(ગતાંકથી આગળ)

૮.તત્ત્વમસિ

પેલું નાનકડું સૂત્ર, ‘તત્ ત્વમ્ અસિ – તે તું છે.’ છાન્દોગ્ય ઉપનિષદમાં આવે છે. પોતાના અસ્તિત્વની નિમ્નતમ કક્ષાએ રહેલા માનવને માટે તેમાં ગહન સત્યનો સંદેશ રહેલો છે. એ માણસને કહે છે કે તું આ નાનકડું જીવશાસ્ત્રીય તંત્ર નથી, આ ૧૫૦ કે ૨૦૦ પાઉન્ડનું નાનકડું શરીર નથી; તારા શારીરિક, ચેતાતંત્ર વિષયક અને મનોવૈજ્ઞાનિક પરિણામોને પેલે પાર તારામાં ગૂઢ દિવ્ય પરિમાણ રહેલું છે. માણસે તત્ત્વમસિના સત્યને સાકાર કરવાનું છે. એ સત્ય છે અને કોઈ અભિપ્રાયમાત્ર તંત્ર-જ્ઞાનથી નહીં. આ જ્ઞાનના પાયામાં વસ્તુ, નક્કર અસ્તિત્વ ધરાવતી હકીકત રહેલ છે; શંકરાચાર્યે બ્રહ્મસૂત્ર પરના પોતાના ભાષ્યમાં સમજાવેલ છે, તેવાં માનવીનાં પરિવર્તન પામતાં રહેતાં છે. મનોવલણો અને ઝુકાવો ઉપર તે આધારિત નથી. વેદાન્તની આ તાકાત છે અને તાકાત પૂરી પાડતી પ્રકૃતિ છે. આ વેદાન્ત ગ્રંથોમાં છુપાઈને પડ્યું હતું; અરણ્યો, મઠો, ગુફાઓ વગેરેમાં છુપાઈને પડ્યું હતું અને તેને રહસ્ય તરીકે રાખવામાં આવ્યું. હતું; અર્થાત્ કોઈક છૂપી વાત, ગુપ્ત વાત તરીકે. આ પરિસ્થિતિ હજારો વરસો સુધી ચાલુ રહી. પછી ઈસુની આઠમી સદીમાં મહાન શંકરાચાર્યનું આગમન થયું. તેમણે દશ કે બાર મુખ્ય ઉપનિષદો પર તેજસ્વી ભાષ્યો રચીને જ્ઞાન અને તાકાતના આ વિશાળ સંગ્રહને ખુલ્લો મૂકી દીધો. આ ભાષ્યોને લીધે વધારે ને વધારે લોકો તેનું વાચન કરી શક્યા અને તેમનો લાભ ઉઠાવી શક્યા. તે પછી પણ માત્ર ગણ્યાગાંઠ્યા લોકો જ તેમનો સ્પર્શ પામી શક્યા.

પરંતુ આજના વિસ્મયજનક યુગમાં દુનિયામાં મોટા ભાગનાં સામાન્ય માનવોને માટે આ મહાન તત્ત્વજ્ઞાન સુલભ બની રહ્યું છે. અને લોકોને જ્યારે તેની ખબર પડે છે ત્યારે તેમને માણસના સ્વાભાવગત મહિમા, શ્રેષ્ઠતા, લાયકાત અને તાકાતનો અનુભવ થાય છે. આ પ્રકારનો અનુભવ તેમને પૂર્વે કદી થયો હોતો નથી; તેઓ તેના તરફ ખેંચાય છે, અને પોતાના જીવનની પ્રયોગશાળામાં તેના સત્યનો પ્રયોગ કરવા માટે તેમને પ્રેરણા થવા માંડે છે. તેમને એવી લાગણી થાય છે કે માત્ર સ્નાયુઓનીં જ નહીં, પણ તેનાથી ય ઊંડે ઊંડે તેમની અંદર પડેલી ગુપ્ત શક્તિઓ વિષે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરવા જેવો છે. જ્યારે હું એમ કહું છુ કે ‘હું આ કરી શકીશ નહીં.’ ત્યારે હું ગમે તે સંજોગોમાં આ પ્રકારના નિર્ણય માટે મારા નાનકડા શરી૨ અને નબળા મન પર આધાર રાખતો હોઉં છું. જો મને માત્ર આટલી ખબર પડી જાય કે મારી અંદર ઊંડે ઊંડે શક્તિનો વિશાળ સ્રોત ગુપ્ત રીતે પડેલો છે, ત્યારે ‘હું આ નહીં કરી શકું’ એમ હું કદી કહીશ નહીં. તેથી આપણે ઉપર ઉલ્લેખ કર્યો છે, તે રીતે સ્વામી વિવેકાનંદ કહેતા કે બ્રહ્માંડની પણ પેલે પાર ભગવાન રહેલો છે, તે વાતનો ઈન્કાર કરે તે માણસ નાસ્તિક છે, એમ નહીં પણ જે માણસ એમ કહે છે કે ‘હું આ કરી શકીશ નહીં’, તે નાસ્તિક છે. અને આવા ભગવાનમાં પવિત્ર માન્યતા ધરાવતો માણસ આસ્તિક છે, એમ નહીં પણ જે માન્યતાને લીધે તમને ‘હું કરીશ’ એમ હિંમત-પૂર્વક કહેવા પ્રેરે તે સાચી આસ્તિકતા છે.

