દક્ષિણેશ્વરના કાલીમંદિરના ગંગાતટે આવેલા પૂર્વ તરફના શ્રીરામકૃષ્ણ પરમહંસના ઓરડામાં ‘આનંદ બજાર’ ભરાયું છે. રવિવાર છે. ઠાકુરના ભક્તો છે. ઠાકુરના શિષ્યો છે. ભજનો ગવાતાં હશે, ભક્તિ વચનો બોલાતાં હશે. 

ગંગાને ઘાટેથી પગથિયાં ચડીને બ્રાહ્મસમાજના નેતાઓ શ્રી કેશવ સેન, શ્રી વિજય ગોસ્વામી અને એમની સાથે કેટલાક બ્રાહ્મસમાજીઓની મંડળી એ ‘આનંદ બજાર’માં આનંદ માણવા ચડી આવે છે. ભજનાનંદની ભરતીમાં જાણે જુવાળ આવ્યો. કેટલોક કાળ ત્યાં ગાળ્યા પછી કેશવ સેન, વિજય ગોસ્વામી અને થોડાક બ્રાહ્મભક્તો ત્યાંથી વિદાય લે છે. એ મંડળી ઘાટનાં પગથિયાં ઊતરી નૌકારૂઢ થતી હશે ત્યાં, શ્રીરામકૃષ્ણ એકદમ અચાનક બોલી ઊઠયા:

‘કેશવને જગવિખ્યાત બનાવનાર એક ગુણ કેશવમાં છે તો, નરેનમાં તેવા અઢાર ગુણો છે. મીણબત્તીની માફક પ્રકાશતી એક જ્યોત મને કેશવમાં અને વિજયમાં દેખાઈ છે પણ, નરેનમાં તેવી જ્યોત સૂર્યની માફક ઝળહળે છે.’

પોતાનાં આવાં વખાણથી રાજી થઈને ફુલાવાને બદલે નરેન્દ્રનાથ જોરથી ગર્જી ઊઠયા: ‘આવી વાતો કરશો તો, મહાશય.’ લોકો આપને પાગલ કહેશે. કેશવ જગવિખ્યાત છે. વિજય સંત પુરુષ છે અને હું તો છું સામાન્ય નિશાળિયો. એમની હારમાં મારું નામ આપ મૂકી જ કેમ શકો? આપને વિનંતી કરું છું, મહાશય, ફરી આવું કદી ના બોલતા.’

‘હું લાચાર છું’, ઠાકુરે કહ્યું. ‘તું શું એમ માને છે કે આ બોલ હું જાતે બોલ્યો છું? મને તો શ્રીમાએ તારે વિશે જે બતાવ્યું તે જ હું બોલ્યો છું. તે મા, ‘મને સત્ય સિવાય બીજું કશું જ બતાવતાં નથી.’

સને ૧૮૮૬માં પોતાના જીવનના અંતિમ દિવસો ઠાકુર કાશીપુરના ઉદ્યાનગૃહમાં પસાર કરી રહ્યા હતા. પોતાને નિર્વિકલ્પ સમાધિ થાય એ માટે નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણને કાકલૂદી કરી રહ્યા હતા. પણ ઠાકુર બોલ્યા: ‘તું કેવો સ્વાર્થી છે? એ દશા કરતાંયે ઊંચેરી દશા છે. વડનું ઝાડ કેટલાં પશુપક્ષીઓને આરામ આપે છે? કેટલા વટેમાર્ગુઓ એની નીચે વિસામો મેળવે છે?’ 

નરેન્દ્ર પાસે દલીલ ન હતી. પણ થોડા દિવસો પછી, નરેન્દ્ર ઊંડી સમાધિમાં સરી પડયા અને દેહભાન પણ ભૂલી ગયા. એમની પાસે હતા તે ગુરુભાઈઓને આથી ચિંતા થઈ અને તેમણે નરેન્દ્રની આ દશા વિશે ઠાકુરને વાત કરવા દોટ મૂકી. એમની ચિંતાને હડસેલી ઠાકુરે કહ્યું: ‘ભલે રહ્યો એ દશામાં એ. આ માટે એ મારો જીવ બહુ ખાતો હતો.’

