બાહ્ય સ્થળ, વાતાવરણ વગેરે શું મનની એકાગ્રતા અને ધ્યાન માટે અસરકારક પરિબળો છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. ઘણા એમ માને છે કે શાંત-એકાંત, સ્થળ, વાતાવરણ એકાગ્રતામાં વધારો કરે છે અને બાહ્ય અડચણો એકાગ્રતા માટે નડતરરૂપ કાર્ય કરે છે. તો કેટલાક એમ માને છે કે મોટા ભાગની અડચણો, આપણા મનની અંદર જ છે અને બાહ્ય વાતાવરણ ગમે તેવું હોય પરંતુ જ્યાં સુધી મનની ભાવનાઓ, અને લાગણીઓ કાબૂમાં નહીં હોય ત્યાં સુધી બાહ્ય વાતાવરણની કોઈ અસર થશે નહીં. ફેન્ડ્રીક્સે પોતાના પ્રયોગો દ્વારા એવું તારવ્યું હતું કે મનની એકાગ્રતા માટે બાહ્ય પરિબળો એટલાં બધાં અસરકારક નથી.

બર્કલે યુનિવર્સિટીમાં ન્યુરોબાયોલોજિસ્ટોએ પ્રયોગો દ્વારા એવું પ્રમાણિત કર્યું છે કે બાહ્ય સ્થળ આપણી લાગણીઓ ૫૨ ઘણી અસર કરે છે. એક મોટા પિંજરામાં થોડા ઉંદરો રાખવામાં આવ્યા હતા. જ્યાં સુધી પિંજરામાં પૂરતી જગ્યા હતી ત્યાં સુધી તો તેઓ ખુશીથી નાચતા-કૂદતા રહ્યા. પણ જ્યારે તે જ પિંજરામાં સંકડાશને કારણે વધુ ઉંદરો નાખવામાં આવ્યા ત્યારે તેઓના વર્તનમાં પરિવર્તન આવવા લાગ્યું. પહેલાં તો તેઓ આક્રમક અને અશાંત બનવા લાગ્યા અને પછી મોટા ઉંદરો નાના ઉંદરોને મારી નાખવા માંડ્યા. અંતે જ્યારે વૈજ્ઞાનિકોએ એમાંના થોડા ઉંદરોને બીજા પિંજરામાં ખસેડયા ત્યારે તેઓનું વર્તન ફરી સામાન્ય બની ગયું. આ પ્રયોગથી એવું તારવવામાં આવ્યું કે બાહ્ય સ્થળની લાગણીઓ અને વર્તન પર ઘણી મોટી અસર થાય છે. ગીચ વસતીનાં શહેરો અને ગરદીવાળા રસ્તાઓ આનું ઉદાહરણ છે. આંકડાશાસ્ત્રના રિપોર્ટ્સ (અહેવાલો) જણાવે છે કે ઓછી વસતીવાળાં ગામડાં કરતાં ગીચ વસ્તીવાળાં શહેરોમાં હત્યા, આત્મહત્યા, હિંસા વગેરેનું પ્રમાણ ઘણું વધારે છે. મોટાં શહેરોમાં લોકો ખીચોખીચ બસો ટ્રેનોમાં જ્યારે મુસાફરી કરતાં હોય છે ત્યારે તેઓ ક્ષુલ્લક બાબતમાં જલ્દીથી ઉશ્કેરાઈ જાય છે. આવું ઘણી વાર જોવા મળે છે. આનું કારણ એ છે કે બાહ્ય સ્થળ અને પરિબળોની આપણું મન પર અસર થાય છે.