આવા હકારાત્મક અભિગમોને લીધે તમારી અંદર ચોવીસેય કલાક રહેલા ભગવાન વિષે તમે ખાતરીપૂર્વક કહી શકો છો અને એ અક્ષય ગંગોત્રીમાંથી નવી નવી શક્તિ મેળવી શકો છો. આધુનિક ભૌતિક શાસ્ત્રમાં જેમ બને છે કે અનન્ત કવૉન્ટમ ક્ષેત્રીય-ઊર્જામાંથી સાન્ત કવૉટન્મ અણુઓ મેળવી લેવાના હોય છે તેમ આ પ્રક્રિયા બને છે. વેદાન્ત તમારા કાનમાં અને મનમાં ઉપનિષદોના પેલા મંત્ર-તત્ત્વમસિ-નું સત્ય ફૂંકે છે, જેથી આપણામાંના દરેકની ભીતરમાં ગુપ્ત રહેલી અનન્ત સંભાવનાઓના ક્રમશઃ થતા વિકાસ રૂપ સમગ્ર જીવન બની રહે છે. આ મહાન કૂચમાં આપણે અટકીએ છીએ ક્યાં? સત્ય અને સિદ્ધિ પ્રત્યેની આ મહત્ત્વપૂર્ણ સફરમાં આપણે ગમે તે પડાવે અટકી જઈ શકીએ છીએ, પણ એ વિશ્રામ તો હોવો જોઈએ શ્વાસ લેવા માટે જ, રસ્તા પર સમય ગુમાવવા માટે કે શક્તિ ક્ષીણ કરવા માટે નહીં. બધી મંદતા કે જડતા નિવારવાની છે; જો શ્વાસ લેવા માટે જરૂરી હોય તો થોડાક સમય માટે વિસામો ખાઈ લો અને પછી તરત જ આપણે પર્વતારોહણ કરતી વખતે કરીએ છીએ તેમ ફરીથી આગેકૂચ શરૂ કરી દો. કઠોપનિષદ (૩.૧૪) એવો જ શંખનાદ કરે છે. ઉત્તિષ્ઠત! જાગ્રત! પ્રાપ્ય વરાન્ નિબોધત – ઊઠો, જાગો અને લક્ષ્યે ન પહોંચો ત્યાં સુધી અટકો નહીં. આધુનિક યુગના વેદાન્તના ઉપદેશકોમાંના સર્વશ્રેષ્ઠ સ્વામી વિવેકાનંદે આ મંત્રનું મુક્ત રીતે ભાષાન્તર કર્યું છે અને તેમના સમકાલીન અમેરિકન તત્ત્વજ્ઞ વિલિયમ જેમ્સે આ મંત્રની ખૂબ પ્રશંસા કરી છે.

૯. ગતિહીન પવિત્રતા વિરુદ્ધ ગતિશીલ આધ્યાત્મિક્તા

વેદાન્ત માનવજીવનને સત્ય અને સિદ્ધિ પ્રત્યેની લાંબી સફર તરીકે રજૂ કરે આપણા સૌની અંદર ગુપ્ત રીતે રહેલ સર્વોચ્ચ – અને સર્વશ્રેષ્ઠ તત્ત્વ તરફનું એ પ્રયાણ છે. શબ્દશઃ અનુવાદ કરીએ તો ઉપર્યુક્ત પંક્તિનો અર્થ થાય છે : ઊઠો, જાગો અને મહાન સંતો પાસે જઈને આત્મજ્ઞાન પ્રાપ્ત કરો. આ સત્ય તમારો જન્મસિદ્ધ અધિકાર છે; તમારે તે ઉછીનો માગવાનો અથવા તેની ભિક્ષા માગવાની નથી; તમારે તમારી પોતાની જાત માટે માત્ર તેનો સાક્ષાત્કાર કરવાનો છે.

તમારી આજીવિકા રળતાં રળતાં, તમારા પરિવારના ભરણપોષણ કરતાં કરતાં અને જીવનમાં તમે જે બધું કરતા હો, તમે જે પ્રકારનું જીવન જીવતા હો અને જે કામકાજ કરતા હો એના સંદર્ભમાં તમારે આ પ્રક્રિયા કરવાની છે. માણસની સત્ય અને સિદ્ધિ પ્રત્યેની આંતરિક મહાન સફર માટે આ બધું એક યોગ્ય બાહ્ય અધિષ્ઠાન કે ભૂમિકા બની શકે. વેદાન્ત કહે છે કે આ સાચી માનવની ઉત્ક્રાન્તિ છે. ભૂતકાળમાં ઉપનિષદોએ ગીતાએ અને બુદ્ધે અને શ્રી૨ામકૃષ્ણ તથા સ્વામી વિવેકાનંદે આજના યુગમાં પ્રબોધેલું આ ખડતલ તત્ત્વજ્ઞાન છે.

