મહાન ભારત
‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું. આ એ જ આર્યાવર્ત છે કે જેની આધ્યાત્મિકતાનું પ્રતિનિધિત્વ જાણે કે સાગર સરખી ધસમસતી સરિતાઓ ભૌતિક ભૂમિ ઉપર કરી રહી છે; આ એ જ ભારત છે, જ્યાં પુરાતન નગાધિરાજ હિમાલય હિમના થર ઉપર થર ચઢાવીને તુષારમંડિત શિખરો વડે ખુદ આકાશનું રહસ્ય ભેદવાનો જાણે કે પ્રયત્ન કરી રહ્યો છે; આ એ જ ભારતભૂમિ છે, જેની ધરતીને જગતમાં થઈ ગયેલા મહાનમાં મહાન ઋષિઓના પાવનકારી ચરણોનો સ્પર્શ થયેલો છે. માનવીની પ્રકૃતિ વિશેની તેમ જ આંતરજગત વિશેની ખોજ પહેલ વહેલી આ ભૂમિમાં જ થઈ. આત્માના અમરત્વનો સિદ્ધાંત સૌ પહેલાં, આ ભૂમિમાંથી જ ઊઠ્યો; ધર્મના અને ફિલસૂફીના ઉચ્ચમાં ઉચ્ચ આદર્શો તેમના સર્વોચ્ચ શિખરે આ ભૂમિમાં પહોંચ્યા. જ્યાંથી આધ્યાત્મિકતા અને ફિલસૂફીએ વારંવાર ભરતીના મોજાંની પેઠે બહાર ધસી જઈને દુનિયાને તરબોળ કરી મૂકી તે ભૂમિ આ જ છે; અને માનવજાતિની અધ:પતિત પ્રજાઓમાં ચેતના અને જોમ પૂરવા અર્થે આવી ભરતી ફરી એકવાર જ્યાંથી ઊઠવી જોઈએ તે ભૂમિ પણ આ જ છે. આ એ જ ભારતવર્ષ છે, જે સદીઓના આઘાતો, સેંકડો પરદેશી આક્રમણો તેમજ રીતભાતો અને રિવાજોની સેંકડો ઉથલપાથલો સામે ટક્કર ઝીલીને ઊભું છે. આ એ જ ભૂમિ છે, જે અદમ્ય જોમ અને અવિનાશી જીવન લઈને દુનિયા પરના કોઈ પણ પહાડ કરતાં વધુ મજબૂત થઈને ઊભેલી છે. એનું જીવન આત્મા સરખા જ સ્વભાવનું અનાદિ, અનંત અને અવિનાશી છે: આવા દેશના આપણે સંતાનો છીએ.’
ભારતનાં સંતાનોને ભારતના ભવ્યભૂતકાળનું આ રીતે દર્શન કરાવતાં સ્વામી વિવેકાનંદ ‘ભારતનું ભાવિ’ પરના ભાષણમાં કહે છે: ‘ભૂતકાળના મહિમાનું તમને ફરી સ્મરણ કરાવવામાં મારો હેતુ ફક્ત આ જ છે કે, ભૂતકાળના સનાતન ઝરણાંમાંથી આકંઠ પાન કરી લો; ત્યાર પછી આગળ વધો અને ભારત પૂર્વે હતું તેના કરતાં તેને વધુ ઉજ્જ્વળ વધુ મહાન અને વધુ ઉન્નત બનાવો.’
એક સૈકા પૂર્વે સ્વામી વિવેકાનંદે જ્યારે આ શબ્દો ઉચ્યાર્યા હતા, ત્યારે તો ભારત ગુલામ હતું. પરતંત્રતાની બેડીઓથી જકડાયેલું હતું. તેની ચેતના લુપ્ત થઈ ગઈ હતી. પોતાના ભવ્ય ભૂતકાળને તે વિસરી ગયું હતું. એક હજાર વર્ષથી તે જાણે તમસની, દીર્ઘ રાત્રિમાં સરી પડ્યું હતું. પોતાની શક્તિને તે ગુમાવી બેઠું હતું. બ્રિટિશરો અને અન્ય દેશો ભારતને જાદુગરો અને મદારીઓના દેશ તરીકે ઓળખાવતા હતા. ભારતના મહાન હિંદુધર્મને ખ્રિસ્તી મિશનરીઓ અનૈતિકતાના પર્યાય તરીકે જાહેરમાં ગણાવતા હતા. અને તેની સામે કોઈ પડકાર કરી શકતું નહીં. ‘ભારતમાં સંસ્કૃતિ જેવું છે જ નહીં, એટલે ત્યાં લોકોને સંસ્કાર અને ધર્મનું શિક્ષણ આપવા ખ્રિસ્તી મિશનરીઓને મોકલવાની ખૂબ જરૂર છે.’ એવું કહીને બ્રિટિશ શાસકો પશ્ચિમના લોકોને ભરમાવતા. જ્યારે હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની મહાનતાનું તેમણે પ્રત્યક્ષ દર્શન કર્યું ત્યારે એ દિવસથી એમના ભ્રમ પરથી પરદો સરી પડ્યો. ૧૮૯૩માં શિકાગોમાં મળેલી વિશ્વના મહાન ધર્મોની સભામાં ભારતથી આવેલા, ભારતની કોઈપણ ધાર્મિક સંસ્થાનું પ્રતિનિધિત્વ નહીં પામેલા ત્રીસ વર્ષના યુવાન સાધુએ ફક્ત એક નાનકડું ભાષણ આપ્યું, અને તેણે હિંદુધર્મની શાશ્વતા, વ્યાપકતા અને સર્વ ધર્મો પ્રત્યેના આદરભાવને એવી રીતે વ્યક્ત કર્યો કે હજારો શ્રોતાઓ મંત્રમુગ્ધ બની હિંદુ ધર્મના મહાન સ્વરૂપને પ્રત્યક્ષ નિહાળવા લાગ્યા. એ જ ક્ષણથી ભારતની મહાન સંસ્કૃતિ અને તેના સનાતન વૈદિક ધર્મના વિશ્વના તખ્તા ઉપર છવાઈ જવાની શરૂઆત થઈ ગઈ. બીજા દિવસે અમેરિકાના વિખ્યાત છાપાંઓમાં આગળના પાને ભારતના આ યુવાન સાધુના ફોટાઓ અને પ્રશંસાસભર સમાચારો છપાયા. પ્રસિદ્ધ દૈનિક ન્યુયોર્ક હેરોલ્ડે લખ્યું: ‘સ્વામી વિવેકાનંદ શિકાગોની વિશ્વધર્મસભાના મુખ્ય નાયક છે.’ પછી તો વિશ્વધર્મસભા જેટલા દિવસ ચાલી, તેટલા દિવસો આ મહાનાયકે હિંદુધર્મની લાક્ષણકિતાઓ, હિંદુધર્મનાં મહાન સત્યો, રહસ્યો, ઉદાત્તતત્ત્વો અને સર્વવ્યાપી સિદ્ધાંતો – પોતાની અસ્ખલિત ઓજસ્વી વાણીમાં વિશ્વધર્મોના ધુરંધર પ્રતિનિધિઓ અને ઉપસ્થિત રહેલા અમેરિકા અને પાશ્ચાત્ય દેશોના વિદ્વાનો સમક્ષ એવી રીતે રજૂ કર્યાં કે અત્યારસુધી પાશ્ચાત્ય મિશનરીઓ દ્વારા વર્ણવાયેલા હિંદુધર્મના વિકૃત સ્વરૂપની માન્યતાઓના ચૂરેચૂરા થઈ ગયા અને જગતનો ઉદ્ધાર કરનાર જો કોઈ એક માત્ર ધર્મ હોય તો તે ભારતનો વેદાંતિક ધર્મ છે, એની સર્વને પ્રતીતિ થઈ ગઈ. પછી તો સ્વામી વિવેકાનંદ ચાર વર્ષ સુધી અમેરિકા અને યુરોપમાં રહ્યા. તેમણે પાશ્ચાત્ય દેશોને વેદાંતનું અમૃત પીવડાવી એમના સાચા સ્વરૂપનું ભાન કરાવ્યું. અનેક વ્યાખ્યાનો દ્વારા, વેદાંતના વર્ગો દ્વારા, વાર્તાલાપો દ્વારા તેમણે ભારતના મહાન તત્ત્વજ્ઞાનને પશ્ચિમના લોકોની સમક્ષ ખુલ્લું કર્યું. સ્વામીજીનાં આ વ્યાખ્યાનો વિષે ‘ધ બ્રુકલિન સ્ટેન્ડર્ડ’ નામના વર્તમાનપત્રે લખ્યું હતું: ‘વેદોના પ્રાચીન ઋષિઓની એ વાણી હતી; હિંદુ સાધુ સ્વામી વિવેકાનંદના પ્રેમ અને સહિષ્ણુતાના મધુર શબ્દો દ્વારા એ વ્યક્ત થઈ રહી હતી, ભારતીય ધર્મના એમના સુંદર અને છટાદાર બચાવને સાંભળવા માટે શહેરના તમામ ભાગોમાંથી, અનેક સન્નારીઓ, ડૉક્ટરો, વકીલો, ન્યાયધીશો, શિક્ષકો અને તમામ વ્યવસાયોમાં રોકાયેલા લોકો આવેલા હતા… તેઓને નિરાશા ન મળી. સ્વામી વિવેકાનંદ વિશે તેમણે સાંભળ્યું હતું એથી પણ તેઓ વધુ મહાન નિકળ્યા. ખ્રિસ્તીઓની નૈતિકતા અને બૌદ્ધોની ફિલસૂફીનો સમન્વય સાધતા નૂતન ધર્મના એ ફિરસ્તા છે.’
