(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)

કાઠિયાવાડ (ગુજરાત)માં સંન્યાસીને હવે ચાર વર્ષ પૂરાં થઈ ગયાં હતાં, એક કાઠી દરબાર-શ્રીના દીવાન સાહેબ સાથે સંન્યાસીની ઓળખાણ થઈ અને થોડા જ વખતમાં ગાઢ સંબંધ બંધાઈ ગયો (૧૯૨૯-૩૫). ઘરના મોટા ભાઈ હતા. (મોટા ભાઈ એટલે ઘરના સૌથી વડીલ. અમુક પરિવારમાં પિતાજીને પણ મોટા ભાઈ કહેવાનો રિવાજ છે.) સંન્યાસી પણ એમને મોટા ભાઈ કહીને બોલાવતા હતા.

પ્રેમાળ તથા ઉદારદિલના મોટા ભાઈ બહુ ખર્ચાળ સ્વભાવના હતા અને આવક કરતાં વધુ ખર્ચ કરતા હોવાથી ક્યારેક ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ જતા. ચોથા વર્ગનું નાનું અમથું સ્ટેટ હતું અને મોટા ભાઈની સખત મહેનત તથા આર્થિક ઉદારતાને કારણે નવા દરબાર-શ્રી ગાદી પર રાજ્યાધિકાર પ્રાપ્ત કરી શક્યા હતા. દરબાર-શ્રી મોટા ભાઈના પરિવારના એક સભ્ય જેવા હતા.

પોતાના પુત્ર સમાન—એમ કહેવામાં પણ અતિશયોક્તિ નહીં થાય. એમના પુત્રો સાથે હરતા-ફરતા, ખાતા-પીતા અને મોજ કરતા. (મોટા ભાઈ—જાની બ્રાહ્મણ હતા)… સંન્યાસીને પણ ઘરની વ્યક્તિ સમાન જ ગણતા. સંન્યાસીનું સતત ધ્યાન રાખતા હતા—જે કંઈ પણ વસ્તુની જરૂર હોય, સહર્ષ પહોંચાડી દેતા. વારંવાર કહેતા, ‘તમે મને કહેતા કેમ નથી? એમાં સંકોચ શાનો? શા માટે તકલીફ ઉઠાવો છો. કોઈ વસ્તુની જરૂર પડે તો મને ન કહી શકો, તો છોકરાઓમાંથી કોઈને કહી દેવું. તકલીફ ન લેતા,’ વગેરે.

શિયાળાની ઋતુ ચાલતી હતી. બહુ ઠંડી પડતી હતી, મુંબઈમાં એ વર્ષે શીત-લહેર શરૂ થવાથી લોકો પરેશાન હતા. સમુદ્ર-કાંઠે ઠંડી ઓછી પડતી હોવાથી, લોકો વધારે ગરમ કપડાં રાખતા નથી, પણ એ વર્ષે તો ઠંડીના માર્યા ઠૂંઠવાઈ ગયા અને ગરમ કપડાંના વેપારીઓએ પુષ્કળ કમાણી કરી.

મુંબઈ જવું હતું. ઘરના બધા લોકો જઈ રહ્યા હતા. મોટા ભાઈએ સંન્યાસીને પણ સાથે આવવાનો આગ્રહ કર્યો, પણ સંન્યાસી પાસે ગરમ કોટ કે સ્વેટર અથવા કોઈ ગરમ વસ્ત્ર ન હોવાથી તે મનોમન સંકોચ કરવા લાગ્યો. ઘરમાં દરજી બેસાડ્યા હતા અને રાજકોટની બજારમાં ઉત્તમ કક્ષાની ગરમ કાપડની જેટલી પણ દુકાનો મળી, એ બધી દુકાનોમાંથી કાપડ ખરીદી લીધું. ઘરના પુત્ર-પૌત્ર વગેરે મળીને લગભગ પચાસ માણસો હશે, બધા માટે ગરમ બંડી કે કોટ, જે કંઈ પસંદ પડે, એ ચાર દરજીઓ જલદી જલદી બનાવી આપતા હતા.

