(આ લેખમાં મનુષ્યને ઈશ્વરના સોગટા તરીકે પ્રસ્તુત કરાયો છે. ઈશ્વરનું સર્જન એટલે કે જગત એ શતરંજની ચોપાટ છે અને બધા માનવો સોગટાં છે. ઈશ્વર પસંદ કરેલાં સોગટાં દ્વારા પોતાનું ઇચ્છિત કાર્ય કરાવે છે. ‘ધ વેદાંત કેસરી’ ફેબ્રુઆરી, ૨૦૦૧માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીહર્ષદભાઈ પટેલે કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)
કોલકાતાના સ્ટાર થિયેટરની માલિકી ધરાવતા અને સંચાલન કરતા ગિરીશચંદ્ર ઘોષ તેમના સમયના અગ્રગણ્ય બંગાળી નાટ્યકાર હતા. આકંઠ ભૌતિકવાદી અને દૃઢ નાસ્તિક એવા તેઓએ સ્વચ્છંદતાપૂર્ણ જીવન વિતાવ્યું. પણ ગમે તેમ, તેઓ શ્રીરામકૃષ્ણ તરફ ખેંચાયા. જો કે ઘણી વાર તેઓ દારૂ પીધેલી અવસ્થામાં ગાળો બોલતાં ઉદ્ધત બનતા, પણ શ્રીરામકૃષ્ણ તેમના અંતઃસ્તલમાં રહેલાં નિખાલસતા અને સામર્થ્ય જોતા. એક વખત ગિરીશની ગાળોથી ઉદ્વિગ્ન બનેલા શ્રીરામકૃષ્ણે કાલીમાને પ્રાર્થના કરી,‘હે મા, તેને શાંત બનાવ કે જેથી તે મને ગાળો ન ભાંડે.’ અને ગિરીશ કાલીય નાગે શ્રીકૃષ્ણને કહેલા શબ્દોનું પુનરુચ્ચારણ કરતા,‘હે પ્રભુ, તમે જ મને વિષ આપ્યું છે, નહીં કે અમૃત. હું વિષ સિવાય અન્ય શું આપી શકું!’
પોતાના માર્ગમાંની સઘળી વિષમતાઓ વચ્ચેથી જે નિષ્ઠાવાન ભક્ત પરિશ્રમપૂર્વક આગળ વધવા માગે છે તેના માટે ગિરીશની આ ઘટના વિશેષ મહત્ત્વપૂર્ણ છે. તે ભક્તને તરત જ અચંબો પમાડે છેઃ તો પછી શું તે ઈશ્વરે આપણને દોષો સહિત સર્જ્યા છે? વિરોધનું પાયારૂપ આ આક્રંદ અસંતોષ બાબતે મહત્ત્વપૂર્ણ લાગણી છે, એટલે કે તે ગમે તેટલી આધ્યાત્મિક સાધનાઓ કરે પણ તે ઈશ્વર-સાક્ષાત્કાર માટે પૂરતી નથી. તેની ઘણીય શારીરિક અને માનસિક અશક્તિઓ તેના ચહેરા પર ડોકાય છે અને કોઈ વખત વ્યાકુળતાની તીવ્રતામાં કામચલાઉ પીછેહઠ સહન કરે છે. તે એ માટે નિરુત્સાહિત થઈ જાય છે.
એવી નિરાશાની ક્ષણે તે ઉપર્યુક્ત શબ્દોમાં તેના હૃદયની ગ્લાનિ વ્યક્ત કરે છે. તેની આધ્યાત્મિક પ્રગતિને અવરોધતાં ઘૃણાજનક બળો અને કારણો સામેની તેની અંદર સદાય ચાલી રહેલી લડત નિરાશાની ક્ષણે સપાટી પર આવે છે. આવા કાળમાં જો આગળ વધેલા સાધકો અત્યંત કષ્ટો અનુભવતા હોય ત્યાં સામાન્ય ભક્તોનું તો પૂછવાનું જ શું? તેથી જ સ્વામી શિવાનંદ પોતાના દેહના સંદર્ભમાં ‘દોષયુક્ત સોગટું’ અથવા ‘તૂટેલું વાસણ’ એવી પરિભાષા વાપરતા; શ્રીરામકૃષ્ણ તેઓના નબળા દેહને ‘કાણાવાળું ફૂટેલું ઢોલ’ કહેતા અને એસિસિના સંત ફ્રાન્સિસ પોતાના શરીરને ‘ભાઈ ગધેડો’ એમ કહીને સંબોધતા.
