(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

(ગતાંકથી આગળ)

જીવનની સમસ્યાઓ

પ્રશ્નઃ ભયને કઈ રીતે જીતી શકાય છે?

ઉત્તરઃ બધા પ્રકારના ભયને દૂર કરવાનો એક જ ઉપાય છે—પોતાની જાતને શ્રીભગવાનનાં ચરણોમાં સમર્પિત કરી દેવી. એક વાર હું હિમાલયની તળેટીમાં હતો. વન્ય પશુઓથી બહુ ડર લાગતો હતો. ભયને કારણે સાધનામાં બહુ અડચણ ઊભી થતી હતી. એક મહાત્માએ મારી સ્થિતિ જોઈને કહ્યું કે, ‘વિચારી જો, તને શા માટે આટલો ભય લાગે છે? તને મૃત્યુનો જ ડર છે ને?’ મેં વિચાર કરીને કહ્યું કે, ‘હા, અંતે તો મૃત્યુનો ભય જ મને હેરાન કરે છે. મને એ વિચારીને જ ડર લાગે છે કે, વન્ય પશુ મારી પર હુમલો કરીને ક્યાંક મને મારી નાખશે તો!’ ત્યારે મહાત્માજીએ કહ્યું કે, ‘જો તારા ભાગ્યમાં વન્ય પશુને હાથે મરવાનું લખાયું હશે, તો કોઈ એને ટાળી શકશે નહીં. અને જો નહીં લખાયેલું હોય, તો જંગલનું કોઈ જાનવર સામે આવી જશે તોપણ તારો વાળ વાંકો કરી શકશે નહીં. આ તર્કમાં વિશ્વાસ છે?’ તર્ક તો એકદમ સાચો હતો. મહાત્માજીએ પુનઃ કહ્યું, ‘હવે થોડા દિવસ તું આ સત્ય પર ધ્યાન કર.’ મેં એ પ્રમાણે જ કર્યું. એથી ઈશ્વરની ઇચ્છા પ્રત્યેનો સમર્પણ–ભાવ દૃઢ થયો અને ડર ધીરે ધીરે દૂર થઈ ગયો.

એટલે, હવે ભગવાન પ્રત્યે સમર્પણનો ભાવ દૃઢ કરો. હિત-અહિત બધામાં એમની જ ઇચ્છાને અનુભવવાનો પ્રયત્ન કરો. જો કે, સમર્પણ-ભાવ એકદમ નહીં આવી જાય. એના માટે ખંતપૂર્વક પ્રયત્ન કરવો પડશે. જેમ જેમ આ ભાવ દૃઢ થતો જશે, તેમ તેમ ભય આપમેળે અદૃશ્ય થઈ જશે.

પ્રશ્નઃ હું બહુ ક્રોધી સ્વભાવનો છું. ક્રોધના આવેશમાં ક્યારેક મારાથી અનુચિત કાર્ય પણ થઈ જાય છે. પછી પસ્તાવો થાય છે. એને જીતવાનો કોઈ ઉપાય બતાવી શકો?

ઉત્તરઃ એ બહુ સારી વાત કહેવાય કે તમને તમારા દોષનું ભાન છે. ક્રોધને જીતવાનું પહેલું પગથિયું તમે પાર કરી લીધું છે. પોતાના કોઈ અવગુણને દૂર કરવાનું પ્રથમ પગથિયું છે—એ દોષને સ્વીકારવો અને એને દૂર કરવા માટે પ્રયત્નશીલ બનવું. તમને પશ્ચાત્તાપ થવો એ દર્શાવે છે કે તમે એ દુર્ગુણને દૂર કરવાનો પ્રયત્ન કરો છો. ક્રોધને શાંત કરવા માટે તમે નીચે આપેલા બંને ઉપાયોને અજમાવી શકો છો.

(૧) જ્યારે તમને એવું લાગે કે ક્રોધની વૃત્તિ ધીરે ધીરે મનમાં ઊઠી રહી છે, ત્યારે તમે એ સ્થાન કે પરિવેશને છોડીને બીજા સ્થળે ચાલ્યા જાઓ. ક્રોધનું કોઈ કારણ સામે આવે ત્યારે ત્યાંથી દૂર ખસી જવાનો પ્રયત્ન કરો.

