‘રામચરિતમાનસ’માં રામરાજ્યની વિભાવના

‘રામરાજ્ય’ની વ્યાખ્યા આપતાં ગોસ્વામી તુલસીદાસજી ‘રામચરિતમાનસ’માં કહે છે –

दैहिक दैविक भौतिक तापा ।
राम राज नहिं काहुहि व्यापा ॥
सब नर करहिं परस्पर प्रीति ।
चलहिं स्वधर्म निरत श्रुति नीति॥

“‘રામરાજ્ય’માં દેહનો, દેવનો કે પ્રાણીનો તાપ કોઇને વ્યાપતો નહોતો. સર્વ મનુષ્યો પરસ્પર પ્રેમ કરતાં હતાં અને વેદોમાં બતાવેલી નીતિ (મર્યાદા) માં પોતપોતામાં તત્પર રહી પોતાના ધર્મ પ્રમાણે ચાલતા હતા.”

‘રામરાજ્ય’માં કોઇ દુ:ખી નહોતા. ‘રામચરિતમાનસ’માં કાકભુશુંડિ કહે છે –

राम राज नभगेसु सुनु, सचराचर जग माहिं ।
काल कर्म सुभाव गुन, कृत दुख काहुहि नाहि ॥

“હે પૃથ્વીરાજ ગરુડ! સાંભળો. ‘રામરાજ્ય’માં જડ ચેતન સર્વ જગતમાં કાળ, કર્મ, સ્વભાવ અને ગુણોથી ઉત્પન્ન થયેલાં દુઃખો કોઇને ન હતાં.”

‘રામરાજ્ય’ના આર્થિક વિકાસ વિશે ‘રામચરિતમાનસ’માં કહ્યું છે –

राम राज कर सुख संपदा
बरनि न सकइ फनीस सारदा ॥

“રામરાજ્યની સુખ સંપત્તિનું વર્ણન શેષનાગ તથા સરસ્વતી પણ કરી શકતાં નથી.”

એક પંડિતજીને એક ન્યાયાધિશે આગ્રહ કર્યો કે ‘રામરાજ્યની ન્યાયવ્યવસ્થા’ વિશે પ્રવચન આપો. પંડિતજીએ આ માટે અમસર્થતા બતાવતાં કહ્યું – કે રામરાજ્યમાં ન્યાયવ્યવસ્થા જેવું કંઇ હતું જ નહિ, એક પણ ન્યાયાધીશ નહોતો, ન્યાય કરવા જેવું કંઈ હતું જ નહિ કારણ કે અન્યાય જેવું કંઈ હતું જ નહિ!

રાજનીતિના ચાર ચરણ છે – સામ, દામ, દંડ અને ભેદ. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે રામરાજ્યમાં દંડ અને ભેદનો એટલો અભાવ હતો કે જો કોઇ દંડી – સંન્યાસીના હાથમાં દંડ ન જોત તો દંડ કોને કહેવાય એ પણ લોકો ભૂલી જાત અને ભેદનીતિનો એટલો અભાવ થઇ ગયો હતો કે સંગીતમાં રાગ-રાગિણીના ભેદ ન સંભળાત તો લોકો ભેદ શબ્દ પણ ભૂલી જાત. તેઓ કહે છે –

दंड जतन्हि कर, भेद जहं, नर्तक नृत्य समाज ।
जितहु मनहि, सुनिय अस, रामचंद्र के राज ॥

રામરાજ્યની પ્રાસંગિક્તા

આ તો થઇ ત્રેતાયુગની વાત. આજે શું એવું રાજ્ય સ્થાપવાનું શક્ય છે? મહાત્મા ગાંધીજીની ઇચ્છા હતી કે આપણા દેશમાં ‘રામરાજ્ય’ જેવું આદર્શ રાજ્ય સ્થપાય. ભલે સંપૂર્ણપણે એવું રાજ્ય સ્થાપવું શક્ય ન હોય તો યે એ આદર્શને ધ્યાનમાં રાખીને આપણે જો અંશતઃ પણ સફળ થઇ શકીએ, તો તેટલા પ્રમાણમાં આપણો સમાજ સ્વસ્થ અને સુખી થશે.

‘રામરાજ્ય’ની સ્થાપનાનો માર્ગ કાંટાળો છે. એ સમયમાં ‘રામરાજ્ય’ કાંઇ સરળતાથી નહોતું સ્થપાયું. એ વખતે જે મુશ્કેલીઓનો સામનો એ પ્રક્રિયામાં કરવો પડ્યો તેનું વિશ્લેષણ આજના સમયમાં પણ ઉપયોગી નીવડી શકે.