આપણા પોતાના દેશમાં પણ આપણામાંના ઘણા લોકોને સૈકાઓ સુધી આપણી ફિલસૂફી તથા ધર્મનાં આ વિસ્મયજનક અને બળવાન બનાવતાં સત્યોની, ખબર જ ન હતી. કૃપા કરીને તમે તમારી જાતને જ પૂછી લો કે તમે તમારા હિન્દુ ધર્મ વિષે શું જાણો છો? મોટે ભાગે પ્રમાણિકતાપૂર્વકનો જવાબ આ હશે : અમે મંદિરે જઈએ છીએ, ઘંટનાદ કરીએ છીએ, કેટલીક વિધિઓ કરીએ છીએ, હા એ વાત જુદી છે કે આખો વખત બોલબોલ ચાલુ જ હોય છે, થોડોક પ્રસાદ પવિત્ર નૈવેધ લઈએ છીએ અને પાછા ફરી છીએ! કેટલાક બૌદ્ધિકોનો સમાવેશ પણ એમાં થઈ જાય છે. તેઓ હૃષીકેશ જશે, પંડાને પાંચ રૂપિયા આપશે, ગાયનું પૂછડું આંખે અડાડશે અને આશા રાખશે કે એનાથી એમને સ્વર્ગ મળી જશે! ધર્મ વિષેની આવી સમજણ અને તેનું આવું અમલીકરણ આજે આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે? આવું આચરણ આધ્યાત્મિક તાકાત અને જીવનવિકાસમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? જો તમે મંદિરે જાઓ અને કંઈ વિધિવિધાન કરો તો એ તમે માનવજીવનની ઉત્ક્રાન્તિની માનવવિકાસની આધ્યાત્મિક વિકાસની યાત્રાના માર્ગપર ઓછામાં ઓછું એક ડગલું આગળ વધવાના આશયથી કરો. આ તંદુરસ્ત અને ગતિશીલ માર્ગે આપણે કદી આપણા ધાર્મિક જીવનને વિશુદ્ધ બનાવવાની કોશિશ જ કરી નથી. આપણે આપણા રોજના બિન-સાંપ્રદાયિક જીવન અને કાર્યને એ ઉચ્ચ લક્ષ્ય પ્રત્યે અભિમુખ કરવાની કોશિશ કરી નથી. આપણે ગતિહીન પવિત્રતાથી સંતુષ્ટ રહ્યા છીએ, મને એને માટે શબ્દ વાપરવો ગમે છે ‘પવિત્રતાની કોરવાળી સાંસારિકતા.’ જ્યારે આવું શુદ્ધિકરણ આપણા લોકોને માટે જીવનભરનું કામ બની રહે, જ્યારે આપણે વેદાન્તે પ્રદાન કરેલી ગતિહીન પવિત્રતાને સ્થાને ગતિશીલ આધ્યાત્મિકતાને અપનાવીએ, ત્યારે કેવી આધ્યાત્મિક તાકાત આપણામાં આવશે એનું ચિત્ર આપણે આપણા મન સમક્ષ ખડું કરી શકીએ છીએ; અલબત્ત આની આડપેદાશો તરીકે ચારિત્ર્યની દક્ષતા, પ્રેમ અને માનવીય જુસ્સો, સમર્પણભાવના અને સેવાભાવના પણ આવી મળશે જ. આપણા રાષ્ટ્રના માણસના મક્કમ વિકાસ અને વૃદ્ધિની આથી ખાતરી મળી રહેશે.

માનવ વ્યક્તિગત રીતે શારીરિક મર્યાદાઓ વાળો છે, પણ આધ્યાત્મિક રીતે તેને કોઈ મર્યાદાઓ નથી. કેવી સુંદર વિભાવના! શારીરિક રીતે આપણે બધા મર્યાદાથી બંધાયેલા છીએ; આ રીતે મર્યાદાથી બંધાયેલા હોવું એ સારું છે; ઉત્ક્રાન્તિની કક્ષામાં આપણે રાક્ષસી કદ ધરાવતા શરીરવાળા વર્ગનાં પ્રાણીઓમાં આવતાં નથી. ઊંચાઈ, વજન અને કદના આ મર્યાદિત માપની પસંદગી કુદરતે પોતાનાં આ અજોડ ઉત્પાદન મનુષ્ય માટે કરેલી છે. આ પસંદગી થઈ છે નાનાં નાનાં જંતુઓથી માંડીને રાક્ષસકાય ડાયનોસોરના પ્રયોગો કરી લીધા. પછી પણ મનુષ્યના આ નાનકડા તંત્રમાં કુદરતે ઘણાં બધાં રહસ્યો અને અનેકાનેક ખજાનાઓ ગુપ્ત રીતે મૂકી દીધાં છે. જેને લીધે માણસે આ આશ્ચર્યકારક અવકાશ યુગ ઊભો કર્યો છે, તે બૌદ્ધિક શક્તિ સિવાય પણ, વેદાન્ત કહે છે કે આપણામાંના દરેકમાં અનંત આત્મ તત્ત્વ ગુપ્ત રીતે રહેલું છે. લોકપ્રિય હિન્દી ભક્તિગીત ‘રામરતન મૈં ને પાયો’માં ઘોષણા કરવામાં આવી છે કે, મેં મારી અંદરથી રામરૂપી મહાન રત્ન મેળવ્યું છે. મનુષ્ય અને ભગવાનને લગતાં ઊંડાં આધ્યાત્મિક તથા તાત્ત્વિક સત્યો જેની પાછળ રહેલાં હોય તેવાં આ પ્રકારનાં ઘણાં સુંદર ધાર્મિક સૂક્તો અને ગીતો છે.

૧૦. પરાવિદ્યા અને અપરા વિદ્યા

આ દુનિયામાં આપણે બધા ઘણી બધી વસ્તુઓની શોધમાં છીએ. જ્યારે આપણો જન્મ થયો ત્યારે શિશુ તરીકે આપણે પ્રાણવાયુની શોધમાં હતા, એને પ્રાપ્ત કરવા માટે જ ફેફસાંએ પોતાની પ્રવૃત્તિ શરૂ કરી હતી. આપણી એ સૌથી પહેલી ખોજ હતી. જન્મતાંની સાથેની થોડીક સેકન્ડો દરમિયાન જો આપણને જરાક પણ પ્રાણવાયુ ન મળ્યો હોત તો આપણું મગજ જીવતું ન રહી શક્યું હોત અને સ્વસ્થ રીતે પોતાનું કામ ન કરી શક્યું. હોત. આવી શરૂઆતના કાળની જરાક કમીએ મગજને કાયમી નુકસાન પહોંચાડ્યું હોત. આપણી બીજી ખોજ પ્રવાહી અને કઠણ ખોરાક માટેની હતી. પછી રમતનો વારો આવ્યો, એમાં આસપાસની ચીજવસ્તુઓને આમતેમ મૂકવી, અને અંગોની મુક્ત હિલચાલનો સમાવેશ થઈ જાય છે. આ બધું બહારના પરિવેશનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કરવાનું હોય છે. પછી આવી અતિશય અગત્યની ખોજ-જ્ઞાન માટેની ખોજ. આ ખોજ આપણે શિક્ષણ દ્વારા કરવાની છે. જેના માટે સંસ્કૃતમાં અર્થપૂર્ણ શબ્દ ‘વિદ્યાર્થી’, વિદ્યા અથવા જ્ઞાનની ખોજ કરનાર છે, તેમાં આપણું રૂપાંતર કરવાનું છે. પછી આવી નોકરી માટેની ખોજ અને એની સાથે જોડાયેલ હતું આપણી જૈવિક આકાંક્ષાઓને સંતોષવા માટે પૈસા કમાવાનું કામ. પછી આવી વાત લગ્ન અને કુટુંબના ભરણપોષણની અને તેનાં સુખોપભોગોની અને નાગરિક તરીકે સામૂહિક સમાજજીવનમાં ભાગ લેવાની.

