ભારતના આત્માને વિવેકાનંદ ઢંઢોળે છે
પોતે ભારત પાછા ફરશે ત્યારે લોકો તરફથી પોતાને જે ભવ્ય આવકાર મળશે તેનો કંઈક ખ્યાલ સ્વામીજી અમેરિકામાં હતા ત્યારે પણ એમને હતો. ડેટ્રોઈટનાં પોતાનાં કેટલાંક શિષ્યોને એમણે કહ્યું હતું કે, ‘પણ ભારત મારી વાત સાંભળશે. હું ભારતને પાયામાંથી હલાવી નાખીશ.’
વિવેકાનંદ ૧૮૯૭ની ૧૫મી જાન્યુઆરીએ કોલંબો ઊતર્યા ને ત્યાંથી રામેશ્વરમ સુધીનો પ્રવાસ કર્યો. દરેક સ્થળે એમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું – એની ગહનતા, સ્વાભાવિકતા, ભવ્યતા અને વ્યાપકતામાં કોઈ યુદ્ધવિજેતા કે ઇતિહાસના બીજા કોઈ મહાપુરુષને મળેલું સ્વાગત એની તોલે આવે એવું ન હતું. અને એ પ્રચંડ, રાષ્ટ્રીય સ્વાગતના ઉત્તરમાં એમણે લોકોનાં દિલ હલાવતો વેદાંતી સંદેશ આપી એમને સદીઓની નિંદ્રામાંથી જગાડી પોતાના દેશનું ઘડતર માનવતાવાદી રીતે કરવા પ્રેર્યા. એમનાં ભારતીય પ્રવચનોનું કેન્દ્ર વસ્તુ માણસ હતો – એનું ઘડતર, એનો વિકાસ અને સિદ્ધિ હતાં.
દૂર દક્ષિણમાંના કોલંબોથી ઠેઠ ઉત્તરના હિમાચલમાંના આલમોડા સુધીનાં વિવેકાનંદનાં પ્રવચનોએ મહાન રાષ્ટ્રીય જાગૃતિ જન્માવી; કારણ, ભારતના ચિત્તને જાગ્રત કરી અર્વાચીન પડકારો ઝીલવા એને સજ્જ કરી, સાચી માનવીય સમાજવ્યવસ્થા ઊભી કરવી એ તેમનું મુખ્ય વસ્તુ હતું. દૂર દક્ષિણના તીર્થ રામેશ્વરમમાંના, ભારતની ધરતી પરના તેમના પ્રથમ પ્રવચનના પ્રથમ વાક્યમાં આ વસ્તુ આપણી સામે જોવા મળે છે. ૧૯૪૭માં ભારત સ્વતંત્રતા પ્રાપ્ત કરે તેની પચાસ વર્ષ પૂર્વે જ આ પ્રવચન અપાયું હતું.
લાંબામાં લાંબી રાત્રી પસાર થઈ રહી જણાય છે, ખૂબ પીડાદાયક ઘારું રુઝાતું જણાય છે, દેખાતું મડું જાગ્રત થતું જણાય છે અને, આપણને એક સ્વર સંભળાય છે – ઇતિહાસ અને પરંપરા પણ ભૂતકાળની હતાશામાં ડોકિયું કરતાં ગભરાય છે, ત્યાંથી આવતો એ સ્વર જ્ઞાનના અનંત હિમાલયને શિખરે શિખરે પ્રતિધ્વનિત થાય છે, આપણી માતૃભૂમિ, આ ભારત માટે પ્રેમ અને કાર્ય કરવાની ઘોષણા કરતો એ સ્વર – ધીમે પણ દૃઢ પગલે અને તે છતાં પોતાના ઉચ્ચારણમાં બિનચૂક, દિવસો વીતતાં વધારે ઘોષિત થતો જાય છે અને, જુઓ, સુષુપ્ત જાગ્રત થાય છે! હિમાલયથી આવતી વાયુલહરની માફક એ લગભગ મૃતપ્રાય હાડચામમાં ચૈતન્ય પુરે છે, આળસ ઊડી જાય છે અને, માત્ર અંધ જ નથી જોઈ શકતા અથવા, વિકૃત માનસવાળાઓ જોશે નહીં કે આપણી આ માતૃભૂમિ પોતાની ગાઢ, લાંબી નિદ્રામાંથી જાગે છે.
