નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણના સૌથી લાડકા અને અગ્રિમ શિષ્ય. ઈ.સ. ૧૮૮૨ના આરંભમાં નરેન્દ્રનાથ પહેલીવાર ઠાકુરને મળવા દક્ષિણેશ્વરને કાલીમંદિરે ગયા હતા તે જ દહાડે, બીજા સાથીઓથી જુદા પાડી ઠાકુર નરેન્દ્રને પોતાના ઓરડાની પાછળ આવેલી પરસાળમાં લઈ ગયા હતા અને, ઓરડાનાં દ્વાર વાસી, ‘તમે તો નરરૂપી નારાયણ છો’ કહી, એમણે નરેન્દ્રનાથને ચમકાવ્યા હતા તેમજ, ઓગણીસ વરસનો એ જુવાન કેવો તો વિશિષ્ટ છે તે તેમણે નિર્દેશ્યું હતું.
આ ઘટના પછી દોઢેક વર્ષે, બ્રાહ્મસમાજના નેતા કેશવસેન પોતાની મંડળી સાથે દક્ષિણેશ્વરને કાલીમંદિરે શ્રીરામકૃષ્ણને મળી, પોતાના થોડાક ભક્તો સાથે નાવમાં બેસી રવાના થઈ ગયા હતા તે પછી તરત જ, ત્યાં બેઠેલા કેશવના અનુયાયીઓને જ નહીં પણ, ત્યાં બેઠેલા પોતાના ભક્તગણોને પણ આઘાત આપે એવું વચન શ્રીરામકૃષ્ણે ઉચ્ચાર્યું હતું – ‘કેશવમાં જે શક્તિ છે તેના કરતાં અઢાર ગણી શક્તિ નરેનમાં છે.’ ઠાકુરના આ બોલ સાંભળી, ખુદ નરેન્દ્રનાથ પણ ઉકળી ઊઠ્યા હતા અને બોલી ઊઠ્યા હતા કે : ‘આ બોલ સાંભળી કોઈ આપને પાગલ માનશે. કુશળ વક્તા, બ્રાહ્મનેતા વરિષ્ઠ પત્રકાર અને ખ્યાતનામ કેશવ ક્યાં અને ક્યાં હું’; એક સાદો નિશાળિયો?’
‘પણ આ હું નથી બોલતો. માએ મારી પાસે બોલાવ્યું છે’, એ શ્રીરામકૃષ્ણનો ઉત્તર હતો. પરંતુ, ત્યાં બેઠેલી મંડળીમાંથી માને ઠાકુર પાસે બોલાવતાં કોણે જોયાં હતાં?
પણ નરેન્દ્રને પોતાના શક્તિવિશેષનું થોડું ભાન તો હતું જ. પોતાનાં ચાર-પાંચ વરસોના ભારતભ્રમણ દરમિયાન, વારાણસીવાસી બાબુ પ્રમદાદાસ મિત્રને સ્વામીજીએ કહ્યું હતું કે, ‘એક દિવસે મારો વિસ્ફોટ બોમ્બના જેવો થશે.’ વળી, ૧૮૯૦માં એમણે ત્રીજી વાર કોલકાતા છોડ્યું ત્યારે, એ પૂજ્ય શ્રીમાના આશીર્વાદ લેવા ગયા હતા ત્યારે પણ, ‘કામમાં ફત્તેહ નહીં મળે તો હું પાછો નહીં આવું’, એમ સ્વામીજી બોલ્યા ત્યારે પૂજ્ય શ્રીમાએ પણ એમને વિજયના જ આશીર્વાદ આપ્યા હતા. આ આશીર્વાદની અણખૂટ મૂડી સાથે સ્વામીજીએ પરિભ્રમણ આદર્યું હતું.