(૨) જો એકદમ દૂર હટી જવાનું શક્ય ન હોય, તો મનમાં એક એવી જીવિત વ્યક્તિની છબિ અંકિત કરવાનો પ્રયત્ન કરો, જેને તમે બહુ સ્નેહ કરો છો અથવા જેમના પ્રત્યે તમને શ્રદ્ધા છે. ધ્યાનને સ્નેહ કે શ્રદ્ધા વચ્ચે વહેંચી દેવાથી મન ધીરે ધીરે શાંત થઈ જાય છે. આ બંને ઉપાયોનો અભ્યાસ કરો, સફળતા ચોક્કસ મળશે.

પ્રશ્નઃ ગુરુજનો સાથે વાતચીત કરતી વખતે ગભરાઈ જાઉં છું, પરંતુ મિત્રો કે સમવયસ્કો સાથે વાત કરતી વખતે એકદમ સ્વસ્થ રહું છું. આનું કોઈ નિદાન બતાવી શકો છો?

ઉત્તરઃ એવું લાગે છે કે તમારા મનમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ છે. અંગ્રેજીમાં એને Inferiority complex (લઘુતાગ્રંથિ) કહે છે. મોટા માણસો પાસે જતાં તમે બેચેની અનુભવતા હશો. એમની સામે તમે દોષની લાગણી અનુભવતા હશો એવું લાગે છે. એનું કારણ કદાચ તમારા જીવનમાં ચરિત્ર અંગે ઘટેલી કોઈ ઘટના હોઈ શકે. એક કામ કરો—તમારા જીવનની બધી વાતો કોઈ એવી વ્યક્તિ પાસે વ્યક્ત કરી દો, જેને તમે આદરની દૃષ્ટિથી જુઓ છો અને જેના પર તમને વિશ્વાસ છે કે તે તમારા જીવનની અવાંછિત વાતો સાંભળીને પણ તમારી ઘૃણા નહીં કરે. જીવનની કોઈ પણ ઘટનાને તેનાથી છુપાવો નહીં. જો પ્રત્યક્ષ કહેવામાં સંકોચ થતો હોય, તો લખીને જણાવો દો.

એ ઉપરાંત, હંમેશાં મનમાં એવો ભાવ રાખો કે તમારી અંદર પણ એ જ પરમાત્માની શક્તિ કાર્ય કરી રહી છે. તમે તમારી જાતને હીન સમજવાનું છોડી દો. તમે પોતાને દુર્બળ શા માટે સમજો છો? તમારામાં પણ એ જ આત્મશક્તિ છુપાયેલી છે. એને પ્રકટ કરો, એનો વિકાસ કરો. તમે રાતના સૂતી વખતે અને સવારે ઊઠીને પથારીમાં જ બેઠાં બેઠાં કલ્પના કરો કે તમારામાં પણ એ જ આત્મજ્યોતિ પ્રકાશિત છે. હૃદય-મધ્યે જ્યોતિ-શિખાનું ધ્યાન કરો—કલ્પનારૂપી નેત્રોથી એ જ જ્યોતિ-શિખાને અપૂર્વ તેજસ્વી અને નિષ્કંપ જોવાનો અભ્યાસ કરો. તમે અનુભવશો કે તમારી અકળામણ ધીરે ધીરે દૂર થતી જાય છે.

પ્રશ્નઃ ક્યારેક ક્યારેક હું અચાનક અકારણ ઉદાસ થઈ જાઉં છું અને મને હતાશા ઘેરી લે છે. આનાથી બચવા માટે શું કરવું જોઈએ?

