(વિમલ વ. દવે મકરન્દભાઈના ભત્રીજા તથા મકરન્દભાઈ અને જાણીતાં સાહિત્યકાર કુન્દનિકા કાપડીઆ દ્વારા સંસ્થાપિત ‘નંદિગ્રામ’ આશ્રમના ટ્રસ્ટી છે. શ્રીરામકૃષ્ણદેવ તેમજ સ્વામીજીના સાહિત્યનો તથા વેદાંતમાં એમનો  ઊંડો અભ્યાસ છે. -સં.)

વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે;
પરદુઃખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે;

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે;

સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે;

મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામનામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે;

વણલોભી ને કપટરહિત છે, કામ, ક્રોધ નિવાર્યાં રે;
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યાં રે.

વિષ્ણુ એટલે સર્વવ્યાપક, સર્વગત પરમ તત્ત્વ. વૈષ્ણવ એટલે જે સર્વમાં સ્થિત, સર્વનું કારણ, સર્વના અધિષ્ઠાન, સર્વના સ્વામી અને સર્વ થઈને વ્યાપી રહેલા આ તત્ત્વને સમર્પિત ભક્ત. આવા વૈષ્ણવજનને કોઈ પારકું રહેતું જ નથી. નારાયણસૂક્ત કહે છે:

यच्च किंचित् जगत् सर्वं दृश्यते श्रूयतेऽपि वा ।
अंतर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणः स्थितः ॥

‘જે કંઈ દૃશ્યમાન છે, જેના વિશે આપણે સાંભળીએ છીએ કે જાણીએ છીએ એ સર્વમાં, અંદર-બહાર વ્યાપ્ત થઈને આ નારાયણ-તત્ત્વ સ્થિત છે.’

આ નારાયણ-તત્ત્વ, આ વિષ્ણુતત્ત્વમાં જેની નિષ્ઠા છે એ પોતાનામાં તથા સર્વત્ર એ નારાયણ, એ વિષ્ણુનાં જ દર્શન કરે છે. એને પછી પરદુઃખ પણ પોતીકું જ જણાય છે. આવી વ્યક્તિ માટે ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે:

आत्म्यौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन।
सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः॥

‘જે બધામાં, પ્રાણીમાત્રમાં, સર્વત્ર પોતાનું જ સ્વરૂપ જુએ છે અને તેથી પ્રાણીમાત્રનાં સુખદુઃખને પોતાનું જ સમજે છે એવા કરુણામય યોગીને હું ઉત્કૃષ્ટ યોગી માનું છું.’

આવો કરુણામય યોગી, આ વિષ્ણુતત્ત્વને સમર્પિત વૈષ્ણવ જ્યારે કોઈનું દુઃખ જુએ છે ત્યારે એને પારકું નથી માનતો, પોતાનું જ માને છે અને પ્રાણીમાત્રના એવા દુઃખને દૂર કરવા માટે પોતાનાથી બનતા સઘળા પ્રયત્નો કરી છૂટે છે. શ્રીરામકૃષ્ણના શબ્દોમાં એ ‘શિવભાવે જીવસેવા’ કરે છે. વળી આવા વિષ્ણુતત્ત્વ સાથે જેની એકતા સધાઈ હોય છે એને તેના આવા પ્રયત્નમાં કોઈ પણ પ્રકારનો અહંકાર તો રહેતો જ નથી. જે વ્યક્તિમાં, જે સાધકમાં આવા ગુણ દેખાય એ જ સાચા અર્થમાં વૈષ્ણવજન છે.

વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે;
પરદુઃખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે;

આવા વૈષ્ણવજનની નજર જ્યાં ઠરે ત્યાં એને હવે વિષ્ણુનાં, એ સર્વવ્યાપક પરમ તત્ત્વનાં જ દર્શન થાય છે. શ્રી મકરન્દ દવેની પંક્તિ છે:

“હવે હરખે હું ચાલું રે, કે ચાલું કોઈ દિશે,
એક તમને નિહાળું રે, કોઈ ને કોઈ મિષે”

તો કબીર કહે છે:

“કબીર ચલા બજારમેં, સબકો લાગે પાય,
ક્યા જાને કિસ ભેશ મેં, નારાયણ મિલ જાય.”

આ વૈષ્ણવજન સકળ લોકમાં સહુને નારાયણનું, વિષ્ણુનું જ સ્વરૂપ માનીને વંદે છે. શ્રીરામકૃષ્ણ કહેતા, ‘ખલરૂપી નારાયણ, દુષ્ટરૂપી નારાયણ.’ ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે તેમ જેને સર્વાત્માદર્શન થયું છે, એ કોઈનાથી ઘૃણા કરતો નથી. એનામાં કોઈને માટે દોષદૃષ્ટિ રહેતી જ નથી. શ્રીમા શારદામણિદેવીએ કહ્યું છે, ‘કોઈના દોષ જુઓ મા, દોષ જુઓ તો પોતાના જુઓ.’ જો દોષદૃષ્ટિ નથી તો કોઈની નિંદા એ શી રીતે કરી શકે? જ્યારે આપણે કોઈની નિંદા કરીએ, ત્યારે એના માટે એના દોષનું ચિંતન કરવું પડે અને એટલા અંશે આપણી બુદ્ધિ જ કલુષિત થાય. જેણે પોતાનાં મન-બુદ્ધિ વિષ્ણુતત્ત્વને સમર્પિત કર્યાં છે એ કોઈના દોષ જોતો નથી, જોઈ શકતો નથી. એથી તો તુલસીદાસજીએ શબરી-ગીતામાં કહ્યું છે:

‘સપને હું નહિ દેખે પરદોષ.’ જેનામાં દોષદૃષ્ટિ જ નથી એ નિંદા કોની કરે?

વળી આવો વૈષ્ણવજન પોતાનાં વાણી-કર્મ-મન સદા નિર્મળ રહે એ માટે પૂરો જાગૃત હોય છે. ક્યાંયે વાણીમાં કલુષિતતા, કઠોરતા, અસત્ય ઉચ્ચારણ ન આવે; કર્મમાં સ્વાર્થ કે કુટિલતા ન હોય તથા મનમાં રાગદ્વેષ ન રહે એ માટે એ સદા સાવધ રહે છે, અને તેથી જ તેનાં વાણી-કર્મ-મન સદા વિષ્ણુતત્ત્વમાં જ પરોવાયેલાં રહે છે, જરાયે ચલિત થતાં નથી. આવો જે વૈષ્ણવજન છે એની માતાને ધન્ય છે!

“સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે;”

સમદૃષ્ટિ: સમદૃષ્ટિ ઠંડી-ગરમીમાં, સુખ-દુઃખમાં, માન-અપમાનમાં; ઠંડી-ગરમી શરીરના સ્તરે, સુખ-દુઃખ મનના સ્તરે, માન-અપમાન બુદ્ધિના સ્તરે; આ ઠંડી-ગરમી, સુખ-દુઃખ, માન-અપમાન મનુષ્યના જીવનમાં નિત્ય નિરંતર આવ્યા જ કરવાનાં. આ બધાંથી જો સતત હર્ષિત-વ્યથિત થતો રહેશે તો આ મનુષ્ય-જીવનમાં ખરેખર જે કરવાનું છે તે નહિ થઈ શકે. શ્રીરામકૃષ્ણે કહ્યું છે: ‘મનુષ્યજીવનનું ધ્યેય ઈશ્વર પ્રાપ્તિ છે.’