(૨)
સ્વામી વિવેકાનંદના એ પરિભ્રમણ દરમિયાન ગુજરાત એક કરતાં વધારે રીતે ધન્ય બન્યું હતું. દેશના બીજા કોઈ પણ ભાગ કરતાં સ્વામીજી ગુજરાતમાં – કહો કે સૌરાષ્ટ્રમાં – વધારે સમય રહ્યા હતા. વળી, પશ્ચિમના દેશોમાં જવાના વિચારનું બીજ પોરબંદર રાજ્યના તત્કાલીન વહીવટદાર, પ્રખર સંસ્કૃત પંડિત શંકર પાંડુરંગ પંડિતે સ્વામીજીના મગજમાં રોપ્યું હતું. અને પશ્ચિમમાં જવાનું નિમિત્ત, અમેરિકાના શિકાગોમાં મળનારી વિશ્વધર્મ પરિષદ વિશેની માહિતી પણ એમને જૂનાગઢમાં નોકરી અર્થે વસતા, નડિયાદી સાક્ષર શ્રી છગનલાલ જૂનાગઢમાં નોકરી અર્થે વસતા, નડિયાદી સાક્ષરશ્રી છગનલાલ પાસેથી સાંપડી હોવાનો સંભવ છે. છગનલાલના મિત્ર, બીજા નડિયાદી સાક્ષર સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીના મિત્ર, બીજા નડિયાદી સાક્ષર સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદી સંસ્કૃતના, અને ખાસ કરીને વેદાંતના પંડિત હતા અને એ ક્ષેત્રમાં કાર્યરત યુરોપીય પંડિતો એમના કાર્યથી વાકેફ હતા. એટલે શ્રી મણિલાલને શિકાગોની એ ધર્મ પરિષદમાં સલાહકારનું સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ પોતાની તબિયતને કારણે, અને કદાચ સમુદ્રોલ્લંઘન પરના હિંદુ ધર્મના નિષેધને કારણે શ્રી મણિલાલ જાતે ગયા ન હતા. પણ એમણે એ પરિષદ માટે બે નિબંધો લખી મોકલાવ્યા હતા. એ બેમાંથી એકનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને એ પરિષદના અહેવાલમાં મણિલાલના એ નિબંધને સ્થાન પણ અપાયું હતું. વિશેષમાં, જૂનાગઢના દીવાન હરિદાસ દેસાઈને વતન નડિયાદ સ્વામીજી ગયા ત્યારે, એ ત્યાં મણિલાલ દ્વિવેદીને મળ્યા પણ હતા.
પછી વડોદરા થઈ અને ખંડવા-ઈંદોરનું ચક્કર લગાવી સ્વામીજી દક્ષિણ ભારતમાં વિવિધ સ્થળોએ ગયા હતા અને કન્યાકુમારીના મંદિર સામે સાગરમાં થોડે દૂર આવેલા ખડક પર તેઓ તપ કરવા ગયા અને ત્યાં પશ્ચિમમાં જવાનો દૃઢ સંકલ્પ એમણે કર્યો હતો એ કથા જાણીતી છે.
મદ્રાસ-હાલના ચેન્નઈમાંથી સ્વામીજી અમેરિકા જવાની તૈયારી કરતા હતા, ત્યાં ૧૮૯૩ના એપ્રિલના અંતમાં કે મેના આરંભમાં રાજસ્થાનમાં ક્યાંય ખૂણે આવેલા ખેતડીના મહારાજા અજિતસિંહના દીવાન સ્વામીજીને ખેતડી લઈ ગયા. કારણ કે સ્વામીજીના શુભ આશીર્વાદથી મહારાજાને ત્યાં કુંવર અવતર્યો હતો અને એની ખુશાલી આખું ખેતડી રાજ્ય મનાવી રહ્યું હતું. સ્વામીજી પણ ખેતડી આવી કુંવરને પોતાના શુભ આશીર્વાદ આપે અને ખુશાલીમાં થોડો ભાગ લે એ વિનંતી કરી. સ્વામીજીને ખેતડી લઈ જવા માટે જગમોહનલાલજી મદ્રાસ આવ્યા હતા.
મદ્રાસથી ખેતડી ઠીક ઠીક દૂર હતું. દક્ષિણ ભારતમાં બંગાળના અખાતને અડતા ભારતના પૂર્વ કાંઠાથી કેટલાય મુલકો વીંધી, ગાડીઓ બદલાવી ખેતડી જવાનું સરળ ન હતું. મદ્રાસથી મીટર ગેજ રસ્તો – મદ્રાસ-બેંગલોર-સિકંદરાબાદ-ઔરંગાબાદ-મનમાડ-રતલામ-અજમેર થઈ જયપુર જવાનો માર્ગ હતો. અને મદ્રાસથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ બ્રોડગેજ રેલવેમાં પ્રવાસ કરી, અમદાવાદથી મિટરગેજ માર્ગે જયપુર જવાનો માર્ગ પણ હતો.