હવે કોઈ વધારે સમય એનો સામનો કરી શકશે નહીં; બહારની કોઈપણ સત્તાઓ એને પાછળથી ઝાલી રાખી શકશે નહીં; કારણ એ અનંત શક્તિ પોતાના પર પર ઊભી થઈ રહી છે.
‘આ શબ્દોનાં ગર્જનાત્મક આંદોલનોની કલ્પના કરો,’ એમ કહી રોમાં રોલાં ઉમેરે છે. ‘તે દહાડાથી ઊંઘરાટા વિરાટની જાગ્રતિ આરંભાઈ – પછીની પેઢીએ ટિળક અને ગાંધીનાં મહાઆંદોલનોની પૂર્વગામી, વિવેકાનંદના અવસાનનાં ત્રણ વર્ષ પછીની બંગાળની ક્રાંતિ જોઈ અને, ભારતે આજે વ્યવસ્થિત લોકસમૂહના સામુદાયિક કાર્યમાં ભાગ લીધો હોય તો તે. ‘લેઝેરસ, ઊભો થઈને ચાલ!’ એ મદ્રાસના મહાન સંદેશના પ્રારંભિક આઘાતને કારણે છે.’
ભારતમાં વિવેકાનંદનું કાર્ય
ભારતના વિભિન્ન ભાગોમાંનાં સ્વામીજીનાં વ્યાખ્યાનોએ; આધ્યાત્મિક જાગ્રતિના તરંગો પેદા કર્યા. અજ્ઞાનમાં, નિરાધારિતામાં અને કંગાળિયતમાં ડૂબેલાં કરોડો લોકોનો ઉદ્ધાર તે એમનું મુખ્ય કાર્ય હતું. પોતાના પરિભ્રમણકાળ દરમિયાન આ લોકોની દારૂણ દશા એમણે સગી આંખે નિહાળી હતી. ને હવે, પશ્ચિમમાંથી પાછા આવ્યા પછી, આમજનતાના ઉદ્ધારનું કાર્ય હાથ પર લેવા તેમણે નિર્ધાર કર્યો.
સ્વામીજીને જણાયું કે લોકોના ઉદ્ધારનો એકમાત્ર માર્ગ તેમને યોગ્ય કેળવણી આપવાનો છે. ‘મને દિવસ જેવો સ્પષ્ટ દેખાતો એક વિચાર એ છે કે, અજ્ઞાન જ પીડા પેદા કરે છે, બીજું કશું નથી કરતું,’ એમ એમણે કહ્યું હતું. મુશ્કેલીઓને પાર કરવાની પોતાની શક્તિ વિશે ગરીબ ભારતની પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે શિક્ષણ જ એકમાત્ર માર્ગ છે એમ સ્વામીજી માનતા હતા.
લોકોને એ પ્રકારના શિક્ષણની જરૂર છે – પોતાની આર્થિક દશા સુધારવા માટે ધર્મનિરપેક્ષ શિક્ષણની અને, પોતાની જાતમાં શ્રદ્ધા પેદા કરવા તથા નીતિમય જીવન જીવવા માટે ધાર્મિક શિક્ષણની પોતાની આધ્યાત્મિકતા ગુમાવ્યા વિના લોકો પોતાના પગ પર ઊભા રહી શકે તે માટે સ્વામીજી તેમને મદદ કરવા ચાહતા હતા. વિશાળ પાયા પર આવું શિક્ષણ આપવા માટે સૌથી મોટી જરૂર એક સંસ્થાની હતી. સમર્થ સંસ્થાના ટેકા વિના વૈયક્તિ પ્રયત્નો તરત ખાક થઈ જશે. સ્વામી વિવેકાનંદે જણાવ્યા પ્રમાણે : ‘દરેક ઘેર ઉમદા વિચારો આણે એવું તંત્ર ગતિમાન કરવાની મારી એકમાત્ર મહેચ્છા છે ને પછી, લોકો પોતાનું ભાગ્ય ખેડી લેશે.’