નૂતનધર્મના એ ફિરસ્તાએ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને હિંદુધર્મની મહાનતાને પુન: પ્રતિષ્ઠિત કરી દીધી. પછી ૧૮૯૭માં જ્યારે તેઓ ભારત પાછા આવ્યા ત્યારે ભારતમાં તેમનું અભૂતપૂર્વ સ્વાગત થયું. અનેક શહેરોમાં હજારો લોકોની હાજરીમાં તેમના સન્માન સમારંભો યોજાયા. આ સમારંભોમાં તેમણે ભારતની ચેતનાને જાગૃત કરતા અગ્નિમય શબ્દોવાળાં ભાષણો આપ્યાં. કોલંબોથી અલમોડા જતાં પ્રેરક અને અગ્નિસમા ભાષણો તેમણે આપ્યાં. એથી સદીઓથી ગુલામીમાં સૂતેલું ભારત જાગી ઊઠ્યું. સમગ્ર દેશમાં, સ્વામી વિવેકાનંદના શબ્દોએ જડતાને હચમચાવી નાખી અને નવી ચેતનાની લહર પ્રસરાવી દીધી. કાકા સાહેબ કાલેલકરે કહ્યું હતું કે ‘અમે ત્યારે યુવાનો હતા. સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચ્યા તેથી આત્મવિશ્વાસ વધ્યો અને ભારતમાતાની ગુલામીની બેડીઓ તોડવાનો સંકલ્પ દૃઢ થયો. એમના એ ભાષણો આજે પણ એટલાં પ્રાણવાન અને શક્તિશાળી છે કે એના વાચકમાં તે પ્રાણશક્તિ, વિદ્યુતશક્તિનો સંચાર કરીને વાચકને એની સામાન્યતામાંથી ઊંચે ઉઠાવીને પ્રચંડ શક્તિપૂંજ બનાવી દે છે.’
ઓ ભારત! વિશ્વ પર વિજય મેળવ!
૧૮૯૭માં મદ્રાસના ભાષણમાં એમણે કહ્યું હતું: ‘જગતમાં મહાન વિશ્વ વિજય મેળવનારી પ્રજાઓ થઈ છે. આપણે પણ મહાન વિજેતાઓ થયા છીએ. આપણા વિજયની ગાથાને ધર્મ અને આધ્યાત્મિકતાના વિજયની ગાથા તરીકે ભારતના પેલા મહાન સમ્રાટ અશોકે વર્ણવી છે. ફરી એકવાર ભારતે વિશ્વનો વિજય કરવો જ જોઈએ… આપણી સમક્ષ આ મહાન આદર્શ છે. અને દરેકે ભારત દ્વારા વિશ્વનો વિજય કરવા માટે તૈયાર થવાનું છે; એનાથી જરા ય ઓછું નહીં. આપણે સહુએ આને માટે કમર કસવાની છે, તનતોડ પ્રયાસ કરવાનો છે. ભલે પરદેશીઓ આવીને તેમનાં લશ્કરોથી દેશને ભરી દે. કંઈ પરવા નહીં. ઓ ભારત! તું ખડો થઈ જા, અને તારી આધ્યાત્મિકતાથી વિશ્વપર વિજય મેળવ!’ સ્વામી વિવેકાનંદે ભારતના આત્માને આહ્વાન આપ્યું અને તેના સૂતેલા આત્મામાં પ્રાણ પૂરી પોતાની અગ્નિમય વાણીથી આદેશ આપ્યો કે ભારત સમગ્ર વિશ્વ પર પોતાની આધ્યાત્મિકથી વિજય મેળવે. તેમણે ભારતની પ્રજાને વિશ્વવિજયી ભારતનું સ્વપ્ન સેવવા હાકલ કરી. વિકાસશીલ દેશમાંથી ભારત વિકસિત દેશ બને તો શું તેઓ આનંદિત થશે? તે ભૌતિક પ્રગતિ કરી આગળ પડતો દેશ બને તો શું તેઓ પ્રસન્ન થશે? નહીં નહીં. જ્યાં સુધી ભારત સમગ્ર વિશ્વ પર વિજય પ્રાપ્ત કરી વિશ્વવિજયી નહીં બને ત્યાં સુધી સ્વામી વિવેકાનંદજીને પ્રસન્નતા નહીં થાય. (India must conquer the whole world.) તેમણે કહ્યું હતું – ભારતે સમસ્ત વિશ્વ પર વિજય કરવો જ પડશે.’ એનાથી ઓછું કંઈ જ તેમને આનંદ આપી શકે તેમ નથી. ભારતને વિશ્વવિજયી બનાવવા માટે તેમણે ભારતની પ્રજાના પ્રમાદને અને ધર્મના કહેવાતા બાહ્યાચારોને ખંખેરી નાખતા શબ્દોમાં કહ્યું: ‘હવે પછીનાં પચાસ વર્ષ સુધી માત્ર આ જ આપણું કાર્યક્ષેત્ર બનશે – આ આપણી મહાન માતા ભારતભૂમિ. બીજાં બધાં નકામા દેવ-દેવીઓ ભલે આપણાં મનમાંથી ભૂંસાઈ જતા.’ ભારત માતાના આત્માની સાથે તદ્રૂપ થઈને સ્વામી વિવેકાનંદના અંતરમાંથી ઉદ્ભવેલી આવી શક્તિશાળી વાણીએ પ્રજાના મન પર જાદુ પાથરી દીધો. આવી અસ્ખલિત વાણીના પ્રવાહથી પ્રજાની ધરબાઈ ગયેલી રાષ્ટ્રીય ચેતના જાગૃત થવા લાગી. આ અગ્નિમય શબ્દોએ અનેક વીરોને માતૃભૂમિને માટે બલિદાન આપવા પ્રેર્યા. સુભાષચંદ્ર બોઝ, ભગિની નિવેદિતા, શ્રીઅરવિંદ, મહાત્મા ગાંધીજી, ચક્રવર્તી રાજગોપાલાચારી, ડૉ. રાધાકૃષ્ણન્, આ બધા દેશભક્તો ઉપરાંત ફાંસીના ગાળિયાને ફૂલમાળાની જેમ પહેરીને વંદેમાતરમ્નો જયઘોષ કરતાં માતૃભૂમિની મુક્તિ માટે પ્રાણ ત્યજી દેનારા અનેક ક્રાન્તિકારી યુવાનોના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ હતા. ક્રાન્તિકારીઓના ઘરની તલાશ લેતાં બ્રિટિશ અધિકારીઓને ભૌતિક બોંબ તો નહોતા મળતા, પણ ‘ઍટમબૉમ્બ’થી પણ વધારે શક્તિશાળી એવાં બે પુસ્તક રૂપી બૉમ્બ તો જરૂર મળતા, અને તે હતા આ સ્વામી વિવેકાનંદનું બંગાળી ભાષામાં લખાયેલું પુસ્તક ‘પત્રાવલી’ અને બીજું શ્રીમદ્ ભગવદ્ગીતા. ‘પત્રાવલી’ ક્રાન્તિવીરોનું પ્રેરણાસ્રોત હતું. ‘પત્રાવલી’ની જનમાનસ ઉપર આટલી પ્રચંડ અસર જોઈને બ્રિટિશ સરકારે તેના પ્રકાશન પર પ્રતિબંધ લગાડવાનો પ્રયત્ન કર્યો હતો.
સ્વામી વિવેકાનંદે પોતાની આંતરદૃષ્ટિથી જોઈ લીધું હતું કે જ્યાં સુધી ભારત સ્વાધીન નહીં થાય, ત્યાં સુધી આપણા ધર્મને લોકો સમજી નહીં શકે. ગુલામ દેશના લોકોના ધર્મ અને સંસ્કૃતિ ગમે તેટલાં મહાન હોય, તો પણ તે ગુલામ-પરાધીન દેશનાં હોવાથી, વિશ્વના દેશો એની મહત્તાનો ક્યારેય સ્વીકાર નહીં કરે. આથી જ ભારતની સ્વાધીનતાની તેમને સૌ પ્રથમ આવશ્યકતા જણાઈ હતી. આ સ્વાધીનતાની પ્રાપ્તિ માટે પ્રજાના માનસમાં ઘર કરી ગયેલી ગુલામ મનોદશાને દૂર કરવાની અને પ્રજાના મનમાં રાષ્ટ્રીય ભાવનાને જાગૃત કરવાની તાતી જરૂર જણાતાં તેમણે અમેરિકાથી ભારત આવ્યા પછીના એમના જીવનનાં મૂલ્યવાન સાત વર્ષમાં આજ કાર્ય કર્યું. ભારતની પ્રજાના માનસમાં સૈકાઓથી વ્યાપેલી જડતાને હચમચાવી અને તેમાં ચૈતન્યનો પ્રવાહ રેડવાનું કાર્ય કર્યું.