મે મહિનાની અસહ્ય ગરમીમાં સ્વામીજીએ એ પ્રવાસ ખેડ્યો. રાજા અજિતસિંહ પ્રત્યેના સ્નેહથી થોડા દિવસો ત્યાં રોકાયા અને પછી રાજાજીએ આપેલી સહાયથી, જયપુરથી મુંબઈ જવા એમણે દિલ્હી મેલ પકડ્યો. એમની સાથે રાજાજીના મંત્રી જગમોહનદાસ પણ હતા. બીજે દિવસે બપોર પછી ત્રણ-સાડાત્રણને સુમારે આબુરોડનું સ્ટેશન આવ્યું. વરાળથી ચાલતી ગાડીના એંજિનમાં પાણી તથા કોલસા ભરવા માટે ગાડી ત્યાં વીસેક મિનિટ ઊભી રહેતી.
ત્યાં પગ છૂટો કરવા સ્વામીજી પ્લેટફોર્મ પર ઊતર્યા તો પોતાના મિત્રો અને ગુરુભાઈઓ રાખાલ (સ્વામી બ્રહ્માનંદ), હરિ (સ્વામી તુરીયાનંદ)ને જોઈ આનંદ-વિભોર બની ગયા. બીજા સમાચારની આપલે થઈ જ હશે પણ, સ્વામીજીએ પોતાના અમેરિકાગમનની વાત કરી અને કોઈ અદૃશ્ય પ્રેરણાથી પોતાના હાથની મુઠ્ઠી પોતાની છાતી પર ઠોકી સ્વામી તુરીયાનંદને સંબોધી સ્વામીજી બોલ્યા : ‘હરિભાઈ! એ પરિષદ આને માટે -અર્થાત્ પોતાને માટે – મળે છે!’ કેવી તો સૂચક ભવિષ્યવાણી!
(૩)
પરંતુ વિચિત્ર બાબત તો એ હતી કે એ વિશ્વ ધર્મ પરિષદમાં આટલી પાકી ખાતરી સાથે ભાગ લેવા જનાર સ્વામી વિવેકાનંદને એ પરિષદ મળવાની તારીખોની જ ખબર ન હતી. અને એથીયે વધારે વિચિત્ર બાબત એ હતી કે આવી કોઈ પરિષદમાં પ્રતિનિધિ તરીકે જવા માટે જે કંઈ વિધિ કરવો પડે તે વિધિ વિશે પણ સ્વામીજી કે એમના ભક્તો કશું જ જાણતા ન હતા. એવો કશો વિધિ એમણે કર્યો ન હતો..
સ્વામીજીના પ્રવાસમાર્ગની પસંદગી પણ ખોટી કહેવી પડે. મુંબઈથી અમેરિકા જવાનો ટૂંકો માર્ગ અરબી સમુદ્ર, રાતો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર અને એટલેંટિક મહાસાગર ઓળંગી ન્યૂયોર્કને બંદરે પહોંચવાનો છે. પણ સ્વામીજીની આગબોટ મુંબઈથી દક્ષિણ તરફ કોલંબો ભણી વળી. ત્યાંથી પૂર્વમાં કેટલાંક બંદરો કરી, સ્વામીજી જાપાનમાં ઊતર્યા અને ત્યાં એકાદ અઠવાડિયું ફરી, પાછા આગબોટમાં બેસી, પેસિફિક ઓળંગી એ અમેરિકા પહોંચ્યા ત્યારે એક મહિના ઉપર કેટલાક દિવસો વીતી ગયા હતા.