સૃષ્ટિ ઈશ્વરની દિવ્ય લીલા અથવા ક્રીડા છે. તેઓ તેમના સર્જનની સાથે રમવા ઇચ્છે છે. તે કારણે ભક્તિશાસ્ત્રો દૃશ્યમાન જગતમાંની વિષમતાનું આલેખન કરે છે. ઈશ્વરને સર્વશક્તિમાન સર્જકરૂપે જોતી વખતે તેના સર્જનની વિસંગતતાઓને સમજાવવાનો આ જ એક માર્ગ છે. શ્રીરામકૃષ્ણ ભારતના ગ્રામ્ય પ્રદેશમાંની બાળકોની રમતનું દૃષ્ટાંત ટાંકે છે.
તે ખામી ભરેલા સર્જન અંગેની ભક્તની શંકાનું પરોક્ષ રીતે સમર્થન કરે છે, રમત આવી છે: એક બાળક થાંભલા તરીકે વર્તે છે અને એક જગ્યાએ ઊભો રહે છે, તે ‘બૂઢી’ અથવા ‘દાદીમા’ કહેવાય છે. આંખે પાટા બાંધેલા રમતવીરો ત્યારબાદ રમતના મેદાનની હદમાં ફરે છે.
દાદીમાની સિસોટી વાગતાં રમનારા તેમને અડકવા તેમની તરફ આગળ વધે છે. જે બાળક દાદીમાને અડકી જાય છે તે જીતી જાય છે અને રમતની બહાર જતો રહે છે. તે જ રીતે ઈશ્વરે આપણને જગતની રમતમાં જોતરી દીધા છે, આપણે હંગામી ધોરણે દૃષ્ટિહીન થઈ ગયા છીએ અને આપણે આ પ્રતિકૂળતા સામે સંઘર્ષ કરવો પડે છે.
આ મર્મ સાથે, ભક્ત ઈશ્વરની લીલાનું પરીક્ષણ કરવા થોડાંક ડગ આગળ વધે છે. ઈશ્વરે ક્રીડા કરેલી સૌથી પ્રથમ રમત છે જગતનું સર્જન; અને જે આદિ સોગટાથી રમ્યા તે છે પ્રકૃતિ અથવા માયા અથવા તેઓનો સંકલ્પ. તેમ છતાં, દરેક પ્રસંગે, જે સોગટું પસંદ કરાયું તે સંભવતઃ ત્રુટિયુક્ત છે. એમ ન હોય તો, અસંગતતાથી ભરેલું સર્જન અસ્તિત્વમાં જ કેવી રીતે આવ્યું? સ્વામી વિવેકાનંદે એક વાર ઉપહાસ કરીને કહ્યું હતું,‘જગતની યોજના રાક્ષસી છે. હું જગત સારી રીતે સર્જી શક્યો હોત.’ ખિન્નતા સાથે તેમણે કહ્યું,‘ઈશ્વરે જગતને ગંદી ખાણ બનાવી મૂકી છે અને તમે તેને સુંદર સ્થાન બનાવવા માગો છો! જો આપણે આ જગતનું કારણ એવી માયા અથવા પ્રકૃતિ વિશે જાણવા પ્રયત્ન કરીશું તો, આપણે તેનું સંતોષકારક સ્પષ્ટીકરણ કરવા શક્તિમાન નહીં બનીએ. તે સત્ય નથી, કારણ કે તેનું જ્ઞાન દ્વારા ઉન્મૂલન થાય છે, તેને અસત્ય નહીં કહી શકાય કેમ કે તે જગતનું ઉદ્ગમ છે. વળી તેને એકીસાથે સત્ય અને અસત્ય એમ પણ ભાષિત નહીં કરી શકાય કારણ કે તે તો પ્રકાશ અને અંધકારના સહઅસ્તિત્વ જેવી વિરોધાભાસી પદાવલિ ગણાશે. તે ત્રિગુણાત્મક છે—ત્રણ ગુણોથી બનેલું છે —સત્ત્વ, રજસ્ અને તમસ્; અને જે સંયોજન છે તે ખામીઓ વિનાનું ન હોય. ત્રણેયમાંના દરેક ગુણને બંધનશક્તિ છે. તેમ છતાં ઈશ્વરે આ આદિ અપૂર્ણ સોગટાને પોતાની દિવ્યક્રીડા માટે પસંદ કર્યું છે.’
