તમે હૃદય શા હતા જલત ભારતી માતના;
સદા દ્રવત અંતરે અધિક, દૈન્યથી આપણા.
હતા વલય તેજનું તિમિરઢંક આ દેશમાં;
તમે પ્રણવમંત્રનો પ્રબળ નાદ પોતે હતા.
કર્યાં મનુજમાત્રમાં વિરલ દર્શનો દેવનાં;
ભર્યાં હૃદયશ્રદ્ધયા સદય વર્ષણે પ્રેમનાં,
‘તમે અમરનાં જણ્યાં સબલ સિંહસંતાન છો’
અમે પ્રથમ એ સુણ્યાં ગગન ગુંજતા ગર્જનો!
અહીં છવિ પરે ઠરે નયન માહરા, ખંડમાં;
ખડા અડગ, વાળતા અદબ હસ્ત લોખંડ શા,
પ્રચંડ ભય સર્વને સખત ભીંસતાં બાવડાં,
અને ઝરત ચક્ષુથી વિપુલ તેજના શેરડા.
જવું શરણં બુદ્ધને નયન પ્રેમમાં નાહવા;
દૃગે સતત આપનાં પ્રજળી, પાંગરું કાર્યમાં.
Your Content Goes Here




