(૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬-૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે અને ગુજરાતમાં રામકૃષ્ણ સંઘના ૪થા કેન્દ્ર રૂપે વડોદરામાં ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, હતા. વડોદરા’નો મંગલ પ્રારંભ થયો. આ મંગલ પ્રસંગે રામકૃષ્ણ મઠ-મિશનના તેરમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૨ એપ્રિલ, ૨૦૦૫ના રોજ પાઠવેલ મંગલ સંદેશ અહીં રજૂ કરીએ છીએ. ૨૫ એપ્રિલ, ૨૦૦૫ના રોજ તેમણે મહાસમાધિ લીધી તેના ૧૩ દિવસો પહેલાં જ આ સંદેશ મોકલ્યો હતો. આ કદાચ તેમણે મોકલાવેલ છેલ્લો સંદેશ છે, માટે તેનું મહત્ત્વ વધી જાય છે. – સં.)

સ્વામી નિખિલેશ્વરાનંદ,

૭મી એપ્રિલ, ૨૦૦૫નો તમારો ફેક્સ સંદેશ મળ્યો છે. મને એ જાણીને આનંદ થાય છે કે વડોદરાના વિખ્યાત ‘દિલારામ બંગલા’નું સમર્પણ રામકૃષ્ણ મિશનને કરવામાં આવશે અને ત્યાં સ્વામીજીનું સુયોગ્ય સ્મારક રચાશે. આ મંગલ પ્રસંગે ઉપસ્થિત ભાવિકો સમક્ષ વાચન કરવા તમે મને શુભસંદેશો આપવાની વિનંતી કરી છે. આનંદ અને હર્ષ સાથે હું મારો સંદેશ પાઠવું છું :

‘વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દિવાન રાવ બહાદુર મણિલાલ જશભાઈના નિવાસ સ્થાને કે જ્યાં સ્વામી વિવેકાનંદ પોતાની પરિવ્રાજક અવસ્થામાં વડોદરામાં ઊતર્યા હતા એ દિલારામ બંગલો રામકૃષ્ણ મિશનને સમર્પિત કરવામાં આવ્યો છે એ જાણીને હું અત્યંત આનંદ અનુભવું છું. આ બંગલો હવે પવિત્ર તીર્થક્ષેત્ર બની ગયું છે.

પોતાના પરિભ્રમણકાળ દરમ્યાન સ્વામીજીએ પોતાના દેશબંધુઓની અત્યંત દારુણ દશા જોઈ એમનું હૃદય ગરીબો, અજ્ઞાનીઓ અને કચડાયેલા લોકો માટે દ્રવી ઊઠ્યું. સ્વામી વિવેકાનંદે આપણા દેશની અત્યંત આવશ્યક જરૂરતને જાણી. આ વિશ્વ કરોડો દુઃખી, પીડિતોના કલ્યાણ માટે કેટલાક પવિત્ર આત્માઓની સમર્પણભૂમિ છે. એટલે જ તેઓ આવા પીડિતોનાં દુઃખ-કષ્ટને હરનારાં અને શિવપૂજાના ભાવે સેવા કરનારા અસંખ્ય યુવાન, બળવાન, પ્રતિભાવાળા, વિદ્વાન અને જીવંત નર-નારીઓને ઝંખતા હતા.

ભારતીય સંદર્ભમાં સ્વામીજીએ જોયું કે આધ્યાત્મિકતાનો પથ ભૌતિક સુધારણા અને સામાજિક સુધારણામાંથી પસાર થાય છે. આ બાબતે એમણે વેદાંતમાંથી પ્રબળ અને વ્યવહારુ સામાજિક તત્ત્વજ્ઞાન અને દૃષ્ટિ મેળવ્યાં. તેમણે ભારતને માટે અત્યંત આવશ્યક એવો, માનવ-ઘડતર કરતા ધર્મનો અને રાષ્ટ્રનું ઘડતર કરતી શ્રદ્ધા તેમજ નિર્ધારણ શક્તિનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું : ‘તમારી જાતને અને દરેકે-દરેકને તેમના પોતાના મૂળ સ્વરૂપની વાત શીખવો. સુષુપ્ત આત્માને જગાડો અને જુઓ કે તે કેવો જાગી ઊઠે છે. આ સુષુપ્ત આત્માને એની સ્વચૈતન્યમય પ્રવૃત્તિમાં જગાડવામાં આવશે ત્યારે શક્તિ આવશે, કીર્તિ આવશે, કલ્યાણ આવશે, પવિત્રતા આવશે અને જે કંઈ પણ શ્રેષ્ઠ છે તે બધું આવશે.’ રામકૃષ્ણ મિશનના આ કેન્દ્રમાંથી સ્વામીજીનો આ સંદેશ અવિરત વહેતો રહેશે અને આ પ્રદેશના લોકોનાં હૃદય સોંસરવો ઊતરી જશે.

