(લેખકશ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને વરેલા છે. તેઓ રામકૃષ્ણ સંઘ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે. વડોદરા કેન્દ્રના સંચાલનમાં પ્રારંભથી જ તેમની ભૂમિકા મહત્ત્વની રહી છે. – સં)

વડોદરામાં રામકૃષ્ણ મઠ-મિશનની શાખા શરૂ થાય તેવા હેતુથી રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રની સ્થાપના તા. ૪-૯-૧૯૬૯, સંવત ૨૦૦૫, શ્રાવણ વદ આઠમ, ગુરુવાર, શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના તત્કાલીન અધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ વકીલ શ્રીગોરધનભાઈ પટેલે કરી હતી. કેન્દ્રનું કાર્યાલય ચાર રસ્તા પર આવેલી તેઓની ૮ × ૬ ફૂટની (કોઠી)ઓફિસમાં રાખવામાં આવ્યું હતું. આ અરસામાં સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશમાંથી પ્રેરણા લઈને થોડા યુવાનો કેન્દ્ર સાથે જોડાયા. સમયાંતરે ઘણા મિત્રો, શુભેચ્છકોનો આ કાર્યમાં સાથ સહકાર મળતો ગયો. સ્વામી વિવેકાનંદની ચરણધૂલિથી પાવન થયેલ દિલારામ બંગલો મેળવવાની સૌ પ્રથમ અરજી તા. ૩૦-૧૨-૧૯૭૪ના રોજ કરવામાં આવી.

સંજોગોને આધીન ૧૯૭૭માં કેન્દ્રનું કાર્યાલય બદલવાની જરૂરિયાત ઊભી થઈ. મુકુંદ શરદચંદ્ર દેવના મકાનમાં ૧૦ × ૮ ફૂટના ઓરડામાં, સીતારામ બુવાનો વાડો, રાવપુરા ખાતે, ૧૯૮૪ સુધી કેન્દ્રનું કામકાજ ચાલ્યું. કેન્દ્રની આ નાની ઓફિસમાં ૧૯૮૦-૮૧માં શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ પધાર્યા હતા અને વડોદરામાં ચાલતી કેન્દ્રની પ્રવૃત્તિઓની માહિતી મેળવીને માર્ગદર્શન આપ્યું હતું.

હવે કેન્દ્રને પોતાની માલિકીના મકાનની જરૂર હતી. શહેરની મધ્યમાં લકડીપૂલ, દાંડિયાબજાર, અંબિકા એપાર્ટમેન્ટમાં ૨૫ × ૧૨ ફૂટનો રૂમ વેચાણથી લીધો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના તત્કાલીન અધ્યક્ષ સ્વામી વ્યોમાનંદજી મહારાજના હસ્તે હૉલનું ઉદ્‌ઘાટન તા. ૧૯ ડિસેમ્બર, ૧૯૮૪ના રોજ કરવામાં આવ્યું.

વડોદરામાં રામકૃષ્ણ મઠ-મિશનની શરૂઆત થઈ ત્યાં સુધી આ સ્થળેથી કેન્દ્રની પ્રવૃત્તિઓનું સંચાલન થયું.

અહીં શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદના જીવનકાર્ય અને સંદેશના પ્રચાર-પ્રસારની સાથે સાથે આધ્યાત્મિક, શૈક્ષણિક, મેડિકલ તેમજ યુવાનોને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ શરૂ થઈ. દર એકાદશીએ શ્રીરામનામ સંકીર્તન, અંતરંગ શિષ્યોના જન્મદિનની તથા રાષ્ટ્રિય યુવા દિનની ઉજવણી, વાર્ષિકોત્સવ, શ્રીઠાકુર, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના જન્મોત્સવની ઉજવણી; શાળા તથા કોલેજોમાં નિબંધ, વક્તૃત્વ વગેરે સ્પર્ધા; બાળકો માટે તરણ સ્પર્ધા, પુસ્તક પ્રદર્શન-વેચાણ, કાર્યશાળા જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ શરૂ થઈ.

કેન્દ્રની શરૂઆતથી જ અનેક ભક્તોએ તન-મન-ધનથી શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પાયો નાખવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. જ્યારે જયારે જેવી જેવી જરૂરિયાત ઊભી થઈ ત્યારે ત્યારે ભક્તોએ એક સાથે એને પૂરી પાડવા પાછું વાળીને જોયું નથી.