ઉદાહરણરૂપે તેમના અન્ય સર્જનની વાર્તા લો. ઈશ્વરે આદમ અને ઈવને સર્જ્યાં કે જેઓ માનવજાતનું પ્રથમ સર્જન છે. તેઓએ તેમની દિવ્યલીલાને ગતિ બક્ષવા ‘લૂસિફર’ (શયતાન) નામના સોગટાને પસંદ કરીને સર્જ્યું. પણ ‘લૂસિફરે’ શું કર્યું? ઇચ્છાના રૂપમાં, આદમ અને ઈવ તેમજ તેમના અનુગામી વંશજોનાં હૃદયમાં પગ પેસારો કર્યો.
આ રમત અટક્યા વિના ચાલી રહી છે કારણ કે ઇચ્છા-વાસનાનો અંત નથી. તે તેનો ભોગ બનેલા શિકારોને, આ જન્મના તેમજ જન્માંતરના એમ બંને જાતના વિનાશ માટે લલચાવે છે. શ્રીમદ્ ભાગવતમાં નોંધ્યું છે કે ઈશ્વરે માનવનું સર્જન કરીને સંતોષ અનુભવ્યો અને આનંદિત થયા, કેમ કે તેમણે એવા જીવની સૃષ્ટિ કરી કે જેને ‘ધી’ એટલે બુદ્ધિનો ઉપહાર કરાયો છે, જેના દ્વારા તે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકશે. સાથે સાથે, માનવીને ઇન્દ્રિયોથી સુસજ્જ કરાયો છે, જે ઇન્દ્રિયો તેની ક્ષતિઓને ઉઘાડી પાડે છે. કઠોપનિષદ સ્પષ્ટતા કરે છે –
परांचि खानि व्यतृणत् स्वयंभूः
तस्मात् पराङ् पश्यति नात्मरात्मन्।
સ્વયં પ્રકટ થવાવાળા પરમેશ્વરે ઇન્દ્રિયોને બહાર જવાવાળી જ બનાવી છે. તેથી (મનુષ્ય ઇન્દ્રિયો દ્વારા) બહારની વસ્તુઓને જ જુએ છે, અંતરાત્માને નહીં.
ભક્તને થતો વિષાદ વાજબી ગણાય છે કારણ કે તેનું મન નાસ્તિકના વહેમોની અનિશ્ચિતતાથી શંકાગ્રસ્ત થઈ ગયું છે. સાધક માટે આ અસ્વાભાવિક નથી. ‘યોગસૂત્રો’ તેને યોગનો અવરોધ કહે છે. અવરોધોની ઘણી બાબતોમાં—રોગ (વ્યાધિ), શંકા (સમસ્યા) અને માનસિક સંતાપ (દૌર્મનસ્ય)નો સમાવેશ થયેલો છે.
તે સ્વાભાવિક છે કે આપણી શારીરિક અને માનસિક ત્રુટિઓ કે દોષો આપણને દુઃખ આપે છે અને આપણે તેનાથી અસ્વસ્થ બની ઊઠીએ છીએ. તે પણ સ્વાભાવિક છે કે આપણે આપણી અસહાયતા અંગે આપણા પ્રિયતમ એવા પરમેશ્વરને ફરિયાદ કરીએ છીએ. તેની વ્યથામાં, જો ભક્ત તેના અંતરમાં જાતે જ દુઃખી થાય અને તેના હૃદયને મરુસ્થળ બનાવે તો તે ખોટું છે.