એમના એક નાના ભાઈ જુદા રહેતા હતા. એમના ૧૦-૧૧ છોકરાઓ દિવસમાં એક વાર મોટા ભાઈ પાસે જરૂરથી આવતા. તેમણે જોયું કે એમના શરીર પર સાધારણ ગરમ કપડાં કે સુતરાઉ વસ્ત્રો છે. બસ, આદેશ આપી દીધો કે પહેલાં આ લોકો માટે કોટ બનાવી આપો, ઘરના લોકો માટે પછી બનાવજો. ગૃહિણી ધર્મપત્ની આ બાબતે નારાજ થયાં અને કહ્યું, ‘આ લોકો તો અહીંયાં જ રહેશે, એમને પછી કરી આપવાથી ચાલશે, આપણે તો બહારગામ જવાનું છે અને સમય ઓછો છે.’ પરંતુ, ‘નહીં, આ લોકો માટે પહેલાં બનાવી દો.’

એકાંતમાં સંન્યાસીને કહ્યું, ‘સ્વામીજી, એ છોકરાઓ બધું જોતા હતા અને એમની પાસે સારાં ગરમ કપડાં નથી. બાળકો જ તો છે, અમને ન આપ્યાં એવું વિચારીને મનમાં દુઃખી થશે. આ બાબત ભેદભાવ પેદા કરે છે, એટલે મેં કહ્યું કે પહેલાં એમના માટે બનાવો.’

હવે શું કરે—તરત જ બીજા બે દરજીને સિલાઈના કામમાં લગાડ્યા. બજારમાં શોધવા છતાં એ પ્રકારનું કાપડ ન મળ્યું. મામૂલી ગરમ કાપડનો તાકો લઈ આવ્યા અને પોતાનાં પૌત્ર-પૌત્રીઓ-દીકરાઓ માટે અને પોતાના માટે પણ એ જ સસ્તા કાપડના કોટ વગેરે બનાવડાવ્યાં. પોતાના માટે સૌથી છેલ્લે બનાવરાવ્યો. જે દિવસે જવાનું હતું, એના એક દિવસ પહેલાં તૈયાર થયા.

તેમણે કહ્યું, ‘અરે, આ શું? તમે બધાએ ખ્યાલ ન રાખ્યો કે સ્વામીજી પાસે કોઈ ગરમ કપડાં નથી, એક કોટ તો જોઈએ ને? હું તો પૂછવાનું જ ભૂલી ગયો, હવે શું થાય?’ ઊભા થયા અને ઘરમાં પડેલો પોતાના માટે બનાવડાવેલો ગરમ કોટ ઉપાડી લાવ્યા અને પ્રેમપૂર્વક જબરજસ્તી પહેરાવી દીધો. થોડો મોટો હતો, એટલે દરજીને બોલાવીને કાપીને માપસરનો કરાવી દીધો. સંન્યાસીએ ઘણું કહ્યું, ‘રહેવા દો, મુંબઈ જઈને સ્વેટર લઈ લઈશ, તમારે વિશેષ જરૂર છે.’

દીવાન સાહેબે કહ્યું, ‘ના, મારે કંઈ ખાસ જરૂર નથી, હું તો મુંબઈ જઈને સ્વેટર કે કોઈ ગરમ કપડાં લઈ લઈશ.’

એક મહિનો મુંબઈ રોકાઈને પાછા રાજકોટ આવવાનું નક્કી થયું હતું. ત્યાં તો બિહારમાં ભૂકંપથી ભયંકર નુકસાન થયાના સમાચાર આવ્યા. ખાર (મુંબઈમાં રામકૃષ્ણ મિશન)ના સ્વામીજીએ મને અમદાવાદ જઈને મિત્રો પાસે દાનની અપીલ કરવાનું કહ્યું. જો તેઓ મિશનના સેવાકાર્યમાં કંઈક મદદ કરી શકે તો, સંન્યાસીએ એવો પ્રયત્ન પણ કર્યો અને થોડી સફળતા પણ મળી. એક મોટા અગ્રણી તરફથી આર્થિક સહાયતા કરવાનો પ્રસ્તાવ વારંવાર આવી રહ્યો હતો, એને કારણે ઘણા લોકો વચન આપીને પાછા હઠી ગયા, ખેર તે બીજો વિષય છે.

