ગઈ સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતના સમાજને જાગ્રત કરીને તેના જીવનક્રમને નવું જ વલણ આપવા માટે જે અનેક પ્રયત્ન થયા છે તેમાં અત્યંત ઉચ્ચ ને ઉપકારક પ્રયત્ન કરનાર તરીકે લાલશંકરભાઈનું નામ મોખરે છે. આજે તો સામાજિક ક્ષેત્રે ગુજરાતે ઘણી પ્રગતિ કરી છે. પરંતુ પોતાનું જીવનસર્વસ્વ અર્પણ કરીને, અને તેમ કરતાં લોકાપવાદ, નિંદા કે તિરસ્કારની પણ ગણના કર્યા વગર એકનિષ્ઠાથી જેમણે અથાગ શ્રમ, અવિરત ધૈર્ય ને અડગ નિશ્ચય દાખવીને જે અગ્રેસરોએ એનો પાયો નાખ્યો હતો તેઓમાં લાલશંકરભાઈનું નામ ઉચ્ચ સ્થાને છે.
સાધારણ પરિસ્થિતિમાંથી આપબળે આગળ આવીને સાધેલી પોતાની જીવન-ઉન્નતિના તન-મન-ધનના બધા લાભ નિ:સ્વાર્થભાવે અનેક પરોપકારી કાર્યોમાં આપીને એમણે ગુજરાત જ નહિ છેક મહારાષ્ટ્ર સુધી ખ્યાતિ મેળવી હતી. ‘લાલશંકરનું ગણિત’ ભણેલી આજ પહેલાંની આ સદીના પૂર્વાર્ધના દાયકાની પેઢીઓમાંના થોડા સિવાય ગુજરાતે જાણે પોતાના સામાજિક ને રાજકીય ઉત્કર્ષ માટે આજીવન મથનાર એ સેવાભાવી પુરુષને લગભગ વિસારી દીધા હોય તેમ લાગે છે.
લાલશંકર ઉમિયાશંકર ત્રવાડી (ત્રિવેદી) એ એમનું પૂરું નામ, અમદાવાદ નજીક કલોલ પાસેના નારદીપુર નામના ગામડામાં ઈ.સ. ૧૮૪૫ના ઑગસ્ટની ૨૩મી તારીખ અને શનિવારે, સંવત ૧૯૦૧ના શ્રાવણ વદ-છઠના રોજ મોસાળમાં એમનો જન્મ થએલો. ન્યાતે એ વીસનગરા નાગર, માતા માનકોર તો એમને નાના મૂકી અવસાન પામેલાં અને પિતા અમદાવાદમાં યજમાનવૃત્તિ પર નિર્વાહ ચલાવતા એટલે લાલશંકર મોસાળમાં રહી ઊછરતા હતા.
પુત્રના યજ્ઞોપવિત સંસ્કાર બાદ પિતા એમને અમદાવાદ લઈ આવ્યા. એ સમયે તેઓ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ધોળેશ્વર મહાદેવ પાસે મણિયાશાની ખડકીમાં રહેતા હતા. ત્યાં તુલારામ મહેતાજીની જાણીતી ધૂળિયા શાળામાં ભણવાનો એમણે આરંભ કર્યો. એ પ્રાથમિક શિક્ષણની સાથોસાથ પિતા એમને પોતાની યજમાનવૃત્તિમાં પણ પલોટતા જતા હતા. એમની ઇચ્છા પુત્રને થોડુંઘણું ભણાવી પોતાની સાથે ગોરપદામાં જોતરવાની હતી. લાલશંકર ત્યારે અહીંની નોર્મલ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. અંગ્રેજોના શાસનની સ્થિરતા સ્થાપિત થયા પછી અમદાવાદ બધી દિશામાં વિકાસ સાધી રહ્યું હતું.