એ સમાધિ ઊતર્યા એમને ગુરુએ ઉપર બોલાવી કહ્યું: ‘જો, હવે માએ તને બધું બતાવી દીધું છે. પણ આ અનુભૂતિ રત્નની માફક દાબડામાં બંધ રહેશે. તારે શ્રીમાનું મહાન કાર્ય કરવાનું છે. તું એ પાર પાડશે પછી જ એ દાબડો ખૂલશે.’

‘કેશવ અને વિજયના કરતાં ચડિયાતા હોવું’ અને ‘શ્રીમાનું મહાન કાર્ય કરવું’ આ બે ભાવિકથનો વિશે કશો જ ફોડ ગુરુએ પાડયો ન હતો. ગુરુની મહાસમાધિ પછી, કાશીપુરમાં એકત્ર થયેલી શિષ્ય મંડળીએ વિખરાઈ જવું પડયું હતું. પણ એક ‘ચમત્કાર’ થયો. માંદા પડીને, સારવારની સગવડ ખાતર ઠાકુર પહેલાં શ્યામપુકુરમાં અને પછી કાશીપુરમાં રહેવા આવ્યા ત્યારે, એમની સેવાને નિમિત્તે શિષ્ય મંડળીએ પણ ગુરુ ગૃહવાસ કર્યો હતો. શ્યામપુકુરના મકાનના કરતાં કાશીપુરના મકાનમાં એ વધારે દૃઢ થયો હતો. સંન્યાસની કશી ઔપચારિક દિક્ષાવિધિ વિના, ગોપાલે આણેલા ભગવા કપડાના ટુકડા તથા રુદ્રાક્ષની માળા સૌને આપી ઠાકુરે, જાણે કે, રામકૃષ્ણ મઠનું બીજારોપણ કર્યું હતું. પણ સને ૧૮૮૬ના ઓગસ્ટની ૧૬મીએ ઠાકુરની મહાસમાધિ પછી એ શિષ્યમંડળી નિરુપાયે પોતપોતાને ઘેર પાછી ગઈ હતી.

પણ, એ ઘટના પછીનાં ત્રણેક અઠવાડિયાં વીત્યે, શ્રીસુરેન્દ્ર મિત્રને સ્વપ્નમાં દર્શન આપી ઠાકુરે તેમને કહ્યું હતું: ‘મારા ત્યાગી છોકરાઓ સંન્યાસી બની સાથે રહી શકે તેવી વ્યવસ્થા તું તરત જ કર.’ 

ઠાકુરની અંતિમ માંદગી દરમિયાન સુરેન્દ્ર દર મહિને ૮૦ રૂપિયા આપતા હતા તેટલી રકમ પોતે આ ‘મઠ’ને પણ આપશે તેમ, એની પડોશમાં જ રહેતા નરેન્દ્રને એમણે કહ્યું. તરત જ વરાહનગર વિસ્તારમાંના ભંગાર જેવા અને અવાવરું એક મકાનમાં, કશી ઉદ્ઘાટન વિધિ વગર, જાહેરાતનો કશો ઢોલ પીટયા વગર શ્રીરામકૃષ્ણ મઠ ચાલુ થઈ ગયો. 

શિષ્ય વૃંદ ત્યાં આવી ગયું. ઠાકુરે પોતે જ કહ્યા પ્રમાણે નરેન્દ્ર સૌને દોરવા લાગ્યા. પણ આ કાર્યમાં ‘સૂર્યનો પ્રકાશ’ શું, કેશવવિજયની ‘મીણબત્તી’નો પ્રકાશ પણ ન હતો અને નરેન્દ્ર અંતરમાં પીડાતા હતા, વિચારતા હતા, માર્ગદર્શન ઝંખતા હતા. પણ પ્રત્યક્ષ ન હતા તે ગુરુએ સ્વપ્નમાં પણ નરેનને – સ્વામી વિવિદિશાનંદને – કશું માર્ગદર્શન પૂરું ના પાડયું. અને એની ખોજ કરવા એ પચ્ચીસ વર્ષના સંન્યાસીએ હાવડા પુલ કુદ્યો. (પુલ પાર કરી ભારતના વિવિધ પ્રદેશોમાં યાત્રા કરી.)

