કોલકાતા જ્યુબિલી આર્ટ અકાદમીના સંસ્થાપક તેમજ ત્યાંના અધ્યાપક શ્રી રણદાપ્રસાદ દાસગુપ્તાની સાથે શિષ્ય આજે મઠમાં આવ્યો છે. રણદાબાબુ નિષ્ણાત કલાકાર, પ્રખર વિદ્વાન અને સ્વામીજીના પ્રશંસક છે. શિષ્ટાચાર પછી જુદા જુદા વિષયો ઉપર સ્વામીજી રણદાબાબુ સાથે વાતચીત કરવા લાગ્યા.
સ્વામીજી : દુનિયાના લગભગ દરેક પ્રગતિશીલ દેશોની કલાનું સૌંદર્ય જોવાની તક મને મળેલી. પણ બૌદ્ધોના સમયમાં આપણા દેશમાં કલાનો જે વિકાસ થયો હતો તેવું મેં ક્યાંય જોયું નહિ. મોગલ શહેનશાહોના અમલ દરમિયાન પણ કલાનો નોંધપાત્ર વિકાસ થયો હતો; તાજ અને જુમ્મા મસ્જિદ એ સંસ્કૃતિનાં ચિરંજીવ સ્મૃતિચિહ્નો છે.
માણસ જે કાંઈ સર્જન કરે તેમાં તેના કોઈ ભાવની અભિવ્યક્તિ થતી હોય છે; આ જ કલાનું મૂળ છે. જ્યાં ભાવની અભિવ્યક્તિ નથી, ત્યાં ગમે તેટલા રંગોનો દેખાવ હોય તોપણ તેને ખરી કલા કહેવાય નહિ. રોજબરોજના ઉપયોગની ચીજો જેવી કે પાણીનાં વાસણો અથવા પ્યાલારકાબીઓ પણ એવી રીતે બનાવવાં જોઈએ કે જેથી કોઈ ભાવની અભિવ્યક્તિ થાય. પેરિસના પ્રદર્શનમાં આરસ ઉપર કોતરેલી અદ્ભુત આકૃતિ મેં જોયેલી. તે આકૃતિને સમજાવવા માટે તેની નીચે આ શબ્દો કોતરવામાં આવ્યા હતા : ‘પ્રકૃતિનો ઘૂંઘટ ઉઘાડતી કલા.’ એટલે કે કલા પોતાના હાથ વડે જ પ્રકૃતિનો ઘૂંઘટ ખોલી નાખી તેમાં રહેલી રમણીયતા નિહાળે છે. આ કૃતિની યોજના એવી હતી કે પ્રકૃતિનું સૌંદર્ય હજુ પૂરેપૂરું પ્રગટ થયું નથી એમ સૂચવાય. પરંતુ જે કાંઈ સૌંદર્ય પ્રગટ થયું હતું, તેનાથી જ કલાકાર જાણે મંત્રમુગ્ધ બની ગયો હતો. આવો અદ્ભુત ભાવ વ્યક્ત કરવા જે કલાકારે પ્રયાસ કર્યો છે તેની પ્રશંસા કર્યા સિવાય રહેવાય નહિ. તમારે પણ આવી કાંઈક મૌલિક વસ્તુના સર્જનનો પ્રયાસ કરવો જોઈએ.
રણદાબાબુ : હા જી, મારો વિચાર પણ અવકાશે કોઈક મૌલિક કૃતિ બનાવવાનો છે. પણ આ દેશમાં મને કંઈ ઉત્તેજન મળતું નથી. આ ગરીબ દેશ છે અને એમાં ગુણગ્રાહિતાનો અભાવ છે.
સ્વામીજી : જો તમે ખરા અંત :કરણથી એક સારી કૃતિ સર્જાે, જો તમે કલામાં એક જ ભાવને સાચી રીતે વ્યક્ત કરી શકો, તો સમય જતાં જરૂર તે પ્રશંસા મેળવશે. આ દુનિયામાં સાચી વસ્તુ કદી પ્રશંસા પામ્યા વિના રહેતી નથી. મેં એમ પણ સાંભળ્યું છે કે કેટલાક કલાકારોની કદર તેમના મૃત્યુ પછી એક હજાર વર્ષે પણ થઈ છે.
રણદાબાબુ : તે ખરું છે. પણ અમે એવા નકામા થઈ ગયા છીએ કે નિરર્થક વિશેષ શક્તિનો વ્યય કરવાની અમારામાં હિંમત નથી. આ પાંચ વર્ષના પરિશ્રમ પછી હું કંઈક સફળ થયો છું; મારા પ્રયાસો વ્યર્થ ન જાય તેવો મને આશીર્વાદ આપો.