એક નવી ચેતના પ્રજાજીવનમાં પાંગરી રહી હતી. ભણતાં-ભણતાં પણ લાલશંકર પિતાના કામમાં યે સહાય કરતા રહેતા હતા. વળી, એ સમયની રૂઢિ પ્રમાણે બાળપણમાં જ એમનું લગ્ન પણ થઈ ગયેલું. એટલે કેવળ યજમાનવૃત્તિમાં પડવાને બદલે લાલશંકરને અંગ્રેજી ભણીને આગળ વધવામાં વધુ ઊજળું ભવિષ્ય દેખાતું હતું. પરંતુ એમની એ ઇચ્છાનો પિતાએ સખત વિરોધ કર્યો. કદાચ એમને ભય હશે કે અંગ્રેજી ભણાવતાં આગળ જતાં પુત્ર હાથ ન પણ રહે. ધીરેધીરે એમનો વિરોધ ઉગ્ર બનતો ગયો અને અંતે પિતાની સાથે યજમાનવૃત્તિમાં જોડાઈ જવા યા બીજી કોઈ નોકરીએ લાગી જવા દબાણ કર્યું, અને જો એમ ન કરી શકે તો ઘર છોડી જવા ફરમાવ્યું! અને વધુ અભ્યાસના પોતાના નિર્ણયને વળગી રહેવાનો નિરધાર કરી લાલશંકરે પત્ની સહ ઘર છોડયું. ત્યારે નોર્મલ સ્કૂલમાંથી એમને મળતી માસિક પાંચ રૂપિયાની સ્કૉલરશિપ સિવાય અન્ય કોઈ આર્થિક આધાર નહોતો, પણ તેઓ પોતાના ઇરાદાને મક્કમપણે વળગી રહ્યા.
એ વખતે નોર્મલ સ્કૂલનું સંચાલન શ્રી મહીપતરામ રૂપરામ નીલકંઠને હસ્તક હતું. લાલશંકરને એમણે સધિયારો આપ્યો, તેઓ નોર્મલ સ્કૂલને ટ્રેનિંગ કૉલેજ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા અને એમનું એ કાર્ય સિદ્ધ થયું ત્યારે ત્યાં ભણતા વિદ્યાર્થીઓની સ્કૉલરશિપ પણ બેવડાઈ અને તેનો લાભ લાલશંકરને પણ મળ્યો.
ટ્રેનિંગ કૉલેજમાં આવ્યા ત્યારે લાલશંકરનું સંસ્કૃતનું જ્ઞાન ઉત્તમ પ્રકારનું હતું. કર્મકાંડની તાલીમ વખતે તેમણે સંસ્કૃત ભાષા પર સુંદર કાબૂ મેળવી લીધો હતો. એક વખત મુંબઈ પ્રાંતના શિક્ષણખાતાના એક અંગ્રેજ અધિકારી ડૉ. હોમ કૉલેજની મુલાકાતે આવેલા, સંસ્કૃતના એ નિષ્ણાત હતા. લાલશંકરે એમની સમક્ષ વેદની ઋચાઓનું એટલું શુદ્ધ અને સહજ પઠન કરી બતાવ્યું કે એથી પ્રભાવિત થઈને એમણે એમને પ્રમાણપત્ર આપેલું.
મનવાંછિત અભ્યાસ થઈ શકતાં લાલશંકરે તેનો પૂરો લાભ લેવા માંડ્યો. ત્યાં અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, મરાઠી, ગણિત, ભૂગોળ આદિ વિષય શીખવતા પ્રથમ કક્ષાના વિદ્વાનો હતા: મહીપતરામ અંગ્રેજી શીખવતા, કવિ દલપતરામ ગુજરાતી, વ્રજલાલ શાસ્ત્રી સંસ્કૃત, ભાસ્કર-રાવ પંડિત મરાઠી ને વ્યંકટરાવ નામના એક મહારાષ્ટ્રીયન ગણિત. આ બધા વિષયો સાથે લાલશંકરે ગણિતમાં તો એટલી નિપુણતા બતાવી કે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજની સીનિયર સ્કૉલરશિપની પરીક્ષાના પ્રશ્નપત્રો આ વર્નાક્યુલર કૉલેજના વિદ્યાર્થીઓને પણ આપી જે પરીક્ષા લેવામાં આવેલી તેમાં લાલશંકર પહેલા નંબરે પાસ થયેલા.
