(ડૉક્ટર નિવૃત્તિ વ્યાસ પિડીયાટ્રીક ફિઝીયોથેરાપિસ્ટ છે. તેઓ શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટરના ‘શ્રીમા શારદા સીપી રિહેબ.’ વિભાગમાં ૧૫ વર્ષથી વિભાગીય અધ્યક્ષ તરીકે કાર્યરત છે. દિવ્યાંગ બાળકોના માર્ગદર્શન માટે તેમણે કેટલાંક પુસ્તકો લખ્યાં છે તેમજ ‘દિવ્યાંગ જ્યોત’ મેગેઝીનનાં તેઓ એડિટર છે. – સં.)
બાળકનું ઘડતર એ મારા મતે તો એક કળા છે. રડતા નાનકડા બાળકને ફોસલાવવા, જીદ કરતા બાળકના મનને બીજે પરોવવા, બીમાર બાળકના ગળે દવાનો કડવો ઘૂંટ ઉતારવા કે પછી કૂદાકૂદ કરતા બાળકને એક જગ્યાએ શાંતિથી બેસી ભણાવવા માટે મા-બાપ જે રીતે પ્રયત્ન કરે છે, તે તેમની કળાનો જ પરિચય આપે છે!! એક બાળકનો જન્મ થાય છે ત્યારે તેની સાથે માતા-પિતાનો પણ જન્મ થતો હોય છે. પોતાની કોઠાસૂઝ, સ્વ-અનુભવ, તો ક્યારેક આપ્તજનોની સલાહથી, તો ક્યારેક પુસ્તકોના વાંચનથી આપણે આ કળામાં પારંગત થવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ. પણ બીજી બાજુ પોતાની આંગળી પકડી ડગમગ ચાલવાનું શીખતા શિશુથી લઈને, પોતાના જ ધ્રૂજતા હાથને એ બાળક યુવાન બની ટેકો આપે ત્યાં સુધીની એક વાલી તરીકેની આખી યાત્રામાં પેરેન્ટિંગ કળાની ભૂમિકા તો નિરંતર છે. સમય જે નવા પડકાર લાવે છે તે માટે એક મા-બાપ તરીકે આપણે હંમેશાં તૈયાર રહેવું જ પડે છે.
તો આ ‘આર્ટ ઑફ પેરેન્ટિંગ’ શીર્ષક હેઠળ બાળકના ઘડતરને સ્પર્શતા અલગ અલગ વિષય ઉપર આગામી અંકમાં પણ આપ સૌ સમક્ષ મારે મારા વિચારોને વાચા આપવી છે, જેમાં આ જ વખત મારે એ વિષય પર લખવું છે જે હાલમાં ગંભીર કહી શકાય તેવી બાળકના ઘડતરને અવરોધતી સમસ્યા છે, અને તે છે વધુ પડતો સ્ક્રીન ટાઇમ….
વ્યવસાયે હું પિડીયાટ્રીક ફિઝીયોથેરાપિસ્ટ છું, મારા અવલોકનમાં જે બાબત આવી છે તે મારે આપ સૌને જણાવવી છે. છેલ્લાં પાંચ વર્ષમાં ઓટિઝમ તેમજ સોશિયલ કોમ્યુનિકેશન ડિસઓર્ડર અથવા સ્પીચ લેંગ્વેજની સમસ્યા ધરાવતાં બાળકોનો તો જાણે વંટોળિયો આવ્યો હોય તેવું મને તો ક્યારેક લાગે છે. માનસિક રીતે બરાબર, ભણવામાં પણ હોશિયાર એવાં બાળકોને લઈ આશ્રમના બાળકોના થેરાપી વિભાગમાં પૂછપરછ માટે આવતા વાલીનું કહેવાનું હોય છે કે તેમના બાળકને બધું જ આવડે છે, સમજાય છે પણ બોલવામાં તકલીફ છે અથવા તો તેની ઉંમરનાં બાળકો જેવું યોગ્ય વર્તન કરતો નથી. આ બધાના મૂળમાં હિસ્ટ્રી લેતાં ધ્યાનમાં આવે છે કે બાળકને જરૂરિયાતથી વધુ સ્ક્રીન ટાઇમ આપવામાં આવી રહ્યો છે!!