સંસ્થા શરૂ કરવાના ખ્યાલથી, કોલકાતામાં, બલરામ બોઝને ઘેર, ૧૮૯૭ની ૧લી મેએ શ્રીરામકૃષ્ણના સંન્યાસી શિષ્યોની અને ગૃહસ્થ ભક્તોની સભા સ્વામીજીએ બોલાવી. એ સભામાં રામકૃષ્ણ મિશન એસોસિએશન સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો; એમાં લોકહિતાર્થે સંન્યાસીઓ; ગૃહસ્થ ભક્તો સહકારથી કામ કરે તેમ ઠરાવાયું.
વેદાંત સંદેશના પ્રચાર માટે પોતાના સંન્યાસી ભાઈઓને વિવેકાનંદે જુદે જુદે સ્થળે રવાના કર્યા. સારદાનંદ અને અભેદાનંદને તો અમેરિકા મોકલાવાઈ ચૂક્યા હતા. પછીને વર્ષે કોલકાતામાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે સ્વામીજીએ મોટે પાયે રાહતકાર્ય આરંભ્યું હતું. મુર્શિદાબાદના દુકાળપીડિત લોકો માટે અખંડાનંદે પણ રાહતકાર્ય શરૂ કર્યું હતું. દૂરગામી મહત્ત્વનું બીજું કાર્ય હતું ભગિની નિવેદિતાનું કન્યાશાળા શરૂ કરવાનું.
સતત પ્રવચનો, મુલાકાતીઓના અનંત પ્રવાહ સાથે વાતચીત અને મેદાનોની ગરમીથી સ્વામીજીની તબિયત નરમ થઈ ગઈ. પણ પોતે અને પોતાના ગુરુભાઈઓ જે સંઘમાં હતા તે સંઘને સંગીન પાયા પર મૂકવાના ચિરકાલીન કાર્ય પર સ્વામીજીનું મન લાગેલું હતું. સને ૧૮૯૯માં, કોલકાતા નજીક બેલુડમાં નવી ખરીદેલ જમીન પર મઠને ખસેડવામાં આવ્યો અને, જરૂરી કાયદેસરનું લખાણ (ખત) કરી, તેની સોંપણી ટ્રસ્ટી મંડળને કરી. અદ્વૈત વેદાંતની સાધના કરવા માટે, હિમાલયમાં માયાવતીમાં બીજો મઠ શરૂ કરવામાં આવ્યો.
પોતાના ભારતીય કાર્યને સંગીન સ્થિતિમાં મૂકીને, વિવેકાનંદ પશ્ચિમની બીજી મુલાકાતે ગયા. (૧૮૯૯ના મધ્ય ભાગથી ૧૯૦૦ સુધીનો) આ મુલાકાતનો ગાળો ટૂંકો હતો પણ, એમણે ખૂબ પ્રવાસ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન પાશ્ચાત્ય સંસ્કૃતિની કાળી બાજુ એમણે જોઈ અને, પોતાનાં અસ્તિત્વ તથા પ્રગતિને માટે પાશ્ચાત્ય સંસ્કૃતિને ભારતીય આધ્યાત્મિકતાની ઔષધિની જરૂર છે એમ એમને વધારે જણાયું.