તુરત એમને અમદાવાદ હાઈસ્કૂલમાં ગણિત શિક્ષક તરીકે ૨૫ રૂપિયાના પગારે નોકરી મળી. બીજી બાજુ ઘરઆંગણે અભ્યાસ ચાલુ રાખી લાભશંકરે મૅટ્રિકની પરીક્ષા પણ પાસ કરી. એમનો ઈરાદો તો હજી આગળ કૉલેજનો અભ્યાસ કરવાનો હતો, પણ આર્થિક સંકડામણ ઘણી હતી અને નોકરીમાંથી પણ રજા મળી નહિ, છતાં એથી નાસીપાસ ન થતાં ખંત અને નિશ્ચયપૂર્વક ઘેર અભ્યાસ જારી રાખીને ૧૮૬૭માં મદ્રાસ જઈ ત્યાં એક મહિનો રહી એક ઈ. એ. (ફર્સ્ટ એકઝામિનેશન ઈન આર્ટ્સ)ની પરીક્ષા પસાર કરી આવ્યા. કૉલેજના વર્ગો ભર્યા વિના મદ્રાસ યુનિવર્સિટીની શિક્ષકો માટે આ પરીક્ષા આપવાની સવલતથી એમની મનેચ્છા બર આવી શકી. એ જમાનામાં અમદાવાદથી મદ્રાસ જવું સરળ નહોતું જ. ત્યાં જવા માટે આગબોટનો પ્રવાસ ખેડવો પડતો, અને એ રીતે જતાં કેટલા સમયે ત્યાં પહોંચાય તે યે નિશ્ચિત નહિ. કદાચ પરીક્ષાની તારીખો ચૂકી પણ જવાય. સામાન્ય નોકરિયાત માણસ માટે ચાલુ નોકરીએ આ એક સાહસ જ હતું, પણ પોતાના દૃઢ મનોબળથી એમણે એ પરીક્ષા પસાર કરી જ.
ટ્રેનિંગ કૉલેજના અભ્યાસ દરમિયાન ‘ગુજરાત શાળાપત્ર’માં એમના કેટલાક લેખ પણ પ્રસિદ્ધ થયેલા. અભ્યાસ કરવા સાથે ઘર ચલાવવા ઉપરાંત તેઓ અનેક દિશામાં પ્રવૃત્તિશીલ રહેતા. હાથ ધરેલા કાર્યને સાંગોપાંગ પાર પાડવાનું કૌશલ એમનામાં હતું. બે-એક વર્ષ એમણે પોતાના એક સહાધ્યાયી (જાણીતા સાક્ષર) હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાલા સાથે ‘ટીકાકાર’ નામક માસિકપત્ર પણ ચલાવેલું.
મદ્રાસની પરીક્ષા આપ્યાનું ફળ એમને તુરત મળ્યું. નોકરીમાં એમનો ગ્રેડ વધતો ગયો અને અંતે ગુજરાત પ્રોવિન્સીઅલ કૉલેજમાં તેઓ ગણિતશિક્ષક થયા. પણ ઉન્નતિગામી એમના જીવને જંપ નહોતો. ૧૮૭૧માં અમદાવાદની સ્મૉલ કૉઝિઝ કોર્ટમાં નાજરની જગ્યા ખાલી પડી. લાલશંકરે તેમાં જવા વિચાર્યું અને તે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગોપાલ હરિ દેશમુખે એમની ત્યાં નિમણૂક કરી. ત્યાં પણ એમણે ફુરસદના સમયની પળેપળને ઉપયોગ કરીને કાયદાનો અભ્યાસ કરવા માંડ્યો અને ૧૮૭૩માં મુનસફ (સબજજ)ની પરીક્ષા પસાર કરી એટલે શિક્ષણ-ખાતામાંથી એમને ન્યાયખાતામાં લઈ જનાર ગોપાલ હરિ દેશમુખે મુંબઈના ગવર્નરની કચેરીમાં લાલશંકરને હવે સબજજ તરીકે નીમવા ભલામણ કરી અને લાલશંકરભાઈ પંઢરપુરમાં સબજજ નિમાયા. ત્યાંથી ધંધુકા, ઘોઘા, વિરમગામ, શોલાપુર, અહમદનગર, નાસિક એમ વિવિધ સ્થળે ઉત્તરોત્તર બઢતી પામતા જઈ ૧૮૯૧માં અમદાવાદમાં, જે કોર્ટમાં પોતે નાજર તરીકે દાખલ થયેલા તે જ સ્મૉલ કોઝિઝ કોર્ટના જજના ઊંચામાં ઊંચા હોદ્દે ૮૦૦ રૂપિયાના દરમાયાથી આવ્યા ને ૧૯૦૩ના મે માસની ૧૩મી તારીખે ૪૦૦ રૂપિયાના પેન્શન પર એમણે નિવૃત્તિ લીધી.
