શ્રી મલ્લિક મને કહેતા હતા કે છેલ્લી વખત જ્યારે તમારું પ્રવચન હતું, ત્યારે ઘણા બધા લોકો આવ્યા હતા. આનો અર્થ એ થાય છે કે આપણા લોકોમાં આધ્યાત્મિક જીવનનું સ્વરૂપ સમજવાની અને તેની પાછળ રહેલા તત્ત્વજ્ઞાનને જાણવાની તીવ્ર ઇચ્છા છે. ઘણા દેશોમાં વૃદ્ધાવસ્થા એ તદ્દન નીરસ કંટાળાનો વિષય છે, તેમાં રસ પડે તેવું કશું હોતું નથી. અને તેથી તેને રસપ્રદ બનાવવા માટે તેઓ બહારનાં સાધનોનો આશરો લે છે,ઘણું કરીને મદ્યપાનનો અથવા ધૂમ્રપાન પણ કરવામાં આવે છે. એક વખત હું અમેરિકાના વૃદ્ધાશ્રમમાં ગયો હતો,પરંતુ મે ત્યાં જોયું કે ત્યાના લોકોને જીવનમાં જરાય આનંદનો અનુભવ થતો ન હતો. તેઓ બહારનાં સાધનોનો આશ્રય લઈને પોતાનો કંટાળાજનક સમય પસાર કરી દેવા માગતા હતા. આપણા ભારતમાં આમ બનવું ન જોઈએ કારણ કે આપણી પાસે આશ્ચર્યજનક આધ્યાત્મિક પરંપરા છે અને આપણને આ પરંપરામાં રસ છે.
વધારેને વધારે લોકો ભારતના આધ્યાત્મિક વારસામાં રસ લઈ રહ્યા છે કે જેથી આપણાં ઉપનિષદો તથા અન્ય ગ્રંથો દ્વારા આપણને માનવીય વિકાસના ઊંડા તત્ત્વજ્ઞાન મારફત આપણે વૃદ્ધાવસ્થામાં અને કમજોર હોવા છતાં આપણું મન આનંદમાં રહી શકે છે. આ ગ્રથો માટે આપણે ‘વેદાન્ત’ શબ્દનો પ્રયોેગ કરીએ છીએ.માણસના સંપૂર્ણ વિકાસ અને પૂર્ણતા માટે આ સુંદર દર્શનશાસ્ત્ર છે.આપણી પાસે એ દર્શનશાસ્ત્ર ઉપનિષદો, ગીતા, બુદ્ધના ઉપદેશો, શંકરાચાર્યનાં ભાષ્યો તથા આજે રામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને રમણમહર્ષિ જેવા ઉપદેશકોના સંદેશ રૂપે મળી આવે છે.
ફિલસૂફી પ્રત્યેના પશ્ચિમના તથા આપણા અભિગમમાં એક તફાવત છે:— આપણી ફિલસૂફીમાં તમે પ્રશ્ન પૂછી શકો છો—તમે ઝીણી તપાસ કરી શકો છો; પરંતુ પશ્ચિમમાં જે ફિલસૂફી છે, તેના વિષે કોઈ સવાલ ઉઠાવી શકતું નથી. આથી તર્કશીલ મનવાળા લોકોને સંતોષ થતો નથી. જ્યારે ભારતમાં સૌથી વધારે તર્કશીલ મનવાળા લોકોને પ્રશ્ન પૂછવાથી અને પોતાના પ્રશ્નોના યોગ્ય ઉત્તરો મેળવવાથી સંતોષ થાય છે. દાખલા તરીકે શંકરાચાર્યનો ગ્રંથ વિવેકચૂડામણી લો. એ વિસ્મયજનક ગ્રંથ છે; તેમાં શિષ્ય પોતાના ગુરુને માનવજીવનના સ્વરૂપ, આપણા સાચા ભાવિ વગેરે વિષે પ્રશ્નો પૂછે છે.