કાશી, મથુરા, અયોધ્યા વગેરે તીર્થસ્થળોએ તેઓ ગયા. હરદ્વાર જઈ, હિમાલય ચડી, ત્યાં તપ કરી, પોતાના જીવનકાર્યની દિશા જાણવા પ્રયત્ન કર્યો. પણ એ ગિરિરાજે એમને ત્યાંથી પાછા ધકેલ્યા. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન એમ ફરતાં ફરતાં સ્વામીજી ગુજરાત આવી ચડયા અને પોતાના આ પરિભ્રમણનો લાંબામાં લાંબો કાળ તેમણે ગુજરાતમાં વીતાવ્યો. ભારતને પૂર્વ ભાગેથી  ફરતાં ફરતાં, રાય અને રંકના અતિથિ બનતા, કોઈ વાર ભરપેટ જમતા અને કોઈ વાર નકોરડો ખેંચતા, પગે ચાલતા અને રેલગાડીમાં બેસતા, સ્વામી વિવેકાનંદ ભારતની બે હજાર વર્ષો કરતાં વધારે પુરાણી નગરી જૂનાગઢ ગયા અને ત્યાં, જૂનાગઢના દીવાન હરિદાસ દેસાઈના અતિથિ બન્યા. એ કોઈ મંગળ ચોઘડિયું હશે. એ દીવાનજી સાહેબ સાથે સ્વામીજીને નિકટનો નાતો બંધાયો. એ દેસાઈજીની જ ભલામણે પોરબંદર રાજ્યના વહીવટદાર, પ્રસિદ્ધ મરાઠી વિદ્વાન શંકર પાંડુરંગ પંડિતના અતિથિ થવાની સુભગ તક સ્વામીજીને સાંપડી. સ્વામીજીએ ત્યાં જાણે કે અઠે દ્વારકા કર્યું.

એ પંડિત માત્ર અટકે જ પંડિત ન હતા પણ, એ શબ્દના સાચા અર્થમાં પંડિત હતા. એમના સમૃદ્ધ પુસ્તકાલયનો સ્વામીજીએ પૂરો લાભ લીધો. એ રત્નપારખુએ સ્વામીજીને કહ્યું: ‘આપણા દેશમાં આપની કદર થશે તેના કરતાં, પશ્ચિમના દેશોમાં આપના જ્ઞાનની વધારે ઊંડી ને સાચી કદર થશે. આપ પશ્ચિમના દેશોમાં જઈ આવો.’

આ ‘પશ્ચિમ’માં જવાના વિચારનો કીડો સ્વામીજીના ચિત્તમાં સળવળતો હતો તેને દિશા સાંપડી જૂનાગઢમાં. પોરબંદર અને બીજે ફરી સ્વામીજી ફરી જૂનાગઢ ગયા અને ત્યાં, હરિદાસ દેસાઈના જ ગામના, નડિયાદના, વિદ્વાન અને અમલદાર છગનલાલ પંડયાના તેઓ અતિથિ બન્યા. આ છગનલાલ પંડયા ગુજરાતના પંડિત યુગના એક અગ્રણી સાક્ષર, નડિયાદવાસી, મણિલાલ ન. દ્વિવેદીના મિત્ર હતા. એ મણિભાઈ વેદાંતના ઊંડા અભ્યાસી હતા. એક માસિકના તંત્રી હતા અને ગુજરાતીમાં તથા અંગ્રેજીમાં લેખન પણ કરતા. એ મણિલાલ દ્વિવેદીને, સને ૧૮૯૩માં શિકાગોમાં મળનારી વિશ્વધર્મ પરિષદે નિમંત્રણ પાઠવ્યું હતું. પણ સમુદ્રોલ્લંઘન કરવાની ‘મનાઈ’ને કારણે એ ત્યાં જવા માગતા ન હતા. પણ, એ પરિષદમાં એમણે પોતાના બે નિબંધો મોકલાવ્યા હતા. 

પોતાના મિત્ર અને ગુજરાતના તે સમયના અગ્રણી વિચારક મ.ન. દ્વિવેદી પાસેથી આ સઘળું જાણવા પામેલા શ્રી છગનલાલ પંડયાએ સ્વામીજીને કહ્યું હશે અને પોરબંદરમાં પશ્ચિમના દેશોમાં જવાના સ્વામીજીને મળેલા વિચાર બીજને આખું દિશાસૂચન સાંપડયું હશે. સ્વામીજી નડિયાદમાં મણિભાઈને મળવા પણ ગયા હતા. એ બંને વચ્ચે થયેલી વાતચીતની નોંધ મળતી નથી.

