(ગતાંકથી આગળ)

પ્રશ્નઃ મનુષ્યમાત્રમાં ઈશ્વરત્વ છે, છતાં એ દિવ્યજ્યોતને વ્યક્ત કરવા કેમ અસમર્થ છે?

(યાત્રા એચ. નાણાવટી, પોરબંદર)

ઉત્તરઃ સંત કબી૨નું એક સુંદર ગીત છેઃ

‘ઘુંઘટકા પટ ખોલ રે

તોહે પિયા મિલેંગે’

ઈશ્વરના-પ્રિયતમના-દર્શન કરવા માટે અજ્ઞાનનો પરદો દૂર ક૨વો પડશે. મનુષ્ય આમ કરવા અસમર્થ તો નથી, પણ તેના માટે સાધના કરવી પડે છે.

કઠોપનિષદમાં કહ્યું છે:

એષ સર્વેષુ ભૂતેષુ ગુઢોડત્મા ન પ્રકાશતે।

દૃશ્યતે ત્વગ્ર્યયા બુદ્ધયા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ॥

(ક.ઉ. ૧/૩/૧૨)

‘‘આ આત્મા સમસ્ત પ્રાણીઓમાં (માયાના પરદામાં) ગૂઢ રીતે છૂપાયેલો હોવાથી દેખાતો નથી પણ સૂક્ષ્મ તત્ત્વોને સમજવાવાળા લોકો અતિ તીક્ષ્ણ બુદ્ધિ દ્વારા તેને જુએ છે.”

દરેક મનુષ્ય ઈશ્વરનાં દર્શન કરવા માટે, આત્માના સાક્ષાત્કાર માટે સમર્થ છે અને ખરેખર તો આ જ મનુષ્યજીવનનો ઉદ્દેશ છે અને આ જ ધર્મનું સર્વસ્વ છે. સ્વામી વિવેકાનંદજી કહે છે, “દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. અંદરની આ દિવ્યતાને બાહ્ય તેમ જ આંતર પ્રકૃતિના નિયમન દ્વારા અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે. કર્મ, ઉપાસના, મનનો સંયમ અથવા તત્ત્વજ્ઞાન એમ એક અથવા અનેક દ્વારા આ જીવનધ્યેયને સિદ્ધ કરો અને મુક્ત બનો. ધર્મનું આ સમગ્ર તત્ત્વ છે. સિદ્ધાંતો, મતવાદો, અનુષ્ઠાનો, શાસ્ત્રો, મંદિરો કે મૂર્તિઓ એ બધું ગૌણ છે.”

પ્રશ્ન: લઘુતાગ્રંથિ (Inferiority Complex) કેવી રીતે દૂર કરી શકાય?

(વિપુલ મહેતા, રાજકોટ)

ઉત્તર: આધુનિક મનોવૈજ્ઞાનિકોના મત પ્રમાણે વિધાયક વલણ (Positive Mental Attitude) કેળવવાથી અને નકારાત્મક વલણ (Negative Mental Attitude) દૂર કરવાથી ધીરે ધીરે મનમાં આત્મશ્રદ્ધા જાગૃત થાય છે અને લઘુતાગ્રંથિ દૂર થાય છે. એક ગ્લાસમાં અર્ધે સુધી દૂધ ભરેલું હોય તો વિધાયક વલણવાળી વ્યક્તિ કહેશે, “ગ્લાસ અર્ધો ભરેલો છે,” જ્યારે નકારાત્મક વલણવાળી વ્યક્તિ કહેશે, ‘‘ગ્લાસ તો અર્ધો ખાલી છે.” એક જ હકીકતને જોવાના આ બે પ્રકારો છે.

દરેક વ્યક્તિમાં સદ્ગુણો (દૈવીસંપદ) અને દુર્ગુણો (આસુરીસંપદ) હોય છે. દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ પ્રકારની યોગ્યતા (ability) હોય છે, દરેક વ્યક્તિના ચારિત્ર્યમાં કેટલાંક જમા પાસાં હોય છે જ. રાતદિવસ નિર્બળતાનો, દુર્બળતાનો વિચાર કરતા રહેવાથી, અયોગ્યતા અને દુર્ગુણોના વિચાર કરતા રહેવાથી લઘુતાગ્રંથિ આવી જાય છે. આ ગ્રંથિ દૂર કરવા માટે આ પ્રક્રિયાને ઉંધી દિશામાં વાળવી પડશે. રાતદિવસ મગજને વિધાયક વિચારોથી, શક્તિદાયી વિચારોથી ભરી દેવું પડશે. દુર્ગુણોને દૂર કરવાનો ઉપાય કરવો પડશે, આપણા સદ્ગુણો અને આપણી યોગ્યતાઓને યાદ રાખવાં પડશે. લઘુતાગ્રંથિ દૂર કરવા આટલું કરો –

૧. તમારામાં રહેલી યોગ્યતાઓની, તમારા સદ્ગુણોની એક સૂચિ બનાવો અને દ૨રોજ રાતના સૂતી વખતે આ વાંચી જાઓ અને મનમાં આ પ્રમાણે રટણ કરતાં કરતાં સૂઈ જાઓ, ‘‘હું દરેક રીતે ઉન્નત થઈ રહ્યો છું.”