પોતાના શિષ્યોના ઘડતરમાં પોતાના શેષ દિવસો સ્વામીજીએ ગાળ્યા હતા. બેલુડ મઠમાંના પોતાના ઓરડામાં અંત એકદમ અચાનક આવ્યો હતો. ૧૯૦૨ના જુલાઈની ૪થી તારીખની રાતે દેહના મર્ત્ય માળખાને તોડી પ્રેમ, જ્ઞાન અને લાખો લોકોથી પૂજાતી શક્તિની એ અમર જ્યોત બની ગયા.
વેદાંત અને અર્વાચીન પાશ્ચાત્ય જગતની આધ્યાત્મિક કટોકટી
પાશ્ચાત્ય જીવનભાવનાના અને સિદ્ધિઓના મહાન પ્રશંસક વિવેકાનંદ હતા. પશ્ચિમનું વિજ્ઞાન, એની ટેકનોલોજી, એનું ઔદ્યોગિક કૌશલ, અને એના માનવતાવાદના તેઓ પ્રશંસક હતા. અને પોતાના ભારતીય અનુયાયીઓને એમણે કહ્યું હતું કે, બ્રિટન સાથેના ભારતના પાશ્ચાત્ય સંબંધે ભારતની જડ અને સ્થગિત થઈ ગયેલી સભ્યતાને તોડવાનું અને તેને સ્થાને, અર્વાચીન યુગમાં વધારે ગતિશીલ અને સર્જનાત્મક સમાજ ઘડવાની શક્યતાનાં દ્વાર ઉઘાડવામાં કાર્ય કર્યું હતું. પરંતુ પાશ્ચાત્ય દર્શન એમને છીછરું, નુકસાનકર્તા અને મનુષ્યને પૂર્ણતા પ્રાપ્ત કરવાને માર્ગે દોરી જવા માટે અયોગ્ય જણાયું હતું. અર્વાચીન પાશ્ચાત્ય સભ્યતા સ્પષ્ટપણે જ ભૌતિકવાદી અને ધર્મનિરપેક્ષ છે. પશ્ચિમના ધર્મમાંથી એ નથી તો પ્રેરણા શોધતી કે લેતી અને, સોળમી સદીથી એ એની વિરોધી બની ગયેલ છે. માણસ વિશેનો એનો ખ્યાલ એવો છે કે, એ માત્ર જીવશાસ્ત્રીય સજીવ માળખું છે તે માત્ર જીવતા રહેવાનો સંતોષ અને જીવતા રહેવાની ઇચ્છા ધરાવે છે. આવી ફિલસુફી, ટૂંકા ગાળા માટે કદાચ ગતિશીલ અને પ્રગતિશીલ હોઈ શકે; પરંતુ લાંબે ગાળે એ અનિષ્ટ પુરવાર થશે; પહેલું કારણ એ કે, ભારતમાં વેદાંતે કરેલા મનુષ્યના શાસ્ત્રીય અને ઊંડાણભર્યા અધ્યયનને એ આંબી શકતું નથી; અને બીજું કારણ એ કે સજીવ પ્રાણીમાં કેન્દ્રસ્થ અહંકાર કરતાં ઊંડેરો, નૈતિક ઘટનાને કે આધ્યાત્મિક અનુભૂતિને લક્ષમાં લેતાં માનવી વિશેના ઊંચેરા ખ્યાલને એ લક્ષમાં લેતું નથી. સ્વામી વિવેકાનંદ જોઈ શક્યા કે માનવની આ પાશ્ચાત્ય ફિલસુફીમાંની આ ગંભીર મર્યાદાઓ એ ફિલસૂફીની ફત્તેહોને ટૂંકા સમયમાં જ એના મુખમાં રાખ કરી નાખશે. પોતે પશ્ચિમમાં હતા ત્યારે એમણે અનેકવાર ચેતવણી ઉચ્ચારી હતી કે, ‘પશ્ચિમ જ્વાળામુખી પર્વત પર બેઠેલું છે અને, ભારત પાછા આવ્યા પછી એમણે આ ચીંધી બતાવ્યું હતું. એમણે કહ્યું હતું કે :
આધ્યાત્મિક પાયો નહીં હોય તો, આવતાં પચાસ વર્ષોમાં સમગ્ર પાશ્ચાત્ય સભ્યતા કડડભૂસ થઈ જશે. માણસ પર તલવારથી રાજ્ય કરવું તે વ્યર્થ અને પૂર્ણપણે નકામું છે. પોતાની સ્થિતિ વિશે એ સભાન નહીં હોય, પોતાનું દૃષ્ટિબિંદુ નહીં બદલાવે અને અધ્યાત્મને પોતાના જીવનના આધાર તરીકે નહીં સ્થાપે તો, રાજ્ય સંચાલનના વિચારો જે જે કેન્દ્રોમાંથી ઊઠ્યા છે તે બધાં ધૂળ ભેગાં થઈ જશે અને યુરોપને બચાવી શકશે ઉપનિષદોનો સંદેશ જ.