સ્વામી વિવેકાનંદની આર્ષદૃષ્ટિ
સ્વામી વિવેકાનંદ ભવિષ્યવેત્તા નહોતા. પણ યુગદૃષ્ટા હતા. એક વખત સાંજે તેઓ બેલુડમઠમાં ગુરુભાઈઓ સાથે બેઠા હતા. ત્યારે અચાનક બોલી ઊઠ્યા, ‘જોઈ લીધા, જોઈ લીધા, ભારતના ઈતિહાસના છસ્સો વર્ષના પાનાં જોઈ લીધાં.’ આ સાંભળીને તેમના ગુરુભાઈઓને આશ્ચર્ય થયું કે, ‘તેઓ શું કહી રહ્યા છે?’ પણ તેઓ એટલું જ બોલ્યા કે, ‘જોવાઈ ગયાં.’ તેમની ત્રિકાલજ્ઞ દૃષ્ટિની સમક્ષ ભારતનો ભવ્ય ભૂતકાળ અને એથી જ વધુ ભવ્ય ભવિષ્ય પ્રગટ થયું હતું. આ ભવિષ્યદર્શનની બેચાર વાતો આકસ્મિક રીતે એમના મુખમાંથી નીકળી ગઈ હતી. ૧૮૯૭માં એમણે કહ્યું હતું કે આજથી પચાસ વર્ષ પછી ભારત સ્વાધીન થશે. અને તે પણ અણધારી રીતે ને કોઈ પણ જાતના લોહી રેડ્યા વગર. તે સમયે તો હજુ અહિંસાનો વિચાર હવામાં પણ નહોતો. ગાંધીજીનું ભારતમાં આગમન પણ થયું નહોતું. તે વખતે તેમણે આ કહ્યું હતું. અને બરાબર પચાસ વર્ષ પછી ૧૯૪૭માં તેમણે જેમ કહ્યું હતું, તેમ લોહી રેડ્યા વગર અણધારી રીતે જ ભારત સ્વતંત્ર થયું. ૧૮૯૩માં શિકાગો ધર્મસભા સપ્ટેમ્બરમાં યોજાઈ તે પહેલાં સ્વામીજી બોસ્ટનમાં રહેતા હતા. એક દિવસ તેઓ પ્રૉ. જ્હોન હેન્રિ રાઈટ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. ત્યારે તેમણે કહ્યું: ‘જ્યારે બ્રિટિશર્સ ભારત છોડી દેશે, પછી એવી સંભાવના છે કે ચીન ભારત પર આક્રમણ કરે.’ શ્રીમતી રાઈટે પોતાની ડાયરીમાં સ્વામી વિવેકાનંદના આ શબ્દો નોંધી લીધા હતા, એમ સીસ્ટર ગાર્ગીએ – મેરી લુઈ બર્કે, છ ભાગમાં પ્રકાશિત પોતાના પુસ્તક ‘Swami Vivekananda in the West New Discoveries’માં જણાવ્યું છે. ત્યારે ચીન ભારત પર આક્રમણ કરે એવી તો કોઈ કલ્પના પણ કરી શકે નહીં. એ સમયે એમણે ઉચ્ચારેલા આ શબ્દો ૧૯૬૨માં સાચા પડ્યા. આ ઉપરાંત ચીન અને રશિયા સોશ્યલ ફ્રન્ટ પર આગળ વધશે અને તેમનું પુન:જાગરણ થશે, એ વાત પણ તેમણે કરી હતી. એ પછી ૧૯૧૭માં રશિયામાં ક્રાન્તિ આવી ને સામ્યવાદ અસ્તિત્વમાં આવ્યો. આ જ રીતે તેમણે ભારતના ઉજ્જ્વળ ભવિષ્યને પણ પોતાની યૌગિક દૃષ્ટિ સમક્ષ પ્રગટતું જોયું હતું. જેની વાત તેમણે ભારતમાં આપેલા પ્રવચનમાં કરી હતી. તેમણે કહ્યું: ‘હું ભવિષ્યમાં મીટ માંડતો નથી; તેમ જ ભૂતકાળને જોવાની પરવા પણ કરતો નથી. પરંતુ એક દૃશ્ય હું આપણા અસ્તિત્વ જેટલું જ સ્પષ્ટ જોઈ રહ્યો છું કે આપણી પ્રાચીન ભારતમાતા ફરી પાછી એક વાર જાગી ઊઠે છે અને પૂર્વે કદી ય હતી તેના કરતાં વધુ યૌવનસંપન્ન અને વધુ મહિમાવાન બનીને પોતાના સિંહાસન પર વિરાજમાન થઈ છે.’ સ્વામીજીએ ભારતમાતાના ભવ્ય ને દિવ્ય સ્વરૂપને વિશ્વના સિંહાસન પર વિરાજમાન થયેલું સ્પષ્ટપણે જોયું છે. એ પણ આપણા અસ્તિત્વ જેટલું જ સ્પષ્ટ રૂપે જોયું છે એટલે એ સ્વરૂપ અવશ્ય પ્રગટ થશે જ. પણ ક્યારે પ્રગટશે? ક્યારે તે વિશ્વની સામ્રાજ્ઞી બનશે? ક્યારે સમગ્ર વિશ્વ તેના ચરણોમાં ઝૂકશે? આ પ્રશ્નો આપણા હૃદયમાં ઊઠે છે. કેમ કે, અત્યારની પરિસ્થિતિ જોતાં તો સ્વામી વિવેકાનંદનું આ સ્વપ્ન સાચું પડે તેવી શક્યતા આપણને જણાતી નથી. આપણા દેશની બાહ્ય પરિસ્થિતિ જોતાં આપણને નિરાશા ને હતાશા જ સાંપડે છે. દેશના ૨૫% લોકો ગરીબીની રેખાની નીચે જીવી રહ્યા છે. ૪૦% પુરુષો અને ૬૦% સ્ત્રીઓ નિરક્ષર છે. આર્થિક ક્ષેત્રે ભારત ઘણું પાછળ છે. સામાજિક ક્ષેત્રે તે અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે અને રાજકીય ક્ષેત્રની તો વાત જ કરી શકાય તેમ નથી. આ રીતે ચારેબાજુથી નિરાશા ઉપજે તેવી પરિસ્થિતિમાં ભારત સમગ્ર વિશ્વ પર વિજય પ્રાપ્ત કરીને આખા જગતને પ્રકાશ પ્રત્યે દોરશે એ વાત અશક્ય લાગે છે. પરંતુ અશક્યને શક્ય જ નહીં પણ સિદ્ધિમાં પલટાવી નાખનારી સ્વામીજીની વાણી આપણા હૃદયમાં આશા, ઉત્સાહ, બળ અને પ્રેરણા જગાડીને, આપણા મનમાં કંડારાયેલા ભારતના ભાવિના નિરાશાજનક ચિત્રને પલટાવી નાખે છે. તેઓ કહે છે; ‘અનેક ઉજ્જ્વલ સૈકાઓથી અખંડ ચાલ્યા આવતા પ્રવાહ સામે હું સ્તબ્ધ બનીને જોઈ રહું છું; પણ બીજી જ ક્ષણે તે વધારે તેજથી ઝળકી ઊઠે છે. અને આમ મારી માતૃભૂમિ ગૌરવભર્યા પગલાં માંડતી આગળ ને આગળ ચાલતી જાય છે. પશુમાનવને દેવમાનવની સ્થિતિએ લઈ જવાની પોતાની ગૌરવમય નિયતિને પૂર્ણ કરવા માટે આગળ જાય છે: તેની આ ગતિને પૃથ્વી કે સ્વર્ગની કોઈ સત્તા રોકી શકશે નહીં.’ સમગ્ર માનવજાતિને પશુતામાંથી દિવ્યતા પ્રત્યે લઈ જવાનું કાર્ય પરમાત્માએ ભારતને સોંપ્યું છે. પોતાની આ નિયતિને ભારત પોતાની આધ્યાત્મિકતા દ્વારા પૂર્ણ કરશે, એ ભવિષ્ય પણ સ્વામીજીએ જોયું હતું. કલકત્તાના સ્ટાર થિયેટરમાં ૧૮૯૮માં, ૧૧મી માર્ચે ભરાયેલી વિશાળ જનસંખ્યાવાળી જાહેરસભામાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું; ‘ભારતમાં આધ્યાત્મિકતા એટલી બધી ભરપૂર હતી, એટલી બધી હતી કે તેની મહત્તાએ તેને એ કાળની જગતની તમામ પ્રજાઓમાં સૌથી મહાન પ્રજા બનાવી હતી. અને જો પ્રાચીન પરંપરા અને આશા પર ભરોસો મૂકાતો હોય તો આપણા એ સોનેરી દિવસો પાછા આવશે.’
ભારતનું ગૌરવમય અતીત
આપણું પ્રાચીન ભારત મહાન હતું. ભારતના ઋષિઓના તપોમય જીવને આપણી સંસ્કૃતિનું ઘડતર કર્યું હતું એટલે વિશ્વની અન્ય સંસ્કૃતિઓ – ગ્રીસ., ઇજિપ્ત, રોમની સંસ્કૃતિ કાળના ગર્તામાં ક્યાંય વિલીન થઈ ગઈ, પણ ભારતની સંસ્કૃતિ આજ પર્યંત ટકી રહી છે. આપણી આર્યસંસ્કૃતિ એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ છે. પાશ્ચાત્ય, ઈતિહાસકારો તો એવું કહે છે કે આર્યો બહારથી આવ્યા છે. પણ ‘આર્યન ઈન્વેઈઝન થીયરી’ હવે જૂઠી સાબિત થઈ છે. આર્યો બહારથી આવ્યા નથી પણ તેઓ ભારતમાં જ સરસ્વતીના તીરે વસતા હતા એ વાત હવે પાશ્ચાત્ય વિદ્વાનોએ સાબિત કરી છે. કચ્છના રણમાં સેટેલાઈટ દ્વારા ચિત્રો લેવામાં આવ્યાં અને તે દ્વારા સાબિત થયું છે કે લુપ્ત થયેલી સરસ્વતીનો પ્રવાહ ત્યાં વહેતો હતો. આપણી વૈદિક સંસ્કૃતિ-મહાન ભારતીય સંસ્કૃતિ સરસ્વતીના કિનારે પાંગરી હતી. જ્યારે પશ્ચિમના લોકો હજુ બર્બરતામાંથી બહાર નહોતા આવ્યા, સભ્યતા શું કહેવાય એની તેઓને ખબર નહોતી ત્યારે અમૂલ્ય જ્ઞાનના ભંડાર એવા વેદોથી આપણી સંસ્કૃતિ પ્રકાશી રહી હતી. આપણી સુસંસ્કૃત સંસ્કૃત ભાષા પણ ત્યારે અસ્તિત્વમાં હતી. આજે કમ્પ્યુટર નિષ્ણાતો સંસ્કૃત ભાષાની અદ્ભુત રચના અને સઘનતા જોઈને આશ્ચર્ય અનુભવે છે. તેઓ કહે છે કે સંસ્કૃત કમ્પ્યુટર માટેની શ્રેષ્ઠ ભાષા છે. એ ભાષામાં રચાયેલું સાહિત્ય પણ કેટલું મહાન છે! ભારતનાં એ પ્રાચીન મહાકાવ્યો, નાટકો, વાર્તાઓ, વિશ્વસાહિત્યનો અમૂલ્ય નિધિ બની રહ્યાં છે.