પણ માત્ર પોતાની ઉન્નતિ એ એમના જીવનનું લક્ષ્ય નહોતું જ. ન્યાયખાતાની નોકરી દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એમને અનેક સ્થળે ફરવું પડતું, અને તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં તે તે સ્થળના જાહેરજીવનમાં પણ તેઓ ઊંડો અને સક્રિય રસ લેતા.
પંઢરપુરમાં હતા ત્યારે એક દિવસ ચંદ્રભાગા નદીના કિનારે ફરતાં એમના પગ સાથે કાંઈક અથડાયું. નીચા નમીને જોતા એ કોઈ તરતનું જન્મેલું બાળક જણાયું. જન્મ આપીને કોઈ અભાગી સ્ત્રીએ એને તજી દીધું હતું. તરત તેઓ એ બાળકને ઊંચકી લઈ પોતાને ઘેર લઈ ગયા અને પત્ની દિવાળીબેનને સોંપ્યું. પણ આ રીતે ત્યજી દેવાતાં કે મારી નખાતાં બાળકોના ખ્યાલે એમનું અંતર દુ:ખથી વલોવાઈ ગયું. આ બદીના નિવારણ માટે કાયમી અને વ્યવહારુ ઉપાય તરીકે એક બાલકાશ્રમ સ્થાપવાનો એમને વિચાર સૂઝ્યો. એમનું ખંતીલું મન તુરત એ યોજના પાછળ લાગી ગયું ને પંઢરપુરનો વિખ્યાત બાલકાશ્રમ સ્થાપી તેના નિભાવ અર્થે એમણે મુંબઈના ધનાઢ્યોને અરજ કરી; એટલું જ નહિ, એ માટે દર શનિવારે કોર્ટનું કામ પતાવી તેઓ પંઢરપુરથી મુંબઈ જતા ને રવિવારે શેઠિયાઓને ઘેર રખડી એમને સમજાવીને ફંડ એકઠું કરતા ને સાંજે પાછા ટ્રેનમાં બેસી સોમવારે પોતાના હોદ્દા પર હાજર થઈ જતા. એમના આવા અવિશ્રાંત શ્રમ અને અનુકંપાથી સ્થપાયેલી એ સંસ્થા આજે એક સદીથી મહારાષ્ટ્રનાં હજારો નિર્દોષ અને ત્યક્ત બાળકોને જીવનદાન આપી સંસારમાં સન્માર્ગે વાળવાનું પુણ્યકાર્ય કરી રહી છે. ૧૯૭૫માં આ આશ્રમને સો વર્ષ પૂરાં થયાં. આજે એ ‘વાસુદેવ બાબાજી નવરંગે બાલકાશ્રમ’નામે ઓળખાય છે. લાલશંકરે રોપેલું એ બીજ આજે તો વટવૃક્ષની જેમ ફૂલીફાલી ત્યક્ત બાળકો ઉપરાંત અનાથ બાળકો, આશ્રયહીન ને અનાથ સ્ત્રીઓ તથા બાળગુનેગારો માટેનું રીમાન્ડ હોમ ચલાવવા સુધીની તેની પ્રવૃત્તિઓ વિકસી છે. સાથેસાથે બાલમંદિર અને પ્રાથમિક શાળા પણ તે ચલાવે છે. મુંબઈના પ્રાર્થના સમાજને હસ્તક તેનો વહીવટ છે.
આ જ રીતે ૧૮૭૭ના ભયંકર દુષ્કાળ વખતે સરકાર તરફનાં રાહતકાર્યો પૂરતાં ન હતાં. લાભશંકરે નોકરીના સમય બાદ ઠેરઠેર ફરીને જાહેર ફાળો ઉઘરાવ્યો અને ઢોર માટે નીરણકેન્દ્રો તથા લોકો માટે રાહતકેન્દ્રો ચાલુ કરાવી દુષ્કાળ રાહતની જવાબદારીમાં લોકોને પણ સમભાગી બનાવવાને જે પુરુષાર્થ કરેલો તેવો એ દેશભરમાં પ્રથમ હતો.