તેમ છતાં, થોડાક જ કાળમાં, ભક્ત પરમેશ્વરની બાબતમાં ખરા-ખોટાનો ન્યાય કરવાની બાબતે પોતાની મૂર્ખામીને સમજી જાય છે. સતત ઈશ્વર-સ્મરણથી ભાગ્યવાન બનેલો તેનો અન્તરાત્મા દખલગીરી કરશે, ‘તે ઈશ્વર છે જે તારામાં ઇચ્છા પ્રેરવા અને કાર્ય કરવા ક્રિયાશીલ થાય છે.’ જો કે ઘણી વખત ઈશ્વરનાં કાર્યો બુદ્ધિગમ્યતાથી પર અથવા તો ધૂન ભરેલાં જણાય છતાં તેના અંતરાત્મામાંનો અવાજ તેને કહેશે કે ઈશ્વર અંગેનાં બાહ્ય રૂપદર્શન ગેરમાર્ગે દોરશે નહિ. આપણે અત્રે નીચેનો પ્રસંગ યાદ કરીએ. કેશવચંદ્ર સેન બ્રાહ્મસમાજના સુખ્યાત નેતા હતા. બ્રાહ્મો ઈશ્વરની વૈધી પૂજામાં માનતા નથી, મહદ્ અંશે તો તેઓ તેનાથી વિરુદ્ધ છે. એનાથી ઊલટું શ્રીરામકૃષ્ણ મા કાલીના ઉપાસક હતા અથવા બ્રાહ્મો કહેતા તેમ ‘મૂર્તિપૂજક’ હતા; તેઓ ઉત્કૃષ્ટ ભક્ત હતા. ઉપલક દૃષ્ટિથી કેશવ અને શ્રીરામકૃષ્ણ વચ્ચે સમજૂતીનો કોઈ જ મુદ્દો ન હતો.
તેમ છતાં, જ્યારે કેશવ માંદગીમાં સપડાયા ત્યારે શ્રીરામકૃષ્ણે કેશવ તાત્કાલિક સ્વસ્થ થાય તેવી પ્રાર્થના સાથે મા કાલીને ભેટ ધરવાનું વચન આપ્યું. તેમણે એમ શા માટે કર્યું? કારણ કે કેશવની અંદર તેમણે ભક્તનું હૃદય નિહાળ્યું. કેશવના આંતરિક આયામનું આ સત્ય શ્રીરામકૃષ્ણથી અજાણ્યું નહોતું.
વધુમાં, ઈશ્વર પોતાના સર્જન સાથે ક્રીડા કરે છે તે સામાન્યતઃ પ્રચલિત રમત નથી. તે બાળકની જેમ ક્રીડા કરે છે. તેઓની ક્રીડાની વિચિત્રતા અને વિનોદ એ છે કે તેઓ ખોટું અને ખામીભરેલું સોગટું પસંદ કરીને વીણી લે છે. જાગતિક રમતમાં કંઈ જ એવું નથી કે જેને પૂર્ણ કહેવાય. માત્ર ઈશ્વર જ પૂર્ણ છે. તેમના માટે સોગટું મહત્ત્વનું નથી, પણ હાજર થવાનો આદેશ મહત્ત્વનો છે. જ્યારે સાદ કરનાર શેઠ તરફથી કહેણ આવે છે ત્યારે તે અફર હોય છે.
તેઓ આ બાબતમાં વિશિષ્ટ છે. સોગટાં ભલેને ખામી ભરેલાં હોય, તેઓએ કોઈ ફરિયાદ કરવાપણું નથી. જો તેઓ તેમ કરે છે તો, તે અંતતઃ વિશેષ વધુ ફરિયાદ કરતા રહે છે અને તેની મરજીમાં સહમત ન થાય ત્યાં સુધી વધુને વધુ કષ્ટ ભોગવે છે. શાશ્વતપણે પૂર્ણ ક્રીડાઓ કેમ કરવી તે તેઓ જાણે છે, એમ શ્રીરામકૃષ્ણ કહે છે. તેમની અગાધ કૃપાથી, તેઓને આ સન્માર્ગ પર આવવા તેમણે આપણને સાદ કર્યો છે. તેઓની ઇચ્છા અનુસાર જ થશે. પરંતુ નિષ્ઠાવાન સાધકને કદાપિ લાગશે નહિ કે તેની સાધનાની (ધાર્મિક અનુષ્ઠાનો) ગુણવત્તા ઉચ્ચ કક્ષાની છે. દિવ્ય અસંતુષ્ટિની વૃત્તિ તેને ગરકાવ કરી દે છે. તેની પ્રાર્થનામાં તે ઈશ્વર સમક્ષ પોતાની નબળાઈઓ કબૂલે છે અને વિશ્વાસપૂર્વક ગુપ્ત વાત રજૂ કરે છે તેમજ તેઓની કૃપા માટે પ્રાર્થના કરે છે.