વર્ષ ૨૦૦૩માં કલાલી ગામે શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટની બાજુમાં જમીન વેચાણથી લીધી.

શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના બેલુર મઠ, કોલકાતાથી તેમજ શ્રીરામકૃષ્ણ આશ્રમની અન્ય શાખાઓમાંથી પણ ઘણા સંન્યાસીઓએ વડોદરાની મુલાકાત લીધી હતી. આ સમયના મુખ્ય પ્રસંગો નીચે પ્રમાણે છે :

શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે વડોદરાની વારંવાર મુલાકાત લીધી હતી. દાંડિયાબજારમાં, બદામડી બાગમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ૧૯૯૪માં તેઓ વડોદરા પધાર્યા હતા.

કેન્દ્રના આગ્રહને માન આપીને વર્ષ ૨૦૦૪માં તેઓ ફરી વડોદરા પધાર્યા હતા. ગાંધીનગર ગૃહ ખાતે ભવ્ય સમારોહમાં તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના અનેક પ્રતિષ્ઠિત નાગરિકો, લોકસેવકો તથા પદાધિકારીઓએ મહારાજનું સ્વાગત કર્યું હતું.

શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજનું પ્રવચન ન્યાયમંદિર સેન્ટ્રલ હૉલમાં ૧૯૭૩માં યોજાયું હતું. શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજની પાંચ દિવસ માટે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ તેમજ ‘The Spiritual Heritage of India from Ancient Days till Today’ વિષય પર પ્રવચન-શ્રેણી અનુક્રમે ૧૯૭૮ અને ૧૯૮૦માં ન્યાયમંદિર સેન્ટ્રલ હૉલ ખાતે યોજાઈ હતી.

પૂજ્ય સ્વામી વ્યોમાનંદજી મહારાજની ‘શ્રીરામચરિત માનસ’ વિષય પર પ્રવચનશ્રેણી પારસી અગિયારી, સયાજીગંજ ખાતે યોજાઈ હતી. અન્ય અનેક સંન્યાસીઓએ પોતાનાં જાહેર પ્રવચનો, વાર્તાલાપો, આધ્યાત્મિક શિબિરો દ્વારા વડોદરાના ભક્તોને ધર્મલાભ આપીને રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનું સિંચન કર્યું હતું.

આ સમયગાળામાં પૂજ્ય સ્વામી સ્મરણાનંદજી મહારાજ, પૂજ્ય સ્વામી પ્રભાનંદજી મહારાજ, પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજ, પૂજય સ્વામી અકામાનંદજી મહારાજ, પૂજ્ય સ્વામી મુમુક્ષાનંદજી મહારાજ, પૂજય સ્વામી ચિન્મયાનંદજી મહારાજ, પૂજ્ય સ્વામી શિવમયાનંદજી મહારાજ, પૂજ્ય સ્વામી શ્રીકરાનંદજી મહારાજ, તેમજ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ સહિત ઘણા વરિષ્ઠ સંન્યાસીઓ વડોદરા પધાર્યા હતા.

દિલારામ બંગલો કેન્દ્રને સોંપવાની માગણી ચાલુ જ હતી. ૧૯૭૪ પછી ફરી ૧૯૯૮-૯૯માં પણ કેન્દ્રે દિલારામ બંગલો મેળવવા માટે પ્રયત્નો કર્યા.

અંતે વર્ષ ૧૯૭૪નું સ્વપ્ન ૧૮ એપ્રિલ, ૨૦૦૫ના રોજ સાકાર થયું. સ્વામી વિવેકાનંદની ચરણધૂલિથી પવિત્ર થયેલ ‘દિલારામ બંગલો’ સરકારશ્રીએ રામકૃષ્ણ મઠ-મિશનને સોંપી દીધો.

જે હેતુથી વડોદરામાં રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રની સ્થાપના થઈ હતી તે હેતુ શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીની કૃપાથી પાર પડતાં ૨૦૦૬માં રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રે તેની સ્થાવર-જંગમ-જમીન સહિતની તમામ મિલકત રામકૃષ્ણ મઠ, વડોદરાને ‘Handing over ceremony’માં સોંપી દીધી. આમ, રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રરૂપી ઝરણું રામકૃષ્ણ મઠ-મિશનરૂપી સમુદ્રમાં એકાકાર થઈ ગયું.

Total Views: 9

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.