પંઢરપુરથી ઈ. ૧૮૮૧માં એમની બદલી થઈ ત્યારે પ્રજાએ એમને આંસુભરી વિદાય આપવા સાથે એમની અનન્ય સેવા બદલ એમને ‘દેવ-મુનસફ’નું અભિધાન આપી એમનું બહુમાન કરેલું, અને એ જ રીતે એમણે સ્થાપેલા બાલકાશ્રમના શતાબ્દી ઉત્સવ વખતે એ બાલકાશ્રમ પાસેના જાહેર માર્ગને ‘દેવમુનસફ લાલશંકર ઉમિયાશંકર પથ’ નામ આપી એમને અંજલિ આપી હતી.
પિતાનું ઘર ત્યજ્યા પછીના એમના અભ્યાસકાળમાં, અને તે પછી યે એમના સમસ્ત જીવનધડતરમાં મહીપતરામભાઈની સહાનુભૂતિ ને સહાય એમને સદા મળ્યા કરતાં. પ્રાર્થના સમાજના શુદ્ધ એકેશ્વરવાદમાં શ્રદ્ધા બેસાડવા સાથે સામાજિક તથા ધાર્મિક સુધારણાનો રંગ પણ એમણે જ એમને લગાડ્યો હતો. સમાજસેવા અને પ્રજાહિતનાં પોતાનાં કાર્યો પાછળ એમની જ પ્રેરણા હોવાનો ઋણસ્વીકાર લાભશંકર હંમેશાં કરતા. મહીપતરામનું અવસાન થતાં પોતાના એ ગુરુના સ્મારક તરીકે પંઢરપુરના જેવો જ એક અનાથાશ્રમ એમણે અમદાવાદમાં પણ સ્થાપ્યો, જે આજેય ‘મહીપતરામ રૂપરામ અનાથાશ્રમ’ નામે અનેક સામાજિક નિર્દયતાઓના જીવતા સ્મારક સમો બની રહીને એ નિર્દયતાના ભોગ બનેલાઓને શીળી છાયા આપી રહ્યો છે.
આમ તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમણે લોકહિતાર્થ કંઈ ને કંઈ સઘન કાર્ય પણ કર્યું. વીરમગામમાં એમણે કન્યાશાળાનું મકાન બનાવડાવેલું. ધંધુકામાં પુસ્તકાલય, નાસિકમાં સ્ત્રીઓનું દવાખાનું તથા નર્સોની તાલીમ માટેનું કેન્દ્ર, અહમદનગરમાં પ્રાર્થના સમાજનું મકાન વગેરે એમની લોકહિતકારી વૃત્તિ-પ્રવૃત્તિનાં સ્મારકો સમાં છે.
અમદાવાદ આવ્યા પછી તો એમણે ત્યાંની પ્રત્યેક સામાજિક તથા જાહેર હિતની પ્રવૃત્તિઓમાં પોતાનો બધો જ ફાજલ સમય જોડી દીધો હતો. હાલની ‘ગુજરાત વિદ્યાસભા’ અને એ સમયની ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના મહીપતરામ મંત્રી હતા, એમના પછી આ જવાબદારી લાભશંકરને સોંપાઈ. તે પછી ૧૮૯૧થી ૧૯૧૨ના ગાળામાં આ સંસ્થાએ ઘણી પ્રગતિ કરી. દાતા અને સભ્યોની સંખ્યા વધારીને ૧૯૧૦ના અરસામાં તેનાં ટ્રસ્ટોની રકમને લાલશંકરે એક લાખ રૂપિયાના આંકે પહોંચાડી હતી અને ૧૪૪ જેટલાં પુસ્તકોનું પ્રકાશન કર્યું હતું. આ ઉપરાંત, શહેરનું એવું એક પણ સાર્વજનિક કાર્ય નહોતું, જેમાં તેમનો સક્રિય સાથ ન હોય. ‘વિધવા વિવાહ ઉત્તેજક મંડળી’, ‘બાલવિવાહ નિષેધ મંડળી’, ‘ગુજરાત સંસાર સુધારા સમાજ’, ‘પ્રાર્થના સમાજ’, ‘અંત્યજ શાળા’, ‘બાલહત્યા પ્રતિબંધ ગૃહ’, ‘ભોળાનાથ સારાભાઈ લેડીઝ કલબ’, ‘આપારાવ ભોળાનાથ પુસ્તકાલય’ ઇત્યાદિ અનેક મંડળો ને સંસ્થાઓ સાથે તેઓ જોડાયા હતા.