શ્રીમા શારદા કહે છે કે જપ અથવા ધ્યાનની ગમે તેટલી પણ માત્રા ઈશ્વરપ્રાપ્તિના ઉદ્દેશ માટે પૂરતી નથી. સઘળું તેઓની કૃપા પર અવલંબે છે. સ્વામી પ્રેમાનંદ શ્રીમાના શબ્દો કહી સંભળાવતા,‘ગમે તેવું કરીને પણ તમે તેમનો સાક્ષાત્કાર પામી શકતા નથી. તેઓની કૃપા દ્વારા જ સઘળું સંભવિત છે.’ જાણ્યે-અજાણ્યે, ભક્ત યથાર્થપણે આવું જ ઝંખે છે.
સ્વામીજી નોંધે છે કે મનુષ્યે સદાય પોતાના ઉદ્ધારકરૂપે જાણેલો તે એકમાત્ર ઈશ્વર છે. તેમનું જે શરણ લે છે, તેમનાં કુકર્મોનું તે ઈશ્વર પરિવર્તન કરી દે છે. ઈશ્વરના સ્પર્શથી અંગુલિમાલ, જગાઈ-માધાઈ, ગિરીશ ઘોષ અને એવા બીજા અસામાન્ય પાપીઓ મુક્ત થઈ ગયા છે. તેઓની કૃપાથી સમગ્ર વંશનો સમૂહ પણ પાછો મૂળ સ્થિતિમાં આવી ગયો છે. તેથી, જ્યારે ઈશ્વર દેખીતો ત્રુટિયુક્ત પાસો પસંદ કરીને પકડે છે ત્યારે યાદ રાખવું કે તેમના સામર્થ્યની પરિધિમાં તે યોગ્ય છે, જેના વડે ત્રુટિઓને તેઓ શુભ કરે છે.
આધ્યાત્મિક અંતર્દૃષ્ટિ અને જાગૃતિની ખિલવણીને બાહ્ય ત્રુટિઓ અવરોધતી નથી કે અવરોધી શકતી નથી. તોપણ કોઈ તેમને કેવી રીતે વર્ણવે—ત્રુટિયુક્ત કે યથાર્થ સોગટું? ઉત્તર સ્પષ્ટ છે. ત્રુટિવાળાં પણ યથાર્થ સોગટાંની પૌરાણિક કથાઓ નીચે આપી છે. દરેક ઉદાહરણ સ્વયં અજોડ છે. પણ તે દરેકમાં સામાન્ય લાક્ષણિક તત્ત્વ છે: તેઓ બધા ઈશ્વરે નિયંત્રિત કર્યા અનુસાર વર્ત્યા.
(૧) રત્નાકર નામચીન પાપી, નિર્લજ્જ લૂંટારો અને અવર્ણનીય ઠગ હતો. ઈશ્વરે તેમના સોગટા તરીકે, હિંદુઓના ઉત્તમ મહાકાવ્ય એવા રામાયણની રચના કરવા તેને પસંદ કરીને ચૂંટી કાઢ્યો. રત્નાકર પકડમાં આવી ગયા હતા, આકરી કસોટીએ ચઢાવાયા હતા અને અંતે વિશુદ્ધ કરાયા હતા. અંતમાં તેઓ વાલ્મીકિ નામના મહાન ઋષિમાં રૂપાંતરિત થયા હતા. પરંતુ ઈશ્વરની શરૂઆતની પસંદગી નિરાશાજનક હતી. ઈશ્વરના અવતારની જીવનગાથા એક ધૂર્ત લખે! ઈશ્વરની ઇચ્છા પૂર્ણ થઈ હતી.
