(ધ્યાનમાં મન કેમ લાગતું નથી ?)

મોટા ભાગના સાધકોનો પ્રશ્ન હોય છે- “ધ્યાનમાં મન કેમ લાગતું નથી? મન કેમ એકાગ્ર થતું નથી?” જેઓને આ સમસ્યાનો સામનો નથી કરવો પડતો તેઓ અત્યંત ઉચ્ચ કોટિના સાધકો છે – તેઓનું મન અંતર્મુખી બની ગયું હોય છે, અત્યંત શુદ્ધ થઈ ગયું હોય છે. અલબત્ત જેમણે ગંભીરતાપૂર્વક ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કર્યો નથી તેઓને માટે તો આની સમસ્યા ઊભી થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આપણે જો ગંભીરતાપૂર્વક ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરીશું તો આ સમસ્યાનો સામનો કરવો જ પડશે. તેના ઘણાં કારણો છે.

સૌ પ્રથમ તો આ મન સ્વભાવથી જ ચંચળ છે. સ્વામી વિવેકાનંદજીએ તેને એવા ચંચળ વાનર સાથે સરખાવ્યો છે, જે ઇચ્છારૂપી દારૂ ઢીંચીને ટેં થયેલ છે, જેને ઈર્ષ્યારૂપી વીંછીનો ડંખ લાગેલ છે અને જેના મનમાં અભિમાનનું ભૂત ભરાઈ ગયું છે.

અર્જુન જેવા મહારથીને માટે પણ મનને વશ કરવું વાયુને વશ કરવાથી વધુ દુષ્કર પ્રતીત થતું હતું તો આપણી શી વિસાત છે? જે વ્યક્તિ પાણીમાં પડછાયો જોઈ માછલીની આંખ વીંધી શકે તેના મનની કેવી એકાગ્રતા હશે! અને તેમ છતાં તેને માટે મનને વશ કરવું આટલું દુષ્કર હતું! માટે આ ધ્યાનની દુષ્કરતાના વિચારથી નિરાશ થવાને બદલે વધુ મક્કમતાપૂર્વક ધ્યાનનો અભ્યાસ કરવો પડશે.

બીજું, ધ્યાન, એ પતંજલિના યોગસૂત્ર પ્રમાણે અષ્ટાંગ યોગમાંનું સપ્તમ સોપાન છે. સાથે આપેલા ચાર્ટ પ્રમાણે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ રાજયોગનાં સોપાનો છે. યમ એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ, આનું પાલન કરવાથી ચિત્ત શુદ્ધ થાય છે. નિયમો પાંચ છે – તપ, સ્વાધ્યાય, સંતોષ, શૌચ અને ઈશ્વરપ્રણિધાન. આ નિયમિત ટેવો અને વ્રતો યોગની સફળતા માટે અત્યંત આવશ્યક છે. આપણે ધ્યાનમાં તુરત સફળતા મેળવવાની ખેવના રાખીએ છીએ પણ એ માટે યમ, નિયમના અભ્યાસરૂપી કિંમત ચૂકવવી પડે છે તે ચૂકવવા તૈયાર નથી હોતા અને તેથી ધ્યાનનો અભ્યાસ આ પૂર્વતૈયારી વગર સ્વાભાવિક રીતે જ વધુ કઠિન થઈ પડે છે. “ધ્યાનમાં મન કેમ લાગતું નથી?” એ પ્રશ્ન પૂછ્યા પહેલાં આપણે પોતાની જાતને પૂછવું જોઈએ – “શું મેં યમ, નિયમના પ્રારંભિક સોપાનોનું આંશિકરૂપે પણ પાલન કર્યું છે?” મોટા ભાગે આપણને જણાશે કે ધ્યાનમાં મન લાગતું નથી એનું એક મુખ્ય કારણ છે – આ પ્રારંભિક નૈતિક મૂલ્યોનો જીવનમાં અભાવ.