શિકાગો-ગમનના વિચારનો પ્રથમ ઉલ્લેખ સ્વામીજીએ ખંડવામાં કર્યો જણાય છે. પણ એ વિશેનો પાકો નિર્ણય એમણે દેશના દક્ષિણતમ બિંદુએ, કન્યાકુમારીમાં લીધો. પણ એ ‘પોતાનો’ વિચાર હતો. ગુરુ તરફથી કયાં આદેશ મળ્યો હશે? સમુદ્ર પર ચાલતા અને પોતાને તેમને અનુસરવા કહેતા ગુરુનું દર્શન એક કરતાં વધારે વાર થયા પછી જ સ્વામીજીએ એ વાતને અંકે કરી હતી. પૂજ્ય શ્રી શારદામાએ પણ અનુમોદન આપ્યા પછી જ સ્વામીજી આગળ વધ્યા હતા અને, ૧૮૯૩ના મેની આખરી તારીખે સ્વામીજી મુંબઈથી આગબોટમાં બેઠા હતા.

પણ સ્વામીજીની એ સમુદ્રયાત્રા સીદીભાઈના ડાબા કાન જેવી હતી. મુંબઈથી પશ્ચિમ તરફ રાતા સમુદ્ર ભણી અને ત્યાંથી, ભૂમધ્ય સમુદ્ર અને એટલેન્ટિક મહાસાગર પાર કરી, ત્રણ સાડા ત્રણ અઠવાડિયે અમેરિકાને પૂર્વ કાંઠે આવેલ ન્યુયોર્ક બંદરે લાંગરવાને બદલે સ્વામીજીનું જહાજ દક્ષિણે કોલંબો ગયું. ત્યાંથી શ્રીલંકાની પ્રદક્ષિણા કરી પિનાંગ, સિંગાપુર, હોંગકોંગ, કેંટોન, નાગાસાકી થઈ, પ્રશાંત મહાસાગર ઓળંગી સ્વામીજી વેનકુંવર બંદરે ઊતર્યા અને ત્યાંથી રેલગાડી પકડી, પોણો ઉત્તર અમેરિકા ખંડ વીંધી, સ્વામીજી શિકાગો પહોંચ્યા ત્યારે, પૂરા બે મહિના વીતી ગયા હતા. અને તે છતાં, વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા તેઓ થનગનતા હતા તેના આરંભ આડે પૂરો એક મહિનો ને દસ દિવસનો ગાળો હતો. 

બીજી તકલીફ એ હતી કે, સ્વામીજીના પરમ ભક્ત, ખેતડીના મહારાજાએ સિવડાવી આપેલાં રેશમી વસ્ત્રો ત્યાંની ઠંડીની સામે રક્ષણ આપી શકતાં ન હતાં. અને મોટી આઘાતજનક બાબત તો એ હતી કે, ભારત વર્ષના હિન્દુ ધર્મની કોઈ પણ શાખાએ સ્વામીજીને પોતાના પ્રતિનિધિની હેસિયતથી ત્યાં મોકલ્યા ન હતા અને સૌથી વધારે આઘાતજનક બાબત એ હતી કે, એ પરિષદમાં ભાગ લેવા માગતા પ્રતિનિધિઓની નોંધણીની તારીખ વીતી ગઈ હતી. આમ, જે પરિષદ ‘આને માટે મળવાની છે’ તેમ પોતાની છાતી ઠોકીને પોતાના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદને સ્વામીજીએ કહ્યું હતું તેનાં બારણાં આડે ભોગળ દેવાઈ ગઈ. અને દેશમાં પાછા ફરવા માટેની ટિકિટ જેટલા પૈસા પણ એમની પાસે ન હતા. ભારતની જેમ ત્યાં ભીખ માગી શકાતી નથી. છાતીનાં પાટિયાં જ બેસી જાય એવી વિકટ પરિસ્થિતિ હતી.

પણ શિકાગોને અડીને આવેલા વિશાળ મિશિગન સરોવરમાં સ્વામીજીએ ઠેકડો ના માર્યો. શિકાગોના કરતાં બોસ્ટન શહેર સસ્તુ છે તેમ જાણી, સ્વામીજીએ રેલગાડીમાં બેસી પૂર્વની વાટ પકડી. પ્રકાશનો ઉદય પૂર્વમાં જ થાય છે ને? સ્વામીજી રેલગાડીમાં બેઠા ત્યાં, એ જ ખાનામાં ઠેઠ બોસ્ટન સુધીનો સથવારો એમને સાંપડી ગયો. કેથરિન સેન્બોર્ન નામની, થોડી જાહેર પ્રવૃત્તિ કરતી એ મહિલા સ્વામીજીને અગાઉ કયાંક ભેટી ગઈ હતી. 