સ્વામીજીની આગબોટ વાનકુંવર બંદરે પહોંચે તે પહેલાં જ પેસિફિક મહાસાગર પરથી વાતા ઓતરાદા ઠંડા વાયરાઓએ જાણે કે સ્વામીજીને ભાવિનાં એંધાણ આપી દીધાં હતાં. મહારાજા અજિતસિંહે ખૂબ હોંશથી સિવડાવેલા રેશમી ઝભ્ભાઓ કશા જ કામના ન હતા. અને વાનકુંવર બંદરથી ત્રણેક દિવસના પ્રવાસ પછી શિકાગો પહોંચનાર સ્વામીજીની પરિસ્થિતિની કલ્પના પણ આવવી મુશ્કેલ છે. આપણી બંદરગાહો અને આપણાં સ્ટેશનો પર સામાન ઊંચકવા માટે મજૂરોની હાર હોય છે તેવું અમેરિકામાં નથી હોતું. વજનદાર ટ્રંક, રાતનો કથોરો સમય અને ખૂબ ચાલવાનું. સાવ અજાણ્યા લોકો અને એ સુટેડબુટેડ ગોરા લોકોની વચ્ચે ચાલતા પેનીટક ઝભ્ભો અને પાઘડી ધારણ કરેલા ને વળી ‘શ્યામ’ વર્ણના આ સ્વામીજી! દ્વારકાના યાદવ બાળકોએ સુદામાનું કરેલું સ્વાગત પ્રેમાનંદે વર્ણવ્યું છે તે જ આ મહાનગરી શિકાગોમાં જાણે ફરી ભજવાયું.
જેમ તેમ કરીને સ્વામીજીએ કોઈ હોટેલ ખોળી કાઢી. સ્વસ્થ થઈ એ કોલંબસે અમેરિકા ખંડ પર પગ મૂક્યો તેની ચતુર્થ શતાબ્દિ નિમિત્તે મોટા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું – અને વિશ્વધર્મ પરિષદ તથા એવી બીજી પરિષદો એના અંગ રૂપે જ યોજવામાં આવી હતી – તે જોવામાં સ્વામીજી મશગુલ બની ગયા. વીજળીની થયેલી શોધ, મિશિગન સરોવરમાં રાતે વીજળીના દીવાઓનાં પ્રતિબિંબો, એ પ્રદર્શનના વિવિધ સ્ટોલો, એમની આકર્ષક ગોઠવણી.. બધું આશ્ચર્યચકિત કરે તેવું હતું. આ બધું જોયા પછી સ્વામીજીએ વિશ્વધર્મ પરિષદનાં કમાડ ખખડાવ્યાં. અને ત્યાં એમને જબ્બર આંચકો લાગ્યો. જાણે ૪૪૦ વોલ્ટ વહન કરતો વીજળીનો તાર એમને સ્પર્શ્યો.
‘સોરી, જગતના કોઈ ધર્મે કે સંપ્રદાયે પોતાના પ્રતિનિધિ તરીકે તમારું નામ મોકલાવ્યું નથી અને હવે નવા પ્રતિનિધિઓ નોંધવામાં આવતા નથી. આવજો! આ જવાબ સ્વામીજીને સંભળાવવામાં આવ્યો.
છાતીનાં પાટિયાં જ બેસી જાય એવા આ બોલ હતા. જાણે પગ તળેથી ધરતી જ સરકી ગઈ. મદ્રાસમાં આલાસિંગાને અને કિડીને, રામનદના રાજાને, માઈસોરના મહારાજાને, ખેતડીના અજિતસિંહને, જૂનાગઢના દીવાન હરિદાસ દેસાઈને અને, બીજા અનેક મિત્રોને મોઢું કેવી રીતે બતાવવું? એ મોઢું બતાવવા માટે પાછા દેશમાં જવા માટે આગબોટની ટિકિટ ખરીદવાના પૈસાનાય સાંસા હતા. તો શું, પોતે પાણી પર ચાલતા અને નરેનને પોતાની પાછળ પાછળ આવવા સૂચવતા ઠાકુરનું દર્શન ભ્રમણા હતું? શારદામાને પણ એવું જ દર્શન થયા પછી એમણે શુભેચ્છાનો પત્ર સ્વામી શારદાનંદ પાસે લખાવી મોકલાવ્યો હતો. તે આશીર્વાદ પણ વૃથા હતા? અને આબુરોડ સ્ટેય્શને મળેલા ગુરુભાઈ હરિભાઈ (તુરીયાનંદ) સમક્ષ પોતાની છાતી પર પોતાની જ મૂઠી ઠોકાવી કોણે પોતાની પાસે બોલાવ્યું હતું કે : ‘હરિભાઈ, આ પરિષદ આને માટે જ મળવાની છે?’ અને અહીં તો ‘આ’ને બારોબાર જ રવાના કરી દેવાના હતા! ૧૮૯૩ના ઓગસ્ટના એ દહાડાની સ્વામીજીની સ્થિતિની કલ્પના પણ આવી શકે તેમ નથી.