વિશ્વની બોધકથાઓ, નીતિકથાઓનાં મૂળ ભારતીય કથાસરિત્સાગર, પંચતંત્ર અને હિતોપદેશની, વાર્તાઓમાં રહેલાં છે. જર્મનીના મહાન કવિ ગેટે કવિ કાલિદાસના, ‘અભિજ્ઞાન શાકુંતલમ્’ નાટકથી એટલા તો મુગ્ધ બની ગયા હતા કે તેને મસ્તક પર મૂકીને નાચી ઊઠ્યા હતા! પ્રાચીન ભારત સાહિત્યક્ષેત્રે તો અજોડ હતું જ, પણ અન્ય ક્ષેત્રોમાં પણ તે અગ્રેસર હતું. સંગીતમાં સૂરસપ્તમ્ એ ભારતની દેન છે. ચિત્રકળા, શિલ્પ, સ્થાપત્યકલામાં ભારતની બરોબરી કોઈ રાષ્ટ્રો કરી શકે તેમ ન હતાં. અજંતા-ઇલોરાની ગુફાઓનાં ચિત્ર અને સ્થાપત્ય જોઈને આજે પણ પાશ્ચાત્ય ચિત્રકારો અને સ્થપતિઓ દંગ થઈ જાય છે. ઈલોરાનું કૈલાસમંદિર તો ફક્ત એક જ ખડકમાંથી બનેલું છે. આજ સુધી આવું શિલ્પસ્થાપત્ય ક્યાંય કંડારાયું નથી. નૃત્ય અને અભિનય કલામાં પણ ભારત મોખરે હતું. ફક્ત લલિત કલાઓમાં જ નહીં પણ વિજ્ઞાન અને ગણિતમાં પણ ભારત આગળ હતું. આજે પાશ્ચાત્ય દેશો ગૌરવ લે છે કે અમારા ન્યુટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો, પણ ખરેખર ગુરુત્વાકર્ષણની શોધ તો સર્વ પ્રથમ ભારતમાંથી જ થઈ હતી. આઠમી શતાબ્દીમાં ભાસ્કરાચાર્યે ‘સિદ્ધાંત શિરોમણિ’ નામનો ગ્રંથ બે ભાગમાં લખ્યો હતો. તેમાં તેણે ગુરુત્વાકર્ષણનો શ્લોક આપ્યો છે. તેમણે લખ્યું છે: ‘આકૃષ્ટ શક્ત્યા:’ – પૃથ્વીમાં રહેલી આકર્ષણશક્તિને લઈને પદાર્થો નીચે પડે છે. આ વાત સૈકાઓ પછી ન્યુટને કહી હતી! એ જ રીતે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, તે આર્યભટ્ટે હજારો વર્ષો પહેલાં જણાવ્યું હતું. અંકગણિત, બીજગણિત અને ભૂમિતિની શોધ પણ સર્વપ્રથમ ભારતમાં જ થઈ. દશાંશપદ્ધતિ પણ ભારતે જ જગતને આપી છે. આજે સમગ્ર સોફ્ટવેર પદ્ધતિ જેના ઉપર ઊભી છે, એ શૂન્યની ભેટ પણ ભારતે જ આપી છે. શૂન્ય કાઢી નાખો તો બધી જ પદ્ધતિઓ ઠપ્પ થઈ જાય તેમ છે. દરેક ક્ષેત્રમાં ભારતનું મહત્ત્વનું પ્રદાન રહેલું છે. તે સમયે ઔષધિવિજ્ઞાન અને ચિકિત્સાવિજ્ઞાન પણ ખૂબ વિકાસ પામેલાં હતાં. સુશ્રુત જેવા સર્જન હતા, ચરક જેવા નિષ્ણાત ચિકિત્સક હતા, જેમના ગ્રંથો સુશ્રુત સંહિતા અને ચરકસંહિતા આજે પણ સર્જરી અને ચિકિત્સા વિજ્ઞાનના પ્રમાણભૂત આધાર તરીકે આયુર્વેદના અભ્યાસમાં માનવામાં આવે છે. આર્થિક ક્ષેત્રે તો ભારત એટલું મહાન હતું કે તેને ‘સોને કી ચિડિયા’ કહેવામાં આવતું હતું. વ્યાપાર-વાણિજ્ય, હુન્નર ઉદ્યોગો વિકાસ પામેલા હતા. રાજા અને પ્રજા વચ્ચે પિતા અને સંતાનો જેવો પ્રેમભર્યો સંબંધ હતો. પ્રજા સુખી અને સંતોષી હતી. બહારના વિદેશી પર્યટકો તો ભારતની સમૃદ્ધિ અને જાહોજલાલી જોઈને મોઢામાં આંગળાં નાંખી જતાં. એક વિદેશી પર્યટકે તો નોંધ્યું છે કે ‘ભારતમાં એક વિચિત્ર પ્રથા જોવા મળી. અહીં તો રાજા વરસમાં એક વખત પ્રજાને માટે પોતાનો ખજાનો ખુલ્લો મૂકે છે, પ્રજાને જે જોઈએ તે તેમાંથી લઈ શકે છે. એમાં કોઈ નિયંત્રણ હોતું નથી. પણ આશ્ચર્યની વાત તો એ છે કે એ ખજાનામાંથી દ્રવ્ય લેવા માટે કોઈ આવતું જ નથી. જેવો રાજા ઉદાર છે, એવી જ પ્રજા પણ સંતોષી અને સમૃદ્ધ છે. પ્રજા ઈમાનદાર છે. અણહક્કનું લેવામાં કોઈ માનતા નથી.’ આવું સમૃદ્ધ હતું એ ભારત! ભારતના લોકોની નીતિમત્તા ઘણી ઊંચી હતી. લોકો તે વખતે દરવાજાને તાળું મારતા જ નહોતા. બિહારમાં ખોદકામ કરતાં રાજગીર અને નાલંદા વિદ્યાપીઠોના અવશેષો મળી આવ્યા. ત્યાંનું બાંધકામ જોતાં એવું જણાયું છે કે તેમાં ક્યાંય દરવાજાઓ જ નહોતા! જ્યાં કોઈ ચોર જ ન હોય ત્યાં દરવાજાઓની જરૂર જ ક્યાંથી હોય!
આવું મહાન અને સમૃદ્ધ ભારત હતું, એ આજે માની શકાતું નથી. સ્વામી વિવેકાનંદ તો કહે છે કે ભારત ફરીથી મહાન બનશે. અને એટલું મહાન બનશે કે એનું પૂર્વનું ગૌરવ અને મહિમા ઝાંખા પડી જશે. આ શક્ય બનશે ભારતની આધ્યાત્મિકતા દ્વારા. રામનદમાં થયેલા તેમના અભૂતપૂર્વ સ્વાગતનો પ્રત્યુત્તર આપતાં વ્યાખ્યાનમાં તેમણે કહ્યું હતું: ‘… આધ્યાત્મિકતામાં તમને શ્રદ્ધા હો યા ન હો, પરંતુ રાષ્ટ્રીય જીવનને ખાતર તમારે આધ્યાત્મિકતાને એક હાથે પકડી રાખવાની છે. તેને જ વળગી રહેવાનું છે. ત્યાર પછી જ બીજો હાથ લાંબો કરીને બીજી પ્રજાઓ પાસેથી મળે એટલું ભલે મેળવો. પરંતુ એ બધું પેલી એક માત્ર જીવનના આદર્શથી નીચી કક્ષાએ જ રાખવાનું છે. એમાંથી જ અદ્ભુત, મહિમાવંતુ, ભાવિ ભારત બહાર આવશે; અને મારી ખાતરી છે, કે પૂર્વે કદીયે હતું તેના કરતાં મહાન ભારત અવતરી રહ્યું છે; પ્રાચીન કાળમાં હતા તે બધા કરતાં વધુ મહાન ઋષિઓ નીકળી આવવાના છે.’
પાશ્ચાત્ય જડવાદી સભ્યતાના દુષ્પરિણામ
સ્વામી વિવેકાનંદની આ વાણીને આપણે આજે થોડા અંશે ચરિતાર્થ થતી જોઈ રહ્યા છીએ. ભૌતિકવાદના મહારાક્ષસના હાથમાં સપડાયેલું વિશ્વ આજે ભારતની આધ્યાત્મિકતાને પ્રાપ્ત કરવા માટે આતુર થઈ ઊઠ્યું છે. અમેરિકા, યુરોપ અને જાપાને આજે ભૌતિકક્ષેત્રે હરણફાળ ભરી છે, અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. પણ તેનાં સુખશાંતિ હરાઈ ગયાં છે. આજે અમેરિકામાં ‘ગન કલ્ચર’ આવી ગયું છે. અમેરિકામાં ૪૮% લોકો બંદૂક ધરાવે છે. બાકીના લોકો પણ બંદૂકનું લાઈસન્સ મેળવવા લાઈનમાં ઊભા છે! ટેકસાસમાં બહેનો એકલી બહાર જઈ શકતી નથી. અમેરિકામાં લોકોને હવે પોતાની સલામતિનો ભય લાગે છે. વાતાવરણમાં હિંસા વ્યાપેલી છે. લોકો અજંપો અનુભવે છે. બાળકો પણ બંદૂક લઈને નિશાળે જવા લાગ્યા છે. આ ‘ગન કલ્ચર’ ક્યાં જઈને અટકશે, તેની શાણા ચિંતકો ભારે ચિંતા કરી રહ્યા છે. અમેરિકાના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ વિભાગે એક સર્વે કર્યો તો પ્રત્યેક અમેરિકન કુટુંબમાંથી સરેરાશ એક સભ્ય નિયમિત રીતે ‘સાઈકીએટ્રિક’-મનોચિકિત્સક-પાસે જતો જોવા મળ્યો. માનસિક અજંપો, અશાંતિ, તાણ અને અસલામતિને લઈને અમેરિકનો અપાર ભૌતિક સમૃદ્ધિ અને સુખ સગવડ આપનારાં અનેકવિધ વૈજ્ઞાનિક ઉપકરણોની વચ્ચે પણ સુખી નથી. એવી જ પરિસ્થિતિ ભૌતિક રીતે સમૃદ્ધ બનેલાં જાપાનમાં સો નવી ‘મેન્ટલ હોસ્પિટલો’ ખૂલી રહી છે. ત્યાં ૪૪ વર્ષની ઉપરના ૪૨% કર્મચારીઓ માનસિક રોગોનો ભોગ બનેલા છે. મોટાભાગના વિકાસશીલ દેશોની આ જ કરુણ હાલત છે. માનસિક તાણ અને અજંપામાંથી છૂટવા માટેનો એક માત્ર માર્ગ તેમને દેખાય છે-અને તે છે, આત્મહત્યાનો માર્ગ. અમેરિકામાં ડેરેફ હમ્ફીસે લખેલ ‘ફાઈનલ એક્ઝીટ’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તક ખૂબ વેચાય છે. આ પુસ્તકમાં આપઘાત કેવી રીતે કરવો, તે બતાવવામાં આવ્યું છે. આવું જ આપઘાત અંગેનું બીજું પુસ્તક જે જાપાનમાં ‘બેસ્ટ-સેલર’ પુરવાર થયું છે, તે છે; ‘Kanzen Jisutsu Manual’ ‘ધ કંપ્લીટ મેન્યુઅલ ઑફ કમિટિંગ સુઈસાઈડ’. એક જ વર્ષમાં તેની સાડાત્રણ લાખ નકલો વેંચાઈ ગઈ છે. આ જ બતાવે છે કે ભૌતિક રીતે સમૃદ્ધિ વધે પણ જો સાથે આધ્યાત્મિકતા નહીં આવે તો અશાંત અને તનાવગ્રસ્ત બનેલા મનુષ્યો શાંતિ માટે આપઘાત તરફ વળશે. રશિયામાં એક લાખ વ્યક્તિએ ૬૫ માણસો આપઘાત કરે છે. જ્યારે અમેરિકામાં તે પ્રમાણ ૨૮નું અને જાપાનમાં ૩૩નું છે. એની સરખામણીમાં ભારતમાં એ પ્રમાણ ફક્ત નવનું જ છે. આ ઉપરથી જાણી શકાય છે કે ભારતમાં અત્યારે મોટાભાગના લોકો ભલે આર્થિક રીતે સમૃદ્ધ નથી પણ સુખી તો જરૂર છે. વિકસિત દેશો કરતાં ભારતમાં એ પ્રમાણ ઘણું ઓછું ગણાવી શકાય. એનું કારણ એ છે કે ભારતના લોકો પાસે હજુ ધર્મના સંસ્કાર છે. ઈશ્વરમાં શ્રદ્ધા છે. કર્મના કાયદાને તેઓ માને છે. આજે પણ હજુ લાખો લોકો ભગવાનની કથા સાંભળવા માટે એકત્ર થાય છે. ભલે લોકો અભણ છે, પણ અજ્ઞાની નથી. પૈસે ટકે ગરીબ છે, પણ મનથી દરિદ્ર નથી. લોકોને રાત્રે ઊંઘવા માટે ગોળીઓ લેવી પડતી નથી. પોતાની સલામતી માટે બંદૂક રાખવી પડતી નથી. લોકો કોઈપણ જાતના ફફડાટ વગર શાંતિથી ઊંઘી શકે છે. સાચું ભારત જે ગુલામીને પરિણામે નિદ્રિત બની ગયું હતું તે હવે જાગી રહ્યું છે. રામનદના વ્યાખ્યાનમાં ઉચ્ચારેલા સ્વામીજીના શબ્દો આજે સાર્થક થતા જણાય છે. તેમણે કહ્યું હતું: ‘આપણી આ માતૃભૂમિ પોતાની દીર્ઘ ગાઢ નિદ્રામાંથી જાગૃત થઈ રહી છે. હવે એનો કોઈ સામનો કરી શકે તેમ નથી. હવે એ કદી પાછી ઊંઘી જવાની નથી; કારણ કે એક વિરાટકાય અસ્તિત્વ પોતાના પગ ઉપર ઊભું થઈ રહ્યું છે.’