રેલગાડીના લાંબા પ્રવાસ દરમિયાન, એના હૈયામાં રામ વસ્યા હશે એટલે એ સ્વામીજીને પોતાને ઘેર લઈ ગઈ. એમાં એ ઉભયને જે ‘લાભ’ હતો તે સ્વામીજીએ એક પત્રમાં જણાવતાં લખ્યું હતું કે, ‘તેથી મને બહાર રહેવા જમવાનો એક પાઉંડનો ખર્ચ બચી જાય છે અને એ બાનુ પોતાના વિશાળ મિત્રવૃંદને ભારતની એક વિચિત્રતાનું પ્રદર્શન કરી શકે છે.’

સ્વામીજીના માત્ર આટલા ‘પ્રદર્શન’થી એ બહેનને  સંતોષ નહીં થયો. ત્યાંની જે કેટલીક સંસ્થાઓ સાથે એ સંકળાયેલાં હશે તે સંસ્થાઓમાં એ મહિલાએ સ્વામીજીનાં પ્રવચનો ગોઠવ્યાં. સૂરજ ધાબળે ઢાંકયો રાખી શકાતો નથી તેમ, સ્વામીજીનાં પ્રવચનોના અહેવાલો ત્યાંનાં સ્થાનિક અખબારોમાં આવતાં હશે, તે વાંચીને કે, બીજા કોઈ કારણથી, હાર્વર્ડ યુનિવર્સિટીના ગ્રીકના પ્રાધ્યાપક, ખ્યાતનામ વિદ્વાન ડો. રાઈટને સ્વામીજીને મળવાનું મન થયું અને બોસ્ટનની જરાક ઉત્તરે આવેલા એનિસ્ક્વોમ નામના નાના ગામડામાંના પોતાને નિવાસે ‘વીક એન્ડ’ – શુક્રવારની સાંજથી રવિવારની સાંજ અથવા, સોમવારની સવાર સુધીનો ગાળો – પસાર કરવા ડો. રાઈટે સ્વામીજીને નોતર્યા. સ્વામીજી ત્યાં ગયા. એમણે ડો. રાઈટને ત્યાં પગ મૂકયો ત્યારથી તે એ પાછા ગયા ત્યાં સુધીની સ્વામીજીની પ્રત્યેક પ્રવૃત્તિનો અને પ્રત્યેક વાતનો વિગતવાર અહેવાલ, ડો. રાઈટનાં પત્ની, શ્રીમતી મેરી ટપન રાઈટે બે – ચાર લાંબાં પાનાં ભરી પોતાની માને લખેલા પત્રમાં આપ્યો છે. એ પત્ર અદ્ભુત જ કહેવો પડે. 

અમેરિકાના વિચારજગતમાં જેના નામનો ડંકો વાગતો હતો તે પ્રોફેસર રાઈટે સ્વામીજીનું હીર પારખી તેમને કહ્યું: ‘સ્વામી, આપની પાસે ધર્મપરિષદમાં પ્રવેશ માટે અધિકારપત્ર માગવો તે સૂર્ય પાસે પ્રકાશવાનો અધિકારપત્ર માગવા સમાન છે.’ પ્રો. રાઈટે શિકાગોની વિશ્વધર્મ પરિષદમાંના પોતાના મિત્ર અધિકારીઓને પત્ર લખી, સ્વામીજીને માટે એ પરિષદનાં દ્વાર ખોલી આપ્યાં અને શિકાગોની ટિકિટ પણ કપાવી આપી.

સને ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મીએ, સવારે ૧૦ વાગ્યે, પરિષદના અધ્યક્ષ કાર્ડિનલ ગિબન્સના નેતૃત્વ હેઠળ, વિવિધ પ્રતિનિધિઓના પ્રવેશને આનંદથી વધાવવાની સાથે એ પરિષદ આરંભાઈ. પ્રાર્થના પછી કાર્ડિનલે સ્વાગત-પ્રવચન આપ્યું અને ત્યારબાદ, કાર્ડિનલ સાથે પહેલી જ હારમાં બેઠેલા પૂર્વના ધર્મોના પ્રતિનિધિઓને, અગાઉથી જણાવ્યા પ્રમાણેના કાર્યક્રમ મુજબ પોતાનો અને પોતાના ધર્મનો પરિચય આપવા કહેવામાં આવ્યું. 