આ રીતે આપણે આપણું જીવન જીવ્યે જઈએ છીએ. આ બધા દરમિયાન કોઈક કટોકટીના કાળે આપણી એ ખોજ નવું પરિમાણ ધારણ કરે છે. એ ખોજ હોય છે, ઊંચેરા પરિમાણના જ્ઞાન માટેની, મારું સાચું સ્વરૂપ શું છે, તેના વિષેની ખોજ. આપણે વિદ્યાર્થી તરીકે ચાલુ રહીએ છીએ, પણ અર્થી, ખોજ કરનારો, વિદ્યાની અથવા જ્ઞાનના ઇન્દ્રિયોના વિષયોથી પર એવા પરિણામના, આને પરાવિદ્યા ઊંચેરી વિદ્યા કહેવામાં આવે છે અને પહેલાંની વિદ્યાને અપરા વિદ્યા, સામાન્ય વિદ્યા એવું નામ મુંડકોપનિષદે આપેલું છે. એ ઉપનિષદે પરાવિદ્યાની વ્યાખ્યા આપ. છે – યયા તદક્ષરં અધિગમ્યતે – ‘જેના દ્વારા અવિનાશી તત્ત્વનો સાક્ષાત્કાર થાય છે, તે.’ તે પછી અને તે પછી જ, જ્યારે આપણે પરાવિદ્યા પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે વેદાન્તની આ હાકલ ‘તત્ત્વમસિ’ની ઘેરી બોધકતાનું મહત્ત્વ સમજી શકીએ છીએ. એ વિદ્યા અભિવ્યક્ત થયેલી હોય છે. વિવિધ ભક્તિ સ્વરૂપો અને જ્ઞાન દ્વારા. દા.ત. આપણે એક જ અંતર્યામી ઈશ્વરના ભક્તો છીએ, અમૃતના પુત્રો છીએ. અમૃતસ્ય પુત્રા, આપણે સદા મુક્ત આત્મા છીએ.

હજી સુધી એ તબક્કા પર્યંત આપણે આ સત્યને પૂરેપૂરું સમજી શક્યા નથી. પણ આપણને એની જાણ થઈ જાય છે. અને આપણે તેનાથી લલચાઈ પણ જઈએ છીએ; અને આપણા જીવનમાં બીજી દરેક વસ્તુ આપણી અંદર છુપાઈને રહેલા અને આપણને ઈશારો કરીને બોલાવી રહેલા આ મહાન સત્યની મૂળભૂત ખોજની હરોળમાં બેસી જાય છે. એના સંદર્ભમાં અને એના પ્રકાશમાં જીવનની બીજી દરેક વસ્તુ અને આપણાં બધાં કાર્યો જે શેકસપીયરના શબ્દોમાં કહીએ તો મૂર્ખાએ કહેલી વાર્તા જેવાં આભાસરૂપ અને અર્થહીન બની જવા લાગ્યાં હતાં, તેમને એક નવી અર્થપૂર્ણતા અને મહત્ત્વ મળી જાય છે. આને શ્રીમદ્ ભાગવતે પોતાના આરંભના ભવ્ય શ્લોકમાં વ્યક્ત કરેલ છે – યસ્મિન્… ગોસ્વામી તુલસીદાસજી અને શ્રીરામકૃષ્ણ સુંદર રીતે કહેતા કે, ‘જ્યારે એકનો આંકડો પહેલાં મુકવામાં આવે છે, ત્યારે શૂન્યનું મૂલ્ય અને મહત્ત્વ વધી જાય છે.’

વેદાન્ત કહે છે કે જીવન એ સિદ્ધિ તરફની સફર છે. એ બેવડી સફર છે – બે પાસાંવાળી – ઉપર વિર્ણત અપરાવિદ્યા અને પરાવિદ્યાવાળી. અપરા દ્વારા બહારની દુનિયામાં સફર કરવાની છે અને બીજી પરાવિદ્યા આંતરિક જગતમાં રાફર કરવા માટે છે. પણ આપણે એ ન ભૂલીએ કે એ પેલી બહારની સફરના સંદર્ભમાં કરવાની છે. બીજી સફર એ માત્ર આલંકારિક ભાષામાં જ સફર છે. આનું કારણ એ છે કે એણે ભેદવાનું છે આંતરિક રીતે – જ્ઞાનમાં અને સાક્ષાત્કારમાં, વ્યક્તિના અસ્તિત્વના કેન્દ્રમાં, એ કાંઈ બાહ્ય સફરની જેમ સમય અને અવકાશમાં જવાનું નથી. આ હકીકતના પ્રકાશમાં સમજીએ તો સમગ્ર જીવન એક મહાન સાહસ બની રહે છે, આ સાહસ હિમાલય ૫૨ આરોહણ કરવા જેવું છે. તેમાં જે ભવ્યતા અને સુંદરતા અને આનંદની અનુભૂતિ થાય છે, તે સ્થૂળ ક્રિયાથી લાગતાં થાક અને તાણના વળતરના પ્રમાણમાં માંગણી વધારે હોય છે.

૧૧. ‘સંસારમાં જીવો, પણ સંસારને તમારામાં જીવવા ન દો.’