(૨) મારીચ અને સુબાહુ બે રાક્ષસ-બંધુઓ હતા. દંડકારણ્યમાં તેઓ શ્રીરામ સામે લડ્યા. સુબાહુ લડતાં લડતાં મરણ પામ્યો અને મારીચને શ્રીરામના બાણે હજારો ગાઉ દૂર ફેંકી દીધો. મારીચ નદીના કિનારે પડ્યો. તેને સમજાયું કે શ્રીરામ સામાન્ય મનુષ્ય ન હતા, પણ તે સ્વયં ઈશ્વર હતા. તે રામનું ધ્યાન ધરતો નદીના કિનારે રહેવા લાગ્યો. એક દિવસ, રાક્ષસરાજ રાવણ તેની સમક્ષ ઉપસ્થિત થયો. રાવણે મારીચને શ્રીરામને લલચાવીને દૂર લઈ જવા સુવર્ણમૃગ બનવા માટે આદેશ કર્યો કે જેથી કરીને સીતાનું અપહરણ થઈ શકે. મારીચે શ્રીરામ એ સામાન્ય મનુષ્ય ન હતા એવું રાવણને મનાવવા અંગેનો અને જો તે લલચાવવા જશે તો તેને અવશ્ય મારી નાખશે એમ સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. જો તે તેની (રાવણની) આજ્ઞાનો અનાદર કરશે તો તેનું સમાન ભાગ્ય જ નિર્મિત થશે એવી રાવણે તેને ધમકી આપી. મારીચે, સ્વાભાવિકપણે શ્રીરામના હાથે મરવાનું પસંદ કર્યું. વધુમાં, તેને ધ્યાનમાં જાણવા મળ્યું કે એ રામની ઇચ્છાથી જ તે સુવર્ણમૃગ તરીકે વર્ત્યો. મારીચ, કે જેણે પોતાની જાતને શ્રીરામની ઇચ્છાને આધીન કરી હતી, તે રાવણના આદેશને અનુસર્યો, શ્રીરામના હાથે મૃત્યુને ભેટ્યો અને મુક્તિ પામ્યો.
(૩) મહાભારત કથાના દુષ્ટનાયક દુર્યોધને તેના ખાતે નોંધાયેલાં અનેક અધમાધમ દુષ્કૃત્યો આચરવામાં ખચકાટ અનુભવ્યો ન હતો. શ્રીકૃષ્ણના શાંતિ-પ્રસ્તાવનો તેના દ્વારા કરાયેલો અડગ અસ્વીકાર મહાભારતના યુદ્ધમાં પરિણમ્યો કે જેણે કૌરવોનો પ્રાયઃ ઉચ્છેદ કર્યો. સ્વયં તે પણ મરાયો. પરંતુ તેનું પોતાના અંગેનું મૂલ્યાંકન શું છે? તેણે સ્વીકાર્યું:
जानाम्यधर्मं न च मे प्रवृत्तिः।
जानाम्यधर्मं न च मे निवृत्तिः॥
केनापि देवेन हृदिस्थितेन।
यथा नियुक्तोऽस्मि तथा करोमि॥
હું ધર્મ શું છે તે જાણું છું, પણ તેમાં મારી પ્રવૃત્તિ નથી. હું અધર્મ જાણું છું પણ હું તેનાથી અટકતો નથી. હું મારા હૃદયમાં રહેલા કોઈ ઈશ્વર દ્વારા પરિચાલિત થતો વર્તું છું.
તેની સ્વયં વિશેની અગાધ સુસજ્જ સજાગતા હોવા છતાં, કાલીય નાગની જેમ, ઈશ્વરના હાથમાંના યથાર્થ સોગટારૂપે પ્રતિનિધિરૂપ બની રહ્યો.