ઉત્તરઃ તમારી ઉદાસીનતા પાછળ જરૂર કોઈ કારણ હશે. મનને જરાક ઊંડાણથી તપાસો. માલૂમ પડશે કે એવી કોઈ ઘટના જરૂરથી બની છે, જે મનને અનુકૂળ ન હતી. આવી ઘટનાઓ ક્યારેક ક્યારેક આપણી ઉદાસીનતાનું કારણ બને છે. તમારે ભૂતકાળની યાદોથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે પણ આવી સ્મૃતિઓ ઊભરી આવે, ત્યારે તરત જ પોતાની જાતને કોઈ કાર્યમાં લગાવી દો, અથવા પરિવારજનો પાસે જઈને બેસો કે અન્ય પરિચિત લોકો સાથે વાતચીત કરો. ઉપરાંત, કોઈ સદ્‌કાર્યમાં જોડાઈ જાઓ અને આ રીતે પોતાને સત્કાર્યોમાં, સદ્‌ગ્રંથોના અધ્યયનમાં અને સત્પુરુષોના સંગમાં વ્યસ્ત રાખો. મનને ન ગમે તોપણ બળપૂર્વક આવું કરો. એથી ધીરે ધીરે મનનો વિરોધ સમાપ્ત થઈ જશે અને આ બાબતો પ્રત્યે મનમાં રુચિ પેદા થશે. પરિણામે, ઉદાસીનતા અને નિરાશાનો ભાવ ધીમે ધીમે ઘટતો જઈને એક દિવસ બિલકુલ ખતમ થઈ જશે.

પ્રશ્નઃ બુદ્ધિ અને હૃદયના સંઘર્ષમાં કોને અનુસરીએ?

ઉત્તરઃ આનો પ્રત્યક્ષ જવાબ આપી શકાય નહીં. આ ઝઘડાના નિર્ણયમાં મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે બંનેમાં ઝઘડો કઈ વાત પર થયો છે. એક સ્થૂળ પરીક્ષા એ કરી શકાય કે જેના પક્ષમાં સ્વાર્થની માત્રા ઓછી હોય, એનું અનુસરણ કરવું જોઈએ. મોટે ભાગે હૃદય નિઃસ્વાર્થતાનું પ્રતીક છે અને બુદ્ધિ સ્વાર્થનું! છતાં પણ જે વાતને લઈને દ્વંદ્વ પેદા થયું હોય, એના સંદર્ભમાં એ તપાસીને જોવું જોઈએ કે હૃદયનો પક્ષ વધુ નિઃસ્વાર્થ છે કે બુદ્ધિનો. જે પક્ષ નિઃસ્વાર્થતાનું પોષણ કરે છે, એનું જ અનુસરણ કરવું ઉચિત છે.

પ્રશ્નઃ ભય અને સંશયની ભાવના મને સતત સતાવ્યા કરે છે. મૃત્યુનો એટલો ડર નથી લાગતો, પણ ભવિષ્યમાં થનારી ઘટનાઓનો ભય મને સતાવે છે. જાણે કે હું કોઈ દુર્ઘટનાનો શિકાર બનીને અપંગ થઈ ગઈ, કે શીતળાની બીમારથી દૃષ્ટિશક્તિ ગુમાવી બેઠી, અથવા સ્કૂલેથી આવતા–જતા મારા છોકરાને અકસ્માત થશે, તો શું થશે? આવા વાહિયાત સંશયોથી હું પરેશાન છું. આનાથી છૂટવાનો કોઈ સરળ ઉપાય બતાવો.

ઉત્તરઃ તમને તમારી આશંકાઓથી મુક્ત થવાની ઇચ્છા થઈ છે, એ બહુ સારી વાત છે. આ જ બાબત તમને આ આશંકાઓથી ઉપર ઊઠવાનું બળ આપશે. જો તમારામાં ઈશ્વર પ્રત્યે સમર્પણનો ભાવ આવશે, તો તમે આ ભયમાંથી બચી શકશો. તમને આટલો ડર તો મૃત્યુનો પણ નથી, એથી સ્પષ્ટ થાય છે કે તમારા મનના કોઈ ખૂણામાં અસુરક્ષાની ભાવના પેસી ગઈ છે. તેથી તો તમને લાગે છે કે ભલે મૃત્યુ આવી જાય, પરંતુ હું અપંગ બનીને કોઈની દયા પર નહીં જીવું. છોકરા માટે પણ એટલે જ આશંકા ઊભી થાય છે કે એને કંઈક થઈ જશે તો મારી સંભાળ કોણ રાખશે.