ઉદય પામી રહેલું નૂતન ભારત
જાગેલું ભારત હવે બધા ક્ષેત્રોમાં આગળ ધપી રહ્યું છે. સ્વામીજીએ જે ભવિષ્ય ભાખ્યું હતું કે પૂર્વે હતું તેના કરતાં પણ વધારે ગૌરવશાળી બનશે, તે હવે બની રહ્યું છે. એનાં ઘણા નક્કર ઉદાહરણો પ્રાપ્ત થઈ રહ્યા છે.
૧૧-૧૨-૯૮ના ગુજરાત સમાચારમાં આવ્યું હતું કે ‘લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સે’ એક અલગ પ્રકારનો સર્વે કર્યો-‘વિશ્વમાં સહુથી સુખી દેશ કોણ?’ આ સર્વેમાં આશ્ચર્યજનક પરિણામો આવ્યાં! જેની માથાદીઠ આવક કદાચ સહુથી ઓછી હશે તેવો બાંગ્લાદેશનો પહેલો નંબર હતો! જ્યારે માથાદીઠ આવક જેની વધારે છે, તેવા અમેરિકાનો ૪૬મો નંબર હતો! બ્રિટનનો ૩૨મો ક્રમ હતો, અને ભારતનો પાંચમો નંબર હતો. દુનિયાના સુખી દેશોમાં ભારત પાંચમા ક્રમે છે. એ ભારત માટે આનંદની વાત ગણાવી શકાય.
પહેલી ઑગસ્ટ ’૯૯ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં લેખ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે સમગ્ર વિશ્વમાં વૈદિક મૅનૅજમૅન્ટ એક નવો મંત્ર બની ગયો છે. ફોર્ડ ફાઉન્ડેશન કંપની આજે વૈદિક મૅનૅજમૅન્ટ અપનાવી રહી છે. મૅનૅજમૅન્ટમાં ભારતીય મૅનૅજમૅન્ટને ‘ફોર્થ વેવ’ કહેવામાં આવે છે. જેમાં પ્રથમ મોજું હતું બ્રિટિશ મૅનૅજમૅન્ટનું બીજું મોજું આવ્યું; અમેરિકન મૅનૅજમૅન્ટનું, ત્રીજું મોજું આવ્યું જાપાનીઝ મૅનૅજમૅન્ટનું, અને હવે છેલ્લે જે ચોથું મોજું આવ્યું છે તે છે, ભારતીય મૅનૅજમૅન્ટનું – વૈદિક મૅનૅજમૅન્ટનું. બાકીના બધા મૅનૅજમૅન્ટોમાં પૈસો તો મળે છે, પણ શાંતિ મળતી નથી. હવે લોકો એવી કાર્યપ્રણાલી ઇચ્છે છે, જેમાં શાંતિ ને સમૃદ્ધિ બંને મળે. અને તે માત્ર વૈદિક મૅનૅજમૅન્ટમાં જ મળે છે. આથી અમેરિકાની ઘણી મોટી કંપનીઓ આજે ભારતીય મૅનૅજમૅન્ટ પ્રત્યે વળી રહી છે.
૨૪-૬-૯૯ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયા ‘લેબર ઑફ લવ’ નામનો લેખ આવ્યો હતો. તેમાં એમ જણાવ્યું હતું કે દીપક ચોપ્રાનો સિદ્ધાંત મોટી મોટી કંપનીઓમાં અપનાવવામાં આવી રહ્યો છે. હવે નફાનું ધ્યેય ગૌણ બનવા લાગ્યું છે. કંપનીઓમાં પણ હવે સુખશાંતિને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ રીતે હવે ભારતીય આધ્યાત્મિકતા પાશ્ચાત્ય દેશોના યંત્રવત્ અને જડગણાતા ઉદ્યોગોમાં પણ પ્રવેશી ચૂકી છે. પાશ્ચાત્ય દેશોની મોટી મોટી કંપનીઓના ડાયરેક્ટરો પણ હવે ‘આધ્યાત્મિક સલાહકારોની સલાહને અનુસરતા થઈ ગયા છે અને તેથી તેમને પોતાને અને કંપનીને ઘણો જ ફાયદો થયેલો જોવા મળે છે.’ બેરેટ -Barret- નામના એક નિષ્ણાત તો હવે ‘ફુલટાઈમ’ આધ્યાત્મિક સલાહકાર બની ગયા છે. વર્લ્ડ બેંક, સ્વીઝ બેંક, અને અનેક મોટાં કોર્પોરેશનો તેમની આધ્યાત્મિક સલાહ સ્વીકારે છે. એથી સમસ્યાઓ જલ્દી ઊકલી જાય છે. જટિલતા ઓછી થઈ જાય છે અને પછી એવી કોઈ ગંભીર સમસ્યાઓ તો ઉદ્ભવતી જ નથી.
આજે નવું વૈશ્વિક અર્થકારણ ઉદય પામી રહ્યું છે. ‘ગ્લોબલાઈઝેશન’ શબ્દ ઘણો જ પ્રચલિત થઈ ગયો છે. આજે વિશ્વનો કોઈપણ દેશ એકાકી રહી શકે તેમ નથી. વિશ્વબજારમાં ભારતે પણ પોતાનું સ્થાન દૃઢ કરવાનું છે; પોતાની આગવી ઓળખ આપવાની છે. ભારત પોતાની આધ્યાત્મિકતા દ્વારા જ પોતાનું સ્થાન દૃઢ કરી શકશે. આધ્યાત્મિક ભારતીયકરણ દ્વારા જ ભારત મહાસત્તા બની શકશે. સો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ભારતને પશ્ચિમના વિજ્ઞાન અને ટૅકનૉલૉજીની જરૂર છે. પણ તેના બદલામાં ભારત પાસે પશ્ચિમને આપવા માટે વેદાંતનું અમૃત છે. એક પ્રવચનમાં તેમણે કહ્યું હતું; ‘બીજી પ્રજાઓને આપણે ઘણી બાબતો શીખવવાની છે. આ ભૂમિ દર્શનશાસ્ત્રોની, આધ્યાત્મિકતાની નીતિધર્મની, મધુરતાની, મૃદુતાની અને પ્રેમની જનની છે. આ બધાં આ ભૂમિમાં હજી યે છે. અને મારો દુનિયાનો અનુભવ પાકા પાયા ઉપર ઊભો રહીને મારે મુખેથી હિંમતભર્યું નિવેદન કરાવે છે કે આ બાબતોમાં ભારત જગતની બીજી પ્રજાઓમાં મોખરે અને સહુથી આગળ પડતી પ્રજા છે.’