કેનોપનિષદ ‘જો આ ધ્યેય જીવનમાંથી ચૂકાઈ ગયું તો महति विनष्टि મહાવિનાશ’ એમ કહે છે. આપણે જ્યારે આપણી આજુબાજુ શરીર, મન, બુદ્ધિના સ્તરે સતત પરિવર્તનશીલ ઉપરોક્ત પરિબળોને સમસ્યા સમજી બેસીએ છીએ ત્યારે આપણું મન સતત અશાંત, ઉગ્ર, વ્યથિત રહેવાનું. પરંતુ જો આ પરિબળોને આપણે જીવનમાં આવતી અનિવાર્ય પરિસ્થિતિ તરીકે પ્રસન્નતાથી સ્વીકારી લઈએ, જો આ બધી પરિસ્થિતિ અંતે તો ઈશ્વર-ઇચ્છાથી જ આવતી હોવાથી પ્રસાદ-બુદ્ધિથી એમનો સ્વીકાર કરીએ તો જ આપણું મન સ્વસ્થ, શાંત બને અને આપણે એ સર્વવ્યાપક વિષ્ણુતત્ત્વ પ્રતિ અભિમુખ બની શકીએ. શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા કહે છે તેમ:

विद्याविनयसम्पन्ने ब्राह्मणे गवि हस्तिनि।
शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः॥

‘વિદ્યાવિનયસમ્પન્ન બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો કે ચાંડાલ—જે આ સર્વમાં સમાનરૂપે રહેલ પરમ-તત્ત્વને નિહાળે છે તે પંડિત છે. (શ્રી શંકરાચાર્ય પોતાના શબ્દોમાં આને ‘આત્મવિષયા’ બુદ્ધિ પણ કહે છે.)

‘वासुदेव: सर्वम्‌’ એ આ વૈષ્ણવજનની દૃષ્ટિ હોય છે, અને તેથી એ ‘સમદૃષ્ટિ’ હોય છે.

તૃષ્ણા ત્યાગી: આ વૈષ્ણવજનને પોતાની ભીતર રહેલા વિષ્ણુતત્ત્વ, સચ્ચિદાનંદ-તત્ત્વની અપરોક્ષ અનુભૂતિ થઈ હોય છે, અને તેથી એનું વ્યક્તિત્વ આંતરિક આનંદથી છલોછલ હોય છે. એને બાહ્ય પરિસ્થિતિમાં જે કંઈ મળે એમાં જ સંતોષ હોય છે. ‘આત્મવૃત્તિ’ હોય છે. આથી બાહ્ય સંબધો, પરિસ્થિતિ, પદાર્થો વગેરે માટે એને કોઈ ઝંખના, તૃષ્ણા થતી જ નથી. આવી તૃષ્ણા એના જીવનમાંથી સહજ રીતે જ ખરી પડે છે. શ્રીરામકૃષ્ણ કહેતા તેમ જેણે ખડી સાકરના શરબતનો સ્વાદ ચાખ્યો હોય એને ગંધાતા ગોળનું પાણી કેમ ભાવે?

પરસ્ત્રી જેને માત રે: આ વૈષ્ણવજનને કામિની-કાંચન જરાયે લોભાવી શકતાં નથી. સ્ત્રીમાત્રમાં એ જગદંબાનાં દર્શન કરે છે, એનો સહજ જ માતૃભાવ રહે છે.

જિહ્વા થકી અસત્ય ન બોલે: આ વૈષ્ણવજન ક્યારેય અસત્યનું ઉચ્ચારણ નહિ કરે. ‘સત્ય’ એ કલિયુગની તપસ્યા છે, એવું શ્રીરામકૃષ્ણ કહેતા. એમણે ધર્મ-અધર્મ, જ્ઞાન-અજ્ઞાન સર્વનો માનાં ચરણોમાં ત્યાગ કર્યો પરંતુ સત્યનો ત્યાગ ન કરી શક્યા. આ વૈષ્ણવજનમાં મન-વચન-કર્મની એકતા સહજ હોય છે અને તેથી એ ક્યારેય અસત્ય બોલે જ નહિ, બોલી શકે જ નહિ.