સ્ત્રી-શિક્ષણનું કાર્ય તે તેમને સૌથી વધુ પ્રિય હતું. એ માટેની એમની ધગશ એટલી તો તીવ્ર હતી કે અમદાવાદની રા. બ. મગનભાઈ કરમચંદની કન્યાશાળામાં વધુ અભ્યાસ માટેની યોજનામાં મોટી ઉંમરની બાળાઓ દાખલ થવા માટે આનાકાની કરવા લાગી અને એ યોજના પડી ભાંગવાનો ભય ઊભો થયો ત્યારે લાલશંકરે પોતાનાં લગભગ નિરક્ષર પત્નીને, એવડી આધેડ ઉંમરે એ શાળાના વર્ગમાં ભણવા મોકલ્યાં હતાં—એટલા માટે કે એમની તથા પોતાના બે-ત્રણ મિત્રોની મોટી વયની સ્ત્રીઓને શાળામાં ભણતી જોઈ બીજી મોટી બાળાઓ વિનાસંકોચ તેમાં આવવા પ્રેરાય.
મહારાષ્ટ્રના સમાજ સુધારક જ્યોતિબા ફૂલેના સંપર્કમાં પણ તેઓ આવેલા. જાતિ કે સંપ્રદાયોનાં બંધનોથી પર વિશાળ માનવજાતની સેવાનું એમનું લક્ષ્ય લાલશંકરે પણ અપનાવ્યું હતું. આ રીતે ગુજરાતમાં અસ્પૃશ્યોદ્ધારનું કાર્ય પહેલવહેલું લાલશંકરે જ ઉપાડેલું. બાળલગ્નની વિરુદ્ધમાં તથા વિધવા વિવાહના પક્ષમાં પણ એમણે પુષ્કળ જહેમત લીધી હતી. દાયકાઓ પહેલાં સમાજમાં જ્યારે આજના જેટલી સહિષ્ણુતા નહોતી ત્યારે એ કાર્યો ઉપાડતાં એમને શું શું સહન કરવું પડ્યું હશે તે કલ્પી શકાય તેમ છે. લગભગ ત્રીસ વર્ષ સુધી તેમણે પ્રાર્થના સમાજના મંત્રી અને પ્રમુખ તરીકે સતત સેવા આપી હતી એ એમની ધર્મપરાયણતાની સાખ પૂરે છે. અગ્રેસર સંસાર સુધારક તરીકે તેમની કીર્તિ એટલી પ્રસરેલી હતી કે ૧૯૦૭માં સૂરતની ‘ઇન્ડિયન નૅશનલ સોશિયલ કૉન્ફરન્સ’નું પ્રમુખપદ એમને અપાયેલું હતું.
વળી એમની સેવાઓમાં કદી કોમવાદ જણાયો નહોતો, અમદાવાદની ‘અંજુમને ઈસ્લામ’ના તો તેઓ આત્મરૂપ હતા. અમદાવાદમાં પહેલી મૉહમેડન એડ્યુકેશનલ કૉન્ફરન્સ એમણે ભરી હતી. ૧૮૯૪ની મુસલમાન કૉન્ફરન્સના સ્વાગત પ્રમુખ અને ૧૯૦૪ની ચોથી મુસલમાન એડ્યુકેશનલ કૉન્ફરન્સના ઉપપ્રમુખપદનું માન એમને જ મળેલું.