અધ્યાત્મપથે તેઓની આગેકૂચના આધારે વિભિન્ન પ્રકારનાં સોગટાં હોય છે. અલબત્ત, તે બધાં એક જ ઈશ્વર દ્વારા નિર્માયાં હોય છે. વ્યાપકપણે જોતાં, તે બે વિભાગમાં વહેંચાયેલાં છે: સામાન્ય અને ખરેખરાં. (યથાર્થ). પોતે જ્યેષ્ઠ બંધુનો જે પ્રકારનો પ્રતિનિધિ હતો તેવા શ્રીરામના ભાઈ મહાન ભરતે દૃષ્ટાંતપૂર્વક સમજાવવા આવાં બે પ્રકારનાં સોગટાનાં બે લાક્ષણિક ઉદાહરણો ટાંક્યાં છે. ભરત કહે છે કે બે પ્રકારના નર્તકો છે કે જેઓ અદૃશ્ય દિગ્દર્શકના લયના તાલે નાચે છે: વાંદરો અને કઠપૂતળી. જ્યારે નાચવાનો નિર્દેશ કરાય છે ત્યારે વાંદરો શું કરે છે? પહેલાં તો તે તેને આપવામાં આવેલી તાલીમ મુજબ નાચે છે. બીજું, લાંબા કાળ સુધી તે નાચી શકતો નથી, થાકી જાય છે. ત્રીજું, તેના નચાવનારા માટે તે બક્ષિસ ઉઘરાવે છે. જ્યારે અન્ય પ્રકારની કઠપૂતળીની પરિસ્થિતિમાં, બધું જ સર્વથા ઊલટું છે. પ્રથમતઃ તેમાં રમતની મર્યાદા નથી કેમ કે અદૃશ્ય રહેલો કઠપૂતળીનો કર્તા કઠપૂતળી મારફત રમત-પ્રદર્શન પ્રસ્તુત કરતો રહે છે. બીજું, તેના કંટાળવાનો કે થાકી જવાનો કોઈ પ્રશ્ન જ નથી. ત્રીજું, જ્યારે ભેટો અપાય છે ત્યારે પ્રત્યક્ષપણે કઠપૂતળીવાળા દ્વારા તે સ્વીકારાય છે, કઠપૂતળી દ્વારા સ્વીકારાતી નથી. મહાન ભરતે પોતાની જાતને શ્રીરામના હાથની કઠપૂતળી તરીકે સરખાવવાનું પસંદ કર્યું. ખરેખરા યથાર્થ સોગટાનું આ સર્વોત્કૃષ્ટ દૃષ્ટાંત છે. શરૂમાં, જ્યારે ઈશ્વર સોગટું ચૂંટે છે ત્યારે તે વાંદરો અદૃશ્ય હોઈ શકે, પણ અંતમાં તે ઈશ્વરના હાથમાંની કઠપૂતળી થઈ જાય છે. વાંદરીને પોતાના હાથે વળગી રહેતા બચ્ચાનું અને જરૂર પડે ત્યારે મ્યાઉં મ્યાઉં કરતા તેમજ પોતાની મા પર સંપૂર્ણ નિર્ભર રહેતા બિલાડીના બચ્ચાનું દૃષ્ટાંત શ્રીરામકૃષ્ણ વારંવાર ઉપદેશતા.
પ્રથમ વાર પશ્ચિમના દેશોમાં જતાં પૂર્વે સ્વામી વિવેકાનંદે પોતાની જાતને સંપૂર્ણપણે ઈશ્વર ઇચ્છા પર છોડી મૂકી હતી અને દૈવી આદેશની પ્રતીક્ષા કરી હતી. તેવો આદેશ બે સ્વરૂપે સાંપડ્યો. (૧) એક રાત્રે જ્યારે તેઓ તન્દ્રાવસ્થામાં હતા ત્યારે પ્રતીકાત્મક સ્વપ્નમાં આદેશ પ્રાપ્ત થયો. સમુદ્રતટેથી સાગરના જળમાં ચાલતું અને ઇશારો કરીને એમને અનુસરવાનું કહેતું પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણનું સ્વરૂપ જોયું. (૨) સ્વામીજીએ પોતાની લાંબી યાત્રા માટે આશિષ માટેની ઉત્કંઠા સૂચવતો શ્રીમાને પત્ર લખ્યો. શ્રીમાએ તેઓના પનોતા પુત્રને આશિષ મોકલવામાં વિલંબ કર્યો નહિ. શ્રીમાનો પત્ર મળતાં જ, સ્વામીજીના આનંદની સીમા ન રહી, વૈકલ્પિકપણે તેઓ નાચી ઊઠ્યા અને રડી પડ્યા. તેઓ સ્વગત બોલ્યા,‘આહ! હવે બધું ઠીક છે. તેમાં માની ઇચ્છા છે.’