પરધન નવ ઝાલે હાથ રે: આ ભક્ત પોતે જ પોતાનામાં પૂરો સંતુષ્ટ હોવાથી એને કોઈ બાહ્ય પ્રાપ્તિ, ધન-સમૃદ્ધિની અપેક્ષા જ હોતી નથી. ઇશાવાસ્ય ઉપનિષદના શબ્દોમાં એનામાં ક્યારેય ગ્રાહ્યવૃત્તિ જાગશે જ નહિ.

‘સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે;’

મોહ-માયા વ્યાપે નહિ જેને: આ વૈષ્ણવજનને પરમ, સર્વવ્યાપક વિષ્ણુતત્ત્વ અપરોક્ષ અનુભૂતિથી પ્રાપ્ત થતું હોય છે, એને મોહ-માયા ક્યાંથી વ્યાપી શકે? મોહ હંમેશાં અજ્ઞાનમાંથી, અવિદ્યામાંથી જન્મે છે. જેનામાં પોતાના સાચા સ્વરૂપ વિશે, પોતાના જીવનના ધ્યેય વિશે પૂરી સ્પષ્ટતા છે એ કદી મોહવશ થશે જ નહિ.

દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે: આ ભક્તના ચિત્તમાં નિત્ય-અનિત્ય વિવેક, આત્મ-અનાત્મ ભાવ સતત ઝળહળતો હોય છે અને તેથી જે અનિત્ય છે, જે અનાત્મ છે તેને માટે સહજ રીતે જ એને કોઈ આકર્ષણ રહેતું નથી. ઇહલોકના કે પરલોકના કોઈ પણ પ્રકારના સુખભોગ માટે એને વૈરાગ્ય વૃત્તિ જ રહેવાની.

રામનામ શું તાળી લાગી: કહે છે ને, નામ અને નામી એક છે. માણ્ડૂક્ય ઉપનિષદ કહે છે તેમ ઓંકાર જેનું પ્રતિપાદન કરે છે એ બ્રહ્મતત્ત્વ, આત્મતત્ત્વ અને ઓંકાર એકરૂપ જ છે. આ વૈષ્ણવજનના ચિત્તમાં હરહંમેશ એ હરિનામ ઝંકૃત થતું રહેતું હોય છે. એ રામની સાથે એની તાળી લાગી છે. તાળી હંમેશાં બે વ્યક્તિની અપેક્ષા રાખે છે. વળી તાળી ઊછળતી પ્રસન્નતા દર્શાવે છે. આ ભક્તની હથેળીમાં જાણે કે શ્રીરામ સ્વયં ખુશી ખુશી તાળી આપતા રહે છે.

સકળ તીરથ તેના તનમાં રે: આવો ભક્ત તીર્થને પણ જાણે કે પાવન કરે છે. નારદ ભક્તિસૂત્ર કહે છે: ‘तीर्थी कुर्वन्ति तीर्थानि।’ આવા ભક્તની હાજરી તીર્થને આગવી પવિત્રતા આપી રહે છે. રાણી રાસમણિ દ્વારા સ્થાપિત દક્ષિણેશ્વરનું કાલીમંદિર તીર્થ તો હતું જ, પરંતુ શ્રીરામકૃષ્ણનું લીલાસ્થાન બનવાથી આજે એ જગપ્રસિદ્ધ તીર્થસ્થાન બની રહ્યું છે. એ જ રીતે તિરુવન્માલાઈમાં આવેલ અરુણાચલ પર્વત જે સાક્ષાત્‌ મહાદેવનું સ્વરૂપ કહેવાય છે, એનો મહિમા સમગ્ર વિશ્વમાં ત્યાં શ્રી રમણ મહર્ષિના નિવાસથી લોકો જાણતા થયા. આવા વૈષ્ણવજનના દેહમાં તો જાણે કે સકળ તીર્થ વસી રહ્યાં છે.