સ્વામી વિવેકાનંદનું આ અનુભવજન્ય નિવેદન આજે સાચું પડી રહ્યું છે. ભારત પાસે આજે જગતની પ્રજાઓને આપવા જેવું ઘણું ઘણું છે. ભારતની આધ્યાત્મિકતા આજે ભારતના સીમાડાઓને વીંધીને વિશ્વભરમાં વિસ્તરી રહી છે. દરેક ક્ષેત્રમાં તેનો અમલ થઈ રહ્યો છે. ડૉ. થિસનનું પુસ્તક ‘ધ રિથમ ઑફ મૅનૅજમૅન્ટ’-વૈદિક જ્ઞાન ઉપર આધારિત મૅનૅજમૅન્ટ ઉપર લખાયેલું છે. નેધરલૅન્ડમાં આનો પ્રયોગ સફળતાપૂર્વક થઈ રહ્યો છે. શિકાગોની રિસર્ચ કોર્પોરેશનના સર્વેક્ષણ પ્રમાણે અમેરિકાની ૪૦% કંપનીઓ સ્ટ્રેસ મૅનૅજમૅન્ટના રેગ્યુલર કોર્સ ચલાવે છે. સ્ટ્રેસ મૅનૅજમૅન્ટ માટેની પાશ્ચાત્ય મનોવિજ્ઞાનની વૂડૂડૉલ્સ, પંચિંગ બેગ્સ, હેટ ડાયરીઝ વગેરે પદ્ધતિઓ સદંતર નિષ્ફળ નીવડી છે. તે મુજબ વ્યક્તિ પોતાની લાગણીઓ – વૃત્તિઓને ખુલ્લી કરી દે એટલે ટેન્શન જતું રહે, પણ આ પદ્ધતિથી તનાવ કાયમ માટે દૂર થતો નથી. આંતરિક શાંતિ પ્રાપ્ત થતી નથી. આ માટે પ્રયોગો દ્વારા સિદ્ધ કરેલો અકસીર ઉપાય ધ્યાનનો છે. એટલે હવે અમેરિકાની ઘણી કંપનીઓમાં ધ્યાનના કાર્યક્રમને ફરજિયાત બનાવવામાં આવેલો છે. ઓસ્ટ્રેલિયા, સ્વીડન અને જર્મનીમાં ‘પ્રેક્ટીકલ વેદાંત’ના વર્ગો નિયમિત રીતે ચાલી રહ્યા છે.
પશ્ચિમના લોકોને હવે ભારતના ઔષધશાસ્ત્ર અને આયુર્વેદમાં — ‘હર્બલ મેડિસીન’માં વિશેષ રસ જાગ્યો છે. અત્યાર સુધી ઍલોપૅથિક દવાઓમાં જ તેમને શ્રદ્ધા હતી. પણ હવે તેઓ ‘ઓલ્ટરનેટ મેડિસીન’ અપનાવતા થયા છે. ઍલોપૅથિક ને બદલે નેચરોપૅથી, હોમિયોપેથી, આયુર્વેદ, એક્યુપ્રેસર, એક્યુપંક્ચર, યોગાસનો, ધ્યાન આ બધું સ્વીકારવા લાગ્યા છે, અમેરિકામાં ૧૨૫ મેડિકલ સ્કૂલમાંથી ૯૨ મેડિકલ સ્કૂલમાં આ ઓલ્ટરનેટ મેડિસીન ફરજિયાત શીખવવામાં આવે છે. ભારતના ડૉ. દીપક ચોપ્રાના પુસ્તક ‘એજલેસ બોડી એન્ડ ટાઈમલેસ માઈન્ડ’, ‘પરફેક્ટ હેલ્થ’ વગેરેની લાખો પ્રતો યુરોપ – અમેરિકામાં વેંચાઈ ગઈ છે. ડૉ. હર્બટ બેન્સને ‘રીલેક્સેશન રિસ્પોન્સ’ પુસ્તક લખ્યું છે, તેમાં જણાવ્યું છે કે ધ્યાન દ્વારા કેવી રીતે શાંતિ પ્રાપ્ત થાય છે અને રોગ દૂર થાય છે, તનાવ દૂર થઈ શકે છે, બ્લડ પ્રેસર ઓછું કરી શકાય છે, હૃદયના ધબકારાને ધ્યાન દ્વારા નિયમિત કરી બાયપાસ સર્જરીને બાયપાસ કરી શકાય છે. કેટલાય પાશ્ચાત્ય ચિંતકો અને વિદ્વાનો હવે યોગ અને ધ્યાન તરફ વળવા લાગ્યા છે અને કેટલાક તો કહે છે કે એકવીસમી સદી એ યોગ અને આધ્યાત્મિકતાની સદી હશે. તે ભારતની સદી હશે.
ભારત રત્ન ડૉ. અબ્દુલ જે કલામે પુસ્તક લખ્યું છે – ‘ઈન્ડિયા ૨૦૨૦-એ વિઝન ઑફ ધ ન્યુ મિલેનિયમ’આ પુસ્તકમાં ઈ.સ. ૨૦૨૦માં ભારત કેવું હશે તેનું ચિત્ર રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું છે કે સ્પેસ ટેક્નોલોજીમાં ભારત પ્રથમ હશે. સેટેલાઈટ ટેક્નોલોજીમાં ભારત પ્રથમ હશે. બાયોટેક્નોલોજી, બાયોકેમિસ્ટ્રી, ઈકોનોમિક્સ, એગ્રીકલ્ચર અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં ભારત અગ્રીમ હશે. ૨૦૨૦માં ભારત વિકસિત દેશોમાં ચોથા સ્થાને હશે. વર્લ્ડ ઈકોનોમીક ફોરમે કરેલા સર્વેનું તારણ તો ભારતને પાંચ વર્ષની અંદર ત્રીજી મહાસત્તાના સ્થાને મૂકે છે. તેના મત મુજબ આર્થિક ક્ષેત્રે ભારત અમેરિકા અને ચીન પછી ત્રીજું સ્થાન પ્રાપ્ત કરશે. લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સે પણ આ જ વાતનું સમર્થન કર્યું છે, તેણે પણ જાહેર કર્યું છે કે આગામી પાંચ વર્ષમાં આર્થિક ક્ષેત્રે ત્રણ મહાન દેશો હશે, તે અમેરિકા, ચીન અને ભારત હશે. આજે ભારત ઘઉંના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. સોફટવેરના ઉત્પાદનમાં પણ ભારત હવે અમેરિકાને હંફાવી રહ્યું છે. ભારતની સોફટવેરની નિકાસ પ્રતિવર્ષ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાને આંબી ગઈ છે. વળી તે દર વર્ષે ૪૦%ના વિકાસ દરે વૃદ્ધિ પામી રહી છે. સૌથી મોટા લશ્કરને ધરાવવામાં ભારત ચોથા ક્રમે છે. જ્યારે સૌથી મોટી લોકશાહી ધરાવવામાં પ્રથમ ક્રમે છે. વસ્તીની દૃષ્ટિએ ચીન પછી ભારતનો ક્રમ બીજો આવે છે. પરંતુ ભણેલા, અંગ્રેજી ભાષા બોલી શકે તેવા, એન્જિનિયર્સ, ડૉક્ટર્સ, ટેકનોક્રેટ જેટલા ભારત પાસે છે. તેટલા વિશ્વના બીજા કોઈ દેશ પાસે નથી. ‘નેશનલ જોગ્રોફી’માં આ આંકડા આપવામાં આવ્યા હતા, તે પ્રમાણે ભારતમાં ૩૫ લાખ પ્રોફેશ્નલ્સ અને ૧૩ લાખ સ્કોલર્સ છે. અમેરિકામાં એકલા ‘નાસા’માં ૩૫% વૈજ્ઞાનિકો ભારતીય છે. તેમજ અમેરિકામાં ૩૨% ડૉક્ટરો ભારતીય છે. ત્યાંની સીલીકોન વેલીમાં ૪૦ હજારથી વધારે ભારતીયો કામ કરે છે.
અમેરિકાની અત્યંત મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક સંસ્થા-‘નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટાન્ડર્ડ એન્ડ ટેક્નોલોજી’ના ડાયરેક્ટર પદે ભારતની ૩૨ વર્ષની યુવતી ડૉ. આરતી પ્રભાકરની નિમણૂક કરવામાં આવી તેના પછી તેણે એટલું સુંદર કાર્ય કરી બતાવ્યું કે ‘સ્પાન’ પત્રિકાએ તેની છબિ મુખપૃષ્ઠ પર છાપી. મેગ્સેસે એવાર્ડ પ્રાપ્ત કરનાર કિરણ બેદીને અમેરિકાના રાષ્ટ્રપતિએ ખાસ નિમંત્રણ આપી બોલાવ્યા હતા અને અમેરિકાની જેલોમાં પણ તિહાર જેલની જેમ કેવી રીતે પરિવર્તન આવી શકે તે માટે તેમની સલાહ લીધી હતી. હરિયાળી ક્રાંતિના પ્રણેતા અને ભારતને અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બનાવનાર ડૉ. સ્વામીનાથન વિશ્વ વિખ્યાત કૃષિ વૈજ્ઞાનિક છે. આજે વિશ્વના દરેક ક્ષેત્રમાં ‘ધ ઈન્ડિયન જિનિયસ’નું જાદુ પથરાઈ ચૂક્યું છે. વિજ્ઞાનમાં નોબલ પુરસ્કાર વિજેતા ડૉ. હરગોવિંદ ખોરાના અને ડૉ.ચંદ્રશેખર, ડૉ.અબ્દુલકલામ, ડૉ. જયંત નારલીકર, વગેરે; સાહિત્યમાં ડૉ.વિક્રમ શેઠ, અરુંધતી રોય વગેરે; અર્થશાસ્ત્રમાં ડૉ. અમર્ત્ય સેન, ડૉ.જગદીશ ભગવતી વગેરે; સંગીતમાં સિતારવાદક પંડિત રવિશંકર, સંતુરવાદક પંડિત શિવકુમાર, ગાયક ભીમસેન જોશી વગેરે; પોતાની આગવી સિદ્ધિઓથી વૈશ્વિક ફલક ઉપર છવાઈ ગયા છે. ફૅશનમાં પણ ભારતીય ફૅશન ડીઝાઈનરોએ બનાવેલાં વસ્ત્રોની આજે વિશ્વમાં ભારે માંગ છે. ઋતુ બેરીના વસ્ત્રોની યુરોપ અમેરિકામાં ખૂબ જ માંગ છે. તો ભારતીય કલાએ પણ પશ્ચિમના લોકોને મોહિની લગાડી છે. ભારતીય કલાકારોના સ્ટેજ શો હોય તો તેમાં ત્રણ ગણા વધારે લોકો આવે છે. પાશ્ચાત્ય કલાકારોના કાર્યક્રમોમાં એટલી સંખ્યા થતી નથી, એ જ બતાવે છે કે ભારતની કલામાં જે અભિજાત્ય, સંસ્કારિતા, તન, મન ને આત્માને પ્રફુલ્લિત કરીને ભટકતી વૃત્તિઓને શાંત કરી, આનંદમય સ્થિતિમાં મૂકી આપવાની શક્તિ રહેલી છે, તેના પ્રત્યે હવે વિશ્વના લોકો જાગી ઊઠ્યા છે. આથી જ પાશ્ચાત્ય લોકોને ભારતીય સંગીત અને કલા પ્રત્યે વિશેષ રુચિ જાગી છે. કેટલાય પાશ્ચાત્ય વિદ્વાનો અને વિદ્યાર્થીઓ આજે ભારતના સંસ્કૃતિ, ધર્મ સાહિત્ય અને કલાનો અભ્યાસ કરવા ભારતમાં આવી રહ્યા છે. જાણે તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયના દિવસો જુદા સ્વરૂપે ફરીથી આવી રહ્યા ન હોય! આજે વિશ્વના લોકોને ભારતીય વાનગીઓ પ્રત્યે પણ એટલું જ આકર્ષણ જાગ્યું છે. વિદેશોમાં ભારતીય રેસ્ટોરાંમાં શાકાહારી વાનગીઓની ભારે માંગ થઈ રહી છે. આમ વૈશ્વિક સ્તર પર આજે દરેક ક્ષેત્રમાં ભારતીયનું સ્થાન ઘણું મહત્ત્વનું બની ગયું છે. આમ એકવીસમી સદીનો હજુ પ્રારંભ પણ નથી થયો ત્યાં રેસ્ટોરાંથી માંડીને અવકાશ સુધી ભારત વિશ્વમાં વ્યાપ્ત બની ગયું છે.