૨. તમારી લઘુતાગ્રંથિ માટે કારણરૂપ કઠિન કાર્યોની સૂચિ બનાવો. આમાંથી જે સૌથી ઓછું કઠિન કાર્ય હોય તેને સંપન્ન કરવા માટે દૃઢ સંકલ્પશક્તિથી કમર કસીને લાગી જાઓ. જ્યાં સુધી તેમાં સફળતા ન મળે ત્યાં સુધી તેમાં મંડ્યા રહો. તેમાં સફળતા મળવાથી મનમાં ઉત્સાહ આવશે, આત્મશ્રદ્ધા વધશે, એ પછી એથી વધુ કઠિન કાર્ય હાથમાં લો. આવી રીતે જેમ જેમ સફળતા મળશે તેમ તેમ આત્મશ્રદ્ધા વધતી જશે અને લઘુતાગ્રંથિ દૂર થઈ જશે. આ માટેનો સોનેરી નિયમ છે. ”Start with the minimum and practise the easiest” (નિમ્નતમથી પ્રારંભ કરો અને સરળતમનો અભ્યાસ કરો.)

૩. એવી વ્યક્તિઓ સાથે સંબંધ રાખો જેઓ આત્મશ્રદ્ધા ધરાવતા હોય, આશાવાદી વલણ ધરાવતા હોય. નિરાશાનો રોગ પણ ચેપી છે. નિરાશાવાદી વ્યક્તિઓના સંપર્કમાં રહેવાથી મનમાં નિરાશા આવે છે, નકારાત્મક વિચારો સેવવાવાળી વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી આપણું મન પણ નકારાત્મક વલણવાળું બની જાય છે.

૪. નિયમિત પ્રાર્થના અને ધ્યાન કરો. “હું શુદ્ધ, બુદ્ધ મુક્ત સ્વભાવવાળો આત્મા છું, મારામાં અનંત શક્તિ-દિવ્યતા રહેલી છે” એવું ધ્યાન કરવાથી ધીરે ધીરે અંતરમાં રહેલી શક્તિ પ્રકટ થશે.

૫. નિયમિતરૂપે સદ્ગ્રંથોનું અધ્યયન કરો, એવા ગ્રંથોનું જેમાં વિધાયક વિચારો હોય, કવિવર રવીન્દ્રનાથ ટાગોરે નોબલ પુરસ્કાર વિજેતા ફ્રેંચ મનીષી રોમાં રોલાંને સ્વામી વિવેકાનંદજીના ગ્રંથો વાંચવાની ભલામણ કરતાં લખ્યું હતું, ‘‘જો તમે ભારતને સમજવા માગતા હો તો સ્વામી વિવેકાનંદના ગ્રંથોનું અધ્યયન કરો, તેમનામાં બધું જ વિધાયક છે, નિષેધાત્મક કંઈ નથી.”

સ્વામી વિવેકાનંદજીની એક નાની પુસ્તિકાના વાચનથી પ્રારંભ કરી શકો- ‘શક્તિદાયી વિચાર’. ઘણા યુવા ભાઈ-બહેનો પત્ર લખી અમોને જણાવે છે કે સ્વામી વિવેકાનંદજીના પુસ્તકો વાંચવાથી તેઓમાં આત્મશ્રદ્ધા જાગૃત થઈ ગઈ, તેઓની લઘુતાગ્રંથિ દૂર થઈ ગઈ.

પ્રશ્ન: જીવન એટલે શું?

(ગીતા એન. અમૃતિયા, રાજકોટ)

ઉત્તરઃ આ જ પ્રશ્ન ખેતડીના મહારાજા અજિતસિંહે સ્વામી વિવેકાનંદજીને પૂછ્યો હતો. જવાબમાં સ્વામીજીએ કહ્યું હતું, ‘જીવન એટલે વ્યક્તિનો એવી પરિસ્થિતિઓ સામેનો સંઘર્ષ જે તેને દબાવી દેવા માગે છે.” આ સંઘર્ષ ખેલદિલીપૂર્વક કરવો પડશે. યુવા વિશેષાંકમાં ફ્લૉરેન્સ શીનનો લેખ ‘જીવન: એક ખેલ’ વાંચી જવા વિનંતી.

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.