અને તેના જવાબમાં ગુરુ ક્રમશ: નૈતિક વિકાસ તરફ લઈજાય છે. પછી જ્યારે આધ્યાત્મિક ભૂખ જાગે છે ત્યારે તે દિશામાં આપણે કયાં પગલાં લેવાં જોઈએ તેના વિષેની ખોજ ચાલે છે.અન્તતોગત્વા એ બધાં પગલાં આધ્યાત્મિક સાક્ષાત્કાર તરફ લઈ જાય છે. વિવેકચૂડામણિમાં સુંદર સંસ્કૃત ભાષામાં લખાયેલા ૫૮૦ શ્લોકો છે. તેના અંગ્રેજીમાં કરવામાં આવેલા અનુવાદમાં માણસના આધ્યાત્મિક જીવન વિષે અદ્ભુત વિવરણ કરવામાં આવ્યું છે.(ગુજરાતી અનુવાદો પણ ઉપલબ્ધ છે.) મેં તેનુ વર્ગીકરણ ૧૨ વિભાગોમાં કર્યું છે. હવે તે કેસેટ સ્વરૂપે પણ મળી શકે છે.તમે એ કેસેટો સાંભળશો તો તમે જોઈ શકશો કે એમાં એકેએક સંસ્કૃત શબ્દોનું ભાષાન્તર કરવામાં આવ્યું છે. આ રીતે ઉચ્ચતર વિચારો વિષે ચિંતન કરીએ ત્યારે આપણું જીવન વધારે સાર્થક અને આનંદપૂર્ણ બની જાય છે.જીવનની એકધારી ઘરેડથી ઉત્પન્ન થતા કંટાળાને બહારનાં સાધનોથી દૂર કરવાનો કોઈ પણ પ્રયત્ન આપણામાંનિર્બળતા ઉત્પન્ન કરે છે. આવા પ્રયત્નોથી આનંદનો છાટોય મળતો નથી; પણ જ્યારે આપણે આપણી જાતને આપણા પોતાના વાસ્તવિક સ્વરૂપવાળા, પરમ આનંદરૂપ અનન્ત આત્મા સાથે જોડી દઈએ છીએ ત્યારે આપણને આંતરીક આનંદ આવતો લાગે છે.અને તેમાં કોઈ બાહ્યપ્રેરણાની જરૂર રહેતી નથી.બાહ્યપ્રેરણા તો સાધારણ રીતે મોંઘી પડી જતી હોઈ છે.આથી જ નશીલા પદાર્થોથી ટેવાયેલા લોકો મોટેભાગે તસ્કરો હોય છે. તેઓ પોતાના બાપને ત્યાં અને પડોશીને ત્યાં પણ ચોરી કરતા હોય છે. આપણને આ સમસ્યામાંથી બચાવી લેવાનો ઉપદેશ આ ગ્રંથમાં છે. પણ આપણે તેનો અમલ કરવો જોઈએ. અત્યાર સુધી આપણે સામંતશાહી સમાજ (Feudal Society) માં રહેતા હતા તેથી એની જરૂર પડતી ન હતી. પણ આપણને આજે તેની જરૂર છે, દરેકને તેની જરૂર છે. કોઈક કોઈક વાર સાંજના સમયે આ પ્રકારનો સત્સંગ થતો રહે તેનું મહત્ત્વ છે. આ ઉપરાંત આપણા દરરોજના નિયમિત જીવનમાં કોઈક પ્રકારની આધ્યાત્મિક સાધના-ધ્યાન,ભજન વગેરે કરી શકાય. આપણા જીવનને સમૃદ્ધ બનાવનારી આ અનુભૂતિઓ છે. ખાસ કરીને આપણી ભજન-સંસ્કૃતિ પશ્ચિમની દુનિયા પર સરસાઈ ભોગવી રહી છે. તે બધાને ભજનની આવશ્યકતા છે. તેઓ પોતાની મોટર-કારમાં ભજનની કેસેટો રાખે છે.જ્યારે તેઓ મને મોટરકારમાં લઈ જતા હોય છે, ત્યારે તેઓ આપણાં ભજનોની કેસેટ ચાલું કરી દે છે.મેં જોયું છે કે દરેક ઘરમાં આ સામાન્ય વસ્તુ બની ગયેલી છે.
