(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘શ્રીમદ્‌ ભાગવતનો કેન્દ્રવર્તી વિષય’ નામના પુસ્તકમાંથી આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.)

ભાગવતના ત્રીજા સ્કંધમાં એક અવતારની કથા છે. ત્યાં ભગવાન કપિલના સ્વરૂપે પધાર્યા છે. તેઓ ગૃહત્યાગ કરીને વનમાં જવા ઇચ્છતા હતા. તેમનાં માતા દેવહૂતિએ કપિલને કહ્યું: ‘હે પ્રિય પુત્ર, તું અહીંથી ચાલ્યો જા તે પહેલાં મને કંઈક આધ્યાત્મિક ઉપદેશ આપતો જા.’

તેથી ત્રીજા સ્કંધના ૨૯મા અધ્યાયમાં આપણને એક પૂર્ણ રીતે સાચા આધ્યાત્મિક જીવનનું ઉલ્લેખનીય વિવરણ મળે છે.

ગમે તે રીતે એક મહાન વિચાર જે વાચકોના ઉપર ઠાંસી ઠાંસીને વારંવાર ભરવામાં આવ્યો છે, તે એ છે કે સદાસર્વદા ભગવાનને ભજવા જોઈએ અને એ કંઈ ફક્ત મંદિરમાં કે મૂર્તિમાં નહિ, બધાના હૃદયમાં રહેલા છે એની ભક્તિ કરવી જોઈએ. હૃદયમાં શા માટે? કારણ કે ભગવાન બધાના હૃદયમાં વિરાજમાન છે.

છેલ્લાં હજારેક વરસથી ભારતમાં આપણે આ સુંદર વિચાર ભૂલી ગયા છીએ. આપણે માનવની સ્થિતિને વીસરી બેઠા છીએ, આપણે માનવસ્થિતિની ઉપેક્ષા કરી છે. અલબત્ત, આ બધો વખત દરમિયાન મંદિરો અને મૂર્તિઓના પૂજકો હતા તો ખરા જ પણ આપણે માનવજાતની ઉપેક્ષા કરી એટલે આપણે વિદેશી વિજેતાઓના સેંકડો વરસો સુધી ગુલામ બની રહ્યા. પણ અહીં કપિલ કહે છે:

अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा।

હું સર્વ પ્રાણીઓના હૃદયમાં તેમના આત્મારૂપે રહેલો છું. तमवज्ञाय मां मर्त्यः कुरुतेऽर्चाविडम्बनम्॥ (૩-ર૯-ર૧) આમ છતાં કેટલાક માણસો મારી અવગણના કરે છે અને મારું અપમાન કરે છે અને ફક્ત મૂર્તિઓમાં જ મને પૂજે છે! આ કેવો મૂર્ખતાભર્યો વિચાર છે! એટલા માટે એમણે કહ્યું:

अहमुच्चावचैर्द्रव्यैः क्रिययोत्पन्नयानघे।
नैव तुष्येऽचिर्तोऽर्चायां भूतग्रामावमानिनः॥

(3-29-24)

હે નિષ્પાપ માતા, પૂજાવિધિઓ અને ઉત્સવોમાં અઢળક ધન ખર્ચનારા લોકોની ભેટસોગાદોથી હું ખુશ થતો નથી. પ્રાણીઓનું અપમાન કરનારાઓની પૂજાનો હું સ્વીકાર જ કરતો નથી.

આ ઉપદેશોની આપણે કેટલીય સદીઓ સુધી અવગણના કરી છે, શ્રીમદ્‌ ભાગવત ભલે આપણે વાંચતા રહ્યા હોઈએ પણ આ ઉપદેશનો મર્મ સમજવાની આપણે ખેવના કરી નથી. અને એના પછીના ૨૭મા શ્લોકમાં કપિલ કહે છે:

अथ मां सर्वभूतेषु भूतात्मानं कृतालयम्।
अर्हयेद्दानमानाभ्यां मैत्र्याभिन्नेन चक्षुषा॥

(3-29-27)