જે જે પ્રવૃત્તિ સાથે તેઓ સંકળાતા તેને સ્થાયીરૂપ આપવા તેઓ તેનાં મકાને બંધાવવામાં પણ પૂરો રસ લેતા. મહીપતરામ અનાથાશ્રમ ઉપરાંત જ્ઞાન પ્રચાર માટેની આપારાવ લાયબ્રેરી, મુસ્લિમ શિક્ષણ માટેનું અંજુમને ઇસ્લામ, સ્ત્રી સંસ્કાર પ્રવૃત્તિ માટે ભોળાનાથ લેડીઝ ઇન્સ્ટિટ્યૂટ, સામાજિક સુધારા માટેનો સંસાર સુધાર હૉલ ને શિક્ષણ તથા સાહિત્યપ્રચાર કરનારી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જેવી પીઢ સંસ્થાનો પ્રથમ પ્રેમાભાઈ હૉલ (એનું આજનું આધુનિક સ્વરૂપ એ તો ત્રીજી વારનું બાંધકામ છે) તથા ટાઉન હૉલ સામે આજે જેનું અસ્તિત્વ નથી તે પોતાના ભત્રીજાની સ્મૃતિમાં બાંધેલું ‘રવિશંકર નરભેરામ ત્રવાડી દવાખાનું’ એ બધાં એમણે જાતદેખરેખ તળે પૂરી કરકસરથી બંધાવેલાં.
આ માટે જોઈતી સઘળી સામગ્રી પણ તેની ગુણવત્તા તથા તેના ભાવતાલની જાતે તપાસ કરીને ખરીદતા. જાતઅભ્યાસથી એમણે ઈજનેરી જ્ઞાન મેળવ્યું હતું. ન્યાયખાતામાં નોકરી કરતા ત્યારે કડી પ્રાંતમાં વરસાદનું પાણી ભરાતું તેનો નિકાલ કરવા ગાયકવાડ સરકારે નહેરો કાઢેલી. આ કારણે પાસેના બ્રિટિશ વિસ્તારનાં ગામોની જમીન અને મકાનોને જે નુકસાન થયેલું તે અંગે કોર્ટમાં દાવો ચાલતો હતો. આ કેસમાં એમણે ગાયકવાડી ઈજનેરને જે પ્રશ્નો પૂછેલા તેનાથી તે ઈજનેર પણ એમના આ વિષયના જ્ઞાનથી પ્રભાવિત થયા હતા. ઈ.સ. ૧૯૦૩માં અમદાવાદમાં દુષ્કાળ વખતે નદીપટમાં એમણે જે નીરણકેન્દ્રો ઊભાં કરેલાં તેની કામગીરી ખુદ મુંબઈ પ્રાંતના ગવર્નરે જાતે આવીને નિહાળી હતી.
શિક્ષણના વિષયમાં પોતાના ઊંડા રસથી પ્રેરાઈ એમણે કેળવણી-ખાતાને ગ્રામ્ય શાળાઓ કેવી હોવી જોઈએ એ અંગે એક વિસ્તૃત નોંધ મોકલી હતી. ચોથા-પાંચમા ધોરણના વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારનો રાજ્યવહીવટ કઈ રીતે ચાલે છે તે પણ શીખવવું જોઈએ એમ તેઓ માનતા. કન્યા-કેળવણીમાં ધર્મ અને ચારિત્ર-ઘડતરના પાઠ શીખવવા એમણે ‘શિક્ષાવાચન’ નામે એક પુસ્તક તૈયાર કર્યું હતું. સ્ત્રી-કેળવણી માટે એમણે એક મિલના પોતાના ૫૦ શેર તથા ત્રણ આની કમિશન દિવાળીભાઈ કન્યાશાળાને આપી દેવા ઉપરાંત પોતાના વીમાની ૧૦,૦૦૦ રૂપિયાની રકમ પણ પોતાના મરણ બાદ તેને મળે તેવી વ્યવસ્થા કરી હતી. પત્નીના નામે એમણે જુદાં જુદાં પાંચ ટ્રસ્ટ રચી તેનો વહીવટ ગુજ. વર્ના. સોસાયટીને સોંપ્યો હતો.