ગઇકાલે અયોધ્યામાં કેટલો આનંદ, કેટલો ઉલ્લાસ હતો! અને આજે સમસ્ત શહેર શૌકના સાગરમાં ડૂબી ગયું છે. શ્રીરામના રાજ્યાભિષેકની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી પણ કૈકેયી મંથરાએ આખી બાજી પલટાવી દીધી. શ્રીરામે પિતાની આજ્ઞાનો સહર્ષ સ્વીકાર કર્યો અને ચૌદ વર્ષો માટે વનવાસ ગયા. વનવાસ માટે જતી વખતે તેમના મુખ પર એટલી જ પ્રસન્નતા હતી, પ્રતિક્રિયાની કોઇ નિશાની નહોતી. પછી ચિત્રકૂટમાં મીઠું યુદ્ધ છેડાય છે – શ્રીરામ અને ભરત વચ્ચે – પદપ્રાપ્તિ માટે નહિ – પદત્યાગ માટે! છેવટે બન્નેમાંથી કોઇ રાજાના ઉચ્ચતમ પદનો સ્વીકાર કરવા તૈયાર નથી થતા. અને આજે! આજે તો પદપ્રાપ્તિ માટે નેતાઓ કેટલી હદ સુધી નીચે જઇ શકે છે એનો બધાને ખ્યાલ છે જ. આજે વિડંબના એ છે કે આપણા દેશમાં શ્રીરામ જેવા નેતા નથી. ચારિત્ર્યવાન, કુશળ, ધીર – સ્થિર, ત્યાગશીલ નેતાઓનો અભાવ છે.

આદર્શ રાજ્ય માટે આદર્શ શાસકોની આવશ્યક્તા

તાજેતરમાં બેલુર મઠ ખાતે રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે એક અખિલ ભારતીય યુવ-સંમેલન યોજાયું હતું, જેમાં લગભગ દસ હજાર યુવા ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન એક પ્રશ્ન પૂછાયો હતો – “આજે આપણો દેશ ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, ત્યારે રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ કેમ રાજકારણમાં જોડાતા નથી અને મુખ્ય પદો પર આસીન થતા નથી? અમને તમારા પર શ્રદ્ધા છે, તમારા જેવા ત્યાગીઓના હાથમાં જ્યાં સુધી શાસન નહિ આવે ત્યાં સુધી દેશની પરિસ્થિતિ નહિ સુધરે.” ઉત્તરમાં તેઓને જણાવવામાં આવ્યું હતું કે “સ્વામી વિવેકાનંદજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી ત્યારે જ નિયમ કર્યો હતો કે આ સંસ્થા રાજકારણથી દૂર રહેશે, એ ખરેખર તો એક આધ્યાત્મિક સંસ્થા છે, સેવાની બધી પ્રવૃત્તિઓ આ સંસ્થાના સંન્યાસીઓ સાધનાના ભાગરૂપે ‘શિવજ્ઞાનથી જીવસેવા’ના આદર્શ પ્રમાણે કરે છે. અમે રાજકારણમાં ન જોડાઇ શકીએ. પણ અમે તમારી સાથે સહમત છીએ કે આપણા દેશમાં વધુ સારા, ચારિત્ર્યવાન, પ્રામાણિક નેતાઓની આવશ્યકતા છે. અમે પોતે નેતા ભલે ન બની શકીએ પણ વધુ સારા નેતા બનાવવા માટે પ્રયત્નો કરી શકીએ. અને આ પ્રયત્નોના એક ભાગરૂપે જ આવા સંમેલનો યોજવામાં આવે છે. અમને શ્રદ્ધા છે, જો આજથી તમે લોકો પોતાના ચારિત્ર્યના ઘડતરમાં લાગી જશો તો તમારામાંથી જ આગામી સમયમાં સારા નેતાઓ, સારા અફસરો, સારા વહીવટદારોનું નિર્માણ થશે.”

સ્વાધીનતાનાં પચાસ વર્ષો પછી પણ આપણી પ્રગતિ કેમ સંતોષજનક નથી? તેનું કારણ – શાસકોની પદલોલુપતા. સ્વાધીનતા સંગ્રામમાં કેટલાક લોકોએ તો પોતાનું બલિદાન આપી દીધું, પણ સ્વાધીનતા પછી કેટલાક લોકો જોડાયા તો દેશસેવાના ઉદ્દેશથી; પણ જ્યારે તેઓની સાયકલમાં પદલોલુપતારૂપી ખીલી લાગી ત્યારે પંક્ચર પડી ગયું અને દેશસેવાની ભાવનારૂપી હવા નીકળી ગઇ! અને પછી તો બધા દેશનો ખજાનો લૂંટવાની સ્પર્ધામાં લાગી ગયા!