બાળકોને જમાડવા, કે પછી શાંત રાખવા અથવા તો વ્યસ્ત રાખવા વાલી તેમના હાથમાં મોબાઇલ પકડાવી દે છે, કે બાળકને ટીવી સામે બેસાડી દે છે. આજે તો મોટાઓને પણ મોબાઇલનું વળગણ છે. પોતે મોબાઇલ ફૂરસદથી જોઈ શકે એ માટે પણ ઘણા ખરા વાલીઓ બાળકોની સામે સ્ક્રીન ધરી દેતા હોય છે. આમ કરવાથી ધીરે ધીરે બાળકોને સ્ક્રીનનું બંધાણ થતું જાય છે. આશ્રમના મેડિકલ સેન્ટરના સીપી વિભાગમાં થેરાપી માટે આવતાં પાંચ વર્ષના ઓટિઝમ સ્થિતિવાળા બાળકની માતા કહે છે કે તેનું બાળક મોબાઇલ આપો તો જ શાંત બેસી શકે, નહિતર ખૂબ જ દેકારા કરે!! શું બાળકને જન્મતાંની સાથે આ બધાં ઉપકરણોની ખબર હતી? આ બધાં ઉપકરણથી બાળકને પરિચિત આપણે જ કર્યું છે. ક્યાંક તેની કુટેવ આપણે તો પોષી નથી ને? ક્યાંક આપણી સરળતા માટે આપણે આ ઉપકરણોનો બાળક સમક્ષ આડેધડ ઉપયોગ કર્યો હોય એવું તો નથી ને? તે બાબતનું મનોમંથન કરવું જરૂરી છે.
યુવા-સંતાનોની વાત કરીએ તો ડિજિટલ ઉપકરણોની મદદથી એક બટન દબાવતાં જ પેમેન્ટ કરી શકે છે, વસ્તુ મગાવી શકે છે, વસ્તુ ક્યાંક પહોંચાડી પણ શકે છે. કેટલું બધું કામ સહેલું થઈ જાય, સમય બચે, ઊર્જા બચે, પણ બચાવેલ સમયનો તેઓ કોઈ સદુપયોગ કરે છે ખરાં? એ સમય પરિવાર, વાંચન કે અન્ય સર્જનાત્મક કાર્યમાં ફાળવવાને બદલે મોબાઇલ, ટીવી કે અન્ય સ્ક્રીન સામે બેસી રહેવામાં જ વેડફાઈ જાય છે!! સાચું કે નહીં?
વિવિધ સ્ટડીઝ (પ્રમાણો) સૂચવે છે કે વધુ પડતા સ્ક્રીન ટાઇમથી બાળકને નીચે જણાવેલ નુકસાન થઈ શકે.
૧. રમતગમતને બદલે સ્ક્રીન સામે બેસી રહેનાર બાળકમાં સ્થૂળતા અને તેને કારણે ઉદ્ભવતી બીજી શારીરિક તકલીફોનું પ્રમાણ વધે છે.
૨. સંવેદનાઓનો વિકાસ અપૂરતો રહી જાય છે.
૩. ડિજિટલ ઉપકરણોમાંથી નીકળતાં કિરણોને કારણે આંખની ત્રુટીઓનું પ્રમાણ વધી રહ્યું છે.
૪. સોશિયલ કોમ્યુનિકેશન અને સોશિયલ સ્કિલમાં તકલીફ થાય છે.
૫. બાળકમાં હિંસાત્મક વૃત્તિ વધી રહી છે. ગુસ્સો, હિંસા, મૂડ સ્વિંગ્સનું પ્રમાણ વધ્યું છે.
૬. યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટી છે.
૭. સૂતા પહેલાં વધુ પડતા સ્ક્રીન ટાઇમથી સ્લીપ ડિસ્ટર્બન્સ પણ વધ્યું છે.
૮. સેક્સ વિષયક ચલચિત્રો નાની વયમાં આકસ્મિક રીતે જોવાથી પણ બાળકના વર્તન પર તેની છાપ પડે છે.
૯. લેખન, વાંચનનું પ્રમાણ ઘટ્યું છે.
૧૦. ૩૦ સેકન્ડની રિલ જોવા ટેવાયેલ બાળકમાં ધીરજ પણ ખૂટી છે.