ભજન એ અદ્ભુત અનુભૂતિ છે; જો તમે બ્રહ્મનું જ્ઞાન ન મેળવી શકો તો પણ કમ સે કમ ભજન ગાઈને બ્રહ્મનો આનંદ માણી શકો છો. તેથી જ ભજન એક આધ્યાત્મિક અનુભૂતિ છે,ધ્યાન એક આધ્યાત્મિક અનુભૂતિ છે. નાળિયર લઈને મંદિરે ટકોરો વગાળવાથી કે એવી અન્ય ક્રિયાઓ કરવાથી આધ્યાત્મિક અનુભૂતિ ઉત્પન્ન થતી નથી. પણ ભજનમાં આધ્યાત્મિક અનુભૂતિ થાય છે અને આખું જગત એ આધ્યાત્મિક અનુભૂતિની ખોજ કરી રહ્યું છે.
શ્રીરામકૃષ્ણે પોતાના એક ઉપદેશમાં કહ્યું છે કે દરેક માણસને ત્રણ પ્રકારના આનંદો મળી શકતા હોય છે (ધ ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ, પૃ. નં.૪૭૮) દરેક માણસને એ ત્રણ આનંદો મળી શક્તા હોય છે. તેમાંથી પહેલાને વિષયાનંદ કહેવામાં આવે છે. વિષયોનો અર્થ છે ઈન્દ્રિયોના પદાર્થો-ખાવાપીવાના તથા અન્ય ઉપભોગોના ઈન્દ્રિયવિષયક અનુભવોને આ નામ આપવામાં આવે છે, આને વિષયાનંદ કહેવામાં આવે છે-બહારના પદાર્થોમાંથી મળતો આનંદ. વેદાંતમાં આપણે વિષયાનંદને હલકી નજરે જોતા નથી(ધિક્કારતા નથી). બાળકને વિષયાનંદ જોઈતો હોય છે, તેને બીજા કશાની ખબર હોતી નથીે. દરેકને વિષયાનંદ મળી શકે છે, પરંતુ આપણે જાણવું જોઈએ કે આનંદની અન્ય ઉચ્ચતર કક્ષાઓ અસ્તિત્વ ધરાવે છે, એમ વેદાન્ત કહે છે. બાળકને વિષયાનંદ ગમતો હોય છે, પણ શાળાએ જવું, જ્ઞાનની પ્રાપ્તિ કરવી જેવા અન્ય આનંદો પણ તેણે મેળવવા જોઈએ. તે ભૌતિક કક્ષાએ-વિષયાનંદથી શરૂ કરી આનંદોની બીજી કક્ષાઓ તરફ આગળ વધવા દો.
બીજા પ્રકારને ભજનાનંદ કહેવામાં આવે છે. આ વિસ્મયકારક આનંદ અંતરમાંથી આવે છે, બહારથી નહીં. આ આનંદ નો અનુભવ અંશત: ભજન અથવા ધ્યાન અને વિવિધ આધ્યાત્મિક ગ્રંથોના અધ્યયનથી મળે છે; વિજ્ઞાનને લગતી શોધખોળનો પણ આમાં સમાવેશ કરી શકાય. આ આનંદ અંદરથી આવે છે. આને ભજનાનંદ કહી શકાય. ખાસ કરીને તેનો અર્થ ભગવાનનાં નામનું ગાન કરવું એવો કરવામાં આવે છે. આપણા બધા સંતોએ ભજનોનું ગાન કર્યું છે: ગુરુ નાનક,અન્ય શીખ ગુરુઓ, આસામના શંકરદેવ, ઉત્તર ભારતનાં મીરાબાઈ અને સુરદાસ, દક્ષિણ ભારતના ઘણા બધા સંતોનો એમાં સમાવેશ કરી શકાય. તેમનાં ગીતો આાપણા રાષ્ટ્ર માટે અદ્ભુત આધ્યાત્મિક શિક્ષણ અને બળની ગંગોત્રી બની રહ્યાં છે. ભારતના ખૂણેખૂણે તેઓ પ્રસરી ગયા છે અને પ્રત્યેક પર તેનો પ્રભાવ પડ્યો છે. તથી એક વખત અમેરિકાના રાજદૂત કેનેથ ગાલ્બ્રેથ દિલ્હી આવ્યા હતા ત્યારે તેમણે આયોજન પંચના સદસ્યોને કહેલું: ‘મેં આખી દનિયામાં સર્વત્ર ગરીબી- ભયંકર ગરીબી- જોઈ છે અને ભારતમાં પણ ગરીબી જોઈ છે, પણ ભારતની ગરીબી અજોડ છે.એનું કારણ એ છે કે અહીંના ગરીબ લોકોની આંખમાં ચમક હોય છે, એ મેં અન્યત્ર જોઈ નથી, અને આ ગરીબી ભારતમાં ગુનાખોરીનું કારણ બની રહેતી નથી, જ્યારે બીજા દેશોમાં ગરીબીનો અર્થ થાય છે નશો, ગુના અને નવા નવા પ્રકારની હતાશા.’
