયાન વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવતાં હતાં. જ્યારે સેન્ટરને શ્રીરામકૃષ્ણ આશ્રમ, મૈસૂરમાંથી સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ વિષયક “Arise! Awake!” પ્રદર્શન પેનલો પ્રાપ્ત થઈ ત્યારે આ પ્રવૃત્તિને વધુ ગતિ મળી. શાળાઓમાં તથા સ્થાનિક બંગાળી એસોસિએશન દ્વારા આયોજિત દુર્ગાપૂજા પંડાલોમાં અનેક પ્રદર્શનો યોજાયાં, જેના દ્વારા સ્વામીજીનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. માત્ર આઠ મહિનામાં જ અંદાજે રૂપિયા એક લાખ જેટલું રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનું વેચાણ થયું હતું!
પ્રવૃત્તિઓમાં વધારો થતાં ભક્તો અને શુભેચ્છકોની સંખ્યા સતત વધતી ગઈ અને છ વર્ષમાં, એટલે કે ઈ.સ. 2000 સુધીમાં, સેન્ટર માટે વધુ વિશાળ અને સરળતાથી પહોંચાય તેવી જગ્યાની જરૂરિયાત જણાઈ. ભક્તોએ યોગ્ય સ્થળની શોધ શરૂ કરી. અંતે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના કલ્યાણ ટાવરમાં આગળ વિશાળ જાહેર બગીચો ધરાવતો A-202/203—ટ્વિન-ફ્લેટ્સ પસંદ કરવામાં આવ્યો. તેમાં નવીનીકરણ કરીને મોટો પ્રાર્થના હૉલ, ચાર ઓરડા, રસોડું વગેરે તથા હૉલ સાથે જોડાયેલ ખુલ્લી છત જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી. 17 ડિસેમ્બર, 2002ના રોજ ભવ્ય સમારોહમાં લિંબડી, પોરબંદર અને રાજકોટના સંન્યાસીઓની પાવન ઉપસ્થિતિમાં શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીની તસવીરોની સ્થાપના સાથે સેન્ટરના નવા સ્થળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વિશેષ પૂજા તથા હોમ સંપન્ન થયાં હતાં. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના તત્કાલીન ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગહનાનંદજી મહારાજે પોતાના આશીર્વાદ પાઠવી સ્થળના ઉદ્ઘાટન માટે અનુમતિ આપી. આ ઉદ્ઘાટન સમારંભમાં લગભગ પાંચસો જેટલા ભક્તો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
નવા સ્થળની પ્રાપ્તિ બાદ સેન્ટરના સભ્યોએ નૂતન ઊર્જા અને વિશેષ ઉત્સાહ સાથે સેવા-પ્રવૃત્તિઓ શરૂ કરી. એક મહિનાની અંદર જ આસપાસના ગરીબ વિદ્યાર્થીઓ માટે મફત કોચિંગ વર્ગો શરૂ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓની પસંદગી માટે સ્થાનિક મ્યુનિસિપલ શાળાઓનો સંપર્ક કરવામાં આવ્યો. અનેક લોકોએ સ્વયંસેવક તરીકે શિક્ષણ આપવા માટે તત્પરતા દર્શાવી અને પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે દરરોજ વર્ગો યોજવામાં આવ્યા. શરૂઆતમાં આ વર્ગો સેન્ટરના પ્રાંગણમાં જ લેવામાં આવતા હતા. ટ્રસ્ટી ડૉ. લીલાબેન ત્રિવેદીની સહાયથી ચેરિટેબલ દવાખાનું પણ શરૂ કરવામાં આવ્યું. બપોરના સમયમાં ડૉક્ટરો દર્દીઓની તપાસ કરતા અને તેમને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવતી. ધાર્મિક પ્રવૃત્તિઓ અંતર્ગત પૂજ્ય સ્વામી આદિભવાનંદજી મહારાજ દરેક મહિનાના બીજા શનિવારે આધ્યાત્મિક શિબિરોનું સંચાલન કરતા.