માનવી તત્ત્વત: દૈવી છે એમ ઉપનિષદો કહે છે અને, મનુષ્યમાં નિહિત દિવ્યતાના પ્રાગટ્ય તરીકે વિવેકાનંદે ધર્મની વ્યાખ્યા આપી હતી. સ્વામી વિવેકાનંદે માનવ વિશેના આ દર્શનને ધર્મ પરિષદમાં મનુષ્યજાતને એમણે ‘અમૃતનાં સંતાનો’ કહી પ્રભાવક રીતે રજૂ કર્યું હતું અને પછીથી રાજયોગ પરના એમના વાર્તાલાપો સહિતનાં પછીનાં બીજાં બધાં પ્રવચનોમાં પણ તેમ કર્યું હતું.
સ્વામી વિવેકાનંદે ૧૮૯૭માં આ ચેતવણી ઉચ્ચારી ત્યારથી પશ્ચિમે બે વિશ્વયુદ્ધોનો માર સહન કર્યો છે અને તેમાનું બીજું તો પ્રથમના કરતાં વધારે ખતરનાક હતું. અને એ બે યુદ્ધો વચ્ચેના ગાળામાં રાજકીય અને આર્થિક કટોકટીઓ પણ આવી હતી. બીજા વિશ્વયુદ્ધના અંતે યુરોપને ભ્રમણામુક્ત અને પૂંછડે આવી ગયેલું જોયું પણ, પોતાની સત્તા અને કીર્તિની ટોચે ઊભેલા અમેરિકા બે દાયકા પછી ભ્રમણામુક્ત થવાનું હતું. પરંતુ યુદ્ધોત્તર કાળના અમેરિકાનાં પચીસ વર્ષોના ઇતિહાસે પાશ્ચાત્ય માનવના રોગની વિવેકાનંદે કરેલી ચિકિત્સાને સાચી પાડી છે. આજના માનવીની ભૌતિક સમૃદ્ધિ એના આંતરિક દારિદ્ર્ય અને ઊણપો સામેનો વિરોધ બરાબર દર્શાવે છે. એનો લઘુ અહં એની ઈંદ્રિયજન્ય પ્રકૃતિની તાણોની દયા ઉપર આધારિત છે અને સદાય વધતા મનોદૈહિક તથા માનસિક રોગો ભણી એને દોરી જાય છે. આ પ્રશ્ન બાબત પાશ્ચાત્ય ચિંતકો વધારે ને વધારે લક્ષ્ય આપતા જણાય છે. ઝુરિયના સ્વર્ગસ્થ માનસશાસ્ત્રી યુંગના મોડર્ન મેન ઈન સર્ચ ઓફ અ સોલ નામના પુસ્તકનું શીર્ષક આ બાબત નિર્દેશે છે. અર્વાચીન માનવી (મોડર્ન મેન) પોતાના સાચા સ્વથી વિખૂટો પડી ગયો છે એમ બીજા માનસશાસ્ત્રીઓ કહે છે. દરમિયાન પસાર થતા દરેક વર્ષ સાથે કટોકટી ઘેરી બને છે અને નવી પેઢી અંજાઈ અને ભડકી જાય છે.