૧૧. ટીવીમાં દેખાતાં પાત્રો બાળકોને ખૂબ આકર્ષે છે. ઘણી વખત બાળકો આ પાત્રનું અનુકરણ પણ કરતાં હોય છે, જેને કારણે પોતાને શારીરિક ઈજા પણ જાણે-અજાણે પહોંચાડતાં હોય છે.
૧૨. હમણાં જ એક અભ્યાસ દ્વારા એવું સૂચવવામાં આવ્યું કે હમણાંથી મેન્ટલ સ્ટ્રેસ ધરાવતી વ્યક્તિ બીજા સાથે વાત કરી મન હળવું કરવાને બદલે AIને પોતાની તકલીફ વ્યક્ત કરે છે!!! આ તો વાત થઈ સ્ક્રીન ટાઇમની આડ અસરોની.
હવે વાત કરીએ કે આપણે એટલે કે સૌ વાલીએ શું કરવું જોઈએ.
૧. આખા દિવસમાં બાળક કેટલો સમય સ્ક્રીન સામે પસાર કરે છે અને કેટલો સમય ખેલકૂદમાં પસાર કરે છે તેની યાદી બનાવો અને તેમાં જરૂર મુજબ ફેરફાર કરો.
૨. ઘરના દરેક સભ્ય માટે સ્ક્રીન ઉપયોગ માટે નિયમો બનાવો. જેમ કે જમતી વખતે, બહાર ફરવા ગયા હોય ત્યારે પરિવાર સાથે જ સમય વિતાવવો, તે સમયે સ્ક્રીનનો ઉપયોગ ટાળવો.
૩. ‘પેરેન્ટલ કંટ્રોલ’ વિશે જાણો. મોબાઇલ, ટીવી વગેરેમાં કશુંક જરૂરિયાત વગરનું નુકસાનકારક બાળક ન જુએ તે માટે ચાઇલ્ડ લોક રાખવું. ટીન-એજર બાળકોના મોબાઇલ તમે પોતાના મોબાઇલ સાથે લીંક કરી શકો, જેથી બાળક શું સર્ચ કરે છે તેનો તમને ખ્યાલ રહે.
૪. ત્રણ વર્ષથી નાનાં બાળકોમાં સ્ક્રીનનો ઉપયોગ સદંતર ટાળવો. પાંચ-છ વર્ષથી મોટા બાળકને ભણતર સિવાય એક કલાકથી વધુ સ્ક્રીન સમય ન આપો.
૫. બાળકના ક્રોધાવેશ કે અતિ તોફાનને ટાળવા સ્ક્રીન બતાવી વર્તન બદલવાની કોશિશ ક્યારેય ન કરો.
૬. રાત્રે સૂતા પહેલાં સ્ક્રીન જોવાનું ટાળો.
મારું એવું માનવું છે કે આજના સમયમાં ટીવી, મોબાઇલ જેવાં સાધનો મોજમજા અને આધુનિકતાના નામે ભલે અગત્યનાં જણાય તથા લોકમાનસમાં ભલે ‘જરૂરિયાત’ બની ગયાં હોય, પરંતુ જીવંત વ્યક્તિ સાથેનો સંપર્ક, કુદરતના સાંનિધ્યમાં થતા ઉછેરના તોલે તે રજભર પણ ન આવી શકે. ટેક્નોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે, તેમાં કોઈ બેમત નથી. પરંતુ જે ગેર-ઉપયોગ થઈ રહ્યો છે તેના પર નજર રાખવી જરૂરી છે. માણસે સર્જેલ યંત્ર જ તેને પોતાનો ગુલામ બનાવે તેવી સ્થિતિ ન થાય તે માટે રમતગમત કે અન્ય કળા દ્વારા શરીર-મગજને ‘નર્ચર’ કરે તે અત્યારે પાયાની જરૂરિયાત હોય એવું મને લાગે છે.
ટૂંકમાં મારે એટલું કહેવું છે કે બાળકને ‘સ્ક્રીનથી સ્કિલ, ક્લિકથી ક્રાફ્ટ’ તરફ વાળવું એ પણ પણ આર્ટ ઑફ પેરેન્ટિંગ છે.
Your Content Goes Here