જો આપણા રાષ્ટ્રના પ્રજાજનો સ્વામીજીના માનવ ઘડતર, ચારિત્ર ઘડતર, રાષ્ટ્ર નિર્માણના આ વિચારોના સંપર્કમાં આવશે તો તેમનામાં આ સમાજ માટેની નિઃસ્વાર્થ સેવા-ભાવના જાગશે અને એ બધાને સહાય કરીને તેઓ પ્રબુદ્ધ નાગરિક બનશે. આપણામાંના દરેકે થોડા ઘણા અંશે પણ આ પ્રાપ્ત કરવું પડશે. ગીતાના બીજા અધ્યાયના શ્લોક ૪૦માં કહ્યું છે કે આ દિશામાં કરેલું થોડું કાર્ય પણ આપણને અને આપણા દેશને મહાફળ આપશે. આજે આપણી આ તાતી જરૂર છે, વધુ અને વધુ સંખ્યામાં આવા પ્રબુદ્ધ નાગરિકોની અત્યંત આવશ્યક્તા છે. જ્યારે આપણી પાસે આવા પ્રબુદ્ધ નાગરિકો હશે તો આપણને સારા સાંસદો, પ્રધાનો, વહીવટદારો, શિક્ષકો અને કામદારો એની મેળે મળી રહેવાના. જ્યારે આપણામાં આવી પ્રબુદ્ધતા આવશે ત્યારે આપણી આસપાસના વિશ્વમાંનાં લોકોનાં વર્તુળને વધુ ને વધુ વિસ્તૃત બનાવીને આપણે એમની સાથે સમસંવેદન અનુભવતા થઈશું. આવું સંવેદનશીલ હૃદય, આવી સહાનુભૂતિ એ જ આજના આપણા દેશમાં સર્વત્ર અને આપણા પોતાનામાં દેખાતા મહારોગની રામબાણ દવા છે.

ઐતિહાસિક ભવનને સમર્પિત કરવામાં જેમણે કાર્ય કર્યું છે એમના પર ભગવાન શ્રી રામકૃષ્ણ, શ્રી શ્રીમા, સ્વામી વિવેકાનંદ અમી કૃપા કરતા રહે અને આવાં સુકાર્ય માટે પ્રેરતા રહે તેવી પ્રાર્થના. આ આયોજનને સફળ બનાવવાના કાર્યમાં પોતાનું અમૂલ્ય પ્રદાન આપનારા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના વહીવટીતંત્રને હું મારા હાર્દિક ધન્યવાદ પાઠવું છું અને એમનો આભાર પણ માનું છું. શુભ પ્રસંગે એકત્રિત થયેલા ભાવિકજનો અને ભવિષ્યમાં પણ આવનારા સૌ ભાવિકજનો પર ભગવાન શ્રી રામકૃષ્ણ, શ્રી શ્રીમા, સ્વામી વિવેકાનંદની અમી કૃપા વરસતી રહો અને એમને તેઓ સદૈવ પ્રેરતા રહે એવી મંગલ કામના.

સૌનો આભાર. નમસ્કાર.

આ મહોત્સવની સાર્વત્રિક સફળતા માટે હું મારો હાર્દિક પ્રેમ અને શુભેચ્છા પાઠવું છું.

ભવદીય,
સ્વામી રંગનાથાનંદ
પરમાધ્યક્ષ
રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠ

Total Views: 12

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.