ન્યુરોબાયોલોજિસ્ટોએ દર્શાવ્યું છે કે આક્રમતા અને ક્રૂરતા – માટે આપણા શરીરના ન્યુરોકેમિકલ તત્ત્વો જવાબદાર છે. તેઓએ શોધ કરી છે કે મનુષ્યમાં આક્રમકતાનું વલણ બે ન્યુરોટ્રાન્સમીટરો – સેરોટોનિન (Serotonin) અને નોરપિનિફન (Norepinephrine) દ્વારા ચાલિત થાય છે. આક્રમક્તા અને હિંસક વર્તન વધુ પ્રમાણમાં નોરપિનફ્રિન અને ઓછા પ્રમાણમાં સિરોટોનિન આવાં વર્તન ઉત્પન્ન કરે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ, યુ.એસ.એ. (National Institute of Mental Health, U.S.A.) ના ડૉ. ગુડવિન એમ માને છે કે ન્યુરોટ્રાન્સમીટર અને આક્રમકતા વચ્ચેનો આ સંબંધ માત્ર જન્મજાત (genetic) નથી પણ બાહ્ય વાતાવરણ પણ આ ભૌતિક અને રાસાયણિક પરિબળોની અસમાનતાને જન્મ આપી શકે.

હાલમાં સ્થાનના અભાવે સમસ્ત જગતમાં મોટી સમસ્યા ઊભી કરી દીધી છે. કેટલાક વિદ્વાનોએ તો આ સ્થળના અભાવને કારણે પૃથ્વીના અંતિમ દિનની પણ કલ્પના કરી છે.

તાજેતરમાં એક હોસ્પિટલના ભવનને વિશાળ બનાવવામાં આવ્યું. આ વધુ હવા-ઉજાસવાળા સુંદર ભવનને લીધે ડૉકટરોએ આશ્ચર્યથી નિહાળ્યું કે બધા દરદીઓ ઝડપથી સારા થવા લાગ્યા અને વર્ષોથી પિડાતા દરદીઓ ૩ મહિનામાં સંપૂર્ણ સાજા થઈ ગયા અને પોતપોતાના ઘેર પાછા ફરીને સ્વસ્થ જીવન વિતાવવા લાગ્યા. જોન હોપકીન્સ સ્કૂલ ઑફ મેડિસિન (John Hopkins School of Medicine)ના ડૉ. જેરોમ ફ્રેન્કે કહ્યું, “અમે લોકોએ દર્દીઓની સંપૂર્ણતાથી સારવાર કરવાનું મહત્ત્વ જાણ્યું છે. આ એક ફક્ત શરીરની સારવારની જ વાત નથી પણ સર્વાંગીણ સારવાર આપણું લક્ષ્ય હોવું જોઈએ.”

આજકાલની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સ્થળ(જગ્યા)નો અભાવ એ એક મોટી સમસ્યારૂપે હાજર છે. ક્લાસરૂમમાં જ પૂરતી જગ્યા નથી હોતી પછી રમતનાં મેદાન, ખુલ્લી જગ્યા વગેરેની તો વાત જ શી કરવી? કેટલાંક બાળમંદિરોની અવસ્થા (હાલત) તો કરુણ દૃશ્ય સર્જે છે. નાનાં ભૂલકાંઓને ઘેટાંની જેમ એક ઓરડામાં જાણે ગોંધી રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં આ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓને એકાગ્રતા ક્યાંથી આવે? શિક્ષણ સિવાયનું અન્ય બધી જાતનું કાર્ય જ આવી પરિસ્થિતિમાં થઈ શકે!

પ્રાચીનકાળનાં આપણાં ગુરુકુળો, આશ્રમો, વનમાં હતાં અને સ્વાભાવિકપણે જ વિદ્યાર્થીઓનું મન મોકળું બનતું અને એકાગ્ર થતું.

