(જ્યાં સ્વામી વિવેકાનંદ વડોદરામાં ઊતર્યા હતા તે પાવનકારી સ્થળ-ઐતિહાસિક દિલારામ બંગલો તા. ૧૮મી એપ્રિલ, ૨૦૦૫ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રામકૃષ્ણ મઠ અને મિશનને સોંપવામાં આવ્યો હતો તે પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના સહાધ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદજીએ આપેલ પ્રવચન અહીં પ્રસ્તુત છે. – સં)
આજની સભામાં ઉપસ્થિત બધાં ભાઈઓ-બહેનો, માતાઓ અને વડીલો તેમજ આ રાજ્યના મુખ્યમંત્રીશ્રી, આજ તો ઘણા આનંદની વાત છે. મને આજે કેટલો આનંદ થાય છે તે હું તમને સમજાવી શકું તેમ નથી. અંગ્રેજીમાં એક કહેવત છે- ‘When heart is full, words are few- જયારે હૃદય આનંદથી છલકાઈ જાય છે ત્યારે તે બહુ જૂજ શબ્દો ઉચ્ચારે છે.’ બસ! આવું જ થઈ જાય છે. અને રાજ્યના મુખ્યમંત્રી શ્રીનરેન્દ્રભાઈએ જે બધી વાતો કહી એમાં બધું જ આવી ગયું છે. વિવેકાનંદ તો નરેન્દ્ર હતા (સ્વામીજીનું નામ નરેન્દ્ર હતું) એવો ક્યારેક વિચાર કરું છું અને હું અત્યંત આશ્ચર્ય અનુભવું છું. પણ આ નરેન્દ્ર બોલો હા… બીજા કોઈનાથી ન થયું, કોઈના સમયમાં ન થયું તે આજ નરેન્દ્ર (કરી શકે)!
આ નરેન્દ્રે સંસાર નથી કર્યો. તે મુખ્યમંત્રી છે, બધું રાજકાજ સંભાળે છે, પણ એકલા જ, હોં. હા, આધ્યાત્મિકતાની બાબતમાં મને ખબર નથી પણ તેમનાથી વધારે થઈ શકે તેમ છે. કારણ એ કોઈ ગરબડવાળા માણસ નથી. એ તો સેવા (સેવાના માણસ છે)… એમને સેવામાં મજા આવે છે. એમની ભીતર એક દીવડો જલે છે, એ પ્રદીપ છે. એ જ્યોત-વિવેકાનંદ જ્યોત એના દીલની ભીતર જલે છે અને એ રીતે લોકોની સેવા કરે છે.
આપણા દેશ માટે તો છે જ, પણ આખાયે વિશ્વ માટે સ્વામીજીનો સંદેશ, એમના બધા ઉદ્ગારો એ સૌના મંગલ કલ્યાણો માટે છે. અને વડોદરા જેવું આ સ્થળ કે જે મારા વિચાર પ્રમાણે સમગ્ર ગુજરાતમાં કલ્ચરવાળું છે, સંસ્કૃતિવાળું છે અને એની એક વિશેષ ઓળખાણ અહીં મળે છે. અત્યાર સુધી અહીં એક પણ સેન્ટર ન બન્યું, એ આશ્ચર્યની વાત છે. પણ આજે ભગવાનની કૃપા કે એ ઇચ્છા પૂર્ણ થઈ છે.
આજે અહીં તમારું કેન્દ્ર બની ગયું છે. મુખ્યમંત્રીશ્રીએ બધી રીતે મદદ કરી છે. બેલુર મઠ હેડક્વાર્ટરે પણ એ માની લીધું છે. હવે કામ શરૂ થાય છે. મારે તમને એક વિશેષ વિનંતી કરવી છે કે આપણું આ કેન્દ્ર થઈ ગયું, એટલે ઉત્સવ મનાવાય, મીઠાઈ વહેંચાય, ત્યારે દોડવું એવું નહીં. તમે લોકો વડોદરાનું જે રીતનું કલ્ચર છે એ રીતે તેનો ઉપયોગ કરજો.
ત્યાં રેગ્યુલર ચર્ચા થાય, પછી રિટ્રીટ-આધ્યાત્મિક શિબિર કરો, ધ્યાનાદિ-ગાઈડેડ મેડિટેશન કરો, આવું બધું કરતા રહો. એનાથી તમને બધાને લાભ મળશે. આવા એક સુસંસ્કૃત નગરની પ્રજાએ આવી રીતે પોતાનું જીવન તૈયાર કર્યું હશે, તો તેનાં સુફળ ચારે તરફ ઊગી નીકળશે ને? અને એ બધું થાય તો જ સફળ.
મુખ્યમંત્રીશ્રીએ આ આપી દીધું, બધી રીતે એમણે મદદ આપી છે અને હજુ પણ આપશે, એમાં મને કોઈ શંકા નથી. તેનો સદુપયોગ કરજો. ભગવાન શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામીજી તેમજ બધા સાધકો તમને આશીર્વાદ અર્પે, તમારું જીવન ધન્ય બની જાય એવી શુભેચ્છા.
આ કેન્દ્ર એક આધ્યાત્મિક ડાયનેમો બની જાય એ જ મારી પ્રાર્થના છે અને ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું છું. તમે બધા આગળ ધપો એવી પ્રાર્થના પણ કરું છું. જય ઠાકુર! જય મા!
Your Content Goes Here