વિષયોપભોગના નગર કોલકતાના ગંદા વિસ્તાર વિષે ડોમિનિક લેપિયરે એક પુસ્તક “The City of Joy” લખ્યું છે. બનવા કાળ એ છે કે કોઈકે એ પુસ્તક મને આપ્યું. મુસાફરી દરમ્યાન હું એ જોઈ ગયો. એ પુસ્તક ખૂબ રસ પડે એવું છે. કોલકાતાના ગંદા વિસ્તારમાં દરેક રીતે જોતાં બધી વસ્તુ દારુણ-ભયંકર છે. જો કે અહીં બધે જ કચરો પડ્યો હોય છે, પણ લોકો આનંદમાં હોય છે, બાળકોના ચહેરા પર સ્મિત હોય છે. આખું પુસ્તક એ વિષય પર જ છે. કોલકાતાના આ વિસ્તારને આનંદનગર કહે છે. એવો નિર્દેશ કરવા માટે હું આ કહી રહ્યો છું કે આપણા ગરીબ લોકોનાં ખિસ્સા ભલે ગરીબ હોય પરંતુ તેમના હૃદય ગરીબ હોતા નથી. તેઓ એકબીજાને મદદ કરતા રહે છે. તમે તેમની પાસે જાઓ તો તેઓ તમને પણ મદદ કરે. તેઓ કેવા ઉદાર હોય છે, તે સાબિત કરવા માટે લેખકે ઘણાં ઉદાહરણો આપ્યાં છે. ઉદારતા,ભલાઈ અને અતિથિ સત્કાર સિવાય બીજા શાની જરૂર છે. એ જ સંસ્કૃતિનું લક્ષણ છે. આથી ઉત્તર તથા દક્ષિણ ભારતના સંતો પાસેથી ઊતરી આવેલા ભજનાનંદની સંસ્કૃતિ આપણા લોકોએ કેળવવાની છે. આપણે એ ભજનાનંદને જાળવી રાખવાનો છે. એ અંતરમાંથી આવતો હોય છે. જ્યારે આપણે છોકરાઓ અને છોકરીઓ હોઈએ છીએ ત્યારે આપણે અમુક હદ સુધી ભજનાનંદનો અનુભવ કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે બધી જવાબદારીઓ પૂરી કરી દઈએ છીએ ત્યારે આપણે તેનો સાચો આનંદ માણી શકીએ છીએ. હવે આપણે ભજનાનંદને વધારેને વધારે શા માટે વળગી રહેવું જોઈએ? કેમકે આનંદની ત્રીજી કક્ષા બહુ ઊંચી છે.