આપણી રાષ્ટ્રીય નિર્બળતા – ઇર્ષ્યા

આપણી આટલી મહાન આધ્યાત્મિક સંસ્કૃતિ હોવા છતાં આપણો દેશ સેંકડો વર્ષો સુધી કેમ ગુલામ રહ્યો? તેનું કારણ – રાજાઓમાં – શાસકોમાં સંગઠનશક્તિનો અભાવ અને પરસ્પર ઇર્ષ્યા. સોમનાથ મંદિર પર આક્રમણ થયું ત્યારે રજપૂત રાજાઓ પરસ્પર વેરને લીધે એક ન થઇ શક્યા અને સોમનાથ મંદિર લુંટાઇ ગયું, કેટલાય રજપૂતો માર્યા ગયા. આવાં તો કેટલાંય ઉદાહરણો દેશના ઇતિહાસમાં મળે છે.

આપણી રાષ્ટ્રીય નિર્બળતાને પારખીને સ્વામી વિવેકાનંદજીએ આજથી એક સો વર્ષ પહેલાં કહ્યું હતું – “આપણે નર્યા સ્વાર્થી છીએ. આપણામાંનાં ત્રણ જણ પણ જો એકઠા થાય તો એકબીજાને તિરસ્કાર્યા વિના રહી શક્તા નથી, એકબીજાની ઇર્ષ્યા કર્યા વિના રહી શકતા નથી.” એક વિદ્વાને મજેદાર વાત કરી “ભારતીય વિશેષજ્ઞો જાપાનીઓ કરતાં પણ બમણા શ્રેષ્ઠ છે અને જાપાનીઓ અમેરિકનો કરતાં પણ બમણા શ્રેષ્ઠ છે. એક ભારતીય બરાબર બે જાપાની અને ચાર અમેરિકન. પણ બે ભારતીયો એટલે શૂન્ય જાપાની અને શૂન્ય અમેરિકન! કારણ કે બન્નેની શક્તિ એકબીજાની ઇર્ષ્યા કરવામાં ખર્ચાઇ જવાની.” વ્યવસ્થાશક્તિનું મહત્ત્વ સમજાવતાં આપણા દેશવાસીઓને સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, “આપણા સ્વભાવમાં વ્યવસ્થાશક્તિનો સંપૂર્ણ અભાવ જ છે, ઇર્ષ્યાનો અભાવ – એ જ એને પામવાનું મોટું રહસ્ય છે. આપણા ત્રીસ કરોડ હિન્દુઓ ૫૨ ચાર કરોડ અંગ્રેજો કેમ રાજ ચલાવી શકે છે?…. એ ચાર કરોડ પોતાની સંકલ્પશક્તિ વડે કેન્દ્રિત થઇને કામ કરે છે, ને એટલે જ એ વિરાટ શક્તિ બની રહે છે, અને આપણા ત્રીસ કરોડમાં તો દરેકની પોતપોતાની જુદી ઇચ્છાઓ હોય છે. આથી જ ભારતનું ભાવિ ઉજ્જ્વળ બનાવવું હશે તો વ્યવસ્થાશક્તિ, શક્તિસંચય અને ઇચ્છાશક્તિના સુમેળની ખાસ જરૂ પડશે.” ભાવિ શાસકોને ઉદ્દેશીને સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, “સત્તા ચલાવવાનો શોખ અને ઇર્ષ્યા – આ બે વસ્તુથી ચેતતા રહેજો.”

આદર્શ રાજ્ય માટે આદર્શ નાગરિકોની આવશ્યક્તા

કહેવત છે – “યથા રાજા તથા પ્રજા.” જ્યાં સુધી આપણા દેશમાં ચારિત્ર્યશીલ શાસકો શાસન ન કરે ત્યાં સુધી રામરાજ્યનું સ્વપ્ન સાકાર કરવું વધુ ને વધુ મુશ્કેલ બનશે. આજે લોકશાહીના યુગમાં સાથે સાથે એ પણ સ્વીકારવું પડે – “યથા પ્રજા તથા રાજા.” કારણ કે આ શાસકો પ્રજાના મતદાનથી જ સત્તા પર આવે છે. એટલે જ સ્વામી વિવેકાનંદજી પ્રજાજનોના ચારિત્ર્ય- ઘડતર પર ભાર મૂકતાં કહે છે, “કોઇ પણ દેશ એની ધારાસભામાં આ કે તે કાયદો પસાર કરે છે. માટે મહાન બની જતો નથી, એ મહાન બને છે તો એના સાધુચરિત અને ઉદાત્ત પ્રજાજનોને કારણે.”

પ્રજાજનોને આદર્શ નાગરિકત્વ તરફ દોરી જવા એ પણ એક લાંબી પ્રક્રિયા છે અને એ માટે અત્યંત ધૈર્યની આવશ્યકતા છે. આ વાત સમજાવતાં સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, “રાજાઓ તો ગયા ને હવે તો લોકશાસનનો સમય આવ્યો છે. આથી લોકો ઘટતી કેળવણી પામે, પોતાની જરૂરિયાતો સમજતા થાય અને પોતાના કોયડાઓનો ઉકેલ લાવવાને તત્પર બને ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે.”