ભૂતકાળમાં કેટલીક સદીઓથી આપણને માનવજીવનના ભાવિ વિષેનો આ પ્રકારનો ઉપદેશ કદી આપવામાં આવ્યો ન હતો. આ કરો અને આ ન કરો એવી આશાઓના પોટલા તરીકે ધર્મને આપણી સમક્ષ રજૂ કરવામાં આવતો હતો. એમાં ઘણાં બધાં બિહામણાં નિયંત્રણો અને આકર્ષણ, મરણોત્તર લાલચોનો સમાવેશ થતો હતો. આપણે ઊંચા વધારે ઊંચાં અને સૌથી ઊંચાં શિખરો સુધી પહોંચી શકીએ છીએ, આ વિચાર પર ભાર મૂકવામાં જ આવ્યો ન હતો. આપણે માનસિક અને નૈતિક તાકાત પ્રાપ્ત કરી શકીએ છીએ, નૈતિક જાગ્રતતા અને માનવ સાથે લાગતું વળગતું હોવાનો નાતો, કાર્યદક્ષતા અને ચારિત્ર્ય દક્ષતા, અને અડગ આધ્યાત્મિક વિકાસ અને નિખાર દ્વારા જીવનના આનંદની વધારેમાં વધારે માત્રાના આનંદની અનુભૂતિ – આ બધું જ આપણે આ જ જીવનમાં સમજશક્તિ દ્વારા અને ગીતાના – બુદ્ધિયોગનું તત્ત્વજ્ઞાન લાગુ પાડીને પ્રાપ્ત કરી શકીએ છીએ, એનો વિચાર જ આપણા મોટા ભાગના લોકોને આવ્યો ન હતો.

પણ આજે સ્વામી વિવેકાનંદે ઉપદેશેલું વેદાન્ત આપણા માનસને આ દિશામાં જ ઉજાગર કરે છે. આ જ જીવનમાં, આ જ દુનિયામાં, આપણે સર્વોચ્ચ તત્ત્વનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ – આમ ઉપનિષદો કહે છે, ગીતા પણ એમ જ કહે છે અને ભગવાન બુદ્ધ પણ ફરી ફરીને આ જ વાત કરે છે. આ જ જીવનમાં, કેમ કે સર્વોચ્ચ તત્ત્વ આપણી અંદર જ છે; માત્ર આપણે તેને પ્રકટ કરવાનું છે. માનવનું સમગ્ર શિક્ષણ, બિનસાંપ્રદાયિક જેટલું જ સાંપ્રદાયિક પણ, એને સમજાવવાની વેદાન્તની પદ્ધતિ એ છે. એ પ્રકટીકરણની નિરંતર પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને આપણે બાળકમાં રહેલી એકધારી રીતે પ્રકટ થતી, બહાર આવતી અને અભિવ્યક્ત થતી આંતરિક શક્તિઓ સાથે સરખાવી શકીએ. આનાં સાધન છે પરા અને અપરા વિદ્યા વિદ્યા, જ્ઞાન અને વિદ્યાર્થી, જ્ઞાનની ખોજ કરનાર, અર્થાત્ અભ્યાસી; બંનેની કેવી સર્વગ્રાહી અને સુંદર વિભાવના છે.

જન્મતી વખતે માણસનું શરીરતંત્ર બહુ નાજુક, નબળું અને અશક્ત હોય છે. જરાક વધારે ગરમી કે ઠંડી નવજાત બાળકના શરીરનો નાશ કરી દે છે. પણ ધીમે ધીમે તેની અંદરની શક્તિઓ વિકસવા લાગે છે. સૌથી પહેલાં સ્નાયુઓનું બળ આવે છે, પછી નાડીઓનું બળ આવે છે અને તેની પાછળ પાછળ આવે છે મનોબળ; તેને ભાખોડિયાભેર ચાલવાની, બેસવાની અને દોડવાની અને ઓલિમ્પિક ચેમ્પિયન બનવાની અથવા અભ્યાસ ક૨વાની અને સંશોધનો કરવાની અને નોબેલ પુરસ્કાર વિજેતા વિજ્ઞાની બનવાની શક્તિ મળે છે. પ્રત્યેક તબક્કે તેને સુખ અને સિદ્ધિના નવા નવા અનુભવો થતા રહે છે. જેમ જેમ તેના મનની શક્તિઓ તેના શરીરની શક્તિઓ સાથે અડગ રીતે વિકાસ પામતી જાય છે, તેમ તેમ તેના સુખ અને સિદ્ધિના તેને નવતર અને વધારે મોટા અનુભવો થવા લાગે છે. જ્યારે તે કક્કાનો પ્રથમ અક્ષર બોલતાં શીખે છે, ત્યારે તેના આનંદની આપણે નોંધ લઈ શકીએ છીએ. આ રીતે આપણે બાળકને તેની અંદર રહેલી વિપુલ ગુપ્ત શક્તિઓનો મક્કમ વિકાસ સાધતું જોઈ શકીએ છીએ. તેમને આપણે રાજદ્વારીઓ, વિજ્ઞાનીઓ, કલાકારો, માનવજાતિના સેવકો, સાધુસંતો અને દિવ્ય અવતારો થતા પણ જોઈ શકીએ છીએ. આ બધી જ શક્યતાઓ બાળકમાં પડી જ હતી અને તે વિકસી ઊઠી. આ બધી વિકાસ એ જ શિક્ષણ છે. તેની સાથે માનવીય ખિલાવટ, વિકાસ અને સિદ્ધિઓની પ્રક્રિયાનાં શરૂઆતનાં અને પાછળથી ઉદ્‌ભવેલાં બિનસાંપ્રદાયિક અને ધાર્મિક પરિમાણો રહેલાં હોય છે. આ બન્નેની વચ્ચે કોઈ ખાઈ કે ભેદ નથી; આમાં અપવાદ છે થાકેલા મનવાળાં નરનારી જે કરે તે કેટલાક પહેલા પરિમાણ આગળ જ અટકી જાય અને ઇન્દ્રિયોની કક્ષાએ જ સ્થગિત થઈ બેસી જાય; ઇન્દ્રિયોની કક્ષાએ આવતી આ સ્થગિતતાને સંસાર, કે દુનિયાદારી કહેવામાં આવે છે; અને જે મનુષ્ય આ સ્થગિતતા ઊભી કરે છે એને સંસારી દુનિયાદારીમાં ડૂબેલી વ્યક્તિ કહેવામાં આવે છે.