‘अर्हयेत्’ નો અર્થ ‘અર્હણા’ કે ‘અર્ચના’ કરવી એવો થાય છે. તમારે બધા જીવોમાં મારી પૂજા-અર્ચના કરવી (सर्वभूतेषु) કારણ કે भूतात्मानम्- હું જ તેમનો આત્મા છું. कृतालयम्-તેમના દેહોમાં મેં ક્યારનુંય મંદિર બાંધી મૂક્યું છે. अर्हयेत्- એટલે એમની પૂજા કરવી જોઈએ. પણ માનવમાં રહેલા આ ઈશ્વરની પૂજા કેવી રીતે કરવી! શેરીમાં જતા કોઈ માણસને ઊભો રાખીને શું તમે એમ કહેશો કે ભાઈ, ઊભો રહે, મારે તારી પૂજા કરવી છે. ના, આ કંઈ રીત નથી. તો પછી માનવમાં રહેલ ભગવાનને ભલા ભજવો કેવી રીતે? પહેલાં તો ‘દાન’. બની શકે તો જરૂરતમંદ લોકોની આવશ્યકતાઓ પૂરી કરો-એના અભાવો દૂર કરો. જો તેઓ અજ્ઞાની હોય તો તેમને શિક્ષણ આપો. જો તેઓ ગરીબ હોય તો તેમને થોડું ધન કે જરૂરી વસ્તુઓ આપો. જો એમને શાન્તિ ન મળતી હોય તો શાન્તિ આપો. આ દાન કહેવાય અને જ્યારે તમે કશુંક આપો ત્યારે અભિમાન કરશો નહિ કે ઉદ્ધત બનશો નહિ. માન-સન્માનપૂર્વક આપો.

ત્યાર પછી બે મહત્ત્વના શબ્દો આવે છે: मैत्री અને अभिन्नेन चक्षुषा. દાન પહેલાં તમારે મૈત્રી કેળવવી જોઈએ. તમે જ્યારે ભારતના કોઈ ગામડામાં સેવાકાર્ય કરવા જાઓ, ત્યારે ગ્રામવાસી લોકો પહેલાં તો તમારાથી ડરશે. શા માટે? કારણ કે તેઓ હંમેશાં બહારના લોકો વડે શોષાતા જ રહ્યા છે. એટલે તેમને લાગે છે કે તમે પણ ફરી વખત તેમનું શોષણ કરવા માટે જ ગામડામાં આવ્યા છો. એટલે સૌ પહેલાં તો તમારે તેમના મિત્ર બનવું જોઈએ અને ફક્ત ત્યાર પછી જ તમે એમની બરાબર સેવા કરી શકો! અને છેલ્લે એક અદ્‌ભુત અભિવ્યક્તિ આવે છે. એ વેદાંતના, ખાસ કરીને અદ્વૈત વેદાંતના કેન્દ્રમાં પડેલી છે. એ કઈ અભિવ્યક્તિ છે? अभिन्नेन चक्षुषा-અભેદભાવના વલણથી આપણે બધા એક જ છીએ. આપણે ભિન્ન છીએ જ નહિ. ઠેઠ ઉપનિષદોના સમયથી આ ‘अभिन्नेन चक्षुषा’ની કેવી સમૃદ્ધ ભાવના ભારતવર્ષે ઉપદેશેલી છે? પણ એ દેશે હંમેશાં ‘भिन्नेन चक्षुषा’નું જ આચરણ કર્યે રાખ્યું છે!

નાતજાતની વાડાબંધી અને બીજા બધા પ્રકારની ગુલામીનું આચરણ આપણે સેંકડો વર્ષો સુધી કર્યે જ રાખ્યું છે. સ્વામી વિવેકાનંદે સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું અને લોકોનાં દુ:ખદર્દો નિહાળ્યાં. ૧૮૯૩ના ઓગસ્ટની ૨૦મી તારીખે અમેરિકાથી આલાસિંગા પેરુમલને લખેલા એક પત્રમાં સ્વામી વિવેકાનંદે લખ્યું હતું, ‘હિંદુ ધર્મ જેટલા ઉચ્ચ સ્વરે બીજા કોઈ પણ ધર્મે પૃથ્વી ઉપર મનુષ્યત્વના ગૌરવનો પ્રચાર કર્યો નથી; અને હિંદુ ધર્મની જેમ અન્ય કોઈ ધર્મે પૃથ્વી ઉપર ગરીબ અને નીચલા વર્ગો ઉપર જુલમ ગુજાર્યો નથી.’ (સ્વા. વિવે. ગ્રં. ૬.૯૨)

મદ્રાસમાં ‘ભારતનું ભાવિ’ વિષયક આપેલા પ્રવચનમાં સ્વામી વિવેકાનંદે આ વિષય ચર્ચ્યો છે. તેમણે કહ્યું:

‘આવતાં પચાસ વરસ સુધી આપણો આ એક જ મુખ્ય સૂર બનવો જોઈએ: આપણી મહાન માતૃભૂમિ ભારત! એટલા સમયને માટે બીજા બધા નકામા દેવોને આપણાં મનમાંથી રજા આપી દઈએ. આ એક જ દેવ, આપણી પોતાની ભારતીય પ્રજા, અત્યારે જાગ્રત છે. સર્વત્ર તેના હાથ છે, સર્વત્ર તેના પગ છે, સર્વત્ર તેના કાન છે; સર્વત્ર એ વ્યાપી રહેલ છે. બીજા બધા દેવો તો સૂઈ રહ્યા છે. આપણી ચારે બાજુએ રહેલ આ વિરાટ ભગવાનને આપણે ભજીશું નહિ તો વળી બીજા કયા નકામા દેવોની પાછળ દોડ્યા કરીશું?’ (સ્વા. વિવે. ગ્રં. ૪.૨૧૦)

સ્વામીજીએ ભારપૂર્વક આ લોકોની પૂજા કરવાનું આપણને કહ્યું છે. એને માટે અંગ્રેજીમાં Worship સિવાય એકેય શબ્દ બંધબેસતો નથી. અહીં સેવા (Service) શબ્દ પૂરતો નથી. પૂજા (Worship) જ બરાબર શબ્દ છે. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદની આખીય ફિલસૂફી આ ઉપદેશ-સૂત્ર પર આધારિત છે કે દરેક માનવજીવમાં દિવ્યતા રહેલી છે અને તેમની સેવા કરવી એ જ તેમની સાચી પૂજા છે, તેથી શ્રીરામકૃષ્ણે પોતે કહ્યું છે કે ‘દરેક જીવ એ શિવ છે.’ જીવોની સેવા એ ઈશ્વરની જ પૂજા છે. ભારતમાં આપણે આ એક મહાન પાઠ ભણવાનો છે. આપણું તત્ત્વજ્ઞાન અને આપણી આધ્યાત્મિકતા તો ઘણાં ઊંચાં છે, પણ આપણો સમાજ ઘણી નિમ્નકોટિનો છે. અહીં માનવજાતનો માનમરતબો ઘણી વાર ઘણો હલકો થાય છે.

આ આધુનિક યુગમાં આપણા સામાજિક સંબંધોમાં સમાનતા-સમત્વનું વલણ સર્જવા માટે ક્રાન્તિ ઉત્પન્ન કરવા સ્વામી વિવેકાનંદ આવ્યા. આ જ વાત ગીતામાં શ્રીકૃષ્ણે શીખવી હતી કે ‘આપણે બધા એક છીએ.’ આજે આપણે ત્યાં રાજાઓ નથી, સમ્રાટો નથી. આપણે સૌ સ્વતંત્ર ભારતના નાગરિકો છીએ. દરેકને પોતાનો એક મત આપવાનો અધિકાર છે, આપણે સૌ સમાન છીએ. આને સ્વાતંત્ર્ય કહેવાય છે અને આપણાં રાજકીય અરમાનો અને હાલ અનુસરાતી પદ્ધતિઓ આ સ્વાતંત્ર્યના શિક્ષણ સાથે મેળ ખાય તેવાં રહ્યાં છે.

એટલા માટે અહીં એક મહાન વેદાંતિક વિચાર-अभिन्नेन चक्षुषा- અને આ નાત, જાત, ધર્મ, સામાજિક સ્થાન કે એવા અન્ય કોઈ પણ જાતના ભેદભાવ વગર સર્વ કોઈને લાગુ પડે છે. દરેક માનવપ્રાણીમાં દિવ્યતા રહેલી છે, એ ઉપનિષદનો અનન્ય આવિષ્કાર છે.

પછીથી આ વિચાર ગીતા દ્વારા ઉપદેશાયો અને પછી શ્રીમદ્‌ ભાગવત તેમજ અન્ય શાસ્ત્રગ્રંથો દ્વારા વિકાસ પામ્યો છે અને આજે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ દ્વારા ‘માનવસેવા દ્વારા પ્રભુસેવા’ના ઉપદેશ અંતર્ગત એ વિચારને એક નવો જ આયામ આપવામાં આવ્યો છે અને આ વિચાર શ્રીમદ્‌ ભાગવતના બીજા સ્કંધમાં આપણને મળે છે.

Total Views: 1

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.