વર્તમાન કાર્ય પતી ગયા પછી અમદાવાદથી રાજકોટ જવાનું હતું. પરંતુ રેલવેના ભાડા માટે પાસે પૈસા ન હતા. જો કોઈ એ ખર્ચ માટે ન પૂછે, તો સંન્યાસીએ તો પગપાળા જવાનું નક્કી કરી લીધું હતું. તે જે સજ્જનના ઘરે રોકાયો હતો ત્યાંના લોકો બહુ માયાળુ હતા, એ બધા ઘણો પ્રેમ રાખતા હતા અને જાણ કરી હોત તો ભાડા વગેરેની વ્યવસ્થા કરત, પરંતુ સંન્યાસીનો નિયમ હતો—વગર પૂછ્યે કંઈ ન કહેવું. એટલે જો કોઈએ ન પૂછ્યું, તો પગપાળા જ રાજકોટ જવાનો નિર્ણય કર્યો હતો.

ટેલિગ્રામ આવ્યો કે મોટા ભાઈ એકલા જ રાજકોટ પાછા જાય છે; સાથે જવા તૈયાર રહેજો. પરંતુ હજુ પણ ભૂકંપ-પીડિતોની મદદ માટે અમુક લોકો પાસેથી વચન લેવાનું બાકી હતું, એટલે જવું શક્ય ન હતું. જે સજ્જનના મહેમાન થયા હતા, તેઓ પણ મોટા ભાઈને મળવા સંન્યાસી સાથે સ્ટેશન આવ્યા. એ પહેલેથી જ એમને ઓળખતા હતા.

ગાડી આવી, મળ્યા, વાતચીત થઈ, ફંડ બાબતે ઘણી જાણકારી મેળવી—ત્યાં જ ગાડી ઊપડવાનો સમય થઈ ગયો, ગાર્ડ સાહેબે સીટી વગાડી, ગાડી ચાલતી થઈ અને મોટા ભાઈએ બારીમાંથી પૂછ્યું, ‘સ્વામીજી, તમારી પાસે ભાડાના પૈસા છે ને?’ સંન્યાસી હસીને મૌન રહ્યા. એમણે તરત જ દસ રૂપિયાની એક નોટ કાઢીને કહ્યું, ‘રાખો, રાખો.’ ગાડી ઝડપથી ચાલવા લાગી, સાથે આવેલા સજ્જને દોડીને નોટ લઈ લીધી. ગાડી ચાલી ગઈ.

સજ્જને કહ્યું, ‘કેમ સ્વામીજી, અમે તો છીએ ને. તમારી પાસે ભાડું ન હતું, તેનો અણસાર તો આપવો હતો.’… ‘પણ મહાશય, હવે તો જરૂર નથી, ઈશ્વરેચ્છાથી જેટલા મળ્યા, એટલા પૂરતા છે,’ આમ કહીને સંન્યાસીએ વાત ટાળી દીધી.

અઠવાડિયા બાદ રાજકોટ પરત ફરીને મોટા ભાઈને મળવા ગયો, ત્યારે એમના એક નાના ભાઈ હાજર હતા. ઘરમાં પ્રવેશ કરતાં જ તેઓ બોલ્યા, ‘શું સ્વામીજી, તમને ખબર છે કે મોટા ભાઈ આ વખતે જ્યારે મુંબઈથી આવ્યા, ત્યારે કેવી ખરાબ પરિસ્થિતિમાં આવ્યા હતા? પાસે દસ રૂપિયા જ હતા અને અમદાવાદમાં તે તમને આપી દીધા હતા. રસ્તામાં ન તો ચા પીધી, ન તો કંઈ ખાધું અને જ્યારે અહીંયાં પહોંચ્યા, જ્યારે હું સ્ટેશને લેવા ગયો, ત્યારે કુલી-મજૂરને ચૂકવ્યા.’

‘અરે, અરે, શું વાત કરો છો? મને કઈ રીતે ખ્યાલ આવી શકે કે પાસે દસ રૂપિયા જ હતા અને એ પણ મને આપી દીધા. એ તો તમે કહ્યું ત્યારે ખબર પડી. મેં તો માગ્યા પણ ન હતા અને ગાડી ઊપડ્યા બાદ બારીમાંથી રૂપિયા આપ્યા હતા. અરે, મારા માટે આટલી તકલીફ ઉઠાવી, હે ભગવાન!’ એટલી વારમાં મોટા ભાઈ હસતાં હસતાં બહાર આવીને સ્નેહપૂર્વક ભેટ્યા.

આમાં માનવતાની ઝાંખી સુસ્પષ્ટ છે.

Total Views: 25

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.