બ્રાહ્મસમાજના નેતા પ્રતાપ મજુમદાર, જૈન ધર્મના વીરચંદ ગાંધી, થિઓસોફીનાં શ્રીમતી એની બેસન્ટ વગેરે સૌ એક પછી એક ઊભાં થઈ પોતે લાંબા સમય પહેલાં તૈયાર કરેલું, એક કરતાં વધારે વાર મઠારેલું અને, કદાચ, એક કરતાં વધારે વાર બોલાયેલું – ‘રિહિઅર્સ’ કરેલું – પ્રવચન વાંચી ગયાં. સભાજનોએ રાબેતા મુજબ તાળીઓ પાડી.

કાર્યક્રમની કશી જ જાણકારી વગર અને દીકરી કુંવરબાઈનું મામેરું કરવા કશી જ તૈયારી વગર ગયેલા નરસિંહ મહેતાની માફક, સ્વામીજી પણ આટોપાટ જ ત્યાં ગયા હતા. પોતે થોડા ડઘાઈ ગયા પણ હશે એટલે, એમને બોલવાનું કહેવામાં આવતાં એમણે બેએક વાર બોલવાનું પાછું ઠેલવા વિનંતી કરી. પણ પછી, એની ઔપચારિકતા વગર જ એમનું નામ પોકારાયું અને સ્વામીજી બોલવા ઊભા થયા. એમની પ્રભાવશાળી દેહયષ્ટિ, એમનો આકર્ષક પોશાક, એમનાં વેધક નેત્રો – આ સઘળું આકર્ષક જ હતું. પરંતુ, ‘અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ’, એ સંબોધનની ઘંટડી સ્વામીજીએ વગાડી કે, સભાગૃહમાંના ચાર પાંચ હજાર શ્રોતાઓના એ આત્મીય સ્વજન બની ગયા. કાગળની ચબરખી વિનાના કશી પૂર્વતૈયારી વિનાના, પોતાના અંતરના તાર સાથે વણાયેલ એ શબ્દોના મોહક ઉચ્ચારણની સાંકળે સમગ્ર શ્રોતાવર્ગને બાંધી લીધો અને એ ખંડમાં તાળીઓનો ગડગડાટ બે મિનિટ ગાજી ઊઠયો. સ્વામીજીને નિકટથી નિરખવાને માટે પાછળ બેઠેલા શ્રોતાગણ આગળ ધસી આવ્યા. 

આ પ્રતિભાવથી સ્વામીજી પોતે પણ ડઘાઈ ગયા. પણ એમની અગ્નિસમી પાવન વાણીએ પછીના ટૂંકા પ્રવચનમાં કોઈ ધર્મની કે સંપ્રદાયની મહત્તા ન ગાઈ પણ, ધર્મ સંબંધી બધી માન્યતાઓના સ્વીકારની, અનાક્રમકતાની, વિવિધતા પાછળની એકતાની… જે વાત ચોટદાર રીતે પીરસી તેથી સમગ્ર શ્રોતાવર્ગ મુગ્ધ થઈ ગયો. પ્રવચનને અંતે એ વિશાળ ખંડ ફક્ત તાળીઓના જોરદાર અને પ્રલંબ નિનાદથી ગાજી ઊઠયો. સભાખંડે સ્વામીજીને વધાવી લીધા. અને વળતી સવારે પ્રગટ થતાં અમેરિકન અખબારોએ સ્વામીજીના પ્રવચનનાં ઓવારણાં લીધાં. એ પરિષદ ચાલી ત્યાં સુધીમાં, પરિષદમાં ભાગ લેવાની વિધિઓથી અજાણ, પરિષદને દ્વારેથી એકવાર કાઢી મૂકાયેલ, અકિંચન, સંન્યાસી જગદ્ગુરુને આસને બેસી ગયા. ગુરુની ભવિષ્યવાણી આમ, આટલે ગાળે ને આવી અદ્ભુત રીતે સાચી પડી.

Total Views: 183

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.