સાધકની પરીક્ષા કરવાનો માપદંડ પ્રત્યેક પ્રસંગમાં જુદો જુદો હોય છે. પરંતુ તે દરેકને કોઈપણ પ્રકારે કસોટીએ ચઢાવે છે. જેટલી વધુ મોંઘી વસ્તુ, તેટલી ગ્રાહકને સંતોષવાની કસોટીઓ વધુ કડક. ‘આપત્તિ આવી મળે જે પહેરે માથે તાજ.’ સત્યશોધક સ્વૈચ્છિકપણે ઉત્તરદાયિત્વ વહોરી લે છે, ઉચ્ચતર ધ્યેયના ઉદ્દેશથી તેની પ્રક્રિયા ત્વરિત કરાય છે. ફળસ્વરૂપે સુખ અને દુઃખ ત્વરાથી તેની પછવાડે થાય છે. પણ ભક્ત જગતના સુખભોગોથી અસંગ હોવાથી, તે કષ્ટોથી પીડાય છે. સ્વામી વિવેકાનંદનાં કથનોમાં તે જ બાબત પડઘાય છે – ‘જેટલું ઉમદા તમારું હૃદય, એટલું જાણજો કે તમારા શિરે દુઃખનો જથ્થોય વધુ.’ પ્રોત્સાહક વાણીમાં તેઓ ઉમેરે છે,‘પ્રેમી આત્મા દુઃખ આવતાં કહી શકે છે કે ‘દુઃખ! તું ભલે આવ્યું!’ જો આપત્તિ આવે તો તે કહી શકે છે કે ‘આપત્તિ! હું તારું સ્વાગત કરું છું કારણ કે તું મારા પ્રિયતમ પાસેથી આવેલ છે.’ વિખ્યાત પુસ્તક ‘ધી વે ઓફ એ પિલગ્રિમ’માં ‘આશિષરૂપે આપત્તિ’નો ભાવ પૂરેપૂરો તેવી જ રીતે નીચેના શબ્દોમાં નિરૂપાયો છે: શેરડીના સાંઠાએ બાળકને પ્રાર્થના શીખવી….. પ્રભુના હાથમાંના લાકડીના સોટાની જેમ શું આપણે પ્રાર્થનાના માર્ગ પર આવતાં આપણાં ગ્લાનિ અને કસોટીઓને ભેટતા નથી?’
તો પછી જ્યારે તેઓના અખૂટ પ્રેમની ભરતીમાં સ્વર્ગીય પિતા એવું દેખાડે છે ત્યારે અને જ્યારે આવા લાકડીના સોટા આપણને વધુ નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરવાનું શીખવે છે અને શબ્દોથી પર એવા દિલાસા તરફ દોરી જાય છે ત્યારે આપણે શા માટે ગભરાઈ ઊઠીએ અને અસ્વસ્થ થઈ જઈએ છીએ?
પોતાની સઘળી ખામીઓ હોવા છતાં પસંદગી પામેલ સાધકે શ્રદ્ધા વિકસાવવી જ જોઈએ. સ્વામીજી કહે છે, ‘જે પોતાનામાં શ્રદ્ધા ધરાવતો નથી તે નાસ્તિક છે.’ આપણે જે શ્રદ્ધા વિશે વાતો કરીએ છીએ તે જુદા જ પ્રકારની શ્રદ્ધા છે. અહીંયાં સાધક બીજાની તકો સાથે પોતાની તકોની તુલના કરે છે. આમ કરતાં, તેને એવા પ્રોત્સાહનકારી સાધકોનો ભેટો થાય છે, જેઓની આધ્યાત્મિક સંપત્તિ તેના કરતાં ઓછી અને તેમની પરિસ્થિતિઓ વધુ ખરાબ છે. સન ૧૯૮૯ના ગુરુપૂર્ણિમાના શુભ દિવસે, યાત્રાઓળુનું એક વૃંદ કાશ્મીરની પવિત્ર અમરનાથ ગુફાનાં દર્શને ગયું. પર્વતારોહણના અંતિમ ચરણના કષ્ટદાયી ચઢાણ વખતે એક સિવાય દરેક યાત્રાળુ થાકી ગયા. તે લંગડી વ્યક્તિ કાખઘોડીના સહારે સુખપૂર્વક પર્વતારોહણ કરી રહી હતી! ધર્મશાસ્ત્રનું જીવંત કથન: ઈશ્વર લંગડાને પર્વત ઓળંગાવે છે. લંગડી વ્યક્તિની સાહસિકતાની વૃત્તિ જોઈને બધા યાત્રાળુ શરમિંદા બની ગયા, ઉત્સાહ પામ્યા અને પુનપ્રાપ્ત બળ સાથે આગળ વધ્યા. નીચે મુજબની ગૌરવમય પદાવલિમાં એક પ્રભુભક્તે એક વાર કબૂલ્યું: ‘હું ફરિયાદ કરતો રહ્યો કે મારી પાસે જોડાં નથી, જ્યાં સુધી મેં એક માણસને જોયો નહિ કે જેને પગ ન હતા!’
Your Content Goes Here