લોકો તેને ‘બ્રહ્માનંદ’ કહે છે. જ્યારે તમે ખરેખર ઈશ્વરનો સાક્ષાત્કાર કરશો ત્યારે તમારે ભાગે આત્યંતિક આનંદ આવશે. પરંતુ આપણને ભજનાનંદ પ્રાપ્ય છે, બ્રહ્માનંદ વધુ ઊંચો છે, વિષયાનંદ સાવ સામાન્ય છે. તેથી આપણા સૌને માટે ભજનાનંદ સૌથી વધારે મહત્ત્વનો છે. દિવસનું કામ પૂરું થાય કે તરત જ, આપણી જવાબદારીઓ પૂરી થાય કે તરત જ આપણે ભજન ગાવા લાગીએ છીએ અથવા ભજનો સાંભળવા માંડીએ છીએ. એ બહુ સારું છે, એ એક બહુ મોટો અનુભવ છે. ભારતની રાજકીય ચળવળ દરમ્યાન ગાંધીજી રામધૂન ગાતા રહેતા હતા. કેટલીક વખત એક લાખ માણસોની હાજરી રહેતી અને તેમના પર ગાંધીજીની રામધૂનનો કેવો પ્રભાવ પડતો હતો?
ભજનાનંદ બધાને માટે ખુલ્લો છે. આપણને સૌને થોડોક આંતરિક આનંદ મળી રહે છે. તેનાથી આપણે તાજામાજા થઈ જઈએ છીએ. આવા ઉચિત તરીકાઓ દ્વારા આપણે આપણા આધ્યાત્મિક જીવનનો વિકાસ સાધી શકીએ છીએ. જ્યારે આપણે જુવાન હોઈએ ત્યારે વિષયાનંદ બરાબર છે. યુવાની સુંદર હોય છે. પરંતુ જ્યારે જીવનની સંધ્યા (Afternoon of Life) ઢળવા માંડે છે ત્યારે આપણે અંદરનો આનંદ મેળવી લેવો જોઈએ બહારનો નહીં. નહીંતર મોટી આપત્તિ આવી પડશે. પોતાના પુસ્તક ‘આત્માની શોધમાં આધુનિક માનવ’ (Modern Man in Search of a Soul) તેનો ખાસ નિર્દેશ કરે છે : ‘જીવનના શરૂઆતના (Forenoon of Life) સમયગાળાનું લક્ષ્ય બીજું હોય છે. જીવનનાં પાછલા સમયગાળાનું લક્ષ્ય બીજું હોય છે. શરૂઆતના સમયગાળાને પાછલા સમયગાળામાં લઈ ન જાઓ.’ જીવનના શરૂઆતના સમયગાળાનો અર્થ છે.
દુનિયાદારીમાં વ્યવસ્થિત રીતે ગોઠવાવું, પૈસા કમાવા, પરિવાર ઊભો કરવો, જીવનના આનંદોનો ઉપભોગ કરવો, અને સમાજમાં નામના મેળવવી.
આ છે જીવનનો શરૂઆતનો ગાળો (યૌવન). આ બધાને પાછોતરા સમયગાળામાં વૃદ્ધાવસ્થામાં નહીં લઈ જાઓ; અન્યથા વ્યક્તિત્વનો મોટો હ્રાસ થશે અને આંતરિક ગુણવત્તાની સામગ્રી ક્ષીણ થઈ જશે. જ્યારે દુનિયાદારીનું આપણું કાર્ય પૂરું થાય ત્યારે આપણું લક્ષ્ય આપણી વૃદ્ધાવસ્થાને, સાઠ વરસ પછીનાં વરસોને ઉજ્જ્વલ કઈ રીતે બનાવવાં તે હોવું જોઈએ. વૃદ્ધાવસ્થા જરાય ગમગીની ભરી હોતી નથી, તમે તેને ઉજ્જ્વલ બનાવી શકો છો. શ્રીરામકૃષ્ણની એક સુંદર ઉક્તિ છે : જ્યારે તમારે કામ કરવાનું હોય ત્યારે એક હાથે ભગવાનનાં ચરણ પકડી રાખો અને બીજા હાથે કામ કરો. જ્યારે કામ પૂરું થાય ત્યારે ભગવાનનાં ચરણ બન્ને હાથે પકડી લો. (ધ ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ, પૃ. નં.૩૨૫)
(ક્રમશ:)
Your Content Goes Here




