(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. 23 સપ્ટેમ્બર, 2026ના રોજ વામનજયંતી નિમિત્તે આ લેખ અત્રે પ્રસ્તુત છે. – સં.)
શ્રીરામકૃષ્ણદેવ 22 સપ્ટેમ્બર, 1883ના રોજ ભક્તગૃહે પધાર્યા છે અને ઈશાનને કહે છે, ‘સૌથી મોટી પૃથ્વી, તેના કરતાં મોટો સાગર, તેના કરતાં મોટું આકાશ. પરંતુ ભગવાન વિષ્ણુએ પહેલા બે પગલામાં સ્વર્ગ, મૃત્યુ, પાતાળ એ ત્રણેય લોકને માપી લીધાં હતાં.’ તો ચાલો, આપણે વિષ્ણુના એ વામન અવતારના પ્રાદુર્ભાવ વિશે જાણીએ.
પ્રાચીન કાળની કથા છે. અધર્માચરણને કારણે રાક્ષસ હિરણ્યકશિપુનો નૃસિંહાવતાર દ્વારા નાશ થયો. એ રાક્ષસનો પુત્ર પ્રહ્લાદ, પ્રહ્લાદનો પુત્ર વિરોચન અને તેનો પુત્ર દૈત્યરાજા બલિ. દૈત્યોના ગુરુ હતા શુક્રાચાર્ય. દૈત્યોનો દેવતાઓ સામે જન્મજાત વેરભાવ. યજ્ઞાનુષ્ઠાનથી મદોન્મત્ત બનેલા દૈત્યરાજા બલિએ ઇન્દ્રની નગરી અમરાવતી પર આક્રમણ કર્યું. ગુરુ બૃહસ્પતિના પરામર્શથી દેવતાઓ સ્વર્ગ છોડી અન્યત્ર ચાલ્યા ગયા. નિરાશ દેવતાઓ પોતાની માતા અદિતિના શરણે ગયા. અદિતિ મહર્ષિ કશ્યપનાં ધર્મપત્ની હતાં. મહર્ષિ કશ્યપ પ્રતિપલ નારાયણના ધ્યાનમાં મગ્ન રહેતા. એક દિવસ તેમનો સમાધિભંગ થતા તેઓ અદિતિના આશ્રમે આવ્યા, અદિતિએ પતિદેવનો આદર સત્કાર કર્યો અને દેવગણ ભયભીત થઈને સ્વર્ગત્યાગ કરી ભટકી રહ્યા છે, તે બધી વાત કહી સંભળાવી. વળી, તેમને દૈત્યોને પરાજિત કરવાનો ઉપાય પૂછ્યો. બ્રહ્માજીના નિર્દેશ અનુસાર ઇન્દ્રાદિ દેવગણ, મહર્ષિ કશ્યપ તથા દેવમાતા અદિતિ ક્ષીરસાગરશાયી શ્રીનારાયણને પ્રસન્ન કરવા લાગ્યાં. સૌની સ્તુતિથી શ્રીનારાયણ પ્રસન્ન થયા અને કશ્યપગૃહે અદિતિની કૂખે પોતે અવતાર લેશે એમ આશીર્વાદ આપ્યા.
અદિતિએ પયોવ્રતનું અનુષ્ઠાન કર્યું. ભાદરવા માસના શુક્લપક્ષની બારશ, શ્રવણ નક્ષત્ર, અભિજિત મુહૂર્તની પાવન મંગલમય વેળાએ ભગવાન શ્રીહરિ અદિતિ સમક્ષ વામનરૂપે પ્રગટ થયા. આ બાજુ અભિમાની બલિએ પ્રહ્લાદ સમક્ષ શ્રીહરિની નિંદા કરી તેથી તેમણે બલિને શાપ આપ્યો. શાપનું નિવારણ પૂછતાં પ્રહ્લાદે યજ્ઞ કરવા કહ્યું. દૈત્યગુરુ શુક્રાચાર્ય યજ્ઞકાર્યમાં સંલગ્ન થયા. બલિ યજ્ઞમાં દિક્ષિત થયા, અશ્વમેધ યજ્ઞની તૈયારીઓ થઈ ગઈ. પરંતુ યજ્ઞનો પ્રારંભ થતાં જ અનેક કુદરતી ઉત્પાત થવા લાગ્યા. ભયભીત બનેલ બલિએ ગુરુ શુક્રાચાર્યને આનું કારણ પૂછ્યું, એટલે તેમને કહ્યું કે અદિતિને ત્યાં નારાયણ શ્રીવિષ્ણુ વામનરૂપે પ્રગટ થયા છે અને તેઓ તારા યજ્ઞમાં આવી રહ્યા છે. ભગવાનના આગમનની વાત સાંભળીને બલિ અત્યંત પ્રસન્ન થયા, એટલામાં ભગવાન યજ્ઞભૂમિમાં આવી પહોંચ્યા. તેમનાં દર્શનથી બલિને અતિશય આનંદ ઊપજ્યો. બલિએ હાથ જોડી કહ્યું, ‘બ્રાહ્મણ-શ્રેષ્ઠ! હું ધન્ય થયો છું. આ દાસને આજ્ઞા કરો કે મારે શું કરવું? યજ્ઞમાં બ્રાહ્મણને દાન આપવામાં આવે ત્યારે જ તે યજ્ઞકાર્ય પૂર્ણ બને છે. તમે મને અનુગૃહિત કરો.’