પહેલી સપ્ટેમ્બર ૧૯૯૯ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં લેખ આવ્યો હતો. – How the West is being won – તેમાં જણાવવામાં આવ્યું હતું કે નાસાએ આપણા મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખરના નામ ઉપરથી તેના સ્પેસ ટેલિસ્કોપને નામ આપ્યું છે, ‘ચંદ્રા’. ભારતીય વૈજ્ઞાનિકનું આવું ગૌરવ આ પહેલાં ક્યારેય થયું નહોતું. તાજેતરમાં કારગિલના યુદ્ધમાં આપણે વિજય મેળવ્યો. અત્યંત વિકટ અને કુદરતની ભારે વિષમ પ્રતિકૂળતાવાળી સ્થિતિમાં જે કુનેહપૂર્વક આપણે યુદ્ધની વ્યૂહરચના કરી, તેમજ ભારે સંયમ જાળવીને સાવચેતીપૂર્વક લડાઈ લડ્યા અને અણુયુદ્ધથી વિરત રહ્યા એ જોઈને પશ્ચિમના દેશો આશ્ચર્યચકિત થઈ ગયા. કારગિલની પરિસ્થિતિને નજરે જોવા માટે, ભારતની આવી કુનેહભરી લડતને બિરદાવવા માટે અમેરિકાનાં સ્ટેટ સેક્રેટરી મેડલીન એબ્રાઈટ ભારત આવ્યા. હવે અમેરિકાને પણ એવી પ્રતીતિ થાય છે કે ભારતમાં જ એ શક્તિ રહેલી છે કે જે વિશ્વના દેશોને એક કરી શકશે. એક સૈકા પહેલાં – પંદરમી જાન્યુઆરી ૧૮૯૭માં કોલંબોના માનપત્રના પ્રત્યુત્તરમાં સ્વામી વિવેકાનંદે આપેલા ભાષણના શબ્દો ફરી જીવંત બની ગયા હોય તેવું લાગે છે. તેમણે કહ્યું હતું; ‘પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશાઓમાં આ પૃથ્વીને આવરી લેનાર તત્ત્વજ્ઞાનની ભરતીનો મહાજુવાળનો પ્રારંભ પૂર્વે આ ભૂમિ પરથી જ થયો હતો. અને દુનિયાની ભૌતિક સંસ્કૃતિને – જડવાદને આધ્યાત્મિક ઓથ આપનાર જુવાળનો આરંભ પણ હવે અહીંથી જ થવો જોઈએ. બીજા દેશોમાં લાખોના હૃદયના મર્મભાગોને બાળી રહેલો જડવાદનો ભડભડ બળતો દાવાનળ જેનાથી શાંત થઈ શકે તે જીવનદાયી શાંતિજળ આ ભૂમિમાં જ છે. મિત્રો! મારું કહેવું માનજો. આમ જરૂર થવાનું જ છે.’
અને આપણે હવે જોઈ શકીએ છીએ કે સ્વામી વિવેકાનંદે કહ્યું છે, તેમ જ અત્યારે થઈ રહ્યું છે. ભૌતિકવાદના અજંપ જીવનને પરમશાંતિમાં, સાચા આનંદમાં લઈ જનારાં ભારતનાં જીવનદાયી શાંતિજળને – વેદાંતના અમૃતને પીવા માટે આજે વિશ્વના દેશો તલસી રહ્યા છે.
૮મી ઑગસ્ટ-૯૯ના ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’માં જણાવવામાં આવ્યું હતું કે સોફ્ટવેર ક્ષેત્રના બેતાજ બાદશાહ બિલગેટ્સ આજે વિશ્વના સૌથી વધુ ધનિક છે. તેમની પાસે એંસી બિલિયન ડૉલરની સંપત્તિ છે. હવે તેમણે આ સઘળી સંપત્તિને ગરીબોને કલ્યાણ માટે દાનમાં આપી દેવાની જાહેરાત કરી છે. દાનની આ પ્રેરણા તેમને ભારતની મુલાકાતે આવ્યા પછીથી થઈ છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમના પ્રેરણાસ્રોત એવા સ્વામી વિવેકાનંદના પુસ્તકો તેઓ નિયમિત વાંચે છે એમ કલકત્તાના સમાચાર પત્રોએ જણાવ્યું હતું. સ્વામી વિવેકાનંદ જ્યારે ભૌતિક દેહમાં હતા ત્યારે તેમણે તે સમયના સૌથી વધુ ધનિક ઉદ્યોગપતિ રોકફોલરને આ ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટનો સિદ્ધાંત શીખડાવ્યો હતો અને તેમને પોતાની સંપત્તિનો સદુપયોગ કરવાની, દાન આપવાની પ્રેરણા આપી હતી. આજે બિલ ગેટ્સ સ્વામી વિવેકાનંદના પુસ્તકોમાંથી એ જ પ્રેરણા પ્રાપ્ત કરી વિશ્વનો સૌથી મોટો દાનવીર બની રહ્યો છે!
વિશ્વના મહાન જ્યોતિષી ‘Noel Tyl’નું પુસ્તક છે – ‘Predictions for a New Millenium’ એમાં તેમણે ભારત વિશે ભવિષ્યકથન કરતાં લખ્યું છે: ‘India is going to be a key power in south east Asia in 2012’ ભારત ઈ.સ.૨૦૧૨માં દક્ષિણપૂર્વ એશિયામાં એક મહત્ત્વપૂર્ણ શક્તિ બનશે. જ્યોતિષીઓ પણ હવે ભારત મહાસત્તા બનશે તેની આગાહીઓ કરી રહ્યા છે.
‘James Redfield’ની ‘બેસ્ટ સેલર્સ’ બુક છે; ‘The Celestine Prophecy’-એમાં તેમણે લખ્યું છે કે વિશ્વમાં એક નવી ચેતના પ્રવેશી રહી છે. તેને લઈને એક નવી જાગૃતિ આવી છે. આ ચેતના તે આધ્યાત્મિક ચેતના છે. અનેક દૃષ્ટાંતો દ્વારા તેમણે આ આધ્યાત્મિક ચેતનાની સમજ આપી છે. આને લઈને સૂક્ષ્મ સ્તરે તો સમગ્ર વિશ્વમાં મહાન પરિવર્તન થઈ ચૂક્યું છે અને હવે તે ભૌતિકસ્તર પર આવિર્ભાવ પામી રહ્યું છે. આ આધ્યાત્મિક પરિવર્તનનું મૂળ સ્રોત ભારત છે.
મહાન ઈતિહાસકાર એર્નોલ્ડ જે. ટોયેન્બી કહે છે; ‘The present chapter had a Western beginning, but if the world has to survive from self destruction, it must have an Indian end.’ તેઓ જણાવે છે કે ભારતીય સંસ્કૃતિ જ વિશ્વને વિનાશમાંથી બચાવી શકશે, સમ્રાટ અશોક અને મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતો અને શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનમાં સાક્ષાત્કાર કરેલા સર્વધર્મોના સમન્વયનો માર્ગ જ જગતને બચાવી શકશે.
સેમ્યુઅલ ડી. હન્ટીન્ગટનના નવા પુસ્તક ‘ધ ક્લેશ ઑફ સિવિલાઈઝેશન્’માં જણાવ્યું છે કે છેલ્લાં વીસ વર્ષમાં જેટલાં યુદ્ધો થયાં છે, તેમાના મોટા ભાગના બે દેશ વચ્ચેના યુદ્ધો નથી, પણ બે ધર્મો વચ્ચેના યુદ્ધો છે, ઈસ્લામ અને ક્રિશ્ચિયાનીટી વચ્ચેના યુદ્ધો છે. વિશ્વમાં ધર્મ ધર્મ વચ્ચે હુંસાતુંસી છે. તેથી ધર્મઝનૂનવાદ વકર્યો છે. તેને પરિણામે વિશ્વમાં અશાંતિ ને અસલામતિ પ્રવર્તે છે. તો આ સંપ્રદાયો વચ્ચેના ઝઘડાઓને નિવારવાનો ઉપાય શું? એનો ઉપાય ‘ધ ગોડ ઑફ ઑલ’ પુસ્તકમાં ક્લાઉડ એલન સ્ટાર્કે બતાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે આધુનિક માનવ કોઈના ય કહેવાથી કંઈ સ્વીકારતો નથી. એને તો એવો નક્કર પુરાવો જોઈએ છે કે જે સિદ્ધ કરી આપે કે બધા જ ધર્મોનું સત્ય એક જ છે. શ્રીરામકૃષ્ણ પરમહંસે પોતાના જીવનની પ્રયોગશાળામાં બધા ધર્મોની સાધના કરી સિદ્ધ કરી આપ્યું કે બધા ધર્મો એક જ પરમ સત્ય પ્રત્યે લઈ જાય છે. તેઓ કહે છે કે આ યુગમાં શ્રીરામકૃષ્ણનો સર્વધર્મ સમન્વયનો સિદ્ધાંત જ જગતને ધર્મઝનૂનતામાંથી બચાવી શકશે. બોસ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર ફ્રાન્સિસ જે કલુની કહે છે કે ‘સુસંવાદિતા ભર્યું જીવન કેવી રીતે જીવવું એ આ યુગમાં શ્રીરામકૃષ્ણે શીખવાડ્યું છે. શ્રીરામકૃષ્ણ પાસે જવાથી ક્રિશ્ચિયન વધારે સારો ક્રિશ્ચિયન બની શકે છે.’