બીજા કેટલાક હિંમત કરીને આ કૂચ અને આરોહણ ચાલુ રાખે છે અને આ રીતે સંસારી થતા અટકે છે, જો કે તેઓ સંસાર કે દુનિયામાં રહેતા હોય છે. શ્રીરામકૃષ્ણના પ્રબોધક શબ્દોમાં કહીએ તો :

સંસારમાં રહેવું અને સંસારી બની રહેવું એ એક જ નથી; સંસારમાં રહો; તેમાં કોઈ નુકસાન નથી; પણ સંસારને અર્થાત્ દુનિયાદારીને તમારામાં રહેવા ન દો.

તમારી અંદર દુનિયાદારી પેસી જશે તો એ પ્રક્રિયા તમારા ઇન્દ્રિયોથી ટેવાઈ ગયેલા અને મર્યાદિત અહંકારથી ૫૨ એવા ભાવિ વિકાસને જકડી રાખશે, અને તમને સ્વાર્થ, દુષ્ટતા, શોષણ અને હિંસાના ભાર તળે સ્થગિત, સર્જનશક્તિરહિત બનાવી દેશે. હોડી પાણી ઉ૫૨ ૨હેશે; હોડી માટે એ જ સાચી જગ્યા છે. પણ પાણીને હોડીમાં પેસવા ન દેવું જોઈએ; પાણી માટે એ ખોટી જગ્યા છે; કારણ કે તેથી હોડી સ્થગિત થઈ જશે અને તેણે જે હેતુ સારવાનો છે, તેને માટે તે અયોગ્ય બની રહેશે.

૧૨. સત્યની ખોજ પર્વતારોહણ કરવા જેવી છે

વિકાસ સાધવો કે સ્થગિત થઈ જવું, સર્જનાત્મક બનવું સ્થગિત થઈ જવું એ પ્રત્યેક વ્યક્તિની પસંદગી પર છોડી દેવામાં આવ્યું છે. દા.ત. પર્વતારોહકોમાં કેટલાકને નાનાં નાનાં શિખરો સુધી પહોંચવાથી સંતોષ થઈ જાય છે, જ્યારે કેટલાક વધારે ઊંચાં શિખરે આરોહણ કરવાની હિંમત કરે છે, અને બહુ જ ઓછા એવરેસ્ટ પર પણ આરોહણ કરે છે. હિંમત કરવાવાળા માણસ માટે, શું પર્વતારોહણમાં કે શું સત્યની ખોજના સાહસમાં જે શિખર પર માણસો ન પહોંચ્યાં હોય એ શિખર પડકારરૂપ જ છે. સ્વાધીન, તાજામાજા અને વીરતાયુક્ત માનવ આત્માનો એ માર્ગ છે. દરેક માનવને વેદાન્ત કૂચ કરવા હાકલ કરે છે, સ્થગિત થઈ જવા માટે નહીં. માનવવિકાસનાં મહાન શિખરો ૫૨ જય મેળવવાનો છે અને આવું જીતી લેવામાં આવેલું શિખર તમારી ઊર્જાનાં સંસાધનોમાં વૃદ્ધિ કરે છે, તમારા જીવનમાં વધારે મહાન અને વધારે તાજામાજા આનંદો અને હર્ષોનું પ્રદાન કરે છે. સ્વામી વિવેકાનંદે આ જ પ્રકાશમાં આજે આખા વેદાન્તને પ્રસ્તુત કર્યું છે. વેદાન્તના આશીર્વાદને કારખાનાંના મજૂરી, કિસાનો, ગૃહિણીઓ અને નાનાં નાનાં બાળકોની કક્ષા સુધી લાવી દેનારા ઉપદેશક તરીકે દાયકાઓ પછી તેમને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવામાં આવશે. આ રીતે વેદાન્તના કાર્યક્ષેત્રને અનન્ત રીતે વિશાળ બનાવી દેવામાં આવેલું છે.

આ પ્રકારનો ઉપદેશ આપણને નવી તાજગી અને હિંમતભર્યો દૃષ્ટિકોણ પ્રદાન ક૨શે. એ દૃષ્ટિકોણ આધ્યાત્મિક બની જવાની ભીતિને તડીપાર કરી દેશે; ધાર્મિક બનવાની એલર્જીનો નાશ કરી દેશે, ‘હું ભગવાનનો ભક્ત ઉપાસક છું’ એવી કબૂલાત કરતાં માણસને જે શરમ લાગે છે તેને દૂર હટાવી દેશે – ખાસ કરીને આજના બૌદ્ધિકોમાં આ પ્રકારની ભીતિ અને એલર્જી અને શરમ બહુ સામાન્ય છે. આ પ્રક્રિયા સાધી શકાય પછી નાસ્તિકતા જેવી કોઈ વસ્તુ રહેશે નહીં, કારણ કે આ ઉપદેશ આકાશમાંના કોઈ દેવ વિષે કે મૃત્યુ પછી મળનારા મોક્ષ માટે નથી; એ તો છે પોતાની જ અંદર રહેલી દિવ્યતાને પ્રકટ કરવા મથતાં માનવો માટે. કઠઉપનિષદમાં કહેવામાં આવ્યું છે

એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢો આત્મા ન પ્રકાશતે;
દશ્યર્ત ત્વયયા બુદ્ધયા સૂક્ષ્મયાસૂક્ષ્મદર્શિભિઃ।

– આ આત્મા દરેક પ્રાણીમાં મોજૂદ છે, પણ ગુપ્ત છે. તેથી પોતાની જાતને પ્રકટ કરતો નથી; તેનો સાક્ષાત્કાર એકાગ્ર બુદ્ધિથી કરી શકાય. અર્થાત્ સૂક્ષ્મ વસ્તુને સમજવા માટે જે લોકોએ પોતાની બુદ્ધિને તાલીમ આપી હોય એવા લોકો દ્વારા,