આટલે લાંબે માર્ગે ને આટલા વહેલા શિકાગો જવું, પરિષદમાં પ્રતિનિધિત્વ કરવાનાં નીતિનિયમોથી સંપૂર્ણપણે અજાણ હોવું, પ્રતિનિધિ બન્યા વિના પરિષદમાં પ્રવેશની માગણી કરવી, ત્યાંના ઠંડા હવામાનને પૂરો પ્રતિકૂળ એવો વેશ ધારણ કરી લોકોના ધુંવા ખાવા… આ બધું પૂરેપૂરું હિન્દુ ધર્મની અવ્યવસ્થાના જેવું જ છે એમ ભગિની નિવેદિતાએ કહ્યું છે તે કેટલું સાચું હતું?
દરિયા ઉપર ચાલતા અને નરેનને પોતાની પાછળ પાછળ આવવાનું સૂચન કરતા ઠાકુર એમ કંઈ પોતાના લાડકા શિષ્યને તરછોડે? ‘કેશવના કરતાં અઢારગણી શક્તિ ધરાવતા’ નરેનને એ શિકાગોથી બોસ્ટન લઈ ગયા. ત્યાં નજીક આવેલા ગામ બ્રીઝીમેડોઝથી તારીખ ૨૦મી ઓગસ્ટ, ૧૮૯૩ના રોજ પોતાના પ્રિય શિષ્ય આલાસિંગાને લખેલો તે સ્વામીજીનો અમેરિકાથી લખાયેલો પ્રથમ પત્ર છે.
સ્વામીજીના એ પત્રમાં પોતાની આર્થિક મુશ્કેલીની, પોતાના પોશાકને લઈને ત્યાં સહન કરવા પડતા ત્રાસની, કેથરિન સેન્બોર્નને ત્યાં રહેવાની સગવડ મળતાં રોજના ખર્ચના બચતા એક પાઉન્ડની અને, પોતાની મિત્ર મંડળીને નોતરી તેમની સમક્ષ પોતાના કરાતા પ્રદર્શનની ગમ્મતની વાતો છે પણ, એ લાંબા પત્રમાં, શિકાગોમાંથી, ધર્મપરિષદમાંથી, પોતાને મળેલા જાકારાનો ઈશારો સુદ્ધાં નથી!
પણ શિકાગોમાં વિશ્વધર્મ પરિષદના કર્મચારીને જે દેખાયું ન હતું તે એમનું પ્રચંડ તેજ, ત્યાં બ્રીઝીમેડોઝમાં, રજાઓ ગાળવા આવેલા, હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જોન રાઈટની દૃષ્ટિએ પડ્યું. એ સ્વામીજીથી કેટલા તો પ્રભાવિત થયા હતા તેનો ક્યાસ, એમનાં પત્ની મેરી ટપન રાઈટે સ્વામીજીની વિદાયને બીજે જ દહાડે પોતાનાં માતાને લખેલા લાંબા પત્રથી આવી શકે છે. છ વિસ્તૃત ભાગોના લખેલા ‘ન્યુ ડિસ્કવરીઝ અબાઉટ સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા’ના મહાભારત જેવડા ગ્રંથમાં મેરી લુઈઝ બર્કે – પછીથી ભગિની ગાર્ગીએ બે ચાર પાનાંનો પત્ર આખો જ છાપ્યો છે. એ પ્રોફેસરના શબ્દો યાદગાર છે : ‘પરિષદમાં પ્રવેશવાનો અધિકારપત્ર આપની પાસે માગવો એ, પ્રકાશ આપવાનો અધિકારપત્ર સૂર્ય પાસે માગવા બરાબર છે.’ અને સ્વામીજીને પ્રવેશ મળી ગયો.
(૪)
પણ કેટલીક અડચણો આવી. પરંતુ, સ્વામીજીને – અને એ વિશ્વધર્મ પરિષદને તથા સમગ્ર જગતને-સદ્ભાગ્યે, શિકાગોના સ્ટેય્શનની બહાર નીકળી આથડતા સ્વામીજીને ઓળખનાર એક અમેરિકન મહિલા મળી આવી. શ્રીમતી હેય્લ સ્વામીજીને પોતાને ઘરે લઈ ગયાં અને, સ્વામીજી સ્વસ્થ થયા પછી અને સ્વામીજીને સારો નાસ્તો ખવરાવ્યા પછી, શ્રીમતી હેય્લ એમને ધર્મ પરિષદે લઈ ગયાં.