૧૯૩૫માં આ ટ્રસ્ટોની બધી રકમનો આંક ૧,૨૭,૫૨૦ રૂપિયા જેટલે પહોંચ્યો હતો, એક સરકારી નોકરિયાતે કરેલી આ અત્યંત માતબર સખાવત કહી શકાય. સરકારે એમને પાઠ્ય પુસ્તકો તૈયાર કરાવવા માટેની સમિતિમાં નિયુક્ત કર્યા હતા. ત્યાં કોઈ પણ પાઠ્ય પુસ્તકમાં કોઈ પણ ઐતિહાસિક, ધાર્મિક કે લોકકથાઓના આધારે દેવદેવીઓમાં અંધશ્રદ્ધા ન પ્રેરાય કે અજ્ઞાનતાભરી ધર્મ રીતિ-નીતિ-પૂજાનો પ્રચાર ન થાય યા કુરિવાજો કે વહેમો ન ફેલાય તેની પૂરી તકેદારી દાખવી હતી. ‘કાવ્યદોહન’ની સંશોધિત આવૃત્તિ તૈયાર કરાવતી વખતે મૂળ વસ્તુને જ પકડી રાખવાની વૃત્તિવાળાઓ સામે પણ એમને મક્કમ મુકાબલો કરવો પડેલો.
શિક્ષણ કેવું હોવું જોઈએ એ વિશે એમણે ‘હંટર કમિશન’ સમક્ષ વિસ્તૃત જુબાની આપી હતી. મેટ્રિકમાં ગુજરાતીનો વિષય અને સ્નાતક કક્ષાએ ગુજરાતી ભાષાનો વિષય વિકલ્પે આપવાની એમણે હિમાયત કરેલી. ૧૮૯૮માં અમદાવાદમાં ભરાયેલી કેળવણી પરિષદમાં સ્ત્રી કેળવણીના પ્રસાર પર ખૂબ ભાર મૂક્યો હતો.
એમણે પોતે વર્ષો સુધી ગુજરાતમાં પાઠ્ય પુસ્તકો તરીકે ચાલેલા અંકગણિતનાં મૂળતત્વો તથા ઉચ્ચ ગણિતનાં પુસ્તકો ઉપરાંત, ભૂગોળ તથા ભૂસ્તરશાસ્ત્ર વિશે પણ પુસ્તકો લખેલાં હતાં. સ્વ. હરગોવિંદદાસ કાંટાવાળા સાથે એમણે વ્યાકરણ પણ લખેલું, જે ટેઈલર નામના મિશનરીના પ્રથમ ગુજરાતી વ્યાકરણ કરતાં વધુ શુદ્ધ, વિશદ ને સરળ હતું.
માણસની પણ એમને અજબ પરખ હતી. એક સમયે બહારગામથી પાછા ફરતાં અમદાવાદના રેલવે સ્ટેશન પાસે એક વૃક્ષ તળે કોઈ યુવાન તંદુરસ્ત ને તેજસ્વી સંન્યાસીને બેઠેલા જોયા. એમની સાથે વાતચીત કરતાં લાલશંકરને એ કોઈ બહુશ્રુત વિદ્વાન ને અસાધારણ પ્રતિભાવાન જણાતાં તેઓ તેને પોતાની ઘોડાગાડીમાં બેસાડીને ઘેર લઈ જઈ તેની આગતાસ્વાગતા કરી અને નગરના શ્રેષ્ઠીઓની મુલાકાત કરાવી આપી. આ સંન્યાસીને સૌરાષ્ટ્રની યાત્રા કરવી હતી. આ માટે એમણે એને જુદાં જુદાં રજવાડાં ઉપર ભલામણ પત્રો તથા પ્રવાસ અંગે માર્ગદર્શન પણ આપ્યું. આ યુવાન સંન્યાસી એ આગળ જતાં અમેરિકા જઈ વિશ્વખ્યાતિ પામનાર સ્વામી વિવેકાનંદ હતા.
અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં અમૃતલાલની પોળમાં આવેલો એમનો ભવ્ય આવાસ અને પછી નદી પાર ટાઉનહૉલ પાછળ હાલ જ્યાં સ્વ. કવિ નાનાલાલના કુટુંબીઓ રહે છે એ મકાન હંમેશાં શહેરની અને બહારથી આવેલી વ્યક્તિવિશેષોનું મિલનસ્થાન હતું.
(‘કુમાર’, જૂન, ૧૯૭૯માંથી સાભાર ગૃહિત)
Your Content Goes Here