એ માણસના આત્માના અંદરના દૂર દૂરના ભાગમાં છુપાઈને પડેલ છે; પણ માણસ તેને શોધી કાઢી શકે છે, તેને પ્રકટ કરી શકે છે. જ્યારે આપણી બુદ્ધિ કે વિચારશક્તિ વધારે અને વધારે સૂક્ષ્મ સત્યોને સતત હાથ ધરવાની બાબતમાં સતત તાલીમને લીધે તીક્ષ્ણ થતી જાય છે, ત્યારે તે સૌથી સૂક્ષ્મ સત્ય આત્માનો સાક્ષાત્કાર કરવાની ક્ષમતા વિકસાવતી જાય છે. આ આત્મા ચિત્-શક્તિનું અથવા ચૈતન્યનું અનન્ત ક્ષેત્ર છે અને તે મનુષ્ય અને વિશ્વની પાછળ રહેલું છે અને આ જ તો છે અનુભૂતિના એવરેસ્ટ પર્વત પરનું આરોહણ અને વેદાન્તના ઉપદેશકો આવા પ્રત્યેક આરોહકોને કહે છે : ‘તમને ભગવદ્- ગતિ મળી રહો.’ મુંડક ઉપનિષદના શબ્દોમાં કહીએ તો,

સ્વસ્તિ વઃ પારાય તમસઃ પરસ્તાત્‌ – (૨.૨.૬)

(અજ્ઞાનના) અંધકારના સમુદ્રને પાર કરી જવા માટે તમારા પ્રયત્નને શ્રેયનો વેગ મળી રહો.

૧૩. જ્ઞાનની ખોજની તુલના દીવાસળી પેટાવવાની ક્રિયા સાથે

જ્યારે હું આ વિષય પર ઓસ્ટ્રેલિયામાં બોલ્યો ત્યારે શ્રીરામકૃષ્ણે આ વાતને એક દાખલો આપીને સમજાવી છે, તેનો મેં ઉલ્લેખ કર્યો હતો. આપણી અંદર છુપાયેલા ઈશ્વરના સત્યને તેમણે દીવાસળીમાં રહેલા છુપા અગ્નિ સાથે સરખાવ્યું હતું. અજ્ઞાન માણસ આ ઉપદેશ વિરુદ્ધ વાંધો ઉઠાવે છે. એ કહે છે કે મને મારી અંદર કે બહાર કોઈ ભગવાનનું દર્શન થતું નથી. દીવાસળીમાં અગ્નિની હાજરીની બાબતમાં કોઈ બાળક કહે, બરાબર એવી જ આ વાત છે. તમારા બાળકને દીવાસળીની પેટી લઈ આવવા કહો. તેમાંથી એક સળી કાઢો અને તેને કહો કે તે સળીમાં અગ્નિ રહેલો છે. તેને સ્પર્શ કરીને અને તેને ઠંડી જોઈને એ જોરદાર રીતે કહેશે કે એ સળીમાં અગ્નિ નથી. છતાંય તમે કહો કે એ સળીમાં અગ્નિ છે જ. બરાબર એ જ રીતે ઉપનિષદ આત્મવિશ્વાસપૂર્વક કહે છે, આપણા દરેકમાં આત્મા રહેલો છે, પણ એ છુપાયેલો છે, એ આપણી ઇન્દ્રિયોની પહોંચની બહાર છે. તમે તમારા બાળકને કહી શકો છો કે અગ્નિ દરેક વસ્તુમાં રહેલો છે; પણ દીવાસળીમાં તો એ ખાસ કરીને હાજર છે જ. આનું કારણ એ છે કે તમે નક્કી થયેલું પ્રમાણભૂત સત્ય રજૂ કરી રહ્યા છો, દીવાસળીમાં જે રીતે અગ્નિ છુપાઈને રહેલો છે, તે જ રીતે આત્મા આપણા સૌમાં છુપી રીતે રહેલો છે. જો બાળક કે બાલિકા વિરોધ કરે કે તેને દીવાસળીમાં અગ્નિ છે એમ જોવામાં આવતું નથી કે અનુભવતો નથી, તો તમે બાળકને ભારપૂર્વક કહી શકો છો કે તેમાં અગ્નિની હાજરી છે, માત્ર તારી ઇન્દ્રિયોને એ જોવામાં આવતો નથી. પણ જો તમે તે દીવાસળીને પેટીની એક બાજુઓ ધસો તો અગ્નિ પ્રકટ થશે. તમારી ઇન્દ્રિયો પણ તેનો અનુભવ કરી શકશે. પછી બાળક દીવાસળી થસે છે અને અગ્નિ પ્રકટ થાય છે. બાળકને આથી ખૂબ આનંદ થાય છે અને તે સત્ય શીખે છે કે અગ્નિ તો તેમાં કે દિ’નો હતો જ, પણ તે ગૂઢ હતો, છુપો હતો અને તેથી ‘ન પ્રકાશતે’, પ્રકાશતો (કે પ્રકટ) ન હતો, હવે તેને જોઈ શકાય છે, પ્રકટ કરી શકાય છે.