બલિની પ્રીતિમય વાણી સાંભળી વામનાવતારી પ્રભુએ કહ્યું, ‘મને તો અગ્નિહોત્ર માટે માત્ર ત્રણ પગલાં ભૂમિ પ્રદાન કર.’ આ સાંભળી બલિએ હસીને કહ્યું, ‘ત્રૈલોક્ય-વિજયી બલિ પાસે તમે માત્ર ત્રણ પગલાં ધરતી માગી રહ્યા છો. તમારે જોઈતી હોય તેટલી ભૂમિ માગી લો.’ વામન ભગવાને મનોમન હસતાં કહ્યું, ‘મારે તો માત્ર ત્રણ પગલાં ભૂમિ જોઈએ.’ ભગવાનની લીલા સમજતા હોવાથી બલિને ગુરુ શુક્રાચાર્યે સાવધ કર્યા કે આ સાક્ષાત્ નારાયણ છે અને વામનરૂપ ધરીને તને છેતરી રહ્યા છે. બલિ દાન આપવા કૃતનિશ્ચયી હતા, તેથી પૂર્ણ કળશ લઈ સંકલ્પ કરવા બેઠા. ત્રણ પગલાંના દાનનો સંકલ્પ પૂર્ણ થવાનો હતો એવામાં જ શુક્રાચાર્ય સૂક્ષ્મરૂપે કળશમાં પ્રવેશ્યા અને જળધારા અટકાવી. વામન ભગવાન અંતર્યામી છે, તેઓ ઘટઘટની વાત જાણે છે. તેમણે કુશની અણી કળશના અગ્રભાગે જોરથી ખોસી, તેથી શુક્રાચાર્યની ડાબી આંખ નાશ પામી. સંકલ્પ પૂર્ણ થયો અને રાજા બલિ ત્રણ પગલાં ભૂમિ આપવા વચનબદ્ધ થયા.
તે સમયે અનંત શ્રીહરિએ વામનરૂપ ત્યાગીને વિરાટરૂપ ધારણ કર્યું. દૈત્યગણ ભયભીત થઈ ઊઠ્યો. શ્રીહરિએ એક પગલામાં સમગ્ર પૃથ્વી માપી લીધી. બીજું પગલું ઉપર ઉઠાવીને સત્યલોક પહોંચી ગયું. હવે ત્રીજા પગલા માટે કોઈ સ્થાન બચ્યું ન હતું. એટલે શ્રીહરિએ બલિને કહ્યું કે, ‘તમે મારા ત્રીજા પગલાની ભૂમિનું દાન કરવાનું વચન પૂર્ણ કરો, અન્યથા મારા બંધનમાં આવી જાઓ.’ વિવશ થઈ બલિ રાજા વરુણપાશથી બદ્ધ થઈ ગયા. બ્રહ્માજીએ શ્રીહરિને પ્રાર્થના કરી કે બલિને વરુણપાશથી મુક્ત કરો. એટલે શ્રીહરિએ કહ્યું કે હું જેના પર કૃપા કરું છું તેનું ધન છીનવી લઉં છું. મેં તેનું સર્વસ્વ છીનવી લઈને તેને એ સ્થાન આપ્યું છે, જે મહાન દેવતાઓને પણ દુર્લભ છે. તે સાવર્ણિ મન્વન્તરમાં ઇન્દ્ર થશે અને ત્યાં સુધી તે સુતલ લોકમાં રહેશે. હું ગદા ધારણ કરીને તેના મહેલનાં ચારેય દ્વાર પર રહીશ. જે દ્વારેથી તે બહાર નીકળશે, પ્રત્યેક સમયે તેને મારાં દર્શન થશે. અંતમાં શુક્રાચાર્યે યજ્ઞ પૂર્ણ કર્યો, ઇન્દ્રને ઇન્દ્રાસન મળ્યું, દેવોને યજ્ઞભાગી બનાવ્યા. આમ, શ્રીહરિની વામન-અવતારની લીલા પૂર્ણ થઈ.
શ્રીરામકૃષ્ણદેવે કથા-પ્રસંગમાં એક વાર કહ્યું હતું કે બલિ રાજાએ ભગવાનની પ્રીતિ માટે ગુરુ શુક્રાચાર્યની આજ્ઞા માની નહીં.
Your Content Goes Here