અંતરમાં રામરાજ્ય સ્થાપવાની આવશ્યક્તા

આમ રામરાજ્ય જેવા સમાજની સ્થાપના માટે શાસકો અને પ્રજાજનો બન્ને માટે ચારિત્ર્યઘડતરની સમાન આવશ્યકતા છે. જ્યાં સુધી આપણા અંતરમાં ઇર્ષ્યારૂપી મંથરા, લોભરૂપી કૈકેયી, મોહરૂપી રાવણ, અંહકારરૂપી કુંભકર્ણ, કામરૂપી મેઘનાદ વગેરે નિવાસ કરે છે ત્યાં સુધી આપણા હૃદયસિંહાસન પર શ્રીરામ વિરાજમાન ન થઇ શકે અને જ્યાં સુધી આપણા અંતરમાં રામરાજ્યની સ્થાપના ન થઇ જાય ત્યાં સુધી દેશમાં, સમાજમાં રામરાજ્યની સ્થાપના શક્ય નથી.

આપણા હૃદયસિંહાસનમાં રામરાજ્યની સ્થાપના માટે જ ગાંધીજી રામનામનો પ્રચાર કરતા. રામભજન વિશે ગાંધીજીએ લખ્યું હતું, “મારો અભિપ્રાય એવો છે કે રામનામનો પ્રચાર ખાદીના કે સ્વરાજ્યના પ્રચારની જેમ ન થઈ શકે. આ અતિશય કઠિન કાળમાં રામનામ પણ અવળું જ જપાય છે…. તેથી જે રામનામનો પ્રચાર કરવાને ઇચ્છે છે તેણે પોતે એ પ્રચાર પોતાના હૃદયમાં કરી રામનું સામ્રાજ્ય ત્યાં સ્થાપી પ્રચાર કરવો.”

બિનસાંપ્રદાયિક રાજ્યમાં રામરાજ્ય

આ ‘રામ’ કોણ? ગાંધીજી ગોસ્વામી તુલસીદાસની જેમ માનતા કે રામ એક ઐતિહાસિક પાત્ર જ નહિ પણ તેઓ સાક્ષાત્ પરબ્રહ્મ પરમેશ્વર છે. એ શાશ્વત પરમ સત્ય છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા – “એક રામ તેનાં હજાર નામ.” “રામધૂનમાં જે હિન્દુ નથી તે કેમ જોડાય?” એ પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ કહ્યું હતું, “જ્યારે જ્યારે કોઇ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો ફક્ત હિન્દુઓને સારુ છે એટલે મુસલમાનો તેમાં કેમ જોડાઇ શકે, ત્યારે મને હસવું આવે છે. તો શું મુસલમાનોનો એક ખુદા છે અને હિન્દુ, ખ્રિસ્તી કે પારસીનો બીજો છે? ના, સર્વસમર્થ અને સર્વવ્યાપી ઇશ્વર એક જ છે… મારો રામ – જે રામની આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ તે રામ અયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઇતિહાસમાં થઇ ગયેલો રાજા રામચંદ્ર નથી, મારો રામ તો સનાતન છે, તે કઇ જન્મ લેતો નથી અને તેના જેવો બીજો કોઇ નથી.”

શ્રીરામની ઉપર્યુક્ત વ્યાખ્યાના સંદર્ભમાં બિનસાંપ્રદાયિક રાજ્ય (Secular State)માં પણ ‘રામરાજ્ય’નો આદર્શ અપનાવી શકાય.

શ્રીરામકૃષ્ણદેવ જટાધારી પાસેથી ગોપાલમંત્રની દીક્ષા લઇ, વાત્સલ્યભાવની સાધના કરી શ્રીરામચંદ્રની બાલમૂર્તિના (રામલલાના) દિવ્ય દર્શન હર પળે પામવા સક્ષમ બન્યા હતા. પોતાની અનુભૂતિને તેઓ એક પ્રખ્યાત દોહા દ્વારા પ્રકટ કરતા –

जो राम दशरथका बेटा, वो ही राम घटघटमें लेटा ।
वो ही राम जगत पसेरा, वो ही राम सब से न्यारा ॥

શ્રીરામનવમી પ્રસંગે આપણે આ શાશ્વત પરમ સત્યરૂપી શ્રીરામને પ્રાર્થીએ કે તેઓ આપણા હૃદયસિંહાસનમાં બિરાજમાન થાય જેથી કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્ષારૂપી રાક્ષસોનો વિનાશ થાય અને આપણા અંતરમાં રામરાજ્ય સ્થાપિત થાય અને આવી રીતે સમાજમાં રામરાજ્ય સ્થાપવાનો માર્ગ મોકળો બને.

Total Views: 204

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.