બૉસ્ટન યુનિવર્સિટીના પ્રૉફેસર દાઉદ મોહમદ રહબાર કહે છે કે આ યુગ લોકશાહીનો યુગ છે. હવે સરમુખત્યારશાહી નહીં ચાલે. સામંતો, રાજાઓ, જમીનદારો જેમ ગયા તેમ કોઈ એક ધર્મ સર્વોપરી છે, એ સ્થિતિ પણ હવે નહીં ટકે. એક માત્ર ભારતનું વેદાંત એવું છે કે જેમાં કોઈ વિશેષ ધર્મ કે રાજાની વાત નથી, પણ સર્વવ્યાપી સર્વજ્ઞ આત્માની વાત છે. તેમના મત પ્રમાણે આવનાર સદીમાં એકમાત્ર આવું ઉદાર અધ્યાત્મજ્ઞાન જ જગતને અસહિષ્ણુતા અને ધર્મઝનૂનતામાંથી ઉગારી શકશે.
૧૯૯૩માં કલકત્તામાં શિકાગો ધર્મસભાની શતાબ્દીની ઉજવણી વખતે નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં ૨૦ દેશોના ૧૨૦ પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. તેમાં જર્મનીની વેદાંત સોસાયટીના, સોનેરી દાઢીવાળા, શ્વેત ઝબ્બા અને પાયજામાના ભારતીય વસ્ત્રોમાં સજ્જ, પુરાણકાળના ઋષિ જેવા જણાતા, અધ્યક્ષ ઝાઈઝેક આવ્યા હતા. તેમણે જાહેરમાં કહ્યું: ‘અમને આ પુણ્યભૂમિ ભારતમાં આવીને અને અહીં નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં આવીને ખૂબ જ આનંદ થયો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ પોતાના દેશની સ્વાધીનતાની શોધમાં અમારા દેશમાં આવ્યા હતા અને અમે આજે નેતાજી પાસે (નેતાજી સ્ટેડિયમમાં) અમારા આત્માની શોધમાં આવ્યા છીએ. કારણ કે ભારત પાસે જે આત્માનું જ્ઞાન છે, તેવું વિશ્વમાં ક્યાંય નથી.’ તેઓ ભારતના એ જ્ઞાનનો જર્મનીમાં પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. ૨૫ વર્ષથી તેઓ જર્મનીમાં વેદાંત સેન્ટર ચલાવે છે. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના કેટલાંય પુસ્તકો અને માસિક પત્રિકા તેઓ જર્મન ભાષામાં પ્રકાશિત કરી રહ્યા છે. પરંતુ તેઓની અનેક વખતની માગણી હોવા છતાં જર્મનીમાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની શાખા નથી. કેમકે બેલુર મઠ પાસે અનેક દેશોથી કેન્દ્રો પ્રારંભ કરવા માટે વિનંતી કરવામાં આવી રહી છે, કિન્તુ સંન્યાસીઓની એટલી સંખ્યા ન હોવાથી લગભગ એક હજાર આવા અનૌપચારિક કેન્દ્રો બેલુડ મઠના વિધિવત્ કેન્દ્રો બની શક્યા નથી. તેમણે પોતાના વક્તત્વમાં આશ્ચર્યજનક વાત કહી કે ‘અમે લોકોએ હવે નક્કી કર્યું છે કે, અમે અમારા સંન્યાસીઓને ઉત્પન્ન કરીશું. ત્યાં વેદાંત કેન્દ્રમાં જર્મન યુવતી હવે રોજ મંત્ર જાપ કરે છે, શ્રીરામકૃષ્ણ કથામૃત (જર્મન અનુવાદ) વાંચે છે, અને ભગવાનને પ્રાર્થના કરે છે કે, ‘હે ભગવાન મારા ગર્ભમાં જે બાળક છે, તેને સંન્યાસી બનાવો. મારા દેશને અત્યારે સંન્યાસીઓની જરૂર છે.’ આ છે યુરોપના દેશોની ભારતના જ્ઞાન માટેની તીવ્રતમ ઝંખનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. આજે વિશ્વભરની માનવજાતના આત્મામાંથી પોકાર ઊઠી રહ્યો છે કે ભારત અમારા ઉપર વિજય પ્રાપ્ત કરે. કેમ કે એ વિજય જ વિશ્વને સાચી શાંતિ અને એકતા પ્રદાન કરશે એવી પ્રતીતિ સઘળા દેશો કરી રહ્યા છે.
જગદ્ગુરુ ભારત
સ્વામી વિવેકાનંદ ભારતને બહુ જ મહત્ત્વ આપતા. આથી કોઈએ તેમને કહ્યું કે, ‘તમે તો સંન્યાસી છો. તમારા માટે તો સમગ્ર વિશ્વ એક કુટુંબ સમાન હોવું જોઈએ, તેના બદલે તમે ભારતને આટલું બધું મહત્ત્વ કેમ આપો છો? ત્યારે તેમણે કહ્યું ‘વિશ્વના કલ્યાણ માટે તો ભારતને મહત્ત્વ આપી રહ્યો છું. કારણ કે જો ભારત બચશે તો જ વિશ્વ બચશે. સમગ્ર વિશ્વ ત્યારે જ બચે કે જ્યારે તે આધ્યાત્મિકતાનો સ્વીકાર કરે અને આ આધ્યાત્મિકતાની જનની છે ભારત.’ લાહોરમાં આપેલાં પ્રવચનમાં તેમણે ભારતના ઉદ્ધારની જરૂર ફક્ત ભારતના પોતાના માટે જ નથી, પણ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે છે, એ વાત કહેતાં જણાવ્યું હતું; ‘ભારતના ઉદ્ધાર પર આખી દુનિયાના કલ્યાણનો આધાર રહેલો છે. એનું કારણ છે, મારે તમને ખુલ્લે ખુલ્લું કહી દેવું જોઈએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિના પાયા મૂળમાંથી જ હલી ગયા છે, ભલે ગમે તેવી મોટી મહેલાત હોય, પણ જો તે જડવાદના પોચા રેતીના પાયા પર બંધાયેલી હશે તો તે કોઈ દિવસે જમીનદોસ્ત થવાની જ છે. તેને રોવાનો વખત આવવાનો જ છે. જગતનો ઈતિહાસ એની સાક્ષી પૂરે છે.’ આ જડવાદના પોચા રેતીના પાયા ઉપર ઊભેલી સંસ્કૃતિને બચાવવાનો એક માત્ર રસ્તો એ પાયામાં ભારતની આધ્યત્મિકતાને રેડીને તે પાયાને મજબૂત બનાવી દેવામાં રહેલો છે. હવે એ સમય આવી પહોંચ્યો છે કે ભારતે પોતાના આધ્યાત્મિક વૈભવને ખુલ્લો કરી દેવાનો છે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘આત્મનો મોક્ષાર્થં, જગત્ હિતાય ચ । પોતાના કલ્યાણને માટે તે ખરું જ પણ સમગ્ર વિશ્વના કલ્યાણને માટે ભારતે હવે કટિબદ્ધ થવાનું છે. જગતના કલ્યાણનું દાયિત્વ ભારત ઉપર રહેલું છે. એ જવાબદારી વહન કરવા માટે ભારતના લોકોએ પુરુષાર્થ કરવો પડશે. પોતાની અંતર્નિહિત દિવ્યતાને જાગૃત કરવી પડશે. પોતાની આધ્યાત્મિક ચેતનાને વિસ્તારવી પડશે. જાણે કે સ્વામીજી ગર્જના કરી રહ્યા છે; ‘ઓ ભારત, તું તારા પગ ઉપર ખડો થઈ જા અને તારી આધ્યાત્મિકતાથી વિશ્વપર વિજય પ્રાપ્ત કર!’ સ્વામીજીનું જગદ્ગુરુ ભારતનું સ્વપ્ન સિદ્ધ થશે. ત્યારે પોતાના તેજોમય કિરણો દ્વારા સમગ્ર વિશ્વ પર જ્ઞાનમય પ્રકાશ રેલાવતી આપણી પ્રાચીન ભારતમાતા વિશ્વની સામ્રાજ્ઞી બની પોતાના ગૌરવવંતા સિંહાસન પર વિરાજમાન હશે. અને ત્યારે એ જગતમાં યુદ્ધો નહીં હોય. ધર્મોના ઝઘડાઓ નહીં હોય. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે ઈર્ષ્યા ને કલુષિતતા નહીં હોય, પણ હશે પ્રેમ અને બંધુતા, શાંતિ અને સમૃદ્ધિ. સમગ્ર માનવજાતિ ભારતમાતાના દૈવી પ્રકાશની છાયામાં સુરક્ષિત અને આનંદિત હશે. વિશ્વને આ સ્થિતિએ પહોંચાડવું એ ભારતનું લક્ષ્ય છે અને ત્યારે જ ભારતે વિશ્વપરનો સાચો વિજય મેળવ્યો ગણાશે.
તો ચાલો, આપણે સૌ સ્વામી વિવેકાનંદના આ સ્વપ્નને સિદ્ધ કરવા કાર્યમાં ઝંપલાવી દઈએ અને તેમના આહ્વાન – ‘ઊઠો, જાગો, અને ધ્યેયપ્રાપ્તિ થઈ જાય ત્યાં સુધી મંડ્યા રહો’ને લક્ષમાં રાખીને મંડ્યા રહીએ. સાથે સાથે સ્વામી વિવેકાનંદના ચરણોમાં પ્રાર્થના કરીએ, ‘સ્વામીજી, તમે સમસ્ત જગતના કલ્યાણ માટે ભારતના પુનર્જાગરણનું અને પોતાની આધ્યાત્મિકતા દ્વારા સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરવાનું જે સ્વપ્ન સેવ્યું છે તેને ચરિતાર્થ કરવા માટેની શક્તિ અમને આપો.’ વાહ! ગુરુકી ફતેહ! ભારતમાતાકી જય!
Your Content Goes Here