શૈક્ષણિક વિષયો સાથે સાથે જીવન-ઘડતરના પ્રારંભિક ગાળામાં બાળકોને સંસ્કાર આપવા માટે મૂલ્ય શિક્ષણ સંસ્થાની જોગવાઈ કરવાની જરૂરિયાત પણ જણાઈ. તેથી ત્રીજા ધોરણથી આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે કોચિંગ વર્ગો શરૂ કરાયા. વિદ્યાર્થીઓમાં મહાન વિભૂતિઓની રસપ્રદ વાર્તાઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન કરાતું. તેઓ શ્લોક તથા સ્તોત્રોના પાઠ પણ શીખતા. સરેરાશ દરરોજ લગભગ 30 વિદ્યાર્થીઓની હાજરી રહેતી. દરરોજ વિદ્યાર્થીઓને યોગ્ય પોષણ માટે નાસ્તો, ફળ, દૂધ તેમજ વિટામિન અને આયર્નની ગોળીઓ આપવામાં આવતી. તેમને બેગ, નોટબુક, પેન્સિલ, પેન અને શિક્ષણલક્ષી અન્ય જરૂરી લેખન સામગ્રી પણ પૂરી પાડવામાં આવતી. સેન્ટરના સ્વયંસેવકો શિક્ષક તરીકે કાર્ય કરતા. પછી સેન્ટર દ્વારા ‘વિવેક વિહાર’ ખાતે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે મૂલ્યલક્ષી શિક્ષણ વર્ગો શરૂ કરવામાં આવ્યા, જેમાં આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ ભાગ લેતા હતા. આ રીતે ‘વિવેક વિહાર’ અલ્પ સુવિધાવાળાં બાળકો સુધી પહોંચવા માટે એક મિલનબિંદુ બન્યું.
પ્રારંભથી જ સેન્ટર જાહેર ટ્રસ્ટ તરીકે ટ્રસ્ટીઓ દ્વારા સંચાલિત થતું રહ્યું છે અને નાણાકીય વ્યવસ્થામાં પારદર્શિતા જાળવવામાં આવી છે. તેથી, નાના-મોટા તમામ નાણાકીય વ્યવહારોનો હિસાબ નોંધવામાં આવે છે અને કાર્યકારી ટ્રસ્ટીઓ વરિષ્ઠ ભક્તો તથા એકાઉન્ટન્ટની મદદથી સમયાંતરે તેની ચકાસણી કરવામાં આવતી. વાર્ષિક ઓડિટની આવશ્યક પ્રક્રિયા ઉપરાંત, સેન્ટરને 1988માં કરમુક્તિ પ્રમાણપત્ર (ટેક્સ એક્ઝેમ્પશન) પણ પ્રાપ્ત થયું હતું. અને 1989-90થી આવકવેરા રિટર્ન નિયમિત રીતે ભરવામાં આવતાં હતાં. તદુપરાંત સેન્ટરની દૈનિક પ્રવૃત્તિઓની નોંધ માટે દૈનિક ડાયરી પણ રાખવામાં આવતી હતી, જેમાં રોજિંદી ઘટનાઓ, સંન્યાસીઓની ઉપસ્થિતિ, તેમનાં પ્રવચનોના વિષયો તેમજ અન્ય કોઈ વિશેષ ઉજવણીઓની વિગતવાર નોંધ વરિષ્ઠ ભક્તો દ્વારા સુવ્યવસ્થિત રીતે રાખવામાં આવતી હતી.
શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટરના ટ્રસ્ટીઓએ તેના બંધારણમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો હતો કે સેન્ટરનો અંતિમ હેતુ બેલુર મઠ સાથે સંકળાઈને વિશ્વવ્યાપી સંસ્થા—રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનું સત્તાવાર સેન્ટર બનવાનો છે. તે મુજબ આ સેન્ટર શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ મહારાજના માર્ગદર્શન હેઠળ આ દિશામાં સતત પ્રયત્નશીલ રહ્યું. અમદાવાદના ભક્તોની ઉત્સુકતા અને સામાન્ય જનતામાં રામકૃષ્ણ ભાવધારા પ્રત્યે વધતી અભિરુચિને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટીઓએ બેલુર મઠના મુખ્ય મથકને સેન્ટરને સત્તાવાર રીતે સ્વીકારવા વિનંતી કરી. શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીની કૃપા તથા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ મહારાજના પ્રયત્નોથી આ પ્રસ્તાવ વડા મથક દ્વારા સ્વીકારવામાં આવ્યો અને અમદાવાદ સેન્ટરને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું સબ-સેન્ટર બનાવવામાં આવ્યું. 30 મે, 2018ના રોજ પૂજ્ય સ્વામી સુવીરાનંદજી મહારાજ (રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના મહાસચિવ)ની પાવન ઉપસ્થિતિમાં સત્તાવાર હસ્તાંતરણ વિધિ યોજાયો, જેમાં તેમણે રામકૃષ્ણ મઠ, બેલુર મઠ તરફથી અમદાવાદના શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટરના ટ્રસ્ટીઓ પાસેથી દાનપત્ર સ્વીકાર્યું. આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ શાખા-સેન્ટરોના વડાઓ તેમજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ જાહેર સભા યોજાઈ હતી અને અમદાવાદ શહેરમાં શ્રીરામકૃષ્ણ ભાવધારાનો એક નવો અધ્યાય શરૂ થયો—આ શહેર સ્વામી વિવેકાનંદના પરિવ્રાજક દિવસોમાં તેમના આગમનથી પાવન બન્યું હતું.
(અનુવાદક – શ્રી નલિનભાઈ મહેતા)
Your Content Goes Here