વિવેકાનંદને માર્ગે જઈને કેટલાક પાશ્ચાત્ય ચિંતકોએ અર્વાચીન અનિષ્ટોનું સાચું નિદાન કર્યું છે તે છતાં, યોગ્ય ઔષધ આપવા માટેની સમજણ બહુ જ થોડા લોકો પાસે છે, વાસ્તવમાં તો જણાયું છે કે મોટા ભાગનાં સૂચવાયેલાં અને કામે લગાડાયેલાં ઔષધો રોગ કરતાં વધારે ખતરનાક છે. આનું કારણ એટલું જ છે કે નિદાન અને ઉપચાર બેઉ માનવી વિશેની ઉવેખાયેલી ફિલસૂફી આધારિત છે – કે એ કેવળ જીવધારી પ્રાણી છે અને જૈવિક સુખસંતોષ શોધે છે. માનવીનાં ઊંડેરાં આધ્યાત્મિક પરિમાણો વધારે ને વધારે અપોષિત રહે છે. પરિણામે, ભૌતિક સિદ્ધિનાં અને સમૃદ્ધિનાં ખોટાં મૂલ્યો યુરોપ અને અમેરિકામાં હજારો સંવેદનશીલ યુવાન ચિત્તોને તથા કેટલાક ચિંતકોને અળખામણાં લાગવા મંડ્યાં છે. વેદાંતે અને બધા ધર્મોના સારગર્ભે સદા માન્યું છે કે સાંસારિકતા આધ્યાત્મિક રોગ છે અને, ‘સંસારમાં રહેવું’ તે ‘સંસારી બનવા’ બરોબર નથી. સંસારમાં રહેતા છતાં, મનુષ્યે પોતાની સાચી આધ્યાત્મિક સમજને પામવા મથવાનું છે. આ ન થયું તો એનું જીવન ખોટું જીવન બની જાય છે અને, સંસારમાંનું એનું જીવન સાંસારિકતાભર્યું જીવન બની જાય છે. કહેવાનું ‘સમધારણ’ ‘વ્યવસ્થિત’ જીવન વાસ્તવિક રીતે તો વિષમ અને જૂઠું જીવન છે. સો વર્ષ અગાઉ વેદાંત સિદ્ધાંત તરીકે વિવેકાનંદે જે કહ્યું હતું તે આજે કેટલાક પાશ્ચાત્ય વિચારકો પોતે કહી રહ્યા છે. અંગ્રેજી મનોચિકિત્સક આર. ડી. લેઈંગ કહે છે કે :
આટલું હું ભારપૂર્વક કહેવા માગું છું કે, આપણી ‘સમધારણ’ ‘ગોઠવેલી’ દશા ઘણીવાર ઉચ્ચ ભાવાત્મક દશાના ત્યાગ જેવી, આપણી શક્તિઓને છેહ દેવા જેવી છે અને, ખોટાં સત્યો સાથે મેળ બેસાડતા, જુઠ્ઠા સ્વત્યને પ્રાપ્ત કરવા સમાન છે.
અમેરિકાથી ૧૮૯૪માં લખેલા એક પત્રમાં, પશ્ચિમને ભારતે આપવાની ઉત્તમ ભેટ બાબત સ્વામી વિવેકાનંદ કહે છે :
સમગ્ર વિશ્વને પ્રકાશ જોઈએ છે. એ આતુર છે! માત્ર ભારત પાસે જ એ પ્રકાશ છે; એ જાદુટોણામાં નથી, હાસ્યાસ્પદ વિધિવિધાનોમાં નથી અને ઠગવિદ્યામાં નથી પણ, એ છે સાચા ધર્મની ભાવનાના કીર્તિગાનમાં – સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યમાં. એ કારણે તો ભગવાને એ પ્રજાને એની અનેક ચડતીપડતીઓમાંથી પસાર કરી એને આજ સુધી જીવતી રાખી છે. આજે સમય પાક્યો છે!
