(ગતાંકથી આગળ)

પ્રશ્ન (૫) ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે પણ ખુશ રહેવાની ચાવી કઈ ?

(દીપ્તિ યાદવ, પોરબંદર)

બે વાતો યાદ રાખવાથી આપણે મુશ્કેલીઓ વચ્ચે પણ અવિચલિત રહી શકીએ: ૧. મુશ્કેલીઓ જીવનમાં આવશે જ. જીવન એટલે મુશ્કેલીઓની સામે સંઘર્ષ. ૨ કોઈ પણ મુશ્કેલી ટકતી નથી. પુલની નીચેના પાણીની જેમ પસાર થઈ જશે. કેટલાક લોકો આ મુદ્રાલેખ હંમેશાં દેખાય તેવી રીતે નજર સમક્ષ રાખે છે: This too shall pass. (આ સમય પણ ચાલ્યો જશે.)

સ્વામી વિવેકાનંદજી કહે છે, ‘‘સુખ અને દુઃખ એક જ સિક્કાના બે પાસાં છે. સુખ જ્યારે મનુષ્ય પાસે આવે છે ત્યારે દુઃખનો મુકુટ પહેરીને આવે છે.” એવી જ રીતે મુશ્કેલીઓ જીવનમાં આવે ત્યારે તેની પાછળ ભવિષ્યની તકો રહેલી છે. એવું વિચારવાથી મુશ્કેલીઓનો સામનો હસતાં મોઢે કરી શકાય છે.

ખરેખર તો, ગીતામાં જે સ્થિતપ્રજ્ઞતાના લક્ષણો કહ્યાં છે, એ જ્યાં સુધી આપણા જીવનમાં ન આવે ત્યાં સુધી દુઃખથી, મુશ્કેલીઓથી આપણે અવિચલિત રહી શકીએ નહિ. આ લક્ષણો જ્ઞાન અથવા ભક્તિ દ્વારા ધીરે-ધીરે જીવનમાં પ્રગટ થાય છે; ચિરસ્થાયી બને છે. કોઈકે સરસ કહ્યું છે:

કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી,

કોઈ ધન હેતુ રહત ઉદાસ,

થોડે થોડે સબ દુઃખી,

સુખી રામ કા દાસ.

સાચો ભક્ત બધી મુશ્કેલીઓને ભગવાનની કૃપા સમજે છે અને સાચો જ્ઞાની નિજ સ્વરૂપના આનંદમાં મગ્ન રહે છે, તેથી આ બન્ને પ્રકારના મનુષ્યો મુશ્કેલીઓ વચ્ચે પણ ખુશ રહી શકે છે.

પ્રશ્ન (૬): મનને અંકુશમાં કેવી રીતે રાખી શકાય?

(તેજસ એ. લોઢિયા, રાજકોટ)

મન જેટલું શુદ્ધ થશે એટલું તેને અંકુશમાં રાખવું સરળ બનશે. નિયમિત ધ્યાન, પ્રાર્થના, જપ, સદ્ગ્રંથોનું વાચન, નિઃસ્વાર્થ સેવા વગેરે દ્વારા મનને ધીરે-ધીરે શુદ્ધ કરવું પડશે. ગાંધીજીના ત્રણ વાનરો યાદ રાખવા – બૂરું જોવું નહિ, (બૂરા પિક્ચરો જોવા નહિ કે બૂરાં પુસ્તકો વાચવા નહિ), બૂરું સાંભળવું નહિ, (પર નિંદાથી સાવધ રહેવું, બૂરાં ગીતો કે બૂરી વાતો ન સાંભળવી) બૂરું બોલવું નહિ (બૂરી વાતો કહેવી નહિ, પર નિંદા કરવી નહિ) વગેરે. મનને અંકુશમાં લાવવાનો એક સુંદર ઉપાય છે નિયમિત જીવન. એક દિનચર્યા બનાવી લો. ઊઠવાનો, સૂવાનો, ખાવા – પીવાનો, મનોરંજન માટેનો, ભણવાનો, ધંધાકીય કાર્ય માટેનો સમય નિશ્ચિત કરી લો, દિનચર્યા એવી બનાવવી જોઈએ જેનું પાલન તમારા માટે શક્ય હોય. શરૂઆતમાં આમ કરવામાં ઘણી મુશ્કેલી પડશે. મનને અંકુશમાં રહેવું ગમતું નથી માટે તે દિનચર્યા પ્રમાણે ચાલવાનો ઈન્કાર કરશે, જાતજાતના બહાના કાઢશે, જેમ ઘોડો નવા ઘોડેસવા૨ને ચડવા નથી દેતો, નીચે પછાડી દે છે તેમ આપણું મન આપણને દિનચર્યા પ્રમાણે ચાલવા નહિ દે. પણ વારંવાર પ્રયત્ન કરતાં-કરતાં ધીરે-ધીરે મન અંકુશમાં આવશે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘‘મન તેનો નિગ્રહ”માં આ વિશે વિસ્તૃત માહિતી મળશે.

પ્રશ્ન (૭): આજના યુગની નારી કેવી હોવી જોઈએ?

(અમી. ડી. પારેખ, રાજકોટ)

આજના યુગની નારીમાં પ્રાચીન ભારતીય નારીના પવિત્રતા, ધૈર્ય, સહનશીલતા, એકાગ્રતા, શાલીનતા વગેરે સદ્ગુણો તેમજ પાશ્ચાત્ય નારીના બુદ્ધિમતા, શૂરવીરતા, કાર્યકૌશલ્ય વગેરે સદ્ગુણો એકીસાથે હોવા જોઈએ. આ જ અંકમાં સ્વામી વિવેકાનંદનાં આ વિષય પરના વિચારો આપેલ છે. ‘‘ભારતીય નારી” પુસ્તક, તેમ જ શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતાના જીવન ચરિત્રો આજનાં યુગની નારીને પ્રેરણારૂપ બની શકે છે.

(ક્રમશઃ)

Total Views: 196

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.