સ્વામીજી : જો તમે ખંતથી કામ કરવા લાગી જશો તો તમે જરૂર સફળ થશો. જે કોઈ પૂરેપૂરા દિલથી કોઈ પણ વસ્તુ ઉપર મંડી પડે છે, તેને તેમાં માત્ર સફળતા મળે છે એટલું જ નહિ, પણ તેમાં મગ્ન રહેવાથી તે પરમ સત્ય-સ્વરૂપ બ્રહ્મને પણ પામે છે. જે પૂરા દિલથી કોઈ કામ કરે છે, તેને ઈશ્વરની મદદ મળે છે.
રણદાબાબુ : પશ્ચિમની કલા અને ભારતની કલા વચ્ચે આપને શો તફાવત લાગ્યો ?
સ્વામીજી : કલા બધેય લગભગ એકસરખી છે. મૌલિકતા ભાગ્યે જ જોવા મળે છે. તે દેશોમાં જુદી જુદી વસ્તુઓની છબી-ફોટો પાડી લઈ તેની સહાયથી ચિત્રો ચીતરવામાં આવે છે. પણ જ્યારે કોઈ કલાકાર યંત્રની સહાય લે છે કે તરત તેમાંથી મૌલિકતા અદૃશ્ય થઈ જાય છે; મનુષ્ય પોતાના ભાવોને વ્યક્ત કરી શકતો નથી.
પ્રાચીન કલાકારો પોતાના મગજમાંથી મૌલિક ભાવો ઉત્પન્ન કરતા અને પોતાનાં ચિત્રોમાં તેને પ્રકટ કરવા પ્રયાસ કરતા. હવે ચિત્ર માત્ર છબી જેવું જ – ફોટોગ્રાફ રહેવાથી મૌલિકતા તથા તેનો વિકાસ કરવાની શક્તિ ઓછી થતી જાય છે. પણ દરેક પ્રજાને પોતાની આગવી ખાસિયત હોય છે. આ ખાસિયતો તેના રીતરિવાજોમાં, તેની રહેણીકરણીમાં, તેની ચિત્રકલામાં અને તેના સ્થાપત્યમાં પ્રગટ થતી દેખાય છે.
દાખલા તરીકે પશ્ચિમમાં સંગીત અને નૃત્યમાં તેમના ભાવોની અભિવ્યક્તિ વેધક હોય છે. નૃત્યમાં તેઓ પોતાના અવયવોને આંચકો મારતા હોય તેમ લાગે છે; વાદ્ય સંગીતમાં તેમના સ્વરો તલવારની ધાર માફક કાનને ખૂંચે છે; કંઠ્ય સંગીતમાં પણ તેમ જ છે. આ દેશમાં ઊલટી નૃત્યની ગતિ તરંગ જેવી પ્રવાહી છે; અને કંઠ્ય સંગીતમાં પણ તેના આરોહ – અવરોહની વિવિધતામાં એ જ પ્રકારની લહેકાવાળી ગતિ છે. વાદ્ય સંગીતમાં પણ તેમ જ છે.
આમ કલાના પ્રદેશમાં પણ જુદી જુદી પ્રજાના ભાવ જુદી જુદી રીતે વ્યક્ત થાય છે. જે પ્રજા વિશેષ જડવાદી છે તેઓ પ્રકૃતિને પોતાના આદર્શ તરીકે સ્વીકારે છે અને કલામાં તેને લગતા ભાવો વ્યક્ત કરવા પ્રયાસ કરે છે. જ્યારે જે પ્રજાનો આદર્શ પ્રકૃતિથી પર નિર્વિશેષ સત્ છે, તેઓ કુદરતની શક્તિ દ્વારા તેને કલામાં વ્યક્ત કરવા પ્રયાસ કરે છે. પહેલા વર્ગની પ્રજામાં કુદરત તે કલાની પ્રથમ ભૂમિકા હોય છે, જ્યારે બીજા વર્ગને માટે કલાત્મક પ્રગતિનો મુખ્ય હેતુ હોય છે આદર્શની અભિવ્યક્તિ. આમ કલાની બાબતમાં બે ભિન્ન આદર્શાેથી આરંભ કર્યો હોવા છતાં તેમણે દરેકે પોતાની રીતે તેમાં પ્રગતિ કરી છે.
પશ્ચિમમાં કેટલાંક ચિત્રો જોઈને તમે તેને સાચેસાચી કુદરતી વસ્તુ તરીકે લેખવાની ભૂલ કરી બેસો; આ દેશમાં પણ પ્રાચીન કાળમાં જ્યારે સ્થાપત્યકલા પૂર્ણતાની ઊંચી કક્ષાએ પહોંચી હતી તે કાળનું એકાદ બાવલું તમે જુઓ તો તે તમને જડ-જગતને ભુલાવી દેશે અને એક નવી આદર્શ દુનિયામાં દોરી જશે. જેમ પાશ્ચાત્ય દેશોમાં પ્રાચીન સમયનાં જેવાં ચિત્રો અત્યારે આલેખાતાં નથી, તેમ આપણા દેશમાં પણ કલામાં મૌલિક વિચારોને વ્યક્ત કરવાના પ્રયત્નો હવે નજરે પડતા નથી.