એ વિચાર સુંદર છે; દીવાસળી ઘસો અને તેમાં કાયમ રહેલો અગ્નિ, બહાર આવે છે. એ જ રીતે બિનસાંપ્રદાયિક કે આધ્યાત્મિક સમગ્ર શિક્ષણની પ્રક્રિયા એ જ રીતની છે કે બાળકની અંદર રહેલા જ્ઞાનાગ્નિને પ્રકટાવો. શું આજે તમે જોતા નથી કે આપણા સામાન્ય લોકો આપણાં ગામડાંના (૨.૨.૬) લોકોને સૈકાઓ સુધી શિક્ષણ મળ્યું ન હતું. તેમને પોતાની સહજ શક્તિનું કશું ભાન ન હતું, તેમને પોતાનાં સહજ શક્તિસંસાધનો વિશે જાણકારી ન હતી, અને તેથી તેઓ સાવ લાચાર બની રહેતા હતા. પણ આવા લોકો ય જ્યારે શાળામાં જવા માંડે છે અને જરાક પણ સાદું સીધું શિક્ષણ મેળવે છે, પ્રારંભિક શિક્ષણ મેળવે છે, ત્યારે તેમનામાં કેવું મોટું પરિવર્તન શરૂ થઈ જાય છે? તેમનામાં કેટલો આત્મવિશ્વાસ, કેવું મનોબળ, બાહ્ય પરિવેશ પર તેમની કેવી આત્મવિશ્વાસથી છલકતી પકડ ધીમે ધીમે આવવી શરૂ થઈ જાય છે! આનું કારણ એ છે કે શિક્ષણ દ્વારા તેમન ગુપ્ત શક્તિઓ નિરખવા માંડે છે!

આ દીવાસળી પેટાવવી કે પ્રકટાવવી, આપણું શાળાનું શિક્ષણ અને આપણું દરરોજનું જીવન અને કાર્યો કરવાની પ્રક્રિયાઓ – આ બધામાં શિક્ષણ રહેલું છે, રહેલું છે એમ આપણે સમજવાનું છે. આ બધાનું જીવનને લગતી પર્યાપ્ત ફિલસૂફીની મદદથી આપણે શિક્ષણમાં રૂપાન્તર કરવાનું છે. આ રીતે આપણે જીવનના વધારે ભારે વજનવાળા ભારને ઉપાડવાના નવા પડકારોને નૈસર્ગિક રીતે, સ્વયંભૂ રીતે અને આનંદપૂર્વક ઝીલી લેવા માટે સક્ષમ બનીએ છીએ. આની સાથે આવું શિક્ષણ અને તેની આડપેદાશ તરીકેના અડગ આધ્યાત્મિક વિકાસની સાથે સાથે વધતાં જતાં ઊર્જા સંસાધનોની તાકાત પણ કામે લાગેલી હોય છે, તેની આપણને પ્રાપ્તિ થતી હોય છે.

પરંતુ માણસમાં રહેલી સહજ દિવ્યતા અને દીવાસળીમાં રહેલા સહજ અગ્નિના સંદર્ભમાં આપણે અગત્યના બીજા એક સત્યની નોંધ લેવાની શ્રીરામકૃષ્ણ આપણને ચેતવણી આપે છે. તે બીજું સત્ય એ છે કે બાળક સમક્ષ સત્યનું સફળ નિર્દેશન કરવા માટે દીવાસળી સૂકી હોવી જોઈએ, ભેજવાળી નહીં. જો તમારું બાળક ભેજવાળી દીવાસળી લાવશે અને તેને ઘસતાં જો ખબર પડી જાય કે એમાંથી અગ્નિ પ્રકટ થતો નથી તો એ તમને સખત શબ્દોમાં જવાબ આપશે કે તમે કહેલું માની લેનારા અને ખોટા છો અને પોતે માને છે કે દીવાસળીમાં અગ્નિ નથી એ એનો ઇન્દ્રિયવિષયક અનુભવ સાચો છે. દીવાસળીમાં અગ્નિ રહેલો છે, એ સત્યનું નિદર્શન કરવું હોય તો તમારે બાળકને એક સત્ય ગ્રહણ કરાવવું જ પડશે કે એની શરત એ સંતોષવી જરૂરી છે કે દીવાસળી સૂકી હોવી જોઈએ અન્યથા પરિસ્થિતિ એ ઊભી થશે કે એ સત્યની કસોટી કર્યા વિના તમે એ દીવાસળીને કે એવી દીવાસળીની આખી પેટીને નકામી વેડફી નાખશો.

એનો અર્થ એ નથી કે તેમાં અગ્નિ નથી હોતો, માત્ર ધ્યાનમાં એ રાખવાનું છે કે કેટલીક જરૂરી શરતો સંતોષાયેલી ન હતી. એ જ રીતે મનુષ્યની અંદર કાયમ માટે મોજૂદ એવા આત્માના પ્રકાશ અને અગ્નિને કેટલીક શરતો સંતોષાય તો જ પ્રકટ કરી શકાય છે આધ્યાત્મિકતાના વિજ્ઞાનમાં આ બધી શરતો એક જ, માત્ર એક જ, મૂલ્યમાં એકત્ર થયેલી છે, એ શબ્દ છે હૃદયની શુદ્ધિ. ઈસુનું વચન છે – ‘શુદ્ધ હૃદયવાળા લોકો ધન્ય છે, કેમ કે તેમને ભગવાનનું દર્શન થશે.’ નિમ્નલિખિત મહામંત્રમાં મુંડકઉપનિષદ આ સત્યને વ્યક્ત કરે છે.

સત્યેન લભ્યસ્તપસા હ્યેષ આત્મા
સમ્યજ્ઞાનેન બ્રહ્મચર્યણ નિત્યમ્;
અન્તઃશરીરે જ્યોતિર્મયો હિ શુભ્રો
યં પત્તિ યતયઃ ક્ષીણદોષાઃ (૩.૧૮૫)

– આ આત્માની સંપ્રાપ્તિ સત્યની અવિરત ખોજ અને એને જીવનમાં ઉતારવાથી, આત્મશિસ્ત, સમ્યક્‌જ્ઞાન અને બ્રહ્મચર્ય અથવા આત્મ-સંયમ દ્વારા થાય છે; વિશુદ્ધ હૃદયના અને સર્વદોષમુક્ત આધ્યાત્મિક સાધકો જ્યોર્તિમય અને વિશુદ્ધ આત્માનો સાક્ષાત્કાર પોતાના દેહમાં જ કરી શકે છે.’ (ક્રમશ)

અનુવાદક : ચંદુભાઈ ઠકરાલ

Total Views: 307

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.