તા. ૧૧મી સપ્ટેમ્બરની સવાર ઊગી. વિશાળ કોલંબસ હોલમાંની ચારેક હજાર ખુરશીઓ પ્રેક્ષકોથી ભરાઈ ગઈ હતી. કેટલાક લોકો ઊભા પણ હતા. (બરાબર દસને ટકોરે એ ધર્મ પરિષદના પ્રમુખ કાર્ડિનલ ગિબન્સની આગેવાની હેઠળ ધર્મપરિષદના બધા પ્રતિનિધિઓ પોતપોતાની વિશિષ્ટ વેશભૂષામાં સજ્જ થઈ કોલંબસ હોલમાં પ્રવેશી, સભાગૃહમાંથી ચાલતા ચાલતા મંચ તરફ ગયા અને સૌ મંચ પર ઠરાવેલે આસને બેઠા. ટૂંકી પ્રાર્થના પછી પરિષદની કાર્યવાહી આરંભાઈ.
પરિષદના આયોજકોએ વિવિધ ધર્મોના દૂરથી અને નજીકથી આવેલા પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને પછી, પરિષદમાં આવેલા વિવિધ પ્રતિનિધિઓને પોતાના ધર્મ વિશે કે સંપ્રદાય વિષે ટૂંક પરિચય આપવા અને આયોજકોનો આભાર માનવાનો ઉપચાર કરવા એક પછી એક બોલાવવામાં આવ્યા. આમાં ભારતથી ગયેલા બ્રહ્મસમાજના પ્રતિનિધિ પ્રતાપચંદ્ર મજુમદાર હતા, મુંબઈના કોઈ નગરકર હતા, જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરતા વીરચંદ ગાંધી હતા, થિયોસોફીનાં શ્રીમતી એની બેસન્ટ વગેરે હતાં.
એ દરેક પ્રતિનિધિને આ વિશ્વધર્મ પરિષદમાં પ્રતિનિધિ તરીકે એક કે બીજા ધર્મે કે સંપ્રદાયે મોકલ્યા હતા એટલે, એ સૌ પૂરી તૈયારી સાથે ત્યાં ગયા હતા. આ દરેક પ્રતિનિધિનું નામ બોલાતાં એ પોતાની ખુરશી પરથી ઊભા થઈ, પોતાની પાસેની નાની બેગમાંથી કે પોર્ટફોલિયામાંથી કંઈ કાગળ કાઢી, આગળ આવી, એ કાગળમાંનું લખાણ એ સૌ વાંચી જતા હતા. ખૂબ શ્રમ કરી લખાયેલા, ઘુંટાયેલા અને કદાચ, પૂર્વાવર્તન કરાયેલા એ પ્રવચનને શ્રોતાગણો તાળીઓથી વધાવે એ સ્વાભાવિક હતું – એ રિવાજ પણ હતો. પણ સ્વામીજી? એ કશી જ તૈયારી વિના ત્યાં ગયા હતા, એકવાર એમને પરિષદને બારણેથી જાકારો આપવામાં આવ્યો હતો અને, હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર રાઈટની જોરદાર ભલામણે, છેક છેલ્લી ઘડીએ સ્વામીજીને એ પરિષદમાં પ્રતિનિધિ તરીકે પ્રવેશ અપાયો હતો. એમણે કશી જ તૈયારી રહી ન હતી. એમની પાસે બેગ કે પોર્ટફોલિયો ન હતાં, કાગળની ચબરખી પણ એમની પાસે ન હતી. એ ધર્મપરિષદના મુખ્ય આયોજકોમાંના એક પાદરી બેરોઝે સીધું સ્વામીનું નામ જ જાહેર કરી દીધું.