નવેમ્બર ૧૯૧૨માં શ્રીમા શારદાદેવી જ્યારે કલકત્તાથી કાશી ગયાં ત્યારે દત્ત પરિવારના ‘લક્ષ્મીનિવાસ’ નામના નવા મકાનમાં તેમને ઉતારો આપવામાં આવ્યો. ત્યાં તેઓ ગોલાપ મા, નિકુંજ દેવી (‘કથામૃત’ના લેખક શ્રી ‘મ’નાં ધર્મપત્ની) રાધુ વગેરેની સાથે અઢી માસ રહ્યાં હતાં. મકાનમાં પ્રવેશ કરતાંની સાથે જ શ્રીમા મકાનના વિશાળ વરંડાને જોઈને આનંદથી બોલી ઊઠયાં – ‘આહ, આવી વિશાળ જગ્યા ધરાવતું મકાન હોવું એ મોટું સૌભાગ્ય છે. નાની જગ્યામાં રહેવાથી મન નાનું થઈ જાય છે. વિશાળ જગ્યામાં રહેવાથી મન પણ વિશાળ થઈ જાય છે.’

ઘણાનો એવો અનુભવ છે કે વિશાળ પવિત્ર સ્થળોમાં, મંદિરોમાં, વનમાં, પહાડોમાં, તીર્થસ્થાનોમાં મન એકાગ્ર બની જાય છે, ઊંડા ધ્યાનમાં નિમગ્ન થઈ જાય છે. પણ જો ધ્યાન માટે આવી રીતે મંદિરોમાં નિયમિત જવું શક્ય ન હોય તો શું કરવું? સ્વામી વિવેકાનંદજીએ આનું સુંદર સમાધાન કરતાં કહ્યું છે-

“જેમની શક્તિ-સ્થિતિ હોય તેઓ કેવળ આ સાધના માટેનો જ એક અલગ ઓરડો રાખે તે વધુ સારું. એ ઓરડામાં સૂવું નહીં. તેને પવિત્ર રાખવો. નાહીં-ધોઈને શરીર ને મન શુદ્ધ ન થયાં હોય ત્યાં સુધી એ ઓરડામાં પેસવું નહીં. એ ઓરડામાં હંમેશાં પુષ્પો રાખવાં, યોગીને માટે એવું વાતાવરણ ઉત્તમ છેતથા મનમાં સાત્ત્વિક ભાવ જગાવે એવાં ચિત્રો રાખવાં. સવાર-સાંજ ધૂપ કરવો. એ ઓરડામાં કજિયો, કંકાસ, શ્વેધ કે અપવિત્ર વિચારો ન કરવાં. જેઓ તમારા જેવા સમાન વિચારવાળા હોય, માત્ર તેમને જ અંદર પેસવા દેવા. એ રીતે ધીરે ધીરે એ ઓરડામાં પવિત્રતાનું વાતાવરણ ઊભું થશે, તેથી જ્યારે તમે શોકગ્રસ્ત હો, દુ:ખી હો, સંશયમાં હો, અથવા તમારું મન વ્યગ્ર હોય ત્યારે તે ઓરડામાં પ્રવેશ કરવાની સાથે જ મન શાંત થઈ જશે. મંદિર, દેવળ બાંધવા પાછળની ભાવના આ હતી. અને કેટલાંક મંદિરો અને દેવળોમાં તો હજીયે આવી શાંતિ અનુભવશો. પણ તેમાંના મોટા ભાગનાંમાંથી તો એ ભાવના ચાલી ગઈ છે. ભાવના એ છે કે પવિત્ર ભાવતરંગોને જાળવવાથી સ્થાન આધ્યાત્મિક ભાવનાથી ઉજ્જ્વળ બની રહે છે. જેઓ એ સાધના માટે અલગ ઓરડો ન રાખી શકે તેઓ જ્યાં અનુકૂળ પડે ત્યાં સાધના કરે.”

શ્રીરામકૃષ્ણદેવ કહેતા ‘ધ્યાન કરવું મનમાં, વનમાં અને ખૂણામાં. જો વનમાં જઈ શકાય તો અત્તિ ઉત્તમ. પણ બધા સમય માટે બધા માટે આ શક્ય નથી. માટે ઓરડાનો એક ખૂણો નિર્ધારિત કરવાથી પણ ધીરેધીરે એ સ્થળ આધ્યાત્મિક બનશે અને એકાગ્રતામાં સહાયરૂપ નીવડશે.