કઠોપનિષદમાં કહ્યું છે-

“पराञ्चिखानि व्यतृणत्स्वयंभूस्तस्मात्पराङ्पश्यति नान्तरात्मन्‌।”

(કઠોપનિષદ: ૨/૧/૧)

ઈશ્વરે જ જાણે કે બધી ઈન્દ્રિયોને બહિર્મુખી બનાવી દીધી છે. ધ્યાનનો અર્થ જ છે મનને બાહ્ય વસ્તુઓ પરથી હટાવી અંતરમાં કેન્દ્રિત કરવું, જે પાણીના વહેણની ઉંધી દિશામાં તરવા જેવું કઠિન છે. અત્યંત ધ્યાનપૂર્વક વારંવાર બહાર જતા મનને અંતર્મુખી કરવાનો પ્રયાસ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.

મનની ગતિ તરંગાકાર હોય છે. સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ ગુણોથી બનેલું મન ક્યારેક સત્ત્વશીલ હોય ત્યારે અંતર્મુખી બને છે અને ક્યારેક રજોગુણ અને તમોગુણના અતિરેકથી નિમ્નગામી અને બહિર્મુખી બને છે. જયારે મન સત્ત્વગુણી હોય ત્યારે તે અવસરનો લાભ ઉઠાવી ધ્યાનનો વધુ અભ્યાસ કરી શકાય. સવાર અને સાંજના સંધિકાળે, વિશેષરૂપે બ્રાહ્મમુર્હૂતમાં (સૂર્યોદયના એક કલાક પહેલાં) વાતાવરણમાં શુદ્ધ તરંગો વહેતા હોય છે ત્યારે મન સત્ત્વગુણી બને છે અને ધ્યાનનો અભ્યાસ ઓછો કઠિન બને છે.

ધ્યાનમાં મન લાગતું નથી એનું એક મહત્ત્વપૂર્ણ કારણ છે નિયમિત અભ્યાસનો અભાવ. ‘આજે અર્ધી કલાક ધ્યાન કર્યું, આવતીકાલે એક કલાક ધ્યાન કર્યું, પછી થોડા દિવસો બિલકુલ ધ્યાન ન કર્યું’ એમ અનિયમિત રીતે ધ્યાનમાં બેસવાથી મન ધ્યાન માટે કેળવાતું નથી. આ માટે તો ઇચ્છા હોય કે ન હોય, ઇચ્છાશક્તિનો ઉપયોગ કરીને દરરોજ નિયત સમયે નિયત સમય માટે ધ્યાનનો અભ્યાસ કરવો ઘટે. શ્રીરામકૃષ્ણદેવ મુસલમાનોની નિયમિત નમાઝ પઢવાની ટેવને બિરદાવીને નિયમિત સાધનાના મહત્ત્વને સમજાવતા.

આહાર-વિહારમાં મધ્યમપંથ અવલંબન કરવાના મહત્ત્વ પર અને ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવામાં શુદ્ધ આહારના મહત્ત્વ પર આપણે વિસ્તારથી ચર્ચા કરી જ છે. આહારની અશુદ્ધિ અને આહાર-વિહારમાં અતિરેક પણ ધ્યાનના અભ્યાસને વધુ કઠિન બનાવી દે છે.

ધ્યાન અનેક પ્રકારના છે. જેઓ રૂપધ્યાન કરે છે, પોતાના ઇષ્ટદેવનું ચિંતન કરવાનો પ્રયત્ન કરે છે, તેઓને મોટે ભાગે આ સમસ્યાનો સામનો કરવો પડે છે – ઇષ્ટદેવની સંપૂર્ણ મૂર્તિનું ધ્યાન થતું નથી, અને થાય તો ય આ ચિંતનની ધારા ટકી નથી રહેતી. ક્યારેક ઇષ્ટના ચરણ દેખાય છે તો શ્રીમુખ દેખાતું નથી, શ્રીમુખ દેખાય તો બાકીનો ભાગ દેખાતો નથી, આનું એક મહત્ત્વપૂર્ણ કારણ છે – ઇષ્ટદેવતા પ્રત્યે પ્રેમનો અભાવ. (ક્રમશ:)

Total Views: 129

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.