આ અસુરક્ષાની ભાવના સુરક્ષાના આશ્વાસનથી જ દૂર થઈ શકે છે. અને ઈશ્વરને છોડીને ભલા બીજું કોણ આપણને અચળ–અટલ સુરક્ષા આપી શકે છે? સંસારની કોઈ પણ વ્યક્તિ આપણને સુરક્ષા આપી શકતી નથી; કોઈ વસ્તુ કે દવા આપણને સુરક્ષિત રાખી શકતી નથી. જે સ્વયં જ અસુરક્ષિત છે, તે બીજાની રક્ષા કેવી રીતે કરી શકે છે? એટલા માટે ઈશ્વર પ્રત્યે તમારો વિશ્વાસ વધારો, એમના પ્રત્યે એવો ભાવ કેળવો કે આ સંસારમાં એકમાત્ર તેઓ જ તમારા પોતાના છે અને હંમેશાં તમારી સાથે છે. એ ધારણા દૃઢ કરો કે તેઓ મંગળમય છે અને સદાય તમારું મંગળ જ કરે છે.

અનુકૂળ પરિસ્થિતિઓમાં જે રીતે એમની કૃપાનો અનુભવ થાય છે, એ જ પ્રકારે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ એમની જ ઇચ્છાનો અનુભવ કરવો જોઈએ. જો એવું માની લઈએ કે મુશ્કેલીઓ પણ એમના દ્વારા જ મોકલવામાં આવી છે, તો મુશ્કેલીઓનો પ્રભાવ નષ્ટ થઈ જાય છે. મનમાં આ પ્રકારનો ભાવ સતત રાખવો જોઈએ — ‘ઠીક છે, પ્રભુ! તમારી ઇચ્છા હોય, તો વિપત્તિ પણ આપો, પણ મને તમારાથી દૂર ન કરો. વિપત્તિ પણ તમારી જ આપેલી છે. ઉપરથી અમંગળ દેખાતી ઘટનાની પાછળ પણ વાસ્તવમાં તમારા જ મંગળમય વરદ-હસ્ત છે. તેનાથી અંતે તો મારું કલ્યાણ જ થશે, ભલે આજે મારામાં એ સામર્થ્ય નથી કે અશુભમાં છુપાયેલા શુભને જોઈ શકું. પરંતુ તમારી કૃપાથી મારી બુદ્ધિ આ બધું સમજવા સમર્થ બને, એવું કરી દો.’

જો ઉપરોક્ત ભાવ તીવ્રતાથી આપણી ભીતર દૃઢ થઈ જાય, તો પછી વિપરીત પરિસ્થિતિઓમાં પણ પ્રતિકૂળતા નહીં દેખાય. ત્યારે, તો જેવો જ મનમાં એવો વિચાર ઊઠશે કે ‘હું અકસ્માતનો ભોગ બનીને અપંગ થઈ જઈશ…’, તેવો જ તરત મનમાં બીજો વિચાર આવશે — ‘તમારી ઇચ્છા હશે, તો મારી અપંગતામાં પણ મારું કલ્યાણ જ થશે.’ જેવો મનમાં એવો વિચાર ઊઠશે કે ‘હું રોગમાં આંખો ગુમાવી દઈશ તો…’, તેવો જ એક પ્રતિ–વિચાર ધસી આવશે — ‘તમારી મરજી હશે, તો મારો અંધાપો પણ મારા માટે હિતકારી જ હશે.’ જેવો જ મનમાં વિચાર આવશે કે ‘પુત્રને ક્યાંક અકસ્માત નડશે તો….’, તેવી જ ભીતરમાં એક અન્ય વિચાર–લહેર ઊઠશે — ‘ભલે થાય! તમે જે ઇચ્છો, તે કરો. પુત્ર તમે આપ્યો છે, પરત લેવા ઇચ્છો તો લઈ લો. જેનાથી મારું કલ્યાણ થાય એ જ કરો. હું નથી જાણતી કે મારું કલ્યાણ શેમાં રહેલું છે. મારી સંપૂર્ણ જવાબદારી તમારી.’