પૂર્વને અને પશ્ચિમને એકમેકની આવશ્યકતા છે
પૂર્વના અને, ખાસ કરીને ભારતના સાદને પશ્ચિમ આજે કાન માંડીને સાંભળી રહ્યું છે. વિવેકાનંદ સ્થાપિત રામકૃષ્ણ મઠ દ્વારા એમનો વેદાંતનો વૃદ્ધિ પામતો સંદેશ પશ્ચિમમાં પ્રસારિત થઈ રહ્યો છે; એ મઠ પશ્ચિમમાં પોતાનું કાર્ય ત્યાંના પૈસા વડે જ કરે છે, એ કદિયે ભારત આધારિત નથી રહ્યો. વિદ્યાર્થીઓ અને લેખકોનાં એવાં પશ્ચિમનાં કેટલાંક વૃંદો પણ એ પ્રસારનું કામ કરે છે. મેકસ મૂલરે પોતાનું પુસ્તક રામકૃષ્ણ : હિઝ લાઈફ એન્ડ સેયિંગ્ઝ વિવેકાનંદના જીવનકાળમાં જ લખ્યું હતું. હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ પરનાં પુસ્તકો અસંખ્ય છે. અને વિવેકાનંદના મહાસમાધિને છવીસ વર્ષો પૂરાં થાય ત્યાં સુધીમાં, રોમાં રોલાંનાં ‘લાઈફ ઓફ રામકૃષ્ણ અને લાઈફ ઓફ વિવેકાનંદ પુસ્તકોમાં પશ્ચિમનો સૌથી આદરપાત્ર પ્રતિભાવ પ્રગટ થઈ ગયો હતો.
‘લાઈફ ઓફ વિવેકાનંદ’ નામના પોતાના પુસ્તકમાં, વિવેકાનંદ અને બીજાઓ દ્વારા ભારતે લંબાવેલો મૈત્રીનો હાથ ગ્રહણ કરવાનું એ કહે છે :
આપણને મળવા માટે લંબાવેલો, આપણા સાથીઓ, ભારતના ચિંતકોનો હાથ આપણને સાંપડે છે; કારણ ગઈ અનેક સદીઓથી ફેસ્ત બર્ગ (એક મજબૂત કિલ્લા) કેમ ખૂંપી રહેવું અને કેમ રક્ષણ કરવું એ તેઓ જાણે છે, ત્યારે મોટા હુમલા કરનારા એમના બંધુઓ એવા આપણે બાકીના જગતને જીતવા પાછળ આપણી શક્તિ વાપરી છે. ઊભા રહીને આપણા શ્વાસને બેસવા દઈએ! હિમાલયમાંના આપણા ગરુડ નીડમાં ચાલો પાછા ફરીએ.
આખા યુરોપમાંનાં આધ્યાત્મિક ખંડેરોમાં, આપણી ‘ભારત માતા’ તમારાં રાજગૃહો (ક્રેમિટોલ્સ)ના સુદૃઢ પાયાઓનું ઉત્ખનન કરતાં શીખવશે. ‘કુશળ કારીગર’ની ગણતરીઓ અને નકશાઓ એની પાસે છે. આપણી પોતાની સામગ્રી વડે ચાલો આપણું ઘર ફરી બાંધીએ.