આમ, આપણે જોયું કે સાધનાની પ્રારંભિક અવસ્થામાં બાહ્ય વાતાવરણ, સ્થળ વગેરે એકાગ્રતા માટે મહત્વનો ભાગ ભજવે છે. હા, એટલું ખરું કે ગમે તેવું સારું વાતાવરણ હોય, શાંત, વિશાળ સ્થળ હોય પણ મનની લાગણીઓ-ઇચ્છાઓ પર જ્યાં સુધી પૂરતું નિયંત્રણ ન આવે ત્યાં સુધી એનો પૂરેપૂરો લાભ સાધકને મળતો નથી. પણ મનની ભાવનાઓ, લાગણીઓ પર પણ આ વાતાવરણનો પ્રભાવ પડે છે તે આધુનિક પ્રયોગો દ્વારા પ્રમાણિત થયું છે, જેની ચર્ચા આપણે આગળ કરી. એ વાતની ના નહિ કે સાધકનું અંતિમ લક્ષ્ય તો એવું હોવું જોઈએ કે બાહ્ય વાતાવરણનો કોઈ પ્રભાવ તેની એકાગ્રતા પર ન પડે, પણ તે તે અતિ ઉચ્ચ ભૂમિકા- અવસ્થાની વાત છે.

સ્વામી વિવેકાનંદજી ‘કર્મયોગ’માં કહે છે “ગહન શાંતિમાં અને એકાંતમાં જે સતત પ્રવૃત્તિ જુએઅને સતત પ્રવૃત્તિમાં રણના જેવી જ શાંતિ અને એકાંત અનુભવે, તે જ આદર્શ માનવી ગણાય.”

સ્વામી વિવેકાનંદજી પોતે આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતા. તેઓ જ્યારે હિમાલયમાં ગુફામાં ધ્યાનમગ્ન હતા ત્યારે દેશની ચિંતામાં નિમગ્ન રહી સતત પ્રવૃત્તિમય રહેતા અને અમેરિકામાં બજારની ધાંધલમાં પણ એટલા ઊંડા ધ્યાનમાં મગ્ન થઈ જતા કે કેટલીયવાર ટ્રામમાં બેસીને જતી વખતે પોતાના ઉતરવાના સ્થળથી ઘણા આગળ નીકળી જતા!

શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય સ્વામી શારદાનંદજી મહારાજ કલકત્તાના ‘ઉદ્બોધન’ ભવનમાં પોતાના નાના ઓરડામાં બેસીને અમર ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ લખતા. ભવનના દરવાજાની બહાર જ કલકત્તા શહેરનો ઘોંઘાટ, લોકોની અવરજવર, બસોની દોડધામ અને અવાજ અને અંદર ભવનમાં રાધુ, પાગલી મામી વગેરેનો કોલાહલ, કલહ વગેરે. આવા બૂમબરાડા અને અશાંત વાતાવરણની વચ્ચે પણ પ્રશાંતચિત્તે સ્વામી શારદાનંદજીને ગ્રંથના લેખનકાર્યમાં નિમગ્ન જોઈને ભક્તોએ કૂતુહલથી પૂછ્યું – “આપને આટલો કોલાહલ આપની એકાગ્રતામાં ખલેલ નથી પહોંચાડતો?” સ્વામી શારદાનંદજીએ શાંત ચિત્તે જવાબ આપ્યો – “મેં મારા કાનોને સમજાવી દીધું છે, કે તારે કામ સિવાયની આ બધી વાતો સાંભળવી નહિ. એટલે મારી એકાગ્રતા ભંગ થતી નથી.” કેવું અદ્ભુત નિયંત્રણ પોતાના મન ૫૨! પણ આ ઉચ્ચ સ્થિતિ સાધના કર્યા વગર આવતી નથી અને સાધનાના પ્રથમ સોપાન તરીકે આપણે આપણી સાધના માટે બાહ્ય સ્થળ અને વાતાવરણ એકાગ્રતાને અનુકૂળ હોય તેવું રાખવું પડશે.

(ક્રમશ:)

Total Views: 421

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.