બસ, આ જ મનની એ વૃત્તિ છે, જે પાયાવિહોણી આશંકાઓને જડમૂળથી નષ્ટ કરી દે છે. ‘જે ઈશ્વર નવજાત શિશુના જન્મ પહેલાં જ માનાં સ્તનમાં દૂધની વ્યવસ્થા કરી દે છે, તે જ સદાય આપણી રક્ષા કરી રહ્યા છે.’ — આવો વિશ્વાસ જ આપણી અસુરક્ષાની ભાવનાને સમાપ્ત કરે છે.

વાસ્તવમાં, ઈશ્વરની આ સુરક્ષા આપણને સદાય મળે છે, પરંતુ આપણે અજ્ઞાન, મોહ અને અવિવેકને કારણે, અહંકાર અને દર્પને કારણે એમની કૃપાનો અનુભવ કરી શકતા નથી. ચુંબક તો લોખંડના ટુકડાને પોતાની બાજુ ખેંચી જ રહ્યું છે, પરંતુ લોખંડના ટુકડા પર ધૂળ ચોંટેલી હોવાથી આ આકર્ષણનો અનુભવ કરી શકતો નથી. જેવી જ ધૂળને સાફ કરવામાં આવશે, લોખંડનો ટુકડો આપમેળે ચુંબકના આકર્ષણમાં બંધાઈને એની તરફ ખેંચાવા લાગશે. બસ, આ જ વાત જીવને પણ લાગુ પડે છે. આપણે પોતાની જાતને અહંકાર, કર્તાપણા વગેરેની ધૂળથી ઢાંકી દીધી છે, એટલે ઈશ્વરના આકર્ષણનો, એમની કૃપા અને સુરક્ષાનો અનુભવ કરી શકતા નથી. જ્યારે ઈશ્વર આપણો બધો ભાર પોતાને માથે લેવા તૈયાર છે, ત્યારે આપણે શા માટે કર્તાપણાનો ભાર માથે લઈને ફરીએ? આવો વિશ્વાસ પોતાની ભીતર પ્રકટ કરો. તમે જોશો કે, બધા ભય સમાપ્ત થઈ જશે.

જો તમારામાં વિચારની પ્રધાનતા છે, તો ભવિષ્યની અનિવાર્યતાની ધારણા મનમાં દૃઢ કરો. સ્વયંને કહો કે જે અવશ્યંભાવિ છે, એને કોણ ટાળી શકે છે? કાળની ગતિને કોણ રોકી શકે છે? જ્યારે એવી પરિસ્થિતિ સામે આવશે ત્યારે જોયું જશે. અત્યારથી ભય પામીને શું ફાયદો? આ પ્રકારની ભાવના મનમાં દૃઢ થવાથી ભવિષ્યનો ભય સમાપ્ત થઈ જાય છે.

બસ, આ જ ઉપાય છે. આનાથી સરળ બીજો કોઈ ઉપાય નથી. મનુષ્ય સરળ ઉપાયના ચક્કરમાં સમસ્યાને ઉકેલવાને બદલે વધુ ગૂંચવી નાખે છે. ‘શૉર્ટ કટ’થી જવાના ચક્કરમાં વધુ ભટકી જાય છે. તેથી સરળ ઉપાયનો વિચાર છોડી દો. આ તો મનનો દૃષ્ટિકોણ બદલવાની વાત છે.

મનને બદલવાની એવી કોઈ દવા નથી, જેને ખાઈ લીધી એટલે મન બદલાઈ ગયું! અથવા એવી કોઈ જાદુઈ લાકડી પણ નથી કે, જેને અડકી  લેવાથી મન પલટાઈ ગયું! મનમાં કોણ જાણે કેટલાય જન્મોના સંસ્કાર સંઘરાયેલા છે. આ બધાના શુદ્ધીકરણ માટે અભ્યાસની જરૂર છે. ઉપર જણાવ્યું તેમ, આવો અભ્યાસ કેવળ નિર્મૂળ આશંકાઓ કે ભવિષ્યના ભયનો જ વિનાશ નથી કરતો, પરંતુ એ તો સંસાર-ભયને જ સંપૂર્ણપણે નષ્ટ કરીને જીવનને ધન્ય કરી દે છે.

(ક્રમશ:)

Total Views: 4

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.