મોહ-માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામનામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે;

વણલોભી: આંતરિક સંતોષથી, પોતાના માંહ્યલા વૈષ્ણવ-તત્ત્વની પ્રાપ્તિથી જે છલોછલ છે, એને કશું જ પ્રાપ્ત કરવાનો લોભ તો ક્યાંથી જાગે?

કપટરહિત: વૈષ્ણવજનનું વ્યક્તિત્વ પારદર્શી, સરળ જ રહેવાનું. શ્રીરામકૃષ્ણ કહેતા કે અનંત જન્મોનાં પુણ્ય હોય તો માણસ સરળ બની શકે. જેનાં મન-વચન-કર્મ એકરૂપ છે, જે સર્વમાં પોતાને અને પોતાનામાં સર્વને જુએ છે, એનામાં કોઈ કપટ, કોઈને છેતરવાની વૃત્તિ ક્યારેય ઉદ્‌ભવી શકે ખરી?

કામ-ક્રોધ નિવાર્યાં રે: આ વૈષ્ણવજનને કોઈ સ્વાર્થજન્ય કામના રહેતી જ નથી. કામના હંમેશાં અપૂર્ણતાની ભાવનામાંથી; પોતાને, પોતામાં કશુંક ખૂટે છે એવી અનુભૂતિમાંથી જન્મતી હોય છે. આ વૈષ્ણવજન પૂર્ણત્વમાં, વિષ્ણુતત્ત્વમાં સ્થિત છે. ગીતાના શબ્દોમાં એણે પોતાના મનમાં ઉદ્‌ભવતી સર્વ કામનાઓનો પૂરેપૂરો ત્યાગ કર્યો છે. એ પોતાનામાં જ, પોતાના માંહ્યલા વિષ્ણુતત્ત્વમાં જ સર્વથા, સર્વદા સંતુષ્ટ છે, અને તેથી સ્થિતપ્રજ્ઞ છે.

જો કામ નથી, તો ક્રોધ ક્યાંથી હોય? ક્રોધ હંમેશાં કોઈ અપેક્ષા, કોઈ ઇચ્છા પૂરી ન થવાથી જન્મતો હોય છે. તો આ વૈષ્ણવજને કામ-ક્રોધ બંને નિવાર્યાં છે. નરસિંહ મહેતા કહે છે, આવા વૈષ્ણવજનનો જે કુળમાં જન્મ થયો હોય એની તો શું વાત કરવી? જેને એનાં દર્શન કરવાનું સદ્‌ભાગ્ય મળ્યું એનાં પણ એકોતેર કુળ તરી જાય!

અહીં એક સૂચન કરવાનું મન થાય છે કે નરસિંહ મહેતાના આ પ્રસિદ્ધ પદમાં વૈષ્ણવજનના ૧૭ ગુણો દર્શાવ્યા છે. આ દરેક સદ્‌ગુણની સામે આપણી અત્યારની સ્થિતિને જો અંતરમાં ઝાંખીને માપીએ તો સાધનામાં ભારે મદદરૂપ થાય.

ધારો કે દરેક સદ્‌ગુણના ૧૦૦ ગુણ રાખી, આપણે આપણું પોતાનું જ મૂલ્યાંકન કરીને એની સામે આપણને મળતા ગુણ પ્રામાણિકતાપૂર્વક મૂકતા જઈએ તો સમગ્રત: જે ટકાવારી આવે એ આપણામાં ‘વૈષ્ણવજન’પ્રગટ કરવાની આપણી યાત્રા ક્યાં સુધી પહોંચી એ સ્પષ્ટ કરી આપે.

છેલ્લી પંક્તિઓ :

વણલોભી ને કપટરહિત છે, કામ, ક્રોધ નિવાર્યાં રે;
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યાં રે.

Total Views: 62

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.