દાખલા તરીકે તમારી આર્ટ્સ સ્કૂલ – ચિત્રકલામંદિરનાં ચિત્રોમાં જાણે કોઈ ભાવ જ દેખાતો નથી. હિંદુઓ જે વિષયવસ્તુનું રોજ ધ્યાન કરે છે તે વિષયોને ચીતરીને તેમાં પ્રાચીન આદર્શાે વ્યક્ત કરવાનો પ્રયાસ કરો તો ઘણું સારું.
રણદાબાબુ : આપના શબ્દોથી મને ઘણી પ્રેરણા મળી છે. આપની સૂચના મુજબ કામ કરવા હું પ્રયાસ કરીશ.
સ્વામીજી : દાખલા તરીકે ‘મા કાલી’ની પ્રતિમા લો. ‘મા કાલી’માં સૌમ્ય તેમજ રુદ્ર – બંને ભાવોનું મિશ્રણ છે; પણ એકેય ચિત્રમાં આ બંને ભાવોની સાચી અભિવ્યક્તિ જોવામાં આવતી નથી. અરે, એ તો દૂર રહ્યું; પણ બેમાંથી એક પણ ભાવ પૂરી રીતે પ્રકટ થતો નથી. મારી અંગ્રેજી કવિતા ‘કાલી-ધ-મધર’માં મેં મા કાલીના રુદ્ર રૂપના કેટલાક ભાવો વ્યક્ત કરવા પ્રયાસ કર્યો છે. તમે તે ભાવોને ચિત્રમાં પ્રકટ કરી શકો ?
રણદાબાબુ : મને તે કૃપા કરી જણાવો.
સ્વામીજીએ લાઈબ્રેરીમાંથી કાવ્ય મગાવ્યું અને રણદાબાબુ પાસે ખૂબ જ અસરકારક રીતે તે વાંચવા માંડ્યું. રણદાબાબુએ તે કાવ્ય શાંતિથી સાંભળ્યું અને થોડા વખત પછી જાણે મન :ચક્ષુ સમીપ તે આકૃતિનાં દર્શન કરતા હોય તેમ ભયભીત દૃષ્ટિએ સ્વામીજી તરફ જોયું.
સ્વામીજી : વારુ, તમે આ ભાવને ચિત્રમાં બતાવી શકશો ?
રણદાબાબુ : હા જી, હું પ્રયાસ કરીશ. પણ તે ભાવની કલ્પના માત્રથી પણ મગજ ફરી જાય છે.
સ્વામીજી : ચિત્ર દોરીને મને બતાવજો. ત્યાર પછી તેને સર્વાંગ સંપૂર્ણ કરવા માટે જરૂરી મુદ્દાઓ હું તમને કહીશ.
પછી શ્રીરામકૃષ્ણ મિશનની મુદ્રા માટે જે આકૃતિ બનાવેલી તે સ્વામીજીએ મગાવી તથા રણદાબાબુને તે બતાવીને તેમનો અભિપ્રાય માગ્યો. મુદ્રાચિત્રમાં એક સરોવરમાં એક ખીલેલું કમળ, એક હંસ, પાછળના ભાગમાં ઊગતો સૂર્ય અને આખા ચિત્રને ફરતો એક સર્પ વીંટળાયેલો, એવો આલેખ હતો. રણદાબાબુ પ્રથમ તેનો ભાવ સમજી શક્યા નહિ એટલે તેમણે સ્વામીજીને તે સમજાવવા કહ્યું. સ્વામીજીએ કહ્યું : ‘ચિત્રમાં લહરીઓવાળું પાણી એ કર્મનું પ્રતીક છે; કમળ ભક્તિનું, ઊગતો સૂર્ય જ્ઞાનનું તથા ફરતો સર્પ એ યોગ અને જાગ્રત કુંડલિનીની શક્તિનું સૂચક છે; ચિત્રમાંનો હંસ એ પરમાત્માનું સ્વરૂપ છે. એ રીતે ચિત્રનો આખો ભાવ એવો છે કે કર્મ, જ્ઞાન, ભક્તિ અને યોગના સમન્વયથી પરમાત્માનું દર્શન પ્રાપ્ત થાય છે.’
રણદાબાબુ ચિત્રનો હેતુ સાંભળી સંતોષ પામી મૂંગા રહ્યા. થોડી વાર પછી તેમણે કહ્યું : ‘આપની પાસેથી હું કલા શીખ્યો હોત તો કેવું સારું ?’