બિચારા બેરોઝ! એમણે ‘હવે પછીના વક્તા’ તરીકે સ્વામી વિવેકાનંદનું નામ પોકાર્યું ત્યારે એને બાપડાને કલ્પના પણ ન હતી કે, પોતાના એ પાંચ સાત મિનિટના ટૂંકા પ્રવચનથી જ, એ બેરોઝના ખ્યાલને ધૂળ ચાટતો સ્વામીજી કરી નાખશે’, ‘ખ્ર્રિસ્તી ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે અને બીજા ધર્મોની કશી આવશ્યકતા જ નથી.’ એમ, આ વિશ્વધર્મ પરિષદ દ્વારા પ્રસ્થાપિત કરવાની એમની પ્રચ્છન્ન નેમ હતી. સ્વામીજીના પૂર્વતૈયારી વગરના, અંતરમાંથી આવતા, ઐતિહાસિક દૃષ્ટાંતો સાથેના એ સંક્ષિપ્ત પણ વેધક પ્રવચને બેરોઝની એ નેમને ધૂળ ફાકતી કરી દીધી.
‘સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા’ (અમેરિકાના બહેનો અને ભાઈઓ). એ સ્વામીજીનું સંબોધન પણ બિનઅંગત નહીં પણ પૂરેપૂરું અંગત હતું અને એ બોલોનો રણકો સ્વામીજીના હૃદયમાંથી ઊઠ્યો છે એમ સૌ પ્રેક્ષકોને લાગ્યું. બીજા પુરોગામી વક્તાઓનાં પ્રવચનોને અંતે પણ નહીં પડી હોય એટલી ને એવી જોરદાર તાળીઓથી શ્રોતાસમસ્તે એ સંબોધનને વધાવ્યું. અને, સ્વામીજીનું એ વેધક પ્રવચન પૂરું થયું ત્યારે, બધા ધર્મો વચ્ચેના ભેદભાવોના મૃત્યુઘંટ તરીકે સવારે દસ વાગ્યે વાગેલા ઘંટારવને એમણે ગણાવ્યો ત્યારે તો આખું સભાગૃહ એવા આનંદસાગરમાં નાહી રહ્યું કે એ વિશાળ હોલની પાછલી હરોળોમાં બેઠેલાં અનેક નરનારીઓ આ ‘પયગમ્બર’ને જોવા આગળ ધસી આવ્યાં. તાળીઓનો ગડગડાટ પણ મેઘગર્જના જેવો અને પ્રલંબ હતો.
સ્વામીજીનું પ્રાગટ્ય થઈ ચૂક્યું હતું. વારાણસીમાં બાબુ પ્રમદાદાસને સ્વામીજીએ જણાવ્યા મુજબ એ ખૂબ મોટો, પ્રચંડ વિસ્ફોટ હતો. આબુ રોડને સ્ટેય્શને ગુરુભાઈ તુરીયાનંદને કહ્યા મુજબ એ ધર્મપરિષદ ‘આને (સ્વામી વિવેકાનંદને) માટે મળી રહી હતી. પ્રોફેસર રાઈટને, સ્વામીજીને એ ધર્મપરિષદમાં પ્રવેશ આપનારને પણ સ્વામીજીની તેજસ્વિતાની ખાતરી થઈ ચૂકી હતી. અને ‘કેશવમાં છે તેના કરતાં અઢારગણું તેજ નરેનમાં છે’, એ ગુરુબોલની પ્રતીતિ જગત આખાને સ્વામીજીએ કરાવી દીધી હતી – ખાસ કરીને બ્રાહ્મસમાજના પ્રતિનિધિ તરીકે ત્યાં મંચ ઉપર બેઠેલા પ્રતાપ મજુમદાર ઝંખવાઈ ગયા હતા અને ઈર્ષ્યાનો ભોગ પણ બન્યા હતા.
વિશ્વધર્મ પરિષદમાંના પોતાના એ પ્રથમ પ્રવચનમાં જ સ્વામીજીએ સનાતન હિન્દુ ધર્મનાં સાચાં લક્ષણો નિર્દેશ્યાં હતાં. એ ધર્મ બીજા ધર્મોનો કે ધર્મીઓનો દ્વેષ કરતો નથી, એમને પોતાના કરતાં હલકા ગણતો નથી, એમાં સંકુચિત વિચારને કે આચારને સ્થાન નથી, એ સંવાદિતામાં અને સ્વીકારમાં માને છે. સ્વામીજીના આ અભિગમને પૂરેપૂરો અપનાવવાથી આપણા અનેક ઝઘડાઓ ઓછા થઈ જશે.
Your Content Goes Here