અને પોતાના પુસ્તક લાઈફ ઓફ વિવેકાનંદ (વિવેકાનંદનું જીવનચરિત્ર)નું સમાપન કરતા રોમાં પશ્ચિમને (એ ફ્રેન્ચમાં લખતા હતા એટલે, યુરોપિયનનોને એમના સંબોધનનો એ અર્થ તેઓ કરે છે : અર્વાચીન ભારતના મહાન દૂત વિવેકાનંદ દ્વારા પૂર્વના સંદેશને ઝીલવા નિમંત્રણ આપે છે. એ સંદેશ આધ્યાત્મિક જાગ્રતિનો છે જે આપવા માટે વિવેકાનંદે શંખનાદ કર્યો હતો : ‘ઊઠો! જાગો! ને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.’
ભારતના બે ગુરુઓએ આરંભેલું કાર્ય જગતના બીજા ભાગોમાં બીજા કાર્યકરો દૃઢપણે ચાલુ રાખશે. માનવી ગમે તે સુરંગમાં ખોદતો હોય, પહાડની સામી તરફથી ખોદાતી સુરંગના અવાજથી એ દૂર નથી…
મારા યુરોપીય સાથીઓ, આવનાર, એશિયાના ઘા તમને ભીંત ભેદીને મેં સંભળાવ્યા છે… એને મળવા જાઓ! એ આપણે માટે કાર્યરત છે. આપણે એને માટે કાર્ય કરીએ છીએ. યુરોપ અને એશિયા આત્માનાં બે અડધિયા છે…
સમાપન
વિશ્વ ધર્મ પરિષદમાં ૧૮૯૩થી તે ૧૯૦૨માં પોતાના મૃત્યુ સુધીનાં નવ વર્ષના ગાળામાં વિવેકાનંદે કરેલી જાહેર સેવામાંનાં પોતાનાં અતિ ગહન પાંચ વર્ષ તેમણે પશ્ચિમને આપ્યાં હતાં. બે ગાળા દરમિયાનના પ્રવાસ ઉપરાંત, પશ્ચિમમાંના અને ભારતમાંના એમના નવ વર્ષના કાર્યની તીવ્રતા એમના આધ્યાત્મિક, બૌદ્ધિક, સાહિત્યિક અને સંસ્થાગત કાર્યનું યોગદાન અપૂર્વ છે. અર્વાચીન ભારતના એક ગુરુ તરીકે અને પશ્ચિમમાં ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રતિનિધિ તરીકે વિવેકાનંદે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષિતિજોને અજવાળી છે અને જગતના ઇતિહાસમાં એમનો જોટો નથી. એ સંદેશ – પયગામ – સાથે આવેલા હતા અને તે એમણે નિર્ભયતાથી અને ગહનતાથી આપ્યો હતો. પોતાની જાત વિશે એમણે જ કહ્યું હતું કે, ‘બુદ્ધ પાસે પૂર્વ માટે સંદેશ હતો. મારી પાસે પશ્ચિમ માટે સંદેશ છે.’ અર્વાચીન ભારતના આ દૂતનું ગૌરવ કરતાં પશ્ચિમ એક દિવસ શીખશે અને, સર્વગ્રાહી અધ્યાત્મનું અને પૂર્ણ જીવનસિદ્ધિનું એમનું તત્ત્વદર્શન એ શીખશે અને, આત્મહનન કરતા ભૌતિકવાદમાંથી પ્રતિભાવ આવશે ત્યારે, પૂર્વ અને પશ્ચિમને જોડતી સુરંગ પૂરી થશે અને ન પૂર્વની કે ન પશ્ચિમની પણ માત્ર માનવીય એવી નવી સંસ્કૃતિ ઉત્ક્રાંત થશે; એ સર્વત્ર માનવીના આધ્યાત્મિક ઉત્થાન માટે પ્રવૃત્ત હશે અને બધાં રાષ્ટ્રોમાં ‘માનવજાતની જાગ્રતિ’ વિકસાવવા તરફ એ ઢળશે; અને શ્રીરામકૃષ્ણના તેમજ સ્વામી વિવેકાનંદના અર્વાચીન યુગમાં અવતરણના હેતુઓની સિદ્ધિ ત્યારે થશે.
Your Content Goes Here