ત્યાર પછી સ્વામીજીએ ભવિષ્યના શ્રીરામકૃષ્ણ મંદિર અને મઠનો નકશો રણદાબાબુને બતાવ્યો અને કહેવા લાગ્યા : ‘ભાવિ મંદિર અને મઠમાં મારો વિચાર પૂર્વ અને પશ્ચિમની કલામાં જે ઉત્તમ છે તેનો સમન્વય કરવાનો છે. દુનિયાભરની મારી મુસાફરી દરમિયાન મેં સ્થાપત્ય વિશે જે ખ્યાલો મેળવ્યા છે તે સઘળા તેના બાંધકામમાં ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કરીશ. એક મોટું પ્રાર્થનામંદિર બંધાશે; તેની અગાશી અનેક જૂથબદ્ધ સ્તંભો ઉપર ટેકવાયેલ હશે; તેની દીવાલોમાં સેંકડો પૂર્ણ વિકસિત કમળો હશે; એકી સાથે હજાર માણસો ધ્યાનમાં બેસી શકે એટલો તે વિશાળ હશે. શ્રીરામકૃષ્ણદેવનું મંદિર અને પ્રાર્થનાખંડ એકી સાથે એવી રીતે બંધાવા જોઈશે કે દૂરથી તે ‘ૐ’ કાર જેવાં દેખાય. મંદિરની અંદર હંસ ઉપર બેઠેલા શ્રીરામકૃષ્ણની પ્રતિમા રહેશે. મંદિરના દરવાજાની બંને બાજુએ સિંહ અને ઘેટું એકબીજાને પ્રેમથી ચાટતાં બતાવવામાં આવશે; એ એવો ભાવ પ્રકટ કરશે કે મહાન શક્તિ અને મૃદુતા પ્રેમથી એક બન્યાં છે. મારા મનમાં આવા વિચારો છે અને જો હું લાંબું જીવીશ તો તેને અમલમાં મૂકવા માગું છું. નહિ તો ભાવિ પ્રજા બની શકે તો ધીરે ધીરે તેમ કરવા પ્રયત્ન કરશે. મારો અભિપ્રાય એવો છે શ્રીરામકૃષ્ણ આ દેશમાં કલા અને સંસ્કૃતિના બધા વિભાગોમાં પ્રાણ પૂરવા માટે જન્મ્યા હતા. માટે આ મઠ એવી રીતે બાંધવામાં આવશે કે ધર્મ, કર્મ, વિદ્યા, જ્ઞાન અને ભક્તિ આ કેન્દ્રમાંથી આખીયે દુનિયામાં ફેલાય. આ કામમાં તમે મારા મદદગાર બનો.
રણદાબાબુ તેમજ એકઠા થયેલા સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓએ સ્વામીજીને આશ્ચર્યચક્તિ થઈને મૂંગામૂંગા સાંભળ્યા. જરા વાર રહીને સ્વામીજીએ કહ્યું : ‘હું તમારી સાથે આ વિષયની ચર્ચા લંબાણથી એટલા માટે કરું છું કે તમે એ વિષયના નિષ્ણાત છો. હવે તમારા લાંબા અભ્યાસના પરિણામે કલાના શ્રેષ્ઠ આદર્શાેની બાબતમાં તમે શું શીખ્યા છો તે કૃપા કરીને મને સમજાવો.’
રણદાબાબુ : હું આપને નવીન શું કહું ? ઊલટું આપે જ આ વિષય અંગે મારી આંખો ખોલી છે. મારી આખી જિંદગીમાં મેં કલાના વિષયો ઉપર આવા માહિતીભર્યા વિચારો ક્યાંયે સાંભળ્યા નથી. આપ મને એવા આશીર્વાદ આપો કે જે વિચારો આપની પાસેથી હું આજે શીખ્યો છું તેને અમલમાં મૂકી શકું.
પછી સ્વામીજી ઊભા થઈ મેદાનમાં ફરવા લાગ્યા અને શિષ્યને કહ્યું : ‘તેઓ એક ખૂબ ઉત્સાહી યુવક છે.’
શિષ્ય : સ્વામીજી ! આપના શબ્દો સાંભળી તેઓ ખૂબ નવાઈ પામ્યા છે.
શિષ્યને કંઈ પણ ઉત્તર આપ્યા વિના સ્વામીજી શ્રીરામકૃષ્ણ જે ગીત ગાતા તે ગણગણવા લાગ્યા : ‘સંયમિત મન એક અમોલું ધન છે, એક પારસમણિ છે; જે તમે માગો તે તે આપી શકે છે.’
(‘વિવેકાનંદના સાંનિધ્યમાં’ પૃ.૨૧૦-૨૧૭)
Your Content Goes Here





